અસ્મિતા આવી ગઈ અને એટલે જ અથર્વ અને નિયતી શાંત થઈ ગયા અને કદાચ મગજના વિચારો પણ. બીજા દિવસે સાંજે નિયતી નિત્યક્રમ મુજબ બગીચામાં ચાલવા નીકળી પણ આજે અસ્મિતાનો સાથ નહોતો એટલે એ કુદરતને જોઈ રહી હતી. એકદમ પરમ શાંતિ હતી પવનના લીધે હાલતા પાંદડાનો અવાજ પણ સંભળાય! પંખીઓનો કલરવ વાતાવરણને મધુર બનાવી રહ્યો હતો. આબાલ વૃદ્ધ બધાં ધીમેથી વાત કરતા હતા. અસ્મિતા ખાખરા બનાવવાની ફેક્ટરી જોવા ગઈ હતી અને એટલે જ એ નિયતીની સાથે નહોતી. કદાચ એનું નિયતી સાથે ના હોવું એની નિયતિમાં લખાયું હોય! અથર્વ પણ યોગાનુયોગ ત્યાં જ હતો. એને તો દરેક વીક એન્ડની આદત હતી. એક વૃદ્ધા અથર્વ ની પાસે આવી બોલ્યા "બેટા, તું છે તો હું ચાલી શકું છું નહીતો મને લકવા થયા બાદ મારા પુત્ર અને વહુ એ તો મને.. . અને રડી પડ્યા. " તમે પણ મારી મા જ છો ને અને તમારે નહીં તમારા છોકરાએ રડવું જોઈએ કારણ કે એમને વડીલની છત્રછાયા ગુમાવી છે તમે કશું નથી ગુમાવ્યું. ઊલટું તમને એક શહેર વધારે ફરવા મળ્યું એવું વિચારવાનું. " અથર્વએ હસાવવાની કોશિશ કરતાં કહ્યું. " હંમેશા ખુશ રહે મારા દીકરા, તારા વહુ અને છોકરા હંમેશા સાજા રહે. અને એમને કોઈ દુખનો દિવસ ના જોવો પડે. "માજીએ અથર્વના માથે હાથ મૂકતા કહ્યું. અને અથર્વ બોલે કે એ હજી કુવારો છે એ પહેલાં ચાલવા લાગ્યા. અથર્વ વિચારવા લાગ્યો કે જે લગ્ન કરે છે એમાંથી કેટલા બધાના આવા હાલ થાય છે તો કોઈ પર્ફેક્ટ પાર્ટનર ન મળે ત્યાં સુધી કુવારુ રહેવું જ સારું છે. એટલામાં નિયતી ત્યાં આવી. "કેમ ભગવાન બુદ્ધની જેમ ધ્યાનમગ્ન થઈ બેઠા છો શું થયું એકદમ?"
"કાંઈ નહીં એમ જ.. કેમ આજે એકલી છે? અસ્મિતા નથી સાથે? " " એ વેલકમ હોમ જોવા નીકળી છે.. . " " ઓકે. તુ સાચું કહેતી હતી? આદર્શ ગમે તે કરી શકે? " " હા હું એની રગેરગથી વાકેફ છું. કેમ? શું થયું અચાનક?"
"મને શક થાય છે કે આદર્શે જ કદાચ પ્રતિકા વાળી ચાલ રમી હોય? વાસ્તવમાં એવું કાંઈ હોય જ ના ઓમને?"
"હા શક મને પણ જાય છે પણ અસ્મિતા આપણી વાત સાંભળશે નહીં, વિશ્વાસ નહીં કરે. "
"આપણે કોઈ ઠોસ સબૂત સોધીએ તો?" અથર્વે કહ્યું.
"આપણે કોઈ પોલીસ કે જાસૂસવાળા તો નથી ને! "
"હા પણ કોશિશ કરવામાં શું જાય છે? કદાચ સફળતાનું કોઈ તણખલું આ દરિયો પાર કરવામાં મદદ કરે?"
"ઓકે પણ કરીશું કેવી રીતે?"
"હું પણ એ જ વિચારું છું તું પણ વિચાર. નવરાત્રિ નજીક છે. દિવાળી પર કદાચ અસ્મિતાની જીંદગી પાછી રોશનીથી ભરાઈ જાય.. . "
" હા સાચી વાત છે. "
***
અસ્મિતા ખાખરા બનાવવાની ફેક્ટરી જોઈને એટલી થાકી ગઈ હતી કે પલંગમાં પડી ત્યાં જ સૂઈ ગઈ.
અચાનક અડધી રાતે એ સફાળી બેઠી થઈ ગઈ અને બેસિનમાં જઈ મોઢા પર પાણી નાખવા માંડી. 'આવું કેવી રીતે શકય છે?' અસ્મિતાને સ્વપ્ન આવ્યું કે એ લગ્નના જોડા એટલે કે પાણેતરમા બેઠી છે અને એના લગ્ન થઈ રહ્યા છે. '"મારે ફરી એ જીવનમાં પાછું ફરવું જ નથી. જિંદગી કેમ મને ફરી એ જીવનમાં ધકેલવા માંગે છે? એકવાર સીતમાતાને અગ્નિપરીક્ષામાં કોલસો અડકી શકે પણ હું એ જીવનમાં પાછી ફરવાની નથી!" અસ્મિતા મનમાં બબડતી હતી કારણકે એને માત્ર અધૂરી સચ્ચાઈ ખબર હતી. કદાચ જિંદગી એણે પૂરી સચ્ચાઈ બતાવવા માંગતી હોય!!!
જોતજોતામાં નવરાત્રિ આવી ગઈ. આજે પહેલું નોરતું હતું. વેલકમ હોમમાં બધા તહેવાર ધામધૂમથી ઉજવાતા હતા. અસ્મિતાની મંદિરમાં આવવાની કોઈ ઈચ્છા નહોતી પણ અથર્વ અને નિયતીનું માન રાખવા એ નીચે આવી. આરતી હમણાં જ પતી હતી અને અસ્મિતા પ્રાર્થના કરી રહી હતી. ત્યાં અચાનક એની પર એની પર પાણેતર પડયું.. . !! અસ્મિતા એકદમ ચોકી ઊઠી. આ શું છે? અને તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. "અત્યારે લઈ લે હું પછી સમજાવું છું" અથર્વ ધીમેથી બોલ્યો. ત્યાં બીજા બે પાણેતર ઉછળ્યા અને પછી બધા એક એક કરી ગરબા કરવા રવાના થયા. ત્યાં અસ્મિતાએ ફરી પૂછ્યું એટલે અથર્વે કહ્યું "આ સંસ્થાના મુખ્ય છે અને દર વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે અહીં આવે છે અને દસ દિવસ અહીં જ રહે છે. તેઓ માતાજીમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે અને દર વર્ષે પહેલી આરતી પછી ત્રણ પાણેતર ઉછળે છે અને તેમની શ્રદ્ધા છે કે તેમનું લગ્ન બહુ જલ્દી થઈ જાય છે. એ માતાજીનો પ્રસાદ માનવામાં આવે છે તું નસીબદાર છે " અને અથર્વ ચાલ્યો ગયો. અસ્મિતા તેને મળતા સંકેતોથી પરેશાન હતી. આ શું થયા કરે છે મારી સાથે! તે દિવસે રાત્રે સપનામાં હું લગ્ન વેદીમાં બેઠી હતી અને આજે આ માતાજીનો સોભાગ પણ મારી પાસે આવ્યો. આ બધું કોઈન્સીડંસ છે કે કોઈ સંકેત! પણ લોકોના આગ્રહથી એણે આ સોભાગ સ્વીકારે જ છૂટકો હતો. આજે વેલકમ હોમમા નવરાત્રિ નિમિતે સુધા દેવી નામના બેન આવ્યા હતા. એ કોઈ સાધ્વી કે સન્યાસી નહોતા પણ છતાં લોકોમાં એમનું ખૂબ માન હતું. અસ્મિતા તેમને મળી અને પગે લાગી તો તેમણે કહ્યું, "અખંડ સૌભાગ્યવતી". આ સાંભળી અસ્મિતા તરત ઉભી થઈ ગઈ અને કહ્યું ના ના હું વિવાહિત નથી! "તો આ બાળક કોનું છે!"સુધા દેવીએ પૂછ્યું. " ના એટલે પહેલા લગ્ન થયા હતા પણ હવે.. " અસ્મિતા નીચું જોઇ રહી. " એટલે તું વિધવા છે? " " ના ના.. " અસ્મિતા તો ઓમના મૃત્યુના વિચારથી જ ચોંકી ગઈ.. "હશે પણ કોણ જાણે મારાથી આ આશીર્વાદ અપાઈ ગયા.. " સુખી રહેજે "કહી સુધા દેવી ગયા..
આદર્શના ઘરની ડોરબેલ વાગી. આદર્શે જોયું તો નિયતિ ઉભી હતી.. આદર્શ નિયતિને જોઈ એક્દમ આશ્ચર્યમા પડી ગયો. " નિયતિ! આવ આવ.. અંદર આવ! "કહી અંદર ગયો. નિયતિ મનમાં વિચારતી હતી કે આદર્શ આટલો કઈ રીતે નીચ થઈ શકે! આટઆટલું થઈ ગયું છતાં મને કેટલું પ્રેમથી આવકારે છે! તે અંદર ગઈ અને દરવાજો ખુલ્લો રહ્યો. આદર્શ તો નિયતિને જોઈને ભાન ભૂલ્યો હતો. પણ જે હોય એ નિયતિ હજી એટલી જ સુંદર છે એમ વિચારી નિયતિ એને ના જોવે એ રીતે એને જોઈ રહ્યો હતો. "કેમ અહીં આવી છે નિયતિ?" એણે પૂછ્યું.. "આ ડાઇવોર્સ ના પેપર પર તારી સહી લેવા!" નિયતિએ કહ્યું. "નિયતિ તારે નથી લાગતું આપણે હજુ એક વાર વિચારવું જોઈએ?" આદર્શ નિયતિનો હાથ પકડવા જતો હતો પણ નિયતિએ હાથ દુર લઈ તરત જ કીધું "ના મને બિલકુલ નથી લાગતું આદર્શ!" "નિયતિ મારી વાત તો સાંભળ! આપણે ફરી એક નવી શરૂઆત કરીએ! મને એક મોકો તો આપ!" આદર્શ બોલ્યો. "જો આદર્શ હું અસ્મિતા નથી નિયતિ છું!" નિયતિ ઉભી થઈ ગઈ. મને આ પેપર પર સહી અને સાત લાખ રૂપિયા તૈયાર જોઈએ કાલ સુધીમાં " " શેના સાત લાખ?! "આદર્શ એક્દમ નવાઇથી બોલ્યો.. " મારા અને સમીરના ભરણપોષણના! તને તો ખબર જ હશે આજકાલના કાયદા! " આદર્શ આભો બની ગયો.. અને પછી બોલ્યો," એક મિનિટ.. એક મિનિટ.. તું હમણાં અસ્મિતા બોલીને!? " " હા.. અસ્મિતા જ કહ્યું મેં.. એજ અસ્મિતા જેની સાથે તું લગ્ન કરવાનો હતો અને એ પણ મારી સાથેના લગ્ન તોડયા વગર! તારાથી નીચ માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો આદર્શ! " નિયતિ મો બગાડતા બોલી.. " ક્યાં છે અસ્મિતા? શું કરે છે એ.. "આદર્શે પૂછ્યું.. " શટ અપ.. આદર્શ.. તે એની સાથે જે કર્યું એ પછી તને એ પૂછવાનો હક જ નથી અરે તને તો જીવવાનો જ કોઈ હક નથી.. "નિયતિએ ગુસ્સામાં કહ્યું.. " નિયતિ ચૂપ થઈ જા. " આદર્શ રિતસર બરાડયો! "બૂમો પાડવાથી કઈ નઈ થાય આદર્શ! તે જે કાંઈ અસ્મિતા સાથે કર્યું છે એ બદલ એ બિચારી તો કદાચ તને માફ કરી દે પણ હું નઈ જ કરુ.. હું બધી સચ્ચાઈ જાણું છું આદર્શ! અને હું પોલીસમાં જઈને બધું સાચે સાચું કહી દેવાની છું અને હું કહીશ તો અસ્મિતા પણ ગવાહી આપશે જ!" આદર્શના હોશ ઉડી ગયા. તેને પરસેવો વળી ગયો. "હું તને જેલના સળિયા પાછળ ધકેલીને જ રહીશ. " નિયતિના શબ્દો એના કાનમાં ગુંજતા હતા.. "મારી વખતે તો હું ચૂપ રહી ગઈ પણ આ વખતે નઈ.. " નિયતિએ આદર્શ સામે આંગળી ચીંધીને કહ્યું. એને જોઈને આદર્શને સ્પષ્ટ લાગ્યું કે એ જે કાંઈ કહી રહી છે એ કરીને જ જમ્પશે.. આ પેપર અને સાત લાખ તૈયાર રાખજે આદર્શ અને હા જેલ તો તું જવાનો જ છે! "નિયતિ.. " કહી આદર્શ એના પર પ્રહાર કરવા જતો હતો.. ત્યાં જ નિયતિ ખસી ગઈ અને દીવાલ તરફ ગઈ.. "તું જીવીશ તો મારી પાસે થી સહી અને સાત લાખ લઈશ અને મને જેલ ભેગો કરીશ ને!" કહી આદર્શ નિયતિનું ગળું દબાવા લાગ્યો અને નિયતિ છુટવા પ્રયાસ કરવા લાગી પણ આદર્શ એ ખૂબ મજબૂત રીતે પકડેલું હતું.. પણ એટલામાં જ એના પેંટ પર એક બાળકનો હાથ પડ્યો અને એણે જોયું તો એ સમીર હતો! એને જોઈ એની પકડ એક્દમ ઢીલી પડી ગઈ અને નિયતિ તરત છટકી ગઈ! આદર્શ નું ધ્યાન હજી પણ સમીરમાં જ હતું. એ એને લેવા ગયો ત્યાં જ નિયતિએ એને લઈ લીધો. "ખબરદાર! જો એનો હાથ પણ પકડયો છે તો!" નિયતિએ કહ્યું.. "તારી હિંમત તો બહુ વધી ગઈ છે નિયતિ! અહીં હતી તો એક શબ્દય મારી સામે બોલતા વિચારતી અને હવે.. " કહી આદર્શ ફરી હાથ ઊગામવા જતો હતો. ત્યાં એનો હાથ કોઈએ પકડી લીધો એ અથર્વ હતો.. એણે આદર્શનો હાથ જોરથી મરડી અને એને ધક્કો માર્યો. આદર્શને ખરેખર બહુ દુખ્યું હતું.. એટલામાં એ બેસી ગયો અને બોલ્યો, "કોણ છે તું?" "એ તારે જાણવાની જરૂર નથી આદર્શ!" નિયતિ એ કહ્યું.. "નિયતિ ચાલ આપણું કામ થઈ ગયું છે!" અથર્વએ કહ્યું.. "કામ શું કામ?" આદર્શે બેઠા બેઠા પુછ્યું. પછી અથર્વએ એને મોબાઈલમાં વિડિયો બતાવ્યો એ જોઈ આદર્શની આંખો પહોળી થઈ ગઈ. એમાં એણે નિયતિને મારવાના જે પ્રયત્નો કર્યા હતા, એનું ગળું પકડયું હતું, દબાવ્યું હતું.. એ બધું જ સ્પષ્ટ દેખાતું હતું.. નિયતિ જાણી જોઈને જ દિવાલ તરફ સરકી હતી અને આ બધો અથર્વનો જ પ્લાન હતો! એણે બરાબર સમયેજ સમીરને પટાવીને મોકલ્યો હતો જેથી નિયતિ છટકી જાય! "જો આદર્શ તારા બધાં કાળા કામો આમા કેદ છે.. " નિયતિના ગળા પર નિશાન પણ પડી ગયું હતું.. પણ આદર્શ હજી પણ સમજી શક્યો નહોતો કે નિયતિ કેમ આવું કરી રહી છે!
- અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