Ver virasat - 10 books and stories free download online pdf in Gujarati

વેર વિરાસત - 10

વેર વિરાસત

ભાગ - 10

'ગૌરી, ઉઠ બેટા .... ' આરતીએ બાજુની સીટમાં ઊંઘી રહેલી ગૌરીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો .

દિલ્હીથી ઉપડેલી મોડી રાતે ઉપડેલી ફ્લાઈટમાં ટીકીટ મળી ગઈ એ મોટી રાહત હતી. આરુષિ અને વિશ્વજિતના અચાનક નિધનથી આરતી હચમચી ઉઠી હતી, વર્ષોથી જે સગી બહેનનો ચહેરો સુધ્ધાં જોયો નહોતો એ તો હવે કાયમ માટે ચાલી નીકળી હતી.

આરતીના સદા પ્રફ્ફુલિત રહેતો ચહેરો મ્લાન થઇ ગયો હતો, આછી કાળાશ ફરી વળી હતી સમગ્ર ચહેરા પર. અચાનક જ ચહેરા પર દસ વર્ષ વધુ ઉંમર વર્તાઈ રહી હતી. પોતાના મનની આ હાલત હોય તો માધવીના મન પર શું વીતતું હશે ? આ એક જ વિચાર આરતીનો પીછો નહોતો છોડતો .

એરક્રેશમાં આરુષી ને વિશ્વજિતના સમાચાર સાંભળ્યા પછી માધવીને મુંબઈમાં એકલી મૂકી દેવી જોખમી વાત લાગી આરતીને .

એક તરફ હૃદયભંગ થયેલી આ છોકરીને માંડ વળી રહેલી રાહત પણ નસીબને જાણે મંજૂર ન હોય તેમ વધુ એક જોરદાર થપ્પડ મારી દીધી હતી, માબાપનો વિયોગ કરાવીને .ન કરે નારાયણ અને એવું કંઇ ન બને કે વિધિએ મારેલી ઉપરાછાપરી લપડાકો માધવીની જિજીવિષા જ ખતમ કરી નાખે, એટલે આરતીએ રિયા ને રોમાને લઈને મુંબઈ આવવાનું નક્કી કરી દીધું હતું, ત્રણ મહિનાની બે બાળકીઓ સાથે પાલમપુરથી મુંબઈનો પ્રવાસ સહેલો તો નહોતો જ, એટલે હાથલાકડી તરીકે ગૌરીને સાથે લીધી હતી અને કુસુમને આશ્રમનો હવાલો સોંપ્યો હતો.

ઇન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઇ ને આરતીની માંડ મળેલી આંખો ખુલી ગઈ. જિંદગીમાં બચેલું એક માત્ર સ્વજન એવી આરુષિને ગુમાવવાનું દુઃખ આટલું પીડશે એવું તો આરતીને ખુદને નહોતું લાગ્યું . પોતાના સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણ, માળા, જાપ કંઈ જ શાંતિ ન આપી શક્યું . આટલી સાધના પછી પણ પોતાનું મન આટલું અશાંત હોય તો માધવીની તો હાલત શું હોય શકે ? માંડ દુનિયાદારી સમજવાની ઉંમરે પહોંચેલી માધવી સાથે કુદરતે વધુ પડતી જ કઠોરતાથી વર્તી રહી હતી ને ? આરતીને પ્રશ્ન થયો.

નિયતિ કોને શું ભેટ આપવા ધારે છે એની જીવતીજાગતી મિસાલ તો પોતે અને આરુષિ જ તો રહ્યાં હતા. દિલ્હીથી ફ્લાઈટ ટેક ઓફ થઇ ત્યારથી આરતી આ વાત વિચારી રહી હતી. સતત વિચારવા પછી પણ વાતનો છેડો ક્યાંય મળતો ન લાગ્યો . રહી રહીને એક જ પ્રશ્ન મૂંઝવતો રહ્યો : માધવી માટે હવે કરવું શું ?

એરપોર્ટ પર માધવી લેવા આવી હતી.

માસી ભાણેજનું મિલન આ સંજોગોમાં થશે એવી તો કલ્પના પણ નહોતી કરી.

માધવી માસીને વળગી પડી, જાણે કોઈ મજબૂત વૃક્ષનો આધાર શોધતી વેલ. : માસી, હું તો સાવ નોંધારી થઇ ગઈ.

માધવીની કોરીધાકોર આંખોમાં આંસુ નહોતા, એ જોઇને આરતીના મનમાં વિચાર ફરકી ગયો : વિધાતાએ એને પણ મન મૂકીને રડી ન શકે એવું વરદાન આપવા માંગ્યું છે કે શું ?

