આખરી શરૂઆત - 8 ત્રિમૂર્તિ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આખરી શરૂઆત - 8

( ગયા ભાગમાં આપણે જોયું કે ઓમને જોવા છોકરીવાળા આવવાના હોવાથી તે ઘરે જાય છે અને નિકિતા નામની યુવતી તેને જોવા આવે છે. રવિવારે ઓમ જાગૃતિબેનને લઈને મંદીર જાય છે ત્યારે છોકરી વાળાનો ફોન આવે છે અને એમની હા હોય છે આ જ સમયે અસ્મિતાનો ફોન પણ ચાલુ જ હોય છે અને તે આ વાત સાંભળી ફોન કટ કરી દે છે! હવે આગળ )

ઓમ હેલ્લો.. હેલ્લો કરતો રહ્યો પણ સામેથી ફોન કટ થઈ ગયો હતો. ઓમને મમ્મીનો અવાજ સંભળાતા એ પણ દર્શન કરવા માટે અંદર ગયો. ઓમ એ વાતથી અજાણ હતો કે અસ્મિતા જાણી ગઈ છે કે છોકરીવાળાની હા છે.

બીજી તરફ અસ્મિતાના કાનમાં એ જ શબ્દો ગુંજતા હતા'એ લોકોની હા છે.. એ લોકોની હા છે..'તદુપરાંત ઓમની વાતો પરથી પણ એમ જ લાગતું હતું કે ઓમ પણ આ છોકરી સાથે સાત ફેરા ફરી લેશે.એનું મગજ સૂન્ન મારી ગયું. એ થીજી ગઈ એના હોશ-હવાશ ઉડી ગયા. એ પલંગ પર રીતસરની બેસી પડી. 'આ શું થઈ ગયું. હજુ જીવનમાં પહેલી વાર તો મને પ્યારનો અહેસાસ થયો અને પ્રેમનું વૃક્ષ ઉગતા પહેલા જ સુકાઈ ગયું!! ઓમ જો હા પાડી દેજે તો?? કાંઈ નહીં મારો પ્રેમ તો જીવંત રહેશે ને!ઓમ એની સાથે અરેન્જ મેરેજ કરી ખુશ તો રહેશે ને..

સામાન્ય રીતે જેમ આપણી સાથે થતું હોય એવું જ અસ્મિતા બે બાજુના વિચારવા માંડી એક બાજુ એવું થતું કે ઓમ પ્રત્યેનો પ્રેમ સાચો નથી એ માત્ર આકર્ષણ છે તો બીજી તરફ એમ લાગતું કે આ સાચો પ્રેમ છે આ વાત ઓમને કરી દેવી જોઈએ. આવા વિચારોમાં અસ્મિતાનું મગજ ફાટવા માંડ્યું. એ ઓમને આટલી જલ્દી ગુમાવવા નહોતી માંગતી. એટલામાં એની બારીમાંથી વરસાદની વાંછટ એના પર પડવા માંડી. એ એની આદત પ્રમાણે ઘરની ઓપન ગેલેરી તરફ પલળવા દોડી ગઈ, એનું મન નહોતું છતાં! એની ઉપર પડીને નીચે જતું પાણી વધારે ખારૂ થઈને પડતું હતું... જોત જોતામાં વરસાદ પણ ધીમે થઈ થોડીવારમાં અટકી ગયો અને મગજના વિચારો પણ શાંત થઈ ગયા. કારણ કે એને નક્કી કરી લીધું કે એક વખત કહી જોવામાં શું જાય છે આખી જિંદગી પસ્તાવુ એના કરતાં એક વખત કહી દેવું સારું! ભલે ઓમ પ્રેમ ના કરે હું તો કરું છું ને..ઓમ પણ ઘરે પહોંચ્યો એણે મમ્મીએ રસ્તામાં જ કહ્યું હતું કે "એમનો જવાબ આવી ગયો છે તું પણ કાંઈક વિચાર આપણે એમને જવાબ આપવો પડશે. એ પણ ઘરે જઈ વિચારવા માંડ્યો નિકિતા દેખાવમાં સારી છે, ભણતર સારું છે પણ એનો પહેરવેશ અને એની બોલચાલની રીત એણે ખટકતી. નિકિતાએ ટી-શર્ટ અને કેપરી પહેરી હતી ટીશર્ટ સ્કિનટાઇટ હોવા ઉપરાંત રંગ પણ વિચિત્ર હતો. 'એટલી સેન્સ તો હોવી જોઈએને પ્રથમ મુલાકાતે આવા કપડાં ના પહેરાય.નિકિતા અત્યારથી ઓમને તુંકાર કરતી હતી તેની સામે અસ્મિતા હજુ પણ ઓમને ભાગ્યે કોઈ વાર 'તુ'થી બોલાવતી. એટલી પણ સમજ નથી પડતી.એટલામાં ડિનર માટે મમ્મીએ બુમ પાડી ત્રણેય જમતા હતા, જમતા જમતા જાગૃતિબેને વાત છેડી " તારી ઉંમર થઈ ચૂકી છે અને રિંકલ પણ 19 વર્ષની થઈ છે તું પરણે તો ત્રણ વર્ષમાં એના માટે શોધી લેવાય બંનેના લગ્ન થઈ જાય પછી ઉપરથી બુલાવો આવે તો પણ હસતા મોઢે.." જાગૃતિબેન કાંઈ બોલે તે પહેલાં જ ઓમે એમનું મોઢું દબાઈ દીધું."હવે આગળ એક શબ્દ નહી, આવી અશુભ અશુભ વાતો કરે છે હજુ તો તારે મારા પૌત્ર-પૌત્રીને જોઈને જ જવાનું છે.બધા ફરી જમવા માંડયા.

ઓમે થોડી વાર ન્યૂઝ ચેનલ ચાલુ કરી એનું મન ન લાગતા રૂમમાં જઈ પલંગ પર સૂઈ જવાની કોશિશ કરવા લાગ્યો. એ જ્યારે પણ નિકિતા વિશે વિચારતો ત્યારે ત્યારે એ અસ્મિતા અને નિકિતાના સ્વભાવની સરખામણી કરતો. ઓમ હા પણ તરત ન પાડી શકે અને ના પણ નહીં. આખી રાત એ પડખા ઘસતો રહ્યો.આ તરફ અસ્મિતાની હાલત પણ કાંઈક એવી જ હતી. રાત્રે પપ્પા-મમ્મી જમવા મિત્રના ઘરે ગયા હતા. આકાશને ઈટાલિયન ખાવાનું મન થતાં અસ્મિતાએ રૂપિયા આપી બહાર મોકલી દીધો. એ ત્યારબાદ કાંઈ ખાધા વગર જ પલંગ પર સૂવાની કોશિશ કરવા માંડી,પણ આખી રાત એ સૂઈ ના શકી ઊંઘે પણ ક્યાંથી? જેવી આંખ બંધ કરે ત્યાં જ ઓમનો ચહેરો સામે આવી જતો અને યાદોમાં ઓમસાથે બનેલ ઘટના પીછો ના છોડતી,એને દિલમાં તીર ભોકાતા 'હા'ના. માંડ સાડા ચારે આંખ મિચાઈ એટલે સવારે સાત વાગવા છતાં એ ઊઠી નહી.

સાડા-સાતે ઊઠી હોવાથી એટલે સવારે નાસ્તો કર્યાં વગર નીકળી ગઈ.નિર્મિતા આંટીની એક વાત ન સાંભળી અને કીક મારી નીકળી ગઈ. એણે રસ્તામાં અશક્તિ જેવું લાગતું હતું પણ ગણકાર્યા વગર સ્ટેશન ગઈ.દુકાળમાં અધિક માસ જેવું ટ્રેન આવવાને અડધો કલાક વાર હતી. પળે-પળ અસ્મિતાના ધબકારા વધતા જતા હતા. એના માટે એક એક સેકંડ કિમતી હતી. એણે એવું લાગતું હતું કે ક્યાંક ઓમ નિકિતાને હા ન પાડી દે.! ટ્રેન આવતા એ વિનાશ કાળે વિપરીત બુદ્ધિની માફક ટિકિટ લેવાનું ભૂલી ગઈ અને આજે જ ટિકિટચેકર આયો. એક પછી એક અસ્મિતા માટે મુસીબત વધતી જતી હતી એ કાળને દોષ આપ્યા સિવાય કાંઈ કરી પણ ન શકે! હજુ એની મુસીબતો વધવાની બાકી હતી. સુરત આવ્યા બાદ એણે રીક્ષા ના મળી. ઘડિયાળ સાડા-અગિયારનો સમય દર્શાવી રહી હતી, એટલે ખુદ્દારી છોડી લિફ્ટ માંગવાનુ વિચારે છે એ હાથ કરી ગાડી રોકવાનો પ્રયાસ કરતી પણ કોઈ ગાડી ઉભી ન રહેતી. ઘણી રાહ જોયા બાદ એક કાર આવીને ઊભી રહી. "Wanna lift?" "એટલે જ તો ઉભી છું.""બેસો" અસ્મિતા પાછળનો દરવાજો ખોલવા જતી હતી ત્યાં જ પેલા યુવકે કહ્યું "હું તારો ડ્રાઇવર નથી" આખરે અસ્મિતાએ બાજુની સીટ પર બેસવું પડયું. ગાડીમાં રેડિયો ચાલુ હતો. 'ક્યાં હુંઆ.. કેસે હુંઆ..?? નું ગીત ચાલતું હતું અસ્મિતાએ કોઈ પણ બટન દબાવ્યું ત્યાં બીજું ગીત ચાલુ થયું"ક્યા હુઆ તેરા વાદા તૂટેગા ઈસ તરહ સોચા ન થા" ફરી બટન દબાવ્યુ ત્યાં " યે ક્યા સિતમ હુઆ યે ક્યા ગજબ હુઆ " હજુ બટન દબાવે ત્યાં જ "રહેવા દો હું બંધ કરી દઉં છું" અને પછી મનમાં બબડ્યો'કોની જોડે પાલો પડ્યો છે?' "રોકો.. રોકો" "સોરી મારો ઈરાદો એવો નહોતો. " "મારે ઉતરવાનું આઈ ગયું અને હા થેન્ક યુ" અને અસ્મિતા એ યુવકનું વેલકમ સાંભળવાય ન અટકી.

ઑફિસમાં જઈ સીધી ઓમની કેબિનમાં ઘુસી પણ ઓમ હજુ આવ્યો નહોતો. 'ગયા હશે બંને નવયુગલ કશે!' મનમાં બબડી. અસ્મિતાએ ફોન લગાવ્યો પણ ઓમ ડ્રાઇવિંગ કરતો હોવાથી નહોતો ઉપાડ્યો. અસ્મિતાને બહુ જ ગુસ્સો આવ્યો. 'ક્યાક હું મોડી તો નથી પડી ને!! હું ઓમ નામની ટ્રેન ચૂકી તો નથી ગઈ ને...' હજારો વિચારો અસ્મિતાને ઘેરી વળ્યા ત્યાં જ કેબિનનો દરવાજો ખુલ્યો. ઓમ અંદર દાખલ થયો " ઓહ તું અહીં? કાંઈ કામ હતું? બેસવું તો હતુ ને.. હજુ કઈ આગળ બોલે તે પહેલાં જ અસ્મિતા ઓમને વળગી પડી.ઓમ અસ્મિતાના અચાનક આવા વર્તનથી ચોંકી ઉઠ્યો. ઓમે તેને અલગ કરી પૂછ્યું "અસ્મિતા શું થયું અસ્મિતા?" ઓમનો શર્ટ ભીનો થઈ ગયો હતો. અસ્મિતા હજુ રડી રહી હતી. ઓમે બંને હાથ અસ્મિતાના ખભે મૂકી કહ્યું "અસ્મિતા કાંઈક તો બોલ આમ કેમ રડ્યા કરે છે? "અસ્મિતા ફરીથી ઓમને વળગી પડી. "ઓમ આઈ લવ યુ" આ વખતે અસ્મિતા ઓમને વધુ જોરથી વળગી પડી.... ખુદ એણે પણ અહેસાસ નહોતો કે તે શું કરી રહી હતી “ઓમ આઈ લવ યુ, આઈ લવ યુ ઓમ” એમ એ હજી બે-ત્રણ વાર બોલી પડી અને તેના આંસુ હજુ સુકાતા નહોતા. બે-ત્રણ મિનિટ બંને આમ જ ભેટી રહ્યા.ઓમને સહેજ વાર પછી ભાન થતાં તેને અસ્મિતાને અલગ કરી પણ આ શું? તે કઈ બોલે તે પહેલાં જ અસ્મિતાને ચક્કર આવવા લાગ્યા તે માથે હાથ રાખી રહી હતી,તરત જ ઓમે તેણે પકડી લીધી. “અસ્મિતા... અસ્મિતા આ શું થાય તને?...”ઓમ સહેજ ગભરાઈ ગયો. તેણે તરત અસ્મિતાને ચેર પર બેસાડી. અસ્મિતાએ જ્યારથી જાગૃતિબેનના શબ્દો સાંભળ્યા ત્યારથી બે ઘૂટડા પાણી સિવાય કાંઈ નહોતું ખાધું-પીધું એટલે આમ થવું સ્વાભાવિક હતું. “અસ્મિતા.. અસ્મિતા.. ઉઠ.. ઉઠ.” ઓમે ટેબલ પરથી પાણી લઈ તેના પર છાંટયું. અસ્મિતા હજી પણ ભાનમાં નહોતી આવી. ઓમે થોડું વધારે પાણી છાંટયું અને તેના હાથ ઘસ્યા ત્યારે થોડી વાર બાદ અસ્મિતા હોશમાં આવી. એણે આંખો ખોલી બંનેની આંખો મળી પણ બંનેએ તરત ફેરવી લીધી. ઓમે અસ્મિતાનો હાથ છોડ્યો, ઘૂંટણિયે હતો તે ઊભો થયો. અસ્મિતા ઉભી થઈ ધીમેથી ચાલી કાંઈ પણ બોલ્યા વગર ઓમની કેબિનમાંથી બહાર નીકળી પોતાની ડેસ્ક પર બેસી ગઈ. ઓમ અસ્મિતા જ્યાં સુધી બરાબર ડેસ્ક સુધી ના પહોંચે ત્યાં સુધી એની પાછળ ચાલ્યો. અસ્મિતા ડેસ્ક પર બેસી અને પછી જ ઓમ પાછો વળ્યો એ અસ્મિતાએ જોયું. અસ્મિતા વિચારી રહી હતી કે પોતે આ શું કરી બેઠી! એણે મનમાં અજીબ ફીલિંગ્સ આવવા લાગી ઓમ શું વિચારતા હશે?

આ બાજુ લંચ ટાઈમ થઈ ગયો હતો. ઓમ કેન્ટીન પહોંચ્યો ત્યાં પ્યૂન ટિફિન આપી ગયો અને કહ્યું કે અસ્મિતા મેડમએ મોકલ્યુ છે. ઓમ ખૂબ સમજદાર હતો તે તરત સમજી ગયો કે અસ્મિતાએ કેમ પ્યૂન પાસે ટિફિન મોકલ્યું. તેણે પણ હજી અસ્મિતાના શબ્દો જ યાદ આવતા હતા. તે પણ અસ્મિતાના વિચારોમાં ખોવાઈ ગયો. અસ્મિતા સાથેની પ્રત્યેક ક્ષણ એણે યાદ આવવા લાગ્યા.એનું હૃદય વલોવાઈ રહ્યું હતું. એણે પણ અસ્મિતાની જેમ જ વિચારોનો ચક્રાવાત અનુભવી રહ્યો હતો સાથે તેણે અસ્મિતાની ચિંતા પણ થઈ રહી હતી.લંચ બાદ ઓમ પોતાની કેબિનમાં ગયો જતાં- જતાં અસ્મિતાની ડેસ્ક પર પણ નજર નાંખી અસ્મિતા હોશમાં હોવા છતાં બેહોશ હતી. ઓમ ત્યાથી પાછો વળી ગયો.

જવાના સમયે ઓમે આદત મુજબ મિસકૉલ માર્યો. અસ્મિતાનું પણ કામ પતી ગયું હોવાથી તે પણ પાર્કિંગમાં આવી ગઈ.છેવટે બંને ગાડીમાં બેઠા. ચોમાસુ બેસી હોવાથી વરસાદ પૂરજોશમાં તૂટી પડયો. ગાડીમાં ન કાંઈ ઓમ બોલી રહ્યો હતો અને ન કઈ અસ્મિતા. અચાનક રેડિયો પર ગીત શરૂ થયું" બાહો કી દરમિયા દો પ્યાર મિલ રહે... "ઓમ અને અસ્મિતા બંને સ્તબ્ધ થઈ ગયા પણ કોઈ કાંઈ બોલ્યું નહીં. ધોધમાર વરસાદના કારણે માણસોની ચહલપહલ ખૂબ ઓછી હતી અને પાણી પણ ભરાઈ ગયા હતા.

અચાનક અસ્મિતા બોલી ગાડી રોકો ઓમ ગાડી રોકો... ઓમે તરત ગાડી રોકી. એણે થયું આટલા વરસાદમાં તો શું કામ હશે?અસ્મિતા બહાર નીકળી પલળવા માંડી. ઓમને થયું કાંઈ કામ હશે પણ એને પાછળ જોયું તો એ પલળતી હતી ઓમ એની પાસે ગયો.બંને પલળી રહ્યા હતા. ઓમને અચાનક યાદ આવ્યું કે અસ્મિતા સવારે બેભાન થઈ ગઈ હતી અને ધ્રુજતી હતી અત્યારે જો પલળશે તો વધારે... "અસ્મિતા અસ્મિતા આ શું કરે છે?ચાલ ગાડીમાં." પણ અસ્મિતા કઈ સાંભળવા તૈયાર નહોતી. ઓમ અસ્મિતાનો હાથ પકડી ગાડી તરફ લઈ જવા લાગ્યો. પણ અસ્મિતાએ હાથ છોડાવ્યો અને પાછી પલળવા લાગી. વરસાદ ખરેખર ખૂબ તેજ હતો. "અસ્મિતા ચાલ ગાડીમાં નહી તો..." "નહીતો શું??" "તું સવારે પણ બેભાન થઈ ગઈ હતી અને ધ્રુજતી પણ હતી અને અત્યારે આમ પલળવુ તારા માટે સારું નથી." "તમને કેમ મારી આટલી ચિંતા છે ઓમ?" અસ્મિતા હવે જોરથી અને જુસ્સાથી બોલી રહી હતી. તેની બંને આંખો ઓમની આંખોમાં હતી " બોલો કેમ આટલી ચિંતા છે મારી?" "બીકોઝ યુ આર માય ફ્રેન્ડ અસ્મિતા" ઓમ નજર મેળવી રહ્યો નહોતો. અસ્મિતાએ ફરી જોરથી કહ્યું" કયો દોસ્ત આટલી ચિંતા કરે છે બીજા મિત્રની?આજે હું ડેસ્ક સુધી પહોંચી કે નહીં તે જોવા કેમ આવ્યા હતા? બપોરે લંચ પછી પણ મારી ડેસ્ક તરફ કેમ ડોકિયું કર્યું હતું?તમને શું લાગે છે મને ખબર નથી? " " અસ્મિતા સાંભળ " ઓમ કાંઈ બોલે એ પહેલાં જ અસ્મિતા ફરી વરસી પડી." શું કામ હું બેહોશ થઈ ત્યારે તમે એકદમ ઘભરાઈ ગયા હતા?" "એ તો.." "કેમ જ્યારે હું ભાનમાં આવી ત્યારે જ તમે રાહત અનુભવી?" ઓમ કાંઈ બોલે એ પહેલાં જ અસ્મિતા બોલી પડતી. તે ઓમને બોલવા જ નહોતી દેતી. ઓમ વધારે ને વધારે વ્યાકુળ થઈ રહ્યો હતો. અસ્મિતા હજુ ચાલુ જ હતી. "કેમ મારા પ્રમોશન વખતે મારા કરતાં પણ વધારે તમે ખુશ હતા? તમારું પ્રમોશન માત્ર વીસ દિવસ માટે રહી ગયું એનું જરાય દુઃખ નહીંને મારા પ્રમોશનની આટલી ખુશી કેમ?? કેમ દર વખતે મારી ટ્રેન જાય પછી જ તમે નિકળતા? તે દિવસે આદર્શ પણ ત્યાં ઊભો હતો એ પણ મારો ફ્રેન્ડ છે તો પણ મારા ધ્રુજવાની ચિંતા ખાલી તમને જ કેમ થઈ? બોલો આટલી ચિંતા.. આટલી કેર? શા માટે?... ? અસ્મિતા હજુ બોલવા જ જતી હતી ત્યાં " બીકોઝ આઈ લવ યુ " ઓમ જોરથી બોલ્યો અને ઓમે અસ્મિતાના ખભા જોરથી પકડ્યા અને કીધું" સાંભળ્યું તે? આઈ રિયલી રિયલી લવ યુ " અસ્મિતા આગળ બોલવા જ જતી હતી અને અટકી ગઈ. . બન્ને જણ બે ત્રણ મિનિટ એકબીજાને જોતા જ રહી ગયા અને પછી ભેટી પડ્યા. આ વખતે આલિંગન ઓમ તરફથી પણ હતું. વરસાદ હજુ ચાલુ જ હતો.

અભિષેક ત્રિવેદી અને હર્ષિલ શાહ