વેર વિરાસત - 9 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેર વિરાસત - 9

વેર વિરાસત

ભાગ - 9

લંડનથી દિલ્હી જતી એરઇન્ડિયાની ફ્લાઈટ ઉપડી એ સાથે વિન્ડો સીટ પર બઠેલી આરુષિએ નીચે ઓઝલ થઇ રહેલા શહેરને મનભરી જોઈ લેવાનો પ્રયત્ન કરી લીધો. કદીયે કોઈ શહેર સાથે ઘરોબો ન કેળવી શકનારી આરુષિને જિંદગીમાં કદાચ સહુ પ્રથમવાર આ શહેર ગમ્યું હતું .

' બહુ માયા થઇ ગઈ હતી ને લંડન સાથે, ખરું ને ? ' વિશ્વજિતે હસીને પૂછ્યું.

'સાચું કહું તો આ માયા અત્યારની નથી. વર્ષો જૂની છે , તમે થોડા વર્ષ લંડન ભણવા ગયા હતા ત્યારની , ત્યારે તમે પિક્ચર પોસ્ટકાર્ડ્સ મોકલતાં ને તમારો ભત્રીજો ચીકુ મને આપવા આવતો , અને યાદ છે એક પોસ્ટકાર્ડના જવાબમાં હું ચાર પાનાંના લાંબા લાંબા પત્રો લખતી ... સ્મરણમાં તો ત્યારથી કોતરાઈ ગયેલું હતું .' આરુષિ અતીતમાં ઝાંકીને યાદ તાજી કરતી રહી ને તેનો રતુંબડો ચહેરો એને જાણે ત્યારની આરુષિ બનાવી રહ્યો .

'પણ તને યાદ હોય તો આપણે લગ્ન કર્યા ત્યારે જ મેં તને કહેલુંને કે આપણી તો આખી જિંદગી દેશવિદેશમાં વિતવાની છે , કોઈ એક જગ્યાના મોહમાં ન પડી જતી..પણ અરુ હવે તો એથી વધુ તને ખુશી થાય તેવા સમાચાર આપવાના બાકી છે!! '

વિશ્વજિતની વાત સાંભળતી વખતે પણ બેએક વાર બહાર નજર ફેંકવાનું ન ચુકેલી આરુષિના ચહેરા પર આશ્ચર્ય અંકિત થઇ ગયું : એ વળી કઈ વાત ?

'ઓહો , હજી હમણાં એરપોર્ટ પર આવ્યા ત્યારે જ મારી વિદેશ મંત્રાલયના સેક્રેટરી જગમોહન સાથે વાત થઇ, ત્યારે તો અમે બેઉ એક જ કેડરમાં હતા ને !! મારી પોસ્ટીંગ વિદેશોમાં થતી રહી ને એને તો અહીં ભારે ખેડાણ કરી નાખ્યું , પહોંચેલી માયા બની ગયો છે, એટલે મેં એને કહેલું કે આખી કારકિર્દીમાં કોઈ પોસ્ટીંગ માટે આમ તો મેં ના નથી ભણી પણ આ સોમાલિયાના મામલે કંઈ થઇ શકે તો ... એટલે એને જ ઇન્ટરીમ પિરીયડ ઇન્ડિયામાં કાઢવાનો વિકલ્પ સુઝ્વ્યો હતો. ..'

'હા પણ ગુડ ન્યુઝ શું હતા?' આરુષિએ અધીરાઈથી પૂછ્યું, પતિની ઝીણું કાંતવાની ટેવ ક્યારેક અધીરાઈ ઉપજાવતી હતી.

' અરે હા !! ગુડ ન્યુઝ એ કે જગમોહન કહેતો હતો કે ફોરેનમાં રહેવાથી થાક્યા હો તો હમણાં થોડી ફોરેન પોલિસી માટે એક થિંક ટેંક બની રહી છે , ફોરેન સર્વિસમાં થોડાં ચુનંદા , વિવિધ ફરજ નિભાવી ચુકેલા લોકો પેનલ પર હશે , જો ઈચ્છા હોય તો ત્યાં ગોઠવી શકાય. અરુ, આમ પણ બહુ વર્ષો કાઢ્યા વિદેશમાં , એટલે મેં જગમોહનને અનુરોધ કર્યો હતો કે જો વિદેશ મંત્રાલયમાં પણ કોઈક સારી પોલિસી મેકિંગ પ્રોફાઈલમાં પોસ્ટ મળતી હોય તો મારી ઈચ્છા ઇન્ડિયામાં રહેવાની ખરી. મારી વાત જગમોહનને પણ માની , એ પણ કહેતો હતો કે વિદેશમાં લાંબા રોકાણ પછી ઘરની કેવી યાદ આવે એનો ખ્યાલ છે મને ...." ફ્લાઈટ હવે સેટલ થઇ ચુકી હતી એટલે વિશ્વજીતે પોતાની સીટ પાછળ લઇ આરામથી લંબાવ્યું .

'અને તમે શું કહ્યું ? ' વિશ્વજિતની બોડી લેન્ગવેજ અને સહજીવનના વર્ષોનો અનુભવ કહેતો હતો કે નક્કી ઇન્ડિયા રહેવાનું મન બનાવી લીધું છે.

' અરે, આરુષિ, મને ખબર છે કે તારું મન કેટલાય સમયથી તારી દીકરીમાં છે. પહેલા મને આખી વાત પર ગુસ્સો આવતો હતો પણ હવે મને થાય છે આખરે તું મા છે. માનું દિલ છે , મારા જેવી સખ્તાઈની એની પાસે આશા રાખવી જરા વધુ પડતું નથી ? અને આમ પણ નિવૃત્તિને હવે ઝાઝાં વર્ષો રહ્યા નથી તો પછી .......'

'એટલે તમે ઇન્ડિયા રહેવા માટે નક્કી કરી લીધું ? મને પૂછ્યું પણ નહીં ? ? ' આરુષિને પતિના આપખુદ નિર્ણય પર પહેલીવાર ચીડ આવી. : ઇન્ડિયામાં રહીશું ને માધવીની કોઈ વાત ઉડતી ઉડતી પણ કાને આવ્યા વિના થોડી રહેવાની ?

'અરે, મને થયું કે તું તો ખુશ થઈશ તેની બદલે તો . ...' પત્ની પોતાનો નિર્ણય સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠશે એવી કલ્પના પર પોતું ફરી ગયું હોય તેમ વિશ્વજિતનો ચહેરો ઝંખવાયો. : મેં તો કેટકેટલું પ્લાનિંગ કરી નાખ્યું હતું , અને મારી ઈચ્છા હતી ઇન્ડિયા જઈને જ તને સરપ્રાઈઝ આપવી તેની બદલે તો .....'

'ના ના , એમ નહીં પણ ....' હમેશ પતિની હામાં હા ભણતી આરુષિને પોતે અજાણે જ એનું મન દુખવી બેઠી એ સમજતા ક્ષોભ થઇ આવ્યો: આ તો શું છે કે તમે હંમેશ બધું કહેતા હો અને આવી મોટી વાતનો નિર્ણય એકલા એકલા લઇ લીધો એટલે ....'

'ઓહો તો તો બીજો પણ એક નિર્ણય લઇ લીધો હતો, એ પણ તારી જાણ વિના ....' વિશ્વજિત આછું મલકીને બાજુની સીટ પર આંખમાં પ્રશ્નાર્થ રમાડી રહેલી પત્નીની કુતુહલતા વધુ ન લંબાવવી હોય તેમ કહી દીધું : મેં નિર્ણય એ લીધો કે મારી નારાજગી માધવી સાથે ખરી, પણ મારે માદીકરીના પ્રેમ વચ્ચે આડખીલી નહોતું થવું જોઈતું . મેં તને એની સાથે વાત કરવાની મનાઈ કરીને અપરાધ કર્યો આરુષી , અને એ ભૂલ સુધારી લેવા માટે મારાથી થઇ શકે એ કોશિશ કરી.

' અચ્છા , તો એટલે આ ઇન્ડિયા જવાનો નિર્ણય લીધો ? આરુષિના ચહેરા પર મોટું સ્મિત રમી રહ્યું : હાશ ભગવાને સામે જોયું તો ખરું !!

' વેલ, એમ માનવું હોય તો એમ પણ હમણાં છ મહિના પહેલા જ મારે ઇન્ડિયા જવાનું થયું હતું તે તને યાદ છે ? ' વિશ્વજિત આરુષિને યાદ કરાવતા હોય તેમ પૂછ્યું .

'હા, પેલી તમારી કોલકોત્તા પ્રોપર્ટીનો કોઈ મામલો હતો તે ને !! પણ તમે તો કહેતા હતા કોઈ મનમુટાવ વિના વાત પતી ગયેલી ને !!'

'હા, પણ એ તો બધું તો કોઈ નિર્વિઘ્ને પતી ગયેલું પણ મેં તને ત્યારે કહ્યું નહોતું કે હું તે વખતે જ મારું વિલ પણ બનાવીને આવ્યો હતો.....'

'આ ઉંમરે વિલ બનાવ્યું ? ને મને કહ્યા વિના ? હજી આપણે સાંઠ પણ ક્રોસ નથી કર્યા ને તમે ....' આરુષિને સમજી નહોતું રહ્યું વિશ્વજિત શું કરવા ધારે છે, એવું ન હોય કે માધવી પર ચઢેલો રોષ એને ક્યાંયની ન રાખે. આટલી મોટી જમીનદારી હતી , કરોડોની મિલકત , ભાગલાં પડે તો પણ, એ બધું જોયું નહોતું , પોતે તો ક્યારેય માંગ્યું પણ નહોતું પણ હવે સરખા ભાગ પડી જ ગયા હતા , તો માધવીને વારસો મળે તેમાં વાંધો શું ? આરુષિને જરા ફફડાટ ઘર કરવા લાગ્યો: માધવીથી નારાજગી એને મિલકતના હક્ક્માંથી પણ બહાર કરી દેશે કે શું ?

'તને ચિંતા થાય તેવું વિલ નથી આરુષિ , પહેલા મેં જો કે એમ જ બનાવ્યું હતું કે હું જ્યારે નહીં હોઉં ........' વિશ્વજિત હજી પૂરું બોલી રહે એ પહેલા આરુષિએ પોતાનો હાથ તેમના મોઢા આગળ ધરી દીધો : આવું અપશુકનિયાળ શું બોલતા હશો ? કોઈક ઘડીને કાળ કેવા હોય , બોલ્યું સાચું થઇ જાય ....

'અરે , આટલા વર્ષો વિદેશમાં રહી તો ય દેશીની દેશી જ રહી ....વિશ્વજિતને મજાક સૂઝી હોય તેમ હસ્યા : અરુ, તને યાદ છે જ્યારે આપણે સ્કુલમાં હતા , તારી બે ચોટલી ને લાલ રિબન , વ્હાઈટ બ્લુ યુનિફોર્મ?? મને હજી યાદ છે , એ યુનિફોર્મ , બે ચોટલી વાળી લાલ રિબન ભલે ગુમાઈ ગઈ પણ તું તો ત્યારે હતી એની એ જ છે હં ... આ સાંભળીને આરુષિએ રોષ પ્રગટ કરતી હોય તેમ ખોટે ખોટે મોઢું બગાડ્યું , હકીકત તો એ હતી કે વર્ષોના વહાણાં બંને પ્રેમીની ચાહતને સ્પર્શ્યા નહોતા .

'.........ને જયારે ઘરમાં હોય ત્યારે ક્યારેક તારા મામા મામી તમને મુકીને ફિલ્મ જોવા જતા ત્યારે તું સાથે જવા કજિયો કરતી પાછળ દોડતી .....' કિશોરાવસ્થાની વાત યાદ કરીને પચાસી પાર કરી ગયેલા દંપતિના ચહેરા પર મલકાટ આવી ગયો.

'હા, અને તમે મને સમજાવી ને તમારા ઘરે લઇ જતા .... મારા કરતાં ફક્ત ઉંમરમાં પાંચ વર્ષ મોટા હતા પણ તમે કેટલા મેચ્યોર્ડ હતા નહીં? ' કિશોરાવસ્થામાં પગ મૂકતાં સાથે જ પ્રેમમાં પડી ગયેલી આરુષિના ચહેરા પર એવી રતાશ પથરાઈ જયારે એ પંદર વર્ષના વિશ્વને જોતી ત્યારે છવાઈ જતી .

'આરુષિ , તને એ તો ખબર છે ને કે અમારું કેટલું મોટું સંયુક્ત કુટુંબ હતું ત્યારે ? ' વિશ્વજિત યાદ કરી રહ્યા .

'હાસ્તો વળી , ખબર જ છે ને ... તમારા પિતરાઈ ભાઈ બહેનો , કાકા કાકી ને નોકરો મળીને આપણાં મહોલ્લાની અડધી વસ્તી થઇ જતી હતી , એટલે જ તો તમારું કુટુંબ અમસ્તું નાકનું ટીચકું ચઢાવીને ફરતું રહેતું હતું ને !! ' આરુષિ પણ ક્યાં ભૂલી હતી એ દિવસો.

પોતે બંને અનાથ બહેનો મધ્યમવર્ગીય મામા મામીની ઓશિયાળી હતી. એ દિવસો યાદ આવતા ને મન ભરાઈ જતું. સાથે સાથે એ જ દિવસો સોના જેવા થઇ ગયેલા લાગ્યા હતા જયારે વિશ્વના પ્રેમમાં પડેલી. પ્રેમનો જવર માથે ચઢેલો એ જ સમય હતો સૌથી કપરો , મામામામીની તાનાશાહી અને દિનરાત કાળી મજૂરી પણ પોતાના એ કાળા વાદળની સોનેરી કોર હતા વિશ્વજિત , પણ આરતી તો !! .... પોતે નસીબદાર કે વિશ્વને પ્રેમ કરી ને પામી પણ શકી ને આરતી ..... આરુષિની સ્મરણયાત્રામાં ભંગ પાડ્યો એર હોસ્ટેસે : મેમ , ડ્રીંક ફોર યુ ..... કાચના ગ્લાસમાં નારિયેળ પાણી લઈને આવેલી હોસ્ટેસના વિવેકનો અનાદર ન કરી શકી એ .

' આ હોસ્ટેસને દેખાતું નહીં હોય કે આપણે કંઇક અંગત વાતો કરી રહ્યા છીએ તે વારેવારે ડીસ્ટર્બ કરવા ચાલી આવે છે ? ' આરુષિને કેટલા વર્ષે મમળાવવા મળેલી આ પળ ગુમાવવી નહોતી .

'અરે એ બિચારી બિઝનેસ ક્લાસ ટ્રાવેલર્સને સાચવી રહી છે , એને થોડી ખબર છે કે આપણે પેલી નાની જીદ્દી આરુષિની વાત કરી રહ્યા છીએ ? જે મામા મામી ફિલ્મ જોવા જાય તો ઘર આખું માથા પર લઈ લેતી ! આખા મહોલ્લાને વિના પૈસે નાટક જોવા મળતું ને .... !! ' નાનપણમાં જે મજાકથી આરુષિ ચિડાતી તે મજાક કરીને વિશ્વજિત આજે પજવવાના મૂડમાં હતા.

'વિશ્વ , આજે તમને થઇ શું ગયું છે ? ' આરુષિને નવાઈ પણ લાગી. વર્ષો વીતી ગયા હતા એ મુગ્ધાવસ્થાના દિવસોને .....પ્રેમ, જીદ, અનશન, લગ્ન , વિદેશમાં પોસ્ટીંગ , માધવીનો જન્મ ..... જિંદગી એવી રીતે પસાર થઇ ગઈ હતી કે જાણે કોઈ સ્વપ્ન હોય , જો એક માત્ર છેલ્લે છેલ્લે આ માધવીએ ફિલ્મવાળી જીદ ન પકડી હોત તો ફરિયાદ કરવાનો મોકો જ જિંદગીએ નહોતો આપ્યો ને !!

ફરિયાદ કરવાનો મોકો પોતાને ન મળે એ માટે તમામ દુ:ખ તો આરતીએ પોતાને શિરે લઇ લીધા હતા , એને શું મળ્યું ?

ઘડીભર પહેલા જે યાદથી આરુષિ મલકી રહી હતી તે સાથે જોડાયેલી વાતો યાદ આવતા એનો ચહેરો ઝંખવાઈ ગયો : પોતે આરતીની ગુનેગાર તો ખરી જ ને ?

' શું થયું અરુ ? ' બાજુમાં બઠેલા વિશ્વજીતથી પત્નીના મનનું બદલાયેલું હવામાન છાનું નહોતું રહ્યું : ફરી પાછી માધવીની ચિંતા થઇ આવી ?

'ના ... ના ...ચિંતા તો શું થતી હતી !! .... હવે તો તમે ધરપત આપી દીધી છે ... ' આરુષિના હોઠ પર ફિક્કું સ્મિત આવ્યું .

'તો પછી ? હવે શેની ચિંતા થઇ આવી ? '

'ના , આ તો મને થયું કે ઇન્ડિયા જઈએ જ છીએ ને ત્યાં હવે રોકાણ પણ કરવાના છીએ તો ......' આરુષિ બોલતાં ખંચકાટ અનુભવી રહી.

'........તો ..... તો શું ? ' વિશ્વજિત આરુષિના મનની વાત પામી ગયા હોય છતાં એને મોઢેથી સંભાળવા માંગતા હોય તેમ લાગ્યું .

'હું એમ વિચારતી હતી કે પચાસ તો ગયા , બીજા પચાસ હવે બાકી રહ્યા નથી તો .... તો આરતી ......' આરુષિની નજરમાં હળવો ડર અંજાયેલો હતો : ...તો આરતી ....

આરુષિની નજર પતિના ચહેરા પર હતી. ક્યારનો ખુશમિજાજી ચહેરો ફરી એક વાર કરડો બની રહ્યો : મેં થોડાં ડગલાં ચાલવાની ભૂલ શું કરી તે માની લીધું કે હું તારી બધી જ મનમાની ચલાવી લઈશ ? વિશ્વજિતનો અવાજ અતિશય નીચો હતો પણ એ જ તો એની ખાસિયત હતી. ધીમેથી , વિના ગુસ્સે થયે શાંતિથી બોલવું પણ એની ધાર કોઈ બરછીથી ઓછી કાતિલ ન હોય. સામેની વ્યક્તિની પચાસ દલીલ વિશ્વજિતની એક જ દલીલ સામે ધ્વંસ થઇ જતી.

'તમે આખી જિંદગી તમારી મરજીનું ધાર્યું કર્યું , મેં ક્યારેય ના કહી ? મેં તો ક્યારેય તમારી મરજી વિરદ્ધ જઈ મનગમતાં રંગની સાડી સુધ્ધાં નથી પહેરી પણ હવે મને થાય છે કે આ તમારી ખોટી જીદ છે , બે બહેનો વચ્ચે તમે જે દીવાલ ઉભી કરીને રાખી છે . ...... ' આરુષિના નસકોરાં ફૂલી ગયા હતા. વર્ષો સુધી દાબી રાખેલી લાગણીએ આજે રોષરૂપે ઉથલો માર્યો હતો.: હું તો તમને કહી પણ નથી શકતી કે આરતીએ મારે માટે શું શું કર્યું છે .. , સાંભળવું છે ? તો કહું ?

'ના , નથી સાંભળવું , અને ક્યારેય સાંભળીશ પણ નહીં .... ' વિશ્વજિત પણ પોતાની જીદ પર અડગ રહ્યા, જેમ એ હમેશ કરતા, નમવાનું તો આરુષિએ જ હતું : લેટ મી સ્લીપ ફોર અ વ્હાઈલ ..... વાતચીત ટૂંકાવવાનો સૌથી સરળ રસ્તો વિશ્વજિતને કોને શીખવ્યો હતો એ તો ખબર નહીં પણ વર્ષોનું દામ્પત્યજીવન એને કારણે વધુ સમતોલ રહી શકેલું એવું એ માનતા .

જીભાજોડીમાં ઉતારવાનો કોઈ અર્થ પણ નહોતો , આરુષિને લાગ્યું . એક છત નીચે રહેતાં હોવા છતાં જે વ્યક્તિએ કોઈકની વાત સાંભળવા સતત દાયકાઓ સુધી ઇનકાર કર્યો હોય તે આમ એક ફ્લાઈટ દરમિયાન થયેલી વાતને આધારે પોતાનો વર્ષો જૂનો પૂર્વગ્રહ ઉતારી ફેંકી દે તેવું બની શકે ખરું ? પોતે જ નાહકની આ વાત છેડી ... આરુષિ એ પણ આંખો બંધ કરીને કુશન ગરદન નીચે ગોઠવ્યો : વહેલું થાય લેન્ડીંગ .....

આરુષિના લેન્ડીંગના આ વિચાર સાથે જ એક જબરદસ્ત અવાજ થયો. કાન ફાડી નાખે એવો અવાજ વિમાનની નીચેના ભાગમાંથી આવી રહ્યો હોય તેમ નજર સામે પડેલાં ગ્લાસ પર પડી. ગ્લાસમાં બચેલાં નારિયેળ પાણીમાં તરંગો વળી રહ્યા હતા. એરક્રાફ્ટમાં ખળભળાટ મચી ગયો. માંડ જંપેલા મુસાફરોની આંખો ખુલી ગઈ હતી અને ગભરાટને કારણે ભયભીત આંખો ને મોઢાં અધખુલ્લા રહી ગયા હતા.

' અચાનક બગડેલાં હવામાનને કારણે થયેલી કોઈ યાંત્રિક ખામીને કારણે એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડે તેવી શક્યતા ઉદભવી શકે છે, યાત્રીઓને અનુરોધ છે કે શાંતિ જાળવે અને સીટબેલ્ટ બાંધેલા રાખે .....' એર હોસ્ટેસ શક્ય એટલા સ્વસ્થ અવાજે અનાઉન્સમેન્ટ કરી રહી હતી. પણ , એના અવાજમાં ડર છૂપાવવા માટે થતો પ્રયત્ન પરિસ્થતિની ગંભીરતા ખુલ્લી કરી દેતો હતો.

નિદ્રામાં સરકી રહેલા વિશ્વજિતની આંખો ખુલી ગઈ હતી, એમનો જીવ આરૂષિમાં હતો.: અરુ, પહેલાં સીટબેલ્ટ બાંધી લે , ને સીટ નીચેથી એમને લાઈફ જેકેટ ખેંચી કાઢ્યું . પોતે પોતાનું લાઈફજેકેટ પહેરવાની બદલે પત્નીએ સાચી રીતે પહેર્યું છે કે નહીં તે ચકાસી પોતે પણ લાઈફ જેકેટ પહેરવા માંડ્યું . આ દરમિયાન વિમાને દસ હજાર ફૂટનો જમ્પ માર્યો હોય તેમ હવામાં ફંગોળાયું. ઘણાં મુસાફરોના માથાં એક બીજા સાથે નારિયેળની જેમ ભટકાયા ને ઘણાંના નાકમાંથી લોહી ધસી આવ્યું હતું . મોત સામે તાંડવ કરી રહ્યું હતું . ડરની ચિચિયારીઓ સિવાય બીજું કંઇ કાને પણ પડતું નહોતું .

આરુષિએ વિન્ડોમાંથી નજર નાખી. નીચે તો વિશાળ મહાસાગર ઘૂઘવી રહેલો દેખાતો હતો. : ઓહ પ્રભુ , વિશ્વ ... આ જુઓ તો ખરા ...... આરુષિની આંખોમાં ભયથી થીજી ગયો હતો..

વિશ્વજિતે વિન્ડોમાંથી નીચે નજર નાખી, એનો અર્થ કે ઉતરાણ પણ દરિયામાં , એટલે કે વિમાન ખાબકવાનું હતું અને તેવા સમયે .......ગમે તેવી કપરી પરિસ્થતિમાં ધીરજ ન ગુમાવનાર વિશ્વજિત જેવા ભડ માણસે પત્નીનો હાથ લઇ છાતી પર ડાબી બાજુએ ચાંપી રાખ્યો અને ક્યારેય ભગવાનમાં ન માનતા હોવા છતાં તેમના હોઠ ફફડવા લાગ્યા .

મોઢેથી તો કશું નહોતા બોલ્યા પણ વિશ્વજિત આ વર્તન આરુષિને કોઈક અમંગળ સંકેત આપી ગયું હોય તેમ એણે શાંતિપૂર્વક પોતાના બંને હાથથી પતિની કમરે વીંટાળી માથું છાતી પર ઢાળી દીધું : સાથે જીવવા મારવાના આપેલા કોલ આ રીતે પૂરા થશે તેવી તો સ્વપ્ને પણ કલ્પના નહોતી ....

એક જબરદસ્ત કડાકો થયો અને વિમાનના બે ટુકડા થઇ બે જુદી દિશામાં ફંગોળાયા, હવે દિશા ભલે જૂદી હતી પણ પહોંચવાનું હતું નીચે જ , દરિયાની છાતી પર.

આરુષિનો હાથ વિશ્વજિતની છાતી પર ચંપાયેલો રહ્યો એને પોતાની દુનિયા એવા પતિને ચુસ્ત બાથમાં જકડી રાખ્યા હતા. કયામતની આ ઘડીમાં અંત તો એક જ હોય શકે ને !! જિંદગીએ બે હાથે મબલક આપ્યું જ હતું , એક માધવી .... છેલ્લી ઘડીએ આરુષિની બંધ આંખો સામે માધવી ચહેરો તરી આવ્યો અને એક જોરદાર ગરમ હવાની ઝાપટ ,બીજી જ ઘડીએ આંખ કાન નાક વીંધી નાખે એવી તીણી બરછીદાર હવા શરીરની ચામડી ઉતરડી નાખતી હોય તેમ પસાર થઇ હોય એમ લાગ્યું અને પછી એક ગહેરો ભૂરો પ્રકાશ , અને કાન ફાડી નાખતી શાંતિ ....

***

' માધવી , આજે સમાચાર વાંચ્યા ? ' વહેલી સવારમાં માસીના ફોને જગાડી ત્યારે માધવી જાગી.

'શેના સમાચાર? ' રોજ અખબાર આવતું ખરું પણ અઠવાડિયામાં એકાદવાર વંચાતું બાકી ગડીબંધ પસ્તી ભેગું થતું .

માસીના આ આગ્રહ પર આંખો ચોળતી માધવી ઉભી તો થઇ પણ એને તો કલ્પના નહોતી કે અખબારની હેડ લાઈન તેની દુનિયા બદલી નાખશે. મેઈનડોર પર પડેલું અખબાર હાથમાં લેતાની સાથે આંખોમાંથી રહીસહી નિંદર વરાળ થઇ ગઈ અને હેડલાઈન જોઇને આંખો પહોળી રહી ગઈ. આ સમાચાર માટે માસી કોલ કર્યો?

અખબાર પર નજર ફેરવતાં એ દોડીને ફોન સુધી પહોંચી , લંડનથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ ટેકનિકલ ખામીને લીધે 266 ઉતારુ સાથે બ્લેક સીમાં તૂટી પડી હતી , જેમાંથી કોઈના પણ બચવાની આશા નહોતી . માધવીની આંખો શોધી રહી હતી બે નામ , એક બોક્સ આઈટમમાં સંખ્યાબંધ ઉતારુઓના નામ પૈકી બે નામ હતા, મિસ્ટર વિશ્વજિત સેન , મિસિસ આરુષિ સેન ....

'માસી .... મમ્મી ડેડી .....' એ આગળ કંઈ બોલી ન શકી. આટલો જબરદસ્ત ધક્કો તો રાજાના લગ્નના ખબર સાંભળીને પણ નહોતો લાગ્યો .

'તમને કોને ન્યુઝ આપ્યા ? આશ્રમમાં તો ઢળતી બપોર પહેલા અખબાર આવતું નથી ને !! '

'મને અમારી એક જૂની ફ્રેન્ડ નિહારિકાનો કોલ આવ્યો ' આરતીએ સ્વસ્થ થવું હોય તેમ ગળું ખોંખાર્યું : પોતે માધવીને શું એમ કહે કે આ ઘટનાનો વર્તારો બે રાતથી સતત એને જગાડતો રહ્યો હતો ?

'માધવી , તું સાંભળે છે ? ' આરતીને ચિંતા થઇ આવી. માંડ બે મહિનાની સુવાવડી ન જાણે ઉપરાછાપરી આઘાતના આ આંચકા સહન કરી શકશે કે નહીં ?

માધવીને સંભળાઈ રહ્યો હતો આરતીમાસીનો અવાજ પણ એનો અવાજ સાથ નહોતો આપતો કે એ એક શબ્દ બોલી શકે .

'ક્યાં તું અહીં મારી પાસે આવી જા, નહીં તો મારે આ બંનેને લઈને ત્યાં આવવું પડશે ....'

માધવી તો જવાબ આપે ને જો એ વાત એના મગજ સુધી પહોંચે, એ બૂત બનીને ફોન ઝાલીને બેઠી જ રહી.

આરતી સામેથી હલો હલો કરતી રહી અને માધવી શૂન્ય મને પ્રતિભાવ વિના સાંભળતી રહી . આખરે આરતીએ જ લાઈન કટ કરી નાખી પાંચ મિનીટ સુધી વિચાર કરતી રહી.

'કુસુમ , જરા આવ તો બેટા ...'

કુસુમ અને ગૌરી દોડતી આવી. : જો કુસુમ , મારે મુંબઈ જવું પડશે. તું મોટી છે અને જવાબદાર પણ , હવે મારી ગેરહાજરીમાં તું આશ્રમનું ધ્યાન રાખજે , હું આવતી જતી રહીશ પણ .... આ વખતે થોડો સમય કદાચ લાંબુ રોકાણ થઇ જાય તો .... સમજે છે ને ?

કુસુમ અને ગૌરી બંને તરછોડાયેલી અવસ્થામાં મળી આવેલી બાળકીઓ હતી જેને આરતીએ જ માની મમતાથી ઉછેરી હતી. આરતી દીદી લાંબા સમય માટે જશે એ વિચારથી જ કુસુમ રડમસ થઇ ગઈ. ગૌરીએ તો રડવાનું જ શરુ કરી દીધું , એનું દુ:ખ તો બમણું હતું , છેલ્લાં થોડા સમયમાં બાળકીઓ સાથે હળીમળી જ એટલી ગઈ હતી કે આ બંને અહીંથી જાય તે જ એને માટે અસહ્ય વાત હતી .

આરતીએ ઝડપભેર સામાન પેક કરવા માંડ્યો , મદદમાં કુસુમ ને ગૌરી તો હતા જ. સામાનમાં પોતાનું કહી શકાય એવી હેન્ડલૂમની થોડી સાડી અને મુખ્ય તો પૂજાનો સમાન હતો , પણ બે બેબીઓનો વસ્તાર સમેટતા સમય લાગી ગયો.

મુંબઈ જવા નીકળે એ પૂર્વે જરૂરી કેટલાય કામ આટોપવાના બાકી હતા. દર મહિને ગૌશાળામાં આવતી ખાદ્ય સામગ્રી ને અરુણ ને તેના પરિવાર માટે બે મહિનાની જોગવાઈ , આશ્રમમાં આવનાર નવા સાધકો માટેની વ્યવસ્થા . આશ્રમની પાતળી આવકમાંથી ચુકવતા ખર્ચ કુસુમ બધું કેમનું મેનેજ કરશે એ પ્રશ્ન આરતીને નહોતો થયો એવું પણ નહોતું . પણ , માધવીને આ સંજોગોમાં એકલી મુકવી પણ બરાબર નહોતી ને !! આરુષિને વિના માંગે આપી દીધેલું વચન પૂરું કરવાની ઘડી આમ આવી રીતે આવી જશે એવી તો કલ્પના પણ ક્યાં હતી ?