નસીબ
સસ્પેન્સ થ્રીલર નવલકથા
પ્રવિણ પીઠડીયા
પ્રકરણ - ૧૮
“કમબખ્ત ટંડેલ, આખી બાજી બગાડશે...” પ્રેમે મનમાં વિચાર્યું. તે ખડકોન અણીદાર પથ્થરો સાથે ગરોળીની જેમ ચીપકીને ઊભો રહ્યો હતો અને શ્વાસ રોકીને તેણે ટંડેલ પાસે જવું કે નહિ એ દુવિધામાં તે અટવાયો હતો... સહસા... અચાનક તેને કશીક ભ્રાંતિ થઈ. કશુંક અજુગતુ મહેસુસ કર્યું. તેની પાઠ પાછળ કરોડરજ્જુમાં કશીક ઠંડી ચીજનો સ્પર્શ થતો અનુભવ્યો અને તેના કાન સાથે કોઈકના ગરમ શ્વાસોશ્વાસ અથડાયા. તે ચોંકી ઉઠ્યો. તેની પીઠ પાછળ કોઈ હતુ. તેણે ઝડપથી પોતાનો હાથ પેન્ટના ખીસ્સા તરફ સરકાવ્યો... પરંતુ વ્યર્થ... પ્રેમનો નાજુક હાથ કોઈ હરકત કરે તે પહેલા તેજાએ સ્ફુરતીથી તેનો હાથ પોતના સાણસા જેવા તોતીંગ હાથમાં કાંડેથી પકડીને સમાવી લીધો અને બીજા હાથેથી પ્રેમના ખીસ્સામાંથી ગનને ખેંચી લીધી... હવે પ્રેમ ઉપર બે ગન તકાયેલી હતી. તેની પીઠ પાછળ વલીખાનની ગન હતી જ્યારે બીજી ગન તેજાના હાથમાં તેના મસ્તીસ્ક પર તકાઈ હતી... સાવ અનાયાસે જ પ્રેમે પોતાના બંને હાથ હવામાં અધ્ધર ઊંચા કર્યા.
સેકન્ડના દસમા ભાગમાં એ બની ગયું. પ્રેમ હજુ કંઈ સમજે એ પહેલા તો તે ગનપોઈન્ટ પર આવી ગયો હતો. પહેલવાન જેવા બે પઠ્ઠાઓ સેકન્ડોમાં તેના પર હાવી થઈ ગયા હતા. પ્રેમને સહેજ હલવાની કે કોઈ પ્રતીકાર કરવાની પણ જગ્યા મળી નહોતી. અંધકારમાં અચાનક જાણે કોઈ જન પ્રગટ થયો હોય એવા આશ્ચર્ય અને આઘાતથી તે તેજાને જોઈ રહ્યો. તેજો ખરેખર સ્ફુર્તીલો નીકળ્યો હતો. પરંતુ જે ઝડપે પ્રેમને ાઘાત લાગ્યો હતો એ જ ઝડપથી તે સ્વસ્થ પણ થયો હતો. તેના શરીરે અને મને એ ક્રિયાને બહુ ઝડપથી સમજી હતી. તેને સમજાયું હતું કે કોઈ પણ રીતે તેનો અને ટંડેલનો પ્લાન લીક થયો છે અને અત્યારે આ પહેલવાનોની શરણાગતિ સ્વીકારવામાં જ ભલાઈ છે એટલે તેણે જાણે હથિયાર હેઠા મુકતો હોય એવા હાવભાવ સાથે પોતાના શરીરને લસ્ત કરી નાખ્યું હતું. પ્રેમ ક્ષણભરમાં તે બંને ઉપર હાવી થઈ શકે એવી કરામત ધરાવતો હતો, તેમ છતાં તે હાલના તબક્કે કોઈ હો-હા કે ગફલત કરવા માંગતો નહોતો... તેને એ પણ ખ્યાલ આવ્યો હતો કે તેની જેમ જ આ બંને પઠ્ઠાઓ પણ કંઈખ અસમંજસમાં છે. એટલે જ તેઓએ પણ તાત્કાલીક કોઈ એક્શન લીધું નહોતું... પ્રેમને વિચાર કરવા માટે થોડો સમય જોઈતો હતો અને એ સમય તેને મળી ગયો હતો. તે ઘણી વખત આવી પરિસ્થિતિમાં મુકાયો હતો. આવી તંગ અને કટોકટીભરી સ્થિતિમાં શું કરવું જોઈએ તે બરાબર જાણતો હતો... તેને એ પણ સમજમાં આવતું હતું કે તેની જેમ જ આ પઠ્ઠાઓ પણ આ સમયે કોઈ ધમાચકડી મચે એવું ઇચ્છતા નહિ હોય કારણ કે જો અહીં આ સંજોગોમાં કોઈ હલ્લો મચે તો તેઓના આયોજનમાં પણ જરૂર વિક્ષેપ પડે... બોટમાંથી માલ ઉતરતો હોય એવા સમયે કોઈ ખલેલ ઊભી થાય એવું તો આ લોકો ન જ ઇચ્છે એટલે તેના માટે આ જ સોનેરી સમય હતો કંઈક કરવાનો... અને પ્રેમે હરકત કરી.
પ્રેમે અંધારામાં ચળકતી તેજાની કોડા જેવી આંખોમાં જોયું. તેજાની આંખોમાં ઠંડી ક્રુરતા હતી, તેમ છતાં તે કંઈક અનિર્ણાયક દશામાં ઊભો હતો. કદાચ તે સમજવા મથી રહ્યો હતો કે તેની સામે ઊભેલો આ ફૂટડો યુવાન કોણ છે અને અત્યારે અહીં તે શું કરી રહ્યો છે...? પ્રેમે એ સ્થિતિનો લાભ ઉઠાવ્યો અને એક ખતરનાક નિર્ણય લીધો. એક વ્યક્તિ તેની પીઠ પાછળ ગન ટેકવીને ઊભો હતો અને બીજો તેની છાતીનું નિશાન લઈને... જો તે ચૂકી ગયો તો તેનું મોત નક્કી હતું... પરંતુ પ્રેમની ફક્ત ચામડી જ સુંવાળી હતી. તેના હાથ-પગમાં અસીમ તાકાત હતી. તે ભરે સ્ફુર્તીલો અને ખતરનાક હતો.
સેકંડના છઠ્ઠા ભાગમાં તેણે હરકત કરી નાખી... તેજો કંઈ સમજે એ પહેલા વિજળીની ઝડપે પ્રેમે તેનો ડાબો હાથ હવામાં વિંઝ્યો અને આંખના પલકારામાં તેણે તેજાના હાથમાં પકડેલી ગનના નાળચાને પોતાની હથેળીમાં દબોચીને એક ઝટકો માર્યો... ડાબા હાથની સાથે જ તેન જમણો હાથ પણ ચાલ્યો હતો... ‘હેન્ડસ્-અપ’ની પોઝીશનમાં હવામાં તોળાયેલો જમણો હાથ જમીન તરફ ગોળ ફર્યો અને તેની પીઠ પાછળ ગન તાકીને ઊભેલા વલીખાન હાથ ઉપર કાંડા અને કોણીના ભાગ વચ્ચે અથડાયો... એ સાથે જ પ્રેમે પોતાનો હાથ ગોળ ઉપરની દિશામાં ઘુમાવ્યો... વલીખાનનો હાથ એ હરકતથી આપોઆપ પ્રેમની પીઠ ઉપરથી હટીને ઉપર આવ્યો... પ્રેમના ડાબા હાથમાં તેજાની ગનનું નાળચુ હતુ અને જમમો હાથ અધ્ધર, ઉપર હવામાં વલીખાનના હાથની નીચે હતો... પરિસ્થિતિ એવી થઈ કે તેજા અને વલીખાનની વચ્ચેથી પ્રેમ એક બાજુ સરકી ગયો હતો અને તે બંનેની પિસ્તોલો હવે એક-બીજા તરફ તકાયેલી હોય એવો માજરો સર્જાયો હતો... અને, ચૂકે તે પ્રેમ નહિ... તે જાણતો હતો કે બંને પઠ્ઠાઓમાંથી એકેય ગનનું સ્ટ્રીગર દબાવશે નહિ કારણ કે એ ધડાકો આ સમયે તેમને પણ મુશ્કેલીમાં મૂકી શકે એમ હતો. અને તેમની આજ માનસિક અવઢવનો પ્રેમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો... હવામાં અધ્ધર ઉટેલા વલીખાનના જમણા હાથને પ્રેમે કોણીથી પકડ્યો અને જોરદાર તાકાતથી તેને તેજા તરફ ખેંચ્યો... સાથે-સાથે તેજાને પણ વલીખાન તરફ ખેંચ્યો... તે બંને કંઈ સમજે એ પહેલા તો તેઓ આપસમાં ભયાનક ઝડપે ટકરાઈ પડ્યા હતા... બંનેના તરબુચ જેવડા માથા એકબીજા સાથે ભારે વેગથી અથડાયા અને ‘ધફ’ જેવો અવાજ આવ્યો. તેઓના આગળ લંબાયેલા હાથ જાણે એકબીજાના શરીરમાં ખૂંપી જવા માંગતા હોય એમ તેમની છાતીમાં ટકરાયા અને તેઓ ચિત્કારી ઊઠ્યા... તેજાએ પકડેલી ગનનો ધક્કો વલીખાનની છાતીમાં વાગ્યો અને વલીખાનના હાથમાંની ગન તેજાના ડાબા સોલ્ડરના જોઈન્ટ પાસે જોરથી ટકરાઈ. એ ટકરાવના કારણે બંનેના હાથમાં ઝટકો લાગ્યો હતો... બે પાંચ સેકન્ડ માટે તેઓને તમ્મર આવી ગયા. તેઓને સમજાયું નહીં કે સેકન્ડોમાં શું બની ગયું... અને... પ્રેમ અટક્યો નહીં... તેણે પોતાના બંને હાથને હેલીકોપ્ટરના પંખાની જેમ સીધી દિશામાં ગોળ ઘુમાવ્યા અને કરાટેની ભયાનક ચૉપ, ભારે ત્વરાથી એ બંને પહેલવાનોની ગરદનના પાછળના ભાગે મારી. કોણે જ અવાજ વગર થયેલા એ એક જ વારે બંનેને પસ્ત કરી નાખ્યા હતા.
“આહ...” તેજા અને વલીખાન બંનેના મોઢામાંથી એક દર્દનાક આહ નીકળી પડી. ગરદનની પાછળના ભાગની નસો ઉપર પ્રેમના આડા હાથનો કુહાડી જેવો ‘ચૉપ’ ઝીંકાયો હતો. વાર બરાબર નિશાન સાધીને કરવામાં આવ્યો હતો. ગરદનની નસ ઉપર થયેલા પ્રહારના કારણે તે બંનેની આંખે અંધારા આવી ગયા હતા. કાનમાં વ્હિસલ વાગતી હોય એવો એકધારો અવાજ સંભળાવો શરૂ થયો હતો. પ્રેમને એમ વાતનો ડરહતો કે જો આ બંનેમાંથી એકપણ વ્યક્તિના મોંમાંથી અવાજ બહાર નીકળશે તો આખી બીજી ચોપટ થઈ જાશે. પરંતુ એવું થયું નહિ... નસીબ પ્રેમને સાથ આપતુ હતુ... બીજો વાર તેણે ગરદનના ડાબા ભાગ ઉપર ઝીંક્યો હતો. પ્રેમે કસકસાવીને હાથની મુઠ્ઠીઓવાળી પોતાની સમગ્ર શારીરિક તાકાતથી એ પ્રહાર કર્યો... ઘર...ર...ર... ધફ...ફ...ફ...ફ... જેવા ચિત્ર-વિચિત્ર અવાજો તેમના ગળામાંથી નીકળ્યા અને તે બંને વાવઝોડામાં મૂળ સમેત ઉખડી ગયેલા, વૃક્ષની જેમ નીચે રેતીમાં ફેલાઈ ગયા... કરાટેની તાલીમ પામેલા પ્રેમને ખબર હતી કે શરીરના કયા હિસ્સામાં કેટલી તાકાતથી કેવી રીતે વાર કરવાથી તેનું શું પરિણામ આવે... અત્યારે તેણે એ જ કર્યું હતું. તે બંનેના ગળાની ધોરી નસ ઉપર તેણે જોરદાર પ્રહાર કર્યો હતો જેના કારણે એ નસો દ્વારા તેમના મગજ સુધી પહોંચતુ લોહી થોડીવાર માટે અટકી ગયું હતું અને જાણે તેઓના મગજમાં શૂન્યાવસાખ છવાયો હોય એમ તેઓ બંને અર્ધ-બેહોશીની હાલતમાં સરી પડ્યા હતા... દરિયાની ઠંડી, ભીની રેતી ઉપર જાણે બે નાનકડા પહાડો પથરાઈને પડ્યા હોય એમ તેઓ પથરાઈ ગયા હતા. પ્રેમે તે બંનેની ગન ઉઠાવીને પોતાની સાથે લીધી. તેને ખ્યાલ હતો કે હવે કમસેકમ અડધા કલાક સુધી તો તેમને ભાન આવશે નહિ. એટલે તેમને ત્યાં જ પડ્યા રહેવા દઈને તે ફરીપાછો ટંડેલ જે ખડક ઉપર ચડ્યો હતો એ તરફ આગળ વધ્યો... તે હજુ પણ વિચારમાં હતો કે આ બંને પઠ્ઠાઓ કોણ હોઈ શકે. તેને એટલી તો ખાતરી હતી કે આ વ્યક્તિઓ ખન્નાના જ માણસો હોવાના તેમ છતાં તેઓ અચાનક ક્યાંથી ફૂટી નીકળ્યા અને તેન સમજાતું નહોતું... હવે તેણે શું કરવું જોઈએ એ તેને સમજમાં આવતું નહોતું. અહીં ટંડેલની પાછળ જવું કે ફરી પાછું પોતાની જગ્યાએ ગોઠવાઈ જવું એ વિચાર કરતો તે ત્યાં જ, ખડકની ધારે પીઠ ટેકવીને વિચારતો ઊભો રહ્યો... સાવ અચાનક જ તે ફરી પાછો ચોંક્યો... દૂર ગાઢ અંધકારમાં બે ઓળા તેની તરફ આવી રહ્યા હતા. “આ વળી શું નવી મુસીબત...” તે મનમાં જ બબડ્યો અને એ ઓળાઓ તેની નજીક આવે તે પહેલા તેણે ત્યાંથી દૂર હટી જવાનું મુનાસીબ માન્યું... તે સાવધાની વર્તતો ખડકોની જમણી તરફ ચાલ્યો... તેને ખબરનહોતી કે એ ઓળા બીજુ કોઈ નહિ પરંતુ સુસ્મીતા અને બૉસ્કી હતા... જો તે ત્યાં જ રોકાયો હોત તો તેઓનો ભેટો ચોક્કસ થાત... પરંતુ અંધકારમાં પ્રેમ તેને ખન્નાનાં માણસો સમજીને આગળ વધી ગયો હતો.
“શીઈ...ઈ....ઈ...” સુસ્મીતાએ હોઠ પર આંગળી મૂકીને બૉસ્કીને સાબદો કર્યો. અચાનક તેને કોઈ આસપાસમાં હોવાનો ભાસ થયો હતો. તે અટકી અને સાવધાનીથી તેણે નજર કેંચીને અંધારામાં જોવાનો પ્રયત્ન કર્યો. ત્યાં કોઈ નહોતું... તેણે હળવેકથી બૉસ્કીનો હાથ પકડ્યો અને સીધા જવાને બટલે તેના જમણા હાથની દિશા પકડી... બે જ મિનિટમાં તેઓ થોડીવાર પહેલા પ્રેમ જે જગ્યાએથી આગળ ગયો હતો ત્યાં પહોંચી ગયા અને ખડકના ટેકે ઉભડક બેઠા... જો તેઓ સીધા જ આગળ વધ્યા હોત તો જરૂર વલીખાન અને તેજાની સાથે અથડાઈને તેમની ઉપર પડયા હોત... અને તો તેઓ ભયંકર મુસીબતમાં મુકાતા બચ્યા હોત... પરંતુ...
દસ જ મિનિટમાં વલીખાનને કળ વળી હતી અને તેની આંખોના પોપચા ફરક્યા હતા. મહામહેનતે તેણે આંખો ખોલી. એક દર્દભરી આહ તેના ગળા સુધી આવીને અટકી ગઈ. તેણે જમણો હાથ પોતાની ગરદને ફેરવ્યો. ત્યાં સ્પર્શ થતા જ એક ઝટકો તેને લાગ્યો. તેનું ભીમકાય શરીર પોતાના હાથના હળવા સ્પર્શ માત્રથી ખળભળી ઉઠ્યું હતું. જાણે કોઈએ તેના ગળામાં પંપથી હવા ભરી દીધી હોય એમ તેનું ગળુ સુઝીને દડા જેવું થઈ ગયું હતું. તેમાં ઉઠતા સણકા તેના મગજના એકેએક અણુને ભયાનક દર્દનો અહેસાસ કરાવતા હતા... મહામહેનતે તેણે પોતાના ડાબા હાથને ભીની રેતીમાં ટેકવીને ઊભા થવાની કોશીષ કરી. તેનથી ઊભુ થવાયું નહિ... જાણે તેનું સમગ્ર ડાબુ અંગ પેરાલીસીસના એટેકના કારણે ખોટું પડી ગયું હોય એવું તેને લાગ્યું. તેની આંખોમાં દર્નદા કારણે પાણી ધસી આવ્યા... બાજુમાં બેહોશ થઈને ચત્તાપાટ પડેલા તેજા તરફ તેણે નજર ઘુમાવી... અચાનકતેના કાને દરિયા બાજુથી આવતો અએવાજ સંભાયો. કોઈક વ્યક્તિ દબાતા અવાજે વાતચીત કરી રહ્યા હતા...
“તું ચાલ અહીંથી... મને આગળ વધવું ઠીક નથી લાગતું... આપમે નાહકના મુસીબતમાં મુકાશું... પ્રેમને આપણે અહીં છીએ તેની જાણ થાશે તો તે ભયંકર ગુસ્સે ભરાશે...” કોઈક ફુસફુસાતા અવાજે બોલ્યું.
“તું ચૂપ મર... મારા અંદાજે તેઓ આ પથ્થરોની પેલી બાજુ હોવા જોઈએ...” એ તીણો અવાજ હતો. એ કદાચ કોઈ સ્ત્રી હતી.
વલીખાને અંદાજ લગાવ્યો કે એ અવાજ કઈ દિશામાંથી આવે છે... હળવે રહીને તેણે તેજાને ઢંઢોળવાની કોશીષ કરી અને તેને જગાડ્યો. તેજાની હાલત પણ વલીખાન જેવી જ હતી. પ્રેમના તેજ પ્રહો તેના મસ્તીસ્કમાં શૂન્યવકાશ ભરી દીધો હતો... વલીખાને તેને ઢંઢોળીને હોશમાં લાવવાની કોશીષ કરી ત્યારે તે ભાનમાં તો આવ્યો પરંતુ બે-ચાર ક્ષણ માટે તે સમજી ન શક્યો કે તે ક્યાંછે... અને જ્યાં છે ત્યાં તે શું કામ છે...?
“તેજા... સાલા ઉઠ... અહીં બજું પણ કોઈક છે...” વલીખાના મગજમાં ઘણ વાગતા હતા છતા તેણે અએવાજની દિશામાં કાન અને આંખ સતર્ક કરતા તેજાના શરીરને રીતસરનું હલબલાવી નાખ્યુ. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું છતાં તેનું દિમાગ ઝડપથી સ્વસ્થ થયું હતું. ‘પહેલા એક સુકલકડી છોકરો અને પછી અત્યારે કોઈ બીજો મામસ અને તેની સાથે કોઈ ઓરત... મામલો અટપટો બની રહ્યો હતો...’ તેણે વિચાર્યું... તે હળવે રહીને રેતીમાં અધુકડો ઊભો થયો અને તેજાને પણ હાથ પકડીને ઊભો કર્યો... તેણે તેજાને કંઈક સમજાવ્યું અને પોતાની પાછળ આવવા કહ્યું... વલખાન ગજબનાક ઝડપથી સ્વસ્થ થયો હતો. તેણે આ પહેલા પણ પોલીસવાળાઓના હાથનો ભયાનક અત્યાચાર સહન કર્યો હતો. તેમ છતાં તેની એક આગવી ખાસીયત હતી કે તે ક્યારેય તૂટ્યો નહોતો... પ્રેમના હુમલાથી તે થોડીવાર માટે તો આઘાતગ્રસ્ત થયો હતો પરંતુ ખૂબ ઝડપથી તેણે સ્વસ્થતા પ્રાપ્ત કરી હતી. સાવ નજીકથી તેના કાને અથડાતા પુરુષ અને સ્ત્રીનાઅવાજ પરથી એટલું તો તે પારખી ગયો હતો કે જરૂર આ લોકો પણ પેલા છોકરાના સાથીદાર હોવા જોઈએ અને અત્યારે તેઓ એ છોકરાના સંદર્ભમાં જ વાત કરી રહ્યા છે... તેના માટે આ બીજો અવસર હાથ લાગ્યો હતો... જો તે અને તેજો, બંને મળીે આ લોકોને જેર કરી લે ત તેઓ કોણ છે અને અહીં શું કરે છે એ સમસ્યા તાત્કાલીક સુલઝી જાય... તે આગળ વધ્યો... તેજાને થોડીવાર પછી ખ્યાલ આવ્યો હતો કે વલીખાન શું કહેવા માંગે છે એટલે તે પણ સાવધાની વર્તતો વલીખાન પાછળ ચાલ્યો...
ટંડેલને જોરદાર આંચકો લાગ્યો હતો. અંધારામાં તેના કપાળે આવેલા પ્રસ્વેદબિંદુ ચમકી ઉઠ્યા. ટંડેલ ખડકોના ઉપરના ભાગે ભારે સાવધાનીથી ગરોળીની જેમ ચીપકીને પડ્યો હતો. ઉંટના ઢેકાનીજેમ સમુદ્રની રેતી ઉપર ઉપસી આવેલા બે વિશાળ ખડકના પથ્થરો સમુદ્રની ખાતીર હવાના કારણે અણીયાળા થઈને ખીલીની નોકની જેમ તેને ખૂંચતા હતા. ખડકની સપાટી ઉપર ચીપકીને પોતાનો શ્વાસ રોકીને ટંડેલ સામેની દિશામાં આંખો તાણીને જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો... અને તેની નજરે જે દૃશ્ય ઝીલાયુ હતુ એ જોઈને તેના શરીરમાં જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ તે ઉછળી પડ્યો હતો... ખડક ઉપર તે એ જોવા ચડ્યો હતો કે ખન્ના તેની સાથે કેટલા માણસો લઈ આવ્યો હતો. આ ઉપરાંત બોટમાંથી કેટલી પેટીઓ ઉતારવામાં આવી છે અને તે બોટમાં કેટલા માણસો છે... પરંતુ... જાણે દુનિયાની આઠમી અજાયબી જોઈ રહ્યો હોય એવું દૃશ્ય તેની નજરો સામે અત્યારે ભજવાઈ રહ્યું હતું... થોડીવાર પહેલા જ દોલુભાની પાવરબોટ કિનારાથી થોડે દૂર લાંગરી હતી અને એ બોટમાંથી ધડાધડ કરતા ત્રણ ઇસમો દરિયાના ગોઠણસમા પાણીમાં કૂદ્યા હતા... તેમાં જે સૌથી આગળ હતો તે ઇસમે તેના હાથમાં પકડેલી બેટરી ચાલુ કરીને તેનો પ્રકાશ ખન્ના ઉપર ફેંક્યો હતો... તે સિગ્નલ હતું. અને જેવી તેની બેટરી બંધ થઈ, તેની પાંચ સેકન્ડમાં ખન્નૌએ વળતો ટોર્ચનો પ્રકાશ એ લાંબીદાઢીધારી વ્યક્તિ ઉપર ફેંક્યો હતો... ખન્નાની શક્તિશાળી ટોર્ચના પ્રકાશમાં ક્ષણભર માટે એ વ્યક્તિ નહાઈ ઉઠ્યો... અને ક્ષણભરની તેની ઝલક ટંડેલને તેની જગ્યાએથી ઉછળવા માટે મજબુર કરી ગઈ હતી... તેના હૃદયમાં ધ્રાસ્કો પડ્યો... જાણે તેનું મસ્તિષ્ક હમણા જોયેલું દૃશ્ય સ્વીકારવા માંગતું ન હોય એમ તેણે માથુ ધુણાવ્યુ... સમગ્ર વિશ્વનું આશ્ચર્ય જાણે તેની આંખો સમક્ષ દેખાઈ રહ્યું હોય એમ તે સ્તબ્ધ બનીને જોઈ રહ્યો હતો... બોટમાંથી કુદકો મારીને પાણીમાં ખાબકેલો એ વ્યક્તિ હાજી-કાસમ હતો. દુનિયાનો ખૂંખાર આતંકવાદી... તાલીબાન આતંકવાદી સંગઠનનો લેફ્ટનન્ટ કમાંડર હાજી-કાસમ... ટંડેલને તેનો ચહેરો બરાબર યાદ હતો... હજુ ત્રણ-ચાર દિવસ પહેલા જ એક ન્યૂઝ ચેનલ ઉપર તેના વિશે વિગતવાર જાણકારી પીરસાઈ રહી હતી. તેમાં તેના ફોટા સહિત, તેના કરતૂતો દર્શાવાયા હતા... ટી.વી. સ્ક્રિન પર જોયેલા એ ખૂંખાર ચહેરાને અહીં, દમણના દરિયાકિનારે રૂબરૂ જોઈને તેના દિમાગમાં ભયાનક ઉલ્કાપાતો સર્જાયા હતા. તે હજુ પણ જાણે માનવા તૈયાર નહોતો કે દોલુભાની બોટમાંથી ઉતરેલો એ શખ્શ હાજી-કાસમ જ છે... જો હાજી-કાસમ આ સમયે, ભારતની ધરતી ઉપર હોય તો તેનો મતલબ કે હવે આવનારા સમયમાં જે કંઈપણ ઘટના બનશે એ ઘટનાઓ ભયાનકતાની ચરમસીમા સમુ હશે... હાજી-કાસમ કોઈ સામાન્ય આતંકવાદી નહોતો... તેની પાછળ, તેને જીવતો કે મરેલો પકડવા દુનિયાભરના શક્તિશાળી દેશોની ખૂફિયા પોલીસ, ઇન્ટેલીજન્સ એજન્સીઓ આકાશ-પાતાળ એક કરી રહી હતી, તેમ છતા તે આજ દિવસ સુધી કોઈના હાથમાં આવ્યો નહોતો... અરે, તેના વિશે જરા અમથી જાણકારી પ્રાપ્ત કરવા અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ચૂક્યો હતો... એ જ કટ્ટરવાદી ખૂંખાર આતંકી હાજી-કાસમ અત્યારે ટંડેલની નજરો સમક્ષ ખન્ના જેવા ભારતીય લશ્કરના દેશદ્રોહી સિપાહીને ગળે મળી રહ્યો હતો... ટંડેલની રગોમાં દોડતું લોહી ઉકળી ઉઠ્યુ હતુ. તેના મગજમાં ખૂન્નસ ઉભરી આવ્યુ હતુ અને આપોઆપકતેનો હાથ તેના હોલસ્ટરમાં મુકેલી તેની પિસ્તોલ ઉપર ગયો હતો... પણ, તે અટક્યો... “નહિ... હમણા નહિ.... ખન્ના અને હાજી-કાસમને મોત તો મળશે જ... ભયાનક મોત મળશે... મારા હાથે જ હું તેમનું મોત આણીશ... પરંતુ તે પહેલા પેલી પેટીઓ અગત્યની છે... તેને કબજે કરવી જરૂરી છે... નક્કી એ પેટીઓમાં ભયાનક સામાન હોવાનો... નહિર એની ડિલીવરી લઈને ખુદ હાજી-કાસમ સ્વયંમ અહીં આવે નહિ...” ટંડેલના મનમાં વિચારોએ ઘમાસાણ મચાવ્યું. જાણે તે પોતાની જાત સાથે જ વાત કરી રહ્યો હતો... તે સાવધાની વર્તતો ધીમેથી ખડક ઉપરથી નીચે, જ્યાંથી તે ઉપર ચડ્યો હતો એ તરફ પાછો વળ્યો...
બરાબર તે જ સમયે પ્રેમ ત્યાં પહોંચ્યો હતો. સૌ પરથમ તેણે ટંડેલના ભુખરા બુટ જોયા. ટંડેલ સાવધાની વર્તતો પથ્થરોના ફાંટામાં પગ ભીડાવીને નીચે ઉતરી રહ્યો હતો. તેના હાથમાં ખડકના અણીયાળા પથ્થરોના ઠોંગા વાગી રહ્યા હતા એટલે વારે-વારે તે અટકતો હતો. આખરે તે ઠેકડો મારીને નીચે ઉતર્યો. અચાનક જામે તેને ખ્યાલ આવ્યો હતો કે તેની પાછળ કોઈ છે એટલે તે ચોંક્યો...
“રીલેક્ષ... હું છું...” પ્રેમ બોલ્યો.
“ઓહ... પ્રેમ...” ટંડેલે રાહતનો દમ છોડ્યો.” પરંતુ તું અહીં શું કરે છે...?” પ્રેમને અહીં જોઈને તેને આશ્ચર્ય થતું હતું.
“તને આ તરફ આવતો જોઈને તારી પાછળ આવ્યો છું... પણ તારે અહીંથી દૂર હોવું જોઈતું હતું... આપણો પ્લાન એવો જ હતો ને...?” પ્રેમે પૂછ્યું.
“હા... મને ખ્યાલ છે. પણ, હું મારી જીજ્ઞાસાને રોકી ન શક્યો. મારે જોવું હતું કે ખડકની પેલેપાર શું ગતિવિધિઓ થઈ રહી છે...?”
‘હા... એ બરાબર છે પણ એનાથી આપણા પ્લાનમાં...”
“તને ખબરછે, માલ લઈને કોણ આવ્યું છે તે...? ખન્નાને મળવા કોણ આવ્યું તે...?” ટંડેલે ભારે ઉત્તેજનાથી પ્રેમની વાત કાપતા કહ્યું. તે હજુ પણ તેની આંખોએ જોયેલા દૃશ્યને સાચું માની શકતો નહોતો. “હાજી-કાસમ... તાલીબાની આતંકવાદી... ખૂંખાર અને ખતરનાક આતંકવાદી...” ટંડેલે કહ્યું. “પ્રેમ... હાજી-કાસમનું અહીં હોવું એ કંઈ નાની-સૂની ઘટના નથી. જરૂર ખન્નાની ટોળકીએ કોઈ ભયાનક કાવતરુ ઘડ્યુ છે... મને તો જબરદસ્ત ખતરાની ઘંટડીઓ સંભળાઈ રહી છે.”
“હુંમ્મ્...” પ્રેમે ફક્ત હુંકાર ભણ્યો. તેના હોઠ કંઈક કહેવા, કંઈક બોલવા ખૂલ્યા જ હતા કે સહસા તે બંનેના કાને એક તીણો અવાજ સંભળાયો. એ અવાજ તેમની જમણી બાજુથી હવાના રુખની સાથે આવ્યો હતો. તે અવાજે બંનેને ચોંકાવી મૂક્યા... અને ઝડપથી તેઓ નીચે બેઠા.
“આપણે અહીંથી જવું જોઈએ ટંડેલ... કોઈ જોઈ જાય તે પહેલા આપણે પોઝીશન લઈ લઈએ” પ્રેમે કહ્યું. ટંડેલને પણ એ જ ઉચિત લાગતુ હતુ... તેઓ પાછા ફરક્યા... છતાં કોણ જાણે કેમ, પણ પ્રેમને કંઈક અજુગતુ લાગ્યુ. તેને સમજાયું નહિ કે એ શું હોઈ શકે.... તેના મનમાં એ અવાજ સાંભળીને વિચિત્ર સ્પંદનો થતા હતા. તેનું હૃદય તેને અવાજની દિશામાં ખેંચી રહ્યું હતું જ્યારે તેનું દિમાગ કહી રહ્યું હતું કે અહીંથી દૂર જવું જોઈએ... અજીબ કશ્મકશ અનુભવતો તે થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો. આખરે તેના દિલ ઉપર દિમાગની જીત થઈ અને ટંડેલની પાછળ-પાછળ તે ચાલ્યો... આ તેની બીજી ભૂલ હતી... જો તેણે તેના દિલનું કહ્યું સાંભળ્યું હોત તો તે જરૂર એ અવાજની દિશામાં ગયો હોત. અને તો તેને ખ્યાલ આવ્યો હોત કે સુસ્મીતા અને બૉસ્કી તેની પાછળ-પાછળ અહીં સુધી આવ્યા હતા અને તેઓ બંને અત્યારે વલીખાન અને તેજાના હાથમાં સપડાઈ ચૂક્યા હતા. જો પ્રેમ પાછો વળ્યો હોત તો જરૂર તેણે સુસ્મીતા અને બૉસ્કીને વલીખાનના હાથમાંથી છોડાવ્યા હોત... પરંતુ સંજોગો કંઈક અલગ જ નિર્માયા હતા... કોનું, શું થવાનું હતું એ તો અત્યારે કદાચ ખુદ વિધાતા પણ કહી શકે એમ નહોતા...
“તેજા... પછી ખૂબસુરત છે...” વલીખાનની આંખો સુસ્મીતાના મુલાયમ દેહ ઉપર રમી રહી. તેણે તેજાને ગંદો ઇશારો કર્યો. સુસ્મીતા એ જોઈને ક્રોધની મારી ઉકળી ઉઠી પરંતુ તે વિવશ હતી... અંધારામાંથી અચાનક ફુટી નીકળેલા હતા બંને ખવીસોએ તેને અને બૉસ્કીને ખરાબ રીતે કસકસાવીને પકડી રાખ્યા હતા. બૉસ્કીને તો તેજાએ જોરદાર કસકસાવીને બે મુક્કા પણ જડી દીધા હતા. બૉસ્કીએ તેની જિંદગીમાં ક્યારેય માર ખાધો નહોતો એટલે તેજાના એક જ પ્રહારે તે બેવડ વળી ગયો હતો. તે પોતાના પેટ ઉપર તેના બંને હાથ દબાવી ટુંટીયુવાળીને રેતીમાં ફસડાઈ પડ્યો હતો. પેટની પીડા તેની આંખોમાં આંસુ બનીને ઊભરી આવી... સુસ્મીતા વિવશ નજરે તેને તાકી રહી... અંધારામાં બરાબર દેખાતું નહોતું છતાં તે બૉસ્કીની હાલતનું અનુમાન લગાવી શકતી હતી. તેને ગુસ્સો તો એટલો બધો આવતો હતો કે જો કદાચ તેનું ચાલતુ હોય તો તેણે એ વ્યક્તિને જમીનમાં જીવતો જ દફન કરી દીધો હોત. પરંતુ તેનાથી એવું થઈ શકે તેમ નહોતું. વલીખાને બહુ ખરાબ રીતે સુસ્મીતાને પોતાના હાથમાં ભીંસી રાખી હતી. તેણે એક હાથની હથેળી સુસ્મીતાના મોં ઉપર દબાવી હતી જેથી તે બુમો ન પાડી શકે. સુસ્મીતા વલીખાનની ગીરફતમાંથી છુટવા ધમપછાડા કરી રહી હતી પરંતુ તેનાથી તો વલીખાન તેને વધુને વધુ ભીંસી રહ્યો હતો. તે સુસ્મીતાના સુંવાળા દેહને પોતાના ગંધાતા, કાળા શરીર સાથે સખ્તાઈથી ભીડીને વિકૃત કહી શકાય એવો આનંદ લેવામાં મશગુલ હતો.
“વલી...” તેજો વલીખાનની વિકૃતિ અને હેવાનીયતથી પરિચિત હતો. તેને સમજાયું હતું કે આ સમયે જો વલીખાનને રોકવામાં નહિ આઔવે તો તે કદાચ તેના પંજામાં ફસાયેલી યુવતિની બુરી વલે કર્યા વગર રહેશે નહિ, હાલના તબક્કે આવી કોઈ ઘટના બને તે એને મંજુર નહોતં... જો કે એ ખૂબસુરત બલાને જોઈને તેના મોંમાં પણ પાણી આવતું હતું, પરંતુ તેઓ અત્યારે અહીં બીજા કામ માટે આવ્યા હતા એટલે તેજાએ પોતાની ઇચ્છાઓ કાબુમાં રાખી હતી અને વલીખાનને પણ ટપાર્યો હતો...’ આ ખૂબસુરતીની મીજબાની આપણે પછી માણીશું, પહેલા આને જોરા સુધી પહોંચાડીએ... જોરાની સાથે છે એ માણસ ખન્ના મને ખતરનાક લાગે છે... આ લોકો કદાચ તેની પાછળ અહીં આવ્યા હશે. તારું શું કહેવું છે...?” તેજાએ વલીખાનને પૂછ્યું. વલીખાન થોડો ઢીલો પડ્યો. તેજાની વાતમાં દમ લાગ્યો એટલે તેણે તેજાની વાત સ્વીકારી... એ દરમિયાન તેજાએ નીચે નમીને બૉસ્કીના શર્ટનો કોલર પકડીને તેને ઊભો કર્યો અને જાણે કોઈ નાના બાળકને ઉચકતો હોય એમ તેને ઉચકીને ચાલવા લાગ્યો. વલીખાન તેની પાછળ સુસ્મીતાને લગભગ ઢસડતો આગળ વધ્યો.
એ જ સમયે ખન્ના હાજી-કાસમના ગળે મળી રહ્યો હતો...
“વેલકમ ટુ ઇન્ડિયા...” ખન્નાએ કાસમથી અળગા થતા કહ્યું. “ભારતમાં તમારું સ્વાગત છે હાજી-કાસમ... ભારતની ભૂમિને ઘણા લાંબા સમયથી આ ઘડીનો ઇંતેજાર હતો જે આજે સમાપ્ત થયો. તમરા આગમનથી આપણું કામ ઇન્શાહ્લલા બખૂબી પાર પડશે...”
“આમીન...” કાસમના હાથ અધ્ધર ઉચકાયા અને તેણે આકાશ તરફ જોતા કહ્યું, “હવે જ ખરો રંગ જામશે ખન્ના... પહેલા તારા માણસોને કહે, જલ્દીથી પેટીઓ ઉતારીને તેને તેની યોગ્ય જગ્યાએ મહેફુઝ રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરે... ત્યાં સુધીમાં આપમે બીજી વાત કરી લઈએ...” તેણે પોતાની લાંબી દાઢી પર હાથ ફેરવતા ખન્નાને કહ્યું... ખન્ના પોતે નહોતો જાણતો કે હાજી-કાસમ શા માટે જાતે ભારત આવ્યો છે... તેણે જ્યારે આ વાત સાંભળી ત્યારે તે અંદરથી ધ્રુજી ઉઠ્યો હતો અને તેને અપાર આશ્ચર્ય થયું હતું કારણ કે જો ભારનતા ગુપ્તચર વિભાગને આની જરા સરખી પણ ગંધ આવે તો મોટો ભુકંપ સર્જાયા વગર રહે નહીં... એટલે જ તે જાણવા માંગતો હતો કે આટલુ મોટુ રીસ્ક લઈને કયા મનસુબા સાથે હાજી-કાસમ ભારત આવી રહ્યો છે... અને અત્યારે જ્યારે કાસમે તેને વિચાર-વિમર્શ કરવા એકબાજુ જવાનું સૂચન કર્યું ત્યારે ખન્નાને આશા બંધાઓઈ કે કદાચ કાસમ તેને તેના આયોજન વિશે જણાવશે... ખન્નાએ જોરાને પોતાની નજીક બોલાવીને દોલુભાની બોટમાંથી પેટીઓ ઉતારી લેવાની સૂચના આપી અને તે કાસમ સાથ ચાલ્યો... જોરાએ વલીખાન અને તેમને શોધવા પોતાની નજર ઘુમાવી પરંતુ એ લોકો તેને દેખાય નહિ એટલે એક ગંદી ગાળ બોલીને તે એ લોકોને શોધવા ઝડપથી ખડકની દિશામાં આગળ વધ્યો. “ક્યાં મરી ગયા કમબખ્તો...” બબડતો તે રીતસરનો ઘાંઘો થઈને દોડ્યો.
દોલુભાએ નાનકડુ અમથુ લંગર દરિયાના પાણીમાં નાંખ્યું અને બોટને સ્થીર કરી... મનોમન તે ધુંધવાઈ રહ્યો હતો. હાજી-કાસમ અને તેના બે પઠ્ઠાઓ તેની બોટમાં ચડી આવ્યા હતા એ તેને બિલકુલ રુચ્યુ નહોતુ. તેણે હિંમતસિંહ દરબારને પણ મનોમન ઘણી ગાળો આપી હતી કારણ કે તેણે આ વિશે તેને કશું જણાવ્યું નહોતું. તે જામતો હતો કે હિંમતસિંહ આ બાબત જાણતો ન હોય એ શક્ય નહોતું, છતાં તેને અંધારામાં રાખવામાં આવ્યો હતો એ બાબત તેને ખટકી હતી... તેણે બોટ સ્થિર કરી એ સાથેજ તેના માણસોને તેણે બોટના ભંડાકીયામાં મુકાયેલી પેટીઓને ઝડપથી ઉપર ડેક પર લાવવા કહ્યું અને બીજા બે માણસોને એક લાંબુ પાટીયુ સીડી તરફ બોટમાંથી દરિયાના પાણીમાં ગોઠવાનું સૂચન કર્યું. દોલુભાના હુકમથી એ નાનકડી પાવરબોટમાં હલચલ મચી ગઈ. દોલુભાના બે માણસો ભંડકીયા તરફ સરક્યા અને બીજા બે ત્યાં બોટના ડેક ઉપર જ મુકાયેલા લાંબા પાટીયા જેવા લાકડાને ઉંચકીને સીડીની જેમ ગોઠવવામાં વ્યસ્ત બન્યા... આ સમયે દોલુભાને ખબર નહોતી કે સામે જે દરિયાકિનારે પથ્થરોનો ગુંબજ (બારુ) દેખાય છે ત્યાં ખુદ હિંમતસિંહ દરબાર પણ હાજર હતો અને તે ઉપરાંત પણ એવા ઘણા વ્યક્તઓ ત્યાં ઉપસ્થિત હતા જેના તેણે ક્યારેય સ્પ્નમાંય વિચાર્યું નહોતું... તે ઝડપથી પોતાના કામમાં મશગુલ બન્યો.
જોરા અચાનક દોડતો અટક્યો. તેણે અંધારામાં આંખો ખેંચીને જોવાની કોશીષ કરી. વલીખાન અને તેજો તેની બાજુએ આવી રહ્યા હતા... પરંતુ,તે ચમક્યો... એ બંને સાથે બાજુ પણ કોઈક હતુ... વલી અને તેજો તેને ઢસડીને લાવી રહ્યા હતા. તે ધસ્યો... આ તરફ પાણીનું જોર વધારે હતું. સમુદ્રની લહેરો વારે-વારે જોરાના પગના પંજાને સ્પર્શીને રેતીમાં સમાઈ જતી હતી.
‘કમબખ્તો... ક્યાં મરી ગયા હતા...? અને આ કોની ઉપાડી લાવ્યા છો...?”
“બૉસ... આપણી પાઓછઓળ કોઈક છે. આ બંને છુપાઈને આપણો પીછો કરી રહ્યા હતા... આની સાથે બીજો એક યુવાન પણ હતો...”
“વોટ...?”
“હા બૉસ... મને લાગે છે કે આ લોકો જરૂર અહીં કોઈ મકસદથી આવ્યા છે.”
“પેલો યુવાન ક્યાં છે...?”
“ખબર નથી...”
“ખબર નથી મતલબ...? સાલાઓ ક્યારના શું ગળપીયા ગળશો છો... કંઈક સમજાય એવું ભસોને...” જોરાની ભ્રકુટીઓ તંગ થઈ હતી. તેને સમજાતું નહોતું કે સાવ અચાનક આ નવી મુસીબત ક્યાંથી આવી પડી. જરૂર આ લોકો કોઈ નાટક કરીને આવ્યા લાગે છે. “કમબખ્તો... બોલતા બળ પડે છે...? વલી, આ શું છે બધુ...?” તેજાએ ઉંચા સાદે બંનેને ખખડાવી નાખ્યા. આ સમયે અહીં કોઈ ગોટાળો સર્જાય એ તેને પસંદ આવે તેમ નહોતું... વલીખાને જે બન્યું હતું એ જોરાવરસિંહને કહ્યું... જોરાની તંગ નસો વધુ તંગ બનતી હતી. તેને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ હતી. આ બાબત નજરઅંદાજ કરાય એવી નહોતી. વળી તેના આ બંને પહેલવાન પઠ્ઠાઓને કોઈ ઠમકોરીને ભાગ્યુ હતુ એ બાબત પણ તેને અચરજ પમાડતી હતી... તેણે વલીખાનના હાથમાં છટપટી રહેલી યુવતિ તરફ જોયું. વલીખાનનો પંજો સખ્તાઈથી એ યુવતિના ચહેરા ઉપર દબાયેલો હતો એટલે જોરાને ફક્ત તેનું અડધું મોં જ દેખાતું હતું. તેમ છતાં તેને લાગ્યું કે તેણે આ યુવતિને આ પહેલા પણ ક્યાંક જોઈછે... તેણે બૉસ્કી તરફ જોયું. બૉસ્કી હજુ પણ તેના પેટના ભાગે હાઓથ દબાવી રહ્યો હતો. તેજો વારેવારે તેને સીધો ઊભો રાખવાની કોશીષ કરતો હતો. જોરા બૉસ્કીને જોઈને ચોંક્યો... “ઓત્તારી... આ અહીં ક્યાંથી..?” તે મનોમન બબડ્યો. તેણે બૉસ્કીની નજીક જઈને તેની હડપચી ઉંચી કરી...
...હા... આ બૉસ્કી જ છે... દમણનો ફડતૂસ જાસૂસ... અને અચાનક તેના દિમાગમાં ઝબકારો થયો... તે સમજી ગયો કે વલીખાનના હાથમાં છટપટતી એ ખૂબસુરત બલા કોણ હોઈ શકે... એ યુવતિ દમણના ધ ગ્રેટ કહી શકાય એવી હોટલ કમ રિસોર્ટ “બ્લ્યુ હેવન”ની માલકીન સુસ્મીતા જ હોવી જોઈએ. તેણે હમણા બે દિવસ પહેલા જ બૉસ્કીને “બ્લ્યુ હેવન”ની ભવ્ય ઑફિસમાં પ્રવેશતો જોયો હતો અને આમ પણ, આ બટકો જાસૂસ સુસ્મીતાનો દોસ્ત હતો એ આખું દમણ જાણતું હતું... પરંતુ તેને અહીં જોઈને જોરાને ઝટકો લાગ્યો હતો... અને આ ઉપરાંત વલીખાન અને તેજાને ચકમો આપીને કોણ ભાગ્યું હતું એ તેને સમજાતું નહોતું... જોરાવર ધુંધવાઈ ઉઠ્યો. તેના જાડા દિમાગમાં ગુંચવણો સર્જાઈ હતી. તેણે માથુ ધુણાવ્યુ અને વિચાર્યું... એ જે કોઈપણ હશે તેને પછી જોઈ લેવાશે, તેના આ બે સાગરીતો અત્યારે તેની પાસે છે એટલે એ પણ જરૂર આટલામાં જ હશે અને તેને અહીં આવ્યા વગરછુટકો નથી... અત્યારે સૌથી અગત્યનું કામ બોટમાંથી પેટીઓ ઉતારવાનું હતુ. તેણે વલી અને જોરાને એ બંનેને બાંધી દેવાની સૂચના આપી અને ઝડપથી તેની સાથે આવવાનું ફરમાન કર્યું.
જોરાવર આ બધી ગડભાંજમાં પરોવાયેલો હતો ત્યારે ખન્નાનું ધ્યાન એના તરફ કેંચાયુ હતુ. તેણે દૂરથી જોરાવરને કોઈકની સાથે માથાકુટ કરતો જોયો. તેને સમજમાં નહોતુ આવતુ કે ત્યાં શું ચાલી રહ્યું છે. તેણે હાજી-કાસમને ત્યાં જ ઉભો રહેવા દઈ જોરાવર તરફ પગ ઉપાડ્યા. તે જોરાની નજીક પહોંચ્યો એટલે જોરાએ ઝડપથ તેને શું બન્યું હતું એ કહ્યું... અત્યાર સુધી ખન્નાનું કામ એકદમ પરફેક્ટ રીતે પાર પડતુ જતુ હતુ. તેની ધારણા મુજબ હાજી-કાસમ અને દોલુભા સમયસર આવી પહોંચ્યા હતા. અને તેમની સાથે પેલી પેટીઓ પણ હતી કે જેની રાહ તેણે ઘણા વર્ષોથી જોઈ હતી... ખન્નાના જીગરમાં તેનો એક અનેરો આનંદ છવાયો હતો. પરંતુ અત્યારે એ આનંદમાં ઉચાટ ભળ્યો હતો... આટ-આટલી સાવધાની રાખવા છતાં તેના પ્લાન વિશે કોઈકને ખ્યાલ આવ્યો હતો અને એ લોકો તેની પાછળ અહીં સુધી આવી પહોંચ્યા હતા... તેને સમજાતું નહોતું કે હવે શું કરવું જોઈએ... તેના મનમાં ખુન્નસ ઉભરાતુ હતુ... આ તમામને અહીં જ ખતમ કરીને દરિયાની ભીની રેતીમાં દફન કરી નાખવાનું ખુન્નસ... તેણે એવું કર્યું પણ હોત, જો હાજી-કાસમ અહીં ઉપસ્થિત ન હોત તો... પરંતુ અત્યારે તે એવું કંઈ કરી શકવાનો નહોતો.
ખન્નાએ ઝડપતી જોરા અને વલીને બોટ તરફ જવા સૂચન કર્યું અને તેજાને અહીં જ આ બંને સાથે રહેવાની સૂચના આપી... જોરા અને વલીએ ઝડપથી બોટ તરફ પગ ઉપાડ્યા એટલે ખન્નાને થોડી રાહત થઈ... હાજી-કાસમ તેનાથી દૂર આ તરફ પીઠ કરીને નિતાંત અંધકારમાં ન જાણે શું જોઈ રહ્યો હતો... આખરે તેણે તેજાને ત્યાં જ રહેવાનું કહી કાંઠા તરફ પગ ઉપાડ્યા.
પ્રેમના મનમાં ઉચાટ વ્યાપ્યો હતો. કોઈ ગમખ્વાર ઘટના બનવાની હોય એવો અએણસાર તેના અજ્ઞાત મનમાં છવાયો હતો. વારે-વારે તે પાછળ ફરીને જોઈ લેતો હતો જ્યાંથી તે અને ટંડેલ આ તરફ આવ્યા હતા. તેના હૃદયમાં ન સમજાય એવી ઉર્મી ઉઠતી હતી... કોઈક પાછું ખેંચી રહ્યું હતું... ન સમજાય, ન કળાય એવી અનુભૂતિ થતી હતી. ટંડેલ તેની આગળ ઝડપથી ચાલી રહ્યો હતો. તે તેની જગ્યાએ ગોઠવાઈને પ્લાન ‘છ’ ને અમલમાં મૂકવા થનગની રહ્યો હતો. એ થનગના, ઉત્સાહ, ઉત્તેજના તેના શરીરની હરકતમાં સ્પષ્ટ દેખાઈ આવતો હતો એ પ્રેમ જોઈ શકતો હતો... પરંતુ એવો કોઈ ઉત્સાહ તેને પોતાને ઉમડતો નહોતો તેનું આશ્ચર્ય થતું હતું. ઉત્સાહને બદલે આશંકાઓ થતી હતી... તે અટક્યો... અચાનક સુસમીતાનો ચહેરો તેના માનસપટલ ઉપર છવાયો. સુસ્મીતાના ખૂબસુરત ચહેરા પર ડર અને ગભરાહટના ભાવો છવાયેલા હતા... અચાનક તેના પગે આપોઆપ પાછા ફરીને દરિયાકિનારે દેખાતા ખડકોની દિશા પકડી. તે લગભગ દોડતો જ ખડકો સુધી પહોંચ્યો અને એચાનક તેના પગ થંભી ગયા... “પેલા બંને માણસો ક્યાં ગયા...?” તે ઝડપથી આગળ વધ્યો... તેના દિમાગમાં ખતરાની ઘંટડીઓ રણકવા લાગી હતી કારણ કે જે રીતે તેણે એ બંનેને બેહોશ કર્યા હતા તે કમસેકમ અડધા કલાક સુધી તો ભાનમાં આવે એવી શક્યતા નહોતી. છતા અત્યારે તે લોકો અહીં નહોતા... અને જો તેઓ ભાનમાં આવી ગયા છે તો ચોક્કસ તેમને ખબર પડી હશે કે અહીં એમના સિવાય બીજા માણસો પણ તેની પાછળ આવ્યા છે... આ એક ગંભીર બાબત હતી. પ્રેમને તેનો મતલબ સમજાતો હતો. ચોક્કસ તેઓનો પ્લાન ખુલ્લો પડી ગયો હતો... ખન્ના ઍન્ડ પાર્ટી જરૂર સતર્ક થઈ ગઈ હશે અને શક્યતઃ તેણે કોઈને આ તરફ ફરીતપાસ કરવા મોકલ્યા હશે... પ્રેમ સતર્ક થયો. જો કે તેને ખ્યાલ નહોતો કે બૉસ્કી અને સુસ્મીતા તેની પાછળ-પાછળ અહીં સુધી આવ્યા હતા અને અત્યારે તે બંને વલીખાનના સકંજામાં સપડાઈ ચૂક્યા હતા.
તે ભારે સાવધાની વર્તતો ખડકના દિવાલ જેવા પટના આધારે દરિયાના પાણી બાજુ આગળ ચાલ્યો. ટંડેલ આગળ વધી ગયો હતો. ટંડેલને ખ્યાલ નહોતો રહ્યો કે પ્રેમ તેને મૂકીને પાછો ફરી ગયો હતો. તે તો એની રાતે આગળ વધ્યે જતો હતો... પ્રેમ ઘુઘવાતા દરિયાના પાણી સુધી પહોંચ્યો હતો. અહીંથી એ વિશાળ ખડકનો ‘યુ’ આકારનો વળાંક શરૂ થતો હતો... બને એટલી સાવધાની રાખતો પ્રેમ પોતાની જમણી દિશામાં આગળ વધ્યે જતો હતો... ભીની રેતીમાં તેણે પહેરેલા બુટ અડધે સુધી પાણીમાં ખૂંપી રહ્યા હતા. સમુદ્રની લહેરોમાં તેના પગ પલળ્યા હતા. સમય ખૂબ જ ઝડપથી વહી રહ્યો હતો... તે હવે મુંઝાતો હતો કે ખરેખર તેણે શું કરવું જોઈએ ? તે પાછો ફરી જવા માંગતો હતો પરંતુ તેનું મન અવળચંડાઈ કરીને આગળ વધવાનું સૂચન કરતું હતું... એક અજ્ઞાત બળ જાણે તેને ધક્કો મારતું હોય એમ તે આગળ વધ્યો...
અંગ્રેજીના ‘ેં’ આકારનો એ ખડક અથવા તો ખડકોનો સમૂહ અડધાથી પોાણી કિલોમીટર જેટલી પહોળી જમીનમાં પથરાઈને પડ્યો હતો. દૂર દૂર સુધી નજર નાખતા સુમસાન દેખાતા સમુદ્રના કિનારા ઉપરઆ ખડકોનો સમૂહ કંઈક વિચિત્ર દેખાતો હતો. જાણ કોઈકે સમુદ્રકિનારે પથ્થરોનો નાનકડો કિલ્લો બનાવ્યો હોય, કુદરતે જાણે જાતે ઉંચકીને આ પથ્થરોને અહીં ગોઠવ્યા હોય એવી તેની રચના હતી... દરિયાના પાણી બાજુ ફક્ત આ ખડકોનું મોઢુ ખુલ્લુ હતુ બાકી ત્રણેય બાજુ કાળમીંઢ પથ્થરોની દિવાલ જ જોઈલો...
દોલુભાની બોટ ખડકોના બંને બાજુ બહાર નીકળેલા છેડાના અંદરના ભાગે લાંગરવામાં આવી હતી... પ્રેમ લગભગ ત્રણેક મિટર જેટલા લાંબા ખડકના જમણી બાજુના છેડાના ભાગેથી આગળ વધ્યો કે અચાનક તેને એ બોટ દેખાઈ. બોટ તેનાથી ખાસ્સી દૂર છતાં ત્યાં આગળ ઘણી ચહલ-પહલ વર્તાતી હતી... અહીંથી બોટ સુધી પહોંચવા ઘણું અંતર કાપવું પડે એમ હતું અને તે ઉપરાંત એવું કરવામાં કોઈની નજરે ચડી જવાનું પણ જોખમ હતુ એટલે પ્રેમ થોડીવાર ત્યાં જ વિચારતો ઊભો રહ્યો... કંઈક નિર્ણય કર્યો અને સાવધાનીથી આગળ વધ્યો... હજુ તે થોડુ જ ચાલ્યો હશે કે સહસા તે ચોંક્યો અને...
ટંડેલે અનાયાસે જ પાછળ ફરીને જોયું અને ચોંક્યો. પ્રેમ હમણા સુધી તેની પાછળ આવી રહ્યો હતો અને અચાનક તે ક્યાં ગાયબ થઈ ગયો...? અંધારામાં ઘણે દૂર સુધી તેને પ્રેમનો અણસાર વર્તાયો નહીં. તેને આશ્ચર્ય થયું. દુવિધા અનુભવતો તે ઊભો રહ્યો કે હવે પ્રેમને શોધવા કઈ બાજુ જવું... એક વખત તો તેને વિચાર પણ આવ્યો કે કદાચ પ્રેમ તેની નક્કી કરેલી જગ્યાએ જઈને ઊભો રહી ગયો હોય... પણ એ દલીલમાં તેને દમ લાગ્યો નહીં. પ્રેમ તેને જણાવ્યા વગર એ તરફ જાય નહિ... તો એ ગયો ક્યાં...? અચાનક તેને કંઈક સુઝ્યું અએને તે ફરી પાછો ખડકો બાજુ દોડ્યો.
“ઉહું... ઉંહ... હ્...” પ્રેમના કાને કોઈકનો ઉંહકારો સંભળાયો. ચમકીને તે અટક્યો. અવાજ તેની નજીકથી જ આવતો હતો. તેના કાન સરવા થયા. અંધારામાં પણ તેણે અવાજની દિશામાં જોવાની કોશીષ કરી. તે થોડો આગળ ચાલ્યો... “ઉંહ્... હ...” આ વખતે અવાજ સ્પષ્ટ સંભળાયો હતો. જાણે કોઈકના મોઢે કપડુ બાંધ્યું હોય અને તે એ બંધનમાંથી છટકવા ધમપછાડા કરતું હોય એવો અવાજ હતો... પ્રેમે ધ્યાનથી કાન સરવા કરીને તે અવાજની દિશા નક્કી કરી અને સાવધાનીથી એક-એક ડગલુ માપતો આગળ વધ્યો... તેની આંખોને અંધારાની ટેવ પડી ચૂકી હતી એટલે થોડે દૂર સુધીનું દૃશ્ય તે સ્પષ્ટ જોઈ શકતો હતો... અચાનક તે અટક્યો... તેને તેની આજુબાજુ કંઈક સળવળાટ સંભળાયો... ત્યાં કોઈ વ્યક્તિઓ ઊભા હતા... એ ત્રણ આકૃતિઓ હતી. બે વ્યક્તિઓ તદ્દન પાસે-પાસે ઊભા હતા જ્યારે ત્રીજી વ્યક્તિ તેના પગ પાસે રેતીમાં ગુંચળુ વળીને પડી હતી... જરૂર ખન્નાના આદમીઓ હશે એવો વિચાર પ્રેમના મનમાં આવ્યો. તે વધુ નજીક સરક્યો... તે એ લોકોથી હવે માત્ર વિસેક કદમની દુરી પર હતો. તે ખકની દિવાલે એકદમ ચીપકાઈને આગળ વધતો હતો. જ્યારે પેલા વ્યક્તિો તેનાથી થોડે દૂર ખુલ્લી રેતાળ જમીન પર હતા એટલે જ્યાં સુધી તેઓ પ્રયત્નપૂર્વક આ બાજુ જોવાની કોશીષ ન કરે ત્યાં સુધી પ્રેમ તેને દેખાય એવી શક્યતાઓ નહોતી... અચાનક તે ફરી ચોંક્યો. રેતીમાં ઉભેલી એ બે વ્યક્તિઓમાં એક સ્ત્રી હતી તેનો ખ્યાલ તેને તેના ખુલ્લા હવામાં લહેરાતા વાળ ઉપરથી આવ્યો... પણ આ શું...? તેની બાજુમાં ઉભેલો શખ્શ તેને બળજબરીથી પકડી રાખવા મથતો હોય એવું તેને લાગ્યું... તેને જે ઉંહકારા સંભળાતા હતા એ તે સ્ત્રીના જ હતા... તે વધુ નજીક સરક્યો...
“ઓહ્ ગોડ... ઓહ માય ગોડ...” પ્રેમના મોઢામાંથી શબ્દો નીકળતા નીકળતા રહી ગયા. તેના પેટમાં ફાળ પડી... ઓહ... આ અશક્ય છે... તે સુસ્મીતા નથી... એ અહીં કેમ હોય...? નો... નો... નહિ.... તે નથી... પ્રેમે માથુ ધણાવ્યુ. અને આંખો ફાડીને તેણે અંધકારમાં એ સ્ત્રી ઓળાને બરાબર નિરખવાની કોશીષ કરી. તેના મનમાં કેમે કરીને આ વાત જાણે ઉતરતી નહોતી. તે સુસ્મીતાને ‘બ્લ્યુ હેવન’માં મૂકીને આવ્યો હતો તો પછી તે અહીં કેવી રીતે હોઈ શકે...? ...પણ સામે જે દેખાઈ રહ્યું હતું એ પણ સત્ય હતું. એ સ્ત્રીની દેહાકૃતિ અદ્દલ સુસ્મીતાને મળતી આવતી હતી. તેના મોંમાંથી નીકળતા ઉંહકારમાં તેને પરિચિતતા ભાષતી હતી... અને... મિનિટોમાં જ તેને ખ્યાલ આવ્યો હતો કે તે સુસ્મીતા જ છે... તેની પાછળ ઉભેલા શખ્શે સુસ્મીતાને પકડી રાખી હતી અને તે તેની બળજબરીકરી રહ્યો હતો... અંધકારમાં સુસ્મીતાની આંખોમાંથી ઉમડતા આંસુ ચમકી રહ્યા હતા... પ્રેમ માટે એ દૃશ્ય કલ્પનાતીત હતુ. સુસ્મીતાના મોંના ભાગે કપડાની પટ્ટી બાંધેલી હતી અને તે ઘાયલ હરણીની માફક એ આદમીના હાથમાંથી છુટવા કોશીષ કરી રહી હતી...
બસ... પ્રેમના ક્રોધની આગને દિવાસળી ચાંપવા આટલુ જ કાફી હતુ. સુસ્મીતાને અહીં જોઈ તેને ફડક તો પેસી જ હતી, અને તેમાં પણ તે જે હાલતમાં હતી એ જોઈને તેની રગેરગમાં ભયાનક ક્રોધ છવાઈ ગયો હતો... તેના હાથની મુઠ્ઠીઓ તાકતથી ભીંસાઈ... આંખોમાં રતાશ ઉભરી આવી... તે ભુલી ગયો કે અહીં શું કામ આવ્યો છે. તેના માટે તેની સુસ્મીતા સર્વસ્વ હતી. એક નાનો ઉઝરડો પણ સુસ્મીતાના શરીરે પડે એ તેને મંજુર નહોતું... તેને એ પણ ભુલાઈ ગયું કે જે કામ માટે તે અહીં આવ્યો છે એમાં પૂરેપૂરી સાવધાની અને ખામોશી જરૂરી હતી. જો એમાં સહેજપણ ગફલત થાય તો અહીં તેની સાથે આવેલા તમામ વ્યક્તિઓના જીવ જોખમમાં મુકાય... પરંતુ સુસ્મીતાને પઠ્ઠા જેવા પહેલવાનના હાથમાં ભીંસાતી જોઈને તેનું લોહી ઉકળી ઉઠ્યુ હતુ. હવે તે ખામોશ રહે એ તેના સ્વભાવ વિરુદ્ધ હતુ... જો કે તેણે આજદિન સુધી ક્યારેય પરિણામની ચિંતા કરી નહોતી... અને તે પેલા ગેંડા જેવા પહેલવાન તરફ ધસ્યો. તેની નજરો સામે કોઈ સુસ્મીતાને હાથ લગાવે એ તેના માટે અસહ્ય હતુ... ભારે વેગથી તેણે તેજા પર હલ્લો કર્યો... તેજો હજુ કંઈ સમજે, કોઈ પ્રતિક્રિયા કરે એ પહેલા તો તેના જડબા ઉપર જાણે કોઈએ ભયાનક વેગથી હથોડો ઝીંક્યો હોય એમ પ્રેમનો મુક્કો પડ્યો... પ્રેમે તેના શરીરની સમગ્ર તાકાતથી એ મુક્કો તેજાના ચહેરા પર વિંઝ્યો હતો... તેજો પળવાર માટે સ્થિર થઈ ગયો... તેના મગજમાં પહેલા ઝટકો લાગ્યો અને પછી શૂન્યાવકાશ છવાયો. વાર એટલા વેગ અને ઝનૂનથી થયો હતો કે તેના ગળા સુધી આવેલી ચીખ ત્યાં જ અટવાઈ અને રુંધાઈ ગઈ... પ્રમના એક જ પ્રહારે તેને પસ્ત કરી નાખ્યો હતો... ભીની રેતી ઉપર તે કપાયેલા વૃક્ષની જેમ પથરાઈ ગયો. તેના ત્રણ દાંત ટુટીને તેના મોઢામાં ખલાઈ રહ્યા... ઘટ્ટ લોહીનો એક કોગળો મોંઢામાંથી નીકળ્યો... જાણે કોઈકે ભારે પ્રેશરથી તેના મગજમાં હવા ભરી દીધી હોય એવો સુનકાર વ્યાપ્યો. સાવ અચાનક થયેલા પ્રહારે તેના ચહેરા ઉપર દુનિયાભરનું આશ્ચર્ય પ્રસરાવી દીધું... તે બેહોશ નહોતો તયો છતા તેની આંખો સામે અંધકાર છવાયો. તેના હાથપગમાંથી જાણે કોઈએ મીજાગરા કાઢી લીધા હોય એમ એક ઝકે તમામ શક્તિ નીચોવાઈ ગઈ અને તે ઢગલો થઈને નીચે પડ્યો... તે ઇચ્છતો હતો કે ઉભો થઈને તે પ્રતિકાર કરે પંરતુ તે સહેજપણ હલી શકતો નહોતો... ભયાનક નિઃસહાયતા અનુભવતો તે હવે પછીની પ્રતિક્રિયામાં નીચે પડ્યો રહ્યો... પણ પ્રેમને તેની આ હાલતની કોઈ દયા આવતી નહોતી. તેની આંખો સામે સુસ્મીતાનો નિઃસહાય અને બેબસ ચહેરો તરવરતો હતો. તેના મનમાં ઝનૂન છવાયુ હતુ... તેણે પોતાનો જમણો પગ ઉઠાવ્યો અને એક જોરદાર પ્રહાર ઉંધેમાથે પડેલા તેજાના પેટમાં કર્યો... તેજાના શરીરે આંચકો ખાધો... તેના મોઢામાંથી મ્...મ્...મ્...મ્.. જેવા અસ્પષ્ટ ઉદગારો નીકળ્યા. ભયાનક પીડાથી તેનો ચહેરો બેડોળબન્યો... પેટન આંતરડા જામે કોઈકે હાથથી પકડીને બહાર ખેંચી કાઢ્યા હોય એવું દર્દ ઉમટ્યુ... તેના મોંમાં, નાકમાં દરિયાની ખારી રેતી છવાણી... કદાચ તે પોતાની સહનશક્તિની તમામ સીમાઓ વટાવી ગયો હતો... બેહોશ થતા પહેલા તેણે પોતાની ગરદન ફેરવીને પાછળ જોવાની વ્યર્થ કોશીષ કરી જોઈ, પરંતુ એ પહેલા તે બેહોશીની ગાઢ નિદ્રામાં સરી પડ્યો હતો...
સુસ્મીતા વિસ્ફારીત નજરે એ નજારો જોઈ રહી. તે ડઘાઈ ગઈ હતી. તેજાની હાલત જોઈને તેને ધ્રુજારી ઉપડી હતી... પ્રેમે તેને તેજાના હાથમાંથી બચાવી એ વાતનો આનંદ થાય એ પહેલા તો તેના નાજુક હૃદયમાં ધ્રાસ્કો પડ્યો હતો... પ્રેમનું અચાનક અહીં હાજર હોવું અને તેજાની હાલત તેના માટે કલ્પના બહારની વાત હતી... તેજાના ફાટી ગયેલા મોં અને તેમાંથી વહેતા લોહીને જોઈને તેના પેટમાં ચૂંથારો થવા માંડ્યો હતો છતા તે એકધારી નજરે તેજાના બીહામણા બનેલા ચહેરાને તાકી રહી હતી... પ્રેમને અહીં જોઈને તેણે રાહત અનુભવી હતી પરંતુ તેણે જે બેરહમીથી તેજાને માર્યો હતો એનાથી તેને ઘૃણા ઉપજતી હતી... કોઈ વ્યક્તિ આટલી ક્રુર કેમ બની શકે... તેણે તેની જિંદગીમાં આવું ભયાનક દૃશ્ય ક્યારેય જોયું નહોતું. બાળપણથી સુંવાળપ અને એશોઆરામમાં તે ઉછરી હતી. તેના જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ આવી નહોતી. આજદિન સુધીમાં કોઈ તેની સાથે ઉંચા સાદે વાત પણ કરી નહોતી... આવી સુંવાળી દશામાં એકધારી રફતારે વહી જતી તેની જિંદગીમાં આ ભયાનક દૃશ્યે ઉથલ-પાથલ મચાવી મૂકી હતી. તે જાણતી હતી કે સામે રેતીમાં જે આદમી પડ્યો છે એ કંઈ સંત નહોતો. જો પ્રેમે તેને પરાસ્ત કર્યો ન હોત તો જરૂર તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હોત. તેની શું દશા થાત એ વિચારતા જ તેને કમકમા આવતા હતા... તેમ છતા એ આદમીની હાલત જોઈને તે ધ્રુજી ઊઠી હતી. તેજાના નાક અને મોંમાંથી નીકળી રહેલા લોહીની સેરોને જોઈને તેના જીગરમાં સળો પડતી હતી... ગમેતેમ પણ પ્રેમે તેને આવી ખરાબ રીતે મારવો જોઈતો નહોતો... તે પ્રેમ ઉપર ધસી, તેણે પ્રેમના બાહુઓ પોતાના બંને હાથે પકડ્યા અને તેને હલબલાવી નાખ્યો, તેની છાતીમાં તેણે મુક્કાઓ માર્યા... “તું રાક્ષસ છે પ્રેમ... તું સાંભળે છે... તું રાક્ષસ છે...” બેફામપણે તે પ્રેમની છાતી ઉપર વાર કરતી હતી. તેની આંખોમાંથી આપોઆપ પાણી વહ્યુ હતુ... પ્રેમે તેને અટકાવી નહીં. તે સુસ્મીતાની સ્થિતિ સમજી શકતો હતો. તે ખામોશ રહ્યો... આખરે સુસ્મીતા અટકી... અને ધસમસતી નદીની જેમ પ્રેમની બાહોમાં સમાઈ ગઈ... પ્રેમ તેની સુંવાળી પીઠ પસવારતો રહ્યો... તેણે તેના લીસા વાળમાં ચુંબન કર્યું. તે ખામોશ હતો. તેના જીગરમાં પારાવાર સુકુન છવાયુ હતુ... તેની સુમી સલામત હતી એનું સુકુન... જો સુસ્મીતાને કંઈપણ થયું હોત તો તે પોતાની જાતને ક્યારેય માફ કરી શક્યો ન હોત. કારણ કે આ ઉપાધી તેણે જાતે વહોરી હતી. સુસ્મીતા તો તેની પાછળ-પાછળ આવી હતી. તેણે સુસ્મીતાની હડપચી નીચે હાથ ટેકવી તેનો ચહેરો ઊંચો કર્યો... અને તેના પરવાળાશા મુલાયમ હોઠ ઉપર એક ચુંબન કર્યું. એ હોઠમાં ગરમી હતી...
“તને મેં હૉટલ પરજ રોકાવાનું કહ્યું હતું છતાં તું અહીં કેમ આવી...?” પ્રેમે તેની ચમકતી આંખોમાં નજર પરોવતા પૂછ્યું.
“તને શું છે...? તને ક્યાં કોઈની ફિકર છે... તારો સ્વભાવ હું જાણું છું. ગમે તે જોખમમાં તું વગર વિચાર્યે કુદી પડે છે અને ઉપાદી બીજાને થાય... તને તારી તો કંઈ પડી નથી પ્રેમ... પણ હવે હું તારી જિંદગી સાથે જોડાઈ છું એટલે તું જ્યાં હોઈશ, હું પણ ત્યાં જ હોવાની સમજ્યો...” સુસ્મીતાએ ગુસ્સાથી કહ્યું. એ ગુસ્સામાં સ્નેહ હતો... “છોડ આ વાતો... પહેલા આને છોડાવ...” સુસ્મીતાએ બૉસ્કી તરફ ઇશારો કરતા કહ્યું અને તે ત્યાં નીચે ગુંચળુ વાળીને આળોટતો બૉસ્કી પાસે પહોંચી. તેણે કહ્યું તો પ્રેમને હુતં પણ તે જાતે જ બૉસ્કીના મોં ઉપર બાંધેલો રૂમાલ છોડવા લાગી હતી. પહેલા તેણે બૉસ્કીના મોંએ બાંધેલ રૂમાલની ગાંટો ખોલી અને પછી તેના હાથ છોડવા લાગી... હજુ તો તે બૉસ્કીના હાથે બાંધેલુ કપડુ ખોલી જ રહી હતી કે અચાનક કોઈકે બેટરીનો પ્રકાશ તેના પર ફેંક્યો... તેં ચોંકીને ઉભી થઈ ગઈ... સુસ્મીતાની જેમ પ્રેમ પણ ચોંક્યો હતો... એ પ્રકાશ સામેની બાજુથી તેના પર ફેંકાયો હતો. ત્યાં કોઈ વ્યક્તિ હાથમાં ટોર્ચ લઈને ઉભી હતી... પ્રેમને બે જ સેકંડમાં પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ હતી અને તેણે ઝડપથી નીચે ઝુકેલી સુસ્મીતાનો હાથ પકડ્યો અને તે જે દિશામાંથી આવ્યો હતો એ દિશામાં ખડકની પાછળ તરફ દોડ્યો... સુસ્મીતા લગભગ તેની સાથે ખેંચાણી હતી... એ બેટરીનો પ્રકાશતેોની સાવ નજદીક હતો...
“સ્ટોપ...” અચાનક કોઈકે રાડ નાંખી... “અધરવાઇઝ આઈ વીલ શૂટ...” અને એક ગોળી સન્ન્.ન્... કરતી પ્રેમના ચહેરાની એકદમ નજીકથી પસાર થઈ ખડકના પથ્થરોમાં ખલાઈ ગઈ. પ્રેમના ચહેરાથી માત્ર બે ઇંચના અંતરેથી જ ગોળી પસાર થઈ હતી. જો એ બે ઇંચનું અંતર ન હોત તો તેની ખોપરીના ફુરચા ઉડી ગયા હોત. ગોળી ચલાવવાળો ખરેખર નિશાનેબાજ વ્યક્તિ હોવો જોઈએ. પ્રેમ પાસે ઊભા રહેવા સિવાય બીજો વિકલ્પ નહોતો. તે થોભ્યો. પણ સુસ્મીતાનો હાથ તેણે પકડી રાખ્યો હતો.
એ ખન્ના હતો... ખન્નાની બરાબર પાછળ હાજી-કાસમ પણ દોડતો આવ્યો હતો. તેની લાંબી દાઢીના વાળ હવામાં કોઈ ધજાની જેમ ફરફરતા હતા. આટલુ દોડવામાં પણ તેને હાંફ ચડ્યો હતો... તે સમજી નહોતો શક્યો કે આ બધી શું ગડમથલ ચાલી રહી છે... તે અને ખન્ના થોડીવાર પહેલા આગળના આયોજન વિશે વિચારી રહ્યા હતા અને તેને અમલમાં કેવી રીતે લાવવું તેની સ્ટ્રેટેજીની ગોઠવણ કરી રહ્યા હતા એ સમયે જોરા, વલીખાન અને તેજાને કંઈક સમજાવી રહ્યો હતો... ખન્નાની એક નજર હાજી-કાસમ ઉપર હતી અને બીજી નજર જોરા તરફ હતી. તેને ફીકર થઈ હતી. થોડીવાર પછી જ્યારે જોરા અને વલીખાન દોલુભાની બોટ તરફ ચાલ્યા ત્યારે તેનાજીવને નિરાંત વળી હતી અને ફરી પાછો તે કાસમ સાથે વાતોમાં જોડાયો હતો... પણ ફરી પાછુ તેનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું અને તેના ચહેરા ઉપર ચિંતા ફરીવળી હતી... અંધારામાં જોવા ટેવાઈ ચૂકેલી તેની આંખો એક કાળા ઓળાને ચૂપકીદીથી તેજા તરફ આગળ વધતો જોઈ રહી હતી. અને... દૂર ક્ષિતિજમાં ફેલાતા જતા આછા અજવાશમાં તેણે તેજાને રેતીમાં ફસડાતા જોયો. તે એ દૃશ્ય જોઈને સ્વાભાવિક રીતે જ એ તરફ દોડ્યો હતો. હાજી-કાસમની પરવાકર્યા વગર તે તેજાની દિશામાં લપક્યો ત્યારે તેના એક હાથમાં ટોર્ચ અને બીજા હાથમાં ગન આવી ચૂકી હતી... તેના મગજમાં અચાનક જ ઝબકારો થયો હતો. વલીખાને હમણા થોડીવાર પહેલા જ તેને કહ્યું હતું કે કોઈક માણસો તેની પાછળ પીછો કરતા આવ્યા છે એટલે ખન્નાને સમજાયું હતું કે આ એ જ માણસો હોવા જોઈએ... ખન્ના પાસે બીજો કોઈ રસ્તો નહોતો. કાસમને વધુ અંધારામાં રાખીને કામ કરવું શક્ય નહોતુ બનવાનું. અને એટલે જ તેણે દોટ મૂકી હતી. તે દોડીને તેજાની નજીક ગયો ત્યારે તેને સ્થિતિની ગંભીરતા સમજાણી હતી અને તેણે અડસટ્ટે જ ટોર્ચના અજવાળામાં ફાયર કર્યો હતો. સાવ અણધાર્યા થયેલા ફાયરીંગના કારમે પ્રેમ અને સુસ્મીતા અટક્યા હતા. ખન્નાએ તેના હાથમાંની ટોર્ચનો પ્રકાશ એ બંનેના ચહેરા ઉપર ફેંક્યો... અનાયાસે તેનું મોં ખૂલ્યુ અને તેની આંખોમાં આશ્ચર્ય છવાયુ. સુસ્મીતાને તે સેકંડના છઠ્ઠા ભાગમાં ઓળખી ગયો હતો પણ તેની સાથે ઊભેલો નવયુવાન તેના માટે અજાણ્યો હતો. સુસ્મીતાને અહીં જોઈને તે ભારે આશ્ચર્ય અનુભવી રહ્યો હતો. તેને કલ્પના આવતી નહોતી કે તે કેમ અહીં આવી છે... “તો... આ લોકો અમારી પાછળ પીછો કરતા આવ્યા છે...” તે મનમાં જ બબડ્યો.
“ખન્ના... યે સબ ક્યા હૈ...?” હાંફતા અવાજે કાસમે ખન્નાને પૂછ્યું. તેની નજર ટોર્ચના અજવાળામાં દેખાતા ખૂબસુરત ચહેરા પર હતી.
“પતા નહીં... મુઝે ભી સમજના પડેગા... ચલો ઇન દોનોં સે હી પુછ લેતે હૈં...” ખન્નાએ કહ્યું અને તે પ્રેમ તરફ વધ્યો...
ૂબરાબર તેજ સમયે ટંડેલ ફરીપાછો ખડક ઉપર ચડ્યો હતો... અને બૉસ્કી સાવધાનીથી સુસ્મીતાએ ઢીલા કરેલા તેના પગે બંધાયેલા દોરડામાંથી છુટવાની કોશીષ કરતો હતો.
પ્રેમ અને સુસ્મીતા બૉસ્કીથી ઘણે દૂર વળાંક વળતા ખડકોના કિનારે ઊભા હતા. ખન્ના અને કાસમ તેની પાસે,તેની સામે ઊભા હતા એટલે બૉસ્કી સ્વાભાવિક રીતે જ પાછળ છુટી ગયો હતો.બૉસ્કીને અહીંથી ખન્ના અને કાસમની પીઠ દેખાતી હતી. ખન્નાએ જ્યારે પ્રેમ અને સુસ્મીતાને પડકાર્યા હતા ત્યારે તેનું ધ્યાન રેતીમાં ટુંટીયુ વાળીને પડેલા બૉસ્કી ઉપર ગયું નહોતું... બૉસ્કી આમ તો સાવ માયકાંગલો, થોડો ઢીલો અને ડરપોક વ્યક્તિ હતો. કામ જાસૂસીનું કરતો હતો પરંતુ સ્વભાવે તે ગભરુ માણસ હતો. તેણે ક્યારેય તેના જીવનમાં એક માખી પણ મારી નહોતી. તેના જોખમી વ્યવસાયમાં તે પોતે ક્યારેય જોખમ ઉઠાવતો નહીં... પરંતુ અત્યારે સ્થિતિ કંઈક અલગ હતી.. એક સંક્ડ તો તેને વિચાર આવ્યો કે ચુપચાપ તે જે સ્થિતિમાં છે એમ જ પડ્યો રહે અને ગમેતેમ કરીને મુકેશ પરમાર સુધી પહોંચી ત્યાંથી પોબારા ગણી લે... પરંતુ... સુસ્મીતાને મુસીબતમાં મૂકીને અહીંથી ભાગી છુટવા તેનું મન માનતુ નહોતુ. તેણે પગનું દોરડુ ઢીુ કર્યુ અને ફંદામાંથી તે આઝાદ થયો... તેણે ખુદની સમજ બહારનો એક ખતરનાક નિર્ણય કર્યો અને અધુકડો બેઠો થઈ ચો-પગા પ્રાણીની જેમ ચાલતો ખન્ના અને કાસમની દિશામાં સરક્યો... આ બાજુ ટંડેલ ખડકના મથાળે પહોંચ્યો હતો અને તે અડસટ્ટે જ આગળ વધતો હતો. તેને કોઈ ચોક્કસ દિશાનું ભાન નહોતું. તે ખડકની પાછલી આંતરીથી આગળ દરિયાના પાણી બાજુની દિશા નક્કી કરીને આગળ વધ્યે જતો હતો. તે ખન્નાઅને પ્રેમ જ્યાં હતા તેની વિરુદ્ધ દિશામાં ભાંખોડિયા ભરતો આગળ વધી રહ્યો હતો... એ તરફ દોલુભાની બોટ લાંગરી હતી. દોલુભાની બોટમાંથી લાકડાના નાના બકસા જેવી પેટીઓ ઉતારવાની કવાયત થઈ રહી હતી. ટંડેલ દોલુભાની બોટની દિશામાં ખડક ઉપર આગળ વધ્યો હતો... પ્રેમ અચાનક તેની પાછળની ગાયબ થયો તેનું ચોક્કસ ફરીપાછો એ ખડકના સમૂહ તરફ ગયો હશે... કારણ કે તે પ્રેમની ફીતરત જામતો હતો. તે જામતો હતો કે પ્રેમ ગમે ત્યારે, ગમે તેવું વર્તન કરી નાખે એવો વ્યક્તિ હતો. એટલે જ તે માત્ર પોતાના અનુમાનના આધારે અહીં આવ્યો હતો... તેને નીચેથી જવાને બદલે ખડક ઉપર ચડીને જવામાં વધુ સલામતી લાગી હતી એટલે તે ખડકો ઉપરથી દૂર નીચે અંધારામાં ચાલી રહેલી ગતિવિધિઓને ધ્યાનથી જોતા આગળ વધ્યો હતો...
***