Poetry - 3 books and stories free download online pdf in Gujarati

કવિતા - 3

"કવિતા - 3"

રાત્રે જમીને ઘરમાં બધાને કહીને હું કાવ્યાને ઘેર આવ્યો. મેં વિચારી લીધું હતું. તેઓએ મને સારો આવકાર આપીને બેસાડ્યો, હું કાવ્યા ને શોધી રહ્યો હતો, પણ તે જોવાઈ નહિ. થોડી આડી-અવળી વાતો કર્યા પછી તેના પપ્પા બોલ્યા "હા, તો આપણી જે વાત થઇ હતી તે પાકી ને?"

"જુઓ અંકલ, હું જૂઠું પ્રોમિસ કોઈને કરતો નથી, પણ હું, અમે લગન પછી અલગ રહેવા જવાના નથી."

તે બંને ઉભા થઇ ગયા, હું પણ ઉભો થઇ ગયો, તે ગુસ્સા મિશ્રિત અવાજે બોલ્યા "તો પછી અહીં કેમ આવ્યા છો?"

"તમને સમજાવવા."

"એમ? શું સમજાવશો મને?"

"એજ કે અલગ રહીશું કે સાથે રહીશું તે અમે બંને, હું અને કાવ્યા નક્કી કરીશું, પણ ગમે ત્યાં રહીશું ઘણા ખુશ રહીશું અને કાવ્યાને જરાય તકલીફ નહિ પડે."

તેમણે મારી તરફ મિલાવવા માટે હાથ લાંબો કર્યો, ને બોલ્યા "ભલે, અમે વિચારીશું." તે મને જતા રહેવાનો સાફ ઈશારો હતો.

"અંકલ વિચારવાનું કશું નથી, અમે વિચારી લીધું છે, કાવ્યા પણ જોઈન્ટ ફેમિલીમાં રહેવા તૈયાર છે."

"એમ? આપણી વાતમાં કવિતા ક્યાં આવી? તમે કવિતાને ક્યાં મળ્યા? જયારે બે ઘરના મોટાઓ વચ્ચે વાત થઇ હોય ત્યારે છોકરીને મળીને તેને ભરમાવવું કેટલું યોગ્ય છે? હવે મને ગુસ્સો આવી રહ્યો છે, હું તમારું અપમાન કરું તે પહેલા જતા રહો."

"અંકલ તમે ખોટા શબ્દો ન વાપરો, ભરમાવવું એટલે? હું કે કાવ્યા કોઈ દૂધ પિતા બાળકો છીએ કે ભરમાઈ જઈએ? તમે ખોટી માંગણી અને ખોટી જીદ કરો છો, કાવ્યાને બોલાવો..."

"તમે જાવ છો કે પછી સોસાયટીમાં બેઈજ્જત થવાનો શોખ છે?" અને તેની મમ્મી તરફ ફરીને બોલ્યા "તેં શું તપાસ કરી હતી? આને ખાનદાની અને શરીફ લોકો તું કહેતી હતી? આ તો સડકછાપ લાગે છે."

મને ગુસ્સો ચઢ્યો, પણ સંયમ રાખીને કહ્યું "અંકલ શરીફ અને ખાનદાની છું એટલે જ વાત કરી રહ્યો છું, સમજાવી રહ્યો છું, નહીતો લગન કરીને જ આવતા.." કહીને હું બહાર નીકળી ગયો. મને કાવ્યાનું વલણ સમજાયું નહિ, મને એમ હતું કે તે પણ બોલશે અને મારી તરફદારી કરશે અને તે પણ મને ચાહે છે એમ ખુલીને કહેશે.

ઘેર આવીને બધાને બધે બધ્ધી વાત કહી દીધી. પપ્પા બોલ્યા "વાત એટલી વધારવાની જરૂર નહોતી, રિકવેસ્ટ, વિનંતી કરીને નીકળી આવવા જેવું હતું, પછી કાવ્યા જ તેમને સમજાવી દેતી. પણ જે થયું તે...ચિંતા કરીશ નહિ, હવે પણ કાવ્યા મનાવી લેશે."

મને કાવ્યા પર ગુસ્સો આવી રહ્યો હતો. પુરી રાત મને ઊંઘ આવી નહિ. સવારે કે સાંજે પણ તે બસ સ્ટોપ પર મળી નહિ. મેં ફોન કર્યો નહિ, કે તેનો પણ આવ્યો નહિ. હવે ગુસ્સાની જગ્યાએ મને તેની ચિંતા થવા લાગી, તેનો ફોન લઇ લીધો હશે? કદાચ તેને કોલેજ પણ નહિ જવા દેતા હોય... મોડી રાત્રે ફોન કરીશ.

