રા નવઘણની રામકી Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રા નવઘણની રામકી

રા* નવઘણની રામકી

ધૂર્જટિ રેતના ધોરા જોઈને જ, ધ્રુબાંગજી શું કરશે તે સમજી ગયો હતો. એ ધોરો એટલે શું, એ એનાથી અજાણ્યું ન હતું. એનાં ભયંકર પોલાણને જાણવાવાળા જાણે છે. એના ઉપર પગ જેણે મૂક્યો. એ થોડી વારમાં ગયો ! એક જ પળ - અને એ માણસ જાણે કોઈ દિવસ હતો જ નહિ ! એ કરુણ કથાની ભવ્યતા પણ એણે આંહીં નિહાળી. એને પણ સ્વેચ્છાથી વરનારા નીકળ્યા હતા ! આ ધ્રુબાંગજી અને ધિજ્જટજી રા’નવઘણના બહાદુર સોમનાથી દ્વારપાલો ! ભગવાન સોમનાથના ભક્તો ધ્રુબાંગજી ને ધિજ્જટે જેવા પોતાની સામે હાથ જોડ્યા ને એ અદૃશ્ય થવા લાગ્યા કે તરત ધૂર્જટિ વાતને સમજી ગયો. હવે રાણકી કોઈને હાથ ન જાય એ જોવાનું હતું એક પળના વિલંબ વિના એ તરત મૂઠીઓ વાળીને ત્યાંથી દોડ્યો જ ગયો.

પહેલાં તો એને એમ હતું કે પોતે જ્યાં હતો ત્યાં જ જાય. પણ એને તરત યાદ આવ્યું કે રાણકી જેવી રાણકીને, હવે ગર્જનકનાં માણસો રેઢી નહિ મૂકે. તિલક આવી ગયો તેમાં પણ એને એ જ ભેદ લાગ્યો હતો. સવારે એનો શિરચ્છેદ થાય તે પહેલાં એ રાણકીને હાથ કરી લેવાના. તે એકદમ પોતાના તંબુના છેક પાછળના ભાગમાં જ્યાં ટોડડી*ની વરધ રહેતી હતી તે તરફ દોડ્યો ગયો. પેલા ચોકીદારો એમના અચરજમાંથી જાગીને દોડતા પાછા ફરે તે પહેલાં, ધૂર્જટિને કામ પતાવવાનુંહતું. તે પાછા ફરશે કે તરત પહેલું કામ એની પોતાની તપાસનું જ હાથ ધરશે. એને લાગ્યું કે હવે તંબુ તરફ તો જવું

----------------

*સાંઢણી

જ નહિ. સદ્‌ભાગ્યે સુલતાનની છાવણીમાં ઠીક ઠીક ગાંડા* થયા હતા. તે અત્યારે પણ ઊભા થઈ થઈને વખતોવખત બૂમો મારતા નીકળી પડતા હતા. એટલે પોતે પણ જો કોઈ એવા ગાંડાનો દેખાવ કરે તો કામ નભી જાય તેવું હતું. પણ એને રાણકી હાથ કરવી હતી. હજી એના પર જોઈએ તેવો જાપ્તો આવ્યો નહિ હોય. એને એક બીજો વિચાર આવ્યો. એ તરત રેતપટમાં લાંબો થઈને સૂઈ ગયો. અને ઘસડાતો ઘસડાતો આગળ વધ્યો. પોતાના પાછલા ભાગમાં જ્યાં સાંઢણીઓની લંગર રહેતી હતી તે તરફ એ ગયો. એણે લીધેલો માર્ગ પાછળનો હતો ને લંબાણવાળો હતો. ઘણી વાર થતી હોય તેમ તેને લાગ્યું. એ એવી રીતે કેટલી વાર સુધી પેટે ઘસડાતો ગયો તેનું તેને કોઈ ભાન રહ્યું નહિ. કોઈ ચોકીદાર દેખાય, કોઈ અવાજ કરે, જરાક પ્રકાશ દેખાય. થોડો પડકાર થાય, કે તરત એ રેતીપટમાં લાંબો થઈને ગુપચુપ પડ્યો રહેતો. પછી આગળ વધતો. ધીમે ધીમે પાછળના ભાગમાં જ્યાં સાંઢણીઓની લંગર હતી ત્યાં તે આવી પહોંચ્યો. રાણકી કઈ બાજુ રહેતી તે એને ખબર હતી. તે તેની તરફ ગયો.

તે પેટે ઘસડાતો આવતો હતો ત્યારે, કોઈકનું ખંજર રસ્તામાં પડેલું તે એના પેટ સાથ ભટકાયું. તેણે તે તરત લઈ લીધું અત્યારે એ ખંજર એની પાસે હતું. એને પહેલો ભયંકર વિચાર એ આવ્યો કે સાંઢણીને ગળે ખંજર મારી દઉ ! કોઈ હિસાબે એને કોઈને હાથ તો ન જ જવા દેવાય. એમ જો એ જાય, તો એનું બધું કર્યું કારવ્યું ધૂળ થાય. તે વિચાર કરતો કરતો, રાણકી પાસે સરતો સરતો ગયો.

રાણકી રેતીપટ સરખી લાંબી ડોક કરીને ઊંઘતી પડી હતી. પંડિતનો હાથ અડતાં તે હાથની ભાષા તરત કળી ગઈ. તે તરત જાગી ગઈ, એણે જિંદગીમાં રા’ની સાથે રખડવામાં કૈંક રંગો જોયા હતા. અને સિંધનાં રણમેદાનો એને તો જનમભોમકા જેવાં હતાં. પોતાના આ જાનવરને આંહીં આવવા દેવામાં રા’એ કેટલી યાતના ભોગવી હશે, તેનો ખરો ખ્યાલ ધૂર્જટિને હવે આવ્યો. ધૂર્જટિ ત્યાં થોડી વાર બેઠો. તે વિચાર કરી રહ્યો, શું કરવું ? રાણકીને મારી

---------------------

*ઇલીવટ ।। ૪૭૫. ફેરીસ્તાની નોંધ

નાખવી ? અરર ! પહેલી વખત એને અરેરાટી થઈ ગઈ. તેને એક ખાતરી હતી, એ રાણકી ઉપર ઊપડે, પછી કોઈ એને આંબી રહ્યો !

તેણે હાથતાળી દઈને ભાગી જવાનો વિચાર કર્યો. હજી આ રાણકી ઉપર સખત ચોકીપહેરો મૂકવા માટે પેલા ચોકીદારો પાછા ફર્યા હોય તેવું લાગ્યું નહિ. રાણકી રા’ની હતી. રા’ જે રીતે વર્ત્યો હોત તે પ્રમાણે વર્તવામાં ઔચિત્ય હતું. રાણકીની આસપાસમાં ક્યાંક એનું કાઠું પડ્યું હોવું જોઈએ. એણે થોડો બીજો સામાન આસપાસમાંથી મેળવી લીધો. કાઠું મૂક્યું. પોતે રાશ હાથમાં લીધી. સાંઢણી ઉપર ચડી બેઠો. રાણકી તો એ બેઠો કે તરત ઊભી થઈ ગઈ. રાણકી ઊભી થઈ ગઈ પછી હવે એક પળ ગુમાવવાની ન હતી. કોઈ ને કોઈ ચોકીદારની દૃષ્ટિ હવે પડ્યા વિના નહિ રહેવાની.

રા’ નવઘણની રાણકી એટલે શું એનો ખ્યાલ આપી દેવો એ વિચાર ધૂર્જટિના મનમાં અત્યારે પ્રબળ બની ગયો હતો. રેતીના રણમેદાનમાંથી હાથતાળી દઈને ભાગીજવું એમાં જ રાણકીનું ગૌરવ હતું ! એને લાગ્યું કે એણે આ સાંઢણીની, એની છેલ્લી યશગાથા, ખોવરાવવી નહિ. એ પણ વીર હતી. એને એનું વીરત્વ હતું. એ વીરત્વની કસોટી કરાવવામાં એનું ગૌરવ હતું. એને ગુડી નાખવી એ નિર્બળતા હતી. ધૂર્જટિ તરત ઊપડ્યો. હવે કાંઈક ભળભાંખળું થવા આવ્યું હતું. ઘણા જાગી ગયા હતા. એક સાંઢણી ઉપર ત્રંબાળું વાગતું હતું. સૈન્યને તૈયાર થવાની એ નિશાની હતી. ધૂર્જટિએ રાણકીને ઉપાડી. આવા દરેક સમયની જાણકાર રાણકી ઊપડી કે તરત પંખીનો વેગ પકડ્યો.