કોઈ વાતચીત નહોતી થઈ રહી પણ મૌનની ભાષા માસી ભાણેજના દુઃખને એકસૂત્રે બાંધી રહી હતી.

માસી, ગૌરી, રિયા, રોમા ને પોતે . અચાનક જ એક બેડરૂમના અપાર્ટમેન્ટમાં વસ્તીવિસ્ફોટ થઇ રહ્યો હતો.

બે દિવસ તો આ આખી પરિસ્થિતિને પચાવતાં લાગ્યા માધવીને .

'માધવી, કાલે સવારે નવ પહેલાં આર કે સ્ટુડિયો પહોંચી જશે ને કે હું પીક અપ કરું તને ? ' મોડી સાંજે ફોન કરીને શશીએ માધવીને શૂટિંગનું શિડયુલ યાદ અપાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો , અરે હા, કાલે તો થઇ રહી હતી પોતાની સેકંડ ઇનિંગ, રાજા વિનાના જીવનની, સ્વતંત્ર કારકિર્દીના પગરણની.

'શશી, તું મને થોડી મદદ કરી શકે પ્લીઝ ? ' માધવીને પોતાને જ સમજાતું નહોતું કે થઇ શું રહ્યું હતું . ક્યારેક લાગતું દુનિયામાં પોતે સાવ નોંધારી છે, એકલીઅટૂલી, કોઈક ટાપુ જેવી અને એક તરફ ઘરમાં ધમધમતી એક બીજી દુનિયા, જે અચાનક જ પોતાની દુનિયા બની ચૂકી હતી, પોતે જ આમંત્રેલો સંસાર, બે દીકરીઓ અને તે સાથે આવેલી ઢગલાબંધ જવાબદારીઓ . પોતે બે દીકરીઓની મા છે એ વાત તો એક રાઝની જેમ હજી છુપાવીને રાખવાની હતી,, શશીથી, દુનિયાથી ...

'માધવી ? હલો ? હલો !! ....' સામે છેડે રહેલો શશી સમજ્યો કે લાઈન કટ થઇ ગઈ.

'શશી, બેચાર દિવસ પછી મારું શિડયુલ પાછળ ઠેલી શકાય તો ......' માધવી વિનંતી કરતી હોય તેમ હળવેકથી બોલી .

'ના માધવી , એ શક્ય જ નથી. અને એક વાત કહું ? કદાચ આ તબક્કે તને બિલકુલ નહીં ગમે પણ જો એક કલાકાર માટે આ વાત ઠીક નથી ,અને ખાસ કરીને ઉભરતાં નવા આર્ટીસ્ટ માટે .. આ બધું સ્ટાર્સને પોષાય, એક્ટર્સને નહીં ..' શશી એક હમદર્દ મિત્ર બની રહ્યો હતો. એની સલાહ ખોટી તો નહોતી જ.

માધવીએ સામે બેઠેલાં માસી સામે જોયું . એમની આંખો કંઇક કહી રહી હતી.

' શું કહ્યું ?' માધવીએ રિસીવરના માઉથપીસ પર હાથ આડો રાખીને પૂછી લીધું

'ના ના, કંઈ કહેવાનું નથી, ફક્ત એ કહેવું હતું કે જો તું અમારી ચિંતા કરતી હોય તો એ બધું વિચારીશ નહીં, હું ને ગૌરી છીએ ને, બધું સાંભળી લઈશું.'

માધવીના દિલમાં છેલ્લાં કેટલાક દિવસથી અસલામતી હતી ઘર કરવા લાગી હતી. મુંબઈ આવ્યા પછી પહેલું કામ બેંક બેલેન્સ ચેક કરવાનું કર્યું ત્યારે તો આ અસલામતી ઘટવાને બદલે વધી ગઈ હતી. છેલ્લાં છ મહિનાથી માદીકરી વચ્ચે વાત જ નહોતી થઇ એટલે આરૂષિએ કોઈ મની ટ્રાન્સફર કર્યા નહોતા : મમ્મીને વિચાર પણ નહીં આવ્યો કે હું ક્યાં હોઈશ ? કઈ પરિસ્થતિમાં હોઈશ ?

માધવીને શું ખબર કે ચિંતામાં અડધી થઇ ગયેલી માએ જ માસીને પોતાની પાસે મોકલી હતી, એને ક્યાં ખબર હતી કે પોતે ગણતરીના દિવસોની જ મહેમાન છે આ દુનિયામાં !!

અચાનક માથે આવી પડેલી બે નવજાત દીકરીઓની જવાબદારી ને સાથે માસી, ગૌરી ને પોતે . એક બેડરૂમના ફ્લેટ પાંચ લોકોને કદાચ એકવાર સમાવી પણ લે, પણ રોજબરોજના ખર્ચ ? હવે મમ્મી તો હયાત નહોતી કે જરૂર પડે ડેડીથી છુપાવી બેંકબેલેન્સ તળિયે પહોંચે એ પહેલાં જ સગવડ કરી નાખતી... કામ કર્યા વિના બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં હતો ? એવા સંજોગોમાં માસી તારણહાર થઈને આવ્યા હતા. તેમનો એક એક શબ્દ ખરેખર તો હાશકારાનું પીંછું ફેરવી રહ્યો હતો .

' શશી, જો તને વાંધો ન હોય તો મને આજનો દિવસ લીફ્ટ આપજે, કાલથી હું કંઇ સગવડ કરી લઈશ.'

'ઓકે, બસ, તો રેડી રહેજે .... ' શશીએ વાત પતાવી.

ફોન મુકીને માધવીએ એક નજર પોતાના ઘરમાં કરી. જ્યાં દરરોજ તાજાં ફૂલોની સજાવટ કરીને મૂકતી એ ખૂણો સાવ ખાલી પડ્યો હતો, વાઝ પર ધૂળની આછેરી પરત બાઝી હતી. ડાઈનીંગ ટેબલના હાલ પણ કંઈ એવા જ કંઇક હતા. બેડરૂમની હાલત તો એથી પણ કંગાળ હતી. જ્યાં ત્યાં અડધોપડધો ખોલાયેલો, સમાન વેરવિખેર પડ્યો હતો. જે બાલ્કનીમાં નાનકડો ગાર્ડન જતનથી ઉછેર્યો હતો ત્યાં પડ્યા હતા ખાલી કુંડાઓ, તેમાં સુકાઈને ઠુંઠું થઇ ગયેલા છોડવાઓ અને સૌથી અસહનીય વાત હતી ગૌરીએ ત્યાં કપડાં સુકવવાની દોરી બાંધી દીધી હતી અને ત્યાં હવામાં ફર ફર થઇ રહ્યા હતા બે દીકરીઓના બાળોતિયાં, તે પણ ડઝનના હિસાબે .

રાજને દિલ ફાડીને પ્રેમ કરવાની આ સજા ?

માધવીને ખબર ન પડી અને દ્રશ્ય ધૂંધળું થઇ ગયું, આંખમાં છવાઈ રહેલી હળવી ભીનાશ ભલે ત્યારે દ્રશ્ય ધૂંધળું કરે પણ તેનાથી વાસ્તવિકતા બદલાવાની નહોતી ને !!

સવારના આઠ વાગે તો માધવી તૈયાર હતી. સાડા આઠે શશીની કાર બિલ્ડીંગમાં પ્રવેશતી દેખાઈ તે સાથે જ એને નીચે દોટ મૂકી : માસી, એ ઉપર આવે તે પહેલા હું નીચે જાઉં, નહીંતર આ બેબીઓ ....

આરતી માસી વધુ કંઈ બોલ્યા વિના માધવીને જતી રહ્યા : મધુ, પહેલો દિવસ છે આ નવી શરૂઆતનો, એક દીવો કરીને નીકળત તો ??

'માસી,ભગવાન જેવી ચીજ જ નથી, દીવો કોને કરું ? ' માધવી બોલી તો હતી સ્વાભાવિકતાથી પણ એમાં કડવાશનો પાશ ભળેલો લાગ્યો આરતીને .

'અને આ તમારા શક્તિ ભક્તિમાં ન્યાય જેવી કોઈ સિસ્ટમ તો હશે કે નહીં?' માધવીએ જોરથી બારણું બંધ કર્યું ને નીચે ઉતરી ગઈ.

આરતી ક્યાંય સુધી માધવીની વાત પર વિચાર કરતી બેસી રહી. એ વાત તો સાચી કુદરતની પાસે ન્યાય જેવી કોઈ સિસ્ટમ તો હશે જ ને !!

' ગૌરી, બેટા, આજે તિથી કઈ છે ? જરા જોઈ લે ને અનુષ્ઠાન માટે સમાન લાવ્યા છે તે બહાર કાઢ ને બાકીની તૈયારી પણ કરજે .... '

માધવી નીકળી ગઈ અને બપોરે બંને દીકરીઓ જરા જંપી એટલે આરતીએ ગૌરીને પણ ઊંઘી જવાનું ફરમાન કરી દીધું .

