નસીબ - પ્રકરણ - 12 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ - પ્રકરણ - 12

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

પ્રકરણ - ૧૨

બોસ્કી અત્યારે મધરાતે સુસ્મીતાના સ્યૂટમાં સુસ્મીતાની સામે બેઠો હતો. તેણે પોતાની કાર્યવાહીનો અહેવાલ સુસ્મીતાને સંભળાવ્યો હતો અને એ સાંભળીને તે ચોંકી ઉઠી હતી... દરિયા કિનારે જે બીના બની હતી એ સાંભળીને તેને ચિંતા થવા માંડી હતી. અજયે જો પેલા વ્યક્તિને ઘાયલ કર્યો હશે તો સવારે ઉપાધી થયા વગર રહેવાની નથી.

‘‘તારો કહેવાનો મતલબ છે કે અજય જે વ્યક્તિ પાછળ ગયો હતો તે હજુ પણ ત્યાં જ પડ્યો છે બોસ્કી...?’’

‘‘સો ટકા... એ ત્યાંજ રેતીમાં પડ્યો હશે. હું ત્યાં વધુ વખત રોકાઈ શકુ એમ નહોતો એટલે અજય આ તરફ પાછો ફરે એ પહેલા માટે ત્યાંથી હટવુ પડ્યુ હતુ...’’ બોસ્કીએ કહ્યુ બોસ્કીએ તેનો નાનકડો દેહ બેડની પાસે મુકાયેલી સુંવાળી ખુરશીમાં ગોઠવ્યો હતો.

‘‘તને શું લાગે છે...? કોણ હોઈ શકે એ વ્યક્તિ...?’’

‘‘તેને મેં નીચે રેસ્ટોરન્ટના હોલમાં જોયો હતો. તેની સાથે બીજા માણસો પણ હતા. એ બન્ને જમીને ઉપર કમરામાં ગયા હતા જ્યારે એકલો બીચ તરફ ગયો હતો...’’

‘‘એકલો...?’’

‘‘હાં...’’

‘‘પણ...કેમ...? ત્યાં એને શું કામ હશે...? એ પણ આવા સમયે...?’’

‘‘હવે એ તો કેમ ખબર પડે...?’’

‘‘બોસ્કી... ડોન્ટ ટેલમી... તો તને મેં શું કામ રાખ્યો છે...? તું આટલી માહિતી પણ ન મેળવી શક્યો.’’ સુસ્મીતાએ કંઈક ચીડથી કહ્યું.

‘‘હવે એટલો સમય જ ક્યાં મળ્યો છે... અને તેં મને ફક્ત અજયની પાછળ નીગરાની રાખવાનું કહ્યુ છે... બાકી બીજાઓ શું કરેએ જાણવાતો બીજા વધારે માણસો રોકવા પડે... તને સમજાય છે મારી વાત...’’

‘‘હા હવે... તું ડીટેક્ટીવ શું કામ બન્યો ખરેખર તો એ જ મને સમજાતુ નથી...’’ સુસ્મીતા બોલી. જો કે તેને ખરો ગુસ્સો તો પ્રેમ ઉપર આવતો હતો. શું કામ તેણે અજય નામની ઉપાધી વહોરી છે એ જ તેને સમજાતુ નહોતુ. પ્રેમ જરૂર કોઈ મોટી મુસીબતમાં ફસાયા વગર રહેવાનો નથી. તેને એક તરફ ચિંતા પતી હતી તો બીજી બાજુ ક્રોધ આવતો હતો. તે પણ વિચારમાં પડી હતી. બોસ્કી તેની આ ખુબસુરત દોસ્ત કમ બોસને જોઈ રહ્યો. તેને પણ સમજાતુ નહોતુ કે સુસ્મીતાનો પગ ક્યાં કુંડાળામાં પડ્યો છે.

‘‘બોસ્કી... ચાલ, ઉભો થા. આપણે પ્રેમને ચેતવવો પડશે... એ જરૂર કોઈ ઉપાધી વહોરી લીધા વગર રહેશે નહિ. તેને બીજાના મામલામાં ટાંગ અડાડવાની જે આદત છે એ ક્યારેક ભારે પડશે એ નક્કી... અને મને આ મામલો નાનો સુનો નથી લાગતો...’’ તેણે કઈક વિચાર્યુ અને ઝડપથી ઉભી થતા બોલી ખબર નહિ કેમ પણ તેનું મન વારે વારે અમંગળ કલ્પનાઓ કરવા લાગ્યુ હતુ. તે ચિંતીત હતી. તે ઈચ્છતી હતી કે પ્રેમ અજયના મામલાથી દુર રહે... તેને આવનારા સમયના એંધાણ સારા નહોતા દેખાતા અને એટલે જ તે પ્રેમને સાવધ કરવા માંગતી હતી. તેઓ હજુ ઉભા થતા હતા કે રૂમમાં ડોરબેલનો મધુર અવાજ ગુંજ્યો. સુસ્મીતાએ અચરજથી બોસ્કી સામુ જોયુ. અત્યારે આ સમયે તેના દરવાજે કોણ હોઈ શકે...? કદાચ પ્રેમ હશે, એમ વિચારીને તેણે દરવાજો ખોલ્યો તો સામે કોઈ અજાણી પણ સુંદર યુવતી ઉભી હતી... સુસ્મીતા અને તેની પાછળ આવી પહોંચેલો બોસ્કી બન્ને એ યુવતીની હાલત જોઈને ચોંક્યા હતા... જો કે દરવાજે ઉભેલી એ યુવતી સીમા હતી જેણે સુસ્મીતાને ઓળકી હતી.

‘‘મેમ... આપ જલદી મારી સાથે આવો... પ્રેમ ઉપરના માળે છે અને તે તમને બોલાવે છે...’’

‘‘પ્રેમ...!!!... ઉપર છે...!!!’’ આશ્ચર્યથી સુસ્મીતાએ પુછ્યુ. સીમા જાણતી હતી કે અજાણી વ્યક્તિને જોઈને સુસ્મીતા અનેક શંકા-કુશંકા કરશે. પણ અત્યારે એ સમય નહોતો કે તે સુસ્મીતાને સમજાવી શકે કે શું થયું છે... તેણે કુનેહથી કામલીધુ.

‘‘સુસ્મીતા... તમે પ્લીઝ જલદી મારી સાથે આવો. પ્રેમને વાગ્યુ છે અને તે ઉપર ભુપત પટેલના કમરામાં છે. તમે ફોન કરીને ખાત્રી કરી લો...’’

‘‘વોટ... પ્રેમને વાગ્યુ છે... મતલબ...?’’ એ યુવતીની વાત સાંભળી સુસ્મીતા બેબાકળી બની ગઈ. તેણે ઝડપથી મોબાઈલ જોડ્યો. પ્રેમને જાણ હતી કે સુસ્મીતા તેને ફોન કરશે જ... એટલે તેને ઉપર આવી જવા જણાવ્યુ. સુસ્મીતા પોતાનો મોભો વિસરીને રીતસરની ઉપરના માળે જવાના પગથીયા તરફ દોડી હતી. તેની પાછળ બોસ્કી પણ દોડ્યો. લીફ્ટમાં જવા જેટલી ધીરજ પણ તે રાખી શકી નહોતી અને ધસમસતી ત્રીજા માળે જઈને ઉભી રહી. સીમા તેની પાછળ જ ઉપર આવી હતી એટલે તેણે આગળ થઈને પ્રેમ જે કમરામાં હતો તેમાં ઘુસી. તેની પાછળ સુસ્મીતા અને બોસ્કી પણ અંદર ઘસી ગયા.

રૂમની અંદરનું દ્રશ્ય જોઈને તેઓ થીજી ગયા. પ્રેમ સોફા જેવી ખુરશીમાં લાંબો થઈને પડ્યો હતો. તેની છાતી ઉપર હોટલનો વાઈટ કલરનો ટુવાલ દબાયેલો હતો જે લાલરંગે રંગાઈ ગયો હતો. તેના પગ પાસે કોઈક ઉંધાકાંધે પડ્યુ હતુ અને એના શરીર નીચેથી લોહીનો રેલો નીકળીને ફર્શ પર રેલાયુ હતુ. એ સિવાય પણ એક વ્યક્તિ એ રૂમના પલંગ ઉપર નસકોરા બોલાવવામાં પડ્યો હતો... સુસ્મીતા હેબતાઈને ઉભી રહી ગઈ.

‘‘ઓહ ગોડ... પ્રેમ... આ શું છે... ઓહ... તને શું વાગ્યુ... ઓહ... હે ભગવાન...’’ તે વ્યવસ્થીત શબ્દો પણ ગોઠવી શકતી નહોતી. પ્રેમની હાલત જોઈને તે ડરી ગઈ હતી. રૂમમાં જે રમખાણ મચ્યુ હતુ એનો તેને અંદાજ નહોતો આવતો. લોહીના ખાબોચીયામાં સુતેલા વ્યક્તિ કદાચ મરી પરવર્યા હશે... તે ધ્રુજી ઉઠી... અને પ્રેમ... તેની છાતી ઉપર ફેલાયેલો ભીનો ટુવાલ લોહીથી ખરડાઈ ગયો હતો... તે વાવાઝોડાની જેમ ઘસી... પ્રેમે તેને હાથ ઉંચો કરીને રોકવાની કોશીષ કરી પમ સુસ્મીતા રોકાઈ નહિ અને તે પ્રેમને વળગી પડી... પ્રેમની બંધ થતી આંખોને જોઈને તે ફફડી ઉઠી. તેના ગળામાંથી ચીખ નીકળી પડી...

‘‘બોસ્કી... કોલ ધ ડોક્ટર... પ્લીઝ... ઈમજીએટલી...’’ અને બોસ્કી ફોન ઉપર ઝપટ્યો. તેણે ડો.પ્રીતમસિંહનો નંબર ઘુમાવ્યો. સામેથી પ્રીતમસિંહે જ ફોન ઉપાડ્યો એટલે જેમ બને એટલા થોડા શબ્દોમાં તેણે હોટલ બ્લ્યુ હેવનમાં આવી જવા જણાવ્યુ.

