હીરો Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હીરો

હીરો

(Hero)

સાંજે ઓફિસ થી ઘેર ગયો કે તરત જ ફરીદા એ ખુશ થઇ ને મને 20-25 મકાઈ ડોડા બતાવ્યા, ને બોલી ''જો, સંદીપે મને આપ્યા.''

''સંદીપ? હા, હા, સંદીપપ્પ...તે તને ક્યાં મળી ગયો?''

''બજાર માં, પછી અમે લસ્સી પીધી, અને તે મને ઘર સુધી મૂકી પણ ગયો.''

'' ઓહો એમ? તે હજુય તારા કોન્ટેક્ટમાં છે? મને તો તે દિવસ પછીનો મળ્યો જ નથી. ઘેરે લાવતી ને....''

''ઘણું કહ્યું, નીચેથી જ જતો રહ્યો, ફરી આવીશ, કહીને...''

અને મને મારી સાથે થોડા સમય પહેલા બનેલ ઘટના યાદ આવી.....આમ તો પુરી ઘટના માત્ર 15-16 કલાક માંજ સમેટાઈ ગઈ, પણ તે દરમ્યાન, ખાસ તો છેલ્લા બે-ત્રણ કલાકમાં અમને એવા અનુભવ થયા કે જે જિંદગીભર ભુલાવાના નથી.

અમદાવાદમાં મારું ધંધાનું કામ પતાવીને હું બસ સ્ટેશન આવ્યો. સાંજના સાત-સાડાસાત થયા છે. મારા શહેર જતી બસ માં બેસ્યો, બસ ઉપડવાને હજુ વાર હતી ને બસ લગભગ ખાલી જ 10-12 જણ માંડ બેઠા છે, હું એક ખાલી બે ની શીટ પર જઈને બેઠો.

એક આધેડ વયનો આદિવાસી પોતાની 12-13 વરસની દીકરી પાસેથી ઉઠીને મારી પાસે આવ્યો, ને બોલ્યો ''સોનપુર જાવ છો? '' મેં હા પાડી, તેણે કહ્યું કે ''મારી દીકરી એકલી છે ને તે પણ સોનપુર જાય છે, તો તમે ધ્યાન રાખશો, ને તેને ઉતારી દેશો? ''

મેં હા પાડી ને પુછ્યું કે ''ઘર ક્યાં છે? ''

''લીંગાવાડા.''

મારા શહેર થી લીંગાવાડા 12 km દુર આદિવાસી ગામડું છે, મેં કહ્યું કે ''શહેર પહોંચતા રાતના લગભગ 1 વાગશે, ને પછી લીંગાવાડા જવા માટે છકડો કે રીક્ષા કે બીજું કોઈ વાહન નહિ મળે તો તે જશે કેવી રીતે?''

''તેનો ભાઈ સોનપુર બસ સ્ટેશને લેવા આવશે, મેં નંબર આપું છું તે નંબર પર તમે લીમખેડા જાય કે ફોન કરજો તો તેનો ભાઈ શહેર ના બસ સ્ટેશને આવીને ઉભો રહેશે. મારું આટલું કામ કરજો તમારું ભલું થશે.''

તે નંબર બોલ્યો ને મેં લાપરવાહી થી સેવ કર્યો. તેણે છોકરીને ઉઠાડીને મારી બાજુમાં બેસાડી. ને બસ ઉપડી ત્યાં સુધી ઉભો રહ્યો. છોકરીનું નામ ગીતા હતું ને તેની પાસે કાપડની થેલીમાં કપડા ભરેલા હતા.

હું એ અજાણતા જ કુંડાળામાં પગ મૂકી દીધો હતો. મને ખબર નહોતી કે હું કેવો ફસાવાનો છું, આમ જોવા જાવ તો મારે કોઈ ધાડ મારવાની નહોતી, કે છોરી કે તેનો સમાન ઊંચકવાનો નહોતો, ફક્ત ફોન કરીને તેના ભાઈને બોલાવવાનો હતો, અને આટલા કામ માટે ના પાડવાનું કોઈ કારણ નહોતું.

હું ઝોંકા ખાતો ત્યારે ઉઠ્યો, જયારે બસ ઉભી રહી ગઈ. ટટાર થઈને જોયુ તો રેસ્ટોરન્ટ પાસે ઉભી હતી, સારું કર્યું.. મને સખત ભૂખ લાગી હતી. હું ઉભો થયો ને ગીતાને કહ્યું ''ચાલ જમવું હોય તો...''

''ના''

હું એકલો જમવા ઉતર્યો. ખુરશી પર બેઠા બેઠા મને વિચાર આવ્યો કે જો મને સખત ભૂખ લાગી છે તો ગીતાને પણ લાગી જ હશે ને?? ના, ના, મારાથી એકલા ખવાય નહિ... એમ તો બસમાં બીજા પણ ભૂખ્યા હશે તો શું બધાને હું જમાડું? ના, બીજાની વાત નથી, પણ ગીતાની મેં જવાબદારી લીધી છે.... જવાબદારી? શું જવાબદારી? જવાબદારી છોડો, જો મારી પહેલી દીકરી જીવતી હોતી તો તે પણ આજે ગીતા જેવડી જ હોત... ગમેતેમ પણ મને એકલા ખાવાનું મન થયું નહિ, ને હું ફરી બસમાં આવીને ગીતાને પણ જમવા લઇ ગયો, તે નાં પાડતી હતી ને શરમાતી હતી, પણ મેં આગ્રહ કરીને તેને ખવડાવ્યું.

ફરી બસ ઉપડી તો મેં એક ખાલી ત્રણ ની શીટ પર જઈને લંબાવ્યું, ને ગીતાને કહ્યું કે ''તું પણ સુઈ જા, જો જાગતી હોય તો લીમખેડા જાય તો મને ભાઈને ફોન કરવા ઉઠાડજે, મેં અંદાજે એલાર્મ તો મૂક્યું જ છે, એટલે ચિંતા કરીશ નહિ.''

એલાર્મ વાગતા પહેલા જ ગીતાએ મને ઉઠાડ્યો ને ભાઈ ને ફોન કરવાનું કહ્યું. હું તેના ભાઈને ફોન કરવાની કોશિશ કરતો હતો, પણ ચાલુ બસમાં નેટવર્ક મળતું નહોતું. ફોન પણ રિસ્ટાર્ટ કરી જોયો. બસમાં ચારે તરફ નજર ફેરવી તો એક કાકા જાગતા બેઠા હતા. તેમને એક ફોન કરવાની વિનંતી કરી, તે અણગમાથી બોલ્યા ''નંબર બોલો...''

મેં મારો ફોન તેમને પકડાવી દીધો. તે તરત જ બોલ્યા કે નંબર ખોટો છે, 11 ડિજિટ છે. છેલ્લા ડિજિટ વગર પણ ટ્રાય કર્યો પણ લાગ્યો નહિ, ગીતા ને પૂછ્યું કે તને નંબર યાદ છે? ''નાં'' તારા બાપાનો નંબર ખબર છે? ''નાં'' કોઈ સગાનો નંબર યાદ છે? ''નાં''

મર્યા..... હવે?

મેં તેને સાંત્વના આપવા માટે કહ્યુકે ચિંતા કરીશ નહિ, તારા બાપા એ તારા ભાઈને ફોન કર્યો જ હશે ને તે જરૂર આપણી રાહ જોઇને બસ સ્ટેશન પર ઉભો હશે.

તે ઉદાસ થઇ ગઈ ને થોડીવાર પછી રડવા માંડી. મેં કહ્યું કે તું ચિંતા ના કર, હું તને ઘેર પહોંચાડીશ, ને તારો ભાઈ તને લેવા નહિ આવે ત્યાં સુધી હું તને છોડીને ક્યાંય જવાનો નથી....

અમે બસ સ્ટેશન ઉતર્યા, ને ચારેબાજુ જોયું, મને આશા હતી કે તેનો ભાઈ રાહ જોતો ઉભો હશે જ, પણ ત્યાં કોઈ નહોતું, બિલકુલ સન્નાટો હતો. ચા ની લારી અને પાન નો ગલ્લો ખુલ્લા હતા, અને અમુક લોકો બાંકડા, જમીન પર સુતા હતા, તે સિવાય બધું સુમસામ હતું. 10-15 મિનીટ અમે વાટ જોતા બેઠા, પણ તેનો ભાઈ આવ્યો નહિ. મેં ગીતાને સમજાવટ ભર્યા સુરથી કહ્યું કે ''જો બેટા, સવાર પહેલા તો છકડો મળશે નહિ, આખી રાત અહીં બેસી રહેવું પડે, બરાબર ને? તારા માટે કરીને મારે પણ બેસવું પડે....એના કરતા આપણે મારા ઘેર જઈએ, ને સવારે હું તને બાઈક પર ઘેર મૂકી આવીશ.''

તે શંકાથી મારી તરફ જોવા લાગી, તેની આંખો પરથી એવું લાગતું હતું કે તે મને તોળી રહી છે. તેને વિચારવાનો સમય આપવા માટે કરીને હું થોડીવાર કશું બોલ્યો નહિ. પછી તેની તરફ હાથ લંબાવીને કહ્યું '' આવે છે ને બેબી?''

ખબર નહિ તે શું વિચારતી હતી, પણ તેણે પોતાનો હાથ મારા હાથમાં મૂકી દીધો, ને ઉભી થઇ ગઈ. અમે રિક્ષામાં ઘેર આવ્યા.

દરવાજો ખોલતા જ મારી સાથે નાની છોકરીને જોઈ ને ફરીદા ચમકી ગઈ, બોલી '' કોણ છે આ?''

''આપણી મહેમાન છે, બધું કહું છું, પહેલા ચા મૂક.''

''કેમ, જમવું નથી? તું તો મોં મારી જ આવ્યો હશે પણ આપણી મહેમાન ને તો જમવું હશે ને?''

''ના, અમે બંને જમી ને આવ્યા છે, તું ચા લાવ ને...''

તેણે ગીતાને હાથ-પગ-મોં ધોવડાવ્યા. અને અમે ચા પીતા પીતા તેને બધી વાત કરી. ફરીદા મારી સામે જોઈ ને હસતા હસતા બોલી ''આજ સુધીનો રેકોર્ડ છે કે તું બહારગામથી કશો લોચો કે ઊંધું મારીને ના આવ્યો હોય...''

મને કઈ સમજ પડી નહિ, '' અત્યારે શું ઊંધું માર્યું?''

''આજની વાત નથી, આ તો કાયમની વાત કરું છું, સુઈ જા, સવારે વાત... હું ને ગીતા બેડરૂમમાં સુઈશું, તું છોકરાઓ સાથે તેમના રૂમમાં જા અથવા અહીં સોફા પર પડ્યો રહે.''

મને છોકરાઓને ડિસ્ટર્બ કરવું યોગ્ય ન લાગતા ત્યાં સોફા પર જ લંબાવ્યું. મને ઊંઘ આવી નહિ, મારા દિમાગ પર સખત ભાર વર્તાતો હતો, જવાબદારીનો... મને તેના ભાઈ પર ગુસ્સો આવતો હતો... સાલો ગમાર...જરાય ચિંતા છે, છોકરીની?? સવાર પડવાની હું રાહ જોવા લાગ્યો. બેડરૂમ માંથી ફરીદા અને ગીતાનો વાતો કરવાનો અવાજ આવતો હતો.

સવારે અમે બધાએ ચા-નાસ્તો કર્યો. ફરીદાએ પહેલા મારા બંને દીકરાઓને સ્કૂલ માટે તૈયાર કર્યા, ને રીક્ષા સુધી મૂકી આવી. પછી તેણે ગીતાને તૈયાર કરી, તેના વાળ બનાવી આપ્યા. અને મારા દીકરાની જૂની સ્કૂલ બેગમાં તેના કપડાં ભરી આપ્યા. બાઈક પર હું ગીતા ને લઈને નીકળતો હતો કે ફરીદા બોલી કે થોભ, હું પણ સાથે આવું છું. મેં કહ્યું કે તારી જરૂર નથી ને કલાકમાં તો હું પાછો આવી જઈશ, પણ તે માની નહિ ને મારી સાથે આવી. તે પણ જીન્સ પહેરી આવી, હું તો કાયમ અને દરેક જગ્યાએ કે દરેક પ્રસંગે જીન્સ સિવાય કશું પહેરતો જ નથી.

સ્ત્રીઓને છઠી ઈન્દ્રિય હોય છે તેનો મને તે દિવસે પરચો મળ્યો.

આ તરફ શું થયું કે, જોકે તે બધું મને પાછળથી જાણવા મળ્યું હતું, હા, તો થયું એવું કે, ગીતાના બાપે ગીતાના ભાઈને રાત્રે બે વાગ્યે ફોન કરીને પૂછ્યું કે ગીતાને લઇ આવ્યો ને??

કેમ બે વાગ્યે ફોન કર્યો? કેમ વહેલો કર્યો નહિ? લાગતો નહોતો? કે મને જવાબદારી સોંપ્યા પછી નિશ્ચિન્ત થઈને ભૂલી ગયો હતો? આ બધું કશું હું જાણતો નથી, પણ તેના બાપના ફોન થી ગીતાના ભાઈ પર આભ તૂટ્યું. તે અને બીજા ત્રણ સબંધી રાતે લગભગ બે વાગ્યે બે બાઈક પર દોડતા શહેર આવ્યા. બસ સ્ટેશન પર તપાસ કરતા ખબર પડી કે એક પુરુષ છોકરી સાથે બેઠો હતો, થોડીવાર પછી તેઓ રિક્ષામાં જતા રહ્યા. કોની રીક્ષા? કઈ રીક્ષા? વગેરે માહિતી તેમને મળી નહિ. બે જણ ત્યાં તપાસ માટે રોકાયા, ને ગીતાનો ભાઈ એક સબંધી જોડે પોલીસ સ્ટેશન ગયા, અને તેના બાપે આપેલું મારુ વર્ણન કરીને અપહરણની ફરિયાદ લખાવી.

હું અને ફરીદા ગીતા ને લઈને લીંગાવાડા, તેને ઘેર પહોંચ્યા કે ગામલોકો અમને ઘેરી વળ્યાં, વાતાવરણ ખુબ જ તંગ હતું. જો ફરીદા મારી સાથે ના હોત તો મને બોલવાનો પણ મોકો આપ્યા વગર તેઓ મને ધોઈ કાઢતા.

ફરીદાએ તેમને શાંત પાડ્યા ને સમજાવ્યા. તેઓએ ગીતાનો ભાઈ કે જેનું નામ સંદીપ હતું, તેને ફોન કર્યો, જે શહેરમાં ગીતાને શોધતો હતો. સંદીપને કહ્યું કે ગીતા ઘેર આવી ગઈ છે. સંદીપે સૂચના આપી કે તે ના આવે ત્યાં સુધી મને જવા દેવો નહિ.

મારી બાઈકની ચાવી લઇ લેવામાં આવી, ને અમને ઝાડ નીચે ખાટલા પર બેસાડ્યા. અમે નજરકેદ હતા. હવે હું મારો સંયમ ખોઈ રહ્યો હતો. ફરીદા બોલી કે માર ન ખાવો હોય તો ચૂપ-ચાપ બેસી રહે.

ગીતાનો ભાઈ સંદીપ અને બીજા ત્રણ જણા બે બાઈક પર ધૂળના ગોટા ઉડાડતા વાવાઝોડાની જેમ આવ્યા. સંદીપ બાઈક પરથી કૂદી ને ધસમસતો મારી તરફ આવ્યો, અમે ઉભા થઇ ગયા હતા. ફરીદા ઝડપથી મારી આગળ આવીને હાથ પહોળા કરી ને ઉભી રહી ગઈ, ને ચિલ્લાઈ ''ઉભો રહે... પહેલા મારાથી વાત કર..''

