વીતેલી નવ રાતો નવરાત્રીની... BHAVESHSINH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીતેલી નવ રાતો નવરાત્રીની...

વીતેલી નવ રાતો નવરાત્રીની.....

વહેતા ઝરણાંનો અવાજ વાતાવરણને અલગ જ મિજાજમાં લાવી રહ્યો હતો, આજુ બાજુ નાના નાના સફેદ રૂ ના ગોટા જેવા સસલાની દોડ અને બીજી બાજુ વરસાદ ન હોવા છતાં કળા કરતા મોરલાઓ અને સાથે તેના મધુર ટહુકા અલગ જ દુનિયાનું નિર્માણ કરી રહ્યા હતા. ઝરણાંની ચારે બાજુ હરિયાળી જ હતી, અને ઝરણાં ઉપર એક વેલાથી ગુંથેલો ઝુલો પણ ખરો. આ જોઈ કદાચ એવો ભાસ થાય કે સ્વર્ગમાં આવી ગયા હોય પણ.... આ તો પ્રેમ નગરી હતી, અને ઝુલા પર કૃષ્ણ અને રાધા ઝૂલતા ઝૂલતા એક બીજાની આંખોમાં ખોવાઈ ગયા હતા.

કૃષ્ણનો એક હાથ ઝુલાની સાંકળ પર અને બીજો હાથ રાધાની પાછળ થઈ બીજી સાંકળ પર અને રાધા કૃષ્ણના બીજા હાથનો ટેકો લઈ અને કૃષ્ણના ખભા પર માથું એવી રીતે નમાવેલું હતું જાણે તેનું સર્વસ્વ અર્પિત કરી દીધું હોય, અને બંનેની આંખો એકબની ને પોતાનું જ પ્રતિબિંબ બતાવી રહી હતી. આ ઝુલો પણ એવી રીતે ઝૂલી રહ્યો હતો જાણે ઝીંદગી ભર શાંત પડવાનો જ ના હોય.

રાધા ને કૃષ્ણ આંખોથી એક બનેલા હતા ને ત્યાં રાધાએ પૂછ્યું કે આપણા જેટલો પ્રેમ આ દુનિયામાં જીવતો હશે? પ્રશ્ન પૂછતી વખતે રાધા કાનાની આંખોમાં વધુ ઊંડી ઉતરી ગઇ હતી અને રાધાનો સ્વર જાણે પેલા મોરના ટહુકાને છુપાવી ગયો હોય તેમ કાનાના કાનમાં ગુંજયો. થોડીવાર સાવ શાંતિ ફેલાઈ ગઇ જાણૅ કશુ બન્યું જ ન હોય એમ, થોડીવાર રહી રાધાની આંખોમાં વધુ ગહેરાઇ પર જઈ કૃષ્ણ બોલ્યા ચાલ તો પછી જાતે જ તપાસી લઈએ... આટલું બોલી પછી હસીને કૃષ્ણ બોલ્યા કે પછી ભય છે કે હું ક્યાંક ફરી દૂર ચાલ્યો જઈશ તો.. આ સાંભળી રાધા કૃષ્ણની આંખો માંથી બહાર આવી ને મસ્તિષ્ક ખભા પરથી લઈ બોલી જો ભય જ હોત તો તને ગોકુળ મૂકી થોડો જવા દેત. મારો પ્રેમ એટલો પણ નિર્બળ નહતો કે તું મને છોડી જતો રહે... જો એવું જ હોય તો થઈ જાય એકવાર પારખાં કે આ યુગમાં કોણ પ્રેમ જીતી શકે... આ સાંભળી કૃષ્ણ હસ્યાં ને સહમત થયા હોય તેમ બોલ્યા ચાલો તો પછી એકવાર ફરી સંસારમાં થોડા વખત માટે ડૂબકી લગાવીએ. આટલું કહી બન્ને અદ્રશ્ય થઈ ગયા.

નીચે ધરતી પરતો આજે તો એક જગ્યા પર લોકો ખૂબ દોડધામમાં હતા એ પણ રાત્રીના સમયે કોણ જાણે ક્યાં જતા હશે? કોઈએ તો અંધારામાં પણ ચશ્માં(ફેશનના) પહેર્યાં હતા, સિગ્નલો બદલાઈ રહ્યા હતા ને સાથે સાથે લોકો પણ, કોઈ આ બાજુ તો કોઈ પેલી બાજુ, કોઈ ચણિયાચોરી પહેરીને તો કોઈ ચોયણી પેરી ને અમુક અમુક તો ધોતિયું પેરી ગાડી પર જતાં હતાં. કોઈના હાથમાં દાંડિયા અને એમાં પણ કોકના કપડાથી શણગારેલા તો કોઈના ખાલી સાદા કલરથી રંગેલા તો કોઈના ચમકતા સ્ટીલના.

