આ મન તો પાગલ છે..
ભાગ ૨
(કવિતા ગઝલ, લધુ કાવ્યો શેર)
1
શાંત સરવરમાં
કાંકરી નાખવાની મઝા
આવે છે!
આ અશાંત મન
ચાહતું નથી
સૌ શાંત રહે!
***
2
હાય, હલ્લો કહેવા
મેં હાથ લંબાવ્યો બારીમાંથી,
પણ આ તો વરસાદ
ધૂસ્યો પવનસંગ બખોલમાંથી!
પછી તો એવી મચી ધમાલ કે,
વરસાદને ભીંજવ્યો મેં ઉલ્લાસથી!
***
3
મારી ઈચ્છાઓના ભારથી
રસ્તા પર પડે છે ખાડા
અને હું દોષ દઉ છું બીએમસીને!
કલ્પીત ભયનું શહેરી ટેન્શન
રાખી બીમાર પડી જાઉં છું
અને હું દોષ દઉં છું મોસમને!
હોય લક્ષો મારા અસ્થિર નાવ
મળે નિષ્ફળતાની વરમાળા
અને હું દોષ દઉ છું કિસ્મતને!
આવેલી તકોને તગેડી દઉં
આળસનાં ઝૂલામાં ઝૂલતાં ઝૂલતાં
અને હું દોષ દઉં છુ ઈશ્વરને!
***
4
હાથમાં તલવાર એટલે આત્મરક્ષણ.
સામે વાળો ગડબડ કરે તો પતાવી નાખો.
અહિંસા પરમો ધરમથી કાંઈ ન વળે.
કારણ હું છું તો બધું છે!
***
5
હું અશાંત છું
કારણ મને રમતા નથી આવડતું.
જીત સિવાય બીજું કશું નથી ભાવતું.
***
6
આ તો આયો વરસાદ આભેથી.
મજા આવશે જરા જરા પલળવાથી.
સાગર શું હૈયું સદા જે ઉકળતું
સ્પર્શ થતાં પડશે જરા જરા ટાઢુ્.
ચાલને જરા પલળી જઈએ
ફરી આ લાવો મળે કે ના મળે.
વરસે છે વરસાદ આભેથી..
ભીની માટીની જેમ મહેંકી જઈએ
વૃક્ષો ફૂલોની જેમ મલકાઈ જઈએ.
નદીઓનાં વહેણ જેવી આપણી લાગણી
ચાલો ને આજ એમ તણાઈ જઈએ.
ચાલને જરા પલળી જઈએ..
***
7
આ તો પીળાં પાનની વાત છે.
કેમ વસંત અહીં જ ઉદાસ છે!
પડતાં ને મારે સૌ પાટું
ના કોઇ એબમાં બદલાવ છે!
ઠોકર વાગી છે હું પણાની
સંબંધો નો ચમન તારાજ છે!
આંખોને જોઈ ના અંદાજો
ના છે શરાબ,ચિંતાનો ભાર છે!
***
8
ગાલગાગા લગાલગા ગાગાર
ફૂંક ના માર તાપણું છે આ
આગ ના નાખ ઝુંપડું છે આ
ધૂળ ચપટી લગાવજે માથે
શૈશવી યાદ-પોટલું છે આ.
ચાર દીવાલ છે અને છત પણ
લાગણીનું જ વાદળું છે આ.
રોજ શ્યામ આવીને સતાવે
ને પૂછે તને માખણ કેમ ન ભાવે?
માખણ મિસરી તો પ્યારા છે મને
તારા વિના મુજને કોણ આપશે?
પીઝા ને પાસ્તા જોઈ મન મારું બળે
મારી ગાગર નું માખણ કોણ ખાશે
ઘર ઘર ના ઝૂલે લટકતી ગાગર અને
માખણ વિના વિના કેમ જીવાશે?
રોજ શ્યામ આવીને મને પૂછે
મારો જન્મ દિ કેવી રીતે ઉજવાશે
તને ભાવે પીઝપસ્તા ને મને માખણ
કેમ તું માખણ ના આરોગે એમ રોજ પૂછે
રોજ શ્યામ...
***
9
સાગર જેવા શહેરમાં
તરવાનું હોય.
કિનારો દૂર હોય
શહેરથી.
***
10
ત્રિરંગો
લહેરાતો જોઉં ત્રિરંગો ઝંડો
લહેરાતો જોઉં ત્રિરંગો ઝંડો
જાણે સ્વર્ગનું સુખ ભોગવતો.
હોય છે અનોખો આઝાદીનો નશો
હોય છે અનોખો આઝાદીનો નશો
મસ્તક ગર્વ થી ટટ્ટાર રાખી ફરતો.
વંદન કરું માતૃભૂમિ ને વારંવાર
વંદન કરું માતૃભૂમિ ને વારંવાર
નામ તારું રોશન હો, રોશન હો.
આ કાયા છે તુજને અર્પણ,
આ કાયા છે તુજને અર્પણ
માતૃભૂમિ તુજ ને છે સમર્પણ.
***
11
ભૂલે ના ભૂલાવ તમે
આવ્યા કરો યાદ તમે
જ્યાં જ્યાં નજર પડે
ત્યાં ત્યાં શ્યામ તમે.
મોરપિચ્છ હોય કે કદમ
વાંસળીનાં સૂરમાં હરદમ
કાજળ હોય કે સુદર્શન
શ્યામ વિના ક્યાં છે જીવન.
તારાં નામ સ્મરણની નાવ
કરાવે પાર જીવન સાગર.
હોય કુરુક્ષેત્ર કે ક્રિયાકાંડ
સારથી થઈ બતાવો રાહ.
ભૂલે ના ભૂલાવ તમે
આવ્યા કરો યાદ તમે.
***
12
મા બાપે બધું આપ્યું
દીકરીને
વળાવતાં
કરિયાવળમાં ,
સિવાય
પોતાની પીડા
***
ના પર્વતો નડ્યા મને ,
ના નદીઓના વહેણ નડ્યાં.
ના રાતનો અંઘકાર આડે આવ્યો
ના સૂરજનો પ્રકાશ નડ્યો .
તારા સુધી પહોંચવા
અહમની
એક નાની શી
કાંકરી
મને નડી!
***
પાણિયારે મુકેલા
ઝબકતાં દીવા જેવી
તારી હાજરી માત્રથી
મારું વ્યક્તિત્વ
પ્રકાશી ઊઠે છે
કારણ તું તું જ છે
***
ઝાંઝરના રણકારે
પડે સવાર
અને એક હોકારે
પડે રાત.
***
પરોઢ આવે
માનો હુંફાળો
સ્પર્શ લઈને ..
જાય મૂકી
કોયલ શો ટહુકો..
***
અમે તો સાવ કોરાં આભલા જેવાં
બળદ ધાણીનાં જેવાં ગોળ બસ ફરતાં.
***
વાતો ક્યાં કોઈ ખૂટે છે.
સંબંધો પણ ક્યાં તૂટે છે.
મૃત્યુ ક્યાં કોઈ ચાહે છે.
યમ,જીવન સૌનું લૂંટે છે.
પરપોટાની નાવ ન ચાલે
એતો અધવચ્ચે ફૂટે છે.
ઉમદા દિલ થઈને શું કરશો
ફૂલ ગુલાબી સૌ ચૂંટે છે.
પસ્તાવાની ક્ષણ ના આવે
સંતાનો છે, બધું ઘૂંટે છે!
***
બે તટ વચ્ચે પાણી તરવું પડશે.
સામે પાર જવા તો નમવું પડશે.
રંગ છો ને મળ્યો છે શ્યામ મને, પણ
ટહુકી ટહુકી સૌને ગમવું પડશે.
ઘડપણનાં સાથી છે મારાં ભુલકાં
થઈ ને તેનાં જેવાં રમવું પડશે.
કોરો કાગળ જોઈ તરંગો ફૂટે,
હોય તને મનગમતું, લખવું પડશે.
મીરાના તાલે નાચી લેવા દો,
પોલા પાવા જેવા બનવું પડશે.
***
તમે આવો અને કોયલ ના ટહુકે ના બને એવું.
અને વરસાદ આનંદનો ના ટપકે ના બને એવું.
તમે જોયા કરો મુજને લઈ આડાશ પાંપણની,
અને ગાગર સમી આંખો ના છલકે ના બને એવું.
પરોવી ફૂલ માળા જે બનાવી રાત જાગીને,
અને ટટ્ટાર મારું શિર ના ઝૂકે ના બને એવું.
ભલે રીસામણાં ઓઢી તમે આવો, ના બોલાવો,
છતાં આંખો અમારી આ ના ફરકે ના બને એવું.
વખાણું ભાવતાં ભોજન તમારા આંગળી ચોંટે
વખાણી વાનગી દાઢે ના વળગે ના બને એવું.
***
જિંદગીમાં હું મને નડ્યો છું બોલો!
આમ તો ક્યાં હું મને જડ્યો છું બોલો!
કેમ ઊતરવું ના આવ્યું યાદ મુજને
પગ હવામાં બસ પછી પડ્યો છું બોલો!
ઝૂકવાની છે કળા વૃક્ષો જ પાસે!
પણ હું હારી આખરે નમ્યો છું બોલો!
આંખ તો છે વાવ ક્યાંથી આંસુ લાવું?
જિંદગી આખી હું ક્યાં રડ્યો છું બોલો!
માગતાં ના આવડે મૃત્યુ મને તો
પૂંઠ મારી હું ધરી મર્યો છું બોલો!
***
આટલામાં ક્યાંક તું છે.
વારતામાં ક્યાંક તું છે.
ચાંદ સૂરજ કે પવન કે
તારલામાં ક્યાંક તું છે.
ઈંતજારે, મૌનપાંખે
ઝંખનામાં ક્યાંક તું છે.
શોધ મારી, તાપ તારો
વેદનામાં ક્યાંક તું છે.
દષ્ટિમાં તું, સૃષ્ટિમાં તું
આપણામાં ક્યાંક તું છે.
આપણામાં=મારામાં.
પ્રફુલ્લ આર શાહ .
વંટોળ થઈ ના આવશો.
કડવાશ વેરી ના જશો.
સુણવા ને આતુર અમે
બે બોલ મીઠાં લાવજો.
***
ખયાલ તોડને જરા.
નમીને જોડને જરા.
મહેંક ફૂલની બની
સુવાસ છોડને જરા.
એકાંત છે ડરામણું
કંઈ ક ફોડ ને જરા.
સમય ને ક્યાં સમય મળે?
હવે તો દોડ ને જરા.
***
રાતની ચાદરે તારલાં ટમટમે
સાંજનાં ઘર મહીં દીવડાં ઝગમગે.
***
કાગળ તારો મળ્યો બેટા.
આંસુને પીને વાંચ્યો બેટા.
મીઠાં બોર તને જે ભાવે
છોડને આંગણ રોપ્યો બેટા.
કાગળ લાગે જાણે તું છે
છાતીએ વળગાડ્યો બેટા.
મા છું તારી, નીંદર ક્યાંથી
ચાંદને ઢળતો દેખ્યો બેટા.
લખતો રેજે કાગળ બેટા
પાલવ ભીનો ચૂસ્યો બેટા.
***
મળશું કાલે.
ના જમાનો સાથ આવે.
કોણ વિષ પીવા હા પાડે?
લાગતી ઠંડી ભલેને
કોણ ઘરમાં આગ ચાપે?
લીંપણે સંધાણ ક્યાંથી
છાપ એની યાદ આવે!
શબ્દનાં ઘા ના ખમાશે
ફેંક પથ્થર તોય ચાલે !
આવ, ઈચ્છા હોય તારી
પણ ના કે'જે મળશું કાલે.
***
વ્રજ મુજને શાંત લાગે
કોઈ રાધા થઈ ના આવે.
વ્રજ લાગે મૌન જ્વાળા
બાળપણ છોડી સૌ આવે.
વ્રજને સૌ ધામ માને
વાંસળી ક્યાંથી વગાડે?
વ્રજ રજ શિરે સૌ ચઢાવે
પણ સખા કોઈ ના આવે.
વ્રજ લાગે ના વહાલું
રાત ભર કાનો, જો,જાગે!
***
જીતવાની વાત ચાલી નાખ્યું મેં.
કાચબાની જાત ચાલી નાખ્યું મેં.
આશ રાખી જીવતરની મેં સદા
અંધિયારી રાત ચાલી નાખ્યું મેં.
તાણું સંબંધો ને ના હું જોરથી
આપતા આધાત ચાલી નાખ્યું મેં.
***
તું આવજે.
કડવાશ ખંખેરીને તું આવજે.
ખારાશ ઓગાળીને તું આવજે.
રાખ્યાં છે ખૂલ્લાં દ્રાર મારા સદા
જૂતાં જરા કાઢીને તું આવજે.
મ્હેફિલની રોનકમાં પડે ઝાંખ ના
ગમ દિલનાં પીગાળીને તું આવજે.
યૌવનની નાજુક ખીલતી આ કળી
તનમન ને શણગારીને તું આવજે.
***
મળે
જીવવાનું જો કારણ મળે.
ઝંખનાનું જો મારણ મળે.
મૌન પથરાયું જાણે વમળ
છૂટવાને જો તારણ મળે.
છે વિચારો પતંગો સમા
રોકવાને જો ભારણ મળે.
શોધને પાંખ ફૂટે ખરી
ઊડવાનું જો કારણ મળે.
***
પાન ખર્યું પીળું સરનામું ક્યાંથી લાવું.
સ્મરણ મ્હેંકે છે ભીની આંખે હું વધાવું.
સૂરજ જેવો સૂરજ આથમતો ઊગીને
રાખી શ્રધ્ધા ભીતરનો દીવો પ્રગટાવું.
***
હું
હું મળવા જેવો માણસ છું.
હું ગમવા જેવો માણસ છું.
હું સાગર છું,ગાગર પણ છું,
હું રમવા જેવો માણસ છું.
રસ્તો આપી દઈશ હું મારો
હું હસવા જેવો માણસ છું.
પળ બે પળની મોજ મળી છે.
હું ઝરણા જેવો માણસ છું.
ના ચિંતા રાખું છું મારી
હું ખરવા જેવો માણસ છું.
***
મા
સૂક્કો તો પણ મીઠો લાગે.
મા ને ખોળે નીંદર આવે.
માનો પાલવ શીતળ શીતળ
હુંફાળો ને ઠંડો જાણે.
કાંધે લીધી તો પણ ફોરી
એનો ભાર ખભે ના નાખે.
દરવાજે ઊભી છે જાણે
ભણકારા બસ એનાં વાગે.
***
કેવી એ તો કમાલ કરે છે.
છાનું છાનું વહાલ કરે છે.
વાંકું પડ્યું છે દોસ્તીને
તો પણ મુજનો ખયાલ કરે છે.
રોકી ના શક્યાં ઉત્સાહને
તેથી તો તે ધમાલ કરે છે .
છે ચાહતનો નશો ના છૂટે
સમજું હું બેહાલ કરે છે.
ના પૂછો શું છે બંદગીમાં
જીવન મારું ન્યાલ કરે છે.
***
માની આંખો
માની આંખો જાણે આભલું.
લઈને ફરતું એ તો વાદળું.
વરસાવે ફોરાં મમતાનાં
ક્યારે પડતું હર્ષનું ઝાપટું.
બચવા ચાહે ઠેસના વાગે
આશાનું બાંધ્યા કરતું જાળું.
ભીતરનો એ ભેદી કૂવો
વિષ પી ને,પણ અમરત ઢોળતું.
માની આંખો કોણે જાણી
એ તો હેતનું જાણે પોટલું.
પ્રફુલ્લ આર શાહ.
***