નસીબ - પ્રકરણ - 20 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ - પ્રકરણ - 20

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

પ્રકરણ - ૨૦

લાલ-પીળા કલરના ઝળહળતા પ્રકાશમાં યશવંત નહાઈ ઉઠ્યો. તેની આંખો પહોળી થઈ ગઈ હતી. તેની સામે તેણે ખોલેલી પેટીમાંથી એક તેજ પ્રકાશનો રંગબેરંગી પુંજ બહાર આવી તેની આસપાસ પથરાઈ રહ્યો હતો... વિસ્ફારીત નજરે તે એ પેટીમાં જોઈ રહ્યો. જાણે કે વિશ્વની આઠમી અજાયબી તેની નજરો સમક્ષ ખડી હોય એવા આશ્ચર્યથી તે એ પ્રકાશને તાકી રહ્યો. આજસુધીમાં તેણે ઘમા ગેરકાનુની કન્સાઇનમેન્ટ પકડ્યા હતા. એ કન્સાઇનમેન્ટમાં જે દારૂગોળો, શસ્ત્રો, હેરોઇન, કોકેન હાથ લાગતા એ જથ્થાને જોઈને તો તેના ઉપરી અધિકારીઓ પણ છક થઈ જતા... અરે, એણે ટ્રકોના ટ્રક ભરેલી વિસ્ફોટક સામગ્રી પકડી હતી. તેની સામે આ નાનકડી પેટીઓની તો કંઈ વિશાત જ નહોતી... એમ છતા અત્યારે તે હક્કોબક્કો બની ગયો હતો. આચંકા, આઘાત અને વિસ્મયથી તે એ પેટીની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા સામાનને જોઈ રહ્યો હતો... પેટીની અંદર લાંબા નળાકાર આકારના જાડા ઇમ્પોર્ટેડ પારદર્શક કાચના બનેલા પાઈપ હતા... થર્મોકોલની જાડી શીટમાં વ્યવસ્થિત, માપ પ્રમાણેના આકારના ખાંચા પાડીને એક લાઇનમાં ચાર કાચના નળાકાર પાઈપ ગોઠવ્યા હતા... એ જાડા પારદર્શક કાચના નળાકારની અંદર રેડીયમ કલરનું ઝળકતુ પ્રવાહી ભરેલુ હતું... એ પ્રવાહી સતત એકધારુ ગતીશીલ હતું... તપેલીમાં ચા મુકીને ગરમ કરતા જે ઉફાણો આપે એવો જ ઉફાણો એ પ્રવાહીમાં આવતો હતો. જેના કારણે એ પ્રવાહીમાં એક ચમક આવતી હતી જે સતત વધતી જતી હતી... યશવંત ફાટી આંખે અને ઘડકતા હૃદયે એ પારદર્શક કાચના નળાકારમાં ભરેલા પ્રવાહીને તાકી રહ્યો... તેની સમજમાં નહોતુ આવતુ કે આ પ્રવાહી શું છે અને એ કેમ આટલું ઝળકી રહ્યું છે...? હાજી-કાસમ અને ખન્ના જેવા ખૂંખાર વ્યક્તિઓ આ પ્રવાહી ભરેલી પેટીઓ લઈ આવ્યા છે એટલે આ કોઈ સામાન્ય ચીજ તો નહીંજ હોય એની યશવંતને ગળા સુધીની ખાતરી હતી, તેમ છતાં તે મુંઝાયો હતો... એકવખત તો એ નળાકારને હાથમાં લઈને જોવા માટે તેણે પોતાનો હાથ પેટી સુધી લંબાવ્યો પણ ખરો, પરંતુ તરત તે અટક્યો હતો... તેને ટંડેલને બોલાવવાનું મન થયું... કંઈક વિચાર્યું અને ફરી પાછો ઘીરે રહીને તેણે પોતાનો હાથ નળાકારની દિશામાં લંબાવ્યો... તેની આંગળીઓ નળાકાર કાચની ઠંડી સપાટીને સ્પર્શી... તેણે પુરી હથેળી ખોલીને તેનો સ્પર્શ કર્યો... કાચની એ પાઇપ તેના ધાર્યા કરતા વધુ સખત અને વધુ ઠંડી હતી... જાણે હમણા જ કોઈએ ફ્રીઝના ડીપકુલ ખાનામાંથી બહાર કાઢી હોય એવી સખત ઠંડી હતી... એ નળાકાર પાઇપના એક છેડે કાચની બરણીને બંધ કરવા જેવું ઠાકણ વપરાય એવું સખથ રબ્બરનું એકદમ ચૂસ્ત ઢાકણું ચડાવેલું