અનાથ
ANISH-CHAMADIYA
હુ જ્યા નોકરી કરતો તે જ બિલ્ડીંગ ની નીચે ડાબી બાજુ એ કરશન કાકા ની ચા ની નાની એવી હોટલ હતી. જ્યા ચા ની સાથે સાથે ગરમ નાસ્તો પણ મળી રેહતો અને કરશન કાકા સ્વભાવ ના પણ સારા માણસ હતા એટલે તે બિલ્ડીંગ મા કામ કરતા બધા લોકો ચા પીવા કરશન કાકા ને ત્યા જ આવતા. મારે કરશન કાકા સાથે સારુ બનતુ એટલે હુ તેમની બેઠક ની બાજુ ની ખુરશી પર જ બેસીને ચા પીતો અને સીગરેટ પીવા બહાર આવી જતો. આજે પણ હુ રોજ ની જેમ કરશન કાકા ની હોટલે પોહચ્યો કે તરત જ છોટુ , મારા માટે ચા લઈને આવ્યો. ચા નો ગ્લાસ હાથ મા લેતા જ મે છોટુ ને પૂછ્યું. " કેમ છો છોટુ...?"
છોટુ: " મજામા અનિશ ભાઈ..."
ખબર નહી કેમ પણ છોટુ ને જ્યારે પણ જોવુ ત્યારે તેના ચેહરા મા મને મારો ભુતકાળ દેખાતો. હુ પણ છોટુ ની જેમ જ ચા ની કીટલી પર કામ કરતો, લોકો ની ગાળો સાંભળતો, લોકો ના હાથ નો માર ખાતો. પણ ક્યારેય પ્રતિકાર નોહતો કરતો. અને પ્રતિકાર કરૂ તો પણ કોની સામે...? તે લોકો સામે જે પોતાના ઘર ના સભ્યો ને પણ ગાળ થી બોલાવતા, તો પછી હુ તો પારકો કેવાય, અને પાછો અનાથ પણ...! તો મારી સાથે પ્રેમ થી વાત કરે તેવી આશા રાખવી તો બેકાર જ કહેવાય. અને એમ પણ હુ આ બધી વાતો થી ટેવાઇ ગયો હતો.
આજે પણ યાદ છે તે દિવસ જ્યારે મે મારા શેઠ પાસે પુસ્તક લેવા માટે ૫ રૂપિયા વધારે માંગ્યા હતા. મને પુસ્તક વાચવાનો બહુજ શોખ હતો. પણ એ વધારા ના ૫ રૂપિયા ની માંગણી મારા શેઠ ને શુ ખટકી કે મને માર મારીને નોકરી એ થી કાઢી મુક્યો. પછી લોકો ની ગાડીઓ સાફ કરી , પેપરો વેચ્યા , લોકો ના બુટ પણ પૉલિશ કર્યા અને જેમ તેમ કરીને થોડા ઘણા રૂપિયા ભેગા કર્યા અને કોમ્પ્યુટર રીપેર કરતા શીખ્યો. આજે એ જ આવડત ના લીધે આટલી મોટી કંપની ના કોમ્પ્યુટર રિપેરિંગ ડિપાર્ટમેન્ટ નો હેડ છુ. છોટુ ને જોઈને હુ મારો ભુતકાળ ખંખેડવા લાગ્યો હતો. ત્યાં જ અચાનક જોર થી અવાજ સંભળાયો.
"ઑ છોટુ , જલ્દી જલ્દી ચા લઈને આવ, તારા આ બાપ ને મોડુ થાય છે, અને હા સાથે ફાફડા પણ લેતો આવજે...." સામે ની ખુરશી પર બેઠેલ જોરાવર બોલ્યો.
છોટુ: "લાવ્યો શેઠ..."
જોરાવર: "જલ્દી લાવ ને ડોબા..."
મે જોયુ પેલો જોરાવર, છોટુ ને ગાળો આપી રહ્યો હતો. મે કરશન કાકા સામે નજર કરી, કરશન કાકા એ મોઢુ નીચે કરી લીધુ. તે ઘણા અસહાય દેખાતા હતા. અને એમ પણ જોરાવર એક નંબર નો ગુંડો હતો. કોઈ તેની સામે બોલવાનુ તો દુર જોવાની પણ હિમ્મત નોહતુ કરતુ. પણ મને એનાથી કોઈ ફરક નોહતો પડતો, મારા દિમાગ મા જોરદાર વાવજોડુ ફૂકાઈ રહ્યુ હતુ. બાળપણ મા મે જે સહન કર્યું હતુ એ જ ચિત્ર ફરી વાર મારી નજર ની સામે તરી રહ્યુ હતુ. હુ મારા ગુસ્સા ને વધારે વાર સુધી કાબુ મા રાખી શકુ તેમ નોહતો. હુ ઊભો થયો અને જોરાવર તરફ ચાલવા લાગ્યો. મારી નજર જોરાવર નો મોટા કાળા મોઢા તરફ હતી. મારા ગુસ્સા નો અંદાજ મારા શરીર મા થતી ધ્રુજારી પર થી લગાવી શકાતો હતો. જોરાવર ની નજદીક પોહચીને ડાબા હાથ વડે છોટુ ને પાછળ કર્યો અને જમણા હાથ ની મુઠ્ઠી વાળીને જોરાવર ના કાળા ડિબાંગ થોબડા પર જોરદાર પ્રહાર કર્યો. તે ત્યા જ નીચે પછડાયો. મને ખબર હતી હવે તે ઊભો નહી થઈ શકે.
મારા શરીર ની ધુજારી બંધ થઈ ગઈ. હવે હુ સારું ફીલ કરતો હતો. છોટુ દોડીને મારી પાસે આવીને મને ચીપકી ગયો અને રોવા લાગ્યો. મે તેને ચુપ કરાવતા કહ્યુ કે તારે ડરવાની જરૂર નથી. હું છુ ને તારી સાથે. હવે કોઈપણ તને ગાળ આપીને નહી બોલાવે. છોટુ ના ચેહરા પર ની મુસ્કાન જોઈને મને રાહત થઈ પણ સાથે સાથે છોટુ ના માતા-પિતા પ્રત્યે ધૃણા પેદા થઈ. આટલા નાના અમથા બાળક ને જેની રમવા-કુદવા ની ઉમર છે તેની પાસે નોકરી કરાવે છે.
હુ કરશન કાકા પાસે ગયો. "જોવો કાકા, આ જોરાવર પાછો આવે અને તમને કે છોટુ ને કાઇપણ બોલે તો મને બોલાવજો..." મે કહ્યુ.
કરશન કાકા: બેટા એ પાછો આવશે જ , એ બહુજ ખતરનાક છે, બધા એનાથી ડરે છે..."
"બધા ડરે છે એટલે જ તેની હિમ્મત વધી ગઈ છે, આપણે બધા સાથે મળી જઈએ તો આવા કેટલાય જોરાવર ને તેમની ઓકાત બતાવી દઈએ..." મારી સાથે કામ કરતા સુનિલે કહ્યુ.
" હા, સાચુ કહ્યું સુનિલ તે , આવવા દો હવે જોરાવર ને જોઈ લેશુ..." મારો બીજો સાથી નિલેશ બોલ્યો.
પછી અમે ત્યાથી પાછા પોતાની ઓફિસ મા આવી ગયા. આજે કામ નો બહુજ લોડ હતો. એટલે સાંજે અમે ચા પીવા જવાનુ ટાળ્યુ. થોડીવાર મા અમારી ઓફિસ નો ક્લાર્ક મનુ દોડતો દોડતો આવ્યો અને જોરાવર તેના સાથી ઑ સાથે કરશન કાકા ની હોટલ મા તોડફોડ કરી રહ્યો છે એ જણાવ્યુ. હુ, નિલેશ અને સુનિલ ખુરશી માથી ઊભા થયા અને નીચેની તરફ દોડ્યા. નીચે જઈને જોયુ તો ખુણા મા છોટુ...! કરશન કાકા ના ખોળા મા ભરાઈને બેઠો હતો અને તેના હોઠ પરથી લોહી નીકળી રહ્યું હતુ. બીજી તરફ નજર ફેરવી તો એક મારા જેટલીજ ઉમર નો છોકરો જોરાવર અને તેના સાથી ને મારી રહ્યો હતો. અમે પણ જોરાવર અને તેના સાથી ઑ પર તુટી પડ્યા, થોડીવાર મા ત્યા પોલીસ આવી ગઈ અને જોરાવર અને તેના સાથીઑ ની સાથે સાથે પેલા છોકરા ને પણ જીપ મા બેસાડી દીધો. નીલેશ જીપ પાસે ગયો અને ઈન્સ્પેકટર ને બોલ્યો. " ઈન્સ્પેકટર અકીલ, આ અમારી સાથે છે પ્લીઝ આને છોડી દો..."
" ઓકે, ઓયે હવાલદાર આ ટોપી વાળા હીરો ને છોડી દે..." ઈન્સ્પેકટરે કહ્યુ.
" ભાઈ આભાર તમારો જે તમે અમારી મદદ કરી. શું નામ છે તમારુ...?" સુનિલે પૂછ્યુ.
" અરે ભાઈ આભાર માનવાની જરૂર નથી, મારૂ નામ સોલી છે..."
બધા ખુરશી પર ગોઠવાઈ ગયા. હુ છોટુ પાસે ગયો. છોટુ, તારે ડરવાની જરૂર નથી. તને કોઈપણ કઈપણ કહે તો તારે તારા માતા-પિતા ને પણ નહી કેહવાનુ સીધુ મને આવીને કહી દેવાનુ.
" તે અનાથ છે.." કરશન કાકા બોલ્યા.
મારી આંખો માથી આસુઓ ની ધારા વેહવા લાગી. મે છોટુ ને ગળે લગાડી લીધો અને એટલુ જ બોલી શક્યો કે તુ અનાથ નથી, તારો હુ છુ.
" અમે પણ.." નિલેશ , સુનિલ અને સોલી એક સાથે બોલી ઉઠ્યા.એટલા મા કોઈ એ અવાજ આપ્યો
" હુ પણ.." અમે નજર ફેરવીને જોયુ તો ઈન્સ્પેકટર અકીલ અમારી સામે સ્મિત કરી રહ્યા હતા.
સમાપ્ત