તેનો ફોન બંધ હતો, બહેનને જગાડી, તે બોલી "શાંતિ રાખ, બાજુમાં જ છે, કેટલા દિવસ છુપાવી રાખશે? સવારે હું તેને મળીશ."

ત્રણ દિવસ મારે માટે ત્રણ વરસ જેવા હતા. ડ્યુટી પર હતો ને અજાણ્યા નંબરથી ફોન આવ્યો, કાવ્યા જ હતી "ઓહ મારી ઢીંગલી, તું ક્યાં છે? જલ્દી અહીં આવી જા, આપણે આર્યસમાજમાં લગન કરી લઈએ."

"બહાર જ છું, કોલેજ બન્ક કરીને આવી છું, પપ્પા કોલેજ લેવા-મુકવા આવે છે, મારે જલ્દી જવું છે, તમે કેન્ટીનમાં આવો."

હું ભાગીને કેન્ટીનમાં આવ્યો, તે એકલી નહોતી, સાથે તેની સહેલી પણ હતી. મને આવેલો જોઈને તેની સહેલી ઉભી થઇ ને બોલી "હું ગાર્ડનમાં ફરું છું."

પણ કાવ્યાએ તેનો હાથ પકડીને બેસાડી દીધી, અર્થ સાફ હતો, મારે તેની હાજરીમાં જ વાત કરવાની હતી. હું બોલ્યો "કાવ્યા, તું મારી છે, તું જરાય ચિંતા કરીશ નહિ, કોઈની તાકાત નથી કે મને રોકી શકે, ચાલ આજે જ આપણે લગન કરી લઈએ, પછી હું બધું ફોડી લઈશ. હું તારે માટે ગમે તે કરી શકું."

તે ઉપહાસથી બોલી "ઓહો.. એમ? પણ કારણ?"

"કારણકે હું તને પ્રેમ કરું છું."

"પ્રેમ?? તે માટે ગમે તે કરી શકો??" કહીને તે તુચ્છકારથી હસી, "એક, ફક્ત એક વાકય તો મારે માટે બોલાયું નહિ, ને કહો છો કે તારે માટે ગમે તે કરી શકું... વાહ."

અને તેની સહેલીને સંબોધીને બોલી "સાંભળે છે ને? આ મને પ્રેમ કરે છે, પણ મારે માટે કરીને એક વાક્ય પણ નથી બોલી શકતા.. આવો પ્યાર જોયો છે બીજે ક્યાંય? તેમનાથી બીજી શુ અપેક્ષા રખાય? તે શું ચાંદ-તારા તોડી લાવવાના...." કહીને તે ઉભી થઇ ગઈ, હું બિલકુલ ચૂપ થઇ ગયો હતો. મારો રોતલ અને ગરીબડો ચહેરો જોઈને તેની સહેલીને કદાચ મારી દયા આવી હશે, એટલે તે બોલી "કાવ્યા, એકવાર તેમને તો બોલવા દે, તેમની વાત તો સંભાળ..."

"શું બોલશે? તે કેટલા પાણીમાં છે, અને તેમની પ્યારની વાતો અને તે માટે તે કેટલા ગંભીર છે, તે તો મેં મારા કાનોકાન સાંભળ્યું છે." અને મારી સામે જોઈને બોલી "બોલો.. કેમ બોલતી બંધ થઇ ગઈ??"

કહીને તે બંને જવા લાગી, મેં કહ્યું "કાવ્યા, મને જિંદગીભર અફસોસ રહેશે કે તું મને સમજી શકી નહિ....."

"હા, અમારા જેવા બેવકૂફોને તો મહાન માણસોની વાતો ક્યાંથી સમજાય.... તમારા આદર્શો ને સિદ્ધાંતોની ફિશિયારીઓ તમારી પાસે રાખો, કોડીની કિંમતના છે, તમારા પાપડ કરતા પણ તે સસ્તા છે."

કાવ્યા ગઈ, જતી રહી ને હું જડની જેમ ઉભો હતો. મને રડવું હતું બહેનના ખભે માથું મૂકીને... માના ખોળામાં લપાઈને...મારી આંખ સામે વાદળી કુંડાળાઓ નાચવા લાગ્યા, ખુરશી પર ફસડાયો. મારા એકલાની લવ સ્ટોરીનો, હું એકલાએ શરુ કરેલી લવ સ્ટોરીનો કરૂણ અંત આવ્યો હતો.. એકલાની જ કહેવાયને? કાવ્યા મને ક્યાં પ્રેમ કરે છે? જો કરતી હોય તો તે આમ જાય?? તે કેમ સમજતી નથી? કેમ ખોટું બોલવા અને ખોટા પ્રોમિસ કરવાની જીદ કરે છે? જૂઠું બોલ્યા વગર પણ અમે એક થઇ શકીએ એમ હોય ત્યારે જુઠા પ્રોમિસનો કોઈ અર્થ ખરો? હું કોઈને ખોટું બોલીને છેતરી શકું જ નહિ.. ટૂંકમાં કાવ્યાની પોતાની કોઈ જ પસંદગી નથી, તેને મારી સાથે લગન કરવા છે, પણ માં-બાપ કહે તો જ.. અને તેમની હા માટે તે મારી પાસે જૂઠું બોલવાની જીદ કરે છે. કે પછી તે સાચી હતી? પ્રેમ માટે હું ગમે તે કરી શકું, તેમાં જૂઠું બોલવાનું પણ આવી ગયું? હું તેના પ્રેમની પરીક્ષામાં ઉણો ઉતર્યો હતો? તે માનતી હતી કે હું ફક્ત ડિંગો જ મારુ છું, કે તારે માટે ગમે તે કરી શકું, પણ એક વાક્ય પણ ન બોલી શક્યો? હવે ખરેખર મારુ દિમાગ ફરી રહ્યું હતું. કેન્ટીનમાંથી જ બોસને ફોન કરીને કહી દીધું કે તબિયત સારી નથી, એટલે ઘેર જાઉં છું.

સ્કૂટર પર હું નીકળ્યો, મને ચક્કર આવતા હતા કે મને શું થતું હતું તેની મને જ સમજ નહોતી. આગળ સિગ્નલ બંધ હતું. લાલ લાઈટ મારી આંખો જોઈ રહી હતી, પણ મગજ પ્રતિક્રિયા કરતુ નહોતું, કે કરવા માંગતું નહોતું, કે હાજર જ નહોતું.. હું યંત્રવત સ્કૂટર દોડાવતો રહ્યો, સિગ્નલ પર ઉભેલી રિક્ષાને પાછળથી ચીરીને નીકળી જવા માંગતો હોય તેમ હું પુરપાટ રીક્ષા સાથે ભટકાયો...સખત ઝાટકો લાગ્યો.. સ્કૂટર અને હું આગળ ઉછળ્યા, રિક્ષાના હુડનો આડો પાઇપ મારા કપાળમાં ટીચાયો અને હું નીચે પછડાયો. મારો એક પગ સ્કૂટરમાં ફસાયેલો હતો, સાથે સ્કૂટર પણ પડ્યું, અને તેના ગરમ સાઇલેન્સર નીચે મારા બીજા પગની જાંઘ દબાઈ.. પેન્ટ અને ચામડી દાઝવાની ગંધ મારા નાકમાં આવી, કપાળમાંથી વહેતુ લોહી મારી આંખમાં આવતું હતું, મારી આંખ ખુલતી નહોતી.... બસ, પછી શું થયું તે મને યાદ નથી.

***

આજે હોસ્પિટલમાં મારો ચોથો દિવસ છે. મારો એક પગ તૂટ્યો હતો અને બીજા પગની જાંઘ દાઝી હતી. અને કપાળમાં ટાંકા આવ્યા હતા, અને બીજા નાના-મોટા ઘા પડ્યા હતા. જયારે હોશમાં આવ્યો ત્યારે સૌથી પહેલા મને મારી બહેન જોવાઈ, તે મારી ઉપર ઝૂકીને મને જોઈ રહી હતી. મારી આંખ ખોલતા જ તે હસી પડી, પણ તેની આંખમાં આંસુ હતા. તેણે મારા ગાલ ચુમ્યા. મારી ફેમિલી અને દોસ્તો પણ ઉભા હતા. હું બોલ્યો "રડે છે કેમ? હું હજુ જીવું છું, કેટલા કલાક થયા?"

"અઢાર કલાક.. અઢાર કલાકે તું હોશમાં આવ્યો, ખૂબ જ મરિયલ છે તું તો..."