હતું જેથી અંદર ભરેલું પ્રવાહી સહેજ પણ બહાર ન આવી શકે... અચાનક તેનો હાથ એ નળાકાર ઉપર ફરતો અટક્યો... તેના કાન સરવા થયા... નળાકારમાંથી એકદમ ધીમો કશોક અવાજ આવતો હતો... કદાચ અંદર ભરેલું પ્રકાશીત પ્રવાહી કાચની દિવાલ સાથે અથડાઈ રહ્યું હોય એવો એ તડ... તડ... તડ... તડ... જેવો અવાજ. અહેસાસ યશવંતને થયો. તેની આંખો ખેંચાઈને ઝીણી થઈ અને તે એ પેટીઓમાં રાખેલા નળાકાર ઉપર ઝુક્યો... તેનો ચહેરો પેટીની ગલોગલ આવ્યો. પ્રકાશથી તેનો ચહેરો ઝળહળતો હતો. તે આંખો ખેંચીને, કાન માંડીને એ નળાકારમાં થઈ રહેલી ગતીવીધીનો તાગ મેળવવા મથામણ કરતો રહ્યો... એ ચમકીલા પ્રવાહીની અંદર કંઈક ઉછળી રહ્યું હતું... કંઈક સાવ નાની જીવાત કે પછી બેકટેરીયા જેવું... જે નરી આંખે દેખાતું નહોતું... તે અસમંજસમાં પડ્યો કે એ શું હોઈ શકે...? બેકટેરીયાના ઝુંડ હોઈ શકે અથવા તો કોઈ કાતીલ જીવાણુંઓ એવો વિચાર તેના જહેનમાં ઉદ્‌ભવ્યો. તેનું પોલીસીયા દિમાગ ખળભળી ઉઠ્યું... તેની નજરો સમક્ષ અપાર આશ્ચર્ય હિલોળા લઈ રહ્યું હતું... અચાનક તેને કંઈક યાદ આવ્યું હતું... તેણે જોયેલી એકાદ હોલિવુડની અંગ્રેજી ફિલ્મમાં આવાજ કંઈક ચળકતા પ્રવાહીના ગોળા બતાવવામાં આવ્યા હતા. યશવંતના શરીરમાંથી ભયનું એક લખલખુ પસાર થઈ ગયુ. એ ફિલ્મમાં વિલન આવા જ ગોળામાં ભરેલા જીવાણું મિશ્રીત પ્રવાહીથી સમગ્ર દુનિયામાં તબાહી મચાવવા માંગતો હોય છે, જેનો મનસૂબો ફિલ્મના અંતે હિરો નાકામીયાબ બનાવી દુનિયાને બચાવી લે છે અને એ પ્રવાહી ભરેલા ગોળાને પણ સહી-સલામત રીતે નષ્ટ કરી નાખે છે... એ ફિલ્મના દ્રશ્યને યાદ કરતા જ યશવંત ચોંકી ઉઠે છે... જરૂર આ પ્રવાહી પણ એ ફિલ્મમાં બતાવ્યું એવું જ હોવુ જોઈએ... હાજી-કાસમ અને ખન્ના આ પ્રવાહીને આટલી ઝડબેસલાક રીતે ભારતમાં લઈ આવ્યા એનો મતલબ તે ન સમજી શકે એટલો નાદાન નહોતો. જરૂર કાસમ અને ખન્ના આ ચળકતા પ્રવાહી રૂપી જીવાણુઓથી ભારતમાં તબાહી મચાવવા માંગતા હશે એવો વિચાર તેના મનમાં ઉદ્‌ભવ્યો... હવા અથવા પાણીમાં ભેળવીને આ પ્રવાહીથી ભારતભરમાં હાહાકાર ફેલાવવો અશક્ય નહોતો... જો એ લોકો એમના ઇરાદાઓમાં કામીયાબ થઈ જાય તો જે સ્થળોએ આ પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે ત્યાં ભયાનક રોગચાળો ફાટી નીકળે અને એ વિસ્તાર કે શહેરમાં રહેતા લોકોના ભયાનક યાતનાથી મોત થાય, જેના કારણે ચો-તરફ અંધાધૂંધી અને અરાજકતા ફેલાઈ જાય... શસ્ત્રો અને આર.ડી.એક્સ. કરતા પણ આ બેકટેરીયા વધુ તબાહી મચાવી શકે એ સમજતા યશવંતને વાર ન લાગી... તેણે સમય ગુમાવ્યા વગર તાબળતોબ પોતાના મોબાઈલથી એક નંબર ડાયલ કર્યો અને પોલીસ કંટ્રોલરૂમમાં અર્જન્ટનો એક મેસેજ મોકલી રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે બોલાવી લીધી... તે કોઈ રીસ્ક લેવા માંગતો નહોતો...

