નસીમ (NASEEM) Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીમ (NASEEM)

નસીમ

(NASEEM)

હું અને કાળી વહેલી સવારે લગભગ સાડાચાર-પાંચ વાગ્યે બસ સ્ટેશન જવા ઘેરથી નીકળ્યા.

નજીક ના જ ગામે સગાને ત્યાં શાદી હતી. હું ફક્ત કાળીને માટે જ સાથે જઈ રહ્યો હતો. તેને શાદીમાં, સામાજિક પ્રસન્ગોમાં જવું, ફરવું, મસ્તી-મજા કરવી ખુબ ગમે છે. જયારે હું આ બધાથી દૂર ભાગનારો છું.

માંનો ફોન કાળી પર આવ્યો કે તમે જશો કે ભાઈ-ભાભીને મોકલું? તરત જ કાળી એ અમે જઈશું એમ કહી દીધું. આજે પણ તે ખુશ હતી, તેની ખુશી માટે, કાળી માટે હું કઈ પણ કરવા તૈયાર હતો.

અમારી શાદીને સાત મહિના જ થયા હતા. ગયા વર્ષે જૂન 2002 માં થયેલી. અમે લવ મેરેજ કર્યા હતા.

ના, પહેલા લવ કર્યો ને પછી મારી-મચડીને, ખુબ નાટકો કરીને મેરેજ એરેન્જ કરાવ્યા હતા. મારી ફેમિલીમાં કોઈ વિરોધ નહોતો, પણ તેના ઘરવાળાઓને હું પસંદ નહોતો, સાચું કારણ ખબર પડી નહિ, ને કાળીને જયારે પણ પૂછતો કે કેમ હું તારા ઘરવાળાને ગમતો નથી? મારામાં શું ભૂલ છે? ત્યારે ત્યારે કાળી વાત મજાકમાં ઉડાવી દેતી, ને કહેતી કે તું 'પાવલી કમ' છે, એટલે ના પાડે છે. હું કહેતો કે તારો બાપ દહેજ બચાવવા નાટક કરે છે. આજના બજાર ભાવ મુજબ હું પાંચ પેટી નો તો ખરો જ....

જો તેના ઘરવાળા ના માનતા તો પણ અમે શાદી તો કરતા જ.. અને તેમ કરતા અમને કોઈ રોકી શકે તેમ નહોતું. આ તો કાળીની ઈચ્છા હતી કે મરજી અને મનમેળથી થાય તો સારું.. અને કાળીની જીદ સામે તેઓ કમને પણ ઝૂકી ગયા...

અમારો રોમાન્સ ત્રણ વર્ષ ચાલ્યો, હજુ અમે હનીમૂન ના નશા માંથી બહાર આવ્યા નહોતા, આખી દુનિયા અમને ખુબસુરત અને રંગીન લગતી હતી. જોકે મારી આર્થિક સ્થિતિ સામાન્ય હતી, તોયે અમે ખુશ હતા.

આજે ઠંડી ઓછી હતી, અજવાળું બસ આ બે-ચાર રડ્યા-ખડ્યા તારાઓને ઘેર જવાની જ વાટ જોતું હતું. સામાનમાં અમારી પાસે કાળીની હેન્ડ-બેગ સિવાય કશું નહોતું, તે ત્યાં જઈને કપડાં બદલવાની હતી એટલે એક જોડ કપડાં, મેકઅપ બોક્સ ને એવું બધું જ હતું. સાંજે તો અમે પાછા આવી જવાના હતા.

કાળી ખુબ ઉત્સાહિત હતી, થનગનતી, ઉછળતી, મારાથી આગળ નીકળી જતી હતી. હું નજીક આવતો તો તે ફરી આગળ જતી. એમ કહી શકો કે હું તેના હિલોળા લેતા નિતંબો ને ઉછળતા વાળ જોવા માટે પાછળ રહેતો હતો. તેણે ચપોચપ શરીરના વળાંકો પર બેસી જાય એવો પંજાબી ડ્રેસ પહેર્યો હતો.

હું સિગારેટ સળગાવવા રોકાયો, કાળી સહેજ આગળ જઈ ને ઉભી રહીને બોલી -

''ઝડપ કર, બસ નીકળી જશે.''

''વહેલી ઉઠવું જોઈએને.... બસ નીકળી જાય તો સારું, આમેય મારી ઈચ્છા નથી, એક તો ઠંડી લાગે છે, ને પાછી ચા પણ નથી પીધી.''

''ચા બનાવવા રહેતી તો મોડું થઇ જતું.''

''બનાવી શકતી હતી, જો તું તૈયાર થવામાં અડધો-પોણો કલાક ના બગાડતી તો.....ને અડધો કલાક પછીયે ફાયદો શું? અંધારામાં તો તું જોવાતી જ નથી... હમણાં ઝાંખું અજવાળું છે ને સ્ટ્રીટ લાઈટ ચાલુ છે તો ય તું ક્યાં બરાબર જોવાય છે?''

''હોવે, ચાલ સૂપડા કાન ના.... હોશિયારી તો એવી મારે છે, કે પોતે તો જાણે રૂપ રૂપ નો અંબાર હોય...તારા કરતા તો દસ ગણી સારી છું, ના વિશ્વાસ હોય તો રસ્તે ચાલતા કોઈને પણ પૂછી ને કન્ફર્મ કરી શકે છે.''

''ડોબી, મોટા કાન તે ઊંચી બુદ્ધિમત્તા અને મહાન માણસોની નિશાની છે, બુદ્ધ અને મહાવીરના કાન પણ મોટા હતા. ને તું જોતી નથી સ્ટાર-ટ્રેક ના કેપ્ટ્ન સ્પોકના કાન પણ કેટલા મોટા છે.''

'' હા, હવે એ પણ કહી દે કે આ તારું લાબું નાક શાની નિશાની છે???''

જોકે હું મજાક કરતો હતો, હકીકતમાં કાળી સાચે જ ખુબસુરત છે. આજે તો તેણે મારી પસંદ ના સિલ્વર કલર થી હાથ-પગ ના નેઇલ્સ પોલિશ કર્યા હતા, જે તેના સ્કિન ટોન સાથે ગજબનો કોન્ટ્રાસ્ટ રચતા હતા.

ઉછળતી, કૂદતી, થનગનતી, બિન્દાસ, નાદાન ને મોટા મોટા સપનાઓ સજાવીને બેઠેલી કાળીના આંતરિક રૂપ ના આજે મને દર્શન થવાના હતા.... જાલિમ અને બેરહેમ દુનિયાની કઠોર વાસ્તવિકતાનો સામનો થાય છે ત્યારે જ વ્યક્તિની સાચી ઓળખ મળે છે

ખૈર, મુખ્ય રસ્તા સુધી ચાલીને જઈએ તો જ રીક્ષા મળે તેમ હતી. અને ઘરથી મુખ્ય રસ્તા સુધી જવા ત્રણ-ચાર મોહલ્લા અને ગલીઓ વટાવીને જવાતું હતું. આમ તો લગભગ બધું સુમસામ હતું, પણ અમુક ઘરોની લાઈટ બળતી હતી, ડોહા-ડોહીઓ જ ઉઠ્યા હશે....

એક ગલીમાં નવું મકાન બની રહ્યું હતું, તેના પાયા ના ચોરસ ખોદેલા ખાડામાં પાંચ-છ લોકો ઝૂકીને જોઈ રહ્યા હતા, હજુ બરાબર અજવાળું થયું નહોતું. અમારે મોડું થતું હતું તો પણ કાળી નાની બાળકી જેવી કુતુહલતાથી દોડી ને ખાડામાં જોયું ને '' ઓ અ અ અ માં'' કહીને ચીસ પાડી, હું પણ દોડીને જોયું તો મને 440 વોલ્ટનો ઝાટકો લાગ્યો.

ખાડામાં બે નવજાત બાળકો બિલકુલ નગ્ન હાલતમાં પડ્યા હતા. તાજા જન્મેલા જોડિયા લાગતા હતા. હું ચિલ્લાયો ''જોયા શું કરો છો? કોઈ એમને બહાર કાઢો’’ કહીને હું લગભગ આઠ ફૂટ ઊંડા ખાડામાં કુદ્યો.

બંને છોકરી હતી, એક છોકરી નું શરીર બિલકુલ ઠંડુ હતું, મને ખબર પડી ગઈ કે તેનું મૃત્યુ થયું હતું, પહેલીવાર હું લાશને હાથ લગાવી રહ્યો હતો..ને બીજી જે છોકરી હતી તેનું શરીર સખત ગરમ હતું ને તે બેહોશ હતી. હું ઉપર કાળી સામે જોયું, તે સમજી ગઈ ને આજુ-બાજુ ફાંફા મારીને કશું શોધવા લાગી, ને પછી પોતાનો દુપટ્ટો ફેંક્યો, હુંએ બેભાન બાળકીને બરાબર દુપટ્ટા માં લપેટી. પહેલા મેં મૃત બાળકી ની નગ્ન લાશ ને ઊંચકીને હાથ ઉપર કર્યા, પણ કોઈએ તેને લેવા માટે હાથ લંબાવ્યો નહિ ને બધા પાછળ ખસી ગયા.

કાળી ખાડાની ધારે ઘુંટાણીયે પડી ને મારા હાથમાંથી લાશ લીધી ને જમીન પર સુવડાવી, હવે મેં બાળકીને ઉંચી કરી, કાળી એ તેને લઈને છાતીએ વળગાડી. હું ખાડામાંથી બહાર આવ્યો ને મેં લાશ ઉઠાવી અને અમે બંને લગભગ દોડતા રીક્ષા સુધી ગયા.

રીક્ષા માં હું બાળકીની માં ને ગાળો બોલવા લાગ્યો, તેના બાપને ગાળો આપી, આખા સમાજને ગાળો આપી, અને થૂંક્યો, હું એવા સમાજમાં રહું છું કે જે માને પોતાના બાળકો ફેંકી દેવા મજબુર કરે છે.

મેં કાળીના ખોળામાં સુતેલી બાળકીને જોઈ, મને તેના હોંઠ ચૂમવા-ચૂસવા હતા, પણ તેને કદાચ મારા મોં નું ઇન્ફેક્શન લાગવાના ડરથી ફક્ત તેના ગાલ પર હાથ ફેરવ્યો, ગુલાબના ફૂલો ને અડકતા જેવી થાય એવી મને લાગણી થઇ. માંડ દોઢ કિલોની હશે. તેની આંખો બંધ હતી, તેના પગના નાના નાજુક પંજાને ચૂમ્યો ને મારા માથા પર લગાડ્યો.

કાળી મારા ખોળામાં પડેલી મૃત બાળકી તરફ ઈશારો કરીને બોલી '' ખરેખર મરી ગઈ છે કે હજુ કઈ આશા છે?''

મેં માથું ધુણાવીને ના પાડી.

બેભાન બાળકીને જોઈને મને એટલી તો ખબર પડતી જ હતી કે ખાડામાં ફેંકવાથી તેનો ડાબો પગ ઢીચણ માંથી તૂટી ગયો હતો, પણ બીજે ક્યાં અને કેટલું વાગ્યું છે તે જોવાતું કે ખબર પડતી નહોતી. કાળીએ બાળકીના ઢીચણ માંથી લબડતા તૂટેલા પગને ખુબ જ સલુકાઈથી એક નર્સની જેમ દુપટ્ટાથી લપેટ્યો હતો.

કાળીની સામે હું રડવા માંગતો નહોતો, મને યાદ નથી કે સમજણો થયા પછી હું રડ્યો હોઉં.. બાપના મોત વખતે પણ કોશિશ કરવા છતાં મારાથી રડાયું નહોતું. હમણાં હું રડતો હતો તે કબૂલતો પણ નથી..પણ મારી જાણ બહાર મારી આંખ માંથી પાણીના રેલા દડતાં હતા ને મોં માંથી ગંદી ગાળોનો ફુવારો ઉડતો હતો. કાળી આશ્ચર્ય થી મને તાકી રહી હતી.

હોસ્પિટલ પહોંચીને હું એ આખી હોસ્પિટલ ગજાવી નાખી, ડ્યુટી પરના ડોક્ટરે બાળકોના ડોક્ટરને ઉઠાડ્યા, ડોક્ટરને બધી માહિતી આપી, ને તેમણે તાત્કાલિક બાળકીની સારવાર ચાલુ કરી અને મને રીસેપ્સન પર મોકલ્યો.

બાળકી ની સારવાર ચાલુ થઇ ગઈ હોવાથી હવે અમે બંને થોડા રિલેક્ષ થયા હતા, કાળીએ તેના રૂમાલથી મારુ મોઢું સાફ કર્યું ને બોલી ''હવે જરાય ચિંતા નથી, બધું સારું થઇ રહ્યું છે.''

ખૈર અમે રીસેપશન પર આવ્યા, રીશેપ્શનીસ્ત બોલી-

''ખર્ચ કોણ આપશે?''

'' હું આપીશ.. બીજું કોણ? કેટલા થશે?''

''હમણાં કશું કહી શકાય નહિ, પણ તમે હાલ તુરત પાંચ હજાર જમા કરાવી ધ્યો''

અમે શાદીમાં જતા હતા એટલે મારી પાસે ત્રણેક હજાર જેવા હતા. કાળી મારી તરફ જોવા લાગી, હું સાત હજારની નોકરી કરતો હતો. કાળી એ કહ્યું '' કબાટમાં મારા છુપાવેલા ત્રણ હજાર છે તે તું લઇ આવ''

''ચોરીનો માલ હું વાપરતો નથી..'''

''આવા ટાઈમે પણ તને મઝાક સુઝે છે?''

મેં તેનો હાથ દબાવ્યો ને ફોન પાસે જઈને શેઠને ફોન કરી કહ્યું કે ઈમરજન્સી છે, મારે તાત્કાલિક દસ હજાર ઉધાર જોઈએ છે. શેઠે એક પણ સવાલ પૂછ્યો નહિ ને ઊંઘરેટા અવાજમાં એટલું જ બોલ્યા કે લઇ જા... કાળીને જરૂરી સૂચના અને ફોન કરવાનું કામ સોંપીને હું પૈસા લેવા ગયો. પૈસા લાવીને મેં જમા કરાવ્યા, ને આઇસીયુ ના દરવાજામાં લગાવેલા નાના કાચના ચોકઠાંમાંથી બાળકીને જોઈ, તેનો નિર્દોષ ચહેરો જોઈને ફરી મારી આંખમાં ધુમ્મસ છવાયું, ને મોં માંથી એક ગંદી ગાળ ઉપરવાલા માટે નીકળી..

બે માસુમ જીવતી બાળકીઓને ખાડામાં ફેંકી દેવા માટે કેટલું જીગર જોઈએ??

મારા માનવા પ્રમાણે તો કોઈ ઈન્સાનમાં આવું જીગર હોઈ શકે જ નહિ, જરૂર તે રાક્ષશ અથવા દેવ હોવો જોઈએ. મેં મનોમન નક્કી કર્યું કે હું જરૂર તેને શોધી કાઢીશ, ને મારી રીતે ન્યાય કરી નાખીશ....

જો ખરેખર ઈશ્વર હોય ને તે દરેકને તેના કર્મોનું ફળ અને પાપ ની સજા આપતો હોય તો આ માસુમ પરી તેના કયા પાપની સજા ભોગવતી હતી? જો સાક્ષાત ઈશ્વર પ્રકટ થઈને મને કહે કે તે તેના ગયા જન્મના કર્મો નું ફળ ભોગવી રહી છે, અથવા તે તેના માં-બાપના પાપની સજા ભોગવી રહી છે, તો હું થુકું એવા ઈશ્વર ના મોં પર....

પાણી પીધું, મોઢું ધોયું ને કાળી પાસે આવીને બેઠો. તે હમણાં સુધી મારી સરખામણીએ ખુબ જ શાંત અને સંયમિત હતી. હું તેને કળી શકતો નહોતો. હોલમાં દાખલ દર્દીઓના સગા-સબંધીઓ અમુક ખુરશી- બેન્ચ પર બેઠા હતા, સુતા હતા, ઝોકા ખાઈ રહ્યા હતા. અહીં સિગારેટ પીવાય એમ નહોતું, ને બહાર જઈને સિગારેટ પી આવું તે પહેલા કાળીથી વાત કરી લેવું મને વધારે જરૂરી લાગ્યું. હું ઊંડા વિચારમાં હતો, ને વાતની શરૂઆત કેવી રીતે કરવી તેની ગડમથલમાં હતો, પણ મને શરૂઆત કરવાની જરૂર પડી નહિ.

કાળી બોલી ''શું વિચારે છે?''

હું તેની આંખમાં થોડીવાર જોયા કર્યું, પણ મને તેના ભાવ કળી શકાયા નહિ, હું ચીપી ચીપી ને શબ્દો ગોઠવીને બોલ્યો

''મારી વાત ધ્યાનથી સાંભળ, મારી વાત માનવી ફરજીયાત નથી કે તેનાથી આપણા સબંધમાં પણ કોઈ ફરક પડશે નહિ. પણ મેં નિર્ણય કરી લીધો છે કે આ બાળકીને હું રાખીશ, તે મારી દીકરી છે, તું સાથ નહિ આપે તો મને જરાય ખોટું નહિ લાગે, તેનું બધું જ હું મેનેજ કરીશ.

કાળી મારી સામે તાકી રહી, પછી બોલી ‘’થોડા સમય પછી કોઈ દાવો કરશે તો?’’

''તો...? હું તુચ્છકાર થી હસ્યો ને બોલ્યો - તો???? તો .... લોહી વહેશે...’’

કહીને હું ઉભો થયો ને આંટા મારવા લાગ્યો. કાળી કશું બોલતી નહોતી, તે નીચી મુંડી કરીને બેઠી હતી. તેને હું સમજી શકતો હતો... તેના મન માં શું ગડમથલ ચાલી રહી છે, તેનો પણ મને અંદાજ હતો, હજુ તો તે પોતે જ બાળક હતી, અમારે ખુબ રખડવું હતું, મજા કરવી હતી. આ જવાબદારી માટે હજુ તે તૈયાર નહોતી. કાળી થી મને કોઈ જ શિકાયત કે ફરિયાદ નહોતી, તે બરાબર જ વિચારી રહી હતી, પણ હું મારા સંસ્કાર અને મારા સ્વભાવથી મજબુર હતો. અને હવે મને કોઈપણ મારા નિર્ણયથી ચળાવી શકે એમ નહોતું.

ફરી હું કાળી પાસે જઈને બેઠો, થોડીવારે તેણે મારો હાથ પકડ્યો ને બોલી કે-

''હે લ્યાં તે કશું વિચાર્યું?''

''શું?''

''આપણે આપણી દીકરીનું નામ શું રાખીશું?''

હું તેની સામે તાકી રહ્યો, જાહેર સ્થળ ને હોલમાં અમે બેઠા હતા તો પણ હું તેને વળગી પડ્યો ને તેને એટલી જોરથી ભીંસી કે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. ને તેનું આખું મોઢું મારા હોંઠ થી ભીનું કરી નાખ્યું,

''કાળી ડાકણ, તું એ તો મને ખરીદી લીધો...બસ, ખલાસ... આજથી હું તારો ગુલામ છું.''

'' હું તારા જેવી બની રહી છું….''

''હા, તું મારા જેવી બની જા, હું તારા જેવો બની જઈશ... પોતાના જેવા બનાવવાને નહિ પણ બીજા જેવા બની જવા ને જ પ્યાર કહેવાય...’’

''છોડ મને, નામ મેં વિચારી લીધું છે, તારું કશું નહિ ચાલે...''

''તારા બાપનો માલ છે?? તું પહેલા કહે, મને ગમવું જોઈએ...''

''નસીમ''

''નસીમ -- બહુ જ મસ્ત... અરબી શબ્દ છે, હવાની ઠંડી લહેરખી....''

''મને શીખવાડે છે, પાછો... તારું અધકચરું જ્ઞાન ના બતાવ.... ને બીજું કે હું ગુલામને હુકમ આપું છું કે નસીમ થી દૂર રહેજે, એકપણ કિસ કરીશ નહિ, જ્યાં સુધી સિગારેટ ના છોડે….''

'' ખરેખર મને પણ હવે લાગે છે કે સિગારેટ છોડી જ દઉં...… ને….. ને પાઈપમાં ગાંજો ભરીને પીવાનું ચાલુ કરું.... આકા, ભલે કિસ નહિ કરું પણ નસીમ ને નિયમિત નવડાવીશ તો હું જ...''

''હા.. નિયમિત... વીકમાં એક કે બે વાર, તું નહાય છે એમ જ....''

''ધીરે બોલ, ઈજ્જતની માં ના પૈણ...એતો શિયાળામાં કોઈકવાર આળસ થાય, બાકી તો રોજ નહાઉં છું.''

''એ સારું, રોજ નહાય છે...વાહ શું મજાક કરે છે બાકી...હવે સિરિયસ વાત, - તું મર્દ, મારો હીરો છે, જરાય પાછો પડતો નહિ, મારી પાસે તમે લોકોએ શાદીમાં આપેલ સોનુ છે.''

તે શું કહેવા માંગતી હતી તે હું સમજતો હતો.

મને મારા પર ગર્વ થતો હતો કે કાળી ને મેં શોધી છે, ને તે મારી છે. ખરેખર હું શાબાશીનો હકદાર છું.

કાળી બે-ચાર ફોન કરવા ઉભી થઇ, ને હું ઝોકે ચડ્યો, - નસીમ મારી ને કાળી ની વચ્ચે સૂતી છે, તેને હું વધારે મારી સોડમાં ખેંચી, કાળીએ તેને ઊંચકીને પોતાની બીજી તરફ સુવડાવી, મેં વિરોધ કર્યો, તો તે બોલી '' ઊંઘમાં તારા હાથ-પગ સીધા નથી રહેતા, ક્યાંક મારી દીકરીને વગાડી બેસીશ....''

હું ચમકીને ઉભો થઇ ગયો, જયારે મારા ભાઈએ આવીને મારા ખભે હાથ મૂકીને બોલ્યો ''ડોક્ટરે શું કહ્યું?''

''કહું છું, પહેલા એ કહે કે કશો ક્લુ મળ્યો???''

''ના, મારા માનવા પ્રમાણે તે અશક્ય છે, શહેરમાં કેટલા બધા મેટરનિટી હોમ છે.....ને જરૂરી નથી કે મેટરનિટી હોમ માંજ ડિલિવરી થઇ હોય...એવુંય બને કે કોઈ ગામડાના ઘરમાં થઇ હોય, ને શહેરમાં ફેંકી ગયા હોય...કોઈ જાતે આવીને માહિતી ન આપે ત્યાં સુધી કશું વળે નહિ.''

''રૂરલ નો સબ ઇન્સ્પેક્ટર તારો દોસ્ત છે ને...?''

''હા, હાલ તો કાચી ફરિયાદ લખાવી છે, પણ તું આ બધું ભૂલી જા ને પોઝિટિવ વિચાર ને તેમનો આભાર માન...જો તેઓ ના તરછોડતા તો??

કાળી પાસે આવીને ઉભી રહી, ભાઈ એ કાળીને કહ્યું ''તારે લગન માં જવું હોય તો તું જા, ચાલ હું તને બાઈક પર મૂકી આવું.''

''ગાંડા થયા છો? મારી દીકરીને મૂકીને હું જાઉં??''

મારા ભાઈએ તેને માથે હાથ ફેરવ્યો, ને મારી સામે જોયું, જાણે મને કહી રહ્યો હોય કે તું નસીબદાર છે.

થોડીવારમાં તો હોસ્પીટલમાં મારી પૂરી ફેમીલી જમા થઇ ગઈ. ભાભી, બે બહેનો ને બનેવીઓ આવ્યા ને મારી માં પણ આવી. ત્રણ દોસ્તો પણ આવી ગયા. મારી બહેનો ડાયપર, બેબી બ્લેન્કેટ, ટુવાલ, દૂધ પીવડાવવાની બોટલ, વગેરે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ પણ લઈને આવી હતી.

દરેકે મને બાજુ પર લઇ જઈ ને જબરદસ્તી - ''રાખ, રાખ, જરૂર પડશે...'' કહીને મને પૈસા આપી ગયા. મેં જોયું તો મારી પાસે વીસ હજાર ભેગા થઇ ગયા હતા. દોસ્તો મૃત બાળકીની લાશને અંતિમ સંસ્કાર માટે લઇ ગયા.

મારો સાળો અને સાસુ પણ આવ્યા, તે અમને સાથ આપવા કે મદદ કરવા કે શાબાશી આપવા નહિ, પણ કાળીનો મારી સાથે લગનનો નિર્ણય ખોટો હતો તે સાબિત કરવા અને મારા પ્રત્યેનો તેમનો અણગમો દર્શાવવા જ આવ્યા હતા.

--લગનમાં મહાલવા, મજા કરવા જતા જતા આ પળોજણમાં ક્યાં પડી? તારું તો નસીબ જ ફુટેલુ છે.

--ગાંડાઓ સાથે રહીને તું પણ ગાંડી થઇ જઈશ.

--પોતાની ધોવાતી નથી ને ગામની ધોવા નીકળ્યા છે.

--કહેવત બરાબર જ પડી છે કે નાંગો ચણો વાગે ઘણો...

--બહુ દયા આવતી હતી ને સમાજ સેવા કરવી હતી તો સરકારી દવાખાને ફેંકી આવતા...આટલી મોટી હોસ્પિટલમાં લાવવાની શું જરૂર હતી ?

કાળી બધું સાંભળી રહી હતી, તે બોલી ''તમારી ભડાશ નીકળી ગઈ હોય તો હવે જાવ, હું મારી દીકરી ને સીટી સ્કેન કરાવવા લઇ જાઉં છું.''

''તારી દીકરી? ન જાણે કોનું પાપ અને કોના મુતરની પેદાઈશ...''

હવે મારાથી સહન કરવું મુશ્કેલ હતું, હું ભડક્યો ''તમે મને ગમે તે બોલો કે બોલશો, મને કોઈ ફરક પડતો નથી, પણ જો અમારી દીકરી વિષે હવે કશું પણ બોલ્યા તો મને મારી જાત પર આવતા એક સેકન્ડ પણ નહિ લાગે...''

કાળી તેમને સંબોધીને બોલી ''પ્લીઝ, તમે જાવ હવે, નહિ તો આપણા આટલા સબંધ પણ નહિ રહે....''

સીટી સ્કેન

જમીન પર પટકવાથી નાના મગજમાં થયેલું હેમરેજ,

કોમા,

મગજને કેટલું નુકશાન થયું છે તે સમજવા મથતા ડોક્ટરો....

અને…

અને....

તે દિવસે હું મારી લાઈફમાં પહેલીવાર જાહેરમાં અને આટલું બેફામ રડ્યો,

કે જયારે ડોકટરે કહ્યું કે બાળકીને, અમારી દીકરી નસીમ ને

બચાવી શકાઈ નથી.....

-----સમાપ્ત