'ના, મને ટીવી જોવું છે. ... ગામમાંથી મુંબઈની આવી ગયેલી ગૌરીને હવે મુંબઈની ચકાચૌંધ આકર્ષવા લાગી હતી. એનું સૌથી મોટું આકર્ષણ હતું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી . એમાં આવતા ગીતો અને ફિલ્મો .

'આ છોકરીનું ભાવિ બગડી જવાનું...' આરતીને રહી રહીને આ એક જ વાતની ફિકર થતી હોય લાગતું હતું।

'ગૌરી, આ બધા નખરાં કરવાને બદલે આ છોકરીઓ જરા જંપી છે તે તું પણ આડી પડ ' લાગતું હતું કે કહ્યાગરી છોકરી એની દીદીની વાત સાંભળવા તૈયાર નહોતી .

આ છોકરી ઊંઘે તો અનુષ્ઠાન થાય ને !!

થોડીવાર માથાઝીંક કર્યા પછી ગૌરી પણ બે બાળકીઓ સાથે લિવિંગ રૂમમાં જ ઊંઘી ગઈ ને આરતીએ પોતાની પૂજા વિધિ આદરી .

***

' માધવી, ગુડ ન્યુઝ .....' શશીએ શૂટિંગ પરથી પાછા ફરતાં કહ્યું : ગઈ કાલે મને સહાનીનો ફોન આવ્યો હતો. એક નોન કમર્શિયલ ફિલ્મ છે, લો બજેટની પણ એવોર્ડની રેલમછેલ કરે એવી, એ મારી ગેરંટી . એમને હિરોઈન જોઈએ છે , નવો ચહેરો .....'

'હં ... તો ? '

' તો શું ? મેં તારું નામ સજેસ્ટ કરી પણ દીધું, તને પૂછ્યા વિના જ ....' શશીની આંખમાં માધવી માટે જે કંઈ થઇ શકે એ તમામ કરી છૂટવાની ચમક હતી.

' પણ મારું નામ ? !! ' માધવીને ક્ષણ માટે ચીડ આવી શશી પર.

'સોરી શશી, હોંશમાં ને હોંશમાં તું નામ તો સજેસ્ટ કરી આવ્યો પણ હું ક્યાં નવી છું ? ને નવો ચહેરો ? એમને તો નવો ચહેરો જોઈએ છે, માન્યું કે તેં મારા માટે એક સદભાવનાથી કર્યું પણ રીજેકશનની પીડા તો મારે સહન કરવાની ને !! માધવીના ચહેરા પરના ભાવ એનો દબાયેલો ક્રોધ છતો કરી રહ્યા હતા.

ભલમનસાઈ કરવા ગયેલો શશી જરા સહેમી ગયો. એને માધવીનું આ સ્વરૂપ તો ક્યારેય જોયું જ નહોતું .

શૂટિંગ તો ધાર્યા કરતાં વહેલું પેકઅપ થઇ ગયું એટલું સારું હતું પણ શશીની આ હરકતે માધવીને પરેશાન કરી દીધી હતી . ઘરે આવ્યા પછી પણ માધવીના ચહેરા પર તરવરતી નારાજગી ઓછી ન થઇ. ન એને કિલકિલાટ કરતી ગૌરી સાથે રમી રહેલી દીકરીઓ સામે જોયું ન માસી સામે .

દુનિયાથી કટ ઓફ થઇ જવું હોય તેમ બાલ્કનીમાં સ્વીંગ ચેરમાં આંખો બંધ કરીને માધવી બેસી પડી.

'શું વાત છે ? શું થયું ? કેમ આટલી અપસેટ છે ? ' થોડી જ વારમાં માસી પોતે કોફીના મગ સાથે આવી પહોંચ્યા .

માધવી કંઇ પણ બોલવાને બદલે ગુમસુમ જ રહી.

' હા, ન કહીશ, હું ભૂલી જાઉં છું કે તારી મા નથી, માસી છું...પણ કોફી તો પી લે ..... ' માસી હળવે સ્વરે બોલ્યા એમાં કોઈ ભાવ નહોતો પણ માધવીને લાગ્યું કે પોતે માસી સાથે આવો વર્તાવ નહોતો કરવો જોઈતો .

'માસી, પ્લીઝ, તમે તો મને ખોટી ન સમજો .... 'માધવીના દિલમાં રહેલો ધૂંધવાટ રસ્તો કરીને જ રહ્યો . શશીએ પોતાને માટે અજાણતાં કેવી મુસીબત ઉભી કરી દીધી તે વાત કરવાથી સારું પણ લાગ્યું .