ટંડેલ હાંફી રહ્યો હતો... દરબારના બે જ પ્રહારમાં તેની આંખે અંધારા આવી ગયા હતા... ટંડેલ પોતે કસરતી શરીરનો મજબુત મનોબળ ધરાવતો વ્યક્તિ હતો, પરંતુ અત્યારે દરબારના લઠ્ઠ જેવા ખડતલ દેહાતી શરીરની તાકત સામે તે રીતસરના ઘુંટણીયા ટેકવી રહ્યો હતો... દરબારના એક જ પાવડા છાપ હથેળીના વારે તેના દિમાગની નસોમાં હલચલ મચી ગઈ હતી અને તેની આંખોમાં એકસાથે હજારો તારોલીયા નાચવા લાગ્યા હતા. તે પોતાના માથા ઉપર હાથ દબાવતો પાછળ ખસ્યો કે દરબારના હાથનો મુક્કો તેના પેટ ઉપર વિંઝાયો... ‘ઓહ...’ અવાજ નીકળ્યો ટંડેલના મોઢામાંથી. માથા ઉપર દબાવેલા તેના હાથ પેટ તરફ વળ્યા અને ભારે દર્દથી કરાહતો તે બેવડવળી ગયો.... દરબારનો મુક્કો બરાબર તેના પેટની વચ્ચે વાગ્યો હતો. ટંડેલને બે-ઘડી એવુ લાગ્યું કે જાણે તેના પેટના આંતરડા ચામડી ફાડીને બહાર નીકળી આવ્યા હોય... તેના પગ લથડ્યા. સ્થિર ઉભા રહેવાની તેની તાકત હણાઈ ગઈ હતી. તેને પેટ દબાવીને રેતીમાં આળોટવાનું, ભયાનક સાદે રડવાનું મન થતુ હતુ. દરબારના બીજા પ્રહારે જ તે પસ્ત થઈ ચૂક્યો હતો. દર્દની તમામ સીમાઓ ઓળંગીને તે કરાહી રહ્યો હતો. દરબારનો સામનો કરવાની તેની તાકત ખતમ થઈ ચૂકી હતી... તે હજુ કંઈ વિચારે કે પોતાના બચાવમાં કોઈ એક્શન લે એ પહેલા દરબારે બેવડવળી ગયેલા ટંડેલના દાઢીના નીચેના ભાગે પોતાના ગોઠણથી ભયાનક પ્રહાર કર્યો... ‘તડાક...’ અવાજ થયો અને ટંડેલ ઉછળીને ચત્તોપાટ રેતાળ જમીન ઉપર પથરાયો... તેના મોંમા લોહી ઉભરાયુ. દરબારના ગોઠણનો પ્રહાર એટલો જોરદાર હતો કે ટંડેલના આગળના બે-ત્રણ દાંત તુટીને તેના મોઢામાં ભરાયા હતા અને એ જગ્યાએથી લોહીની ધાર ફુટી નીકળી હતી... તે રીતસરનો હવામાં ઉછળીને રેતી ઉપર ઝીંકાયો... તેનુ માથું કોઈ સખત ચીજ સાથે ટકરાયુ અને વળી પાછો તે કરાહી ઉઠ્યો... તે નીચે પડ્યો ત્યારે તેનું માથુ કદાચ કોઈક પથ્થર સાથે ટકરાયુ હતું... બેવડો આઘાત અને બેવડો માર ટંડેલને લાગ્યો હતો... દરબારે ટંડેલના જડબા નીચે વાર કર્યો હતો અને તે નીચે ઝીંકાયો એ સાથે જ ત્યાં રેતીમાં ઉપસી આવેલા પથ્થર સાથે તેનું માથુ જોરથી ટકરાયુ હતું... ઉભા થવું તેના માટે હવે શક્ય નહોતુ. તેના મોઢામાંથી લોહીની ઉલટીઓ શરૂ થઈ હતી... આખા શરીરે હજારો વીંછીઓએ એકસાથે ડંખ માર્યા હોય એવા ઝટકા લાગતા હતા... તે માનસિક સમતુલા