અમુક સ્ત્રીઓ તો ખુદને શણગારવામાંથી નવરી થતી નહતી ને પતિ બહાર ઉભો ઉભો ગાડીના હોર્નને હેરાન કરી રહ્યો હતો. કોઈ તો પોતાના બાળકોને શણગારવામાં મશગુલ કોઈએ તો જાણે પોતાના બાળકને બીજો કાનુડો બનાવી દીધો હોય એવું લાગતું હતું માથે મોરપીંછ ને કમર પર વાંસણી અને હાથમાં દાંડિયા હવે જો એકાદ વસ્તુ વધારે આવી જાય તો બાળક પડી જાય એવી સ્થિતિ આવી ગઈ હતી. બધા લોકો પોતાના કામમાં મશગુલ હતા જાણે કોઈને કાલની પરવાહ જ નહતી.

એક તરફ આ નવરાત્રીના પર્વે ગુજરાતમાં ધૂમ મચાવી મૂકી હતી, અને બીજી બાજુ રાધા અને કાના એ કરેલા નિર્ણય મુજબ અલગ અલગ બાજુ નીકળી પડ્યા. રાધા તો નીચે આવી લોકોમાં ખોવાઈ ગઈ કે પછી તેના રંગે રંગાઈ ગઈ કેમ કે એના વેશ ભૂષા બરોબર તહેવાર ને અનુરૂપ. બીજી બાજુ કાનો પણ તે જ પહેરવેશમાં માથે મોરપીંછ અને હાથમાં મોરલી પણ તેના મુખ પરનું તેજ બધાથી તેને અલગ તારતું હતું.

હવે તો ધીરે ધીરે માઇક ટેસ્ટિંગના અવાજ અને સાથે સાથે બીજો ચુ... કરતો અવાજ પણ ઘણી ઘણી જગ્યાએ ગુંજવા લાગ્યો હતો. થોડીવાર આરતી ચાલી અને પછી એક સમય એવો આવ્યો કે બધા ગરબાની રમઝાટમાં ડૂબી ગયા હતા અને આ સાથે કાના ને તેની રાસલીલા પણ યાદ આવી જતી. કાનો તો આજે આ મેદાનનું આકર્ષણ બન્યો હતો. તેનું તે જ યુવતીઓને તેના તરફ આકર્ષિત કરતું હતું અને ધીરે ધીરે કાના એ પણ રાસલીલા ચાલુ કરી, જોતજોતામાં તો યુવતીઓનું ટોળું તેના ભેગું રમવા લાગ્યું ને વચ્ચે તો કાનાએ કમર પરથી વાસણી નીકળી ને હોઠે દિધી ત્યાં તો તેને કેન્દ્ર સમજી તેને ફરતે બધા રમવા લાગ્યા તેની વાંસળીનો સુર તો આ મોટા સ્પીકરો નીચે દબાય ગયો પણ તેનું સ્મિત અને તેજ બધાને મોહી ગયું.

બીજી તરફ રાધા તો એવી રીતે રમતી હતી જાણે સામે તેનો કાન જ છે, તે વાસ્તવિકતાથી જાણે દૂર થઈ ગઈ હોય તેમ રમવા લાગી ધીરે ધીરે બધાનું કેન્દ્ર તે બની ગઈ પણ તેને ખુદને ભાસ નહતો કે તે કેન્દ્રસ્થાને છે.

આ રમઝાટે થોડો વિસામો લીધો અને ત્યારે રાધાને વાસ્તવિકતાનો ભાસ થયો. તે સાઈડમાં પાણી પી ને ઉભી હતી, મોટી લાઈટોને લીધે રાધા નું રૂપ કાંઈક અલગ જ નીતરી આવતું હતું. આટલામાં એક છોકરો આવ્યો ને રાધા તરફ હાથ લંબાવ્યો ને બોલ્યો હાઈ હું ધ્રુવ, રાધા એ અચકાતા અચકાતા હાથ મિલાવ્યો ને ત્યાં થોડા સ્મિત સાથે ધ્રુવ બોલ્યો તમે સરસ રમો છો... ક્યાંથી શીખ્યા છે.. અરે સોરી.. ક્યાં શીખવાડો છો... આ જોઈ રાધા બોલી ના ના હું ક્યાંક શીખતી પણ નથી કે શીખવાડતી પણ નથી બસ હું તો આમ જ.... આટલું બોલી બન્નેના વાર્તાલાપમાં શાંતિ પડી ગઈ, વચ્ચે વચ્ચે માઇક પર કોઈક બેસુરા અવાજમાં ફાળો નોંધાવેલ વ્યક્તિના નામ બોલતો હતો. ધ્રુવે રાધાને પૂછ્યું તમારું નામ તમે ના જણાવ્યું?? ત્યાં રાધા બોલી અરે હા હું તો ભૂલી જ ગઈ.. હું રાધા... ત્યાં ધ્રુવથી બોલાઈ ગયું કદાચ હું કાનો હોત.... આટલું બોલતા જ ફરીથી ગરબાની રમઝમાટ ચાલુ થઈ ગઈ, પણ ધ્રુવ દૂરથી જોતો હતો કે તેના શબ્દોએ અસર છોડી કે નહીં. પણ રાધા તો તેના જ તાલમાં હતી, પણ મનમાં તે પણ વિચારતી હતી કે કાના સિવાય તો હું કોઈને વિચારી જ ના શકું પણ જો એમ નહિ કરીશ તો હું હારી જઈશ એના કરતાં એમ કરું હું પહેલા એને મારો કાનો માની લઈશ પછી વાત શરૂ કરીશ એટલે મને એમ નહિ થાય કે હું કોઈ બીજા સાથે વાત કરું... પણ કાનો ધારે કોને એ પ્રશ્ન મુંજાવતો જ હતો ત્યાં પેલો ધ્રુવ નજરે ચડી ગયો, આ જૉઈ રાધાને તેનો ઉત્તર મળી ગયો ને તેણે ધ્રુવ તરફ રમતા રમતા સ્મિત રેલાવ્યું, આ જોઈ ધ્રુવ તો અંદરથી પાગલ જ બની ગયો હતો.