'ઓહો, એટલે ડર માત્ર રીજેકશનનો છે એમ ને ? માસી એવી રીતે બોલ્યા જાણે એ પેલા સહાનીને ફોન કરીને માધવીના સિલેકશન માટે વર્દી આપવાના હોય.

'માસી, તમે સમજતાં નથી, આ વાત જેવી તેવી નથી. આવી ગોસીપ છપાય ને તો હાથમાંથી બીજી તક પણ નીકળી જાય, જે ચકરડું ઉપર લઇ જતું હોય તે દિશામાં ચાલતું હોય તે આવા ન્યુઝથી નીચે ઉતરવા માંડે .... પણ જવા દો તમને એ બધું નહીં સમજાય....'

'હા, મધુ, શક્ય છે મને નહીં સમજાય ... પણ, હું તને કહું છું કે જા, આ રોલ તને જ મળ્યો સમજ ... બસ?, એટલું જ નહીં આ ફિલ્મ તારા નામને ચાર ચાંદ લગાડી દેશે . '

'માસી તમે તો એવી વાત કરો છો કે જાણે તમારી પાસે કોઈ જાદુઈ છડી હોય, જે તમે ફેરવશો એટલે મારી પસંદગી થઇ જશે, બીજીવાર ફેરવશો એટલે ફિલ્મ બની જશે અને ત્રીજીવાર એટલે એવોર્ડઝની વર્ષા ...' માધવી જરા હસી. માસીની માસૂમિયત પર એને હસવું આવ્યું, બિચારા માસી, પોતાની નાની નાની ખુશી માટે કેવી બાલીશ વાતો કરી રહ્યા હતા.

'આ વિષે વધુ તો નહીં કહું પણ તું જે આ બોલી એવું બધું ખરેખર થાય તો ? ' માસીની આંખોની દ્રઢતાએ માધવીને સૂઝેલી મશ્કરીઓ પર બ્રેક મારી દીધી.

'માધવી, ન માનવું હોય તો ન માનીશ પણ હું તને કહું છું, વાત તો વિશ્વાસની છે. તું આજે જે હાલતમાં છે તેમાં કાલે નહીં હોય એ મારું વચન છે તને ..... બસ?'

', સોરી,માસી, મારો ઈરાદો તમારા શાસ્ત્ર ને શક્તિની મજાક કરવાનો હરગીઝ નહોતો પણ જો આ બધું શક્ય હોત તો આ મારી દીકરીઓને બાપવિહોણી કેમ રાખી ?તમે મારી અવસ્થા તો જુઓ !! પ્રેમનો આવો બદલો ? માબાપનો વિયોગ, કુંવારું માતૃત્વ અને કારકિર્દીમાં સંઘર્ષ, અત્યારે જે હાલતમાં હું છું ને મારા લીધે તમને જે પહોંચે છે ...સાચે હું આ બધાને લાયક છું ? ને આખરે મારો ગુનો શું કે એક ખોટાં માણસને ઓળખી ન શકી એ?' માધવીની આંખોમાં કેટલાંય ભાવ એક સાથે ધસી આવ્યા।

પોતાના આ પ્રશ્ને માસીની બોલતી બંધ કરી દીધી હોય તેમ માધવીને લાગ્યું . માસીને એ જ અવસ્થામાં મૂકીને માધવી બાથરૂમમાં ભરાઈ ગઈ. મન જયારે ઉદાસ હોય કે ક્રોધથી તાપી ગયું હોય ત્યારે ઠંડા પાણીનો શાવર ચાલુ કરી પાંચ મિનીટ નીચે ઉભા રહી જવાથી તમામ ફિકર ચિંતા, તાણ ધોવાઇ જતા. હવે આ થેરાપી માધવી માટે વ્યસન થઇ પડી હતી.

દીકરા, આ પ્રશ્નનો ઉત્તર પણ છે, અને તે પણ તને મળશે .... અત્યારે હું કહીશ તો તને નહીં સમજાય, પણ જયારે ભાગ્યના ભેદ એક પછી એક ખુલતા જશે ત્યારે સમજાશે કે આ પાછળનું કારણ શું હતું .

'દીદી , આ ટેલિગ્રામ આવ્યો છે ...' ગૌરીએ આરતીના વિચારમાં વિક્ષેપ પાડ્યો.

