દામોદર માર્ગ બતાવે છે ! Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દામોદર માર્ગ બતાવે છે !

દામોદર માર્ગ બતાવે છે !

રાણકી અને રણપંખણીએ પ્રભાતનું પહેલું કિરણ પ્રગટ્યું, ત્યાં તો પંચાસર ગામનું પાદર સર કર્યું. કુંડધર રબારી અને તેનો નાનકડો છોકરો ઝીંઝુ, ગામને પાદર વાટ જોઈને ઊભા હોય તેમ લાગ્યું. એમને સમાચાર મળી ગયા હોવા જોઈએ. દામોદરને નિરાંત થઈ. બધી વાત બરાબર પાર ઊતરતી હતી.

આંહીં એકાદ બે દિવસ રોકાવાનું હતું. કુંડધર ધીમેથી આગળ આવ્યો. તેણે રાણકીને તરત ઓળખી. રાણકી પણ તેને જાણતી હોય તેમ હરખમાં આવી ગઈ.

તે મહારાજને અને રા’ નવઘણને પગે પડ્યો. દામોદર મહેતાને ખભે હાથ અડાડીને બે હાથ જોડ્યા. એનો નાનકડો છોકરો ઝીંઝુ પણ બાપનું અનુકરણ કરી રહ્યો હતો.

‘તારો છોકરો છે, કુંડધર ?’ રા’ નવઘણ આ પંથકના ઝાડવે ઝાડવાનો જાણકાર જણાયો. દામોદર તેની સામે જોઈ રહ્યો. ‘શું નામ રાખ્યું છે ?’ રા’ નવઘણે ખરા ઉમળકાથી પૂછ્યું.

‘છોકરો ભગવાનનો, મહારાજ !’ કુંડધરે વહાલથી પોતાના એકના એક છોકરાના માથા ઉપર હાથ મૂકતાં કહ્યું : ‘એને સૌ ઝીંઝુ, ઝીંઝુ કહેવા માડ્યાં છે. ભગવાન એને મહારાજને ત્યાં સાંઢણીઓ ચારવા મોટો કરે એટલે બસ !’

‘અરે ! હોય કાંઈ ? એ તો મોટો માલધારી થવાનો. ત્યારે તેં વાડો પણ આ છોકરાને નામે નામ રાખ્યો લાગે છે ! અમે તો કીધું કોણ જાણે આ ઝીંઝુ કોણ હશે !’

સૌ એમ બોલવા માંડ્યાં, ઝીંઝુનો વાડો, ઝીંઝુનો વાડો, એટલે પછી મેંય ઠરાવી દીધું કે હા ભૈ ઝીંઝુનો વાડો ! મારો નહિ. ઝીંઝુનો વાડો આ સામે દેખાઈ ઇ. ત્યાં નદીનેય વાળવાનું કર્યું છે. એટલે જેવું તેવું તળાવડું ભરાય છે. ઢોરઢાંખરને પાણીની આંહીં મજો છે. એક-બે ગાઉ આથમણી કોરે વળી એક ભોટવો છે ઝીલાણંદ. ત્યાંય પાણીની ઓળબોળ છે. માતાજી સંતાણાં છે ને !’

‘ત્યારે આ નાના રણને રસ્તે તો પાણી મળતું રહે કાં ?’

‘હા, આણીકોરથી સંઘમાં જવાનો મારગ જ આ નાનું રણ મૂકીને, કચ્છ સોંસરવો થઈને સોઢાના મલકમાં ! અમારે તો આ નતનું થયું !’

રા’ નવઘણે ધ્રુબાંગજીની સામે જોયું. ‘ધ્રુબાંગજી ! તમારે બેને વધારે આથમણી કોરથી મારગ લેવાનો રહેશે હો !’

‘અમારા ધ્યાનમાં છે મહારાજ !’

‘આપણે સૌનું ક્યાં ગોઠવ્યું છે, કુંડધર ?’

‘આંઈં તો મા’રાજ ! હમણાં બે’ક રંજાડ વધુ છે. અવારનવાર માણસ આવતાં જ હોય છે. કોકે ગરજનકને સમાચાર આપ્યા છે કે આ પંથકમાંથી ભોમિયા મળી રહેશે. ગઈ કાલે જ એકલો બે વરસના આલીદડ ભરવાડને ઉપાડ્યો’તો. પેલો કે’ ભૈ ! મેં બાપદાદે રણ ઓળંગ્યું નથી, મને મારગની ખબર નથી. ત્યારે માંડ માંડ છોડ્યો. એટલે આંઈં હમણાં રંડાજ વધુ છે. આપણો મુકામ ત્યાં ભોટવાને કાંઠે ગોઠવ્યો છે. ત્યાં ઝાડનું ઝુંડ છે. પાછળ છેટે ડુંગરો છે. પડખે અમારા નેહ પડ્યા છે. નાનામોટા થઈને પંદરસો જીવ છે. એલે ત્યાં બે-ચાર તુંબડાં પણ ઊભાં કર્યાં છે. ત્યાં મુકામ નાખ્યો છે.’

‘...પણ...’દામોદર બોલ્યો. પછી એ બોલવું કે ન બોલવું તેના વિચારમાં પડી ગયો.

કુંડધર રબારી આગળ સર્યો. ‘જે’ પાળ મારા’જ એક-બે દીમાં આ બાજુ પાછા શોધ કરવા આવવાના છે. એક વખત તો આવી ગયા. સાથે કો’ક હતો !’

‘કોણ હતો ?’

‘કોક તલક કે એવું નામ હતું !’

દામોદર સમજી ગયો. કુમારપાલે મોકલેલા સમાચાર પ્રમાણે જ આ વાત થઈ રહી હતી. આકાશપાતાળ એક કરતા હોય તેમ ભોમિયાને શોધવા માટે એ ફરી રહ્યા હતા. ગઢ બીટલીના સમાચાર આવ્યા હતા. ત્યાં વાક્‌પતિરાજ રાહ જોઈને બેઠા હતા. નીડર ભીમદેવ ત્યાં હતો. અર્બુદપતિ ત્યાં હતો. લાટનો રાય હતો. નડૂલનો અણહિલ હતો. આટલા બધાની વચ્ચે જવાનો કાંઈ અર્થ ન હતો. સુલતાન લૂંટના માલ સાથે, કોઈ દિવસ એવું યુદ્ધ ન લે. એટલે હવે આ માર્ગ નક્કી હતો. ભોમિયાની શોધ ચાલતી હતી. એક-બે દિવસમાં કુમારપાલ કે જયપાલ આ બાજુ આવવાના. તે પહેલાં ધ્રુબાંગ અને ધિજ્જટને આંહીં ગોઠવી દેવાના હતા.

એ આ બાજુ ઘેટાંબકરાં લઈ ફરતા હોય તેમ ફરવાના હતા.

ધૂર્જટિ તો જાણે કાશ્મીરનો બ્રાહ્મણ પાછો કાશ્મીર જવા નીકળ્યો છે. એ રસ્તો જાણે છે. પણ ત્રણમાંથી કોઈએ રસ્તો બતાવવાની તત્પરતા પ્રગટ કરવાની ન હતી.

તે રાતે બધા ઝીલાણંદ રહ્યા. ત્યાં રણમાં ગુપ્ત ઝરણાંની માફક રેતમાંથી પાણી ફૂટતું હતું. અને આસપાસ કેટલાય પ્રદેશને લીલોછમ બનાવી મૂકતું હતું. થોડાંક મોટાં ઝાડ પણ ત્યાં ઊગ્યાં હતાં. રબારીઓ ઘેટાં-બકરાં લઈને ચારે તરફ પડ્યા રહેતા. આ જગ્યાએ ધિજ્જટ અને ધ્રુબાંગ રહેવાના હતા. એ પોતાનાં ઘેટાં-બકરાં ચરાવતા ફરતા હોય, ત્યાં જયપાલજી કે કુમારપાલજી એમને મળે. સુલતાનનો કોઈ માણસ સાથે હોવાનો. એની હાજરીમાં અકસ્માત સવાલ-જવાબ થાય અને એમાંથી એમની ભોમિયાની વાત પકડાય તેમ કરવાનું હતું.

એ પ્રમાણે ધિજ્જટ, ધ્રુબાંગ ત્યાં રહી ગયા. પંડિત ધૂર્જટિ એમની સાથે નીકળવાનો. એને પણ કાશ્મીર જવાનું હતું.

આ પ્રમાણે ગોઠવણ થઈ. દામોદર ને મહારાજ ને રા’ પાછા ઊપડી જાય એ નક્કી થયું. સાંઢણીદળ હવે તત્કાળ તૈયાર થઈ જવું જોઈએ. વહેલી પ્રભાતે ઊઠીને દામોદર એકલો ત્યાં આંટા મારી રહ્યો હતો. રણપંખણી તૈયાર હતી. રા’ની અને મહારાજની રાહ જોવાઈ રહી હતી. કુંડધર રબારીનો છોકરો ઝીંઝુ કાલે સાંજે સમાચાર લાવ્યો હતો કે કુમારપાલજી, તિલક અને જયપાલજી આ બાજુ આવવાના હતા.

ધિજ્જટ અને ધ્રુબાંગ ખભે ધાબળા નાખી ડાંગ લઈને તૈયાર થયા હતા. તેમનાં બકરાં ને બીજો માલ, ધીમે ધીમે સામેના ડુંગરના ચરણ તરફ જઈ રહ્યો હતો. દિવસ ઊગ્યા પહેલાં તે ત્યાં જઈ પહોંચવાના હતા.

દામોદર બંને નરવીરોને નીરખી રહ્યો. કાશ્મીર કેસર ચર્ચિત ત્રિપુંડધારી પંડિતજી પણ એટલામાં આવ્યા.

‘જુઓ ધિજ્જટજી ! આ કામ જેવું તેવું નથી,’ દામોદરે છેલ્લી ભલામણ આપી. ‘પહેલાં તો તમારો એને વિશ્વાસ પડવો જોઈએ !’

‘એ તો પ્રભુ ! અમે બરાબર સમજાવીશું. અમે કહીશું કે વાંધો નહિ આવે ! અમે તો રાતદીના જાણકાર છીએ. આમ રણ પાર કરાવી દેશું !’

દામોદરે એને બોલવા દીધો. એ બોલી રહ્યો એટલે એણે ધ્રુબાંગ સામે જોયું : ‘ધ્રુબાંગજી ! તમે ? તમે શું વાત કરશો ?’ ‘હું પણ પ્રભુ ! ધિજ્જટજીના શબ્દે શબ્દ પકડીશ.’

દામોદર કાંઈક નિરાશ થયો. તેણે પંડિતજીની સામે જોયું ‘પંડિતજી ! તમે જાણે કાશ્મીરના છો. સોનાનાં કમળ દર વર્ષે લાવો છો. તમને રસ્તો જાણીતો છે. તમે પાછા કાશ્મીર ફરી રહ્યા છો. ત્યાં સુધી તો બધું ઠીક, પણ પછી શું ? તમને રસ્તો જાણીતો છે, એટલે તમે રસ્તો બતાવી દ્યો એમ ? એને ભોમિયા થઈ રસ્તાની માહિતી આપો ? કાંઈક કારણ હોવું ન જોઈએ ?’

‘અરે ! પ્રભુ ! કારણ બીજું શું ? કારણમાં દ્રમ્મ. દ્રમ્મ દેખીને મુનિવર ચળે, એ કારણ. અમે મારગ બતાવીએ, તો એક લાખ દીનાર સુલતાન પાસે માગીશું !’

દામોદરને આનંદ થઈ ગયો. એને આ જોઈતું હતું.

‘જુઓ ત્યારે ધિજ્જટજી ! ધ્રુબાંગજી ! તમે સુલતાનના કોઈ સગા નથી. તમે રસ્તો બતાવવા ભોમિયા શા માટે બનો ? તે પહેલાં ચોખ્ખી ના પાડજો. અમને ખબર નથી. વળી તમારામાંથી જ એક જણો મશ્કરી કરતો હોય તેમ બોલે : ‘બતાવને બતાવને ! અમસ્તો તો વગર દામે ઘોડા કરે છે ત્યારે આ તો દામ લઈને કામ કરવું છે !’

એટલે વળી બીજો બોલે : ‘આવડો મોટો બાદશા’ છે, તે શું બે ચાર ગામડાં દઈ દેવાનો છે તે હું ટાંટિયા તોડું ?’

‘હાં હાં, સમજાઈ ગયું !’ ધિજ્જટ, ધ્રુબાંગ બંનેએ વાતનો દોર પકડી લીધો.

‘એમ કરતાં કરતાં મારવા જેવું થાય ત્યાં સુધી એને ચીવડજો. અને પછી ધીમે ધીમે એક લાખ દીનાર માગજો. દરેકે એક એક લાખદીનાર માગવાના.’ દામોદરે ભારથી કહ્યું. ને તેમની સામે જોઈ રહ્યો. શિક્ષકની અદાથી એણે ફરી કહ્યું :

‘પણ જો જો, એક લાખ દીનાર માગ્યા પછી, એક દ્રમ્મ પણ ઓછો કરતા નહિ. તમે જો દ્રમ્મ ઓછો કરસો તો એ વાત ઉપરથી જ તમારો વેશ કળાઈ જશે, સોદો આખો તૂટી જવા જેવું લાગે તો પણ દ્રમ્મ ઓછો નહિ. આ મહા વિચક્ષણ માણસ છે. મારું વિખ્યાત ઠીંગણાપણું મને પ્રગટ કરી દે, એ ભય ન હોત તો હું જ રોકાઈજાત. એને સાંઢણીઓ લાવી દેત !’

‘પ્રભુ !’ ધૂર્જટિ બોલ્યો. ‘ભગવાન સોમનાથની કૃપા હશે તો બધી વસ્તુ બરાબર ઊતરવાની છે. કોઈ એક દ્રમ્મ ઓછો લેવાની વાત જ નહિ કરે. તમારી વાતને રસ્તે જ વાત બંધાય તેમ છે. અમે તો કહીશું કે જો, એક લાખ દીનાર લઈશું એટલું જ નહિ, રસ્તામાં અમે સંધ્યા કરીશું. શંખ વગાડીશું. ડાબલીમાંથી શંકર કાઢીશું... તમારાથી કાંઈ નહિ બોલાય. તમારે આઘે રહેવું પડશે.... એમ આપણે લેશ પણ દરકાર ન હોય તેમ વાત ચલાવવાની છે.’

‘બસ, બસ, ત્યારે ધૂર્જટિજી ? તમે સમજ્યા છો. મારે એટલું જ કહેવાનું હતું.’

‘તમે બધું જાણો છો. ધિજ્જટ ! ધ્રુબાંગ ! તમારા મનમાં ગમે તે વાત આવી હોય, પણ એની એક રેખા જો તમારા ચહેરા ઉપર દેખાશે, તો આખો ખેલ ખલાસ થઈ જશે !’

‘તમારા ચહેરા ઉપર એક રેખા દેખાવી ન જોઈએ. તમારા હાથપગ પણ તમારી વાત પ્રગટ કરી નાખવાની શક્તિ ધરાવે છે ! સેંકડો ને હજારોને આંહીં દોરનારા માણસની સામે, તમે જો બે પળ બરાબર જાળવી લીધી, તો તમારો બેડો પાર છે !

‘અને હા, એક બીજી વાત, તમે પોતે ભાગશો શી રીતે ? આ રાણકી સાથે છે. એ તમને આપી છે એટલા માટે. તમારી દગાની વાત પ્રગટ થશે, પછી રણમાં તમારી ઉપર લાખ વાતું વીતશે. તે વખતે આ રાણકીનો આધાર તમારે હોય તો તમે ભાગી છૂટો. રાણકી તમને આપી છે એટલા માટે; કારણ કે એનો જોટો ક્યાંય નથી !’

‘અમને રાણકીનો વિશ્વાસ છે પ્રભુ ! રાણકી માથે બેઠો, ઈ ભગવાનને ખોળે બેઠો !’

રા’ ને મહારાજ આવતા લાગ્યા.

‘કોણે રાણકીને સંભારી, મહેતા ?’

‘એ તો અમે વાતો કરીએ છીએ પ્રભુ !’

‘પણ વાત સોએ સો વસા સાચી છે. રાણકીની પાછળ ભલેને એક હજાર સાંઢણી ઘોડે, એમાંથી એકે એને પૂગે તો નહિ, પણ એક તીર વા અંતરમાં ક્યાંય આવી પહોંચે નહિ. રાણકી ઉપર બેસનારને વાંહેથી તીર આવશે, એની પણ ચિંતા નહિ. એવી એની ધોડ છે.’

‘ધિજ્જટજી ને ધ્રુબાગજી આગળ આવ્યા. મહારાજને પગે પડ્યા. રા’ નવઘણ એમને ભેટી પડ્યો : ‘અરે ! મારા બહાદુર ચોકીદારો, તમે તો નવખંડમાં સોરઠનું નામ રાખ્યું છે !’

‘મહારાજ ભીમદેવ ધૂર્જટિજીને નમી રહ્યા. રા’એ એને પ્રણામ કર્યા. દામોદર પાસે જઈને માથું નમાવ્યું : ‘પંડિતજી ! પાછા વહેલા પધારો. ભગવાન સોમનાથ તમને રક્ષે !’

‘ભગવાન સોમનાથ બધે છે, પ્રધાનજી !’

ત્રણે જણા જવા માટે તૈયાર થયા.

રા’એ દામોદરને ખભે હાથ મૂક્યો. રા’ને કાંઈક કહેવું હતું. દામોદર રા’ સાથે ગયો.

‘દામોદર મહેતા ! એક વાત આમને કહેવી છે. કહેવી કે ન કહેવી એ વિચારમાં પડ્યો છું !’

‘શું છે, મહારાજ ?’

‘રાણકી...’

દામોદર ભડકી ગયો. રા’ અત્યારે એ પાછી માગશે કે શું ? તો તો ભારે થાય ! ત્યાં રા’ બોલ્યો : ‘મારે એમ કહેવાનું છે, વખત છે ને, રાણકીને ભીડવવાનો વખત આવી જાય, બનતાં સુધી તો નહિ આવે, પણ ન કરે ના’રણ ને એવો વખત, આવે તો આટલું કરવાનું છે. રાણકીને ગુડી નાખે, જે રીતે ઠીક પડે તે રીતે. રાણકી કોઈને હાથ જાય તો તો નાક કપાઈ જાય. એટલે એ કોઈને હાથ ન જાય એટલું જોવાનું છે.’

‘આ ત્રણે જબરા છે. રાણકી જબરી છે. એ વખત નહિ આવે. નવઘણજી ! પણ તમારા મનની વાત હું સમજી ગયો છું. રાણકી જાય એટલે શું, એટલું તો જાણું છું !’

‘રાણકી જાય ત્યારે રાણકી જાતી નથી. એ તો રા’ નવઘણની રાણી જાય છે મહેતા ! ગીજનીના બજારમાં રા’ નવઘણની જો રાણીની હરરાજી બોલે, તો તો પછી થઈ રહ્યું ! એ જીવ્યું ન જીવ્યું ! પછી જીવતરમાં કાંઈ નહિ. ધાનમાં મૂઠી ભરીને હંમેશાં ધૂળ નાખો તોય એનું વળતર વળે નહિ. એટલે કહ્યું છું મહેતા ! આમને કહું ? કે ના કહું ? એમને જાવા ટાણે... આની વાત...’

દામોદરની ને રા’ની વાત પંડિત ધૂર્જટિના કાને પડી લાગી. તે વચ્ચે જ બોલ્યો :

‘મહારાજ ! કહેવું હોય તો ભલે, નહિતર અમે સાંભળી લીધું છે. રાણકી જીવશે તો અમારી ભેગી, મરશે તોપણ અમારી ભેગી. તમે જૂનાગઢની ગાદી અમને સોંપી છે, આબરૂ સોંપી છે, એ અમારા ધ્યાનબારું નથી, પ્રભુ !’

‘શું છે, રા’ નવઘણજી ?’

‘એ તો મહારાજ ! સુતારનું મન બાવળીએ એવી વાત છે. અમારું મન અમારી સાંઢણીમાં. પારકે હાથ પડે નહિ, એટલી સંભાળની વાત છે.’

‘ત્યાં તો પ્રભુ ! અનેક પગદંડીઓ એવી આવે છે, જ્યાં કેવળ દ્રમ છે !’

‘દ્રમ ?’ ભીમદેવ મહારાજ બોલ્યા :

‘હા, મહારાજ !’ ધૂર્જટિએ કહ્યું : ‘દ્રમ-એટલે રેતીનાં ભયંકર પોલાણ, પગ મૂકતાં ચૂક્યો, કે આખો માણસ સાંઢણી સોતો અંદર ગેબ. જાણે ધરતી ગળી ગઈ !’

‘હેં ?’

‘ભગવાન રુદ્રનું ડમરુ બજંત ભૈરવીરૂપ વિજય મેળવો ! એનો જ વિજય હો...! બીજા કોઈનો નહિ. કેટલીક વખત એ પોતે પોતાનો સંહાર કરે છે. રુદ્રરૂપ માત્ર બીજા માટે નથી, પોતાના વિનાશ માટે પણ છે.’ ધૂર્જટિ બોલીને આકાશ સામે જોઈ રહ્યો : ‘જેણે રુદ્રરૂપ જોયું છે, મહારાજ !’ તે અદૃષ્ટને સંબોધતો હોય તેમ બોલી રહ્યો હતો : ‘તે તરી ગયો. શિવ ઠીક છે. શંકર ઠીક છે. ભૈરવ ઠીક છે. વીરભદ્ર પણ ઠીક છે. પણ જેણે રુદ્રતપ જોયું, એ અમરને વરી ગયો. એને પછી મરવાનું નહિ ! એ ભલે ગાયા કરે, ‘અબ હમ અમર ભયે, ન મરેંગે !’

આકાશમાંથી જાણે ભીષણ ઓળા ઊતરતા હતા. સૌ ગંભીર થઈ ગયા.

રા’ સમજી ગયો. આ બ્રાહ્મણ તો ઝેર પીને નીકળ્યો છે. એ રાણકીને શું, રાણકીના મુડદાને પણ કોઈનો હાથ અડવા દે તેવો ન હતો.

તે પોતાની રાણકીને ગળે છેલ્લો હાથ ફેરવી લેવા આગળ વધ્યો. એની આંખમાં અદૃશ્ય આંસુ હતાં.

*

થોડી વાર પછી, ઝાંખા આછા અંધારામાં રણમાં ચાલ્યા જતા ત્રણ માણસો દેખાયા.

એમના દેહ પડછાયા જેવા જણાતા હતા. તે ધીમે શાંત પગલે સામેના ડુંગર ઉપર મીટ માંડીને જોઈ રહ્યા હતા.

ચારે તરફ શાંત રેતી સૂતી હતી. પ્રભાતની હવા શાંત હતી. બધે પ્રકાશ પહેલાંની નિગૂઢ અંધારી છાયા પથરાયેલી હતી.

મહારાજ ભીમદેવ. રા’ નવઘણ, એ નિગૂઢ પડછાયાને આછા અંધકારમાં આગળ ને આગળ જતા જોઈ રહ્યા.

દામોદર મહેતો આ દૃશ્ય અંતરમાં ઉતારી ગયો. ત્રણ માણસો, હજારો ને લાખોમાંથી, ત્રણ માણસો, જઈ રહ્યા હતા, યમની સામે લડવા, ખુદ મૃત્યુને ભેટવા, જીવતા દફનાઈ જવા.

દામોદરના દિલમાં ચૌલાની નૃત્યકલ્પના રમી રહી. એ નારી ગજબની હતી.

એણે પણ આછા અંધકારમાં સાગરમાં વિલીન થવા જતા ત્રણ નરપુંગવોને પોતાના નૃત્યમાં અમર કર્યા હતા.

આવી વ્યગ્ર દશામાં પણ દામોદરના મનમાં ખ્યાલ આવી ગયો. આ ત્રણને, પાટણમાં ઘરઘરના નાટક દ્વારા, વીરસંદેશો આપનારા બનાવે, એવું નાટક કોણ લખશે ? એને કોઈનું નામ યાદ આવ્યું નહિ !