વેર વિરાસત - 30 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેર વિરાસત - 30

વેર વિરાસત

પ્રકરણ - 30

સવાર તો હમેશની જેમ ખુશનુમા તાજગી સાથે લઈને આવી હતી. સામે લહેરાઈ રહેલો દરિયો પવન સાથે ગેલ ગમ્મતે ચઢ્યો હતો. દિવસભરમાં માત્ર એક વાર દરિયા તરફ ખુલતી લાઈફ સાઈઝ વિન્ડોમાંથી ઠંડો ખારો ખારો પવન મનને તરબતર કરવા પૂરતો હતો.

હમેશા ઉતાવળમાં રહેતી માધવી પાસે આ બધું જોવાનો માણવાનો સમય જ ક્યાં રહેતો ?

માધવી માત્ર વર્કોહોલિક જ નહીં શિસ્ત અને પૂર્ણતાની આગ્રહી હતી. વર્ષોના વર્ષ વીતતાં રહ્યા , ઋતુ બદલાતી રહી, વાતાવરણ બદલાતું ગયું, નાનકડી દીકરીઓ યુવાન થઈને પોતપોતાની મંઝિલ તરફ ગતિ કરી રહી હતી છતાં જો ન કંઇક બદલાયું હોય તો એ હતો માધવીનો નિયતક્રમ. સવારની એક મિનીટ પણ બગાડવી એટલે દિવસભારનું ટાઇમટેબલ ખોરવાવું, જે માધવીના સ્વભાવને ક્યારેય રાશ નહોતું આવ્યું, પણ છેલ્લાં થોડા સમયથી ટાઈમ ટેબલમાં જ નહીં બલકે માધવીના વર્તનમાં પણ આવી ગયેલું પરિવર્તન આરતીમાસીની નજરબહાર નહોતું. વહેલી સવારે ઉઠીને કરીને યોગઅભ્યાસ કર્યા પછી નિરાંતે સંગીતના સૂરની સંગાથે ચા પીવી હવે માધવીના નિયતક્રમમાં શામેલ થઇ રહ્યું હતું.

પહેલીવાર માધવીમાં આવેલા પરિવર્તનથી માસી ખુશ હતા. મનમાં એક અજબ હાશકારો અનુભવાયો હતો. આટલાં વર્ષોમાં પહેલીવાર એવું લાગી રહ્યું હતું કે માધવીના મનમાં શાંતિ એટલી વચલ હતી. કદાચ એણે પોતાની જાત સાથે આદરેલાં યુદ્ધ પર વિરામચિન્હ લાગવાનું મન આખરે બનાવી લીધું હતું. શક્ય છે કે એ પૂર્ણવિરામ જ હોય, પણ એની કોઈ ખાતરી નહોતી. એનું કારણ પણ અન્ય કંઈ નહીં ને રિયા જ હતી. રાજા માટે ક્યારેય શબ્દ ન ઉચ્ચારતી માધવીએ વ્યક્ત કરેલા ડરની માત્રા જાણ્યા પછી એ પરિસ્થિતિ સમજી શકાય એવી હતી.. રાજા હવે ફિલ્મઉધોગમાં મોટું બેનર હતો એટલો ખ્યાલ તો માધવીએ આપેલો પણ ક્યારેક ક્યારેક રિયા એ સંબંધી વાત કરતી ને આરતીમાસીનો શ્વાસ અધ્ધર થઇ જતો. રિયાના મનમાં રીતુ ને મહેરે એક વાત ઘૂસાડી દીધી હતી, અને એ સાચી પણ હતી, તે એ કે એક એક્ટ્રેસ માટે ગ્લેમરડોલ બની રહેવું એટલે કારકિર્દીની એક્સપાયરી ડેટ પોતાને જ હાથે લખવી. જો અભિનેત્રી તરીકેની ઓળખ ઉભી કરવી હોય તો સેતુમાધવન જેવા નામાંકિત ડીરેકટરો તો કામ કરવું જ રહ્યું.

જ્યારથી રિયાના મનની વાત જાણી હતી ત્યારથી આરતીમાસીને ઊંડે ઊંડે એક જ દહેશત સતાવી રહી હતી કે ન કરે નારાયણ ને જો રિયા અજાણતાં પેલા સેતુમાધવનની ફિલ્મ સાઈન કરી લે તો ??