આરતીએ સહી કરીને ટેલિગ્રામ હાથમાં લીધો, એ માધવીના નામે હતો. પ્રેષકનું નામ હતું દિવાનજી એન્ડ ભટ્ટાચાર્ય એસોસીએટ્સ, કોઈક સોલિસીટર ફર્મમાંથી મોકલાયો હતો. આરતી હજી વિચાર કરે એ પહેલા તો માધવી નાહીને નીકળી,ને માસીના હાથમાં ટેલીગ્રામ જોયો : શું થયું માસી ? કોનો ટેલીગ્રામ છે ? બધું બરાબર તો છે ને આશ્રમમાં ?

'ટેલીગ્રામ મારા માટે નથી તારા માટે છે મધુ ...કોઈ સોલીસીટર ફર્મમાંથી આવ્યો છે.

માધવીએ ભીનાં વાળ જોરથી ઉપર ખેંચીને બાંધ્યા ને ટેલિગ્રામ ખોલ્યો .

'માસી, આમાં તો માત્ર આ લીગલ ફર્મની ઓફિસમાં ક્યારે આવવું તે વિશેની સૂચના છે ....? ' માધવીની આંખોમાં કુતુહલતા સાથે થોડી ચિંતા દેખાતી હતી.

બીજે દિવસે બપોરે ચાર વાગ્યે માસી ભાણેજ ફોર્ટમાં આવેલી દિવાનજી એન્ડ ભટ્ટાચાર્ય અસોસીએટ્સમાં પહોંચ્યા ત્યારે ઓફિસમાં ખાસ કોઈ ચહલપહલ જણાતી નહોતી .

વર્ષો પુરાણી લો ફર્મનું બિલ્ડીંગ પણ એમની સ્થાપનાવર્ષ જેટલું જ જૂનું હતું અને અંદર ઓફિસનું ફર્નિચર બ્રિટીશ યુગની યાદ અપાવતું હતું . વર્ષોથી બંધ બારીઓ, ધૂળ ખાતી ફાઈલ્સ, અને ગ્રીન કલરના લેધરની તોતિંગ, અંદર ખૂંપી જવાય તેટલી નરમ સોફાચેર્સ .

'માસી, વાત શું હશે કંઈ સમજાય છે ? મને તો કંઇ જ નથી સમજાઈ રહ્યું ....' માધવી દબાયેલા સ્વરે માસીના કાનમાં ફૂંક મારતી હોય તેમ બોલી.

' એ તો ખબર પડશે !!' માસીના અવાજની સપાટતા એવીને એવી જ હતી.

થોડીવારમાં જ પ્યુન આવતો જણાયો : તમે અંદર જઈ શકો છો.

માધવી અને આરતી અંદર પ્રવેશ્યાં ને તેમનું સ્વાગત થયું હુંફાળા આવકારથી : પ્લીઝ કમ ઇન, તો યુ આર માધવી ..... વિશ્વજિતની દીકરી એમ ને !!

માધવી જરાવાર માટે ઓછ્પાઈ : આ તો સત્યેન ભટ્ટાચાર્ય પોતે . કાયદાવિદોની દુનિયામાં જાણીતું નામ, વારંવાર જેનું નામ માત્ર અખબારમાં વાંચેલું હતું તે સદેહે સામે હતા. સ્થૂળ કહી શકાય તેવું શરીર તો રીવોલ્વીંગ ચેરમાં મહામુસીબતે ફીટ થતું હોય તેમ લાગતું હતું . ગોરો વર્ણ અને કાળાં વાળને હરાવવા જંગમાં ઉતરેલાં અને જીતી રહ્યા હોય તેમ આગળના વાળ તમામ શ્વેત હતા.

'જી, હું માધવી ને મારા માસી, આરતી...'

' પ્લીઝ ..ભારે શાલીનતાથી તેમણે સામે પડેલી વિઝીટર્સ ચેર તરફ હાથથી ઇશારત કરી ને આવકાર આપ્યો , આ દરમિયાન સત્યેન ભટ્ટાચાર્યના ચહેરા પર આવેલું સ્મિત યથાવત રહ્યું પણ દ્રષ્ટિ પોતાના ચહેરા પર ક્ષણવાર માટે અટકી ને પાછી ફરી ગઈ એ આરતીની નજર બહાર નહોતું રહ્યું.

'માધવી, તું કદાચ મને નહીં ઓળખતી હોય પણ હું અને તારા ડેડી મિત્રો હતા, લંગોટિયા કહો એવા. ....વિશ્વજિતનું આમ ચાલી જવું..... ખેર ... ' ઇમોશનલ ન થઇ જવાય એવી કોઈક તકેદારીથી સત્યેન ભટ્ટાચાર્ય પાછા પોતાના મૂળ સ્વાંગમાં આવી ગયા.

ઉત્તરમાં માધવીએ માત્ર ડોકું ધુણાવ્યું, જો કે ડેડી પાસે આ નામ તો કદી સાંભળ્યું નહોતું ..

ઔપચારિકતાનો દોર થોડીવાર ચાલતો રહ્યો અને પ્યુન આવીને કોફી મૂકી ગયો.

' માધવી, મેં તને બોલાવી છે મારી આખરી જવાબદારી પૂરી કરવા ...' એટલું બોલતાની સાથે જ ભટ્ટાચાર્યે પોતાની જમણીબાજુએ રાખેલું એક હળવા લીલા રંગનું સીલબંધ પરબીડિયું ખેંચી કાઢ્યું : વિલ છે, વિશ્વજિત સેનનું....

'મે આઈ ?, વિલ કદાચ થોડું લાંબુ લાગે પણ ....બંને મહિલાઓની પરવાનગી માંગતા હોય તેવો ભાવ તેમના ચહેરા પર હતો.

મૌન સમંતિ મળતા એમણે વિલ વાંચવાની શરૂઆત કરી. અઢાર પાનાંના વિલમાં વાત હતી. કોઈ જો કે તોની વાત નહોતી, જેની ધારણા માધવીએ રાખી હતી. બલકે એમાં તો સ્પષ્ટપણે નિર્દેશ થયો હતો.

આખું વિલ વાચ્યા પછી માધવી દિગ્મૂઢ થઇ બેસી રહી, તેના માનવામાં નહોતું આવી શકતું જે ડેડી તેની સાથે આવું પણ કરી શકે.

'તો માધવી, આ વિલ પ્રમાણે વિશ્વજિત સેનની તમામ સંપત્તિ, સ્થાવર મિલકત, અને જે અહીં ઉલ્લેખાયેલી જંગમ મિલકત છે તેની માલિકી વિશ્વજિતના મૃત્યુ પછી માત્ર ને માત્ર તેમની પત્ની આરૂષિ સેનની થાય છે પરંતુ આરૂષિ સેન હયાત ન હોવાથી, આરૂષિ સેન પણ એરક્રેશમાં મૃત્યુ પામ્યા હોવાથી આ તમામ મિલકતોની વારસ તેમની એકમાત્ર પુત્રી માધવી સેન બને છે. ......' સત્યેન ભટ્ટાચાર્યના ચહેરા પર હળવું સ્મિત આવ્યું : ગોડ બ્લેસ યુ... માધવી ..

'પણ આ બધું હું મેનેજ કરીશ કઈ રીતે? ' માધવી હજી અચંબાના આંચકામાંથી બહાર નહોતી આવી શકી.

' માધવી, કરોડો રૂપિયાની મિલકત છે આ, અને બીજા શેર્સ અને ઝવેરાત ... વર્ષો સુધી આ પરિવારની જમીનદારી રહી છે, ને સહુ સભ્યોએ બધું શાંતિથી સુલેહથી ગયા વર્ષે જ છુટું કરી લીધું, બાકી તને તો ખબર છે ને કે મિલકત માટે શું શું રાજકારણ પરિવારમાં જ ખેલાય છે ..' સત્યેન ભટ્ટાચાર્યએ કહ્યું તો માધવીને પણ આ બોલતી વખતે એમની નજર આરતીના ચહેરા પર ફરી એકવાર ગઈ એ તો માધવીએ પણ નોધ્યું .

'પણ, આ બધું હું હેન્ડલ કરીશ કઈ રીતે? ' માધવીના ચહેરા પર અચરજ સાથે સાથે ઘણાં ભાવ આવીને વિલીન થતાં ગયા.

'આ વિલ પ્રમાણે જે કંઈ વિશ્વજીતનું હતું એમની મરજી પ્રમાણે હવે માધવી તારું છે. આ માટે તને જે કોઈ મદદ જોઈએ તે માટે વિશ્વનો આ મિત્ર તૈયાર છે. ' ભટ્ટાચાર્યએ આપેલી હૈયાધારણ ભારે સંગીન હતી.

સોલીસીટરની ઓફિસમાંથી બહાર નીકળતી વખતે માધવી અને આરતી બંને સ્તબ્ધ હતા.

ટેક્સીમાં થોડીવાર ચૂપ રહ્યા પછી છેલ્લે આરતીએ મૌન તોડ્યું : માધવી, યાદ છે મેં તને શું કહ્યું હતું ?

માધવી આરતી સામે વિસ્ફારિત આંખોએ જોતી રહી : તમે એવું શા પરથી કહ્યું હતું ?

