“અભિજિત સિંગાપોર જાય છે.” વ્હોરા ગુસ્સા માં બોલી રહ્યો હતો.
“તમને કોણે કીધું?” મુકીમે વિચાર માં પડી ગયો તેનું મગજ કામ નહતું કરતું. એક તો એના મગજ માં વિક્ટર ના વિચારો ચાલુ હતા એમાં આ અભિજિત નું સિંગાપોર ક્યાં થી આવી ગયું. તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું.
“તારા બાપે.” વ્હોરા ગુસ્સા માં લાલચોળ થઈ રહ્યો હતો. તેને અભિજિત પર ગુસ્સો આવતો હતો અને ઉપર થી મુકિમ આજે મૂર્ખામીભર્યા સવાલ કરી રહ્યો હતો.
“અરે હા, એના મેનેજરે કીધું હશે.” મુકિમ ને તરત જ યાદ આવ્યું કે વ્હોરા એ અભિજિત ના મેનેજર ને ફોડી રાખ્યો છે જે અભિજિત ની માહિતી આપતો હતો.
“અભિજિત ને જેલ માં બેઠા બેઠા અક્કલ બહેર મારી ગઈ છે કે અત્યારે ત્યાં શુ કામ જતો હશે. કોઈ કામ તો છે નહીં તો પછી શું કામ જેલ માં થી જમીન લઈ ત્યાં જતો હશે?”
“કોઈ ફિલ્મ ના કામ થી કે પછી કોઈ ખાસ કારણોસર” મુકિમ મગજ માં તમામ શક્યતાઓ વિચારવા લાગ્યો.
“એ મૂર્ખ તો નથી જ કે છૂટી માટે ત્યાં જાય અને એને ફિલ્મ ને લાગતું કોઈ કામ પણ નથી. એણે એના મેનેજર ને કોઈ પ્રોગ્રામ કરાવવા નું કહ્યું. જેથી તેને ત્યાં જવાનું બહાનું મળે. પણ અભિજિત તો ક્યારેય પ્રોગ્રામ નથી કરતો તો હવે કેમ?”
“સિંગાપોર માં અભિજિત ના પિતા ત્યાં રહે છે. એમને મળવા જતો હોય.” મુકિમ ને યાદ આવ્યું કે એક વાર અભિજિત બોલ્યો હતો કે એના પિતા સિંગાપોર છે.
“એને અને એના બાપ ને કોઈ બહુ સબંધ નથી. 2 વર્ષે માંડ એક વાર એનો બાપ એને મળવા આવે છે. અભિજિત ક્યારેય સામે થી એમને મળવા પણ નથી જતો અત્યારે થોડી જેલ માં થી જશે.” વ્હોરા અભિજિત ને સારી રીતે જાણતો હતો. તેથી તે બિન્ધાસ્ત અનુમાન લગાવી શકતો. અને એમ પણ અભિજિત ની બહુ જાસૂસી કરતો જેથી એની હર વસ્તુ પર નજર રહેતી.
“તમારી વાત સાચી છે પણ હવે શું?”મુકિમ બધી પંચાત છોડી આગળ નું વિચારવા માંગતો હતો.
“બીજું શું આપણી ઓળખાણો ક્યારે કામ આવશે. તેની એપ્લિકેશન રિજેક્ટ થશે.” વ્હોરા બોલતા બોલતા મલકાયો. ને ફોન મૂકી દીધો.
મુકિમ અહીં અનેક દુવિધા છે ત્યાં અભિજિત ને જેલ માંથી સિંગાપોર જવું છે. એક બાજુ બધી મેહનત મુકિમ કરે અને ત્રણ ભાગ સરખા પડતા, મુકિમ ને આ વાત ને લઈ ને બહુ ગુસ્સો આવતો. પણ પોતે શુ કરી શકે એક બાજુ અભિજિત તો બીજી બાજુ વ્હોરા. ક્યારેક તેને લાગતું કે બચ્યો નથી વધુ એ દળદલ માં ખુપ્યો છે. બસ એક વાર ખજાનો હાથ લાગી જાય તો રાતોરાત આફ્રિકા ભાગી જવું. પછી ના રહે વ્હોરા કે ના રહે અભિજિત કે ના કોઈ કમલ સફારી. આજે પણ એજ કામ થી મુંબઇ ગયો હતો પણ એનું કામ પૂરું ના થયું. ઉપર થી એને એવી પણ સાવચેતી રાખવી પડતી કે વ્હોરા ને ના ખબર પડે નહિતર એ એને ખતમ કરી નાખશે. મુકિમ ના શરીર માં હળવી ધ્રુજારી પસાર થઈ ગઈ. પસીનો પસીનો થઈ ગયો. તેણે હવે કામ જલ્દી પૂરું કરવું હતું. એટલે જ એણે નક્કી કરી લીધું કે આજે આખી હવેલી માં ફરશે.
નાવ્યા પોતા ના પીજી માં બાલ્કની માં ઉભી, ફોન પર પોતા ના ગુરુ સાથે વાત કરી રહી હતી. ત્યાં એની નજર ઓડી પર પડી. તેનું ધ્યાન વાતો માંથી હટી, ઓડી પર ખેંચાયું. તે વિચાર માં પડી ગઈ તેના એરિયા માં ઓડી જેવી ગાડી આવી! અને તેણે કમલ સફારી ને નીચે ઉતરતા જોયો અને ચોકી ગઈ. તેને વિશ્વાસ નહતો આવતો કે કમલ સફારી અહીંયા સુધી આવી ગયો છે. હવે કરે તો શું કરે? એ વિચાર માં પડી ગઈ. નાવ્યા ભૂલી ગઈ કે તેના ગુરુ નો ફોન ચાલુ છે. જેવું તેને યાદ આવ્યું કે એ ફોન મૂકી ને રૂમ માં ભાગી એની સહેલી ને બોલાવી ને સમજાવ્યું કે કમલ આવે તો એની માંદગી નું નાટક કરે. અને પોતે બેડ પર જઇ સુઈ ગઈ. વાળ અને દેદાર વિખેરી નાખ્યો. જેથી કમલ ને સાચું લાગે.
કમલ દાખલ થયો. તેણે જોયું કે પોતે કેવી જગ્યા એ આવ્યો છે પણ શું થાય તેને આવું કરવા માં મજા આવતી.
“નાવ્યા તારા સમાચાર સાંભળી મારા થી રહેવાયું નહીં ને હું દોડી આવ્યો.” કમલે બોલતા બોલતા રૂમ માં નજર કરી જર્જરીત થઈ ગયેલો ફ્લેટ એવું લાગતું કે હમણાં પડી જશે. તેણે વિચારી લીધુ કે આ માછલી આરામ થી પૈસા માં ખરીદાઇ જશે. નાવ્યા બેડ પર પડેલી હતી તેના હાલ હવાલ જોઇ લાગ્યું કે એ સાચે માંદી છે. કમલ ને બેસતા જોઇ ને નાવ્યા એ ઉભા થવા નો પ્રયત્ન કર્યો પણ જાણે ઉભી ના થઇ શકતી હોય એવું નાટક કર્યું.
“અરે, તું સુઈ રહે. તને આરામ ની જરૂર છે. આ તો મારા થી રહેવાયું નહીં એટલે મળવા આવી ગયો.” કમલ લુચ્ચું મલકાઈ ને બોલી રહ્યો હતો. નાવ્યા પણ કમલ શુ કેહવા માંગે એ સમજી રહી હતી. એને અભિજિત ની વાત સાચી લાગી.
ત્યાં નાવ્યા ની સહેલી કમલ માટે પાણી લઈ આવી. પણ કમલે આવતા ની સાથે ના પાડી દીધી. જો એ ગ્લાસ ને હાથ લગાડે તો પણ એને બેક્ટેરિયા લાગી જશે એવી રીતે ધરાર દઈ ને ના પડી દીધી. નાવ્યા આ હાવભાવ પણ નજર અંદાજ ના કરી શકી.
“કઈ પણ જરૂર હોય તો યે બંદા આપકે લિયે સદાય હજાર હે” એટલું બોલતા કમલ ઉભો થઇ ગયો. અને નાવ્યા ને હાશકારો થયો. નાવ્યા એ આવજો કરી એને રવાના કર્યો.
મુકિમ રાત નું બધું કામ પતાવી રૂમ પર આવ્યો. બધા ના સુવા ની રાહ જોઈ. અહીંયા બધા અગિયાર વાગે તો સુઈ જતા. જેવા બધા સુઈ જાય એટલે હવેલીના પાછલાં દરવાજે ઘુસી જવાનું નક્કી કર્યું.
તેણેઘડિયાળ માં જોયું ,11.10 થઈ હતી. તેને લાગ્યું બધા સુઈ ગયા હશે. એટલે એ ઘર માં ઘૂસ્યો. હવેલી નો પાછલો દરવાજો રસોડા માં હતો એટલે મુકિમ માટે આસાની રહી. તે જતા પહેલા જ ખુલ્લો મૂકી ને ગયો હતો.
મોબાઈલ ની બેટરી ચાલુ કરી. હવેલી ના મેઈન હોલ માં આવ્યો. મેઈન હોલ ની તમામ તમામ વસ્તુ શાંતિ થી નિહાળી. દરવાજાઓ, ઝુંમરો, બેઠકો, ડાઈનિંગ ટેબલ બધું કોઈ કળા ના બેનમૂન નમૂના હતા. તેમાં રાઝ જેવું કંઈ નહતું. કોઈ રાજા રજવાડું નો મહેલ ના હોય એવો લાગતો. દરવાજા ની બરોબર સામે 25 ફૂટ ના અંતરે પગથિયાં હતા પેહલા માળે જવા માટે ના , મેઈન હોલ ની જમણી બાજુ ત્રણ કમરા હતા એમ નો એક કમરો ધર્મા દેવી નો, બીજો વ્યોમેશ નો અને ત્રીજો બંધ રહેતો હતો.
ડાબી બાજુ રસોડું ને ડાઈનિંગ રૂમ અને થોડીક જગ્યા અલાયદી બનાવેલી જેમાં અજીબો ગરીબ કળા કૃતિ ના નમૂના. પગથિયાં એકબાજુ ઉપર જવાય અને બીજી તરફ નીચે ભોંયરા માં જવાય. મુકિમ ક્યારેય ભોંયરા માં નહતો ગયો એણે એ તરફ પગ ઉપાડ્યા. ભોંયરા ના દાદરા ઉતરી નીચે ગયો ત્યાં એક મોટો લાકડા નો દરવાજો હતો. તેણે ખોલવા નો પ્રયત્ન કર્યો તે સમજાયું કે એ અંદર થી બંધ છે અને તેને તબલા ના ને ઝાંઝર ના અવાજ આવ્યા.
તબલા અને ઝાંઝરા નો તાલબદ્ધ અવાજ સાંભળી મુકિમ ચોકી ગયો. તેને અવાજ પર થી લાગ્યું કે કોઈ તબલા વગાડી રહ્યું છે અને એના પર તાલ પર કોઈ નાચી રહ્યું છે. પણ કોણ હોઈ શકે?