મારી ઈજાઓ એટલી ગંભીર નહોતી કે હું અઢાર કલાક બેભાન રહું, બહેને પછી કહ્યું હતું કે તને ઘેનના ઇન્જેક્શન આપીને સુવડાવી રાખ્યો હતો. મારી નજર કાવ્યાને શોધી રહી હતી. બહેનને પૂછ્યું "હું બેભાન હતો ત્યારે કોણ કોણ મારી ખબર કાઢવા આવ્યું હતું?"

"બધા જ.. આપણા સગાઓ, તારા દોસ્તો, પાડોશીઓ, તારી ઓફિસનો પૂરો સ્ટાફ..."

મને કોઈ રસ નહોતો, મને તો કાવ્યાનું નામ સાંભળવું હતું, પણ તેનું નામ બહેને લીધું નહિ, તે નહોતી આવી. "બસ? બીજું કોઈ નહિ?"

"હા એક છોકરી આવી હતી, તને જોયો અને તારી સ્થિતિ વિષે બધી જ પૂછપરછ કરી ગઈ, પણ મને તે ઓળખાઈ નહિ."

"મારી કોઈ ફ્રેન્ડ કે ઓફિસની હશે."

"ના, શું હું તારી ફ્રેન્ડ કે તારી ઓફિસના બધાને નથી ઓળખતી?"

"જાડી હતી? અને ગાલ પર મોટો તલ હતો?"

"હા, એ જ, કોણ છે?"

તે કાવ્યા સાથે આવી હતી તે સહેલી હતી, કાવ્યા એ જ તેને મને જોવા મોકલી હશે.. તે કેમ ન આવી? દોસ્તી-પ્રેમ નહિ પણ હું તેનો પાડોશી તો ખરો જ ને???

બહેન ફોનથી મારા ફોટા પાડી રહી હતી, માં અકળાઈ "કાલની શું વારે ઘડી ફોટા પાડ્યા કરે છે?"

"તને શું થાય છે? હું મારા ગ્રુપમાં મુકું છું."

"ખરા છે આજ-કાલના છોકરાઓ.. કેટલા બગાસા અને કેટલી છીંકો આવી ને ક્યારે બ્રશ કર્યું, તે પણ ફોટા પાડીને મૂકે..."

મોકો મળતા જ બહેને પૂછી લીધું, "શું થયું હતું? કેવી રીતે ઠોકાયો? નશામાં હતો? પણ તું તો પીતો નથી...જરૂર કાવ્યા સાથે ઝઘડો થયો હશે."

"હા, તે તો જાણે શું શું મને બોલી ગઈ, મારી વાત જ સમજવા તૈયાર નથી."

"શું કહેતી હતી?"

"બસ એક જ વાત કે જૂઠું પ્રોમિસ કેમ ન કર્યું? જે વ્યક્તિ એક નાનકડું જૂઠું ન બોલી શકે તેની પાસેથી બીજી શું અપેક્ષા રખાય... એવું એવું બોલી."

"તેં શું કહ્યું? છેલ્લે શું થયું?"

"મને બોલવા જ દીધો નહિ... તરછોડી, ધુત્કારીને જતી રહી...."

"સારું થયું, આટલા નાના દિમાગની તને ચાલતી પણ નહિ," કહીને તે હસી, અને બોલી "છોડ બધું ને આરામ કર.. મારુ સ્કૂટર તો પતી જ ગયું છે, નવું અપાવજે મને."

***

આજે મને ઘેર લાવ્યા. એક પગ પ્લાસ્ટરમાં છે અને બીજા પગની જાંઘ દાઝેલી છે. તે સખત ચચરતી હતી, લેંઘો અડે તો પણ હું ચચરી ઉઠતો હતો, અને દાઝ્યા પર પસીના જેવા પાણીના ટીપા વારેઘડી ઉપસી આવતા હતા, તે સિવાય નાના નાના ઘા રુઝાવા આવ્યા હતા. હા, કપાળ પરનો ઘા હજુ બાકી હતો અને પટ્ટી પણ બાંધેલી જ હતી.

જે લોકો મારી ખબર કાઢવા હોસ્પિટલ નહોતા આવ્યા તે ઘેર આવી રહ્યા હતા. આમેય હું નવરો જ હતો એટલે સારો ટાઈમ પાસ થતો. અને મમ્મી-ભાઈ-બહેન પણ મારી સેવામાં જ લાગેલા હતા, ખાસ તો મારી બહેન.. એમ કહો કે તે મારા રૂમમાં જ રહેતી હતી.

હું લંગડાતો બાલ્કનીમાં આવીને કાવ્યાના રૂમની બારીને તાકી રહ્યો હતો, ને બહેન બાલ્કનીમાં આવીને બોલી "શું જુએ છે? કાવ્યાને શોધે છે ને?"

"તને તો મળતી હશે ને?"

"ભૂલી જા.... તે તને ચાહતી જ નહોતી, તેના મમ્મી-પપ્પા કહે તો તને પ્રેમ કરેને... "

"ફક્ત એકવાર મને વાત કરવી છે, તું કરાવ ને... બસ એક જ વાર. ફોન પણ નથી લાગતો."

"સારું, મળશે તો કહીશ, બસ? વધારે આંખો ખેંચી ખેંચીને જોયા ન કર, ચાલ રૂમમાં આવ."

હું એકલો પડતો, ને ઉદાસ થઇ જતો. મારી જાંઘ વધારે ચચરવા લાગતી, કે પછી બીજે ક્યાંક ચચરે છે? કાવ્યા બાજુમાં જ હતી, પણ ઘણી દૂર હતી.

***

બહેન રૂમમાં આવીને બોલી "કાવ્યા મળી હતી, તારી તબિયત પૂછતી હતી. તેણે સિમ બદલી નાખી છે."

"એમ? બીજું કશું કહેવડાવ્યું છે?"

"કહેતી હતી કે તારા ભાઈને હીરો બનવાના ધખારા છે, ઘણા મોકા આવશે, ત્યારે હીરોગીરી બતાવે.. હમણાં ભૂંડો અને બેવકૂફ લાગે છે."

"મેં શું હીરોગીરી કરી? તેનો નવો નંબર લાવી?"

"મનેય સમજ પડી નહિ, પણ પછી આગળ કશું બોલી નહિ, નંબર પણ આપ્યો નહિ ને જતી રહી."

ચાલો, મારી ખબર તો પૂછી, હવે મને સારું લાગતું હતું. હું સાજો હોતો તો જરૂર તેને મનાવી લેતો. "હવે મળે તો કરગરીને પણ નંબર લઇ આવજે, ને કહેજે કે એકવાર મને મળી જાય."

"અહીં તો લાગતું નથી કે આવવા રાજી થાય..."

"કહેજે કે છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે, હું મરી જાઉં તે પહેલા એકવાર મળી લે."

બહેન હસીને બોલી "તું જલ્દી મરે એવો નથી, અને હું એવું નહિ કહું, અને તું પણ હવે એવી મરવાની વાતો કરીશ નહિ." કહીને તે નીચે દોડી ગઈ.

***

બે દિવસ પછી બહેન દોડતી ઉપર મારા રૂમમાં આવી, હું બારી પાસે ખુરશીમાં વાંચી રહ્યો હતો. તેણે બારણું બંધ કર્યું ને બોલી "તારી ખબર કાઢવા કોણ આવ્યા છે, જાણે છે?"

"કોણ આવ્યા છે?" હું લંગડાતો જઈને બેડ પર બેસતા બોલ્યો.

"નીચે બેઠા છે, હમણાં ઉપર આવતા જ હશે, તું સુઈ જા, અને ખુબ બીમાર હોય ને ખુબ દુખતું હોય તેમ ઉંહકારા કરજે, અને એક શબ્દ કે માથું હલાવીને જ જવાબ આપજે."

"કોણ છે તે કહેને? આ બધી શિખામણ કેમ, શું પોલીસ આવી છે?"

"તું જલ્દી સુઈ જા, તેઓ ઉપર આવી જ રહ્યા છે." કહીને બહેને મને સુવડાવી દીધો અને ચાદર ઓઢાડી દીધી.

દરવાજો નોક થયો, બહેને ખોલ્યા, મેં સુતા સુતા જોયું તો મને આશ્ચર્યનો આંચકો લાગ્યો, તેઓ કાવ્યાના મમ્મી-પપ્પા હતા. મેં આંખ મીંચી દીધી. કેમ અને કયા સબંધ થી કે ફક્ત પાડોશીના નાતે આવ્યા હતા? કે માં અને બહેને મળીને કોઈ ખેલ પાડ્યો છે? હું કઈ જાણતો નથી, એટલે તેમની સાથે કઈ રીતે વર્તવું તે પણ સમજાતું નથી, કશો ભાંગરો વટાઈ જાય તે કરતા બહેને કહ્યું તેમ ચૂપ રહેવામાં જ શાણપણ છે.

બહેન બોલી "આવો, આવો બેસો, ભાઈ હમણાં જ સૂતો છે."

"વાંધો નહિ, ભલે સુતા, અમે તો તેમને ફક્ત જોવા જ આવ્યા છે." કહીને કાવ્યાની માં બેડ પાસે આવી અને મારે કપાળે હાથ મુક્યો,મેં ધીરેથી આંખ ખોલી, તે હસી, ને બોલી "કેમ છો?" મેં માથું હલાવ્યું. તે બોલી "કવિતાના પપ્પા પણ આવ્યા છે." મેં તેમને પણ સ્માઈલ આપ્યું, તે પણ બેડ પાસે આવી ગયા. બહેને બે ખુરશી તેમની તરફ સરકાવી, બેસતા જ કાવ્યાના પપ્પા બોલ્યા "ઘણા દિવસથી આવવું આવવું કરતા હતા, પણ સમયનો મેળ જ પડ્યો નહિ. તમે મારે ઘેર આવ્યા હતા ત્યારે હું જે કઈ તમને બોલ્યો તે મનમાં રાખશો નહિ, મોટું મન રાખજો."

હું ધીરેથી અને અટકી અટકી ને બોલ્યો "ચાલતું રહે એ તો..."

મારી માં પણ રૂમમાં આવી ગઈ, અને મારા માથા પાસે ઉભી રહીને બોલી "તું સાજો થાય એટલે તારી અને કાવ્યાની સગાઇ કરી નાખીશું, અને એ માટે જ વેવાણ-વેવાઈ આવ્યા છે."

"હા, બસ તમે સાજા થઇ જાવ."

આ બધું શું અને કેવી રીતે થયું તે મને સમજાતું નહોતું, પણ એટલી તો ખાતરી હતી જ કે આ બધામાં માં અને બહેનનો મોટો રોલ હતો. તેના પપ્પા આગળ બોલ્યા "તમે આરામ કરો અમે નીચે બેઠા છીએ." અને મારી બહેન સામે જોઈને બોલ્યા "તું કોલેજ કેવી રીતે જાય છે? સ્કૂટર રીપેર થઈને ન આવે ત્યાં સુધી તું કવિતાનું સ્કૂટર વાપરજે. તે તેની ફ્રેન્ડ જોડે જાય છે, એટલે સ્કૂટર ફ્રી જ છે." કહીને બધા નીચે ગયા. હું ચાદર ફેંકીને ઉભો થવા ગયો ને મારી જાંઘમાં જાણે આગ લાગી હોય એમ ચચરી, ને મારા મોંમાંથી સિસકારો નીકળી ગયો. બહેન બોલી "વધારે પડતો ઉત્સાહમાં આવીને હોશિયારી ન માર, તું બીમાર તો છે જ..."

"એ બધું છોડ, એ કહે કે આ બધું કેવી રીતે થયું? અને કાવ્યા ક્યાં છે?"

"બધી જ ખબર પડી જશે, પછી આવીને કહું છું." કહીને તે ભાગી ગઈ. હું "થોભ, વાત સાંભળ.." કહેતો રહી ગયો.

હું ખુશ હતો, સાથે ચિંતિત પણ હતો કે માંએ મારી ખુશી માટે તેમની શરત માની ન લીધી હોય.. ભલે, પણ હું મારી ફેમિલીને છોડીને કાવ્યા સાથે એકલો રહેવાનો નથી, નથી જ.

થોડીવારે ફરી બહેન આવી. હવે તે ભાગી ન જાય તે માટે હું તેનો હાથ પકડી જ રાખ્યો, ને કહ્યું "બોલ હવે, મને બધું જ કહે."

"તને સારું લાગ્યું ને? તને જે જોઈતું હતું તે મળી ગયું ને?"

"હા, પણ તે માટે હું તને છોડીને નહિ જાઉં.." કહેતા હું ભાવુક થઇ ગયો.

"કેમ, મારા લગન નહિ કરાવે? ત્યારે હું આ ઘર છોડીને નહિ જાઉં?"

"એ વાત અલગ છે, પણ કોઈના કહેવાથી હું બહેન-માંને છોડી દઉં તો મને મારી જાતને પુરુષ કહેતા શરમ આવે."

"છોડ બધું, કોઈ કોઈને છોડી જતું નથી કે કોઈ કોઈને પકડી રાખી શકતું નથી. ખુશ રહે, જલ્દી સાજો થા અને કાવ્યા સાથે મજા કર.. એ પણ આવતી જ હશે."

તે સાંભળીને હું રોમાંચિત થઇ ગયો, "ક્યારે આવશે?"

"આવી જ ગઈ છે, નીચે વાતો કરે છે."

"તે મારી ખબર કાઢવા આવી છે કે માં સાથે વાતો કરવા? જા તેને ઉપર મોકલ."

અને દરવાજો નોક થયો, બહેન બોલી "લે આ આવી..ખુલ્લા જ છે, આવી જા."

અને હસ્તી, ખુશ-ખુશાલ કાવ્યા આવી, હું તેને જોતો જ રહ્યો, તે બેડ પાસે આવીને બોલી "તમે તો સાજા-નરવા લાગો છો, માં-પપ્પા તો કહેતા હતા કે તમે ખુબ બીમાર છો અને બેસાતુ, બોલાતું પણ નથી."

બહેન બોલી "સાચે ખુબ બીમાર છે, પણ આ તો તને જોઈને તેનામાં જાન આવી છે, પેલો ગાલિબનો શેર છે ને..... એવું જ...તને જોઈને તેના મોં પર રોનક આવી છે, અને તને લાગે છે કે ક્યાં બીમાર છે, સાજો તો છે.."

મારુ ધ્યાન તેમની વાતો પર જરાય નહોતું, હું તો કાવ્યાને જ જોઈ રહ્યો હતો. તે પણ વાત ભલે મારી બહેન સાથે કરતી હતી પણ તેની નજર તો મારા પર જ હતી. તે બેડ પર બેસી ગઈ અને મારી દાઝેલી જાંઘ પર હાથ મુક્યો, મારી ચીસ નીકળી ગઈ, તે ડરીને ઉભી થઇ ગઈ અને સોરી, સોરી કહીને મારા ગાલે હાથ ફેરવતી રહી. ચચરાટ સહન કરવા લાયક થતા જ હું હસીને બોલ્યો "ચાદર ઢાંકેલી છે એટલે તને જોવાયું નહિ, તારો વાંક નથી."

"તમને તો સાચે ગંભીર ઈજાઓ થઇ છે." કહેતા તે ફરી બેડ પર બેઠી. હું બહેન સામે જોઈને બોલ્યો "જા, મહેમાન છે, તેને માટે કશું લાવ." પણ બહેન ખસી નહિ, ને બોલી "નીચે તેની મહેમાની થઇ ગઈ છે, અને હું અહીંથી જવાની નથી."

કાવ્યા મારુ ટી-શર્ટ ઊંચું કરીને મારી પીઠ પર કમર પાસે પડેલા લાંબા ચીરાને જોઈને બોલી "ઘા તો ભરાઈ ગયો છે, પણ લાગતું નથી કે આ નિશાન જાય."

મને આશ્ચર્ય થયું, "તને કેવી રીતે ખબર કે મને પાછળ પણ વાગ્યું છે?"

"તમારી બધી, રજે રજ ખબર હું રાખતી હતી, તમને કશું થતું તો હું મને માફ કરી શકતી નહિ, મારે લીધે તમારું એક્સીડેન્ટ થયું છે." કહેતા કાવ્યાની આંખ ભીની થઇ.

"છોડ બધું, ભૂલી જા .. હવે તો બધું બરાબર થઇ ગયું ને?"

"બરાબર કર્યું છે, કરવામાં આવ્યું છે.." બહેન બોલી પડી.

તરત કાવ્યા બોલી "હા, અને તે અમે મળીને કર્યું છે, તેમાં તમારું જરાય યોગદાન નથી, તમે તો બધું નાહી જ નાખ્યું હતું. ટૂંકમાં એટલું સાંભળી લો કે મારે માટે તમે કશું જ કર્યું નથી, એટલે હીરો બનવાની કોશિશ ન કરતા."

"મારો ભાઈ હીરો જ છે કાવ્યા..."

"રહેવા દે, સચ્ચાઈ, પ્રોમિસ, આદર્શ, વગેરેના પૂંછડા પકડીને તે મને ભગાડી જઈ ને હીરો બનવા માંગતા

હતા. પણ તે બધું બધા સમયે યોગ્ય નથી, સમય જોઈને વ્યવહાર કુશળતા રાખવી પડે, જયારે આ ભાઈ અક્કડ જ રહ્યા."

"બહુ સારું, હમણાં હું મારો મૂડ ખરાબ કરવા નથી માંગતો. હવે મને સાફ સાફ કહો કે શું થયું અને શું કર્યું? પછી ટોણા મારજે."

બહેન બોલી "તારા એક્સીડેન્ટ પછી કાવ્યા માંને મળી હતી, અને આપણી સાથે જ રહેશે એવું કહ્યું, પણ તેના માં-પપ્પાની શરત માની લેવા માટે મનાવી લીધી. માં શરત માન્ય કરી આવી, બસ, પછી તો જે થયું તે તારી સામે છે."

"પણ વાત તો ત્યાંજ આવીને? જે હું નથી ચાહતો.."

"પણ આપણે અલગ, બીજે ઘેર રહેવા જઈશું જ નહીંને...."

"બરાબર છે, પણ ખોટું પ્રોમિસ તો કર્યુંને? તેનું શું? મારો એટલો જ વાંધો છે."

કાવ્યાએ બે હાથ જોડ્યા ને બહેન સામે જોઈને બોલી "તારા ભાઈથી તો તોબા..." અને મને કહ્યું "તો? શું કરતી? તમે તો લગન ન કરવાની કસમ ખાઈને બેસી ગયા હતા, તો મારે પણ એમ જ કરવું?"

"ના કાવ્યા, એવું નથી, તું તૈયાર નહોતી.. જો તું મને સાથ આપતી તો હું ડંકાની ચોટ પર અને આખા ગામની સામે થઈને મારી બનાવી શકું, એટલી હિમ્મત છે, મારામાં."

"અરે મારા બાપ....સીધે-સીધું મળે છે, તે છોડીને તમને વાંકું કેમ જોઈએ છે? રાજી-ખુશીથી પતતું હોય તો ભાગીને કે બળવો કરીને કેમ તમારે હીરોગીરી કરવી છે?"

"તને ભલે સીધું લાગતું હોય, પણ મારે માટે તે ચીટિંગ છે."

"તમારા પર ચીટર નું આળ નહિ આવા દઉં, બસ? હું જ કહીશ કે મને અલગ નથી રહેવું, અને જો કંપની તમને ટ્રાન્સફર કરશે તો પણ હું તો અહીં જ રહીશ, બસ? ખુશ?"

બહેન બોલી "કાવ્યાની વાત પણ બરાબર છે, તે પણ એકની એક જ દીકરી છે, ભાગીને માં-બાપને દુઃખી કરવા કરતા સહેજ જૂઠું બોલવાથી તેઓ ખુશ થતા હોય તે સારું નહિ? અને લગન પછી તેઓ ફક્ત દીકરીને સલાહ આપશે, ઝઘડવાના નથી, તેમનો સ્વાર્થ ફક્ત તેમની દીકરી ખુશ અને સુખી રહે તેટલો જ છે."

"સમજી ગયો.. હવે વાતો જ કર્યા કરશો કે મને બીજું કામ પણ કરવા દેશો?" અને બહેન ને કહ્યું "તું હવે જા..."

બહેન ઉભી થઇ, સાથે કાવ્યા પણ ઉભી થઇ, મેં તેનો હાથ પકડીને બેડ પર બેસાડી દીધી. બહેન અમને એકલા છોડીને જતી રહી. હું કાવ્યાના ખોળામાં સુઈ ગયો. તેના હાથ મારા વાળમાં અને હોંઠ મારા મોં પર ફરી રહ્યા હતા. મારા બંને પગ કશા કામના નહોતા, પણ બેશરમ કાવ્યાએ બધું સાંભળી લીધું, ને તે મને સ્વર્ગમાં ફેરવી આવી. મારી જાંઘ નો ઘા ફરી ખુલ્લો થયો હતો, પણ તેનો ચચરાટ મારે માટે કોઈ વિસાતમાં નહોતો.

બહેને બારણું ખખડાવ્યું ત્યારે અમે જાગ્યા, બહેન રૂમમાં આવતા જ બોલી "કાવ્યા, હવે તું અહીં આવીશ નહિ, આમ તો ઘા રૂઝાશે જ નહિ, તે સાજો ક્યારે થશે?" કહીને હસી. કાવ્યા વાળ અને કપડાં સરખા કરતી બોલી "આવીશ...હું તો રોજ અને દિવસમાં ત્રણ વાર આવીશ.. તારાથી થાય તે કરી લેજે..." કહીને તે નીચે ભાગી ગઈ.

-------- બાકી છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED