વિષ વેરણી ભાગ ૧૩ NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ વેરણી ભાગ ૧૩

વિષ વેરણી

ભાગ ૧૩

નવા ઘરમાં પ્રવેશતાજ એ ફર્નીચર ની ગોઠવણ અને એ ગુલદસ્તા બારીઓના પડદા, પરફ્યુમ, દીવાલ પર લાગેલા પોસ્ટર્સ, આ બધું જોઈને મને એ સમજતા વાર ન લાગી કે ઇન્ટરીયર ની ઈજનેર સમીરા હોવી જોઈએ, મને તો બેડરૂમ જોવાની વધારે ઉતાવળ હતી, હું સીધો બેડરૂમ માં ગયો, સમીરા ડ્રેસિંગ ટેબલ ના અરીસા સામે ઉભી ઘરેણા ઉતારી રહી હતી, મારું ધ્યાન તેણી ના નિતંબ અને કમર ઉપર થંભી ગઈ, હું પાછળ થી તેણી તરફ આગળ વધ્યો, તેણી ની તોફાની આંખો મને અરીસા માંથી જ જોઈ રહી હતી, હું તેણી તરફ આગળ વધતો અને તેણી ફરી અરીસા માંથી મારી તરફ જોઈ ને નીચું જોવાનો ડોળ કરવા લાગી મેં પાછળ થી તેણી ને નિતંબ અને કમર ની વચ્ચે ના ભાગે થી બન્ને હાથે થી હળવા હાથે પકડી જ હતી અને તેણી જાણે ચોંકી ગઈ હોય તેમ આંખો બંધ કરી અને બન્ને હાથ આંખો પર લગાવી દીધા, આ દ્રશ્ય જોઈએ મેં કહ્યું,

“બેગમ સમીરા આંખો બંધ કરવાની જરૂર નથી, હું લાઈટ જ બંધ કરી દઉં છું, ”અને મેં લાઈટ બંધ કરી, .

***

સવાર માં ઘેર બધા મારી અને સમીરા ની રાહ જોઈનેજ બેઠા હોય એ મુદ્રામાં બેઠા હતા, ઘણા બધા મહેમાન હતા એટલે સમીરા સીધી રસોડા માં ચાલી ગઈ, અબુ ચાચા, ચાચી, બધા હોલ માં બેઠા હતા, ઘર નું વાતાવરણ જોઈને હું એટલું તો કડી ગયો હતો કે મારા નામનું કૈંક આરોપનામું ઘડાયું છે, મહેમાનોનું અભિવાદન કરતા ટીવીની બાજુમાં પડેલી ચેર પર બેઠો, મુમતાઝ પાણી નો ગ્લાસ ભરીને લાવી, અડધો ગ્લાસ મેં ગળા નીચે ઉતાર્યો હતો અને ચાચી એ પહેલાથી જ ઘડી કાઢેલ હોય એ લહેકા માં કહ્યું,

“સલીમ તું મુમતાઝવહુ ને અને અસલમને મારવાની ધમકી આપે છે? ”

“ના કેમ ? અને હું એમને શા માટે મારીશ? અને એમને મારીને પણ.... હું આગળ બોલવા જતો,

વચ્ચેજ મુમતાઝ રડતા રડતા બોલવા લાગી,

“જોયું ને અબુ, અમી, અસલમ મહેમાનો ની સામે કેટલું ખોટું બોલે છે સલીમ ભાઈ? આ બધા ની હાજરી માં અસલમ ને લાફો મારવા ની વાત કરતા હતા”

“ચુપ, મુમતાઝ એ અમારા બન્ને ભાઈ વચ્ચે ની બાબત હતી અને એ અમારા માટે સામાન્ય છે, અને આટલી નાની વાતને આમ બધાની વચ્ચે વખોડવાનો કોઈ મતલબ નથી, ” મેં કહ્યું,

“મતલબ નથી ? કેમ મતલબ નથી ? આજે બોલ્યા છો કાલે મારી પણ લેસો, ”

“અસલમ મુમતાઝ ને સમજાવ આ નાટક બંધ કરે” મેં કહ્યું.

“નાટક ? નાટક તો તું કરે છે સલીમ, બે પૈસા કમાઈ ને શું ઘરમાં આપે છે, મારા ઉપર અને મારી ઘરવાળી ઉપર રોફ જમાવે છે? ”

“એ તો હું કમાઉ જ છું તારી જેમ આખો દિવસ બાયડી ના પલ્લું માં છુપાઈ ને નથી બેસતો, અને આમ તને એટલુજ પેટમાં દુખતું હોય તો તું પણ કમાઈ ને આપ ને ઘર માં, ”

મહેમાનો ની વચ્ચે મેં પણ સરમ નેવે મૂકી અને કહ્યું, અસલમ ની આંખો લાલ થી ગઈ અને ચહેરો લાલ લાલ ટમાંટા જેવો થઇ ગયો, અને અલસમ નો ગુસ્સો જાણે તેના પર હાવી થઇ ગયો હોય તે જોર થી હાથ ઉંચો કરી અને મને થપ્પડ મારવા જતો જ હતો તે મારા ગાલ સુધી પહોંચે તે પહેલા મેં મારો હાથ આડો રાખી અને સામે ઉંધા સીધા હાથ ની ચાર થપ્પડ એક પછી એક એમ તેના બન્ને ગાલ પર ચમકાવી દીધી, અબુ અને મહેમાનો બધા ઉભા થઇ ગયા અને મને પકડી લીધો.

થોડીજ વાર માં એ ઝગડા એ એટલું તો ઉગ્ર સ્વરૂપ ધરણ કરી લીધું કે બધા ઉભા થઈ ગયા અને મને જેમ તેમ બોલવા લાગ્યા, અબુ એ મને હળવે થી કહ્યું, “સલીમ બેટા અત્યારે તું અહી થી જા”

અમી મારી બાજુમાં આવી મારા ગાલ પર ભાર દઈ ને હાથ મુક્ત કહ્યું., ”હવે અહી પગ ના મુકતો અને પેલા દસ્તાવેજ માં સહી કરે તો પણ ભલે અને ના કરે તો પણ ભલે, તને અહી થી એક ફૂટી કોડી પણ નહી મળે, ”

“તો મને ક્યાં કઈ જોઈએ છીએ તમને બધાને ઉપાડો છે, અને એમાં પણ આ મુમતાઝ આવી છે ત્યારેથી બધા ના મગજ ફેરવી નાખ્યા છે, ” આટલું કહી મેં સમીરા તરફ જોઈ ને કહ્યું

”સમીરા તે પાણી નથી પીધું ? ”

“હા પીધું? ”

“બસ તો એ આ ઘર માં છેલ્લીવાર હતું, ” આટલું કહી ને હું બેડરૂમ માં પડેલા કપબોર્ડ તરફ ગયો અને મારા કપડા, ફાઈલ, દસ્તાવેજ, બ્રસ, દાઢી નો સમાન વગેરે નું એક પોટલું વાડી અને સમીરા ને આપતા કહ્યું, “

“લે આ ઘર હવે નર્ક માં પરિવર્તી થઇ રહ્યું છે, આ પોટલું કાર માં મૂકી આવ, અને તારી એકટીવા ની ચાવી? ”

હું આટલું જ બોલ્યો હતો અને અસલમ એ તેના ખિસ્સા માં થી એકટીવા ની ચાવી મારી તરફ સરકાવી દીધી,

ઘર માંથી બહાર નીકળતા મેં અબુ સામે નજર કરી, તેમની આંખ માં પણ મને બેબસી અને લાચારી જ દેખાઈ, કદાજ એ મને સાથ આપવા ઉભા થયા હોત તો એમના સમાન નો પણ પોટલો વળવાનો હતો એટલું ઉગ્ર વાતાવરણ સર્જાઈ ગયું હતું, તો પણ ઘરની બહાર નીકળતા મેં સલીમને એટલું કહ્યું,

“અમી અને અબુ ને લેવા આવું છું સાંજે અને તારે જેવા દસ્તાવેજ બનવાવવા હોય બનાવી રાખ હું સહી કરી આપીશ”

વચ્ચે જ અમી એ કહ્યું, “ન તો હું આવીશ તારા ઘરે કે ના તારા અબુ, ”આટલું કહી અને અમી એ દરવાજો ધડ દઈ ને બંધ કરી મુક્યો, જો કે આ મારા માટે કોઈ આઘાત ન હતો જેના માટે મારી પૂર્વ તૈયારી હતી, એ અડધો કલાક ચાલેલી માથાકૂટ માં કોઈને એવો વિચાર પણ ના આવ્યો કે વહુ પહેલી વાર ઘરમાં આવી છે, તેનું મીઠું મોઢું, કે મુ દિખાઈ ની રસમ કે કશુંજ નહી,

હું અને સમીરા સીધા ઘરે જતા રહ્યો, પોટલા માંના કપડા ફાઈલ નાની નાની ચીજ વસ્તુઓ અમુક લેવાઈ અમુક નો લેવાઈ તે બધું સમીરા પોતાની રીતે ઘરમાં ગોઠવવા લાગી અને બેઠા બેઠા અન્ય વસ્તુઓનું અને રાસન નું લીસ્ટ બનાવી મારા ખીસા માં મૂકી દીધું અને કહ્યું,

“સાંજે બજાર માં જઈએ તો આ બધું લેતા આવીએ”

અચાનક સમીરા ને કૈંક યાદ આવ્યું હોય એ મુદ્રામાં પોતાના માથા પર ટપલી મારતા કહ્યું,

“સલીમ...... પેલું કવર? પાપા એ આપ્યું હતું તે.”

“બેડરૂમ માં તકિયા નીચે પડ્યું છે” મેં કહ્યું,

સમીરા દોડતી બેડરૂમ માં ગઈ અને એ કવર ખોલવા લાગી, હું પણ ઉભો થઇ એ કવર ખુલવાની કુતુહલવસ રાહ જોવા લાગ્યો, કવર ખુલતાની સાથે જ અંદરથી સ્ટેપલર મારેલ કાગળો હતા , એક લેટર હતો જે અંકલ એ મારા નામ પર લખ્યો હતો, એક સવાલાખ રૂપિયા નો ચેક હતો તે સમીરા ના નામે, અને ત્રીજા નંબર માં દસ દિવસ નો હનીમુન પેકેજ ના કાગળો હતા, હું આમ તેમ ટીકીટ અને સ્ટે ની વિગતો ચકાસી રહ્યો હતો અને સમીરા કાગળ વાંચતી વાંચતી બારી પાસે ઉભી હતી, હું એ ચેક અને અન્ય પેપર ખીસા માં મૂકી અને સમીરા પાસે ગયો તો સમીર પોતાની આંખ માંથી ટપક ટપક પડતા આંસુ સાફ કરતા કહ્યું,

” સોરી સલીમ આ કાગળ પાપા એ તારા નામ પર લખ્યો છે પણ મેં વાંચી લીધો એટલે થોડું રડવું આવી ગયું, ”

મેં ઈ કાગળ હાથ માં લઇ વાંચવા સારું કર્યો તેમાં લખ્યું હતું,

“બેટા સલીમ સોરી આ કવર હું તને હાથો હાથ ન આપી શક્યો, કદાજ હાથો હાથ આપવા આવ્યો હોત તો હું મારી જાતને રડતા ના રોકી શક્યો હોત, અને જયારે તમે વાંચતા હસો હું બેંગ્લોર પહોંચી ગયો હોઇશ , સમીરા એ મને ક્યારેય પણ રડતા નથી જોયો, ચાર વર્ષ ની હતી જયારે તેની મમી અવસાન થયા, સમીરા ની મમી ના અવસાન પછી મેં સમીરા ને ક્યારે રડવા નથી દીધી, સમીરા ને કોઈ તકલીફ ના થાય એ માટે મેં બીજા નિકાહ નથી કર્યા,

નિકાહમાં જે કંઈ પણ ખર્ચ કર્યું તે સમીરા ની મમી મૂકી ગઈ હતી અને થોડી ઘણી સમીરા ની પોતાની બચત હતી તેમાંથી જ કર્યું છે, સમીરા એટલી સ્વમાની છે કે મારી પાસે થી ક્યારેય પૈસા કે મોજ શોખ માટે ના સાધનોની માંગણી નથી કરી, સમીરા ના ગયા પછી હું એકલો થઈ જવાનો એ મને ખબર હતી અને મારી કોઈ માનસિક તૈયારી ન હતી, પણ સમીરા ની ખુશી એજ મારી ખુશી, સમીરા તને ખુબ પ્રેમ કરે છે, તું પણ એને એટલોજ પ્રેમ કરજે મારા કલેજા નો ટુકડો છે, આનાથી વધારે આગળ લખવા મારા ધ્રુજતા હાથ મને સાથ આપી શકે તેમ નથી, બેટા થોડા માં ઘણું સમજ જે, અને સાથે ફૂલ નહિ ને ફૂલ ની પાંખડી સ્વરૂપે નાની એવી રકમ તેમજ હનીમુન પેકેજ મોકલાવું છું તમે બન્ને દસ દિવસ ની રજા માણી આવો ખુશ રહો આબાદ રહો...

લી. પાપા.

મારા પણ રુવાડા ઉભા થઇ ગયા અંકલનો એ લેટર વાંચી મને તુરંત રૂકસાના ની યાદ આવી ગઈ, એ પણ મારા કલેજા નો ટુકડો જ છે, સમીરા હનીમુન પેકેજ ની ટીકીટ અને એડ્રેસ સ્ટે ની વિગતો વાંચી રહી હતી, મેં પૂછ્યું, “શું વિગત છે સમીરા ક્યારે જઈ શકીએ છીએ હનીમુન માટે ? ”

“કાલે સાંજ ની ટીકીટ છે, ” સમીરા એ ખુશ થતા કહ્યું.,

“ઓહ તો ચાલને નીકળી જઈએ કામ તો થતા રહેશે, અને પરત આવી ને એજ ઓફીસ માં ચક્કી પીસવાની છે, આમ મોકો મળ્યો છે અને આ ફ્રસ્ટ્રેસન માં થી થોડા બહાર નીકળીએ, ”

હું અને સમીરા હનીમુન માટેની તૈયારી માં લાગી ગયા અને બીજા દિવસે સવારે ઘર ની નાની મોટી ખરીદી કરી અને સાંજે નીકળી ગયા,

***

દસ દિવસ રહી ને પરત આવ્યા, મને વિચાર આવ્યો કે કમ સે કમ અબુ ને તો ફોન કરું,

મોડી સાંજે મેં અમી ના ફોન પર ફોન કર્યો, તે અબુ એ જ ઉપડ્યો,

“બેટા સલીમ સારું થયું તે ફોન કર્યો હું ફોન કરવાનો જ હતો, તારી અમી અને મુમતાઝ બહાર ગયા છે એટલે હું વાત કરી શકીશ, તને મળવા માટે બે ત્રણ વખત વાત ઉચ્ચારેલી પણ મુમતાઝ અને તારી અમી તને ફોન કરવા ની પણ ના પાડે છે”

“વાંધો નહી અબુ તમને જયારે પણ મળવાની ઈચ્છા થાય તમે ઘરે આવી જજો, હું તો ઘરે નહી આવી શકું હવે”મેં કહ્યું,

“જોઉં બેટા કોઈ બહાનું કરી ને હું સવારે આવું છું, લાગે છે તારી અમી અને મુમતાઝ આવી ગયા છે આપણે પછી વાત કરીશું.” સામે થી ફોન કટ થઇ ગયો,

બીજા દિવસે સવારે અબુ ઘરે આવ્યા, પહેલી વાર ઘરે આવ્યા હતા, સમીરા એ તેમની પસંદ ની ખીર બનાવી અને ખવડાવી, ઉતાવળે ખીર ખાતા અબુ એ કહ્યું,

“સલીમ હું વધારે વાર અહી નહી બેસું હું એટલુજ કહેવા આવ્યો છું કે અસલમ દુબઈ જતો રહ્યો છે અને મુમતાઝ અને તારી અમી મકાન વેચી અને મુંબઈ સેટ થવાનું વિચારી રહ્યા છે, બન્ને સાસુ વહુ સવાર માં નીકળી જાય અને સાંજે ઘરે આવે છે, આખો દિવસ હું ઘર માં ને ઘર માં કંટાળી જાઉં છું, મુમતાઝ ક્યાંક પાર્લર માં નોકરી પર લાગી છે, ”

અબુ એવી રીતે બોલી રહ્યા હતા જાણે ઘણા દિવસ પછી તેમને બોલવા મળ્યું હોય, એટલે મેં પણ તેમને બોલવા દીધા વચ્ચે બોલવા નું ટાળ્યું, થોડી વાર શાંત પડ્યા એટલે મેં પૂછ્યું

“અબુ તમને કઈ પૈસા ની જરુર છે ? ”

“ના બેટા મને કંઈ નથી જોઈતું બસ તમે ખુશ રહો, ચલ હું જાઉં છું, ઘણો ટાઈમ થઇ ગયો, ”

અબુ ઘરે જવા નીકળી ગયા,, હું અને સમીરા અમારા જુના રૂટીન માં આવી ગયા બસ ફરક એ હતો કે બન્ને હવે એક થઇ ગયા હતા, સમીરા સવાર માં વહેલી ઉઠી અને બન્નેના ટીફીન તૈયાર કરતી અને ત્યાર બાદ પોતે તૈયાર થતી ત્યાં સુધી હું ન્યુજ જોતો,

ત્રણ મહિના પછી એક દિવસ અચાનક અબુ મારી ઓફીસે આવ્યા અને મને જણાવ્યું કે મુમતાઝ અને અમી બન્ને મુંબઈ ગયા છે, મકાન વેચી અને મુંબઈ માં સેટ થવાના પ્લાનિંગ થી ગયા છે, પાંચ થી દસ મિનીટ માંડ વાત કરી અને જતા રહ્યા, ત્યાર બાદ એક વિક પછી અચાનક સવાર માં મુમતાઝ નો ફોન આવ્યો,

“સલીમભાઈ જલ્દી ઘરે આવો અબુ ની તબીયાત ખુબજ ખરાબ થઇ ગઈ છે”

હું અને સમીરા ઘરે પહોંચ્યા ત્યાં સુધી તો અબુ આ ફાની દુનિયા છોડી જતા રહ્યા હતા, એમ્બ્યુલન્સ બહાર આવી ને ઉભી રહી ગઈ હતી, તેમના ડોકટરે અબુ ને મૃત જાહેર કરી દીધા, બાજુ ની હોસ્પિટલ માંથી કોલોની ના એક આગેવાન બીજા ડોક્ટર ને લાવ્યા હતા એમને પણ “નેચરલ ડેથ” છે તેમને રાત્રી ના જ હાર્ટ એટેક આવ્યો છે એવું જાહેર કર્યું, મારું મગજ સુન થઇ ગયું હતું, કોલોની માં રહેતા આજુ બાજુના પાડોશી ઓ ભેગા થઇ ગયા હતા, અમી ખુબ જોર જોર થી રડી રહી હતી, મુમતાઝ પણ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી, અમી અને મુમતાઝ ની પેક કરેલી બેગ દરવાજા પાસે પડી હતી, અને દરવાજા માં બહાર નું તાળું તૂટેલું હતું, સમગ્ર પરિસ્થિતિ કડી જતા મને વાર ના લાગી કે અમી અને મુમતાઝ મુંબઈ થી આવ્યા જ છે અને અબુ એ દરવાજો નથી ખોલ્યો જેથી દરવાજાનો લોક તોડવો પડ્યો હતો, આ બધું જોઈને મને ખ્યાલ આવ્યો કે અમી પોતાનો ફોન અબુ પાસે મૂકી ગયા હતા મેં તે ફોન ઉપાડ્યો અને જોયું તો તેમાંથી ઇન્કમીંગ તેમજ આઉટગોઇંગ કોલ ની તમામ હિસ્ટ્રી ડીલીટ કરી દીધી હતી, જોકે હવે તે બધું વખોડવું એ મારા માટે બેકાર હતું, મારો ડૂમો ભરાઈ આવ્યો હતો પણ મને રડવું નહોતું આવતું, મારી પાસે ભેટી ને રડવા જેવું કોઈ હાજર ન હતું, મારી છાતી ભારે થઇ રહી હતી, મેં અસલમ ને ફોન કર્યો તો અસલમ એ કહ્યું કે હું મૈયત માં નહી પહોચી શકું તું તારી રીતે પતાવી લે, રૂકસાના, રજિયા અને બીજા સગા સંબંધી આવી ગયા, બધા સગા સંબંધી મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે મેં અબુનું મર્ડર કર્યું હોય, બધા ઔપચારિક સાંત્વના આપી અને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા, અબુ ની દફનવિધિ પતાવી હું અને સમીરા ઘરે જતા રહ્યા, હું પણ અબુ ની આ પરિસ્થિતિ માટે ક્યાંક ને ક્યાંક પોતાને જવાબદાર ગણતો, મને ખબર હતી કે સમયએ આપેલા ઘાવ પણ સમયજ મટાડી શકે છે, એકાદ મીહીનો આમ ને આમ વીતી ગયો, મેં બે થી ત્રણ વખત અમીને ફોન કર્યો પણ કોઈ રિસ્પોન ના મળ્યો, હું અને સમીરા બે વખત અમી ને લેવા માટે ગયા પણ તે મારી સાથે આવવા ચોખ્ખી ના પડી દીધી, ત્યાર બાદ મને એમ થયું કે ચાલ ને મુંબઈ રૂકસાના ને ફોન કરું, મેં રૂકસાના ને ફોન કર્યો, સામેથી,

“હા ભાઈજાન કેમ છો? રૂકસાના એ ફોન ઉપાડતા કહ્યું,

“હું મજામાં રૂકસાના તું કેમ છો? ”મેં કહ્યું,

“ખેરિયત છે, તમે સંભળાવો કેમ યાદ કરી?

“મારે એક વાત પૂછવાની હતી તને, કે જે દિવશે અબુ ને હાર્ટ એટેક આવ્યો ત્યારે અમી અને મુમતાઝ તારી પાસે આવ્યા હતા? ”

“હા ભાઈજાન, ”

“તો તારે મને ફોન તો કરવો જોઈએ ને? ”

“હા મેં વાત ઉચ્ચારેલી પણ તમને ફોન કરવા મુમતાઝએ અને અમીએ ના પાડી હતી, ”

“તો, તો અબુ ની તબિયત પૂછવાની પણ ના પડી હશે એમ ને? , ” મેં પૂછ્યું.

“હા એ હું તમને કહેવાની હતી, પણ હવે કોઈ મતલબ નથી એ વાત કરી ને, ”

“ના શું થયું હતું કહે તો મને, મતલબ કેમ નથી ? ”

“ભાઈજાન જે દિવશે અબુ ને હાર્ટ એટેક આવ્યો તેના આગલા દિવસે અબુ એ કેટલી વખત ફોન કર્યા પણ અમી એ વાત જ ન કરી, અને મેં થોડી વાર વાત કરી પણ અબુને તો બસ અમી સાથે જ વાત કરવી હતી, પણ અમી એ નો કરી એટલે નોજ કરી...… પછી..… પછી......”

“હા, … હા… પછી શું થયું બોલ.”

“પછી મોડી સાંજે જયારે અમી અને મુમતાજ અહી થી જઈ રહ્યા હતા ત્યારે અબુ એ મુમતાઝ ના ફોન પર ફોન કર્યો, તો મુમતાઝ અબુને જેમ તેમ બોલી રહી હતી, ”

“જેમ તેમ એટલે, મને સમજાવ, ”

“એટલે કે “તમે કેમ ઘડીએ ઘડીએ ફોન કરો છો, એકવાર કીધું ને કે અમીને વાત નથી કરવી તમારાથી તો નથી કરવી, અને સવારે તો અમે આવીએ જ છીએ ને, વગેરે વગેરે, ”

“ઓકે હું સમજી ગયો રૂકસાના, ચલ આપને પછી વાત કરીશું, ”આટલું કહી ને મેં ફોન કટ કર્યો,

રૂકસાના ની વાત સાંભળી ને મારા હોશ ઉડી ગયા, મને અબુની મોત નું કારણ મળી ગયું, આ બધું સાંભળી ને મને ખરેખર નફરત જાગવા લાગી કે એક પરિવાર ના સભ્યો જે એકબીજા પર જાન લુટાવા તૈયાર હતા તે આજે વેર વિખેર થઇ ગયા, મેં ચિંતા કરવાનું છોડી દીધું હું ભલો અને મારું કામ ભલું,

ત્યાર બાદ એક મહિના પછી એક મહિલા અચાનક મારી ઓફીસ માં મને મળવા આવે છે, ઓફીસ નો પ્યુન આવી અને મને કહેછે કે કોઈ મેડમ તમને મળવા આવ્યા છે, મેં પ્યુન ને કહ્યું કે એમને મોકલો,

ઓફીસ માં આવતાજ અભિવાદ ન કરતા કહ્યું, “નમસ્તે સલીમભાઈ”

“જી નમસ્તે મેડમ, શું સેવા કરી શકું છું આપની, ”

“જી,, હું બાજુમાં બ્યુટી પાર્લર માંથી આવું છું, તમારા ભાઈ ની વાઈફ મુમતાઝ મારી પાસે નોકરી કરતી હતી, મારી પાસે થી પચાસ હજાર રૂપિયા એડવાન્સ લઇ ગઈ છે, કહેતી હતી કે પગાર માંથી થોડા થોડા આપી દઈસ, છેલ્લા એક મહિના થી નોકરી પર પણ નથી આવતી, ફોન પણ નથી ઉપડતી અને જે એડ્રેસ આપ્યું હતું ત્યાં તમારા અમી રહે છે તે જયારે જાઉં ત્યારે એમજ કહે છે કે આજે આવશે કાલે આવશે, મને કોઈએ કહ્યું કે તમે તેમના જેઠ થાવ છો, તો તમને મળવા આવી, ”

“જુઓ મેડમ.....”

“જી,,, પારુલ નામ છે મારું, ”

“હા પરુલ મેડમ,,, મારે એ લોકો સાથે કોઈ સંબંધ નથી, , પણ એ ક્યાં ગઈ છે એ હું તમને ચોક્કસ તપાસ કરી આપીશ, તમારા ફોન નંબર આપતા જાઓ, ” મેં કહ્યું.

પર્સ માંથી કાર્ડ મારી તરફ સરકાવતા, ”લ્યો આ મારું કાર્ડ છે, હું ભાવનાઓ માં આવી ગઈ અને મેં મદદ કરી પણ હવે બીજી વાર આવી ભૂલ ના કરું, ”

“એક મિનીટ મેડમ, બેસો તમે, ” મેં હાથ લાંબો કરી કહ્યું અને ઓફીસ ના ફોન માં થી અમી ના મોબાઈલ પર ફોન કર્યો, “હેલ્લો, ” સામેથી

“હેલ્લો અમી હું સલીમ બોલું છું, મુમતાઝ છે? આપ તો એને ફોન.”

“નથી એ દુબઈ જતી રહી છે, અને હવે તારે મુમતાઝ નું શું કામ છે? ”

“કંઈ કામ નથી” એમ કહી ને મેં ફોન કાપી નાખ્યો, અને મેડમ તરફ જોતા કહ્યું,

“સોરી મેડમ, મુમતાઝ તો દુબઈ ચાલી ગઈ છે, ”

મેડમ ખુરસી પર થી ઉભા થતા બબડતા ગયા,

“ભલાઈ નો તો જમાનો નથી રહ્યો, કેવી મીઠી મીઠી વાતો કરી ને લુટી ગઈ, ”

હું મારા કામ માં લાગી ગયો સાંજે ઘરે જતા રસ્તામાં સમીરા ને આ બધી વાત કરી, તો સમીરા એ કહ્યું,

” સલીમ તપાસ કરવી હોય તો કરી લે એ મકાન પણ વેચી ને ગઈ હશે, બધું સાફ કરી ને ગઈ હશે દુબઈ ”

“જે હોય તે ચાલ હવે તો અમી એકલા જ છે આપને ત્યાં જઈ ને સમજાવીએ આપની સાથે રહેવા આવી જાય, ”

“હા સલીમ હું કહેવાની જ હતી અને તે મારા મન ની વાત કહી, ”

ક્રમશઃ આવતા ગુરુવારે......