ધૂર્જટિ વેગમાં ઊપડ્યો. તેને ખાતરી હતી. તેની પાછળ સેંકડો સાંઢણીઓ છૂટવાની. એને બે પળમાં ઘેરી વળવાની. જે વખત એને મળ્યો તે એનો. પણ એના મનમાં એક જ વાત થર ખરી ગઈ હતી. રા’ નવઘણની રાણકી એ રામકી. એમ આંહીં, એક વખત તો ડંકો વાગી જવો જોઈએ. પછી ભલે દેહ ગમે ત્યાં પડે. ને રાણકીને પણ ગુડવી પડે. તેણે ખંજર બરાબર સંભાળી લીધું. એટલામાં એણે સાંઢણી ઉપર વાગતા ત્રંબાળાની સાથે સુલતાનનો હુકમ સાંભળ્યો. આખા સૈન્યને જાહેરાત થતી હતી : ‘આ મુલક ઓમરાસોમરા પાસેનો છે. આંહીં રેતપટમાં મહેલો દેખાશે. મહેલાતો દેખાશે. બાગબગીચા, વાડીવજીફા નજરે પડશે, એ તમામ ખોટી વાત માનવી. ખુદાએ સરજેલો મીઠો મહેરામણ તો આપણી આગળની કૂચમાં રસ્તા ઉપર આવી રહ્યો છે. જેટલી બને તેટલી ઝડપથી આપણે આગળ વધો. ખુદા આપણી સાથે છે. આગળ મીઠો મહેરામણ છલકાય છે ! આજે જ આપણે પાણી દેખવાનું છે !’

ત્રંબાળાના અવાજ સાથે જ સૈન્યમાં હિલચાલ વધી ગઈ હતી.

અને તે વખતે ત્યાં ફરી રહેલા તિલકની દૃષ્ટિ, એક ભાગી જતી જેવી જણાતી સાંઢણી ઉપર પડી.

તે એક પળમાં સમજી ગયો. રા’ની સાંઢણી ઉપર પેલો પૂજારીનો છોકરો ભાગી રહેલો હોવો જોઈએ. એટલામાં તો પાછા ફરી રહેલા ચોકીદારોએ પેલા બંને રેતપટમાં દટાઈ ગયાની અજબ જેવી વાત કહી. તેણે એક પળના પણ વિલંબ વિના હુકમ કર્યો.

એક સાથે સો સાંઢણીઓ તૈયાર થઈ ગઈ. પૂજારીનો છોકરો ભાગતો લાગે છે. તેને ઘેરો. પણ જોતજોતામાં રાણકી તો અદૃશ્ય થઈ ગઈ હતી.

સો જેટલી સાંઢણીઓ એને ઘેરવા માટે ચારે તરફ ઝપાટાબંધ ઊપડી.

રેતમેદાન ઉપર દૃષ્ટિ જતાં સૈનિકોમાં પણ મોટો કોલાહલ થઈ ગયો.

‘એ જા...ય !’ એમ હજી વાત થાય છે, ત્યાં તો જેમ ગગનમાં પંખી અદૃશ્ય થઈ જાય, તેમ રણમેદાન વીંધતી રાણકી ઊપડી ગઈ હતી ! સૌ જોઈ જ રહ્યા.

ધૂર્જટિને ખાતરી હતી કે રાણકી આજે પોતાનો રંગ બતાવવાની છે. એનું ગૌરવ જરા પણ હીણું ન પડે, એ જોવાનો એનો પણ નિશ્ચય હતો.

રસ્તામાં એક ઠેકાણે એ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. તે છાવણીથી થોડે જ દૂર. એની નજર એક માણસ ઉપર ગઈ. અને એ આશ્ચર્યચકિત થઈ ગયો.

રણના એ અફાટ મેદાનમાં સુલતાન મહમૂદ ગીજની ખુદાની બંદગી કરી રહ્યો હતો.

રાણકી તેની પાસેથી પસાર થઈ ગઈ. પણ ન એ સુલતાનની બંદગીમાં ફેર પડ્યો, ન એને લેશ પણ એની અસર થઈ.

પંડિત ધૂર્જટિ એ દૃશ્ય જોઈને છક્ક થઈ ગયો. એને પહેલી વખત સમજાયું કે ગર્જનક ખુદાઈ પ્રકાશમાં માનનારો અજબ જેવો આદમી હતો. તેની અપાર ધીરજ ત્યાંથી જન્મી હતી. તેની લેશ પણ ન ડગતી શાંતિ ત્યાંથી જ આવી હતી.

આટલાં સંકટોને તરીજવાની એનામાં તાકાત હતી. ધૂર્જટિને લાગ્યું કે એ પોતે રસ્તો શોધવા માટે જ નીકળેલો હોવો જોઈએ. આવો માણસ ગમે તે દેશનો હોય, ગમે તે કોમનો હોય, પણ એ વીર છે. એની વીરતા ગમે ત્યાંથી સમૃદ્ધિ લાવે જ લાવે.

પણ ધૂર્જટિને તો ઉતાવળ હતી. અને રાણકી જાણે એના મનની ભાષા જામતી હોય તેમ પૂર વેગમાં ઊપડી હતી. ધૂર્જટિ આગળ જઈ રહ્યો હતો. એની પાછળ સો સાંઢણીઓ પડી હતી. દરેક સાંઢણીવાળો તેને પહોંચવા આકાશપાતાળ એક કરી રહ્યો હતો. રેતરણનાં લાખો ગજ લાંબા-પહોળાં અફાટ મેદાનો, આ દોડને જોઈ રહ્યાં હતાં.

રામકી જળના રેલાની માફક જઈ રહી હતી. એણે ક્યારે પગ મૂક્યો. ક્યારે ઉપાડ્યો, ક્યારે એ હવામાં ઊડી, ક્યારે નીચે આવી, એમાંનું કાંઈ કહેતાં કાંઈ નજરે દેખાતું જ ન હતું. દેખાતું હતું. કેવળ હવામાં જાણે હવાપંખી હોય એવું એનું ઊડતું હાડપિંજર. એ હાડપિંજર રહ્યું જ ન હતું. જાણે હવાનો ગબારો હવામાં જતો હોય એમ રા’ ની રાણકી જઈ રહી હતી.

એની આ અનુપમ જીવન-મરણ દોડને જોનારો કોઈ જ સાક્ષી ત્યાં ન હતો. રાણકીની ખરી ભવ્યતા તો ત્યાં હતી.

આ પ્રમાણે એ અફાટ રણમેદાનમાં એક સો સાંઢણીવાળાઓને હંફાવનારી રાણકીની આ દોટ જો કોઈ જોઈ ગયો હતો, તો એ જીવનભરનો કવિ બની ગયો હોત. પણ રેતનાં કણોને હૃદય હોતું નથી. અને રણવગડાનાં ફૂલોને કાવ્ય મળતાં નથી.

એક તીર ફેંકી શકાય એટલા અંતરમાં જો રાણકીને આમાંની કોઈ પણ સાંઢણી પહોંચી જાય, તો એ દોટનો ત્યાં જ અંત હતો. પણ રાણકીએ જે ગતિ પકડી હતી તેમાં લેશ પણ ફેર પડ્યો ન હતો. ધૂર્જટિને ત્યાં બેઠાં, આજે પહેલી વાર જીવનમાં અનુભવ મળ્યો કે જૂનાગઢના રા’ રાજ કરતાં પોતાની સાંઢણીને શા માટે વધુ મૂલ્યવાન માનતો હતો. એ રાણકીના આજના રંગમાં આવી ગયો હતો. એ પડકાર ફેંકતો ને પડકાર ઝીલતો આગળ ને આગળ વધી રહ્યો.

એવી રીતે આ દોટ ક્યાં પૂરી થાત એ કહેવું મુશ્કેલ હતું. એ કેવી રીતે પૂરી થાત એ કહેવું મુશ્કેલ હતું. પણ કુદરતની એક ખૂબી છે, એ જેમ ફૂલો સરજે છે, તેમ કાંટા પણ આપે છે. ઋતુ બે ઋતુની એની લીલા ક્યારેક કુકાવ્યો સમી હોય છે ! એને કેવળ કાવ્યો ગમતાં નથી, એને કુકાવ્યોનો પણ રસ હોય છે !

એવું એક કુકાવ્ય એણે આજે સરજ્યું હતું. આજે એ રેતમાં થોડો વરસાદ વરસી ગયો હતો. અને ઉપરવાસ ભારે વરસાદ પડ્યો જણાતો હતો. વરસાદ પડે કે તરત છલકાઈ જવા માટે ટેવાયેલાં કેટલાંક તળાવડાં ત્યાં હતાં, તેમાં પાણી વહેતાં હતાં. એવું એક તળાવડું ત્યાં રસ્તામાં આવ્યું. તેમાં સાંઢણીના પેટને અડે એટલાં પાણી ભર્યાં હતાં. પણ ખારાં હતાં. અને નીચે કાદવથી ચીકણાં બન્યાં હતાં.

હવે કસોટી આવી. પાછળ માર માર કરતી સાંઢણીઓ આવતી હતી, ધૂર્જટિને ઘેરવા માટે. તેમાંની કેટલીકે દિશાઓ પણ બદલી હતી.

રાણકી એક પળ માત્ર થોભી અને પછી કાંઈ ન હોય તેમ તેણે પાણીમાં ઝુકાવ્યું. ઝપાટાબંધ એ આગળ વધી. પણ તળાવડામાં તે અરધે પહોંચી ન પહોંચી ત્યાં પાછળ પડેલી સાંઢણીઓ આવી ગઈ. પણ તેમાંથીજેવી એક આગળ વધી, પણ પાંચ પચીસ ડગલાં પાણીમાં મૂક્યાં કે તરત જ એ ફસકી પડી. સાંઢણી સવાર પાણીમાં જઈ પડ્યો. સાંઢણી પોતે ત્યાં ચત્તીપાટ થઈ ગઈ.

પાછળની બધી લંગર ત્યાં ઊભી રહી ગઈ. તળાવડામાં પગ મૂકવાની કોઈની હવે હિંમત ન હતી. ધૂર્જટિને રાણકીની આ ચાલ જોતાં ખાતરી થઈ ગઈ કે એ હવે નીકળી ગયો છે.

પણ એ સામે પાર પહોંચ્યો ન પહોંચ્યો, ત્યાં સામેનાં સૂઈનાં માથાં-ઊંચા ઘાસમાંથી એક તુમુલ અવાજ ઊઠ્યો.

રામકી ચમકી ગઈ. શું હતું તે ઘડીભર ધૂર્જટિ પણ જાણી શક્યો નહિ. એની પાછળના તો ક્યાંય પડ્યા હતા.

પણ તેણે ત્યાં દૃષ્ટિ કરી અને એ સમજી ગયો. સુલતાનના થોડા પાછળ રહી ગયેલા સૈનિકો આંહીં પડ્યા હતા. તેમણે ધૂર્જટિની દોટ જોઈને જ આ કોઈ ભાગેડુ છે એ અનુમાન કર્યું હશે. અને એ પાસે આવતાં જ, મોટો અવાજ કરીને એ સામે આવી ગયા હતા. તેમના તુમુલ અને ભયંકર અવાજના પડઘાથી તળાવડાના સામે કાંઠે રહેલાઓ પણ ચોંકી ગયા. પોતાના જ કોઈ છે એ ખાતરી થતાં, એમણે મોટેથી અવાજ કર્યો ને સાંઢણી રોકી લેવા બૂમાબૂમ કરી.

ધૂર્જટિને હવે એક પળ પણ વિચારવાની વેળા ન હતી, એક જ પળ - અને એની સાંઢણી, એની રાણકી, રા’નવઘણની જીવનજ્યોત, જૂનાગઢના સિંહાસનની ગૌરવગાથા, સોરઠની રાણી, કોઈકના હાથમાં પડીને, હમેંશને માટે ઇતિહાસમાં એક કલંક સમાન રહી જવાની હતી. એક જ પળની દયા, એક જ પળની નબળાઈ, એક જ પળનો અનિશ્ચય, અને એ રા’નું ગૌરવ રોળીટોળી નાખતો હતો. રાણકીના ગૌરવને ટાળી દેતો હતો. ભીમદેવ મહારાજની કીર્તિકથાને કાળી ટીલી કરતો હતો. ચૌલાદેવીની અનુપમ કલ્પનાની રાખોડી કરી નાખતો હતો.

વધુ વિચારવા માટે તે થોભ્યો જ નહિ. તેણે ઝડપથી ખંજર કાઢ્યું. નિર્દયતાથી ઊંચું કર્યું. ભયંકર ક્રૂરતાથી, રાણકીના ગળામાં ઘચ ઘોંચી દીધું. એટલી જ ભયંકર રુદ્રલીલાથી એ પાછું ખેંચ્યું. પાછું ઘોંચી દીધું. ઘચ, ઘચ, ઘચ એણે રાણકીના ગળા ઉપર સાત-આઠ ઘા મારી દીધા. રાણકી ત્યાં પાણીના છીછરા ખોબોચિયામાં ઢળી પડી. ધૂર્જટિ કૂદીને જમીન ઉપર આઘો ઊડી પડ્યો. રાણકીએ ધૂર્જટિ સામે જરાક જોયું, એમ ધૂર્જટિને લાગ્યું. પંડિતની આંખમાં અદૃશ્ય આંસુ આવી ગયાં, પણ તેણે તરત એને બે હાથ જોડીને નમવા માટે, હાથમાંનું ખંજર પણ પાણીમાં ફેંકી દીધું. તે બે હાથ જોડીને રાજની મહારાણી જેવી મહારાણીને નમી રહ્યો.

અને એ જ વખતે એના ઉપર ચારે તરફથી તીરોનો વરસાદ વરસવા માંડ્યો. એક તીર એના ગળામાં પેસી ગયું. લોહીની ધારા ઊડી. રાણકીના શોણિતને મળવા જતી હોય તેમ તે શરીર ઉપરથી નીચે રેલાઈ રહી.

ધૂર્જટિ એ જોઈ રહ્યો. એના વદન ઉપર એક અજેય સ્મિત ફરક્યું ન ફરક્યું, અને તરત એનો દેહ ત્યાં ઢળી પડ્યો.

જે વખતે પંડિત ધૂર્જટિએ, ભચ ભચ ભચ એમ નિર્દયતાથી પોતાની સાંઢણીને ગુડી નાખી ત્યારે એ દૃશ્ય જોનારો એક માણસ ત્યાં ઊભો હતો. તળાવડા અને નાળાને કાંઠે ઊગેલા ઉપરવાસના માથોડા ઊંચા સૂઈઘાસમાં એક ઠેકાણે, સુલતાનનાં આટલાં બધાં માણસોને જોઈને એ ઊભો રહી ગયો હતો. તેણે પોતાની સાંઢણી ત્યાં ઝોકારી દીધી હતી. એણે અનુમાન કર્યું કે સુલતાનનાં આ માણસો મુખ્ય સૈન્યથી ગમે તે કારણે પાછળ રહી ગયેલાં હોવાં જોઈએ. એ રસ્તો શોધી રહ્યાં હતાં ત્યાં આ ભાગેડુને જોયો. ને એની પાછળ પડેલાં પોતાનાં જ માણસો જોયાં. તે તરત સમજી ગયાં કે કોઈકે હાથતાળી દીધી છે. એમણે એને ચાળણીની માફક વીંધી નાખ્યો.

પેલા માણસે ધૂર્જટિનું શરીર ચાળણીની માફક વીંધાઈ જતું જોયું. એમાંથી લોહીની શેરો વહી રહી હતી. એકદમ દોડીને તેની વહારે જવાનું તેને મન થયું. પણ એ કોણ હોય, અને ગર્જનકનાં માણસો ઘણાં વધારે હતાં. થોડી વારમાં તો એ બધા નીચે ઢળી પડેલા ધૂર્જટિની મશ્કરી કરતા, અને તેના ઉપર ખોબો ભરી ભરીને રેત નાખતા ચાલ્યા ગયા. તળાવડું ઓળંગવાની કોઈની હિંમત હવે ચાલે તેમ ન હતી. એટલે, લાંબે પંથે નળાને ક્યાંક ઓળંગવા માટે એ આગળ વધી ગયા. દૂર દૂર સામે કાંઠે ઊભેલાં માણસો એમને હજી બોલાવી રહ્યાં હતાં. તે તેમની સાથે થઈ જવા માટે ચાલી નીકળ્યા. એ બાજુથી હજી અવાજો આવી રહ્યા હતા. પોતે રસ્તો શોધી શકશે એ આશાએ બધા મસ્તીમાં આવી ગયા. તે ગેલ કરતા ને પોતાનાં પહાડી ગીતો લલકારતા આગળ નીકળી ગયા.

એમને ઠીક ઠીક આગળ નીકળી ગયેલા જોઈને, માથોડાં ઊંચાં સૂઈઘાસમાં સંતાયેલો પેલો માણસ, સંતાતો સંતાતો બહાર આવ્યો. વીંધાયેલા ને નીચે ઢળી પડેલા ધૂર્જટિની પાસે એ આવ્યો. તેનામાં જરા જરા જીવ હોય તેમ તેને જણાયું. એણે એને ઓળખ્યો નહિ. પણ કોઈ ગુજરાતનો છે તે જોઈને. પેલા માણસે કાન પાસે મોટો અવાજ કરીને એને પૂછ્યું : ‘તમારું નામ ? નામ શું ? ક્યાંના છો ?’

પંડિત ધૂર્જટિએ જરાક આંખ ઉઘાડી. પણ તે તરત પાછો આંખ મીંચી ગયો. તેણે વેદનાથી માથું એક તરફ ઢાળી દીધું. તેના શરીરમાંથી ઘણું લોહી વહી રહ્યું હતું. તે બેશુદ્ધ જેવો, અચેતન થઈ જતો હતો.

‘તમારું નામ શું ? નામ તો કહો !’ પેલાએ હતું તેટલું જોર કરી બૂમ પાડી.

‘ધૂર્જ....’ ‘ટિ’ એટલું પંડિત બોલી શક્યો નહિ. એણે બે હાથ જોડવા પ્રયત્ન કર્યો. પણ એટલામાં એના હોઠમાંથી એક ‘ફૂ’ થઈ ગયું. એનો જીવ ઊડી ગયો. ખાલી ખોળિયું પડ્યું રહ્યું.

ગોગદેવ ચૌહાણ, પેલો માણસ ગોગદેવ ચૌહાણ જ હતો, ધૂર્જટિનું નામ સાંભળીને ધ્રૂજી ગયો. એને અરેરાટી થઈ ગઈ. તેણે આ મહાન કાશ્મીરી પંડિતની કેટલી બધી પ્રશંસા દામોદર મહેતા પાસે ગઢ બીટલીમાં સાંભળી હતી ? એ પંડિત અત્યારે આ પ્રમાણે આંહીં ઢળી પડ્યો એ જોઈને એને અપાર શોક થયો. એ જે કામ માટે નીકળ્યો હતો. તેમાં તેણે દેહ ઢાળી દીધો. ગોગદેવ એની સામે જોતો બેસી રહ્યો. એમ કેટલો વખત ગયો તે ધ્યાન રહ્યું નહિ. પણ પછી એને સાંભર્યું કે એ પોતે મહારાજ ભીમદેવ અને રા’ નવઘણજીનો સાથ કરવા માટે ગઢ બીટલીથી આંહીં આવી પહોંચ્યો હતો. આંહીં આવતાં એનો પહેલવહેલાં જ આ અનુભવ થયો. પણ સુલતાનનાં વધુ માણસો આની શોધમાં હજી કદાચ આવી ચડે.

એને લાગ્યું કે એણે હવે પંડિતને ઠેકાણે પાડવાની ત્વરા કરવી જોઈએ. કોઈ રડ્યો-ખડ્યો સૈન્યનો ભાગ વળી અચાનક નીકળી આવશે તો બધું રખડી પડશે. તેણે સૂઈઘાસનાં મોટાં સૂકાં ઘડિયાં જોયાં હતાં. તે માટે એ ઊપડ્યો. બળતણ ભેગું કરવા માંડ્યો. રામબાવળ તલબાવળનાં ઠૂંઠાં પણ નાળિયાનાં ખારાં કડવાં પાણીને કાંઠેથી મળી જસે એમ એને લાગ્યું. એ ભૂતની પેઠે લાકડાં, કરગઠિયાં, ભોથાં ભેગાં કરવા માંડ્યો.

ચિતા ખડકી એમાં પંડિતને સુવાર્યો ! પંડિત ધૂર્જટિને શરીરે. એણે એક કપડું ઓઢાડ્યું.

બે હાથ જોડીને એ પંડિતને ચરણે કેટલીયે વાર સુધી નમી રહ્યો. સગો ભાઈ મરણ પામ્યો હોય તેમ ગોગદેવની આંખમાંથી આંસુની ધારા વહી રહી. શોક કરવાનો વખત ન હતો. વખત ભયંકર હતો. તેણે દેવતા પાડવા માટે ચકમક ને લોઢું હાથમાં લીધાં. થોડી વારમાં પંડિતના શરીરની ખાખ થઈ ગઈ. ત્યાં સુધી તે ત્યાં વેદનામૂર્તિ સમો ઊભો રહ્યો. પછી ચિતામાંથી થોડી રાખોડી લીધી. એને સાચવીને બાંધી દીધી, અને પોતાની પાસે રાખી લીધી. થોડી રેત ભેગી કરી એક ધોરો રચ્યો. તેના ઉપર થોડું લીલું સૂઈઘાસ મૂક્યું. એના મનથી એણે પંડિતનો કીર્તિસ્તંભ રચી કાઢ્યો હતો. ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. એની આંખમાંથી હજી આંસુ તો વહી જ રહ્યાં હતાં. દૂર દૂરના એક બ્રાહ્મણશ્રેષ્ઠે, સ્વજન અને સ્વદેશથી કેટલે દૂર, પોતાનું જીવન ભગવાન સોમનાથને માટે અર્પી દીધું હતું ! અને પોતે ? સાત સાત પેઢીનો સોમનાથનો ભક્ત હજી આંહીં રખડી રહ્યો હતો ! પણ હવે એને એક પળ પણ ગુમાવવી પોસાય તેમ ન હતી. તે ભીમદેવ અને રા’ નવઘણની શોધમાં નીકળ્યો હતો. અને હજી એમનો પત્તો ન હતો. વારંવાર પ્રણામ કરીને ચિતાને ફરી ફરીને જોતો ગોગદેવ ત્યાંથી ભારે હૈયે ચાલી નીકળ્યો.

પાછળ રહ્યાં પેલા સૂઈઘાસ અને રેતરણનાં મેદાન, એમને ક્યારેક આવાં કાવ્ય મળે છે, ત્યારે તેમના આનંદનો પાર રહેતો નથી.

ગોગદેવ આગળ ગયો. રેતમેદાન-ને પવને પંડિત ધૂર્જટિનાં કીર્તિગાન ગવરાવવાં શરૂ કર્યાં !