સત્યના પ્રયોગો - ભાગ-4 - 21 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સત્યના પ્રયોગો - ભાગ-4 - 21

‘સત્યના પ્રયોગો

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૧. પોલાકે ઝંપલાવ્યું

ફિનિક્સ જેવી સંસ્થા સ્થાપ્યા પછી હું પોતે તેમાં થોડો જ સમય વસી શક્યો એ

મને હંમેશાં દુઃખની વાત રહી છે. એની સ્થાપના વખતે મારી કલ્પના એ હતી કે હું પણ ત્યાં જ વસીશ, મારી આજીવિકા તેમાંથી મેળવીશ, ધીમે ધીમે વકીલાત છોડીશ, ફિનિક્સમાં પડ્યો જે સેવા થઈ શકશે તે કરીશ ને ફિનિક્સની સફળતા એ જ સેવા ગણીશ. પણ આ વિચારોનો ધારેલો અમલ તો ન જ થયો. એવું મારા અનુભવમાં મેં ઘણી વાર જોયું છે કે આપણે ઈચ્છીએ કંઈ અને થાય કંઈ બીજુ જ. પણ મેં સાથે સાથે એ પણ અનુભવ્યું છે કે, જ્યાં સત્યની જ સાધના ને ઉપાસના છે ત્યાં આપણી ધારણાઓ પ્રમાણે ભલે પરિણામ ન આવે, તોપણ અણધારેલું આવે તે પરિણામ અકુશલ નથી હોતું ને કેટલીક વેળા ધાર્યા કરતાં વધારે સારું હોય છે. ફિનિક્સમાં જે અણધાર્યાં પરિણામો આવ્યાં ને ફિનિક્સે જે અણધાર્યું

સ્વરૂપ પકડ્યું તે અકુશલ નહોતાં એટલું તો હું નિશ્ચયપૂર્વક કહી શકું છું, વધારે સારાં કહેવાય કે નહીં એ વિશે નિશ્ચયકપૂર્વક નથી કહી શકાતું.

અમે બધા જાતમહેનતથી નીભશું એ ધારણાથી મુદ્રણાલયની આસપાસ દરેક નિવાસીને સારુ ત્રણ ત્રણ એકરના જમીનના ટુકડા પાડ્યા. આમાં એક ટુકડો મારે નિમિત્તે પણ મપાયો. તે બધા ઉપર અમારી બધાની ઈચ્છાવિરુદ્ધ અમે પતરાંનાં ઘર બાંધ્યાં. ઈચ્છા તો ખેડૂતને શોભે એવાં ઘાસમાટીનાં અથવા ઈંટનાં ખોરડાં બાંધવાની હતી. તે ન થઈ

શક્યું. તેમાં વધારે પૈસાનો વ્યય થતો હતો, વધારે વખત જતો હતો. બધા ઝટ ઘરબારવાળા થવાને કામમાં પરોવાઈ જવા આતુર હતા.

સંપાદક તરીકે તો મનસુખલાલ નાજર જ ગણાતા હતા. તે આ યોજનામાં દાખલ

નહોતા થયા. તેમનું રહેઠાણ ડરબનમાં જ હતું. ડરબનમાં ‘ઈન્ડિયન ઓપીનિયન’ની એક નાનકડી શાખા પણ હતી.

બીબાં ગોઠવવાને સારુ જોકે પગારદાર માણસો હતા, છતાં દૃષ્ટિ એ હતી કે છાપું છાપવામાં બીબાં ગોઠવવાની ક્રિયા, જે વધારેમાં વધારે વખત રોકનારી પણ સહેલી હતી, તે બધા સંસ્થાવાસીઓએ જાણી લેવી અને કરવી. આથી જે નહોતા જાણતા તે તૈયાર થયા.

હું આ કામમાં છેવટ લગી સૌથી વધારે ઠોઠ રહ્યો, અને મગનલાલ ગાંધી સૌથી આગળ વધી ગયા. તેમને પોતાને પણ પોતાનામાં રહેલી શક્તિની ખબર નહીં હોય એમ મેં હમેશાં માન્યું છે. છાપખાનાનું કામ કદી કરેલું જ નહીં, છતાં તે કુશળ બીબાં ગોઠવનાર થઈ ગયા ને ઝડપમાં પણ સરસ પ્રગતિ કરી, એટલું જ નહીં પણ થોડા સમયમાં છાપખાનાની બધી ક્રિયાઓ ઉપર સારો કાબૂ મેળવી મને આશ્ચર્યચકિત કર્યો.

આ કામ હજુ ઠેકાણે તો પડ્યું જ નહોતું, મકાનો પણ તૈયાર નહોતાં થયાં, તેટલામાં આ નવા રચાયેલા કુટુંબને મૂકીને હું જોહનિસબર્ગ નાઠો. ત્યાંનું કામ લાંબી મુદતને સારુ પડતું મેલી શકું એવી મારી સ્થિતિ નહોતી.

જોહાનિસબર્ગથી* આવીને પોલાકને આ મહત્ત્વના ફેરપારની વાત કરી. પોતે આપેલા પુસ્તકનું આ પરિણામ જોઈ તેમના આનંદનો પાર ન રહ્યો. ‘ત્યારે હું પણ આમાં કોઈ રીતે ભાગ ન લઈ શકું ?’ તેમણે ઉમળખાભેર પૂછ્યું.

મેં કહ્યું, ‘અવશ્ય તમે બાગ લઈ શકો છો. ઇચ્છો તો તમે આ યોજનામાં જોડાઈ

પણ શકો છો.’

‘મને દાખલ કરો તો હું તૈયાર જ છું,’ પોલાકે જવાબ આપ્યો.

આ દૃઢતાથી હું મુગ્ધ થયો. પોલાકે ‘ક્રિટિક’માંથી પોતાને મુક્ત કરવા શેઠને એક

માસની નોટિસ આપી અને મુદત વીત્યે ફિનિક્સમાં પહોંચી ગયા. પોતાના મિલનસારપણાથી તેમણે સૌનાં દિલ હરી લીધાં, ને કટુંબના જણ તરીકે તે રહી ગયા.

સાદાઈ તેમના હાડમાં હતી એટલે તેમને ફિનિક્સનું જીવન જરાયે નવાઈ જેવું કે કઠિન ન

લાગતાં સ્વાબાવિક ને રુચિકર લાગ્યું.

પણ હું જ તેમને ત્યાં લાંબો વખત રાખી ન શક્યો. મિ.રીચે કાયદાનો અભ્યાસ વિલાયતમાં પૂરો કરવાનો નિશ્ચય કર્યો. એકલે હાથે મારાથી આખી ઑફિસનો બોજો ઊંચકી શકાય તેમ નહોતું. તેથી મેં પોલાકને ઑફિસમાં રહેવાનું ને વકીલ થવાનું સૂચવ્યું. મારા

મનમાં એમ હતું કે તેમના વકીલ થયા પછી છેવટે અમે બન્ને ફિનિક્સમાં જ પહોંચી જઈશું.

* અહીં ‘જોહાનિસબર્ગથી’ને બદલે ‘જોહાનિસબર્ગ’ જોઈએ. અત્યાર સુધીની ગુજરાતી આવૃત્તિમાં આ ભૂલ ચાલતી આવી છે. પહેલેથી અંગ્રેજી તરજુમામાં એ શ્રી મહાદેવભાઈએ સુધારી લીધી હતી.

આ બધી કલ્પનાઓ ખોટી પડી. પણ પોલાકના સ્વભાવમાં એક પ્રકારની એવી સરળતા હતી કે જેની ઉપર તેમનો વિશ્વાસ બેસે તેની સાથે દલીલ ન કરતાં તેના અભિપ્રાયને અનુકૂળ થવાનો તે પ્રયત્ન કરે. પોલાકે મને લખ્યું : ‘મને તો આ જીવન જ ગમે છે. હું અહીં સુખી છું. અને આ સંસ્થાને આપણે ખીલવી શકીશું. પણ જો તમે એમ

માનો કે મારા ત્યાં આવવાથી આપણા આદર્શો વહેલા સફળ થશે તો હું આવવા તૈયાર છું.’

મેં આ કાગળ વધાવી લીધો. પોલાક ફિનિક્સ છોડીને જોહાનિસબર્ગ આવ્યા ને મારી ઑફિસમાં વકીલાતી કારકુન તરીકે જોડાયા.

આ જ સમયમાં એક સ્કૉચ થિયૉસૉફિસ્ટ, જેને હું કાયદાની પરીક્ષાને સારુ તૈયાર થવામાં મદદ કરતો હતો, તેને પણ મેં પોલાકનું અનુકરણ કરવા નિમંત્રણ આપ્યું ને તે પણ જોડાયો. તેનું નામ મેકિનટાયર.

આમ ફિનિક્સના આદર્શને ઝટ પહોંચવાના શુબ ઈરાદાથી હું તેના વિરોધી જીવનમાં વધુ વધુ ઊંડો ઊતરતો જણાયો. અને જો ઈશ્વરી સંકેત જુદો જ ન હોત તો સાદા જીવનને બહાને પાથરેલી મોહજાળમાં હું પોતે જ ફસાઈ જાત.

અમારી કોઈની પણ ધારણા બહાર મારી તેમ જ મારા આદર્શની રક્ષા કેવી રીતે થઈ એ બનાવને પહોંચતા પહેલાં કેટલાંક પ્રકરણો જશે.