બીજી તરફ જેવો થોડો આરામ માટેનો સમય થયો ત્યાં, યુવતીઓના ટોળાએ કાનાને ઘેરી લીધો અને જોત જોતામાં તો અસંખ્ય સેલ્ફીઓ પડી ગઈ, બધી યુવતીઓ વિચારતી હતી કે એકલો થાય પછી વાત કરું પણ તેનું વ્યક્તિત્વ એવું છાપ ઉભી કરી ગયું કે એકલતાનો સમય કોઈને મળ્યો જ નહીં. અંતે ફરી રાસ ચાલુ થયો ત્યાં એક યુવતી ઝડપથી બીજી યુવતીની સાઈડ કાપી ને કાના પાસે આવી ને બોલી આ દિલ પર છાપ છોડનારનું હું નામ જાણી શકું? પેલી યુવતીનો અવાજ કાના ના કાન પાસે સ્પીકરના અવાજને ચીરી ને ગુંજયો ને બાજુમાં જોયું તો પેલી યુવતી રાસ રમતી રમતી કાના સામે હસતી હતી. તેનું સ્મિત તો સીધું દિલ પર અસર કરે તેવું હતું, કાનાએ તેના પર નજર કરી તો તેને નયન મટકાવી પ્રશ્નનો ઉત્તર માંગ્યો.

કૃષ્ણએ વિચાર્યું કે આ જમાના પ્રમાણે નામ કહેવું પડશે જો કદાચ કાનો કહિશ તો મજાક સમજી અવગણી દેશે. અને રાધા સામે શરત જીતવી જ છે. કાનાએ પેલા યુવતીની નજીક જઈ તેના ઉડતી અમુક ઝુલ્ફો વચ્ચેથી કહ્યું ધ્રુવ... આ પ્રક્રિયા રાસ રમતા રમતા જ પુરી થઈ અને જેવી પુરી થઈ એટલે કાનો હસતો હસતો થોડો દૂર ખસી ગયો. અને થોડું વિચારી ને ફરી નજીક આવી ને કાનમાં કહી ગયો ' મેં જેના દિલ પર છાપ છોડી એનું નામ? 'ત્યાં ફરી પેલી નજીક આવી બોલી રાધા.... આ સાંભળી કાનો રમતાં રમતા અચાનક ઉભી ગયો અને તેના ઉભવાથી રાધા તેની સાથે અથડાણી અને ફરી તે રમવા લાગી પણ કાનો હજુ વિચારોમાં ખોવાયો હતો કે રાધા ને તકલીફ તો નહીં હોય ને આ સંસારની આટલી સમજ નથી. પણ શું કરી શકે કાનો, કેમ કે તે બન્ને તો અહીં સાદા માનવ રૂપમાં આવ્યા હતા, હવે તે પણ સાદા માનવી હતા.

રાતના બસ બે વાગવાના જ હતા ત્યારે આ ગરબાની મહેફિલ શાંત થઈ, કોઈને ઘરે જવાની ઈચ્છા તો નહતી પણ નછૂટકે જતા હોય એમ બધા પોત પોતાના ઘર તરફ વળવા લાગ્યા અને કોઈ તો કોઈની સાથે થયેલા આંખોના તકરારથી ઘવાયેલ અને આ ઘવાયેલ તો તે પળ ને નજરોની સામે લાવી ને આંખો મીંચી ગયા જ્યારે અમુક સવારની ઝંઝાટ ભરી ઝીંદગી જીવવા વહેલું તૈયાર રહેવાનું છે એવું વિચારીને સુઇ ગયા. જ્યારે બીજી બાજુ કાનો ને રાધા ફરી પોતાના લોકમાં ચાલ્યા ગયા અને એકબીજા એવી રીતે ખોવાઈ ગયા જાણે એકબીજાને દેખાડવાનો પ્રયત્ન કરતા હોય કે મને તારાથી સારો પ્રેમી કે પ્રેમિકા મળી ગયા, પણ અંદરથી તો શું હતું એ તો તે બન્ને જ જણતા હતા.

