સત્યના પ્રયોગો - ભાગ-4 - 15 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્યના પ્રયોગો - ભાગ-4 - 15

‘સત્યના પ્રયોગો

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૫. મરકી - ૧

આ લૉકેશનનું ધણીપતું મ્યુનિસિપાલિટીએ લઈ લીધું કે તુરત ત્યાંથી હિંદીઓને ખસેડયા નહોતા. તેમને બીજી અનુકૂળ જગ્યા આપવાની વાત તો હતી જ. તે જગ્યા મ્યુનિસિપાલિટીએ નિશ્ચિત નહોતી કરી. તેથી હિંદીઓ તે જ ‘ગંદા’ લોકેશનમાં રહ્યા.

ફેરફાર બે થયા. હિંદીઓ ધણી મટી શહેર સુધરાઈખાતાના ભાડૂત બન્યા ને ગંદકી વધી.

પહેલાં. તો હિંદીઓનું ધણીપતું ગણાતું ત્યારે તેઓ ઈચ્છાએ નહીં તો ડરને માર્યે પણ કંઈક ને કંઈક સફાઈ રાખતા. હવે ‘સુધરાઈ’ને કોનો ડર ? મકાનોમાં ભાડૂતો વધ્યા ને તે સાથે ગંદકી અને અવ્યવસ્થા વધી.

આમ ચાલી રહ્યું હતું. હિંદીઓનાં મન ઊંચા હતાં, તેવામાં એકાએક કાળી મરકી ફાટી નીકળી. આ મરકી જીવલેણ હતી. આ ફેફસાંની મરકી હતી. તે ગાંઠિયા મરકી કરતાં વધારે ભયંકર ગણાતી હતી.

સદ્દભાગ્યે મરકીનું કારણ લોકેશન નહોતું. તેનું કારણ જોહાનિસબર્ગની આસપાસ આવેલી અનેક સોનાની ખાણોમાંથી એક ખાણ હતી. ત્યાં મુખ્યત્વે હબસીઓ કામ કરનારા હતા. તેમની સ્વચ્છતાની જવાબદારી તો કેવળ ગોરા માલિકોને શિર હતી. આ ખાણને અંગે કેટલાક હિંદીઓ પણ કામ કરનારા હતા. તેઓમાંના ત્રેવીસને એકાએક ચેપ લાગ્યો ને તેઓ એક સાંજે ભયંકર મરકીના ભોગ થઈને લોકેશનમાં પોતાને રહેઠાણે આવ્યા.

આ વેળા ભાઈ મદનજીત ‘ઈન્ડિયન ઓપીનિયન’ના ઘરાક બનાવવા ને લવાજમનું ઉઘરાણું કરવા આવ્યા હતા. તે લોકેશનમાં ફરતા હતા. તેમનામાં નિર્ભયતાનો ગુણ સરસ હતો. આ દરદીઓ તેમના જોવામાં આવ્યા ને તેમનું હ્ય્દય બળ્યું. તેમણે મને સીસાપેને લખી એક કાપલી મોકલી. તેનો ભાવાર્થ આવો હતો :

‘અહીં એકદમ કાળી મરકી ફાટી નીકળી છે. તેમારે તુરત આવીને કંઈક કરવું જોઈએ, નહીં તો પરિણામ ભયંકર આવશે. તુરત આવજો.’

મદનજીતે ખાલી મકાન પડ્યું હતું તેનું તાળું નીડરપણે તોડી તેનો કબજો લઈ તેમાં આ માંદાઓને રાખ્યા હતા. હું મારી સાઈકલ ઉપર લોકેશન પહોંચ્યો. ત્યાંથી ટાઉનક્‌લાર્કને હકીકત મોકલી, ને કેવા સંજોગોમાં કબજો લીધો હતો એ તેમને જણાવ્યું.

દાક્તર વિલિયમ ગૉડફ્રે જોહાનિસબર્ગમાં દાક્તરી કરતા હતા, તેમને ખબર પહોંચતાં તે દોડી આવ્યા ને દરદીઓના દાક્તર ને નર્સ બન્યા. પણ ત્રેવીસ દરદીઓને અમે ત્રણ પહોંચી વળી શકીએ તેમ નહોતું.

શુદ્ધ દાનત હોય તો સંકટને પહોંચી વળવા સેવકો અને સાધનો મળી જ રહે છે એવો મારા વિશ્વાસ અનુભવ ઉપર બંધાયેલો છે. મારી ઑફિસમાં કલ્યાણદાસ, માણેકલાલ

અને બીજા બે હિંદીઓ હતા. છેલ્લા બેનાં નામ અત્યારે મને યાદ નથી. કલ્યાણદાસને તેમના બાપે મને સોંપી દીધી હતા. તેમના જેવા પરગજુ અને કેવળ આજ્ઞા ઉઠાવવાનું સમજનાર સેવક મેં ત્યાં થોડા જ જોયા હશે. કલ્યાણદાસ સુભાગ્યે તે વેળા બ્રહ્મચારી હતા. એટલે તેમને ગમે તે જોખમનું કામ સોંપતાં મેં કદી સંકોચ ખાધો જ નહોતો. બીજા માણેકલાલ મને જોહાનિસબર્ગમાં જ લાધ્યા હતા. તે પણ કુંવારા હતા એવો મને ખ્યાલ છે. ચારે મહેતાઓ કહો કે સાથી કહો કે પુત્રો કહો, તેમને હોમવાનો નિશ્ચય કર્યો. કલ્યાણદાસને પૂછવાપણું હોય જ શું ? બીજા પૂછતાં જ તૈયાર થઈ ગયા, ‘જ્યાં તમે ત્યાં અમે,’ એ તેમનો ટૂંકો અને

મીઠો જવાબ હતો.

મિ. રીચને મોટો પરિવાર હતો. તે પોતે તો ઝંપલાવવા તૈયાર હતા, પણ મેં તેમને રોક્યા. તેમને આ જોખમમાં સંડોવવા હું મુદ્દલ તૈયાર નહોતો, મારી હિંમત જ નહોતી. પણ તેમણે બહારનું બધું કામ કર્યું.

શુશ્રૂષાની આ રાત્રિ ભયાનક હતી. મેં ઘણા દરદીઓની સારવાર કરી હતી. પણ

મરકીના દરદીની સારવાર કરવાનો અવસર મને કદી પ્રાપ્ત નહોતો થયો. દાક્તર ગૉડફ્રેની

હિંમતે અમને નીડર કરી મૂક્યા. દરદીઓની સેવા ઝાઝી થઈ શકે તેવું નહોતું. તેમને દવા આપવી, આશ્વાસન આપવું, પાણીછાણી આપવાં તથા તેમનું મેલું વગેરે સાફ કરવું એ ઉપરાંત વિશેષ કરવા પણું નહોતું જ.

ચાર જુવાનિયાઓની તનતોડ મહેનતથી ને નીડરતાથી મારા હર્ષનો પાર ન રહ્યો.

દાક્તર ગૉડફ્રેની હિંમત સમજાય, મદનજીતની પણ સમજાય, પણ આ જુવાનિયાઓની ? રાત્રિ જેમતેમ ગઈ. મને યાદ છે તે પ્રમાણે તે રાત્રિએ તો કોઈ દરદીને અમે ન ગુમાવ્યો.

પણ આ પ્રસંગ જેટલો કરુણાજનક છે તેટલો જ રસિક ને મારી દૃષ્ટિએ ધાર્મિક છે.

તેથી તેને સારુ હજુ બીજાં બે પ્રકરણો તો જોઈશે જ.