સત્યના પ્રયોગો - ભાગ-4 - 19 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્યના પ્રયોગો - ભાગ-4 - 19

‘સત્યના પ્રયોગો

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૯. ફિનિક્સની સ્થાપના

સવારે પ્રથમ તો મેં વેસ્ટની સાથે વાત કરી. ‘સર્વોદય’ની મારા ઉપર થયેલી અસર

મેં તેમને કહી સંભળાવી, ને સૂચવ્યું કે ‘ઈન્ડિયન ઓપીનિયન’ને એક ખેતર ઉપર લઈ જવું.

ત્યાં સહુ એકસરખો ખાદ્યખરચ પૂરતો ઉાડ કરે, સહુ પોતાની ખેતી કરે, અને બચતા વખતમાં ‘ઈન્ડિયન ઓપીનિયન’નું કામ કરે. વેસ્ટે એ સૂચનાનો સ્વીકાર કર્યો. દરેકનું ખાદ્યાખરચ ઓછામાં ઓછું ત્રણ પાઉન્ડ થાય એવી ગણતરી કરી. આમાં ગોરાકાળાનો ભેદ

નહોતો રાખવામાં આવ્યો.

પણ પ્રેસમાં તો દરેક કામ કરનારા હતા. બધાને જંગલમાં વસવું અનુકૂળ આવે કે નહીં એ એક સવાલ હતો, અને બધા એકસરખો ખાવા-પહેરવા જોગો જ ઉપાડ કરવા તૈયાર થાય કે નહીં એ બીજો સવાલ હતો. અમે બન્નેએ તો એવો નિશ્ચય કર્યો કે, જે આ યોજનામાં દાખલ ન થઈ શકે તે પોતાનો પગાર ઉપાડે, ધીમે ધીમે બધા સંસ્થાવાસી થઈને રહે એ આદર્શ રાખવો.

આ દૃષ્ટિએ મેં કામદારોમાં વાત શરૂ કરી. મદનજીતને તો તે ગળે ન જ ઊતરી.

તેમને ધાસ્તી લાગી કે, જે વસ્તુમાં તેમણે પોતાનો આત્મા રેડ્યો હતો તે મારી મૂર્ખાઈથી એક માસમાં ધૂળધાણી થઈ જવાની, ‘ઈન્ડિયન ઓપીનિયન’ નહીં ચાલે, પ્રેસ પણ નહીં

ચાલે, ને કામદારો ભાગી જશે.

મારા ભત્રીજા છગનલાલ ગાંધી આ પ્રેસમાં કામ કરતા હતા. તેમને પણ મેં વેસ્ટની સાથે જ વાત કરી. તેમને કુટુંબનો બોજો હતો. પણ બચપણથી જ તેમણે મારી નીચે તાલીમ

લેવાનું ને કામ કરવાનું પસંદ કર્યું હતું. મારા પર તેમનો બહુ વિશ્વાસ હતો. એટલે દલીલ

કર્યા વગર તે તો ભળ્યા ને આજ લગી મારી સાથે જ છે.

ત્રીજા ગોવિંદસામી કરીને મશીનયર હતા. તે પણ ભળ્યા. બીજાઓ જોકે સંસ્થાવાસી ન થયા, પણ તેમણે હું પ્રેસને જ્યાં લઈ જઉં ત્યાં આવવા કબૂલ કર્યું.

આમ કામદારોની જોડે વાતચીતમાં બેથી વધારે દિવસ ગયા હોય એમ મને યાદ

નથી. તુરત મેં છાપામાં ડરબનની નજીક કોઈ પણ સ્ટેશન પાસે જમીનના ટુકડા સારુ જાહેરખબર મૂકી. જવાબમાં ફિનિક્સની જમીનનું કહેણ આવ્યું. વેસ્ટને હું તે જોવા ગયા.

સાત દિવસની અંદર ૨૦ એકર જમીન લીધી. તેમાં એક નાનકડો પાણીનો ઝારો હતો.

કેટલાંક નારંગીનાં ને કેરીનાં ઝાડ હતાં. જોડે જ ૮૦ એકરનો બીજો એક કકડો હતો. તેમાં વિશેષ ફળઝાડ ને એક ઝૂંપડું હતું. તે પણ થોડા દિવસ બાદ ખરીદ્યો. બેઉના મળીને ૧,૦૦૦ પાઉન્ડ આપ્યા.

શેઠ પારસી રુસ્તમજી મારાં આવાં બધાં સાહસોના ભાગીદાર હોય જ. તેમને મારી આ યોજના ગમી. એક મોટા ગોડાઉનમાં પતરાં વગેરે તેમની પાસે પડ્યાં હતાં તેમણે મફત આપ્યાં. તે વડે બાંધકામ શરૂ કર્યું. કેટલાક હિંદી સુતારો ને સલાટો મારી સાથે લડાઈમાં આવેલા તેમાંના મળી આવ્યા. તેમની મદદથી કારખાનું બાંધવાનું શરૂ કર્યું. એક માસમાં

મકાન તૈયાર થયું. તે ૭૫ ફુટ લાંબુ ને ૫૦ ફુટ પહોળું હતું. વેસ્ટ વગેરે શરીરને જોખમે કડિયા-સુથાર સાથે વસ્યા.

ફિનિક્સમાં ઘાસ ખૂબ હતું, વસ્તી મુદ્દલ નહોતી. તેથી સર્પોનો ઉપદ્રવ હતો તે જોખમ હતું. પ્રથમ તો સહુ તંબૂ તાણીને રહેલા.

મુખ્ય મકાન તૈયાર થયું એટલે એક અઠવાડિયામાં ઘણોખરો સામાન ગાડાવાટે ફિનિક્સ લઈ ગયા. ડરબનને ફિનિક્સ વચ્ચે તેર માઈલનું અંતર હતું. ફિનિક્સ સ્ટેશનથી અઢી માઈલ છેટું હતું.

માત્ર એક જ અઠવાડિયું ‘ઈન્ડિયન ઓપીનિયન’ મર્ક્યુરી પ્રેસમાં છપાવવું પડ્યું.

મારી સાથે જે જે સગાઓ વગેરે આવેલા ને વેપારમાં વળગી ગયા હતા તેમને

મારા મતમાં ભેળવવાનો ને ફિનિક્સમાં દાખલ કરવાનો પ્રયત્ન મેં આદર્યો. આ બધા તો દ્રવ્ય એકઠું કરવાની હોંશે દક્ષિણ આફ્રિકા આવેલા. તેમને સમજાવવાનું કામ મુશ્કેલ હતું.

પણ કેટલાક સમજ્યા. આ બધામાંથી અત્યારે મગનલાલ ગાંધીનું નામ હું તારવી કાઢું છું.

કેમ કે બીજા જે સમજ્યા તે થોડોઘણો વખત ફિનિક્સમાં રહી પાછા દ્રવ્યસંચયમાં પડ્યા.

મગનલાલ ગાંધી પોતાનો ધંધો સંકેલી મારી સાથે આવ્યા ત્યારથી તે રહ્યા જ છે, ને પોતાના બુદ્ધિબળથી, ત્યાગશક્તિથી ને અનન્ય ભક્તિથી મારા આંતરિક પ્રયોગોમાંના મારા મૂળ

સાથીઓમાં આજે પ્રધાનપદ ભોગવે છે, ને સ્વયંશિક્ષિત કારીગર તરીકે તેઓમાં મારી દૃષ્ટિએ અદ્વિતીય સ્થાન ભોગવે છે.

આમ ૧૯૦૪ની સાલમાં ફિનિક્સની સ્થાપના થઈ, અને વિટંબણાઓ છતાં ફિનિક્સ સંસ્થા તેમ જ ‘ઈન્ડિયન ઓપીનિયન’ બન્ને હજુ નભી રહ્યાં છે. પણ આ સંસ્થાની આરંભની મુસીબતો ને તેમાં થયેલી આશા-નિરાશાઓ તપાસવા લાયક છે. તે બીજા

પ્રકરણમાં વિચારશું.