સવાર થયું ફરી વાહનોની અવર જવર ને ઘોંઘાટમાં શહેર ડૂબી ગયું આ ઘોંઘાટમાં ઘણાયના અવાજ ડૂબી ગયા હતા, સિગ્નલમા તો હોર્નનો જાણે શો જામ્યું હોય તેવું લાગતું હતું, વહેલા જવાની શી જલ્દી હતી એ તો ખબર નહિ પણ રોજ એક જ કામ જોવા કરતા આ ટ્રાફિક જ રૂડો છે એવું સમજવા વાળા કોઈ જણાતા ન હતા.

ઓફિસમાં તો વાતોની મહેફિલ જામી હતી રાત્રે બનેલા બનાવ અને ઘટનાઓ જ વાતોમાં તરી અવતાતા ક્યાંક તો સંભળાતું હતું કે પેલી સામેની કેબીન વાળી નિકિતા હું જે જગ્યાએ ગયો ત્યાં જ આવી હતી ને મારી સાથે જ રમી હતી જાણે હું કાનો ને એ રાધા અને જતી વખતે તો મારા સામે જોઈ ને હસી પણ ખરી .... ત્યાં ક્યાંક ઓટલે વાતો ચાલતી હતી કે કાલે આરતી તો મારો છોકરો જ કરવાનો .... ક્યાંક શેરીની બહારન શાકભાજીની રેકડી પાસે મહેફિલ જામી હતી ને વાતો થતી હતી કે મારો ડ્રેસ કેવો લાગી રહ્યો હતો તો કોક બીજું પૂછતું કે તમે અને મારા ભાઈએ તો મેચિંગ પહેરેલું ને? એ ક્યાંથી લાવ્યા? આ બધી વાતો વચ્ચે શાકભાજીના ભાવ તોલ તો ખરા જ પણ તે આ વાતો સામે ફિક્કા હોય એવું લાગતું હતું.. આ કામમાં ને કામમાં ક્યારે છોકરાઓ નિશાળેથી આવી ગયા ને પતિ ઓફિસેથી એ ભાન જ ના રહ્યું ને ત્યાં તો રાત પડી ગઈ હતી માટે ફરી આજે શુ પહેરુ? તારે શુ પહેરવું? ને આવા સવાલો સાથે ફરી તૈયારી ચાલુ..

બીજી તરફ કૃષ્ણ ને રાધા આ બધું નીરખી રહ્યા હતા ને એ પણ રાત્રી પડતા ફરી કાલે ગયેલા સ્થાને પોહાચી ગયા. હજુ તો લોકોની અવર જવર ચાલુ થઈ હતી ત્યાં રાધા આવી અને થોડીવાર ખુરશી પર બેસી ત્યાં પાછળથી ધ્રુવ આવ્યો ને તેની નજીક બેસ્યો. બોલ્યો હાઈ જવાબમાં રાધાએ સ્મિત જ રેલાવ્યું .. તમે ખૂબ સુંદર લાગો છો... આ સાંભળી રાધાએ પ્રત્યુત્તર આપ્યો ધન્યવાદ અને તમે પણ ખૂબ સુંદર લાગી રહ્યા છો.. આ સાંભળી ધ્રુવ થોડો મલકાયો ને બોલ્યો તમે સરસ રમો છો તો તમે ડાન્સ કલાસ કેમ શરૂ નથી કરતા ? અરે ના ના મારી પાસે આના માટે સમય નથી એવું કહી રાધાએ વાત ટાળી દીધી ત્યાં બીજો ભયાનક પ્રશ્ન ધ્રુવ તરફથી આવ્યો તમે ક્યાં રહો છો? રાધાથી નીકળી ગયું વૃંદાવન... આ બોલી ગયા પછી અહેસાસ થયો કે તેને શું બોલ્યું પણ રાધા કશું સુધારવાનો પ્રયત્ન કરે તે પહેલાં તો ધ્રુવ હસી બોલ્યો ઓ વૃંદાવન સોસાયટી.... હમમમ પણ તમને સારું ભળી ગયું નઇ રાધા ને વૃંદાવન કોઈ કહે તો કઈ દેવાનું હું તો વૃંદાવનની રાધા આ સાંભળી રાધા હસવા લાગી ને સાથે સાથે ધ્રુવ પણ . બન્ને એકબીજા સાથે વાતોમાં ખોવાઈ ગયા તેમને ભાન જ ના રહ્યું કે ક્યારે લોકોથી આ જગ્યા ભરાઈ ગઈ.

બીજી બાજુ કાનો ને રાધા તો એક બીજામાં ખોવાઈ ગયા હતા. જેવી આરતી શરૂ થઈ એટલે પાછા એકબીજામાંથી નીકળી સ્વયંમા આવી ગયા હતા ને ફરી તાલે જુમવા લાગ્યા. રાતના એક વાગ્યા નજીક આ બધું પૂરું થયું એટલે રાધા એ બહાર કાના ને બોલાવ્યો ને પછી તેની કારમાં બેસાડી આ શહેરના ઘોંઘાટમાંથી દૂર એક શાંત જગ્યા એ લઈ ગઈ ને કારના કાચ ખોલ્યા ત્યાં તો એસી ની તાજગી ને ફીકી પાડે એવી તાજી ઠંડી ને કુદરતી હવા એ ફુંફાળો માર્યો. રાધા બોલી તને ખબર છે જ્યારે મેં તને પેહલીવાર જોયો ત્યારે કોઈ પોતાનું હોય તેવો ભાસ થયો ને એવું લાગ્યું કે હું અત્યાર સુધી તને જ શોધતી હતી. આ સાંભળી કાનો થોડો મલકાયો ને તે જાણી ગયો કે આનું દિલ સાફ છે ત્યારે જ તેને મારમાં પ્રેમનું પ્રતિબિંબ દેખાયું પણ હું મારી પેલી રાધાને કેમ છોડી શકું એ વાત તેને રોકતી હતી, કાના એ રાધાની આંખોમાં જોયું ને બોલ્યો કે હું તારું દિલ તો દુખવવા નથી માંગતો પણ હું બીજી કોઈ રાધાને પ્રેમ કરું છું, આ સાંભળી રાધા બોલી તારા તો જીવનમાં બધી રાધાઓ જ છે કે આ સાંભળી કાનો બોલ્યો અરે મારી જિંદગી જ રાધા છે, ઓ હો... આટલો પ્રેમ .... એ પણ આ જમાનામા ! સારું કહેવાય પણ હું નથી ઇચ્છતી કે તું મને પ્રેમ કરે પણ હું ઈચ્છું છું કે તું મારાથી દૂર ના જા.... મને નથી ખબર કે કઈ રીતે પણ હું તારામાં એવો વ્યક્તિ જોઈ રહી છું કે જે મારા માટે સૌથી સારો છે માટે હું ઈચ્છું કે તું મારો મિત્ર બનીને પણ મારી સાથે રહે...

આ સાંભળી કૃષ્ણ હસ્યા ને બોલ્યા તો લખી રાખ કે હું આજથી તારી સાથે જ છું.... તો ચાલ હવે મને પેલી બાજુ છોડી જા ... રાધા બોલી હા જલ્દી કરું બાકી તારી રાધા આ રાધાને તારી સાથે જોશે તો તકલીફ થશે... અને હા તારી રાધા જોડે મને જરૂર મળાવ જે .... આ સાંભળી કાના એ રાધા સામે જોઈ ને સ્મિત રેલાવ્યું

બીજી તરફ ધ્રુવ ને રાધા એક શાંત તળાવ કે જે શહેરથી બહુ દૂર હતું ત્યાં બેઠા હતા ને રાધા તેના પગ ને આ ઠંડા પાણીની સ્પર્શ આપી રહી હતી ને તેની ઝાંઝર પાણીમાં રમતી રમતી થોડો થોડો રણકાર કરી રહી હતી... આ શાંતિમાં ધ્રુવ બોલ્યો તારા જેવા જ લોકો જો જિંદગીમાં હોય તો જિંદગી સ્વર્ગ બની જાય... તું ક્યાં હતી અત્યાર સુધી ત્યાં રાધા બોલી વૃંદાવન સોસાયટીમાં, આ સાંભળી ધ્રુવ હસવા માંડ્યો ને પૂછ્યું ત્યાં શુ તું અત્યાર સુધી ઓટલા ભાંગતી હતી, ત્યાં રાધા બોલી એ તો ખબર નહિ પણ નવરાત્રી પછી ત્યાં જ ઝૂલામાં ઝૂલવાની છું... હવે ચાલ મારે મોડું થાય એમ કહી રાધા ઉભી થઇ અને ધ્રુવે તેનું સ્કૂટર ચાલુ કર્યું ને નીકળી ગયા...

રાધા ને કાનો ફરી પાછા પોતાના સ્થાને પહોંચી ગયા હતા, બન્ને એકબીજા સામે જોઈ ને હસી રહ્યા હતા ને ત્યારે કાનો બોલ્યો કાલથી તારે મારી સાથે આવવુ પડશે ત્યાં રાધા બોલી કેમ મારા વગર બધું અધૂરું છે? કૃષ્ણ બોલ્યા હા બસ અત્યારે તું એમ સમજ એ જ ઠીક છે. રાધા બોલી કે હું તો મારા મિત્ર સાથે આવીશ તને જરા માઠું લાગશે પણ શું કરું હું... જીતતો મારી જ છે ને આ બોલી રાધા હસી પડી..

આ નવરાત્રીની ત્રીજી રાત્રી હતી બન્ને રાધા ને બન્ને ધ્રુવ એક જ જગ્યા એ પહોંચી ગયા ને ત્યાં એકબીજાનો પરિચય કરાવ્યો ને નવાઈ લાગી કેમ કે નામ તો બધાના સરખા જ હતા, હવે બધા સાથે ગરબે રમ્યા ને પછી બધા સાથે કોઈ શાંત જગ્યાની શોધમાં નીકળી પડ્યા પછી એક શાંત જગ્યાએ જઈ ને બધા વાતોમાં ખોવાઈ ગયા આમ વાતો નું કેન્દ્ર કાનો(ધ્રુવ)જ હતો આ વાત ધ્રુવ નિરખતો હતો ને તેને લાગી રહ્યું હતું કે ભલે રાધા(કાનાની મિત્ર) તેને મિત્ર માને પણ અંદરથી બહુ ચાહે છે...

વાતોમાં ને વાતોમાં ક્યારે બે કલાક નીકળી ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો ને હવે રાધા એ વૃંદાવન સોસાયટી આવી ને ત્યાં કાર ઉભી રાખી ત્યાં કાનો ને રાધા બન્ને ઉતરી ગયા ત્યાં ધ્રુવ બોલ્યા તો આ પ્રેમ એક સોસાયટીનો છે આ સાંભળી રાધા ને કાનો થોડું મલકાયા.. હવે ગાડીમાં ધ્રુવ ને રાધા બે જ હતા, સાવ સન્નાટો હતો ફક્ત વાહનોની ધીમી અવર જવર જ ઘોઘાટ કરી રહી હતી. ત્યાં ધ્રુવ બોલ્યો આપણે બહુ ઓછા દિવસોમાં જ મિત્રો બની ગયા નહિ.... આ સાંભળી રાધા ફક્ત હમમ.. જ બોલી ધ્રુવ તરત બોલ્યો તમે પેલા ધ્રુવને બહુ પ્રેમ કરો છો ને .... આ સાંભળી રાધા બોલી મારા એકલે કર્યે પ્રેમ થોડો થાય ... આટલું બોલી તે સાવ સુનમુન થઈ ગઈ ને થોડીવાર પછી બોલી કેમ જાણે કઈ રીતે પણ હું આટલા ઓછા સમયમાં કેમ તેને ચાહવા લાગી છું કઈ ખબર નથી પડતી ... આ સાંભળી ધ્રુવ બોલ્યો સાચી વાત છે એ બન્નેમાં કશીક તો વિશેષતા છે નહિતર આટલા ઓછા સમયમાં.... ધ્રુવને તેના ઘરે છોડી રાધા ગાડી ચલાવતા ચલાવતા વિચારોમાં ખોવાઈ ગઇ...

આ રીતે ચોથી, પાંચમી, છઠ્ઠી ને સાતમી રાત વીતી ગઈ હતી ને જેમ જેમ આ રાતો વિતતી ગઈ તેમ મિત્રતા વધુ ગાઢ બનતી ગઇ અને રાધા (કૃષ્ણની મિત્ર) કાના ને બહુ જ ચાહવા લાગી હતી પણ તે પોતે વચ્ચે પડવા માંગતી નહતી

આઠમી રાત્રી આડે હજુ વાર હતી ત્યાં કૃષ્ણ ને રાધા(પ્રેમી) એકબીજાને રોજની જેમ આજે પણ પ્રેમ પૂર્વકનિહાળી રહ્યા હતા અને કૃષ્ણ બોલ્યા રાધા ગમે તેટલું આપણે લાડીએ પણ અંતે સમય આપણે મિલાવી જ દે છે અને આપણે બન્ને એકબીજા સિવાય કોઈને અપનાવી શકતા પણ નથી માટે હવે આપણે આને અહીં વિસામો જ આપી દેવો જોઈએ.... આ સાંભળી રાધા બોલી ના ના એમ ના કરી શકીએ કેમ કે હું જાણું છું કે પેલી રાધાની આંખોમાં તારા માટે પ્રેમ છે એક ચાહ છે જો આમ છોડી જતા રહેશું તો તે તૂટી જશે.... તો કૃષ્ણ બોલ્યા આપણે તેને બધું ભુલાવી દઈશું .... ત્યાં રાધા બોલી પણ મને અને તને તો ખબર હશે ને.... પ્રેમ પરથી વિશ્વાસ ઓછો થઈ જશે મારો, આ સાંભળી કૃષ્ણ ફરી વિચારોમાં ખોવાયા...

આજે આઠમી રાત્રી હતી હવે એક જ દિવસ બાકી રહ્યો છે કોણ જાણૅ આવતી વખતે શુ થશે એમ વિચારી લોકો વધારે જોશથી આવી રહ્યા હતા અને બધું ભૂલી આ રાસમાં વિલીન થવા ઇચ્છતા હતા.... ત્યાં રોજની જેમ આજે પણ પેલા ચાર મિત્રોની રમઝાટ જામી ને મન મૂકી રમ્યા.... હજુ ગરબા પુરા થવામાં વખત હતો ત્યાં રાધા (પ્રેમી) ને કાનો ક્યારના ગાયબ હતા આ જૉઇ ધ્રુવ તેને શોધવા ગયો ને રાધા (મિત્ર) હજી પોતાની જ ધૂનમાં હતી ... જાણે રોમ રોમ માં તે કોઈને ઉતારી ગઇ હોય તેમ દુનિયા ભુલાવી નાચતી હતી. ધ્રુવ પાર્કિંગ તરફ ગયો તો ત્યાં રાધાની કાર પાસે કઈક અવાજ આવતો હતો ધ્રુવે સાંભળ્યું તો કંઈક આવો અવાજ આવી રહ્યો હતો... આજ અહીં છેલ્લો દિવસ છે જે ભેગું થાય તે લઈ લે જે... આપણે જિંદગી બનાવવાની છે... પછી ભલે જે થતું હોય તે થાય તું આને લૂંટી લે પછી મોકો મળે ન મળે.... ધ્રુવે સંતાય ને નીરખી ને જોયું તો આ તો ધ્રુવ ને રાધા હતા, પહેલા તો તેને વિશ્વાસ ના આવ્યો પછી તેને જોયું તો તે રાધાની કાર ખોલી ને કશુક ફમફેળવા લાગ્યા આ જોઈ ધ્રુવે સીધી રાધા(મિત્ર) પાસે દોટ મૂકી ...

એણે જોયું તો રાધા તો હજી તેના તાલમાં જ મશગુલ હતી ત્યાં ધ્રુવે તેને લોકોની વચ્ચેથી હાથ પકડી ને ખેંચી ત્યારે રાધા વાસ્તવિકતામા આવી ને બહાર પાર્કિગ તરફ તેની ગાડી પાસે લઈ ગયો ત્યાં જોયું તો કોઈ નહિ... આ જોઈ રાધા બોલી શુ થયું ધ્રુવ.... પેલા ધ્રુવ ગભરાયો ને પછી બોલ્યો પેલી રાધા ને કાનો આવી વાત કરતા હતા એમ કહી વાત જણાવી .... રાધા બોલી તું પાગલ થઈ ગયો કે શું... તે આવું કરી જ ના શકે .... અરે રાધા વાસ્તવિકતા મા આવ તે આપણે રમાડી ગયા .... રાધા ગુસ્સેથી બોલી હું ધ્રુવને પ્રેમ કરું માટે તું તારી જગ્યા બનાવવા પ્રયત્ન કરે છે એમ... અરે રાધા એ રીતે જ જો જગ્યા બનતી હોત તો હું ક્યારનું કરી ચુક્યો હોત પણ તે બન્ને અહીં નથી માટે ...... આ સાંભળી રાધા તરત કાર પાસે પોહાચી જોયું તો તે લોક લગાવતા ભૂલી ગઇ હતી ને ત્યાં જોયું તો એનો પર્સ, ને બીજી અમુક વસ્તુઓ ગાયબ હતી.... હવે તેને અફસોસ થયો ને સાથે શંકા પણ થઈ એવું લાગતું હતું .... . રાધા એ ધ્રુવની માફી માંગી કે તેને આડા અવળું સંભળાવી દીધું પણ સાથે સાથે તેની અશ્રુધારા પણ વહેવા લાગી કેમ કે જેણૅ તે ચાહતી હતી તે આટલો મોટો દગો આપી ગયો હતો.... અને થોડીવાર પછી તેને ભાસ થયો કે તેના અશ્રુથી ધ્રુવનો ડ્રેસ પલળતો હતો પછી તેને જોયું તો તે ધ્રુવની બાહોમાં હતી ને ધ્રુવ તેને આશ્વાસન રૂપે પંપાળી રહ્યો હતો...

ઉપર બેઠી બેઠી રાધા (પ્રેમી) કૃષ્ણ ને પૂછતી હતી કે આ આક્ષેપ આપણી સાથે હંમેશા રહેશે ત્યારે કૃષ્ણએ ફક્ત સ્મિત રેલાવ્યું....

આજે નવરાત્રીની અંતિમ રાત હતી ને આજે આટલા દિવસ દરમિયાન જેણે સારો પ્રભાવશાળી ડાન્સ કર્યો તેને પ્રિન્સ ને પ્રિન્સેસ નું બિરુદ આપવાના હતા.. ધ્રુવ ને રાધા જાણતા હતા કે ધ્રુવ(કાનો) રાધા(પ્રેમી) નું જ નામ આવશે જો કદાચ ઇનામ લેવા આવે તો તેની પાસેથી બધા પ્રશ્નોના ઉત્તર મળે... ત્યાં અંતે નામ જાહેર થયા રાધા એ ધ્રુવ પણ કોઈ ઇનામ લેવા આવ્યુ નહિ પણ જ્યારે કોડ બોલ્યા ત્યારે ખબર પડી કે આ તો પેલા રાધા(મિત્ર) ને ધ્રુવ છે ... તે બન્ને આશ્ચર્યમાં હતા તેને પોતાનો લોગો જોયો તો ખ્યાલ આવ્યો કે એને પહેર્યો એ તો પેલા બન્નેનો લોગો છે પણ તે તેની પાસે કઇ રીતે ? તે બન્ને હસવાનો ખોટો ઢોંગ કરતા કરતા ઇનામ લેવા ગયા ત્યાં તેને કંઈક મોટી બધી ગિફ્ટ આપી બંન્ને આ ગિફ્ટ લઈ વિચારતા વિચારતા પાર્કિંગ તરફ નીકળી પડ્યા તેને ગિફ્ટ મુકવા પાછળની ડેકી ખોલી જોયું તો.... . ત્યાં રાધા (મિત્ર) નો પર્સ ને બીજી થોડી વસ્તુ ને એક કાગળ પડ્યો હતો રાધા એ ગિફ્ટ મૂકી એ વસ્ત લઈ ને ધ્રુવ સાથે બેઠી ને કાગળ ખોલી વાંચ્યું તો તેમાં લખ્યું હતું....

1) આજે આપણો. છેલ્લો દિવસ છે જે ભેગું થાય તે કરી લેજે ----તમારી સાથે વિતાવેલી ક્ષણોની યાદો

2) આપણે જિંદગી બનાવવાની છે ----તમારા બન્નેની

3) તુ આને લૂંટી લે મોકો મળે ન મળે ----સમયને

આ વાંચી રાધાને ધ્રુવ વિચારોમાં જ ગુંચવાયા કે આપણા શુભેચ્છુક આ હતા કોણ? વિચારો સાથે ગાડી પણ ચાલી રહી હતી ... ત્યાં વૃંદાવન સોસાયટી આવી ને ત્યાંથી કશોક અવાજ આવી રહ્યો હતો... આ સાંભળી ધ્રુવે ગાડી રોકાવી ને ત્યાં જઈ ને બહાર નીકળતા એક માણસ ને પૂછ્યું કે રાધા? ત્યાં પેલા માણસે અંદર તરફ ઈશારો કર્યો આ જોઈ ધ્રુવ ને રાધા દોડી અંદર તરફ ગયા ત્યાં જોયું તો એક ઝુલો હતો ને તેના પર કાનો ને રાધા બિરાજમાન હતા ને લોકો તેને ઝુલાવી રહ્યાં હતાં... ત્યાં ધ્રુવને રાધાની વાત યાદ આવી કે વૃંદાવનમાં જ જુલવાની છું .... આ જોય અને ધ્રવ ને રાધા એકબીજા તરફ જોઈ ને ભેટી પડ્યા અને બન્નેની આંખોમાં હરખના આંસુ હતા કે તે બન્નેને એક કરવા રાધા ને કૃષ્ણ આવ્યા હતા... ત્યાંના લોકોને પૂછ્યું તો તે બોલ્યા કે અમે નવરાત્રી વખતે માતાજીની અર્ચના તો કરીએ છે પણ સાથે સાથે અમે છેલ્લે દિવસે રાધા ને કનાને પણ જુલાવીએ છે અને રોજ તેની પૂજા કરીએ છે.... . અને આ સાંભળી રાધાની ને કૃષ્ણની પૂજા રાધા ને ધ્રુવે કરી....

ઉપરથી આ જોઇ ને રાધાને શાંતિ થઈ ને ફરી કાનને ખંભે માથું રાખી તેમે વિલીન થઇ ગઇ ને કૃષ્ણ બોલ્યા આપણૅ જેના મિલન હેતુ ગયેલા એ એક થઈ ગયા .... આ સાંભળી રાધા કાનાની આંખો માંથી બહાર આવી બોલી પહેલા તમે જ મને તમારી સાથે લડવા ઉશ્કેરી ને પછી ફરીથી મને પણ માનવી લીધી ને તેની સાથે તમારો હેતુ પણ પૂર્ણ કર્યો, લોકો એટલા માટે જ ક્યારેક નટખટ કાનો પણ કે છે ને તમારી બુદ્ધિના સન્માને માનથી કૃષ્ણ પણ કે છે... તમારી લીલા પણ અપરંપાર છે. આ સાંભળી કૃષ્ણ હસ્યાં ને ફરી બન્ને એકબીજામાં વિલીન થઈ ગયા.

પ્રેમ તારા જ નામની લઉ છુ બાધા...

આજથી હોઠ પર બસ એક જ નામ રાધા.. રાધા..