સાચો પ્રેમ yashvant shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચો પ્રેમ

સાચો પ્રેમ

પ્રેમ શું છે...?

અડ્યા વગર જ સ્પર્શ થાય તે પ્રેમ છે.

શબ્દ વગર જ વર્ણન થઈ શકે તે પ્રેમ છે.

અહેસાસ વગર જ લાગણી થાય તે પ્રેમ છે.

ઇન્તઝાર મિલન માટે તરસે તે પ્રેમ છે.

જેના વગર ક્ષણ અધુરી લાગે તે પ્રેમ છે.

મધદરિયામાં પણ પ્યાસ લાગે તે પ્રેમ છે.

પાનખરમા પણ વસંતની યાદ અપાવે તે પ્રેમ છે.

અંતે જે યાદ આવે તે જ પ્રેમ છે.

એ.... તને કહું......

તું એવું કહીને ગયો હતો.. કે સદાયે હસતી રહેજે.

તું મુસ્કુરાતી હશે તો એની નજાકત હું મહેસૂસ કરીશ. હા, હું હસતી રહું છું.

મને એક વાત નથી સમજાતી કે હસું છું ત્યારે મારી આંખો કેમ ભીની થઇ જાય છે?

કદાચ... મારી આંખોમાં તારા સ્મરણની ભીનાશ બાઝી ગઇ હોય છે..

પ્રેમ આટલો તીવ્ર હોય એની મને ખબર હોત તો કદાચ હું પ્રેમ કરત જ નહીં.

તું પણ મને આવો જ તીવ્ર, ઉગ્ર અને અનહદ પ્રેમ કરે છે.. મને ખયાલ છે.

સાચું કહું...

તું નથી. જાણે કંઇ જ નથી. બધું જ ખાલીખમ..

મને તારું સ્મરણ નહીં, સાંનિધ્ય જોઇએ છીએ.

તું છે પણ પાસે નથી. હયાત છે પણ હાજર નથી.

તારા વગર તારી આ યાદોનું શું કરવું....?

મને મજાક-મસ્તી યાદ આવે છે અને થોડીક ક્ષણો મારા હોઠ મલકાઇ જાય છે, હૈયું છલકાય છે,.

પણ પછી તરત જ આંખો ભરાઇ જાય છે. સાવ સાચું કહું, ક્યારેક કુદરત પર ગુસ્સો આવી જાય છે. એને પૂછવાનું મન થાય છે કે તું કેમ આવું કરે છે? મેં તારું શું બગાડ્યું છે? આટલા દૂર રાખવા હતા તો ભેગાં શા માટે કર્યાં હતાં?

ભૂમી જયારે પણ જીવનમાં એકલી પડે છે અને આકાશ યાદ આવે છે ત્યારે સ્વગત મનોમન ઇશ્વર આગળ જાણે પોતાની વ્યથા આ રીતે બોલી ને વ્યક્ત કરે છે.

બીજી તરફ આકાશ પણ પણ કાઇક આવી જ દશામા પોતાનુ જીવન વ્યતિત કરી રહ્યો છે.

આકાશના મનમાં સતત એક જ ગીત ગુંજી રહ્યું હતું.

'તુ પ્યાર કા સાગર હે....તેરી એક બુંદ કે પ્યાસે

જ્યારથી તે સોનલની સંગીત સંધ્યામા જઇ આવ્યો ત્યારથી આ એક જ ગીત તેના હોઠ પર ગુંજી રહ્યું હતું. જાણે સોનલે તેના માટે જ આ ગીત ગાયુ હતું. પોતાનુ જીવન પણ લગભગ આવું જ હતું. પોતે પોતાના જીવનનો પ્યાર સાગર સામે હોવા છતાં તેની એક બુંદ માટે તરસતો રહ્યો હતો. પરંતુ તે એક સમજદાર વ્યક્તિ હતો તેણે સ્વીકરી લીધેલ કે મારે જીવન આમ જ વ્યતિત કરવાનુ છે.

આસાન નથી આ 'આકાશ' બનવું

આકાશ બનવા કોઇના પણ આધાર વગર તેને અટકી રહેવું પડે છે અધ્ધર.

આકાશ એટલે જ ઉપર રહી સકે છે

કારણ તે ચારે તરફ જુકેલુ રહે છે

આકાશમા ભલે ને હોય સુર્ય - ચંદ્ર ને તારાં.

તેમ છતાં કોઇ નો પણ અવિરત સાથ હોતો નથી ક્યારેય.

આકાશ ભલેને કહેવાય વિશાળતાનું પ્રતિક.

પણ હોયતો છે તે પણ એકદમ ખાલીખમ જ.

આકાશના જીવનમા આવે ને ભલે ઉષા-સંધ્યા ને રજની

પણ તેને તો હોય છે પ્રતિક્ષા ધરા (ભૂમી)ના મિલન ની જ.

ધરતી અને આકાશ ભલે ના મળતાં દેખાય જગતને

પણ તેનુ પણ મિલન થાય છે ચૌક્કસ.

દૂર ક્ષિતીજ ને પેલે પાર...

અને તેથી જ તે બની રહે છે ખુસનુમાં....

આકાશ પણ મનોમન ભૂમી માટે સ્વગત બોલતો રહે છે કે..

પ્રેમ તારો હું નકારી ના શકું,

ને છતાંયે આવકારી ના શકું;

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ,

ને છતાંયે હું પુકારી ના શકું.

હું તને ક્યારેય ના ત્યાગી શકું,

ને ખુદા પાસેય ના માંગી શકું;

પાસ હું આવી નથી શકતો વધુ,

દૂર પણ તારાથી ના ભાગી શકું.

હું તને કારણ વગર બોલાવી પણ શકતો

નથી,

કે કોઈ બહાના વગર હું આવી પણ શકતો

નથી;

એક મજબૂરી છે જેનુ નામ શાયદ પ્રેમ છે,

ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ

શકતો નથી…

પ્રેમી હોય કે પતિ.... પ્રેમિકા હોય કે પત્ની આ બંને જવાબદારી નો સંબંધ છે..

પણ પ્રેમ ક્યારેય કોઈ બંધન નો મહોતાજ નથી રહ્યો... કેમ કે ધડકનો ના પોતાના નિયમો હોય છે... એ હંમેશા માટે એક વ્યક્તિ વિશેષ માટે તો નથી જ ધડકતી. ક્યારેક આ જેની સાથે વાત કરવાથી મન આત્મા ને સંતોષ મળે એવી વ્યક્તિ માટે ધડકે છે, તો ક્યારેક જે એને પ્રેમ કરે છે એના માટે ધડકે છે.. હાસ્યના સાથી માટે ધડકે છે. દિશા સૂચક વ્યક્તિ માટે ધકડે છે. તો ક્યારેક અવદશામાં સાથ આપનાર માટે ધડકે છે, તો ક્યારેક ઉદાસીમાં થી ખુશી તરફ લઇ જનાર વ્યક્તિ માટે ધડકે છે. પ્રેમ ક્યારેય કોઈ સંબંધ ના નામ નો મહોતાજ તો નથી જ હોતો. મિત્ર સ્વરૂપે પણ પ્રેમ મળે છે.. પતિ પત્ની તરીકે પણ પ્રેમ મળે બસ પ્રેમને અનુભવતા આવડવું જોઈએ. મહેસુસ કરતા આવડવું જોઈએ. પ્રેમ આપતા આવડવું જોઈએ.. પ્રેમ ક્યારેય સીમાઓમાં બંધાતો નથી અને નિયમોમા તે સંયમિત પણ નથી જ થતો... પ્રેમના સ્તર અલગ છે અને વ્યક્તિએ વ્યક્તિએ લાગણી અલગ છે.. પણ આ બધું જ એક વ્યક્તિમાં મળી જાય તો ?

તો અહો ભાગ્ય કહેવાય.. કેમ કે જે આત્મીયતાના સંબધ જેવો પવિત્ર સંબંધ તો કોઈ જ નથી હોતો.. ભલે તમે મળો કે ના મળો પણ એકબીજાના મન માં માન સમ્માન આદર હંમેશા વધતું જ રહે છે.. બસ જરૂરત છે તો એક બીજા ને આત્મા સુધી પહોંચવાની.. આત્મા સુધી પહોંચ્યા પછી બીજું કસું જ જોવામાં નથી આવતું કે એ કોણ છે એની લાઈફમાં કોણ છે એ શું કરે છે.. બસ એક ભાવ હોય છે મન માં કે એ બસ આત્મા થી જોડાયેલા રહે..

આકાશ અને ભૂમી વચ્ચે પણ આવો જ એઅેક સંબંધ હતો. નામ વગરનો સંબંધ, કોઇ પણ ફ્રેમમા જડાયા વગરનો સંબંધ. જો કે તેમનો સંબંધ તેમન નામ મુજબના નસીબ ધરાવતો સંબંધ હતો. એક મેકથી દૂર કદી ના મળવાના નસીબ સાથે પ્રેમ કરી બેઠેલાનો સંબંધ. નાનપણથી કોલેજ સુધી બન્ને સાથે રહ્યાં સાથે ભણ્યા અને સાથે જ મોટા થયાં પરંતુ આર્થિક અસમાનતા અને જ્ઞાતિવાદને કારણે બન્ને એક ન થઈ શક્યા પરંતુ દિલથી દિલ જોડાયેલ હતા તેને કયા કોઈ બંધન નડે છે. લાગણીઓ ને કયારેય કોઇ અટકાવી નથી શકતુ. અટકાવી શકાય છે માત્ર તેનુ પ્રદર્શન. બન્નેએ પોતાની લાગણી મનના કોઇ ઉંડા ખુણામાં દફનાવી દિધેલ. બન્નેના લગ્ન અલગ અલગ જગ્યાએ થયાં બન્ને પોતપોતાના જીવનસાથી ને સદા વફાદાર પણ રહ્યાં. પ્રેમ એ તો એક બીજાને એકબિજાથી સુખી કરવાની હોડ છે. એક બીજાને જરાપણ દુખી શી રીતે કરી શકે..? દુખી કરવાનું તો દૂર દૂ:ખ થાય તેવું કલ્પી પણના શકે માટે જ બન્ને જયારે એક ન થઈ શક્યા તો પણ બન્ને એ એકબીજા કયા છે કોની સાથે લગ્ન જીવનમાં જોડાયેલ છે તે જાણતા હોવા છતાં એકબીજાને ન મળ્યા. કયારેય કોઇના જીવનમાં પ્રવેશવાની કોશિશ પણ ના કરી. બસ મનોમન દિલમા ને દિલમા એકબીજા માટે સારું થાય ખુશ રહે તે પ્રાર્થના કરતા રહ્યાં

“ આકાશ”યશવંત શાહ