ફરીદા રણચંડી જેવી લાગતી હતી. મારો બૈરાની પાછળ છુપાવા કે બચવા નો સ્વભાવ નથી, પણ અત્યારે બળા-બળ ના પારખા કરવાનો કે તાકાત અજમાવવાનો સમય નહોતો. મારી સહાનુભતિ સંદીપ સાથે હતી, તેની જગ્યાએ હું હોઉં તો હું પણ તેના જેટલો જ બલ્કે વધારે ગુસ્સે હોઉં... અત્યારે તો ગેરસમજ દૂર કરવી જરૂરી હતી, ફરીદા જે કરતી હતી તે બરાબર જ હતું.

તે ફરીદાને ને વચ્ચે આવેલી જોઈને અચકાયો ને ઉભો રહી ગયો. તેણી એ આગળ વધીને તેને બધું કહ્યું ને સમજણ પાડી, તોય તેને વિશ્વાસ થયો નહિ, તે ઘરમાં ગીતા સાથે વાત કરવા ગયો.

સંદીપ 23-24 નો ફૂટડો, હેન્ડસમ, પાકા રંગનો જુવાન હતો. તે એકવડિયો પણ તેનું શરીર કસાયેલું હતું. તેના લાંબા ખભા સુધી પહોંચતા વાળને લીધે તે ખરેખર ખુબ જ હેન્ડસમ લાગતો હતો. તેની ઊંચાઈ મારા કરતા સહેજ નાની હતી, પણ તે મને એક જ પંચ માં ધૂળ ચાટતો કરી શકે એવો હતો.

સંદીપ ઘરમાંથી બહાર આવ્યો, તે ગીતાની વાતો થી સંતુષ્ટ અને ખુશ લાગતો હતો. તેણે મારી સાથે હાથ મિલાવ્યો ને મારો આભાર માન્યો, અને બદતમીઝી થઇ અને અમને તકલીફ પડી તે માટે માફી માંગી. પછી તે ફરીદાને પગે પણ લાગ્યો.

બસ, પછી શું? વાતાવરણ હળવું અને દોસ્તાના બની ગયું, અમારી ખુબ મહેમાનગતિ કરવામાં આવી, ચા-ગાંઠિયા ને થેલી ભરીને કાચી મગફળી ફરીદાને આપવામાં આવી.

ફરીદાને વડવાઈએ લટકાવીને હિંચકોળવામાં આવી. તે ગીતા અને સંદીપ સાથે ખેતરોમાં ફરી, દોડી, ભેંસ પર પણ બેઠી. તે પાછી આવી ત્યારે તેની જીન્સ ઢીચણ સુધી માટીથી ખરડાયેલી, પણ તે ખુશ-ખુશાલ હતી.

મારી બાઈકની ચાવી તેઓ પાસે જ હતી, સંદીપે ઈશારો કર્યો, તો એક જણ મારી બાઇકમાં પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું પેટ્રોલ નાખી ગયો.

ગમે-તેમ પણ અમને બંનેને ખુબ મજા આવી, ને તે લોકોના પ્રેમથી ગદગદિત થઇ ગયા. પછી સંદીપે મને બાપાનો ફોન આવ્યો ત્યારથી કે પોલીસ ફરિયાદ સુધીની વાત કરી. મેં સલાહ આપી કે છોરી ઘેર આવી ગઈ છે, તેથી પોલીસ ફરિયાદ પાછી લઇ લો.

તે બોલ્યો કે અમે પોલીસમાં જઈ જ રહ્યા છીએ, તમે પણ સાથે આવો તો સારું, મેં હા પાડી, તે મારી ભૂલ હતી.

અમે બધા શહેર આવ્યા, મેં ફરીદાને કહ્યું કે '' તું ઘેર જા, હું પોલીસમાં જઈને આવું છું.''

તેને ફરી અમંગળની એંધાણી થઇ, તે માની નહિ ને તે પણ પોલીસ સ્ટેશન આવી.

અમે બહાર બેઠા, સંદીપ અને તેના સંબંધીઓએ ઈન્સ્પેક્ટરને બધી વાત કરી.

ઈન્સ્પેક્ટરે મને કેબિનમાં બોલાવ્યો, હું ને ફરીદા અંદર ગયા.

ઇન્સ્પેક્ટર લાલધૂમ આંખોવાળો, લબડેલા ગલોફાવાળો, ટકલો, જાડિયો હતો. તે ખુરશીની પીઠ પર ટેકો દઈને બેઠો હતો. તેણે કમર પર કચકચાવીને બેલ્ટ બાંધ્યો હતો, તેથી તેનું પેટ ઉભરાઈને બહાર આવતું હોય તેવું લાગતું હતું. મને જોતા જ ઇન્સ્પેકટર બોલ્યો,'' અચ્છાઆઆઆઆ, તો આ છે લાન્ડીયો કે જેણે છોરી ને આખી રાત ગોંધી રાખી હતી..''

મેં કહ્યું ''સાહેબ બધું પતી ગયું છે ને ગેરસમજ દૂર થઇ ગઈ છે, અમે ફરિયાદ પાછી લેવા આવ્યા છે. ''

''એમ? કેટલામાં તોડ કર્યો છે?''

''મને કઈ સમજાતું નથી''

'' સમજાવું છું'' કહીને તેને મારા સિવાયના બધાને બહાર કાઢ્યા. ને બોલ્યો કે –

'' હા, તો હવે બોલ ######, છોરીને ઘેર કેમ લઇ ગયો હતો? "

"તો શું કરતો? રાત્રે 1 વાગ્યે 13 વરસની છોરીને એકલી મુકીને જતા રહેવું? "

"ઘેર શું કરવા લઇ ગયો? અમે અહી તારી માં ##### બેઠા છીએ? અહી કેમ ના લાવ્યો? "

"કેમ અહીં લાવું? અહી લાવવાનું કોઈ કારણ જ નહોતું, શું છોકરી લાવારિસ હતી? તેને ખબર નહોતી કે તેને ક્યાં જવું છે, કે તેનું ઘર ક્યાં છે? સાહેબ, ઘેર જવા વાહન સવાર પહેલા મળે એમ નહોતું, ને રાતે એકલી મૂકીને જતા મારો જીવ ચાલ્યો નહિ, તેથી માનવતાના નાતે મેં તેને ઘેર લઇ ગયો. "

તેના મો માંથી સતત ગંદી ગાળો નીકળતી હતી, મેં કહ્યું કે ‘’સાહેબ, થોડી સભ્યતાથી વાત કરો તો સારું.’’ "######## %%%%%%% *********** લાન્ડીયો અમને સભ્યતા શીખવાડે છે, અમારી સભ્યતા તેં જોઈ જ છે ક્યાં... "

તે ખુરશી પરથી લથડિયાં ખાતો ઉભો થયો, ને મને તમાચો માર્યો. ને ચિલ્લાયો કે આ ને અંદર નાખો. મને બે કોન્સ્ટેબલે ઘસડીને લોક અપ માં નાખ્યો.

ફરીદા તો હેબતાઈ ગઈ હતી. તે મારી પાસે આવીને મારા ગાલ પર હાથ ફેરવતા બોલી કે-

‘’આપણે આમાં ક્યાં ફસાયા? હવે શું થશે? તારા ભાઈ અને બીજા બધાને ખબર આપું છું. "

મેં નાં પાડી ને કહ્યુકે ‘’થોડી રાહ જો, આ તો મને કોઈ બીજો જ ખેલ લાગે છે. તું શાંતિ રાખ, થોડા સમયમાં પિક્ચર ક્લીયર થઇ જશે. અને તું સાચું કહેતી હતી કે દર વખતે હું લોચા ને ઊંધું મારુ જ છું, ને તેનો તું ભોગ બને છે. હું ખુબ જ દિલગીર છું કે મારા લીધે તને તકલીફ પડે છે, પરંતુ શું કરતો? તે સમયે મને જે ઠીક લાગ્યું તે કર્યું, પણ હવે કસમ લઉં છું કે આવા કોઈ લફરામાં નહિ પડું.’’

‘’ના ના તેં જે કર્યું તે બિલકુલ બરાબર જ કર્યું છે, અને એટલે જ તો તું મને ગમે છે.’’

મારી ધારણા સાચી હતી, થોડીવારે એક કોન્સ્ટેબલ આવ્યો ને કહેવા લાગ્યો કે –

‘’સાહેબ તમે તો ગયા... સજ્જડ કેસ બની શકે એમ છે. નાબાલિગ નું અપહરણ, કદાચ રેપ.....’’

મેં કહ્યું ‘’પણ મારી સામે કોઈ ફરીયાદી જ નથી તો મને કયા ગુના માટે રાખ્યો છે?’’

તો તે હસવા લાગ્યો ને કહ્યું કે ‘’ફરિયાદ તો છે જ...ને તે પાછી લેવામાં આવી નથી. ને તે લોકો (સંદીપ) તો બધા ગયા. તેઓ એ નિવેદન આપ્યું છે કે છોકરી તમારી પાસેથી મળી છે, ને અમે એટલે કે પોલીસે તેમણે આપેલી બાતમીને આધારે તમારી તમારા ઘેરેથી ધરપકડ કરી છે. હવે છોકરીને બોલાવીને તેનું બયાન લેવામાં આવશે, તેની મેડીકલ તપાસ કરવામાં આવશે, ને કાયદેસર જે થતું હશે તે થશે, કદાચ તમે છૂટી પણ જશો પણ તે પહેલા તમારે ઘણા પાપડ બેલવા પડશે ને બદનામી તો નફા માં....જો મારી સલાહ માનો તો 10 હજાર આપો ને ઘેર જાવ.’’

"કોઈને નિસ્વાર્થ મદદ કરવાની કિંમત 10 હજાર, માર, ગંદી ગાળો ને અપમાન? તો તો કોઈ કોઈને મદદ જ નહિ કરે ને માનવતા જેવું કશું રહેશે નહિ. "

"સુફિયાની વાતો રહેવા દો ને જલ્દી નિર્ણય લો હું પાછો આવું છું. આજ-કાલ માહોલ કેવો છે, તે જાણો છોને? "

ફરીદા બધું સાંભળીને ખુબ ગભરાઈ ગઈ, તે જલ્દી પૈસાની વ્યવસ્થા કરી ને મને બહાર કાઢવા માંગતી હતી.. પણ મેં નાં પાડી ને કહ્યુ કે મને વિચારવા દે. મને આઘાત લાગ્યો હતો કે સંદીપ મને આમ નોધારો મૂકી ને જતો રહ્યો હશે? મેં ફરીદા ને બહાર જોવા મોકલી કે જો સંદીપ છે કે નહિ? પણ બહાર કોઈ જ નહોતું. બહાર થી જોઈને આવી પછી તે બીમાર હોય તેવી, નંખાઈ ગયેલી દેખાતી હતી. બોલી ''કોઈ નથી...જતો રહ્યો છે....’’

સંદીપ મને છોડીને જતો રહ્યો તેનો મારા કરતા વધારે આઘાત ફરીદાને લાગ્યો હતો. તેને જોઈને હું પણ નાસીપાસ થઇ ચુક્યો હતો.

મને ઢીલો ને ઉદાસ જોઈ ને તેણે બે સળિયા વચ્ચેથી હાથ નાખીને મારા ચચરતા ગાલ પર ફેરવ્યો, ને બોલી ''ગમે તે થયું, પણ આજનો હીરો તો તું જ છે.'' - જોકે ફરીદા ખોટી પડવાની હતી.

તેણે કેમ ફરિયાદ પાછી ના લીધી? ભોળા આદિવાસીઓને પોલીસે મારા વિરુદ્ધ ભડકાવ્યા હશે? કે પછી કશું જ નહોતું, પોલીસ મને ખાલી ડરાવીને ચા -નાસ્તાનો ખર્ચો કાઢવા માંગતા હતા? આમ તો હું કોઈથી ડરતો નથી, ને ન્યાય માટે છેલ્લે સુધી લડી લેવાના મિજાજ નો છું. હું દુનિયા કે સમાજની પરવા કરવાવાળો પણ નથી. પણ આ આરોપ જ એટલો નીચ અને છેલ્લી કક્ષાનો હતો કે જીતીને પણ હું જ હારી જતો. કોઈ મને ચોર કહે, ગુંડો કહે, કે અરે ખૂની કહે તો પણ હું પરવા કરું નહિ, પણ કોઈ મને એક માસુમ બાળકી પર દાનત બગાડનારો નરાધમ કહે તે મને મંજુર નહોતું. જીતી ને પણ હું શંકા ના ઘેરા માં જ રહેવાનો હતો. એટલે નક્કી કર્યું કે પૈસા આપીને જાન છોડાવવી.

થોડીવારે ફરી કોન્સ્ટેબલ આવ્યો ને પૂછ્યું, મેં કહ્યું કે મારાથી 10 થઇ શકે એમ નથી. મને ઢીલો પડેલો જોઈને તેણે કહ્યું કે જુઓ, તમે મને સારા માણસ લાગો છો ને મને સહાનુભુતિ છે એટલે હું તમારું કામ 7 માં પણ કરાવી આપીશ. મેં કહ્યું કે સારું, હું ફોન કરીને મંગાવું છું..

મેં ફરીદા સામે જોયું, તેની આંખ ભીની હતી. તે બોલી ''ખરેખર માણસોને કળવા મુશ્કેલ છે...''

તે સંદીપના જતા રહેવાનો આઘાત હજુ પચાવી શકી નહોતી.

મેં કહ્યું ''હશે, આ અનુભવ પણ બાકી હતો તે થઇ ગયો. તું પૈસાને રડીશ નહિ, મારા ડાબા હાથનો ખેલ છે.''

''તને પણ ખબર છે કે હું પૈસા માટે નથી રડતી, પણ છોડ, બીજા જાળવે કે ના જાળવે, પણ આપણે તો આપણું સ્ટાન્ડર્ડ, સંસ્કાર જાળવી રાખ્યા.''

હું તૂટવાની અણી પર જ હતો ને સંદીપ આવ્યો, ફરીદા દોડીને તેની પાસે ગઈ ને તેનો હાથ પકડીને ઘૂંટણિયે પડી ગઈ, અને મને નીચ અને હલકા લાંછન થી મુક્ત કરવા માટે રડવા ને કરગરવા લાગી. તે પણ ભાવુક થઇ ગયો ને હાથ છોડાવીને મારી તરફ જોઈ ને બોલ્યો કે - "બસ હવે થોડી જ વાર છે ને તમે છૂટી જશો. "

ને ખરેખર કોન્સ્ટેબલે આવીને મને બહાર કાઢ્યો. અમે ત્રણે બહાર આવ્યા. સંદીપ આવજો કહીને ઝડપથી ચાલીને પોતાની બાઈક પાસે ગયો, ને સ્ટાર્ટ કરી. ફરીદા તેની સાથે જાણે શું વાત કરવા માંગતી હતી, ખબર નથી, પણ તે ''વાત સાંભળ..ઉભો રહે...'' બોલતી તેની તરફ દોડી, પણ સંદીપે જાણી-જોઈને સાંભળ્યું નહિ કે સાચે જ તેને સંભળાયું નહિ, પરંતુ તે રોકાયો નહિ ને જતો રહ્યો.

પછીથી અમને ખબર પડી કે સંદીપે મને છોડી દેવા માટે 7 હજાર આપ્યા હતા. ને તે ચાંદી ગીરવે મૂકીને પૈસાની સગવડ કરવા માટે ગયો હતો....

----સમાપ્ત