ગુમાવીને બેહોશીની કગારે પડ્યો હતો... એકમાત્ર ડર અને પ્રાણી સહજ પ્રતિકારના ભાવે જ તે હજુ સુધી બેભાન નહોતો થયો. તેને હવે દરબારની બીક લાગતી હતી. તે જાણતો હતો કે જો તે અત્યારે હામ હારી જશે તો દરબાર તેને ખતમ કર્યા વગર છોડશે નહીં... ભયાનક પીડાના કારણે તેનું મોત આમ પણ નક્કી જ હતું છતા તે પોતાની જાતને સજાગ રાખવા મથતો હતો... તેની આંખો ઘેરાતી હતી છતા તેને એક ડર હતો કે હમણા દરબાર તેના પર પ્રહાર કરશે... એ ડરના કારણે જ તે ઉભો થઈને દુર ભાગી જવા માંગતો હોય એમ પડખુ ફર્યો... તેના હાથ ઠંડી-ભીની રેતીમાં ફેલાયા અને અનાયાસે જ જે ચીજ તેના માથાના પાછળના ભાગે ટકરાઈ હતી એ ચીજને અડક્યા... ઘેરાતી આંખોએ અને ખોવાતી જતી સુઝબુઝ વચ્ચે ટંડેલે હાથ ફંફોસીને સમજવાની કોશીષ કરીકે એ શું ચીજ છે...? જો એ પથ્થર હોય તો એનો ઘા દરબાર ઉપર કરવાના મનસુબા સાથે તેણે હાથ ફેલાવ્યો... અને તેના દિમાગમાં ઝટકો લાગ્યો... એ પથ્થર નહોતો... એ હાજી-કાસમના હાથમાંથી ઉછળીને દૂર ફંગોળાયેલી એ.કે. ૫૬ ગન હતી, જે અડધી રેતીમાં દટાયેલી હતી... ટંડેલનો હાથ એ રાયફલના બટ સાથે અથડાયો અને તેના જીગરમાં આંધી ઉપડી... એક ન સમજાય કે વર્ણવી ન શકાય એવો આનંદ તેના ભીતરમાં છવાયો... તેનું હૈયુ થડકી ઉઠ્યુ અને લગભગ શૂન્ય થવા આવેલું તેનું દિમાગ એક ઝટકા સાથે ફરીથી જાગ્યુ... તેના હાથ રાયફલના બટ ઉપર સખ્તાઈથી વીંટળાયા... ઝટકા સાથે તેણે રાયફલ ઉઠાવી... તેની આંખો સ્થિર રહેતી નહોતી છતા અનુમાનના આધારે દરબાર ક્યાં હોઈ શકે એ નક્કી કરીને એ દિશામાં તેણે ગન તાકી ટ્રીગર દબાવી દીધુ... એક સાથે હજારો ફાયરના અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યા અને એ અવાજમાં હિંમતસીંહ દરબારની મરણતોલ ચીખો પણ ભળી... ટંડેલે માત્ર અનુમાનના આધારે જ દરબાર ક્યાં હોઈ શકે એવો અંદાજ લગાવીને ટ્રીગર દબાવ્યુ હતુ અને તેનું એ અનુમાન સાચુ પડ્યુ હતું... હિંમતસીંહ દરબારના પહાડ જેવા ઊંચા શરીરમાં એ.કે. ૫૬માંથી વછુટેલી ગોળીઓ ઘરબાઈ હતી... તેને ખુદનેય વિશ્વાસ નહોતો આવ્યો કે તેનું મોત આ રીતે ત્રાટકશે... ઘડીના છઠ્ઠા ભાગમાં તે વિંધાયો હતો અને ક્ષણભરમાં તો તેનું પ્રાણ-પંખેરુ ઉડી ગયું હતું... ‘ધબ્બ...’ કરતો તે નીચે ખાબક્યો... ટંડેલને મારવા માટે ઉંચકાયેલો તેનો પગ હવામાં અધ્ધર જ લટકી રહ્યો...

આ બાજુ જોરાવરસીંહ અને પ્રેમ વચ્ચે પણ ખરાખરીનો જંગ જામ્યો હતો... જોરાના ખડતલ શરીરમાં અશીમ તાકત હતી તો પ્રેમની પાસે સુઝ-બુઝ અને કરાટેના અજીબો-ગરીબ પેંતરા હતા. લગભગ પંદર મીનીટથી પણ વધારે સમયથી એ બન્ને આપસમાં એકબીજા ઉપર હાવી થવાની કોશીષ કરી રહ્યા હતા પરંતુ બેમાંથી એકેય એકબીજાને મચક નહોતા આપી શક્યા... જોરાને પારાવાર આશ્ચર્ય એ બાબતનું હતું કે તે આ સુકલકડી છોકરાને પરાસ્ત કેમ નથી કરી શકતો... તેણે અત્યાર સુધી ભલ-ભલા તાકતવર પહેલવાનોને પોતાના મુક્કાના એકજ વારે જમીન ચાંટતા કરી નાખ્યા હતા જ્યારે અહી, અત્યારે તેની તમામ કોશીષો બાદ પણ તેનો હાથ આ છોકરાના શરીર સુધી પહોંચી જ નહોતો શકતો... આમ કેમ બને... ? તે દરવખતે ભયાનક ઝનુનથી પ્રેમ ઉપર ઝપટતો અને દરવખતે પ્રેમ તેના હાથમાંથી બિલાડીના પંજામાંથી ઉંદર છટકી જાય એમ છટકી જતો... તેનાથી જોરાનો ગુસ્સો વધતો જતો હતો. એક સાવ મામુલી, મગતરા જેવો છોકરો તેની સાથે રમત રમતો હતો અને કાળઝાળ ક્રોધથી તે તમતમી ઉઠ્યો હતો... તેણે પેંતરો બદલ્યો... આ વખતે તે દોડ્યો ત્યારે તેણે પ્રેમને મુક્કો મારવા હાથ હવામાં અધ્ધર કર્યો પરંતુ તેણે મુક્કો માર્યો નહીં... હાથના પ્રહારની જગ્યાએ તે આખો જ પ્રેમ ઉપર ઘસી ગયો અને પોતાના આખલા જેવા શરીર સમેત તે પ્રેમ ઉપર પડ્યો... જાણે કોઈ મોટી તોતીંગ શીલા ઘસી પડતી હોય એમ જોરા પ્રેમના શરીર ઉપર ઝીંકાયો... પ્રેમને જોરા આવુ કંઈક કરશે એની બીલકુલ અપેક્ષા નહોતી. પ્રેમનું સમગ્ર ધ્યાન જોરાના હવામાં અધ્ધર તોળાયેલા હાથ ઉપર હતું એટલે તે જોરાના આ નવા પેંતરાથી ડઘાઈ ગયો હતો અને હજુ તો પોતાની જાતને સંભાળે એ પહેલા તેના પગ જમીન ઉપરથી ઉખડ્યા હતા... જોરાવરના કદાવર, મજબુત ખભાનો ભાગ પ્રેમની છાતી ઉપર ભયાવહ રીતે અથડાયો હતો જેના કારણે તેની છાતીની પાંસળીઓમાં કોઈક ઠેકાણે કડાકો બોલ્યો અને તે ખળભળી ઉઠ્યો... એ પીડાનો અહેસાસ તેના દિમાગ સુધી પહોંચે એ પહેલા તો તે જોરાના શરીર નીચે દબાઈ ગયો હતો... પ્રેમ પીઠભેર રેતીમાં ચત્તોપાટ ઝીંકાયો હતો અને જોરા જાણે તેને ભીંસીને મારી નાખવા માંગતો હોય એમ તેની ભીંસ વધારતો જતો હતો. જોરા જેમ-જેમ દબાણ વધારતો હતો એમ-એમ પ્રેમનું શરીર દરિયાની ભીની રેતી અને જોરાના પહાડી શરીર વચ્ચે સેન્ડવીચની જેમ ચગદાતુ જતુ હતું... માત્ર પાંચ જ સેકન્ડમાં પ્રેમને અનુભવ થયો કે તેનું હૃદય ફાટી પડશે... તેને શ્વાસ લેવામાં ગુંગણામણ થવા લાગી... આંખોમાં લોહી ઘસી આવતા હિંગોળક છવાયું... જોરાની મશીન પકડમાંથી છુટવા તે હવાતીયા મારવા લાગ્યો... તેના ફેફસા ભયાનક વજન હેઠળ દબાયા હતા... પ્રેમે મરણીયા બનીને જોરાની લોખંડી ભીંસમાંથી છૂટવાની કોશીષ કરી... તેના બન્ને પગ હજુ મુક્ત હતા એટલે સૌ પ્રથમ તો તેણે ડાબી-બાજુ પડખુ ફરવા જોર કર્યું... એ કોશીષ નાકામયાબ નીવડતા તેણે જમણો પગ ગોઠણથી ૯૦ના કાટખૂણે વાળી, બન્ને હાથને પ્રયત્નપૂર્વક જોરાના શરીર નીચેથી કાઢી તેને જોરાના બન્ને ખભે ટેકવી પોતાનામાં હતી એટલી તાકાત એકઠી કરી તેને ઉંચો કરવાની કોશીષ કરી. મહા-મહેનતે જોરાનું શરીર થોડું ઉંચકાયુ કે તરત પ્રેમે તેનો ગોઠણ જોરાના પેડુના ભાગે ભરાવ્યો અને એક જોરદાર ઝટકો પોતાના શરીરને આપ્યો... જોરાવર હજુ પણ ઉંઘેમાથે ગાંડાની જેમ પ્રેમને ભીંસીને જ મારી નાખવાની કોશીષ કરતો હતો. જો પ્રેમે એ ઝટકો માર્યો નહોત તો જરૂર તેના રામ રમી ગયા હોત... પરંતુ જેવો પ્રેમે પોતાનો ગોઠણ ભરાવીને ઝટકો માર્યો કે જોરાનું સંતુલન તૂટ્યુ અને એકતરફ થોડો ઢળક્યો... બસ... પ્રેમ જેવા વ્યક્તિને એક આવી જ નાનકડી તકની જરૂર હતી. તે હતો તો સાવ સુકલકડી પણ તેનામાં અપાર જીજીવીષા અને સંજોગોને સમજવાની ફાવટ હતી. નાનપણથી જ તેણે પોતાના શરીરને એવી રીતે કેળવ્યું હતું કે ખતરનાક પરિસ્થિતિમાં પણ તે મોકો શોધી સામેવાળાને માત કરી શકતો... પ્રેમને જે તકની જરૂર હતી એ તેને મળી હતી. સેકન્ડના દસમા ભાગમાં ગજબની સ્ફૂર્તિથી તે જોરાના અધુકડા થયેલા શરીર નીચેથી બહાર નીકળ્યો અને શ્વાસ પણ લેવા રોકાયા વગર તેણે પોતાના જમણા હાથની ઉંધી ઝાપટ જોરાના ભરાવદાર ચહેરા પર વીંઝી... ‘તડાક...’ અવાજ આવ્યો અને જોરા ચિત્કારી ઉઠ્યો... પછી... પ્રેમ રોકાયો નહીં... હવામાં રીતસરનો ઉછળીને તે ઉભો થયો અને પગની એક જોરદાર ઠોકર જોરાના ઘુંટણની ઢાંકણી ઉપર ઠોકી... ભયાનક વેદનાથી જોરા ચીખી ઉઠ્યો... પ્રેમે વુડલેન્ડના વજનદાર શુઝ પહેર્યા હતા જેની એક ઠોકરે જોરાના ઘુંટણની ઢાંકણીમાં તીરાડો પાડી હતી... જોરાની આંખોમાં પાણી ઘસી આવ્યા અને તે મરણીયો બનીને ઉભો થવા ગયો... પ્રેમ જાણતો હતો કે હવે જો તે અટકશે કે રાહ જોવા રોકાશે તો જોરાને સમય મળી જશે અને આ સંજોગોમાં જોરાને તક આપવાનો મતલબ સામે ચાલીને મોતને આમંત્રણ આપવું... જોરાની અસીમ તાકતનો પરિચય તેને મળી ચૂક્યો હતો. જો વધુ બે-ત્રણ મીનીટ જોરા તેની ઉપર રહ્યો હોત તો તેની છાતીની પાંસળીઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ હોત અને ત્યાંજ તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હોત... એટલે જ તે સાવધ થયો અને જોરા કોઈ પ્રતિક્રિયા કરે એ પહેલા તેણે બીજો પ્રહાર તેના જડબા ઉપર કર્યો.... અને પછી તો જાણે એક શૃંખલા સર્જાય... પ્રેમ પાગલની જેમ જોરા પર તૂટી પડ્યો... જોરાના શરીરના કયા-કયા ભાગે પ્રેમના હાથ-પગના પ્રહારો થયા એ ન તો જોરા સમજી શક્યો કે ન પ્રેમને એની પરવા હતી... ‘ધફા-ધફ...ધફ...’ જોરાના શરીર ઉપર પ્રેમના હાથ-પગ વરસતા રહ્યા અને જોરાને જાણે હિસ્ટિરીયા આવ્યો હોય એમ ચીખો પાડતો રહ્યો... જોરાને પ્રતિકારનો એકપણ મોકો પ્રેમે આપ્યો નહીં... જોરાની તાકાત ધીમે-ધીમે નીચોવાતી જતી હતી... એ વાર કરવા પોતાનો હાથ કે પગ ઉઠાવે એ પહેલા તો પ્રેમના બે-ત્રણ પ્રહારો તેના શરીર ઉપર થઈ ચૂક્યા હોય... લગભગ દસ મીનીટ સુધી એ ઘમાસાણ યુદ્ધ ચાલતુ રહ્યું... જ્યા સુધી જોરા બરાડા પાડતો રહ્યો હતો ત્યાં સુધી પ્રેમે તેને માર્યો હતો... જોરાવરસીંહ રેતીમાં ચત્તોપાટ પડીને હલતો બંધ થયો ત્યાં સુધી પ્રેમે ઝનુનપૂર્વક લગભગ ગાંડાની જેમ તેને ઠપકાર્યો હતો... આખરે તે અટક્યો... તેના શ્વાસોશ્વાસ ધમણની જેમ ચાલતા હતા અને હૃદય ભારે જોરથી ધડકી રહ્યું હતું...

‘પ્રેમ... પ્રેમ... બસ હવે... બંધ કર... એ કદાચ ગુજરી ગયો હશે...’ અત્યાર સુધી વિસ્ફારીત નજરે પ્રેમ અને જોરાની જંગલી લડાઈ જોઈ રહેલી સુસ્મીતાને અચાનક પરિસ્થિતિનું ભાન થતા દોડીને પ્રેમને વળગી પડતા તે બોલી ઊઠી... ‘બસકર... પ્રેમ... બસ...’ પ્રેમ પરસેવે રેબઝેબ થઈને હાંફી રહ્યો હતો. સુસ્મીતાના સ્પર્શે તે ભાનમાં આવ્યો હતો અને તેની નજર નીચે પડેલા જોરાના દેહ તરફ મંડાણી... સુસ્મીતા પણ ફાટી આંખે જોરાને જોઈ રહી હતી... જોરાનું નીચેનું જડબુ ચીરાઈ ગયુ હતું. તેના નાકના નસકોરા ચીરાયા હતા અને એમાથી લોહી નીગળતુ હતું. પગના ગોઠણની ઢાંકણી તૂટી હતી જેથી ગોઠણથી નીચેનો ભાગ સુઝીને હવા ભરેલા દડા જેવો ફુલવા માંડ્યો હતો... ચહેરો ચૂંથાઈને ક્ષપ્ત-વિક્ષીપ્ત વિકૃત બન્યો હતો... સુસ્મીતાએ ભયાનક દૃશ્ય જોઈને હબકી ઉઠી. તેણે પ્રેમની ભીની છાતીમાં પોતાનો ચહેરો છુપાવી દીધો... પ્રેમના શરીરમાં સુસ્મીતાના કોમળ સ્પર્શે અજીબ-સી શીતળતા ભરી દીધી. પોતાના બન્ને હાથ ફેલાવીને સુસ્મીતાને તેણે બાંહોમાં સમાવી લીધી... આ દુનિયામાં સુસ્મીતા જ તેના માટે સર્વસ્વ હતી. એ સુરક્ષીત હતી એટલે હવે તેને પોતાને થયેલા ઝખ્મોની પણ કોઈ ફીકર નહોતી... સુસ્મીતાના રેશમીવાળમાં તેણે પોતાના ફાટેલા હોઠે ચુંબન કર્યું. સુસ્મીતા સલામત હોવાના અહેસાસે તેણે સ્વર્ગથી અદકેરો આનંદ અનુભવ્યો... દરિયાકિનારાની ભીની રેતીમાં, તમામ ફીકર-ચીંતા છોડીને તેઓ એક-બીજાનું સાનીધ્ય માણતા એક-બીજાને વિંટળાઈને ઉભા હતા... એ મિલન નોખુ, અનોખુ, અદકેરું હતું...

આખરે એ જંગનો અંત આવ્યો હતો... વહેલી સવારના સાત વાગવા આવ્યા હતા... સુરજ નારાયણે ક્યારનો પોતાનો ઉઝાસ ચોમેર પાથરી દીધો હતો... એ ઉઝાસમાં દમણના દરિયા કિનારે એ નાનકડા બારા જેવી જગ્યામાં ખેલાયેલા ભીષણ જંગના ભયાનક અવશેષો ચો-મેર દિવસ કદાચ સૌથી ભયાનક દિવસ હતો... જે લડાઈ અહીં થઈ હતી એ કોઈ નાનકડા યુદ્ધથી કમ નહોતી. અહીં હાજર હતા એ વ્યક્તિઓ અને જેઓ જીવીત બચ્યા છે એ લોકો આ દિવસને જીંદગીભર ભુલી શકશે નહીં... અહીં મચેલી ખાના-ખરાબી અને તબાહીના દ્રશ્યો કદાચ તેમને સ્વપ્નાઓમાં પણ પજવશે... દરિયાની અફાટ જબરાશીમાંથી વહેતી-ઉઠતી લહેરો હજુપણ અવીરતપણે કિનારે અથડાઈ પાછી ફરી જતી હતી... અને બારાના કિનારે મહોલી તબાહીના દ્રશ્યો જાણે સ્વયં એની ભીષણતાની આપવીતી કહી રહ્યા હતા... હાજી-કાસમ જેવો ખૂંખાર આંતરરાષ્ટ્રિય આતંકવાદી મરાયો હતો. તેની સાથે આવેલા તેના બન્ને સાથીદારો દોલુભાની બોટ નીચે ચગદાઈને ભયાનક મોતે મર્યા હતા... હિંમતસીંહ દરબારનું ગોળીઓથી છલણી થયેલું શરીર વિક્ષિપ્ત હાલતમાં એક તરફ પડ્યું હતું... જોરાવરસીંહના શ્વાસોશ્વાસ ચાલતા હતા, કદાચ તે બચી જાય પણ એવા ચાન્સીસ ઓછા હતા... બોસ્કી અને ઈન્સ. ટંડેલની હાલત ભયાનક હતી... દોલુભા પોતાની જ બોટમાં લગાવેલા હેન્ગરમાં લટકતી માછલીની જેમ બારીના સળીયામાં લટકી રહ્યો હતો... પ્રેમ સલામત હતો છતા તેની છાતીમાં ભયાનક સણકા ઉઠતા હતા. કદાચ તેની એકાદી પાંસળી તુટી હતી... અને જે લોકો સલામત હતા તેઓ આ ઘટનાથી હેબતાઈને ખામોશ થઈ ગયા હતા...

યશવંતે ઘટનાની ગંભીરતા જોતા સેન્ટ્રલ કમાન્ડ સુધી માહિતી પહોંચાડી હતી... તેની નજરો સામે જે પેટીઓ ખુલી તેમા જે નળાકાર કાચના ગોળાઓ હતા અને એમાં જે જીવાણુંઓ ચળકતા હતા એ જોઈને તે હક્કો-બક્કો રહી ગયો હતો... વીસ પેટીઓમાં ભરેલા આતંકના આ નવા હથીયાર જો ભારતના મહત્ત્વપૂર્ણ શહેરો ઉપર અટેક કરાયા હોત તો જે તબાહી મચત એ વિશે વિચારતા તેને પરસેવો વળી ગયો હતો... હાલ પુરતુ તો ભારતમાંથેથી આતંકનો એ ઓછાયો દુર થયો હતો. તમામ પેટીઓ તેણે કબજે લીધી હતી અને સલામત સ્થળે ખસેડાવી હતી...

અડધા કલાક બાદ ભારતીય સેનાની રેસ્ક્યુ ટીમના બે હેલીકૉપ્ટરોએ નાનકડા એવા વિસ્તાર ઉપર ચક્કર કાપવા લાગ્યા હતા. કૉસ્ટગાર્ડની ત્રણ ઠુમકો આવી પહોંચી હતી તેમજ દમણ પોલીસના જવાનોએ એ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો... ભારત સરકારના ઉચ્ચ મંત્રાલય સુધી ઘટનાની જાણકારી પહોંચાડાવમાં આવી હતી અને એ પ્રમાણે એકશન લેવાની શરૂઆત થઈ હતી...

અજય અને પ્રેમને તેઓના નસીબે યારી આપી હતી. તેઓ હેમ-ખેમ અને સલામત હતા. સારા-ખરાબ કર્મના ત્રાજવે આજે તમામનાં ‘નસીબ’ તોળાયા હતા...