Jivan paak books and stories free download online pdf in Gujarati

જીવન પાક

જીવન પાક

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૨૧

સારો પાક

એ દિવસોમાં બીજું વિશ્વયુધ્ધ ચાલી રહ્યું હતું. જર્મન સેનાએ પોલેંડ પર હુમલો કરી દીધો હતો. સેનામાં યુધ્ધ માટે સેંકડો ઘોડા હતા. એટલે તેમના માટે ખોરાકની જરૂરિયાત ઉભી થઇ. સેનાના એક અધિકારી પોતાના સૈનિકો સાથે ઘોડાના ખોરાકની શોધમાં દૂરના એક ગામમાં પહોંચ્યા. યુધ્ધના માહોલને કારણે લોકો ઘરમાં પૂરાઇ ગયા હતા. બધા ડરમાં હતા. ત્યારે એક બાળક નિર્દોષ રીતે બહાર ફરતો હતો.

સેનાના અધિકારીએ બાળકને પકડીને પૂછયું:''એય છોકરા, બતાવ તો આ ગામમાં કયા ખેતરમાં સારો પાક થયો છે?''

બાળક તરત જ તેમને પોતાની સાથે આવવાનું કહીને આગળ ચાલવા લાગ્યો. ચારે તરફ ખેતરોમાં પાક લહેરાતો હતો. આજુબાજુના હરિયાળા ખેતરો જોઇને સૈનિકોની ઇચ્છા ત્યાં નજીકમાંથી જ ચારો મેળવી લેવાની હતી. પરંતુ બાળક તેમને એમ કહીને આગળ લઇ જઇ રહ્યો હતો કે,''આગળ વધુ સારો પાક મળશે.''

સૈનિકોને પોલેંડની સેનાની જાળમાં ફસાવાની ચિંતા પણ સતાવી રહી હતી. એટલે સાવધાનીથી આગળ વધી રહ્યા હતા. તેઓ સારા પાકનું ખેતર થોડે દૂર જ હશે એમ માની ચાલતા રહ્યા.

ધીમે ધીમે એ બાળક સૈનિકોને ગામની સીમા પર આવેલા ખેતરો પાસે લઇ ગયો. ત્યાં એક ખેતર બતાવીને બાળકે સૈનિકોને તેમાંથી ચારો લઇ લેવા કહ્યું.

સૈનિકોએ ખેતરમાંથી પાક કાપીને ગાંસડી બાંધી ઘોડાઓ પર મૂકી દીધી.

પરંતુ જતાં પહેલાં સેનાના અધિકારીએ બાળકને નારાજગીથી કહ્યું:''અરે છોકરા, તું અમને ખોટો જ આટલે દૂર સુધી લઇ આવ્યો. આપણે નીકળ્યા ત્યાં નજીકમાં જ આવો સારો પાક હતો. અમને એમ હતું કે તું હજુ વધુ સારો પાક બતાવીશ.''

બાળક કહે:''સાહેબ, તેનું કારણ એ છે કે આ અમારું ખેતર છે. મને ખબર હતી કે તમે કોઇપણ ખેતરના માલિકને પાકનું મૂલ્ય આપવાના ન હતા. એટલે કોઇ બીજા ખેતરના ખેડૂતને શા માટે નુકસાન કરાવવું? આ કારણે મારા ખેતરમાં લઇને આવ્યો. અને મારા માટે તો મારો પાક જ સૌથી સારો છે.''

બાળકની વાત અને તેના વિચારોથી સેનાના અધિકારીને પોતાના પર શરમ આવી. અને તેના વિચારોથી પ્રભાવિત થઇ તેના પાકની કિંમત તો આપી જ ઉપરાંત પુરસ્કાર આપીને પણ સન્માનિત કર્યો.

*

સપનાંનું રેશમ જાય બળી,

ને આશાની મુરઝાય કળી,

કોઈ લીલાંછમ ખેતરને ખોળે

ગમનો અંગારો શા માટે?

–વેણીભાઈ પુરોહિત

* દરેકમાંથી સારાપણું શોધી કાઢો અને તે શીખીને તમારું જ્ઞાન અને અનુભવ વધારો.