તો ફરી આ યુદ્ધવિરામ ઉઠી જાય એમ પણ તો બની શકે ને !! ને ફરી એ માધવી પુન:જીવિત થઇ જાય જે અંદર વડવાનલ અહર્નિશ જલતો હોય.

ભવિષ્યમાં એવી પરિસ્થતિ ઉભી થાય તો કરવું એ વિષે હજારવાર વિચાર્યા પછી પણ કોઈ ઉકેલ હાથે ન લાગ્યો ત્યારે આખરે એ વિષે આરતી એ વિષે વિચારવું છોડી દીધું હતું. જે વાતનું સમાધાન મળવાનું જ ન હોય એ વાત વિચાર્યા કરવી એટલે કાલની ચિંતા કરીને આજ પણ બગાડવી. એ શું કામ બગાડવી ? આખરે તો ધાર્યું ધણીનું જ થઈને રહેવાનું હતું ને !

ને આજે એવા શાંત પાણીના સરોવરમાં કોઈએ પથ્થર ફેંક્યો હતો. જેના કારણે ઉઠેલાં અગણિત તરંગો શમવાનું જ નહોતા લેતા. સમસ્યા તો સામે આવીને ઉભી રહી ગઈ હતી પણ બિલકુલ અજાણ દિશાથી. રિયા વિષે જ કાયમ વિચારતું રહેલું મન રોમા પણ કોઈ પ્રશ્ન ઉભા કરી શકે એવી તો અટકળ કરવાનું પણ ભૂલી ગયું હતું.

રિયાએ ડીનર ટેબલ પર જે વાત કરી એ સાંભળીને આરતીના હાથમાં રહેલો કોળિયો અધ્ધર રહી ગયો હતો. એ તો સારું હતું કે તે ઘડીએ માધવી ત્યાં હાજર નહોતી.

હવે આ આખી વાત માધવીને કરવી કેમ કરી ને ?

માધવીના આવવાની ઘડીઓ ગણી રહી હતી ને કોઈ નહોતો બની રહ્યો. ઘડીભર તો માસીને માધવીની પણ ચિંતા થઇ આવી. માધવી મોડીપડે એવું કવચિત જ બનતું અને એવા સંજોગોમાં એ આગળથી માસીને જણાવી દેતી હતી. આજે મધુને શું થઇ ગયું હતું ? માસીના મનમાં શંકાકુશંકા ઘર કરવા લાગી. ન તો એને ફોન રીસીવ કર્યો ન ક્યાં છે એ જણાવ્યું. ક્યાંક કશુંક ??

મનમાં પ્રવેશી રહેલી અમંગળ વિચારો પર રોક મારવી જરૂરી હતી, મન નહોતું લાગી રહ્યું છતાં આડીતેડી વાતમાં મન પરોવેલું રાખ્યું.

રાત્રે માધવી ઘરે આવી ત્યારે વોલકલોકમાં સાડા દસ થઇ રહ્યા હતા.

'મધુ !! ક્યાં હતી ? ન કંઈ જણાવ્યું, ન ફોન ઉપડ્યા !! ' માધવી જેવી ઘરમાં પ્રવેશી લિવિંગરૂમમાં રાહ જોઈ રહેલા માસીએ પૂછી લીધું, માધવી પોતાની અને રિયાની હાજરીની નોંધ જ ન લેતી હોય તેમ અવગણીને એ પોતાના રૂમમાં જઈ રહી હતી.

'માસી, કાલે વાત કરીએ પ્લીઝ ? આજે બહુ થાકી છું !!' માધવીનો અવાજ માત્ર સપાટ જ નહીં શુષ્ક ને હતાશાભર્યો લાગ્યો.

રિયા ને આરતી એકબીજાનો ચહેરો તાકતા રહી ગયા ને એટલીવારમાં તો માધવીના રૂમનું ડોર બંધ થવાનો અવાજ સંભળાયો.

' લાગે છે કે રોમાએ જાતે જ મમને વાત કરી દીધી લાગે છે...' રિયા હળવેકથી બોલી.

આરતીએ રિયાની વાતનો જવાબ તો ન આપ્યો પણ કશુંક અજુગતું થયું હોવાની અટકળ તો સતાવી રહી હતી.

'ના રિયા, રોમાએ નહીં જ કહ્યું હોય, જાણું ને મધુને, જો એ વાત થઇ હોત તો એ બધું કામ છોડીને પહેલા ઘરે આવી હોત !!' માસીની શૂન્યનજર સામેની દીવાલ પર સ્થિર હતી. : કોઈક વાત તો જરૂર હતી, પણ શું ?

રોમાએ ફોડેલા બોમ્બની જાણ મમ્મીને કઈ રીતે કરવી એ વાતનો ભાર નાની પર નાખીને રિયા મુક્ત થઇ ગઈ હતી પણ આરતી આખી રાત ઊંઘી ન શકી.

માસીએ સવારે માધવીનો મૂડ જોઇને રિયાએ કહેલી વાત કરવાનું મુનાસિબ સમજ્યું.

'મધુ, તારી તબિયત તો ઠીક છે ને ? ' માસીએ શરૂઆત તો સ્વાભાવિકપણે કરી પણ અચાનક જ એમની નજર માધવીના ચહેરા પર સ્થિર થઇ ગઈ.

માધવીનો ગુલાબી ઝાંયવાળો, નૂરથી છલકાતો ચહેરો અચાનક જ પીળો પડી ગયેલો લાગ્યો. નિસ્તેજ ચીમળાઈ ગયેલા ચહેરાને આંખોની નીચે વિસ્તરી ચૂકેલા કાળા કુંડાળા વધુ માંદલો હતા.... રુક્ષ હોઠ ને ત્વચા એમાં સાથ પૂરાવી રહ્યા હતા..

'મધુ, વાત શું છે ? માનો કે ન માનો પણ તું મારાથી કંઇક છૂપાવી રહી છે એ વાત તો નક્કી છે. ' માસીના સ્વરમાં ચિંતા છલકાઈ.

'અરે માસી તમે પણ... કાલે હેવી ડે હતો. તમને ખબર છે ને કે એકસાથે અગિયાર આર્ટિસ્ટનું એક્ઝિબિશન હોય તે ઇવેન્ટ કેટલી થકવી નાખનારી હોય !! ને એમાં આ બધા એમાં એ વિદેશી હોય !!

માસીના ગળે માધવીની વાત ઉતરી હોય એમ તો ન લાગ્યું પણ ચૂપ રહીને માધવીની વાત સાંભળી લેવા સિવાય છૂટકો પણ નહોતો ને ?

માધવીએ પણ એ વિષે વધુ વાત ન કરવી હોય તેમ ચાનો કપ મોઢે માંડ્યો અને સાથે સાથે બીજા હાથમાં રહેલા ન્યુઝપેપરની હેડલાઈન પર નજર ફેરવવા માંડી.

'મધુ, આજે પણ એટલું જ મોડું થશે ? ' માસીએ થોડા ખંચકાટ સાથે પૂછી લીધું.

'ના, ના, પણ કેમ પૂછવું પડ્યું ? કંઇ ખાસ વાત છે ? ' એક હાથમાં પકડેલું પેપર માધવીએ નીચે ટેબલ પર મુક્યું ને ચાની એક ચૂસકી લીધી.

આરતીમાસીએ આવા પ્રતિભાવની આશા નહોતી રાખી. એટલે એ સહેમાઈ ગયા.

' વાત શું છે? રિયાની કોઈક વાત છે ? " માધવીના અવાજમાં રહેલી ઠંડક કહેતી હતી કે રિયા વિષે હવે કંઈ પણ કહો, સાંભળી લઈશ.: બીજો વિકલ્પ પણ ક્યાં આ છોકરીએ બાકી રાખ્યો છે ?

એ સાથે જ માધવીના મનમાં એક વિચાર ઉઠ્યો :રિયાએ કોઈક આડુંઅવળું પગલું તો નહીં ભરી લીધું હોય ને !!

'માસી, જે હોય તે ફોડ પાડીને કહી દો. એવું તો નથી ને કે આ મૂર્ખ છોકરીએ છપાતી અફવાઓને સાચી ઠેરવે એવી કરતૂત કરી છે ? એવું તો નથીને કે એની કારકિર્દી જામે એ પહેલા જ અસ્ત થઇ જવાની છે ? એ પણ બદનામીના દાગની સાથે ? માધવીના અવાજમાં હતી. કોઈક અજ્ઞાત ડરની : રિયા એની માએ કરી એવી પહાડ જેવી ભૂલ ક્યાંક કરી બેઠી હશે તો ?

'મધુ, બદનામી કે એવું બધું તો શું કહું પણ, ઈતિહાસ દોહરાય છે એ એમ જ તો નથી કહેવાતું ને !!'

'માસી.... શું કહો છો તમે ? ' માધવીનો સ્વર ચીસ નીકળી ગઈ હોય તેમ ઉંચો થયો : રિયા ?? એને કોઈક એવી ભૂલ તો નથી કરી લીધી ને !!....માધવી આગળ વધુ બોલી ન શકી, એના અસ્ફુટ સ્વર માસીના કાન પર પડ્યા વિના ન રહ્યા

'ના મધુ, રિયા નહીં.... રોમા....' આરતીમાસીએ વાત અધૂરી જ મૂકી દીધી.

'શું ? રોમા...રોમા?' માધવીને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસી રહ્યો.

માસીનું અનુમાન ખોટું નહોતું. રોમા પ્રેગ્નેન્ટ છે એ વાત સાંભળીને માધવીના હાથમાં રહેલો ચાનો કપ છૂટી જતાં માંડ બચ્યો. સવારના કુમળા પ્રકાશમાં રુક્ષ થઇ ગયેલો માધવીનો ચહેરો વધુ મ્લાન થઇ ગયો, નૂર તો ગાયબ થયું જ હતું ને બાકી હતું તેમ ચહેરા પર લીંપાતી ગયેલી ગમગીની ઘેરાતી જતી સાંજ જેવી હતી. જાણે કોઈકે પોતાના નાનકડાં વિશ્વને જામગરી ચાંપી દીધી હતી.

માસીની વાત સાંભળ્યા પછી માધવીને ખ્યાલ આવ્યો કે રોમાએ વાત પણ કહી પણ કોને ? રિયાને, રિયાએ માસીને કહી, બંને દીકરીઓને આ વાત માને કહેવા જેવી પણ ન લાગી ?

મનમાં કંઇક તૂટી ગયું હતું. જેનો અવાજ તો નહોતો આવ્યો પણ આંખએ વાત બયાન કરી દેતી હતી.

માધવી પોતે એકદમ સ્વસ્થ હોય તેમ દેખાવ કરતી રહી. ચૂપચાપ ચાના કપને હોઠે લગાડી ચૂસકી લઇ રહી હતી પણ આરતીમાસીની પારખું નજરથી મનમાં ચાલી રહેલા વિચારો અજાણ રહેવાના નહોતા.

'તમને રિયાએ ક્યારે કહ્યું ?' આખરે માધવીએ વિચારભગ્ન થઇ હોય તેમ માસી સામે જોઇને પૂછ્યું.

'કાલે રાતે , જમતી વખતે. ખરેખર તો આ વાત તારી હાજરીમાં હતું એટલે તારી રાહ પણ જોઈ હતી. પણ, તું ક્યાં રોકાઈ ગઈ હતી ? કેટલા ફોન પણ કર્યા, નો રીપ્લાય જ થતાં રહ્યા..... ' આરતીમાસીએ એક જ શ્વાસે પોતાની બાજુની કેફિયત આપી દેવી હોય તેમ બોલતાં રહ્યા. માધવી પર એની કોઈ અસર થતી લાગી નહીં એટલે પછી એમને રોકાઈ જવું પડ્યું.

'.......ને રિયા ને રોમાની વાત ક્યારે થઇ ? ' માધવીના પ્રશ્નમાં માત્ર કુતુહલતા હતી કે રોષની છાંટ ખુદ આરતી ન પકડી શકી.

'કદાચ આગલી રાત્રે થઇ હોવી જોઈએ, કાલે તો એને સવારે વહેલા નીકળવાનું હતું એટલે કદાચ એ આપણેને ન મળી શકી.' માસીએ રિયાની બાજુથી સફાઈ આપવાનો પ્રયત્ન પણ કરી દીધો.એવું ન થાય કે રોમા પર આવેલો રોષનો ભોગ રિયા બને..!!

માધવીનું ધ્યાન માસીની વાત પર નહોતું. એના મનમાં ઘૂમરી લઇ રહ્યા હતા રોમાના જ વિચાર. જોવાની ખૂબી તો એ હતી કે નાનામાં નાની વાત મમ્મી સાથે વહેંચાતી રોમાને આજે જિંદગીની સહુથી મોટી વાત ચર્ચવી જરૂરી ન લાગી ? માધવીને આ વાત ચચરાટ કરાવી રહી હતી. અને એને એ વાત શેર કરી તે પણ કોની સાથે ? રિયા જોડે? એનો અર્થ એ કે બંને બહેનો પોતાના પ્રેમ પ્રકરણોને મામલે એક.થઇ ગઈ હતી એમ જ ને !! માધવી વિચારતી ગઈ તેમ તેમ મનમાં ઉઠી રહેલી ચરચરાટી થતી ગઈ. એનો અર્થ એ પણ થયો કે જેમ રોમાએ પોતાની આ વાત ખાનગી રાખી તેમ રિયાએ છાપે ચડતાં કરણ સાથેના પ્રકરણો ભલે અફવા ને ગપ્પા કહી ઉડાડી દીધા પણ એમાં કશુક વજૂદ તો હોવાનું જ. જે કદાચ એ માસી સાથે નહીં ને રોમાને કહેતી હોય.

'માસી, હું થોડીવાર આડી પડું છું. ગેલેરી પર નહિ જાઉં..' માધવી ચા પીને નાસ્તો કરવા પણ ન રોકાવું હોય તેમ ઉભી થઇ ગઈ.

'મધુ, તબિયત તો બરાબર છે ? કંઈ થાય છે તને ? '

ના માસી, આયેમ ફાઈન પણ મારે રોમા સાથે વાત તો કરવી પડશે ને... હજી તો સવારના આઠ પણ નથી થયા. ત્યાં તો મધરાત હશે... બપોરે કોલ કરીશ, ત્યાં સુધી જરા આરામ કરી લઉં....'

માધવી ઝાઝું બોલ્યા વિના રૂમમાં જતી રહી ને આરતીને વિચારના વમળમાં છોડતી ગઈ.

પોતાના આશાના મિનારાને ધ્વંસ થતા જોવા એક જીવતું દુસ્વપ્ન નહીં તો શું ? રોમા પાસે કેટકેટલી આશા રાખી હતી ને એ જ છોકરીએ માની ઈમારત પોતાના એક જ નિર્ણયથી નેસ્તનાબૂદ કરી નાખી હતી.

***

' તો શું છે આજનો પ્રોગ્રામ ? ' બાથરૂમમાંથી નાહીને નીકળેલી રિયા કરણના એક ફોનથી ખીલી ઉઠી હતી.

આ જ તો હતો કરણ, આખી દુનિયાથી જુદો, આ એકદમ સ્પેશિયલ, એક એક ક્ષણ માણવામાં માનતો. એની સાથે હોવું એટલે તમામ નાખુશી, ગમગીની ને હતાશાનું ભાગી જવું.

' રિયા, આજે આખો દિવસ સાથે રહીશું !! ' કરણ એકદમ રોમેન્ટિક મૂડમાં હતો.

સામાન્યરીતે તો રિયા આ વાત સાંભળીને ઝૂમી ઉઠી હોતે પણ આજની વાત જરા અલગ હતી. રિયાના મન પર રોમાવાળું પ્રકરણ તાજું થઇ આવ્યું. હજી તો નાનીએ મમને કહ્યું હશે, એના રીએક્શન કેવા આવે ? ને એની સામે આજે આમ પોતાનું આખો દિવસ ગૂલ થઇ જવું.... ક્યાંક રોમાના ભાગની ખફગી પણ પોતાને ભાગે ન આવે.!!

ના પાડવી ગમી તો નહોતી પણ રિયાએ પાડવી પડી.

' આજે નહીં કરણ , બે ચાર દિવસ પછીનો પ્રોગ્રામ કરીએ.....'

'નો વે..... તું મને ના પાડતાં ક્યારથી શીખી ?? ' કરણ દબાણ કરતો હોય તેમ બોલ્યો.

'પ્લીઝ ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ..... મારે આજે ઘરે રહેવું પડે એમ જ છે....' રિયાના અવાજમાં લાચારી હતી.

એ રકઝક લાંબી ચાલે પહેલા તો કોઈક ડોર પર ટકોરાં મારી રહ્યું હતું.

રિયા જઈને જુએ એ પહેલા તો આડું રાખેલું ડોર ખોલીને શકુ અંદર આવી ગઈ.

' બેબી, બાઈ તમને બોલાવે છે......'

શકુનું આમ અંદર ધસી આવવું અને તે પણ મમના ફરમાન સાથે, વાતની ગંભીરતા દર્શાવી રહી હતી.

કરણ સાથેની વાતચીત પડતી મૂકીને રિયા નાની ને મમ્મી સાથે વાત કરવા હજી તો માધવીના રૂમમાં પગ જ મૂકી રહી હતી ત્યાં માધવીની ફોન પર ચાલી રહેલી વાતચીત કાને પડી.

'એ બધું કંઈ નહીં.... હવે વધુ અમે ત્યાં આવીએ ત્યારે વાત કરીશું....'

ફોન મૂકીને માધવીએ રિયા સામે જોયું. નાનીની અને મમ્મીની નજરનો સામનો ન કરી શકી હોય તેમ રિયાએ નજર ચૂકવી.

'એમાં તે શું કર્યું છે કે આમ શિયાવિયા થઈને ઉભી છે ?' રિયાના આશ્ચર્યનો પાર ન રહ્યો. પહેલીવાર મમ રોમાની બદલે પોતાને ઠપકો આપી રહ્યા હતા પણ વ્હાલથી. જેના પર અધિકાર માત્ર રોમાને હતો.

' રિયા, તૈયારી કરવા માંડ ... આપણે પેરીસ જવું પડશે..... ' માધવીએ ફરમાન જારી કર્યું હોય તેમ બોલી.

'આપણે ? એટલે ? ' રિયા આગળ બોલી ન શકી.

'આપણે એટલે તું ને હું....' માધવીએ માસી સામે જોયું : તમે કંઇક બોલો ને !!

પણ આરતીએ તો એ યાચનાની નોંધ સુધ્ધાં લીધી હોય એમ લાગ્યું નહીં એટલે રિયાએ પોતે જ દલીલ કરી.:'ના પણ, હું કઈ રીતે આવું ? પ્રીમિયરને આડે તો હવે....'

'મમ, એમ કરો તમે ને નાની જાઓ તો....'

'મારી પાસે પાસપોર્ટ હોત તો હું રાહ જોતી બેસી ન રહી હોત રિયા,મારો તો પાસપોર્ટ તો જ ક્યાં છે ? ' નાનીના ન જવાનું કારણ સમજાયું છતાં રિયાનું મન કચવાતું રહ્યું.

મા દીકરી વચ્ચે ક્યાંય સુધી આ વાતે ખેંચતાણ થતી રહી. રિયાને ક્યાંય જવામાં રસ નહોતો એનું કારણ સાફ હતું, સૌથી પહેલું કારણ કરણ, ને બીજું ફિલ્મના પ્રીમિયરની તારીખ જે હજી ફિક્સ નહોતી થઇ.

રિયા કોઈ રીતે માનતી ન લાગી ત્યારે નાનીએ વીટો વાપરવો પડ્યો.

' સામાન્ય સંજોગ હોત તો કોઈએ તને કહ્યું પણ ન હોત રિયા , પણ મને મધુની તબિયત બરાબર નથી લગતી... અને બાકી હોય તેમ મન તૂટી ગયું છે. એવા સંજોગોમાં એ એકલી જાય મને મંજૂર નથી. ' નાનીની આવી વાત સાંભળીને માધવીએ વિરોધ પણ પણ ન કર્યો.

નાનીના અવાજમાં કોઈક અજબ વાત હતી કે પછી માધવીના મનમાં કોઈ વાત હતી ?

ત્રણ દિવસ રહીને એર ઇન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફફ થઇ રહી હતી. માધવી ને રિયા જઈ રહ્યા હતા એક અજાણ ભૂમિ પર જોડાયેલા નવા સંબધોને મૂલવવા.

' ન જાણે રોમાના મનની સ્થિતિ કેવી હશે ? ' માધવીના મનમાં રહી રહીને પોતાનો એ આવતો રહ્યો : યુગ ગમે એ હોય કુંવારું માતૃત્વ જીરવવું કેટલું દોહ્યલું છે એ પરિસ્થિતિ ક્યાં બદલાઈ જ હતી. એ કુંતીનો હોય કે માધવીનો... બેરહેમ સમાજ ક્યારેય સ્ત્રીને માફ નથી કરતો.

માધવીની નજર રિયા પર સ્થિર થઇ. લાગતું હતું કે ચિંતાની ચિતા આ છોકરી જ ચાંપશે એની બદલે તો પરિસ્થિતિ સંપૂર્ણપણે જુદી ઉભી થઇ હતી.

રિયા એર ક્રાફ્ટની વિન્ડો સીટ પર બેઠી બેઠી નીચે વિલીન થઇ રહેલું જોઈ રહી હતી : કાશ, આમ મમની સાથે પેરીસ જવાને બદલે કરણ સાથે હનીમૂન માટે જઈ રહી હોતે !!