'એ બધી વાત જવા દે માધવી , ગઈકાલે તું બે બાળકીઓ માટે સંઘર્ષ કરતી મા હતી અને આજે વિશ્વજિત સેનની કરોડોપતિ વારસદાર દીકરી ...

'હા, એ વાત તો સાચી પણ સાચું કહું હજી આ આખી વાત મારા માનવામાં નથી આવતી .'

માધવી ટેક્સીના ખુલ્લા કાચમાંથી બહાર તાકી રહી હતી. મરીન ડ્રાઈવ પર થઇ રહેલો ખૂબસૂરત સુર્યાસ્ત નવી આશાના સૂર્યોદય જેવો લાગી રહ્યો હતો અને અચાનક એની નજર બાજુમાં મરકી રહેલી આરતી પર પડી.

'માસી !! શું વાત છે ? '

'ઓહો, ભાગ્ય તારા ઉઘડે તો ખુશી તો મને થાય ને !! માન્યું કે જે રીતે આ થયું તે નહોતું થવું જોઈતું પણ ખબર નહીં, વિધિને એ મંજૂર હશે ... '

'મધુ, હજી એક વધુ વાત કહું તને .....' આરતી થોડી ગંભીર થઈને બોલી: ' તારી એક મુખ્ય ચિંતા તો આમ ચપટી વગાડતાં ઉકેલાઈ ગઈ, હવે જોજે તારો કરિયરનો ગ્રાફ ...'

'શું વાત કરો છો ? એટલે તમે એમ કહો છો કે આ વારસાની લોટરી લાગી એમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ મારા નામના સિક્કા પડતાં જશે ?

'હજી કોઈ શક છે શું ? ' આરતીએ માધવીના પ્રશ્નના ઉત્તરમાં પ્રશ્ન કર્યો .

ટેક્સી ઘર પાસે ઉભી રહી, એ ઘર જ્યાં માધવી છેલ્લાં થોડાં હતી. ટેક્સીની બહાર નીકળીને પૈસા ચૂકવતાં માધવીની નજર બિલ્ડીંગ પર ફરી રહી : આ મકાન આટલું બિસ્માર હશે એની કોઈ દિવસ પોતે નોંધ સરખી કેમ નહોતી લીધી ?

અચાનક મળી ગયેલા આકાશના ટુકડાને પંપાળતી ઘરમાં પ્રવેશી રહેલી માધવીને ખબર નહોતી કે હજી એક વધુ ખુશખબર મળવાની તો બાકી હતી.

દીકરીઓના જન્મ પછી પહેલીવાર માધવીએ બાલ્કનીમાં ચાની ટ્રે લઈને પ્રવેશ કર્યો અને ત્યાં ફોનની રીંગ રણકતી સંભળાઈ .

'માધવી, કોન્ગ્રેટ્સ .... તું સિલેક્ટ થઇ ગઈ .... ચાર હજાર એન્ટ્રીમાં તારો નંબર લાગી ગયો. સહાનીએ પોતે કહ્યું કે કાલે ને કાલે મીટીંગ ફિક્સ કર......'

'આઈ કાન્ટ બીલીવ ધીસ શશી ....' માધવીના ચહેરા પર આતશબાજી થઇ રહી હોય તેમ ખુશી ફૂટી રહી હતી.

માધવીની શશી સાથે થઇ રહેલી ફોન પર વાત સાંભળતા જ આરતીએ એક ચૂસકી ગરમ ચાની ભરી : હાશ, તપસ્યા રંગ તો લાવી રહી હતી...

'માસી, યુ આર ગ્રેટ, માની ગઈ તમારી વાત ને !!'

જવાબમાં આરતી મંદ મંદ હસતી રહી.

'ના, સાચું કહું છું, એક વાત તો નક્કી છે કે તમારી પાસે કોઈક જાદુઈ છડી તો છે જ ...છે ને, હવે સાચે કહોને,પ્લીઝ ? ' માધવી મજાક નહોતી કરતી એ સાચ્ચે પ્રભાવિત થઇ રહી હતી.

'અરે, એવું હોત તો પછી જોઈતું હતું શું ? ' આરતી ફિક્કું હસી. એને યાદ આવી ગઈ સાંજે દિવાનજીની ઓફિસમાંથી ઉતરતાં વખતે થયેલી વાત. માધવી વોશરૂમમાં ગઈ ત્યારે સત્યેને પૂછી લીધેલી વાત.

આરતી.... તું હતી ક્યાં આટલો સમય ? બધા તો માને છે કે તું તો આ દુનિયામાં હયાત જ નથી......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED