Featured Books
શ્રેણી
શેયર કરો

દામોદરે ગઢ બીટલીમાં શું કર્યું

દામોદરે ગઢ બીટલીમાં શું કર્યું ?

દામોદર ગોગદેવ ચૌહાણ સાથે ગઢ બીટલીવાળાને મળવા ગયો હતો એ આગળ આવી ગયું. એને ખાતરી હતી કે ગઢ બીટલીવાળા પાટણને પાધર કરવામાં જેવો તેવો રસ ધરાવતા નહિ હોય. એ ત્યાં ગયો, વૃદ્ધ વાક્‌પતિરાજની આગેવાની નીચે તેણે ત્યાં ઘણા સામંત સરકારો અને રાજવીઓને ભેગા થયેલા જોયા. નડૂલવાળો અણહિલ ચૌહાણ ત્યાં હતો. એના મનમાં હજી દુર્લભસેનનો પક્ષ રમી રહ્યો હતો. અર્બુદપતિ ધંધૂકરાજ પોતાને સ્વતંત્ર માનતા ત્યાં આવ્યા હતા. લાટવાળાને, માલવાનું મહત્ત્વ સમજાતું હતું. પાટણ, એને ખરી રીતે પોતાના ખંડિયા જેવું લાગતું હતું, એટલે એ પણ ત્યાં દેખાયો. કર્ણાટકને તો ભોજરાજાની મહત્તા ઘટાડવા પૂરતો આમાં રસ હતો. ભોજરાજ તરફથી કોઈ આવ્યું જણાતું ન હતું.

દામોદરે અત્યારે તો એક જ વાત વિચારી, સાંભર ભલે બળવાન રહ્યું. માલવા પણ ભલે બળવાન રહ્યું. પણ એ બેમાં કોણ વધારે બળવાન છે, એ સાબિત ન થાય ત્યાં સુધી પાટણ માટે કોયડો હતો. એ બેમાંથી કોને અનુસરે ?

પોતાની નબળાઈ બતાવ્યા વિના ને લડાઈમાં ઊતર્યા વિના આ બંનેને નબળા કરવાનો આ એક રસ્તો હતો. એ બંને વખત કોણ શ્રેષ્ઠ એ સાબિત કરવા આથડે, તો જ પાટણ અત્યારે આ મોટા ઘર્ષણમાંથી બચે. નહિતર આ બધા પાટણને પીંખી નાખવાના અને પાટણ પીંખાઈ જવાનું.

સાંભરનાથ વાક્‌પતિરાજ એક મોટા ઊંચા રૂપેરી સિંહાસન ઉપર બેઠા હતા. એની ધોળી ફરફરતી દાઢીમાં ક્ષત્રિયનો વટ હતો. તે અણનમ રહ્યા હતા. થોડે આઘે નીચે એક આસન ઉપર એનો પાટવી વીર્યરામ બેઠો હતો. એ પણ બહાદુરીમાં પિતાને ટપી જાય તેવો હતો. આસપાસ બધા રાજવીઓનું જૂથ હતું. સરદારો, સાંમતો અને ખંડિયાઓ પણ ત્યાં હતા. દામોદરને ત્યાં આવેલો જોઈને સૌએ એકબીજાના કાન કરડ્યા. દામોદરે તે જોયું ન જોયું કર્યું. રાજવીઓએ પાટણ વિષે થોડો વ્યંગ અંદરોઅંદર કર્યો અને પછી વાક્‌પતિરાજ એને શું જવાબ વાળે છે, એ સાંભળવા માટે એની તરફ દૃષ્ટિ માંડી બેઠા.

એટલામાં વૃદ્ધ વાક્‌પતિરાજ બોલ્યો : ‘તમે પાટણના મહામંત્રીશ્વર ? તમે આવ્યા પણ પાટણના ભીમદેવ તો આંહીં દેખાયા જ નહિ... એ પોતે ક્યાં છે ? ડરી ગયા છે કે શું ?’

દામોદર વાક્‌પતિરાજની વાણીનો અવિવેક ગળી ગયો. તે બે હાથ જોડીને બોલ્યો : ‘મહારાજ તો ત્યાં થરના રણમાં ગર્જનકની પાછળ પડ્યા છે. સાથે રા’ નવઘણજી છે !’

‘એમ ? હવે રહી રહીને પાછળ પડ્યા ? ભગાડીને પછી તો કેડો નથી પકડ્યો નાં ? તમારું ગુજરાતીઓનું ભલું પૂછવું. સગા દીકરાનો વેપાર કરે એ જાત, કાંઈ સોમનાથને કોરો મૂકે ? કાં અણહિલ ચૌહાણ ! કેમ કાંઈ બોલ્યા નહિ ?’

‘એમાં બોલવું’તું શું મહારાજ ? ગુજરાતીઓ તો બધે જાણીતા છે. એ વેપાર કરે ત્યાં તો કીર્તિનો પણ વેપાર થાય !’

‘એમ ? અરે ! કીર્તિના તે કાંઈ વેપાર થતા હશે ?’ ધંધૂકરાજ બોલ્યો. ‘શી વાત કરો છો ?’ એ તો દાન આપ્યે આવે. રણબિરદાવલિ લલકાર્યે આવે. સભામાં વિદ્ધાનોને બોલાવ્યે આવે. પાટણમાં ત્રણે વાત હશે નાં ?’

‘એ તો આ રહ્યા પાટણના મંત્રીશ્વર, પૂછોને એમને !’ વાક્‌પતિરાજ બોલ્યો. બોલીને ડોસો હસી પડ્યો : ‘પાટણની સભામાં ઈન મીન ને સાડા તીન. રણક્ષેત્રમાં આ, અત્યારે ભીમદેવ મહારાજ ખેડે છે તે ? પંદરસો સાંઢણીઓ લઈને બે લાખના ગર્જનકના દળનો સામનો કરવાનો. જેવી તેવી વાત છે ?’

‘પણ હવે લૂંટાણા પછી ભો શેનો ? ગર્જનક, લૂંટનો માલ હોય ને થોડો લડવા માટે ઊભવાનો હતો ? એટલે પાછળ વીરની ધોડ કહેવાય ને બે ય વાત ?’

હાસ્યનું એક મોજું ફરી વળ્યું. અણહિલ ચૌહાણનો ઘા સૌથી આકરો હતો.

દામોદર થોડી વાર સુધી તો આ બધા રાજવીઓની વિડંબના મૂંગે મોંએ સહી રહ્યો. એણે દરેકના ચહેરા તરફ જોયું, દરેકના મનમાં ગુજરાતની ઈર્ષા હતી. ગુજરાતના રાજાની તુમાખી, એનું બાણાવલી બિરુદ, એની અણનમ તાકાત, એની વેપારસમૃદ્ધિ બધાને એ સાલી રહી હતી. બધાને ગુજરાતને રોળીટોળી નાખવું હતું. એ કાં તો માલવાનું. કાં સાંભરનું, બેમાંથી એકનું મંડળ. એનું વળી રાજ શું ? એ વાત બધાના મગજમાં હતી.

વાક્‌પતિરાજે કહ્યું : ‘ભીમદેવ મહારાજ આંહીં આવ્યા હોત તો સામટો સામનો થાત કે નહિ ! આ તો ગર્જનક ભાગી ગયો. લૂંટ લેતો ગયો. અને અમને પણ બધાયને હાથતાળી દઈ ગયો. તમે કહ્યું હતું કે તમે નથી આવવાના, તો અમે સૌ ત્યાં આવત ! કાં પરમાર સાચું ના ?’ ‘સાચું છે મહારાજ ! હવે રંડાણા પછી ડહાપણ શાં કામનું ? ગર્જનક ભાગી નીકળ્યો, એ ભાગી નીકળ્યો !’

‘ને એની પાછળ કોઈ પડ્યું છે ધંધૂકરાજ ! જાણો છો ?’ દામોદર બોલ્યો.

‘ભૈ ! જાણવાવાળા બધું જાણે છે. પણ પાછળ પડીને હવે શું ? આંહીં આવતાં. નાનમ લાગી, એ સાચી વાત કરી નાખો ને મહેતા ! મફતનાં ખોટાં ફીંફાં શું ખાંડવાં’તાં ?’

દામોદર સાંભળી રહ્યો. થોડી વાર કોઈ કાંઈ બોલ્યું નહિ.

‘હવે તમે શું આવ્યા છો ? બોલો ?’

દામોદરે કડક જવાબ વાળ્યો : ‘તમને બધાને ચેતવવા !’

‘અમને બધાને ચેતવવા કરતાં તમે પોતે જ ચેતી ગયાં હોત તો ઘણું હતું !’ વીર્યરામ પાટવીએ કાંઈક તુમાખીથી જવાબ વાળ્યો : ‘અમારે કોઈની ચેતવણીની જરૂર નથી. અમે અમારું સંભાળી લેવાની તાકાત ધરાવીએ છીએ. ગર્જનક આંહીં ફરક્યો પણ નથી, ને આંહીંથી પાછો પણ જઈ શક્યો નથી. તમે તમારું સંભાળો. હજી તો ગઈ કાલની જ વાત છે. મુંજ માલવરાજથી ભાગીને મૂલરાજદેવે મરુભૂમિ શોધી હતી ! અને પાણી પાણી કરતી એમની રાણીને એમ હતું કે મોતીના હારમાંથી પાણી મળશે ! એ વાત સંભારો મહેતા !’

આખી સભા મોટેથી હસી પડી.

લેશ પણ વર્ણભેદન* કે વિવશતા બતાવ્યા વિના જ દામોદર બોલ્યો : ‘વિર્યરામજી ! આપ તો પાટવી છો. આપના ઉપર સાંભરનું રાજ નિર્ભર છે. મારી વાત આવતા જમાનાની છે. આપ જેવા માટે છે. આ ગોગદેવ ચૌહાણ ત્યાં આવ્યા હતા. તેમણે ગર્જનકનો થોડો હાથ જોયો છે. પૂછો એમને. અમે જે કર્યું છે તે ન કર્યું હોય તે ગર્જનક તમને સૌને આંહીં ઊંઘતા રાખી, અત્યારે તો ગીજની ભેગો થઈ ગયો હોત ! આ ગોગદેવ ચૌહાણ કહેશે, કેવા વીર પુરુષો સોમનાથને નામે નીકળ્યા છે !’

‘કેવાક નીકળ્યા છે, ગોગદેવ ?’ વાક્‌પતિરાજ બોલ્યા. ડોસાના શબ્દોમાં ભારોભાર મશકરી હતી.

ગોગદેવને દામોદરે જે વાત કહી હતી તેનાથી તે ડોલી ગયો હતો. ધૂર્જટિ, ધ્રુબાંગ, ધિજ્જટ જેવા નરપુંગવને વીરોના વીરની વરમાળા કંઠે શોભે. તેને એમના પ્રત્યે માન હતું. એમની અવગણના એ સહી શક્યો નહિ. તેણે બે હાથ જોડ્યા : ‘પ્રભુ ! ગર્જનક પાસે અગણિત દળ છે અને...’

‘અલ્યા ! હવે અગણિત ભલેને રહ્યું....’ વાક્‌પતિરાજે એને આગળ વધવા જ દીધો નહિ. વચ્ચેથી ડાંભી દીધો : ‘એવા તારા અગણિતથી તે કોણ ડરે છે ? એવાં તો કૈંક ગણિત ને અગણિત જોઈ કાઢ્યાં ! અગણિત દળ હતું. ત્યારે આ બાજુ કેમ ફરક્યા નહિ ? પાટણવાળા ભીમદેવે હાકોટો કરીને કાઢ્યો હોત તો આંહીં તારાગઢ નીચે, આ ગઢ બીટલીની પાસે, તારો આ ગર્જનક તળ રહી જાત.’

‘પ્રભુ !’ ગોગદેવે એને સમજાવવાનું કર્યું : ‘તમે એ જોયું નથી એટલે, એની પાસે અઢી હજાર તો હાથી છે. આંહીં નહિ, ત્યાં ગીજનીમાં. આંહીં તો

--------------------

*રંગ.

એ ત્રીસ હજારનું સાંઢણીદળ લાવ્યો છે. નાનું મોટું બધું દળ બે લાખે પહોંચે છે. એણે ગંડરાય જેવાની આંગળી કાપી લીધી છે. ત્રણસો ત્રણસો હાથી એની પાસેથી લીધા છે.

‘ઓ હો હો ! તારો ગંડરાય ! એવા તો કેટલાય ગંડરાય આવ્યા ને ગયા. આંહીં સાંભર પાસેથી કોઈ નીકળે નહિ. નીકળે તો જીવતો રહે નહિ. બીજી વાતનાં ગાડાં ભરાય ! કેમ દામોદર મહેતા !’

દામોદર કળી ગયો. જમાનાજૂનો આ માણસ એના સ્વપ્નામાં જ મસ્ત હતો. એણે પોતાના જ ભીમદેવ અને રા’ નવઘણને માંડ માંડ ફેરવ્યા હતા. આને ફેરવવાનું કામ એનું ન હતું. એટલામાં તો પાટવી વીર્યરામ મૂછે તા દેતો બોલ્યો : ‘સાંભરને છોડીને કોઈ ગગો જીવતો જાય તેમ નથી. એ ફરક્યો આ બાજુ ?’

‘આ વખતે એ આ બાજુ આવ્યો નથી. આ વખતે એ બચી ગયો...’ દામોદર વાતને જે વળ આપતો હતો તે હવે આપવા મંડ્યો. આ બીજી કોઈ વાત માને તેમ ન હતા. ‘પણ એ પાછો આવવાનો એ ચોક્કસ !’

‘ક્યારે ?’

‘એ તો દર વરસે નીકળે છે !’

‘તો તો નક્કી કરો. આવતે વખતે આંહીં બધા ભેગા થાય ! ભલે એ આવતો !’ વીર્યરામ બોલ્યો.

‘ને સાંભરરાજ સેન દોરે !’ ધંધૂકે પથરો ગગડાવ્યો. ‘આપણે તમામે આવવાનું. શપથ લઈને જ જુદા પડીએ.’

‘ભલે સેન સાંભરરાજ દોરે !’ દામોદરે ધંધૂક તરફ જાઈને કહ્યું : ‘પણ તમે પરમારરાજ ! તમે બોલ્યા છો, તો માલવરાજ ભોજરાજનું મન જાણતા જ હશો નાં ? એમને પૂછ્યું છે ?’

‘એમાં એમને શું પૂછવું ’તું ?’ અણહિલે કહ્યું. ‘સાંભરરાજ સૌને દોરતા આવ્યાજ છે નાં ?’

‘અમારી એમાં ના નથી....’ દામોદર દેખીતી રીતે ઘણો જ વિનમ્ર બની ગયો. એ જોઈને સૌનું અભિમાન સંતોષાતું લાગ્યું. ‘પણ હમણાં જ સાંભરરાજે પોતે એમને એક વાત સંભળાવી. મહારાજ મૂલરાજદેવ જેવાને પણ પાણી પાણી કરતાં મરુભૂમિમાં રખડવું પડ્યું હતું એ કોના પ્રતાપ ? માલવરાજના પ્રતાપે. અમારે એ જમાનો ફરીને જોવો નથી. માલવરાજ એટલે શું. એ ધંધૂકરાજ ક્યાં જાણતા નથી ?’

દામોદરે વાક્‌પતિરાજને ઉશ્કેરવા માટે જ માલવાની મહત્તા ગાઈ હતી. અને એ પ્રમાણે જ થયું.

ડોસો પોતાના સાથળ ઉપર હાથ ઠબકારતો બોલ્યો : ‘માલવરાજ એટલે શું ? એ શું છે મહેતા ? તમારે મન માલવરાજ એટલે શું છે ?’

‘અમારા મનને કાંઈ નથી. પણ દુનિયા જે માને છે, તેને મોંએ કાંઈ ગળણું બાંધવા જવાના છીએ ?’

‘દુનિયા એટલે કોણ ? અને દુનિયા શું માને છે ?’

‘પૂછો ને આ રહ્યા ધંધૂકરાજ ! એ તમને કહેશે કે આખી દુનિયા બોલે છે, પૃથ્વી પરમારની. ધંધૂકરાજ પોતે જ એમ માનતા હશે !’

ડોસો ગુસ્સે થઈ ગયો. ‘ધંધૂકરાજ પોતે જ એમ માનતા હોય તો રસ્તો ખુલ્લો છે. અમે કોઈને ચોખા ચોડીને બોલવવા ગયા નથી. માલવાને પણ દેખાડી દેવાશે. પૂછો આ વીર્યરામને. કેમ બોલતો નથી, વીર્યરામ ?’

દામોદરે વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું : ‘પ્રભુ ! માત્ર પાટણ નહિ, બધા એમ ઇચ્છે છે, સાંભર એ સાંભર છે. એ જ આંહીં તો સૌને દોરવાની તાકાત ધરાવે છે. માલવરાજનો દાવો હોય, પૃથ્વી પરમારની, તો એક વખત એ સિદ્ધ તો કરશે નાં ?’

‘હવે એ શું સિદ્ધ કરવાનો હતો ? તમે થોડા વખતમાં સાંભળશો કે સાંભરે પોતાનું સ્થાન મેળવ્યું છે.’ વીર્યરામ બોલ્યો. બોલીને એણે તલવાર ઉપર હાથ મૂક્યો : ‘આના બળે !’

‘એ તો સૌ જાણે છે પ્રભુ ! પણ જુઓ પાટવીરાજ ! હું જેજાણું છું તે તમને કહું. આ ગર્જનકને પાછું આંહીં આવવું છે. એક વરસમાં જ આવવું છે. એ હવે આ રસ્તે જ આવવાનો. અમે ને પરમાર સૌ આંહીં સાંભરના નેતૃત્વ નીચે આવીશું. પણ તે પહેલાં જો માલવરાજ સાથે તમારો પ્રશ્ન પત્યો નહિ હોય, તો બરાબર એ કટોકટીને સમે, નાચકણામાં કુદકણું થઈ પડશે. અને તમારી અમારી સૌની આંગળી કાપીને, ગર્જનક કપૂરની કોથળીમાં ગીજની લઈ જાશે. એટલે વખત છે ત્યાં, આપણે વાતની ચોખવટ કરી લ્યો. આ તો મને જે સૂઝ્‌યું તે મેં કહ્યું. બાકી તો તમને સૂઝે તે ખરું.’

‘એ સવાલ તો આમ પત્યો સમજો, દામોદર મંત્રી ! વીર્યરામે વિંધ્યાટવીમાં હાથીદળ ઊભું કર્યું છે. તમે પાટણ પહોંચ્યા નહિ હો ત્યાં વાત સાંભળશો કે માલવાના હાથી ભાગ્યા છે !’ ડોસો રંગમાં આવી ગયો. તેને પોતાના પાટવી ઉપર અચલ શ્રદ્ધા હતી, ‘વીર્યરામ એનું નામ, અમારા જ્યોતિષી આનંદભટ્ટે જોઈને પાડ્યું છે, અમસ્તું નથી પાડ્યું. એ રણમાં ચડે, પછી ભલેને સામે હજાર કુંજર ઊભા હોય. માલવાનું એ માપ કાઢવા જવાનો જ છે !’ દામોદર ખુશ થઈ ગયો. તે મનમાં ને મનમાં બોલ્યો : ‘ત્યાં જજો તો ખરા, બેટમજી ! ત્યાં તો સામે ભોજરાજ છે. નથી મારું ઊગતું પાટણ...’ અને એ જ વખતે એને ખ્યાલ આવી ગયો કે આ પડખે બેઠો છે ગોગદેવ ચૌહામ. તે સોમનાથનો પરમ ભક્ત છે એ ખરું, પણ પરમ ભક્તને પણ આંખો હોય છે. એને રા’ નવઘણજી ને મહારાજ ભીમદેવ સાથે રણમાં અથડાવવાનું મન છે. ને આંહીંથી ત્યાં એને જવા દેવાનો છે, એમ કરીને માંડ સાથે ઉપાડ્યો છે. પણ એ આંહીંનો છે. ત્યાંની આપણી બધી નબળાઈ જાણશે. કોને ખબર છે, રણમાં શું બન્યું ને શું ન બન્યું ?

પાટણની બધી નબળાઈ એ આંહીં આવીને જાહેર કરે એવું શું કરવા થયા જ દેવું ? એને જો આ ભોજરાજને ત્યાં સંદેશો લઈજનાર તરીકે ગોઠવી દીધો હોય તો માથેથી વિઘ્ન જાય ને આપણે વેણ પાળ્યું કહેવાય. દામોદરે ધીમેથી કહ્યું : ‘એવું છે સાંભરરાજ ! એમ ઉડસુડ તમે દોડો એ તમને શોભતું નથી. માલવરાજને ઘણી દિશાઓ સંભાળવાની છે. એટલે વખતે વગર લડાઈએ જ, આ દિશાના તમે સ્વામી, એમ સ્વીકારી લે, તો તમારે લડવું મટ્યું !’

‘પણ આંહીં લડવાથી ડરે છે કોણ ?’ વાક્‌પતિરાજ બોલ્યો : ‘લડવા માટે જનમ લીધો છે !’‘એ વાત નથી સાંભરરાજ ! તમે સંદેશો તો મોકલો. ગર્જનક કે કોઈ આ રસ્તે નીકળે, તો તે વખતે જે સૈન્યો ભેગાં થશે, તેની સરદારી સાંભરરાજ પાસે પરાપૂર્વથી ચાલી આવે છે. આ વાત ને આ ચીત. અને આ ગોગદેવને અમે જોયા છે. એના જેવા અજબ શાંતિવાળાને સમય આવ્યે એવી જ રણહિમ્મતવાળા સંદેશવાહક હોય, તે તમારે વગર લડ્યે જ પતે ! કાં ગોગરાજ ?’

‘જશે નાં ગોગરાજ ?’ વીર્યરામ બોલ્યો.

ગોગરાજ તો ગભરાઈ ગયો. એ તો થરના રણપ્રદેશમાં ભગવાન સોમનાથને લૂંટી જનારાઓની પાછળ ઘૂમી રહ્યો હતો.

‘હા હા, ગોગરાજ જ જશે ! બીજો કોણ જાય ?’

‘અરે ! પણ મહારાજ ! મહારાજ ! હું - હું તો સોમનાથ -’

‘સોમનાથ તું તારે જજે ને, તારે અન્નક્ષેત્ર શરૂ કરવું છે નાં ? આ મહેતા બંદોબસ્ત કરી દેશે, બસ ?’

‘બંદોબસ્ત મારે કરી દેવો, ચૌહાણ !’ દામોદરે કહ્યું. ‘બાકી આ તો કામ એવું મહાન છે, એટલે મને લાગ્યું તે મેં કહ્યું. વિચારવાનું તો મહારાજને. એ જે ધારે તે !’

ગોગરાજને દામોદરનો ઉપકાર ભયંકર લાગ્યો. પણ તે કાંઈ બોલી શકે તેમ ન હતો. તરત ત્યાં નિર્ણય લેવાઈ ગયો. વીર્યરામ અને વાક્‌પતિરાજ સમજ્યા કે પાટણવાળો તો આપણામાં છે, પણ માળવાથી ડરે છે એટલે આવતો નથી. માળવાનું પતે પછી એ ક્યાં જવાનો હતો ?

ગોગરાજને તૈયારી કરવાનું કહ્યું. દામોદરે ભીમદેવ વતી પોતાની મદદની ખાતરી આપી.

‘એક વાત છે મહારાજ ! કદાચ રસ્તે એને ભયંકર યાતના નડે તો વખતે પાછો ન આવે !’

‘એને શી યાતના નડવાની હતી ?’ વીર્યરામે જવાબ વાળ્યો : ‘સોમનાથને તમે લૂંટાઈ જવા દીધા, એટલી બધી લૂંટ ભાળી ગયો એ હવે પાછો આવ્યા વિના રહે ખરો કે ? હવે તમારું જૂનોગઢનું રા’ અને પાટણનું દળ, એ તે કેટલું બળ કરવાના હતા ?’

દામોદરે આમને એમના સ્વપ્નામાં જ મસ્ત રહેવા દેવામાં સહીસલામતી જોઈ. તેણે જાણીજોઈને ધૂર્જટિની વાત ન કરી. ગોગદેવ ફરી ઉખેળવા માગતો હતો, પણદામોદરે તેને નિશાની કરી દીધી. તે ચૂપ રહી ગયો.

દામોદર સભામાંથી પાછો ફર્યો. સાંભરરાજ માલવાને સંદેશો મોકલવાની તૈયારીમાં પડ્યા હતા. ધંધૂકરાજ મૂંઝાઈ ગયો હતો. એને પરમારની મુખ્ય શાખા, ભોજરાજનું મહત્ત્વ માન્યા વિના છૂટકો ન હતો. નડૂલને ચિંતા થઈ પડી કે વખતે માલવા સામે જ જવાનો હવે વખત આવે. લાટવાળો, જલદી ઘર સંભાળી લેવાના મતનો થઈ ગયો હતો. આ બ્રાહ્મણે આવીને ડોસાની મતિ ફેરવી નાખી હતી. ને વીર્યરામ તો હતોજ ગાંડી શૂરવીરતાનો સ્વામી. ભોજરાજ જેવા ભોજરાજ સામે વળી કોઈ યુદ્ધ કરતું હશે ? પણ હવે શું થાય ? આંહીં તો વીર્યરામ સંદેશો ઘડી રહ્યો હતો !

પણ એ બધાના કરતાં ખરી ચિંતા તો ગોગરાજ ચૌહાણને હતી. દામોદરે તો એની મહત્તા વધારી હતી. એટલે એને કાંઈ કહેવું મુશ્કેલ હતું. અને આજ્ઞા પ્રમાણે તો નીકળવું પડે જ. માટે તાત્કાલિક કોઈને કહ્યા વિના એ ઊપડી જાય તો જ સંઘમાં જવાય તેમ હતું.

છેવટે એની સોમનાથભક્તિ, ધૂર્જટિ, ધ્રુબાંગ, ધિજ્જટની દામોદરે સંભળાવેલી વીરકથા, એ વધારે ડોલાવનારી નીકળી.

અરધી રાતે એ એકલો કોઈને કહ્યા વિના, દામોદરને પણ ખબર આપ્યા વિના, ધરના રણ ભણી ચાલી નીકળ્યો.

એની માન્યતા હતી. કે એ રા’ નવઘણના દળને મળશે.

પણ એના ભાગ્યમાં પંડિત ધૂર્જટિને મળવાનું હતું. એ એ પ્રમાણે જ થયું. એણે સાચવેલી એની, રાખોડી, એ એને માટે મૂલ્યવાન થઈ પડી.