સંતની સહનશીલતા

એક પોલીસવાળો સંત દાદુની ઇશ્વરભક્તિ અને સિધ્ધિઓથી બહુ પ્રભાવિત હતો. તેમના વિશે તેણે ઘણું સાંભળ્યું હતું. એટલે તેમને ગુરૂ બનાવવાની ઇચ્છા સાથે તે તેમની શોધમાં નીકળી પડ્યો.

કોઇ પાસેથી જાણવા મળ્યું હતું કે સંત દાદુ એક ગાઢ જંગલમાં એકલા જ રહે છે અને સાધના કરતા રહે છે. પોલીસવાળો તરત જ જંગલ તરફ નીકળી ગયો. અડધુ જંગલ પસાર થઇ ગયું પણ કોઇ દેખાયું નહિ. આગળ વધતો હતો ત્યારે એક ધોતીયું પહેરેલો મજૂર જેવો માણસ કોઇ છોડ જોઇ રહ્યો હતો. પોલીસવાળાએ તેની પાસે જઇ રોફથી પૂછ્યું,''ઓય, તને ખબર છે કે સંત દાદુનો આશ્રમ ક્યાં છે?''

એ વ્યક્તિએ પોલીસવાળાની વાત સાંભળી નહિ અને પોતાના કામમાં જ રહ્યો. એ જોઇ પોલીસવાળાને ગુસ્સો આવ્યો. પોતાને જોઇ લોકો ડરે છે ત્યારે આ માણસ અવગણના કરી રહ્યો છે એ વાત પોલીસવાળાથી સહન ના થઇ અને તેણે એ વ્યક્તિને માર માર્યો. તો પણ કોઇ પ્રતિભાવ ના મળ્યો એટલે તેને ધક્કો મારી આગળ નીકળી ગયો.

થોડે દૂર ગયા પછી પોલીસવાળાને બીજો એક માણસ મળ્યો. એટલે તેને પણ રોકીને પૂછ્યું:''ઓય, તને ખબર છે કે સંત દાદુનો આશ્રમ ક્યાં છે?''

પેલા માણસે કહ્યું:''ભાઇ, એમને તો બધા જ જાણે છે. તમે જે બાજુથી આવી રહ્યા છો ત્યાં નજીકમાં જ તેમનો આશ્રમ છે. હું પણ તેમના દર્શને જ જઇ રહ્યો છું. તમે પણ મારી સાથે ચાલો.''

સંત દાદુના દર્શન થશે એ ખુશીમાં પોલીસવાળો તેની સાથે ચાલવા લાગ્યો.

પેલો માણસ પોલીસવાળાને ઝૂંપડી જેવા આશ્રમ પાસે લઇ ગયો ત્યારે સંત દાદુને જોઇ શરમથી તેનું માથું ઝૂકી ગયું. સંત દાદુ એ જ વ્યક્તિ હતા જેને સામાન્ય માણસ જાણીને પોલીસવાળાએ તેમનું અપમાન કર્યું હતું. પોલીસવાળાએ સંત દાદુના પગમાં પડી પોતાના ખરાબ વર્તન માટે ક્ષમા માગી. અને કહ્યું:''મહાત્માજી, મને માફ કરી દો. ભૂલમાં મારાથી ગુનો થઇ ગયો. હું તમને ગુરૂ બનાવવા આવ્યો છું અને ઓળખી ના શક્યો.''

પોલીસવાળાની વાત સાંભળી સંત દાદુ હસીને બોલ્યા:''ભાઇ, એમાં ખરાબ લગાડવાની શું વાત છે? કોઇ જ્યારે માટીનો ઘડો ખરીદે ત્યારે ટકોરા મારી મારીને જુએ છે. અને તું તો ગુરૂ બનાવવા આવ્યો હતો….''

સંત દાદુની સહનશીલતા સામે પોલીસવાળો નતમસ્તક થઇ ગયો.

*

પાણી થવાને કેટલું પાણી સહન કરે,

વાદળ બનીને વીજથી સળગી જવું પડે.

– રવિ ઉપાધ્યાય

* આપણામાં પ્રેમ હશે તો, વધુ સહનશીલ બની શકીશું. બીજા લોકોનાં પાપી વલણ અને અલગ આદતો છતાં, તેઓને સ્વીકારી શકીશું. કોલોસી જણાવે છે: “એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો.”- બાઇબલ

***

અભિમાનની કડવાશ

ગુરૂ નાનક ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે એક ગામમા રોકાયા. ગુરૂ નાનકનું આગમન થતાં લોકો તેમને સાંભળવા માટે ઉમટી પડ્યા. દરેક જગ્યાએ તેઓ લોકોને કંઇક નવું શીખવતા હતા. આ ગામમાં તેમણે ગામલોકોને સમાનતા અને ભાઇચારાનો પાઠ શીખવાડ્યો.

ગામમાં ગુરૂ નાનક આવ્યા હોવાનું જાણી એક ધનિક જમીનદારે તેમને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપવા પોતાનો સંદેશવાહક મોકલ્યો. ગુરૂ નાનકે તેને પ્રેમથી કહ્યું:''ભાઇ, હું કોઇના ઘરે ભોજન માટે જતો નથી. અને આજે ભોજન માટે એક ભક્તને હા પાડી દીધી છે. એ પોતાના ઘરેથી ભોજન લઇને આવવાનો છે. એટલે તારા શેઠનું આમંત્રણ સ્વીકારી શકું એમ નથી.

સંદેશવાહકે આ વાત તેના શેઠ જમીનદારને કરી. ગુરૂ નાનકની વાત સાંભળી તેને ગુસ્સો આવ્યો. અને પોતાનું અપમાન થયું હોવાનું લાગ્યું. તેને થયું હું આ ગામનો સૌથી મોટો જમીનદાર છું. મારું કોઇ માન જ નહિ? મારા આમંત્રણનો તે કેવી રીતે અસ્વીકાર કરી શકે? તેણે તરત જ પત્નીને કહ્યું કે સ્વાદિષ્ટ પકવાન તૈયાર કરવામાં આવે. ભોજન તૈયાર થયું એટલે તે જાતે ગુરૂ નાનકને ભોજન આપવા ગયો.

ત્યારે સંજોગ એવો થયો કે ત્યારે જ એ નિર્ધન ભક્ત જેને ગુરૂજીએ ભોજન માટે સ્વીકૃતિ આપી હતી એ ભોજન લઇને ત્યાં આવી પહોંચ્યો. ગુરૂજીએ પ્રેમથી તેની પાસેથી ભોજન લીધું અને ખાવા લાગ્યા. જમીનદારને આ વાત પોતાના અપમાન જેવી લાગી. એટલે તે અભિમાનથી બોલ્યો:''ગુરૂજી, આપ મારા સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણો. એની રોટલી- ચટણીમાં શું સ્વાદ આવવાનો?''

ગુરૂ નાનક હસીને બોલ્યા,''ભાઇ, એમાં એના પ્રેમ અને સ્નેહની મીઠાશ છે.''

ત્યારે જમીનદાર કહે:''મારી પૂરીઓ એકદમ નરમ અને પકવાન પણ મીઠા છે.''

ગુરૂ નાનક કહે,''ના ભાઇ, તારી પૂરી અને પકવાનમાં ક્રોધ અને અભિમાનની કડવાશ છે. એને હું ખાઇ શકીશ નહીં. મને માફ કરજે.''

ગુરૂ નાનકની વાત સાંભળી જમીનદારનું અભિમાન ઉતરી ગયું.

*

બુલંદીમાં બને છે માનવી એવો અભિમાની,

ફરિશ્તાની જગા પામે તો એ શયતાન થઇ જાયે.

– બરકત વિરાણી ‘બેફામ’

* જીવનમાં અભિમાન તો આવશે પરંતુ સાવધાન રહેવું, આપણે માણસ છીએ તેથી કોઇને પદનું, કોઇને પ્રતિષ્ઠાનું, કોઇને સંપત્તિનું તો કોઇને શક્તિનું અભિમાન આવી શકે છે, પરંતુ અભિમાન આવે ત્યારે સાવધ થઇ જઇએ તો અભિમાન માણસને નુકસાન કરવામાં નિષ્ફળ જાય છે.- મોરારિબાપુ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED