‘સત્યના પ્રયોગો
અથવા
આત્મકથા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૪૬. અસીલ જેલમાંથી કેમ બચ્યો ?
પારસી રુસ્તમજીના નામથી તો આ પ્રકરણો વાંચનાર સારી પેઠે વાકેફ છે. પારસી રુસ્તમજી એકીવખતે અસીલ અને જાહેર કામમાં સાથી બન્યા, અથવા તેમને વિશે તો એમ
પણ કહેવાય કે તે પ્રથમ સાથી બન્યા ને પછી અસીલ. તેમનો વિશ્વાસ મેં એટલે લગી સંપાદન કર્યો હતો કે તેમના ખાનગી ઘરવ્યવહારમાં પણ તે મારી સલાહ માગતા ને તેને અનુસરતા. તેમણે દરદ થાય તોપણ તેમાં મારી સલાહની જરૂર જણાતી, ને અમારી રહેણી વચ્ચે ઘણો તફાવત હોવા છતાં તે મારા ઉપચારોનો અમલ પોતાને વિશે કરતા.
આ સાથી ઉપર એક વેળા મોટી આપત્તિ આવી પડી. જોકે પોતાના વેપારની પણ ઘણી વાતો કરતા છતાં એક વાત તો તેમણે મારાથી છુપાવી હતી. પારસી રુસ્તમજી
દાણચોરી કરતા. મુંબઈ-કલકત્તાથી માલ મંગાવતા તેને અંગે આ ચોરી થતી. બધા અમલદારોની સાથે તેમને સારો બનાવ હતો, તેથી કોઈ તેમની ઉપર શક ન જ લાવે. જે ભરતિયાં તે રજૂ કરે તેની ઉપર દાણની ગણતરી થાય. એવાયે અમલદારો હશે કે જેઓ તેમની ચોરી પ્રત્યે આંખમીંચામણી પણ કરતા હોય.
પણ અખાની વાણી તે કંઈ ખોટી પડે ? ---
‘કાચો પારો ખાવો અન્ન, તેવું છે ચોરીનું ધન.’
પારસી રુસ્તમજીની ચોરી પકડાઈ, મારી પાસે દોડી આવ્યા. આંખમાંથી આંસુ ઝરે છે, ને પારસી બોલે છે : ‘ભાઈ, મેં તમને છેતર્યા છે. મારું પાપ આજે ઉઘાડું પડ્યું છે. મેં દાણની
ચોરી કરી છે. હવે મારે નસીબે તો જેલ જ હોય. અને હું તો પાયમાલ થવાનો. આ આફતમાંથી તો તમે જ મને બચાવી શકો. મેં તમારાથી કંઈ છુપાવ્યું જ નથી. પણ વેપારની
ચોરીમાં તમને શું કહેવું હોય, એમ સમજી મેં આ ચોરી છુપાવી. હવે પસ્તાઉં છું.’
મેં ધીરજ આપી ને કહ્યું : ‘મારી રીત તો તમે જાણો છો. છોડાવવું ન છોડાવવું તો ખુદાને હાથ છે. ગુનો કબૂલ કરીને છોડાવય તો જ હું તો છોડાવી શકું.’
આ ભલા પારસીનું મોં પડ્યું.
‘પણ મેં તમારી પાસે કબૂલ કર્યું એટલું બસ નહીં ?’ રુસ્તમજી શેઠ બોલ્યા.
‘તમે ગુનો તો સરકારનો કર્યો, ને મારી પાસે કબૂલો તેમાં શું વળે ?’ મેં હળવે જવાબ વાળ્યો.
‘મારે છેવટે કરવું તો છે તેમ કહો તે જ, પણ મારા જૂના વકીલ -- છે તેમની સલાહ તો લેશો ના ? એ મારા મિત્ર પણ છે,’ પારસી રુસ્તમજીએ કહ્યું.
તપાસ કરતાં જોયું કે ચોરી લાંબી મુદત ચાલી હતી. પકડાયેલી ચોરી તો થોડી જ હતી. જૂના વકીલની પાસે અમે ગયા. તેમણે કેસ તપાસ્યો. ‘આ કેસ જૂરી પાસે જવાનો.
અહીંના જૂરર હિંદીને શાના છોડે ? પણ હું આશા તો નહીં જ છોડું,’ વકીલ બોલ્યા.
આ વકીલની સાથે મને ગાઢ પરિચય નહોતો. પારસી રુસ્તમજીએ જ જવાબ આપ્યો : ‘તમારો આભાર માનું છું. પણ આ કેસમાં મારે મિ.ગાંધીની સલાહ પ્રમાણે ચાલવું છે. તે મને વધારે ઓળખે. તમે એમને સલાહ આપવી ઘટે તે આપતા રહેજો.’
આમ ભીનું સંકેલી અમે રુસ્તમજી શેઠની દુકાને ગયા.
મેં સમજાવ્યું : ‘આ કેસ કોર્ટમાં જવાને લાયક નથી માનતો. કેસ કરવો ન કરવો દાણી અમલદારના હાથમાં છે. તેને પણ સરકારના મુખ્ય વકીલની સલાહ પ્રમાણે ચાલવું પડશે. હું બન્નેને મળવા તૈયાર છું. પણ મારે તો તેઓ નથી જાણતા એ ચોરીની પણ કબૂલાત આપવી પડશે. તેઓ ઠરાવે તે દંડ આપવાનું હું કબૂલ કરવા ધારું છું. ઘણે ભાગે તો તેઓ માનશે. પણ કદાચ ન માને તો જેલને સારુ તૈયાર રહેવું જોઈએ. મારો તો અભિપ્રાય છે કે લજ્જા જેલ જવામાં નથી પણ ચોરી કરવામાં છે. લજ્જાનું કામ તો થઈ
ચૂક્યું. જેલ જવું પડે તો તે પ્રાયશ્ચિત સમજજો. ખરું પ્રાયશ્ચિત તો હવે પછી દાણચોરી ન કરવાની પ્રતિજ્ઞામાં છે.’
આ બધું રુસ્તમજી શેઠ બરોબર સમજ્યા એમ હું ન કહી શકું. તે બહાદુર માણસ હતા. પણ આ વખતે હારી ગયા હતા. તેમની પ્રતિષ્ઠા જવાનો સમય આવ્યો હતો. અને કદાચ તેમણે જાતમહેનતથી બાંધેલો માળો વીંખાઈ જાય તો ?
તે બોલ્યા : ‘મેં તમને કહ્યું છે કે મારું માથું તમારે ખોળે છે. તમારે જેમ કરવું હોય
તેમ કરો.’
મેં આ કેસમાં મારી બધી વિનયની શક્તિ રેડી. હું અમલદારને મળ્યો. બધી ચોરીની વાત નિર્ભયપણે તેને કહી. ચોપડા બદા બતાવવાનું કહ્યુંને પારસી રુસ્તમજીના પશ્ચાતાપની વાત પણ કરી.
અમલદારે કહ્યું : ‘હું એ પુરાણા પારસીને ચાહું છું. તેણે મૂર્ખાઈ તો કરી છે. પણ
મારો ધર્મ તો તમે જાણો છો. મારે તો વડા વકીલ કહે તેમ કરવું રહ્યું. એટલે તમારી સમજાવવાની શક્તિનો ઉપયોગ તમારે તેમની સાથે કરવો રહ્યો.’
‘પારસી રુસ્તમજીને અદાલતમાં ઘસડી જવાનું દબાણ ન થાય તો મને સંતોષ છે,’
મેં કહ્યું.
આ અમલદારની પાસેથી અભયદાન મેળવી મેં સરકારી વકીલ સાથે પત્રવ્યવહાર
ચલાવ્યો. તેમને મળ્યો. મારે કહેવું જોઈએ કે મારી સત્યપ્રિયતા તે જોઈ ગયા. હું કાંઈ
નહોતો છુપાવતો એમ તેમની પાસે સિદ્ધ કરી શક્યો.
આ કે કોઈ બીજા કેસમાં તેમના પ્રસંગમાં આવતાં તેમણે મને પ્રમાણપત્ર આપ્યું :
‘હું જોઉં છું કે તમે ‘ના’નો જવાબ તો લેવાના જ નહીં.’
રુસ્તમજીએ પોતાની દાણાચોરીનો કિસ્સો લખી કાઢી કાચમાં જડાવ્યો, ને પોતાની ઑફિસમાં ટાંગી તેમના વારસો ને સાથી વેપારીઓને ચેતવણી આપી.
રુસ્તમજી શેઠના વેપારી મિત્રોએ મને ચેતવ્યો : ‘આ ખરો વૈરાગ્ય નથી, સ્મશાનવૈરાગ્ય છે.’
આમાં કેટલું સત્ય હશે એ હું નથી જાણતો.
આ વાત પણ મેં રુસ્તમજી શેઠને કરી હતી. તેમનો જવાબ આ હતો : ‘તમને છેતરીને હું ક્યાં જઈશ ?’