સુસ્મીતાની આંખોમાં પાણી ઉભરાઈ આવ્યા. હળવે રહીને તેણે પ્રેમનો જખમ કેટલો ઉંડો છે એ જોવા ટુવાલ હટાવ્યો... પ્રેમની ગૌર છાતીમાં ચોકડીનું નિશાન થયુ હતુ. જખમ બહુ ઉંડો નહોતો છતા તેમાંથી ઘણુ લોહી નીકળીને ટુવાલમાં ચૂસાઈ ગયુ હતુ. અને એટલે જ પ્રેમને બેહોશીની અસર થવા લાગી હતી. ઘાવ લગભગ ચાર-પાંચ સેન્ટીમીટર ઉંડો થયો હતો પરંતુ એ જીવલેણ તો નહોતો જ. સુસ્મીતાએ ફરીવાર એ ટુવાલ તેની છાતી ઉપર દબાવ્યો અને ભારે હેતથી તેના માથાના વાળમાં હાથ પસવારવા લાગી. તે ડોક્ટર આવે ત્યાં સુધી કંઈ કરી શકે તેમ નહોતી તેની વ્યગ્રતા ચરમસીમા પર હતી. પ્રેમને ઘણા પ્રશ્નો પુછવા માંગતી હતી પરંતુ તે જાણતી હતી કે પ્રેમ આ હાલતમાં કોઈ જવાબ આપી શકશે નહિ. તેણે એ છોકરી તરફ જોયુ જે તેને બોલાવા આવી હતી... એ જરૂર જાણતી હશે કે અહીં શું બન્યુ હશે...? પરંતુ પ્રેમને જ્યાં સુધી સારવાર ન મળે ત્યાં સુધી બધી પુછતાછ તેના માટે ગૌણ હતી. પ્રેમની હાલત જોઈને તેનું હ્ય્દય વલોવાયુ હતું. તેની આંખોમાં આપોઆપ આંસુ ઉભરાતા હતા... જ્યારે બીજીબાજુ બોસ્કી કંઈક અલગ જ ગડમથલમાં પડ્યો હતો. તે ધ્યાનપૂર્વક કમરાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. નો ડાઉટ કે આ પોલીસકેસ બનવાનો હતો. પ્રેમ અને આ બીજો નીચે પડેલો વ્યક્તિ જખમી થયા હતા. એક વ્યક્તિ પલંગ પર પડ્યો હતો અને તેની બાજુમાં ઉભેલી ખૂબસુરત યુવતી ખુદ એક કોયડા સમાન હતી... એ યુવતીએ પોતાના દેહ ઉપર નાઈટ ગાઉન વિંટાવ્યો હતો અને બે ગાઉનના બન્ને પડખા ઉપસેલા દેખાતા હતા. બોસ્કીને સમજતા વાર ન લાગી કે એ ગાઉન પડખાના ખીસ્સામાં શું હોઈ શકે... તેને પરિસ્થિતિ ગંભીર લાગતી હતી. તે પોલીસને ફોન કરવા માંગતો હતો પરંતુ કંઈક વિચારીને તે અટક્યો હતો. સુસ્મીતાને પુછ્યા વગર તે કશુ કરવા માંગતો નહોતો... તે જાણતો હતો કે અહીંયા શું બન્યુ છે એ જાણ્યા વગર પોલીસને બોલાવવી એટલે બ્લ્યુ હેવન અને સુસ્મીતાની પ્રતિષ્ઠા ખરડાયા વગર રહે નહિ અને તે એવું કંઈ કરવા માંગતો નહોતો... તે પલંગ ઉપર પડેલા વેલજી તરફ ફંટાયો. પલંગની ધારે ઉપર ચડીને તેણે વેલજીને ઠંઢોળ્યો... વેલજીનું મોઢું બોસ્કી તરફ ફર્યુ... દારૂની તીવ્ર વાસ તેના નાકમાં ઘુસી... કમબખ્ત બે-ત્રણ બોતલ ગટગટાવીને સુતો લાગે છે... તે મનોમન બબડ્યો બોસ્કીએ મહા-મહેનતે વેલજીને ચત્તો કર્યો. એક પડછંદ કાયા ધરાવતા દેહાતી માણસ વેલજીને ફેરવવામાં કદમાં નાના એવા બોસ્કીને પરસેવો વળી ગયો. વેલજીને ચત્તો ફેરવીને બોસ્કી તેનું નીરીક્ષણ કરવા લાગ્યો. દારૂના નશાના ઓવરડોઝના કારણે આ રૂમમિાં ખેલાઈ ગયેલા ભયનાક લોહીયાળ જંગથી સાવ બેખબર બીનીને ઘોરતો પડ્યો હતો. તેના અધખુલ્લા મોઢામાંથી ચીત્રવીચીત્ર પ્રકારના અવાજો નીકળી રહ્યા હતા. બોસ્કીએ તેને હલબલાવીને જગાડવાની કોશીષ કરી જોઈ પરંતુ તેણે સહેજે પ્રતીક્રીયા ન દર્શાવી. એટલે તેને એમ જ પલંગમાં પડ્યો રહેવા દઈ તે પેલી ખુબસુરત બલા પાસે આવ્યો...

તેને કંઈક પુછવા મોઢુ ખોલ્યુ જ હતુ કે એ છોકરી જ બોલી ઉઠી. ‘‘જુઓ... પહેલા ડોક્ટરને આવી જવા દો ત્યરબાદ બીજીવાતો કરીએ તો ઠીક રહેશે...’’ તેણે હજુ એનુ વાક્યુ ઉચ્ચાર્યું જ હતુ કે ડો.પ્રીતમસીંહે રૂમના દરવાજે ટકોરા માર્યા. બોસ્કીએ ફોન કર્યો ત્યારે તેણે ડોક્ટરને સીધા જ ત્રીજામાળે આવવાનું જણાવ્યુ હતુ અને સાથે તેણે સ્યૂટનંબર પણ કહ્યો હતો.

લગભગ પચાસેક વર્ષની ઉંમરે પહોંચેલા પ્રીતમસીંહે જમાનો જોયો હતો. તેને થોડામાં જાજુ સમજવાની ટેવ હતી. એટલે જ્યારે બોસ્કીનો ફોન આવ્યો ત્યારે તેમણે ઝડપથી પોતાની બેગ ઉઠાવી અને સીધા જ બ્લ્યુ હેવનમાં દોડી આવ્યા હતા. આટલી ઉંમરે પહોંચ્યા પછી પણ અમનો સ્ટેમીના ગજબનો હતો. રૂમ નં.૩૦૪માં જ્યારે તે પહોંચ્યા ત્યારે ત્યાંની પરિસ્થિતિની ગંભીરતા જોઈ વધુ કંઈ કહ્યા પુછ્યા વગર તે પોતાના કામે લાગી ગયા.

‘‘જસ્ટ એ મીનીટ... હું હમણા આવુ છુ...’’ સીમાએ કહ્યુ અને કમરાની બહાર નીકળી... બોસ્કી તેને રોકવા માંગતો હતો પણ એ પહેલા સીમા બહાર નીકળી ચૂકી હતી. જતા જતા એ બારણાને ધક્કો મારી બંધ કરતી ગઈ હતી.

અજય લગભગ બે કલાકથી ઉંઘવાની કોશીષ કરતો પથારીમાં આળોટી રહ્યો હતો. પરંતુ દુરદુર સુધી તેની આંખોમાં ઉંઘનું નામોનીશાન નહોતુ દેખાતુ વારે વારે તેની નજર સામે મંગાનો મૃતદેહ તરી આવતો હતો. મંગાને જ્યારે હોટલના રેસ્ટોરામાંથી બહાર નીકળીને બીચ તરફ જતા જોયો ત્યારે તે પ્રેમ અને સુસ્મીતા પાસેથી ઉભો થઈને તેની પાછળ ગયો હતો. ત્યારે તેના મનમાં એક જ ગણતરી હતી કે તે મંગાને પકડીને તેનું અપહરણ કોણે કરાવ્યુ હતુ એ વાત ઓકાવી શકે... આવી કંઈક ગણતરીથી તે મંગા પાછળ ગયો હતો. પરંતુ મંગાની નજીક પહોંચ્યા બાદ તે ક્યારે આવેશમાં આવી ગયો એ તેને પણ સમજાયુ નહોતુ. આવેશ પણાના હુમલા વચ્ચે તેણે મંગાને ધોયો હતો... થોડીવારમાં તો બન્ને ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા તેણે જેટલો ધાર્યો હતો એટલો મંગો કમજોર કે અસાવધ નહોતો. અને ખડતલ દેહાતી બદન ધરાવતો ખુંખાર ગુનેગાર હતો. તેના માટે આવી પરિસ્થિતિ સહજ હતી... એટલે થોડીવાર પછી મંગો તેની ઉપર હાવી થવા લાગ્યો હતો... પરંતુ પછી સાવ અચાનક જ એ કપાયેલા પતંગની જેમ જમીન ઉપર ફસડાઈ પડ્યો હતો. તેના માટે આ સાવ અણધારી બાબત હતી કે અચાનક મંગો ખામોશ કેમ થઈ ગયો. જ્યારે હકીકત તેને સમજાઈ ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. મંગો મરી ચૂક્યો હતો. કેમ... શું કામ...? એ પ્રશ્નો તેના જહેનમાં ઉઠતા હતા પણ ગમે તે રીતે મંગો મરાયો એ જાણીને તેને ધ્રુજારી છુટવા લાગી હતી. તેણે મંગાને નહોતો માર્યો છતા એ મરાયો હતો એ વાત હેરતઅંગેજ હતી... હેરતઅંગેજ એટલા માટે કે કોઈ બીજી વ્યક્તિ પણ તેની પાછળ અહી સુધી આવી હોવી જોઈએ અને તો જ આ શક્ય બન્યુ હોય એવું તારણ કાઢ્યુ હતુ... કદાચ... કદાચ... મંગાને બદલે પોતાને ખતમ કરી નાખવા એ વાર થયો હોય એ પણ શક્યતા હતી... કોણ હતી એ વ્યક્તિ...? આ સવાલે તેની ઉંઘ ઉડાડી મુકી હતી અને જેમ જેમ તે વિચારોત જતો હતો એમ કોકડુ વધુ ગુંચવાતુ જતુ હતુ.

અજય તેના સ્યૂટમાં મુલાયમ ગાદલા ઉપર બેફામ પણે આળોટતો વિચારી રહ્યો હતો. તેને પ્રેમની ખોટ વર્તાતી હતી. પ્રેમ અને સુસ્મીતાને તે નીચે રેસ્ટોરન્ટમાં મુકીને મંગા પાછળ ગયો ત્યારે પ્રેમે તેને ઈશારો કર્યો હતો કે તે આજની રાત સુસ્મીતાના સ્યૂટમાં વિતાવવાનો હતો. એટલે પ્રેમ અત્યારે સુસ્મીતાના ભવ્ય સ્યૂટમાં જ હોવાનો... તેને ઘડીક વિચાર આવી ગયો કે તે પ્રેમને ફોન કરે, પણ પછી તેણે એ વિચાર પડતો મુક્યો.

આખરે જ્યારે તેનું દિમાગ વિચારોના વાવાઝોડાથી કંટાળ્યુ ત્યારે તે ઉભો થયો અને બાલ્કની તરફ ગયો. દરિયા ઉપરથી વાતો શીતળ પવન બેડરૂમ અને બાલ્કનીને જુદા પાડવા માટે લગાડેલા હળવા રેશમી કપડાના પડદાને સહેલાવી રહ્યા હતા. એ પરદાને હળવેકથી હટાવીને અજય બાલ્કનીમાં પહોંચ્યો. ચો-તરફ ખામોશી ફેલાયેલી હતી. દરિયાના અફાટ જળમાંથી ઉઠતી લહેરોના અવાજ સીવાય બાકી નીતાંત નીરવતા પ્રસરેલી હતી. રાત્રીએ જાણે કે ખામોશી ઓઢી લીધી હતી. ક્યારેક જોરથી ફુંકાતા પવનમાં દરિયા કિમારે ઉભી નિકળેલા નાળીયેરી અને તાડના ઝાડના લાંબા અણીયાળા પાંદડાએ પવનની સાથે લહેરાઈ ઉઠતા હતા જેના કારણે એક મધુર અવાજ ઉઠતો હતો. અજય અપલક દ્રષ્ટીએ દુર સુધી ફેલાયેલા સોહામણા અંધકારને તાકતો બાલ્કનીની સ્ટીલના કઠેડાને ટેકે હાથ ટેકવીને ઉભો હતો. ઉપર આકાશ એકદમ સ્વચ્છ હતુ. એ આકાશની આગોશમાં પોતાની હાજરીની શાખ પુરાવતા હજ્જારો જીણા જીણા તારાઓ ચમકી રહ્યા હતા... રાત્રીના અંધકારનું એ અદ્દભુત દ્રશ્ય અને શીતળ, ખુશનુમા વાતાવરણના કારણે અજયના મનમાં હિલોરાતા, ધમાચકડી મચાવતા વિચારોના તોફાનને થોડીવાર માટે શાંત કરી નાખ્યા... તે તન્મય બનીને નીતાંત અંધકારને અનુભવી રહ્યો... લગભગ અડધી કલાક ની ખામોશીએ તેને તરોતાજા અનુભુતી કરાવી. ધીરે ધીરે તેની આંખો બોઝીલ થવા લાગી હતી. તેની આંખોના પોપચામાં ભારેપણું છવાયુ હતુ. ત્રીજામાળની એ બાલ્કનીમાંથી વહેતા ઠંડા પવનની લહેરખીઓએ જાણે કે તેના શરીર પર જાદુ કર્યો હોય એમ તેના તન અને મનના તમામ આવેગો, સંવેગોને રોકીને શાંત કરી દીધા... તે હવે ફ્રેશ હતો. એક મોટુ બગાસુ ખાઈને તે પાછો રૂમમાં પલંગ પાસે આવ્યો. ટીપોઈ ઉપર મુકેલા કાચના જગમાંથી થોડુ પાણી ગ્લાસમાં રેડીને પીધુ... હવે તે ઉંઘવાના મુડમાં હતો... બીજુ બધુ કાલે સવારે જોઈ લેવાશે એવું વિચારીને તેણે પથારીમાં પડતુ મુક્યુ...

હજુ ફક્ત પાંચ જ મીનીટ થઈ હશે કે સહસા તેના કમરાની કોલબેલ વાગી... અત્યારે વળી કોણ હશે...? અજય મનમાં જ બબડ્યો અને ઉભો થયો દરવાજા તરફ ચાલ્યો... લાગે છે કે આજની રાત મારા નસીબમાં નવીનતમ બનીને આવી છે... કદાચ પ્રેમ આવ્યો હશે એ વિચારે તેણે દરવાજો ખોલ્યો.

બે ઘડી તે અવાચક બનીને ઉભો રહી ગયો... પ્રેમના બદલે દરવાજા બહાર એક ખૂબસુરત નવયૌવના ઉભી હતી. રૂમમાંથી ફેંકાતા આછા-પીળા પ્રકાશના શેરડામાં અજય એ યુવતીના ચહેરાને તો બરાબર જોઈ નહોતો શકતો પણ તેના ભરાયેલા બદનની નમણાશ ઉપરથી તેને ખ્યાલ આવતો હતો કે એ યુવતી કોઈને પણ પાગલ બનાવી દે એવુ હુશ્ન ધરાવતી હશે.

મને અંદર આવવાનું નહિ કહે, અજય... એ યુવતી બોલી. અજયના માટે એ બીજુ આશ્ચર્ય હતુ. એ યુવતી તેનું નામ જાણતી હતી... અને... યસ... આ... અવાજ તેણે આજ પહેલા પણ ક્યાંક સાંભળ્યો હતો. યુવતીનો ઘેરો અવાજ યાદ રહી જાય એવો હતો... પરંતુ ક્યાં સાંભળ્યો હતો એ તેને યાદ આવ્યુ નહિ. અનાયાસે જ અજય દરવાજામાંથી થોડો હટ્યો અને પેલી યુવતી રૂમમાં દાખલ થઈ. કંઈક આશંકાથી અજય યુવતીની પીઠ તાકી રહ્યો... કોણ છે આ યુવતી... અને તે મારૂનામ કેવી રીતે જાણે છે...? અજયે રૂમનો દરવાજો ખુલ્લો જ રહેવા દઈ. દિવાલ તરફ હાથ લંબાવીને ટ્યુબલાઈટની સ્વીચ ઓન કરી... કમરો ટ્યુબલાઈટના પ્રકાશમાં નહાઈ ઉઠ્યો અને એ યુવતી પણ... તે અંદર જઈને અજય તરફ ફરી... અજયના દિમાગમાં ઝબકારો થયો... અરે... આતો એ જ છોકરી... જેણે મને પેલુ કવર આપ્યુ હતુ... જેમાં લખ્ય હતુ કે તારા પીતાજીનું આકસ્મિક રીતે મોત નથી થયું પણ એમનું ખુન કરવામાં આવ્યુ છે. અજયના કપાળે આશ્ચર્યના સળ ઉપસી આવ્યા. કંઈક હેરતથી  અને કંઈક આશંકાથી તે એ યુવતીને તાકી રહ્યો.

શું વિચારી રહ્યો છે અજય... હું જાણું છું કે તને આશ્ચર્ય થાય છે કે હું તને કેવી રીતે ઓળખુ છુ...? અને એ સ્વાભાવિક પણ છે જ ને કોઈ આમ ઓચીંતુ આવીને તમને ચોંકાવી દે તો આશ્ચર્ય થવું વ્યાજબી છે... હું મારી ઓળખાણ આપુ એ પહેલા કંઈક પુછવા માગું છું... તેણે એક ઉંડો શ્વાસ લઈને કહ્યુ... અજય ખામોશ જ રહ્યો.

‘‘હજુ સુધી તમે તુલસીને તો નહિ જ ભુલ્યા હોવ... કે પછી સમયની થપાટોએ એની યાદ ધુંધળી બનાવી દીધી છે...?’’ તુલસીનું નામ સાંભળીને અજય ટટ્ટાર થયો તેના મોમાંથી અનાયાસે શબ્દો સર્યા...

‘‘તુલસી...’’

‘‘હાં... તુલસી... તમારી પ્રીયતમા...’’

‘‘તું... તું... તુલસીને ઓળખે છે...?...અરે...પણ...’’

‘‘હા... અને આજે હું તુલસીનું તર્પણ કરીને આવી છું...’’

‘‘તર્પણ...?’’ તાજ્જુબથી અજય એ યુવતીના ગોરા ચહેરાને તાકી રહ્યો. તે એ યુવતીની ભેદ-ભરમવાળી વાતો સાંભળી અસમંજસમાં પડ્યો હતો.

‘‘હા... તર્પણ... મંગાને મારીને... મેં તુલસીના મોતનો બદલો લીધો છે આજે...’’

‘‘વોટ...?’’ આ ભારે આશ્ચર્યથી અજયનું મોં ખુલ્લુ રહી ગયુ. મતલબ કે... એક મીનીટ... મંગાને તેં માર્યો છે...? બટ હાઉ...? અજયનું દિમાગ ચકરાઈ ગયું. એના દિમાગમાં હલચલ મચી ગઈ અને એક હલકી ધ્રુજારી તેના શરીરમાં પ્રસરી ઉઠી. સામે ઉભેલી યુવતી જે કહી રહી હતી એ તેના દિમાગમાં નહોતુ ઉતરતુ... નાની દમણ જવાના રસ્તે તેણે આ યુવતીને પહેલી વાર જોઈ હતી, ત્યારે આ જ યુવતીએ તેને એક કવર આપ્યુ હતુ અને અત્યારે એ જ યુવતી તેના કમરામાં આવીને કહી રહી હતી કે તેણે મંગાને માર્યો છે... અને તુલસીને પણ જાણે છે... તે આંખો ફાડીને એ યુવતીને જોઈ રહ્યો. આખરે આ યુવતી છે કોણ અને આમ અચાનક ક્યાંથી આવી ચડી...? અને જો તે એમ કહેતી હોય કે તેણે મંગાને માર્યો છે તો એ ખરેખર ભયાનક બાબત હતી. તે સતર્ક બની ગયો ક્યાંક આ પણ દુશ્મનની નવી ચાલ ન હોય તેને ફસાવવાની. થોડીવાર પહેલા જ મંગાને મારીને તેને ફસાવવાનો અબાદ પેંતરો રચાયો હતો અને હવે અચાનક આ ખૂબસૂરત બલા તેના કમરામાં ઘસી આવી હતી અને મંગાને તેણે માર્યાનો દાવો કરી રહી હતી અને તુલસીને પણ ઓળખતી હતી.

‘‘અજય... જો મારી પાસે સમય નથી. હું તને બધુ સમજાવીશ પણ હમણા નહિ... તું અત્યારે મારી સાથે ચાલ પ્રેમને અત્યારે તારી જરૂરત છે. એ તેની રૂમમાં છે અને ઝખ્મી છે... સુસ્મીતા પણ ત્યાં જ છે... પ્લીઝ... તું આમ બઘાની જેમ સમય ન વેડફ અને મારી સાથે ચાલ... હું તને એ રૂમમાં પહોંચ્યા બાદ બધુ કહી શકીશ...’’ એ યુવતીએ કહ્યુ અને અજયનો હાથ પકડીને તેને દરવાજા તરફ વાળ્યો. પ્રેમનું નામ સાંભળીને જાણે અજયને ધક્કો લાગ્યો હોય એમ તે પણ અદકેરો હતો તેના માટે તે કંઈપણ જોખમ વિચાર્યા વગર લઈ શકતો હતો.

પ્રેમ અને અજયનો રૂમ નં.૩૦૯ હતો જ્યારે તેઓએ એ જ માળે આવેલા ૩૦૪ નંબરમાં જવાનું હતુ. એ યુવતી અજયનો હાથ પકડીને ઝડપથી ૩૦૪ નંબરમાં ઘુસી... કમરામાં ફેલાયેલી અરાજકતા હજુ એમની એમ જ હતી. પ્રેમ સોફા કમ ચેરમાં અધુકડો બેઠો હતો અને તેની છાતી ઉપર ડો.પ્રીતમ ઝળુંબી રહ્યા હતા. તેઓ હજુ હમણા જ આવ્યા હતા અને આવતાવેંત પોતાના કામે લાગી ગયા હતા. જે ઝડપે તેમની આંગળીઓ પ્રેમની છાતી પર ચાલતી હતી એનાથી બમણી ઝડપે તેમની જીભ ચાલતી હતી. પ્રેમ અને સુસ્મીતાને તેઓ સારી રીતે તતડાવી રહ્યા હતા. અજય પ્રેમ તરફ ઘસ્યો.

‘‘ઓહ માય ગોડ... પ્રેમ... તને આ ઝખમ કેવી રીતે થયા... અને...’’

‘‘હવે આ નવુ કોણ છે...?’’ ડો.પ્રીતને અજયની સામે જોયા વગર પુછ્યુ.

‘‘એ પ્રેમનો દોસ્ત છે...’’

‘‘એને કહો ચૂપ રહે...’’ ડો.પ્રીતમે ઘાંટો પાડતા કહ્યુ પ્રેમનો ઘાવ સાફ કરવા મચી પડ્યા. તેઓ પોતાનું કાર્ય બહુ સીફતથી કરી રહ્યા હતા. રૂના પેલથી પ્રેમના ઘા સાફ કર્યા. સાથે લાવેલી બેગમાંથી કંઈક મલમ કાઢીને ઘાવ પર લગાવ્યો અને થોડીવાર બાદ તેના પર રૂના પેણ પાથરી ઉપર ટેપ લગાવી પછી હાથ ખંખેરતા સીધા થયા.

‘‘તું ખુશનસીબ છે દિકરા કે તને સાવ મામુલી ઘા થયા છે. જો થોડો વધુ ઉંડો ઝખમ થયો હોત તો મુસીબત થાત. કદાચ સ્ટીચીઝ લેવા પડત અથવા તને હોસ્પીટલ ભેગો કરવો પડત. પરંતુ ગભરાવાની જરૂર નથી. જો ડ્રેસીંગ કરી આપ્યુ છે. અઠવાડીયામાં તો ઘાવ રૂઝાઈ જશે.’’

‘‘પરંતુ... તને ઘણુ લોહી નીકળી ચૂક્યુ છે ડોક્ટર...’’ સુસ્મીતાએ ચિંતાતુર ચહેરે કહ્યું.

‘‘ડોન્ટવરી ડોટર, આના જેવા તંદુરસ્ત માણસને થોડુ લોહી વહી જવાથી કોઈ ફરક પડવાનો નથી. એમ સમજજે કે તેણે રક્તદાન કર્યું હતુ. મને જે ચિંતા હતી એવું કઈ થયુ નથી એ રાહતની બાબત છે. ચિંતા તો આ માણસની થવાની...’’ એમણે ભુપત તરફ ઈશારો કરતા કહ્યું. પ્રીતમસીંહે આવતાવેંત જ બોસ્કીને કામે લગાવી દીધો હતો. તેઓ જ્યારે પ્રેમની પાટાપીંડી કરતા હતા ત્યારે બોસ્કી ભુપતની સારવારમાં પરોવાયો હતો. બોસ્કી પોતે ડીટેક્ટીવ હતો છતા અત્યારે તે એક સારા ડોક્ટરની ગરજ સારી રહ્યો હતો. પલંગ ઉપર પડેલી ચાદરમાંથી લીરો ફાડીને તેણે ભુપતના પગ ઉપર જ્યાં સીમાની ગોળી વાગી હતી ત્યાં ઘાવ પર કસકસાવીને પાટો બાંધી દીધો હતો. ત્યારબાદ ભુપતના ડાબા સોલ્ડરમાં ખૂંપેલુ ચાકુ સાવધાનીથી ખેંચીને ત્યાં એ ચાદરને હાથોથી દબાવીને બેસી ગયો હતો.

‘‘આને હોસ્પિટલમાં શીફ્ટ કરવો પડશે... અહીં તેની સારવાર શક્ય બનશે નહિં...’’ ડો.પ્રીતમે કહ્યુ. એ બુઢ્ઢા ડોક્ટરની આંખો મામલાની નજાકત સમજી ચૂકી હતી. તે સમજી ચૂક્યો હતો કે આ છોકરડાઓના પગ કુંડાળે પડ્યા છે, અને તે ખરેખર તેમને હેલ્પ કરવા માંગતો હતો પરંતુ ભુપતની હાલત વધારે ખરાબ બનતી જતી હતી એટલે તેને હોસ્પિટલ ભેગો કર્યા સિવાય આરો નહોતો... ના છુટકે પણ આખરે એ નિર્ણય લેવાયો હતો.

વહેલી સવારે ત્રણ વાગવા આવ્યા હતા. હોટલમાં મચેલી ધમાચકડીમાં સમય ક્યાં વહી ગયો એનો ખ્યાલ જ નહોતો રહ્યો. આ સમયે હોટલમાં કોઈ જાગતુ હોય એવી શક્યતા નહિવત હતી. તેમ છતા પુરી સાવધાનીથી અજય અને બોસ્કી ભુપતને ઉંચકીને ડો.પ્રીતમસિંહની ગાડી સુધી પહોંચાડી દે એવું નક્કી થયું. અજયે ૩૦૪ નંબરના રૂમમાં આવ્યા બાદ ખામોશી ધારણ કરી લીધી હતી. માત્રને માત્ર પોતાના કારણે જ આ સીનારીયો સર્જાયો હતો એ વાત તેને સમજાતી હતી અને એનો અફસોસ પણ તેને હતો. પરંતુ હવે પરિસ્થિતિ તેના કાબુ બહાર હતી... તેણે હાલ ફીલહાલ તો ચૂપ રહેવાનું જ મુનાસીબ માન્યુ હતુ.

અજય અને બોસ્કીએ ભુપતને એની બગલમાં હાથ નાખીને પોતાના ખભાપર લઈને ઉંચક્યો. ભુપત પુરા છ ફુટ ઉંચો હટ્ટો કટ્ટો પહાડ જેવો વિશાળ આદમી હતો. જ્યારે બોસ્કી એનાથી ઘણો નીચો હતો એટલે જ્યારે તેઓએ ભુપતને ઉંચક્યો ત્યારે ભુપતનું સમગ્ર વજન એકલા અજયના શરીર પર ઢળ્યુ. ભુપતનો એક હાથ ખેંચાયો જ્યારે બોસ્કી તરફનો હાથ એમજ એક તરફ થોડો લથડ્યો. એ સાથે જ સીમા ઘસી આવી તેણે બોસ્કીના ખબેથી ભુપતનો હાથ પોતાની ગરદન પર વીંટાળ્યો. અજયની આંખો અનાયાસે જ સીમાના ચહેરા તરફ ફરી. અજયની આંખોમાં અનાયાસે જ આભારની લાગણી વ્યક્ત કતા ભાવો ઉઠ્યા, જે જોઈને સીમાના ગોળ ખુબસુરત ચહેરા પર એક હળવી મુસ્કાન આવી ગઈ.

પ્રીતમસીંહે આગળ વધીને રૂમનું બારણુ ખોલી નાખ્યુ એમની પાછળ અજય અને સીમા ભુપતને લગભગ ઢસડતા કહી શકાય એમ હાથોથી ઉંચકીને બહાર નિકળ્યા. ૩૦૪ નંબરના રૂમથી લીફ્ટ દુર નહોતી. તેઓ લીફ્ટમાં ઘુસ્યા એટલે ડોક્ટરે મેઝેનાઈન ફ્લોરનું બટન દબાવ્યું. હોટલનો મેઝેનાઈન ફ્લોર ગાડીઓનો પાર્કીંગ એરીયા હતો. ડો.પ્રીતમસીંહે પોતાની ગાડી અહી પાર્કીંગ એરીયામાં જ પાર્ક રેલી હતી. એટલે તેઓ કોઈ અડચણ વગર બહાર નીકળી શકે એમ હતા. નીચે લીફ્ટમાંથી બહાર નીકળીને સાવધાનીથી ભુપતને ડો.પ્રીતમસીંહની કારની પાછલી સીટમાં સુવડાવવામાં આવ્યો. પ્રીતમસીંહ સાથે બોસ્કીએ હોસ્પીટલમાં જવાનું નક્કી થયુ હતુ. એટલે તે પણ કારમાં ગોઠવાયો. ડોક્ટરે પણ સ્ટીયરીંગ પર બેઠક લઈને કાર સ્ટાર્ટ કરી. અજય અને સીમા પાર્કીંગમાંથી બહાર નીકળતી ગાડીની બેક લાઈટને તાકતા ઉભા રહ્યા ગાડી એક્ઝીટના સાઈનને વટાવી નજરોથી ઓઝલ થઈ ત્યાં સુધી તેઓ ખામોશ ઉભા રહ્યા હતા.

સીમાને અંદાજ હતો કે અજયના મનમા શું ગડમથલ ચાલી રહી હશે. તે અજયને પોતાના વીશે બધુ જ જણાવી દેવા માંગતી હતી પરંતુ એ માટે સમય જોઈએ અને એ સમય તેની પાસે નહોતો. જો અત્યારે તે સમય બગાડે તો કદાચ તે જે કરવા ધારતી હતી એમા ઘણુ મોડુ થઈ જાય એમ હતુ... આખરે તેણે લીફ્ટ તરફ જવા પગ ઉપાડ્યા. અજય તેને જોઈ રહ્યો. તે ઘણી ધીરજ રાખતા શીખી ગયો હતો. સમયે તેને ધીરજ ધરતા શીખવાડી દીધુ હતુ. સીમાને જોઈને તે અપરંપાર આશ્ચર્ય અનુભવતો હતો. આશ્ચર્ય એ વાતનું હતુ કે આ એ જ છોકરી હતી જેણે તેને પેલુ પરબીડીયુ આપ્યુ હતુ. જેમાં તેના પીતાજીનું ખુન કરવામાં આવ્યુ છે એ મતલબનું લખાણ હતુ... અને અત્યારે આ જ છોકરી ક્યાંથી સાવ અચાનક જ જીનની જેમ પ્રગટી હતી અને તેની સામે આવીને ઉભી રહી હતી... અને તેણે જે કહ્યુ એ તો એથી વધુ ભયાનક હતુ. તેણે મંગાને માર્યો હતો... તે તુલસીને ઓળખતી હતુ... તેણે તુલસીનં તર્પણ કર્યુ હતુ... તે પ્રેમને પણ ઓળખતી હતી... પરંતુ શું કામ...? કોણ છે આ છોકરી...? તુલસી સાથે તેનો શું સંબંધ છે...? જ્યાં સુધી તે સામેથી પોતાની જાતે કંઈ કહે નહિ ત્યાં સુધી તેને પોતાના પ્રશ્નોના જવાબ મળવાના નહોતા... અને એ જે કહેશે તે સત્ય જ હશે એવી પણ અજયને ખાતરી થવાની નહોતી. બની શકે કે એ કોઈ બનાવટી કહાની કહી સંભળાવે... તેને એ યુવતી રહસ્યમય લાગતી હતી.

અજય... કેમ ત્યાં જ ઉભો રહી ગયો...? સીમાએ લીફ્ટની અંદરથી અજયને સ્થિતપ્રજ્ઞની જેમ ત્યાં જ ઉભેલો જોઈને બુમ પાડી. અજય ચોંક્યો. તેને ખ્યાલ આવ્યો કે તે બાઘાની જેમ હજુ પાર્કિંગ પ્લોટમાં જ ઉભો હતો અને એકીટશે લીફ્ટ તરફ જોઈ રહ્યો હતો તેણે માથુ ઝડકાવ્યુ...કશોક નિર્ણય કર્યો અને લીફ્ટ તરફ ચાલ્યો.

‘‘મારે તને કંઈક પુછવુ છે... થોડા પ્રશ્નોનો સાચો જવાબ જોઈએ છે... અને એ પણ હમણા જ, અત્યારે જ...’’ અજયે લીફ્ટની બહાર ઉભા રહીને મક્કમતાથી કહ્યું. સીમાના ચહેરા પર અજયની વિહવળતા જોઈને હળવી મુસ્કાન ઉભરાઈ આવી. થોડીવાર સુધી તે અજયના ચહેરાને નીરખતી રહી... કેટલો સાલસ અને ભોળો છે. એ પોતે કઈ પરિસ્થિતિમાં છે એ પણ તેને ખબર નથી. જો કે એમા તેનો કોઈ વાંક પણ નથી. કારણ કે જેલમાંથી બહાર નીકળ્યાને હજુ ફક્ત બે જ દિવસ થયા હતા અને આ બે દિવસમાં તે મગજ સુન્ન પડી જાય, વિચારશક્તિ બહેર મારી જાય એવી ઝડપે એ ઘણીબધી ઘટનાઓમાં સંડોવાયો હતો. એટલે તે આમ વિહવળતાથી વર્તે એ સ્વાભાવિક હતુ. સાત વર્ષની ભયાનક ખામોશી બાદ તેણે આઝાદીનો શ્વાસ લીધો જ હતો કે સાવ અચાનક તેનું અપહરણ થયુ અને ત્યારબાદ જે ઝડપે ઘટનાઓ ઘટી એમાં તે ગુંચવાઈ ગયો હશે. તેનું મન હજુ સ્તબ્ધતામાંથી બહાર આવ્યુ નથી એટલે તે આમ અટકી જાય એ સ્વાબાવિક બાબત છે... સીમા વિચારતી થોડીવાર ખામોશીથી લીફ્ટની અંદર જ ઉભી રહી, પછી એક આછો નિશ્વાસ નાખીને તે બહાર નીકળી... ધીરેથી ચાલતી અજયની નજીક પહોંચી. સામે સીમાને જોઈને અજયના હ્ય્દયમાં વિચિત્ર ખળભળાટ મચતો હતો. તે સીમાના ચહેરામાં કશુક શોધી રહ્યો હતો. સીમાને જોઈને તેને એક અનોખો અહેસાસ, એક અલગ પ્રકારનું સ્પંદન થતુ હતુ જે તે સમજી શકતો નહોતો. સીમાને જોઈને તેને એ શું હતુ તે એ સમજી શકતો નહોતો. સીમાને જોઈને તેને કોઈકના ચહેરાની યાદ તાજી થતી હતી... આ ચહેરો... તસ્સૂ... તુલસી... હાં પણ, એ કેમ બને...? સીમાના ચહેરામાં અને તુલસીના ચહેરામાં ઘણુ સામ્ય હતુ. સીમાનો ચહેરો ઘણા અંશે તુલસીના ચહેરાને મળતો આવતો હતો. અજય એકટશે સીમાને નીરખી રહ્યો.

આવી જ આંખો... તુલસીની પણ હતી. સહેજ કાજળઘેરી પાપણોની નીચે રમતી એ આંખોમાં ગહેરાઈ હતી, એક અનંત અને લાગણીભીની ગહેરાઈ જે હંમેશા તુલસીની આંખોમાં પણ છવાયેલી રહેતી હતી.

‘‘અજય... આમ વારે વારે ક્યાં ખોવાઈ જાય છે...? તારે શા જવાબ જોઈએ...? સીમાએ અજયની એકદમ નજીક આવતા પુછ્યુ. અજયના પ્રશ્નોનો સીમાને ખ્યાલ હતો જ, અને તે પણ તત્પર હતી બધુ જણાવી દેવા કરાણ કે તે જે જાણતી હતી એ એક મહાપ્રલય સર્જે એવુ હતુ. તેને પણ એક સથવારાની જરૂર હતી અને એ સથવારો અજય તેને આપી શકે તેમ હતો.’’

‘‘થોડા પ્રશ્નો...’’

‘‘પ્રશ્નો મિન્સ એ જ ને કે હું કોણ છું... અને...?’’

‘‘હા...’’

સીમાએ એ સાંભળીને ફરી એક ઉંડો ગહેરો શ્વાસ ભર્યો. તેની નજરો અજયના ચહેરા પર મંડાઈ. તે એની આંખોમાં જાણે આરપાર અનંતમાં તાકી રહી હોય એમ જોઈ રહી.

‘‘મારુ નામ સીમા...તુલસી મારી બહીન હતી... હું તુલસીની નાની બહેન છુ...’’ સીમાએ સ્થિર અવાજે કહ્યું. અજયના પગ પાસે બોમ્બ ફુટ્યો.

‘‘વોટ...’’ પારાવાર આશ્ચર્યથી અજયનો ચહેરો તરડાઈ ગયો. તે સ્તબ્ધ બની ગયો. એક લાંબી ક્ષણ માટે સ્તબ્ધતા અનુભવતો તે ઉભો રહ્યો. અજયને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો કે તે જે સાંભળી રહ્યો છે એ સત્ય છે કે પછી એક નર્યુ છળકપટ... પણ... નહિ... સીમાની દ્રષ્ટીમાં સ્પષ્ટ વંચાતુ હતુ કે તે સાચુ બોલી રહી છે... પણ તો પછી તુલસીએ મને કેમ ક્યારેય કહ્યું નહોતુ કે તેની એક નાની બહેન પણ છે. શું કામ એણે સીમા વીશે ઉલ્લેખ સુધ્ધા નહોતો કર્યો... શું કામ...?

‘‘તુલસી મારાથી બે વર્ષ મોટી હતી. તને આશ્ચર્ય થાય છે ને ? આશ્ચર્ય એ વાતનું કે કેમ તુલસીએ તને મારા વીશે ક્યારેય કંઈ કહ્યું નહિ...? કારણ કે એમના જીવનમાં હું ક્યારેય હતી જ નહિ... એ મને ચાહતી નહોતી એમ તો હું તને ન કહી શકું. તેમ છતા એના જીવનમાં મારુ કોઈ અસ્તીત્વ જ નહોતુ...’’

‘‘હું સમજ્યો નહિ...’’

‘‘હું તલસીની સગી બહેન નથી...’’

‘‘મતલબ...’’

‘‘મારા પપ્પાએ બીજા લગ્ન કરેલા... મારી માં સાથે... તુલસી એમની પ્રથમ પત્નીની સંતાન હતી...’’

‘‘ઓહ... પણ...’’

‘‘એ એક લાંબી કહાની છે...’’

‘‘મને ઉતાવળ નથી...’’

‘‘પ્રભાદેવી એ મારા પપ્પાના કાયદેસરના પ્રથમ પત્ની હતા. તુલસી એ પ્રભાદેવીનું સંતાન... મારા મમ્મીતો એ પચી પપ્પાના જીવનમાં પ્રવેશ્યા હતા...’’ આટલુ કહીને સીમા અટકી. તેની છાતીમાંથી એક ઘેરો નિશ્વાસ નિકળ્યો, તેના ચહેરા પર વિષાદની લકીરો અંકાઈ...

‘‘વેલ... અજય... ત્યારે મમ્મીને જાણ નહોતી કે પપ્પાના લગ્ન થઈ ચૂક્યા છે. મમ્મીતો સાચા દિલથી એમને ચાહતી હતી. પપ્પા પણ એટલી જ તીવ્ર લાગણીથી મમ્મીને પ્રેમ કરતા હતા. અને એ પ્રેમની નીશાનીરૂપે જ્યારે મારા અંકુર મમ્મીના પેટમાં રોપાયા ત્યરે તેણે પપ્પાને આ વાતની જાણ કરવાનું નક્કી કર્યું કારણ કે હજુ તેમના લગ્ન નહોતા થયા. મારી મમ્મી કુંવારી માતા બનવા જઈ રહી હતી એટલે તે સાવ અચાનક જ એક દિવસ પપ્પા જ્યાં રહેતા હતા એ ઘરે પહોંચી ગઈ... પ્રભાદેવીએજ ઘરનો દરવાજો ખોલ્યો હતો... અને પછી... એ નાનકડા ઘરમાં ભુકંપ સર્જાયો હતો... જ્વાળામુખી ફાટ્યો હતો... એ જ્વાળામુખીના ગરમ લાવાએ પ્રભાદેવી, મારા પપ્પા અને મારી મમ્મીના જીવનને સળગાવીને રાખ બનાવી નાખ્યુ હતુ... પ્રભાદેવીથી આ આઘાત જીરવાયો નહિ અને થોડા જ સમયમાં હ્ય્દય રોગના હુમલામાં તેઓ ગુજરી ગયા ત્યારે તુલસી માત્ર એક વર્ષની હતી. મારી મમ્મીએ તો એ જ દિવસે શહેર છોડી દીધુ અને સીમલા તેના કાકાને ત્યાં રહેવા ચાલી ગઈ હતી... એ દિવસોમાં મારી મમ્મીએ કેવી ભયાનક માનસિક યાતના સહી હશે એ વિચારતા આજે પણ હું ધ્રુજી ઉઠુ છુ. મારો જન્મ અને ઉછેર સીમલામાં થયો... મારે અઢારમું વર્ષ ચાલતુ હતુ એ સમય દરમ્યાન મમ્મી સખત બીમાર પડી. મમ્મીને એવો અહેસાસ થવા લાગ્યો હતો કે તે હવે વધુ નહિ જીવે ત્યારે તેણે મને મારા પપ્પા વીશે કહ્યુ. જે પ્રશ્નનો જવાબ મેળવવા મેં વર્ષો સુધી મમ્મીને પજવી હતી એ પ્રશ્નનો ઉત્તર તેણે તેની જીંદગીના આખરી સમયે આપ્યો હતો... મમ્મી ગુજરી ગઈ... અને હું મારુ સ્વમાન અને મારુ કુળ મેળવવા સીમલાથી સુરત આવી...’’ સીમા એકધારુ બોલતા અટકી. પારાવાર વિષાદથી તેનો રૂપાળો ચહેરો તરડાયો હતો. જુની વાતો યાદ કરતા જાણે થાક લાગ્યો હોય એમ તેના કપાળે પરસેવાના બીંદુઓ ઉભરી આવ્યા. વર્ષો બાદ આજે તે પોતાનું હ્ય્દય ઠાલવી રહી હતી. અજય ધ્યાનથી હેરતથી તેની કથની સાંભળી ર્હયો હતો... એક બેફીકર, ખતરનાક મોર્ડન યુવતીના જીસ્મમાં આટલુ કોમળ દિલ છુપાયેલુ હશે એ તેને આશ્ચર્ય પમાડતુ હતુ... સાથોસાથ એક ન સમજાય એવુ મમત... એવુ ખેંચાણ તે સીમા પ્રત્યે અનુભવવા લાગ્યો હતો... કદાચ તે સીમામાં તુલસીને શોધી રહ્યો હતો... તે સાવધ બન્યો...

‘‘પછી...’’ ઉત્સુકતાથી તેણે પુછ્યુ.

‘‘સુરતની ધરતી મને રાસ ન આવી અજય...’’ સમય ઝડપથી વીતી રહ્યો હતો અને હજુ તેણે ઘણા કામ કરવાના હતા એટલે સીમાએ બને એટલી ઝડપથી ટૂંકાણમાં વાત આગળ વધારી...

‘‘તુલસીના મોતના થોડા દિવસ અગાઉ જ હું તેને મળી હતી. આજે હું વિચારુ છુ કે કાશ, હું તેને મળી ન હોત તો તે કદાચ આજે જીવતી હોત... મેં જેવુ ધાર્યુ હતુ એવુ જ આશ્ચર્ય અને પછી આઘાત તેને લાગ્યો હતો. એ સમયે અમારા પીતા ઘરે નહોતા, છતા મને એટલી સમજ પડી હતી કે સાંજે જ્યારે તે ઘરે આવ્યા હશે ત્યારે બાપ-દિકરી વચ્ચે જરૂર જબરદસ્ત બોલાચાલી થઈ હશે... અજય હું તને કહુ છુ મારે ખરેખર તુલસીને મળવા જવુ જોઈતુ નહોતુ. મને આજે પણ અફસોસ થાય છે કે હું શું કામ તેને મળી... તે દિવસે તુલસીને મેં મારી ઓળખાણ આપી હતી. તેને જરૂર આઘાત લાગ્યો હતો છતા તેણે કળવા દીધુ નહોતું. તે ચૂપચાપ મારી કહાની સાંભળી રહી હતી. મને તેના ચહેરાના ભાવ પરથી તેને કેટલી પીડા થતી હશે એનો અંદાજ આવતો હતો. લગભગ બે કલાક બાદ હું ત્યાંથી નીકળી હતી. ત્યારે પપ્પા ઘરે નહોતા, મારે તેમને મળવુ હતુ, છતા તે જ દિવસે મારે એમને મળીને વધુ મુસીબતમાં નહોતા મુકવા. મને ખ્યાલ આવતો હતો કે તુલસીના મનમાં પણ પ્રશ્નો ઉદ્દભવ્યા હશે અને તે પ્રશ્નોનો જવાબ તે અમારા પિતા પાસે જરૂર માંગશે જ. એટલે હું તે દિવસે ત્યાંથી મારા પીતાને મળ્યા વગર પાછી ફરી હતી... પરંતુ અજય... નિયતીને કંઈક અલગ જ મંજુર હતુ. હું તુલસીને મળીને ઘુંઘવાતા મને નિકળી એના અડધા કલાક બાદ કોઈએ મારુ અપહરણ કરી લીધુ હતુ... હું તુલસીના ઘરેથી નીકળી એ દરમ્યાન જ કદાચ કોઈ મારો પીછો કરતુ હશે. ખીન્નમને ચાલતી હું બસ સ્ટેન્ડે પહોંચી મને સમજાતુ નહોતુ કે હવે મારે શું કરવું જોઈએ. એ જ દશામાં ઘણો વખત હું બસસ્ટેન્ડે ઉભી રહી... પછી એક ટેક્ષી મારી પાસે આવીને ઉભી રહી. તેના ડ્રાયવરે મને કંઈક પુછ્યુ મને લાગ્યુ કે તે લોકલ ટેક્ષી છે અને ભાડા માટે પુછી રહ્યો છે. હું સાવ અસંબંધ દશામાં કઈ પણ વિચાર્યા વગર ટેક્ષીમાં બેઠી. એ મારી ગંભીર ભુલ હતી. ટેક્ષીમાં પહેલેથી એક વ્યક્તિ બેઠેલી હતી... તે મંગો હતો... મને એનુ નામ પછીથી માલુમ પડ્યુ હતુ. સાવ આસાનીથી, સામે ચાલીને વગર પ્રયત્ને હું એ લોકોની જાળમાં ફસાઈ ચૂકી હતી. કોઈ આ વાત સાંભળે તો પણ મારા પર હસે એવી બાલીશ હરકત હતી એ... ખેર, ટેક્ષી કોઈ અન્ડરકંસ્ટ્રક્શન બિલ્ડીંગના ચોગાનમાં જઈને ઉભી રહી ત્યારે જ મને મારી ભુલ સમજાઈ, પણ ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઈ ચૂક્યુ હતુ. મંગાએ બળજબરીથી મારા હાથ પગ બાંધી દીધા હતા અને મોઢે ટેપ લગાવી દીધી હતી. ચાર-ચાર દિવસ સુધી મને એ અંડરકન્સ્ટ્રક્શન બિલ્ડીંગના એક અંધારીયા, અવાવરૂ ઓરડામાં બંધ રાખવામાં આવી... મને સહેજે ખ્યાલ નહોતો આવતો કે આ અજાણ્યા શહેરમાં સાવ અચાનક જ કેમ ? શું કામ ? મને બંદી બનાવવામાં આવી...? આ લોકો કોણ હતા ? તેમનો ઈરાદો શું હતો...? કારણ કે ચાર-ચાર દિવસ સુધી મને બંદી બનાવવા છતા તેઓએ મને હાથ સુધ્ધા અડાડ્યો નહોતો. ત્રણ ટાઈમ જમવાનું આવી જતુ હતુ અને જાણે તેઓ કોઈ શરીફ માણસો હોય એવુ વર્તન મારી સાથે કરતા હતા. મને શા માટે કેદ કરવામાં આવી હતી એની ભયાનક દુવીઘા હું અનુભવી રહી હતી. સમજમાં નહોતુ આવતું કે આ લોકો મારો શું ઉપયોગ કરવા માંગતા હતા...’’

અને... મારી દુવીઘાનો અચાનક જ અંત આવ્યો હતો. લગભગ બીજા કે ત્રીજા દિવસે જ્યારે મેં એ લોકોની વાતો સાંભળી ત્યારે મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. એ લોકોએ એક ભયાનક કાવતરુ કોઈ મોહનબાબુ વિરુધ્ધ રચ્યુ હતુ. અને અજય એટલે કે તને ફસાવવા માટે તેઓ તુલસીનો લીવરેજ તરીકે ઉપયોગ કરવાના હતા. અને ત્યારે જ મને સમજમાં આવ્યુ કે મારુ અપહરણ આ લોકોએ શા માટે કર્યું હતુ. મારો ઉપયોગ આ લોકો લીવર તરીકે કરવાના હતા જેથી તુલસી દબાણમાં આવીને આ લોકોનું કામ કરે... એ સમયે મને ખબર નહોતી કે મોહનબાબુ અને અજય કોણ છે. મેં તો બસ, અનાયાસે જ તેઓ જે વાતચીત કરતા હતા એ સાંભળી લીધી હતી.

એક મીનીટ... સીમા... ઓહ... માય ગોડ... ઓહ માય ગોડ... ઓહ... અચાનક અજય બોલી ઉઠ્યો. તેના હ્ય્દયમાં વિચિત્ર સળો ઉઠતી હતી. સીમાની વાત સાંભળીને તે ખળભળી ઉઠ્યો હતો. એનો મતલબ... મલતલબ કે... તુલસીએ તને બચાવવા ડ્રગ્સ અને જાલીનોટો ભરેલો એ થેલો મારા સુધી પહોંચાડવાનું સ્વિકાર્યું હતુ. ઓહ... હે ભગવાન... અને હું...? તે ખામોશ થઈ ગયો.

હાં અજય, તુલસીને ભલે હું એક જ વખત મળી હતી છતા તેણે મને બચાવવા એ થેલો મારા સુધી પહોંચાડ્યો હતો. તે પણ જાણતી નહિ હોય કે એ થેલામાં શું હશે...

પરંતુ... એ લોકોને કેવી રીતે ખ્યાલ આવ્યો કે તું તુલસીની બહેન છે...? તું તો એ દિવસે પહેલી વાર જ તુલસીને મળવા ગઈ હતી... અજયે તાર્કીક પ્રશ્ન રજુ કર્યો.

મને પણ આ પ્રશ્ન ઉદભવ્યો હતો... કદાચ એ લોકોએ તુલસી પર વોચ ગોઠવી હોય. પહેલેથી તેઓ તુલસીદીદીના ઘર ઉપર નજર રાખીને બેઠા હોય અને યેનકેન પ્રકારે જ્યારે હું તુલસીને મળવા ગઈ હતી ત્યારે જાણી લીધુ હોય કે હું એની બહેન છું.

ચાલો માની લઈએ કે તું જે કહે છે એમ જ બન્યુ હોય તો પણ તુલસી જ શું કામ...? એ થેલો તેઓ ગમે તે રીતે મારી સુધી પહોંચાડી શક્યા હોત...

હાં... પણ તો તું આમ સાત-સાત વર્ષ સુધી ખામોશ બેસી ન રહ્યો હોત. તું કહી શક્યો હોત કે એ થેલો તારો નથી. અરે... તને જો તુલસીના મોતનો આઘાત ન લાગ્યો હોત તો જરૂર તે પ્રતીકાર કર્યો હોત... તું એવું કંઈ ન કરે એ માટે જ લોકોએ તુલસીને વચ્ચે નાખી હતી. અને થયુ પણ એમ જ... તુલસીને બચાવવા તે એ ગુનો તારા માથે ઓઢી લીધો હતો... તને એટલો ભયંકર માનસિક આઘાત આપવામાં આવ્યો કે તારે શું કરવું એ જ તને સમજાયુ નહિ. એ તકનો ભરપુર લાભ ઉઠાવાયો અને તારા પરિવારને દોઝખ ભરી જીંદગી નસીબ થઈ...

તને આ બધી વાતોની કેવી રીતે ખબર પડી...?

મેં એ લોકોની વાતચીત સાંભળી હતી. અને ત્યારબાદ જે ઘટનાઓ ઘટી તેના ઉપરથી તારણ કાઢતા વાર ન લાગી... સીમાએ કહ્યું. તેઓ હજુ નીચે પાર્કીંગ પ્લોટમાં જ ઉભા હતા. અજય ત્યાં પાર્ક કરેલી ગાડીને પીઠનો ટેકો દઈને ઉભો હતો. સીમા તેની સામે ઉભી રહી બોલી રહી હતી.

મારા પીતાજીને કોણે માર્યા...?

ભુપતે...

ભુપત... એ કોણ...?

જેને આપણે અત્યારે ઉંચકીને નીચે લઈ આવ્યા તે... એ ભુપત હતો... તેણે જ તારા પીતાજીનું મોત નીપજાવ્યું હતુ... એક આછો નિસાસો નાખતા સીમાએ કહ્યું.

વોટ... એ... એ... ભુપત હતો...? જેણે મારા પીતાજીનું ખૂન કર્યું હતું...? અને તું મને અત્યારે કહે છે... અજય સુન્ન પડી ગયો. તેના જીગરમાં ભયાનક દાવાનળ સળગ્યો. ક્રોધથી તેની કાયા કંપી ઉઠી. એ તેના પિતાજીના કાતીલને દવાખાને પહોંચાડવા ઉપરથી ઉંચકીને નીચે લઈ આવ્યો હતો. તેણે તેના પિતાજીના કાતીલની મદદ કરી હતી એ અહેસાસે તેનો ક્રોધ ઓર ભડકાવી દીધો. અજયના હ્ય્દય પર એકાએક જાણે કોઈએ વજનદાર પથ્થર મુકી દીધો હોય એવો ભાર મહેસુસ થયો. સીમા અજયની વિહવળતા સમજી શકતી હતી.

તારે મને પહેલા કહેવું જોઈતુ હતુ સીમા...

તો તું એને જીવતો ન છોડત...

હું તેને મારા હાથે મોત આપત...

મને ખબર છે એટલે જ હું તને કોી વાત નહોતી કરતી એ અત્યારે જીવતો રહે એમાં જ આપણો ફાયદો છે અજય... તે જ આપણને જણાવી શકશે કે શા-માટે તેણે તારા પિતાનું ખુન કર્યું હતું... તને શું કામ ફસાવ્યો અને તુલસીને કોના કહેવાથી મારી...? મારે પણ હજુ આ સવાલોના જવાબ મેળવવાના બાકી છે... સીમાએ કહ્યું. તે થોડીવાર અટકી. તેના ગોરા ખુબસુરત ચહેરા પર આછી અસમંજસ ઉભરી આવી. તે કદાચ કંક કહેતા અચકાતી હતી. આખરે તે બોલી... અને... મને લાગે છે કે, હું જેટલુ જાણી શકી છું. જેટલુ મને સમજાયુ છે એના કરતા પણ વધારે ભયાનક ષડયંત્ર આની પાછળ રચાયુ છે... અથવા તો રચાવાનું હશે... મને એંધાણ સારા નથી દેખાતા અજય. તું જેલમાંથી છુટ્યો તરત તારુ અપહરણ થયુ એ એની સાબીતી છે. હું મુંઝવણમાં છુ... સાચુ કહુ તો મને ડર લાગે છે...

મંગાનું મોત કેવી રીતે થયુ...? તેણે પુછ્યુ.

તું જ્યારે હોટલના રેસ્ટોરન્ટમાંથી નીકળીને મંગાની પાછળ બીચ તરફ ગયો ત્યારે મેં તને જોયો હતો. હું ત્યાં જ સ્વિમિંગ પુલની ચેરમાં બેઠી હતી. તને બહાર નીકળતો જોઈને હું પણ તારી પાછળ ચાલી. મને જે મોકાની તલાશ હતી એ અનાયાસે જ મને મળ્યો હતો એટલે એ મોકો હું ગુમાવવા માંગતી નહોતી. બીચ ઉપર તારી અને મંગાની વચ્ચે જે ઝપાઝપી થઈ એનો લાભ મેં ઉઠાવ્યો. કોઈક કારણો સર તું ઝુક્યો અને મંગો જેવો તારી ઉપર ઝપટવા તૈયાર થયો કે મેં મારી સાયલેન્સર યુક્ત ગનથી તેની ઉપર ફાયર કર્યો. ગોળી તેની પીઠમાં વાગી અને તે કપાયેલા ઝાડની જેમ નીચે તારી ઉપર પટકાયો. મારુ કામ પુરુ થયુ હતુ અને હું હોટલમાં પાછી ફરી...

પણ એ મોતનો ઈલ્જામ મારી ઉપર આવત એ તેં કેમ ન વિચાર્યું...?

એ વિચાર મને આવતો જ હતો... પણ ને ખ્યાલ હતો કે મંગાની પાછળ તું એકલો જ ગયો હતો. તારી સીવાય બીજા કોઈને ખબર પણ નહોતી પડવાની કે મંગાની અને તારી વચ્ચે ઝપાઝપી થઈ હતી. અને સવાર પડતા સુધીમાં તો દરીયાની ભરતીનું પાણી તારા ત્યાં હોવાના તમામ પુરાવા, તારા પગલાના નીશાનો ભુંસી નાખવાના હતા. તારી ત્યાં હાજરીની ગંધ સુધ્ધા કોઈને આવવાની નહોતી...

છતા એ એક જોખમ તો કહેવાય જ ને... અને પોલીસને આપણે આટલા બેવકુફ ધારી ન શકીએ.

એ તું મારા પર છોડ... હજુ સવાર થવામાં ઘણી વાર છે. એ પહેલા મંગાની વ્યવસ્થા કરી નાખીશું. અને જોખમ લીધા વગર હવે આગળ વધવુ મુશ્કેલ છે અજય... અત્યારે જ્યારે હું મારુ સમગ્ર અસ્તિત્વ ત્યજીને એ હરામખોરોને નશ્યત કરવા નીકળી છું. ત્યારે મારી પાસે વધુ વિકલ્પો બચતા નથી. સમજી વિચારીને થોડુ ઘણુ જોખમ તો ઉઠાવવું જ રહ્યુ. પ્રેમ આપણને મંગાની બોડીની વ્યવસ્થા કરવામાં સહાયતા કરી શકશે. મંગાના ખૂનમાં આપણે ફસાઈશું નહિ તેની મને ખાતરી છે... હવે... પ્લીઝ તું જલદી ઉપર ચાલ... હજુ એમનો એક સાધીદાર ઉપર પડ્યો છે. એની પાસેથી જો આપણે માહિતી ઓકાવી શકીએ તો જરૂર આપણને આગળની દિશાની સમજણ પડે. એ લોકો શું કરવા ધારતા હતા અને બીજા કેટલા માણસો આમા શામીલ છે એ પણ જાણવું જરૂરી છે. આપણે પ્રેમ પાસે પહોંચવુ પણ જરૂરી છે કારણ કે તે ઘાયલ થયો છે. જો તે સમયસર આવ્યો ન હોત તો કદાચ ભુપતે મારી બુરી હાલત કરી હોત... એ માણસ ખરેખર જીગરવાળો છે... જીવનમાં આવા મિત્રો મળવા મુશ્કેલ છે. તું ખરેખર ભાગ્યશાળી છે કે તને પ્રેમ જેવો મિત્ર મળ્યો છે... સીમાએ કહ્યું.

અજયના મનમાં ધીરે ધીરે આખુ ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યુ હતુ. ઘણાખરા પ્રશ્નોના જવાબો તેને સીમાની કથની પરથી મળી ચૂક્યા હતા. તેના મનમાં હળવાશ પ્રસરી હતી. અને સીમાની વાત બિલકુલ સાચી હતી. પ્રેમને એમની જરૂર હતી. સૌ-પ્રથમ પ્રેમ પાસે પહોંચવુ અગત્યનું હતુ. તેઓ લીફ્ટમાં ઘુસ્યા.

બરાબર એ જ સમયે ઉપર રૂમમાં પ્રેમ અને સુસ્મીતા વચ્ચે બીજા જ સંદર્ભમાં લમણાઝીંક ચાલતી હતી. સુસ્મીતા પ્રેમની હાલત જોઈ ગુસ્સે ભરાઈને તેને તતડાવી રહી હતી. પ્રેમ આંખો બંધ કરીને સુસ્મીતાને સાંભળતો મંદ-મંદ મુસ્કુરાઈ રહ્યો હતો. પ્રેમને હસતો જોઈ તે ઓર ગુસ્સે થઈ હતી.

તને હસવાનું આવે છે ? તું ક્યારેક તો મારી વાતને ગંભીરતાથી લે. મારી કોઈ દલીલની તારા પર અસર થતી જ નથી. અથવા તો તું મજાક સમજીને ઉડાવી દે છે. પરંતુ અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ કંઈ મજાક નથી... માય ગોડ પ્રેમ... તું ક્યારે સીરીયસ થઈશ ?

અરે... કદાચ જો થોડુ વધારે વાગ્યુ હોત તો જરૂર સીરયસ હોત. પ્રેમે કહ્યું. એ જવાબ સાંભળીને સુસ્મીતાએ દાંત ભીસ્યા.

જો તું આવો જ બકવાસ કરવાનો હોય તો પછી હું તારા પપ્પાને ફોન કરુ છું. પછી એમને સમજાવજે આવી રીતે...

ઓ.કેે. તું ફોન કરી જો... અને એ જે કહે તે મને પણ કહેજે...

હે ભગવાન... પ્રેમ તું સમજતો કેમ નથી... આખરે તે ઉકળી ઉઠી. તે પ્રેમના પપ્પાનો સ્વભાવ પણ જાણતી હતી અને તેને ખબર હતી કે આવી ધમકીઓની પ્રેમ પર કોઈ અસર થતી નહી. અચ્છા ઓ.કે. હું જાઉં છું... તું તારી રીતે ફોડી લેજે... કહીને સુસ્મીતા ઉભી થવા ગઈ કે પ્રેમે બંધ આંખોએ જ તેનો હાથ પકડી લીધો અને તેને ફરી પાછી બેસાડી. પ્રેમે આંખો ખોલી... તેની આંખોમાં નર્યો સ્નેહ નીતરતો હતો.

અરે... તું તો રીસાઈને ભાગવા લાગી... તું બેસ... અત્યારે સૌથી વધારે મારે તારી જરૂર છે. તું શું એમ સમજે છે કે મને આ ઘટનાઓની ગંભીરતા નથી સમજાતી...? શું આ કોઈ બાળકોનો ખેલ છે...? હું જાણુ છુ અને આના પરિણામો શું આવશે એ પણ કલ્પી શકુ છું... પ્રેમે સુસ્મીતાની ખુબસુરત લાંબી પાણીદાર આંખોમાં જોતા કહ્યું. એકાએક તેણે સુસ્મીતાને પોતાની તરફ ખેંચી. સોફાના હાથા પર બેઠેલી સુસ્મીતા પ્રેમના ચહેરા પર ઢળી. પ્રેમે હળવેક રહીને તેના પરવાળા શા નાજુક મુલાયમ હોઠો પર ચુંબન કર્યું. બે-પાંચ સેકન્ડ પછી તેને અળગી કરી. સુસ્મીતાનો ક્રોધ પળવારમાં હવા બનીને ઉડી ગયો. એની આંખોમાં ભીનાશ તરી આવી.

હું જાણું છું કે તું ક્યારેય સમજ્યા વિચાર્યા વગર કોઈ કદમ નહિ ઉઠાવે... એમ છતા મને હંમેશા એક ડર સતાવે છે કે કદાચ તને કંઈ થયું તો હું શું કરીશ...? તે એકા એક ભાવુક થઈ ઉઠી. તેની આંખોમાં આંસુ ઘસી આવ્યા. પ્રેમે તેને ફરી પોતાની નજીક ખેંચી. સુસ્મીતાના બદનમાંથી જુઈના અત્તરની સુવાસ ઉઠતી હતી. પ્રેમના નાકમાં એ આહલાદક ખુશ્બુ ફેલાઈ. તેણે સુસ્મીતાના સાનામાં પોતાનું માથુ ખુપાવ્યુ અને સુસ્મીતાએ પ્રેમના મુલાયમ ઘટાદાર વાળમાં હાથ પસવાર્યો. સુસ્મીતાના શરીરમાંથી ઉઠતી ખુશ્બુ... તેના સ્તનયુગ્મનો પોતાના ચહેરા પર થઈ રહેલો સ્પર્શ... અને જીસ્મની ગરમીમાં પ્રેમ પોતાને થયેલા ઘાવની પીડા ક્ષણભર માટે વીસરી ગયો... એ સ્પર્શ, એ સ્પંદન, એ ખુશનુમા અહેસાસ, એ સુસ્મીતાના સ્તનયુગ્મની પ્રસ્વેદભીની ચામડી, તેની સ્નીગ્ધ સુંવાળી ત્વચાની સુગંધમાં પ્રેમ કોઈ અલૌકિક દુનિયામાં પહોંચી ગયો હોય એવો અહેસાસ કરી રહ્યો... સેકન્ડો એ જ સ્થિતિમાં વીતી... તેઓનું સાનિધ્ય ઓર ગહેરુ થયું. તેઓના પ્રેમનો, વહાલનો એ સ્વયંભુ આવિસ્કાર થયો...

‘‘પ્રેમ...’’ એકદમ ધીમા અવાજે સુસ્મીતા બોલી. તેની નજરો ક્ષીતીજમાં તકાયેલી હતી.

‘‘હંમ્‌...’’ પ્રેમે હુંકારો ભણ્યો.

‘‘તું શું કામ આ જમેલામાં પડે છે...? અજય સાથે તું એક મિત્ર તરીકે વર્તે એ વાત ઠીક છે. પરંતુ તારે આમા સંડોવાની શું જરૂર છે...?’’

‘‘સુમી... કદાચ જીંદગીમાં ક્યારેક એવો સમય આવે કે તારે તારુ સર્વસ્વ મારા માટે જોખમમાં મુકવું પડે તો તું શું કરે...?’’

‘‘એક પળનોય વિચાર કર્યા વગર હું મારુ અસ્તીત્વ તારા પર ન્યોછાવર કરી દઉં...?’’

‘‘શું કામ...?’’

‘‘અરે... આ તે કોઈ પ્રશ્ન છે...? તું મારો પ્રેમ છે. હું તને અનહદ ચાહુ છું... તું મારી જીંદગી છો...’’

‘‘એ તો આપણા પ્રેમની, ચાહતની વાત થઈ. તને ખબર છે ચાહત કરતા પણ વધુ ગહેરો મિત્રતાનો સંબંધ છે. અને અજય મારો મિત્ર છે. અજયને હું આજકાલનો નહિ વર્ષોથી ઓળખુ છું. એક સમયે અજયના પપ્પા મોહનબાબુએ અમારી ખુબ જ મદદ કરી હતી... આ એશો-આરામ, આ ધન-દોલત તો એ પછી પેદા થયું... પરંતુ જ્યારે મારા પિતાજી પાસે કંઈ જ નહોતુ એ સમયે અજયના પિતાજીએ એમની દોસ્તી નીભાવી હતી. મારા પિતાજીને વ્યવસાયમાં આગળ વધારવામાં એમનો ખુબ મોટો સહયોગ મળ્યો હતો. એ એક નિસ્વાર્થ મિત્રતા હતી... એ મિત્રતા હવે હું નિભાવવા માંગુ છું. અજયે મને ભલે સાવ અનાયાસે જ ભેટો થયો, પણ જો હવે તેની મિત્રતામાં જો હું મારો સ્વાર્થ શોધુ તો હું મને ક્યારેય માફ ન કરી શકું... અને હમણા તેં જ તો તારા પ્રશ્નનો જવાબ આપી દીધો ને કે આપણી ચાહતને ખાતર તું ગમે તે કરવા તૈયાર થઈ જાય... તો બોલ હવે... શું મારી મિત્રતા અને આપણા પ્રેમમાં કોઈ ફરક છે...? પ્રેમે કહ્યું.’’

‘‘આઈ એમ સોરી પ્રેમ... કદાચ હું જ સંબંધોની ગહેરાઈ સમજી ન શકી. તારા મોં એ આ શબ્દો સાંભળીને ખરેખર મને આનંદ અને આશ્ચર્ય થાય છે. સદાય ધમાલ મસ્તી કરવાવાળો યુવક આટલો મેચ્યોર્ડ અને પુખ્ત હોય અને આટલી ગહેરાઈથી વિચારી શકે એ વખાણવા લાયક છે... મને ખુદને મારા પર ગર્વ છે કે જીવનસાથી તરીકે મેં તને પસંદ કર્યો...’’ સુસ્મીતા ભાવાવેશમાં બોલી.

અરે વાહ, તું તારી પોતાની જ પ્રસંશા કરવાલાગીછો ને કંઈ... પ્રેમે સુસ્મીતાથી અળગા થતા કહ્યું.

કેમ ન કરુ...? આખરે મેં જ તને પસંદ કર્યો છે ને... સુસ્મીતાએ પણ આંખો ઉલાળીને બે હાથની અદબવાળતા કહ્યું.

હેય... મેડમ... મારો કંઈ સ્વયંવર નહોતો ચાલતો કે એમાંથી તે મને પસંદ કર્યો હોય... આ તો મેં જતારી નજરોમાં દેખાતી મારા પ્રત્યેની ચાહતને સ્વીકારીને હા પાડી હતી... નહિતર તું હજુ પણ મારા જેવા પાત્રને શોધી રહી હોત...

જો... જો... હવે તું તારા વખાણ કરવા લાગ્યો...

હાં તો... વખાણ કરવા જેવા ના તો વખાણ કરવા જ પડેને...

માય ફુટ...

ક્યાં છે... લાવ ખેંચી લઉ... કહીને પ્રેમ સુસ્મીતાના પગ તરફ ઝુક્યો... કે એ ઝટકા સાથે દુર ખસી. અને પછી... બન્ને ખડખડાટ હસી પડ્યા. બરાબર એ જ સમયે અજયે રૂમની ઘંટડી વગાડી... અને વેલજી હજુ પણ ભયાનક રીતે ઘોરતો પલંગ ઉપર પડ્યો હતો.

***