ગોગદેવ ચૌહાણ ફરીને આવ્યો Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોગદેવ ચૌહાણ ફરીને આવ્યો

ગોગદેવ ચૌહાણ ફરીને આવ્યો

મહારાજ ભીમદેવ રા’ નવઘણજી, દામોદર મહેતો ત્રણે હવે પાછા ફરવાની ઉતાવળમાં હતા. રણપંખણી તૈયાર હતી. એમને સુલતાનનો કેડો લેવાનો હતો. અને દામોદરને તો બીજી એક ચિંતા પણ વળગી હતી. એને મનમાં બીક હતી કે ગઢ બીટલીમાં ભેગા થયેલા સુલતાનની પાછળ જવા જેટલી એકતા ભલે ન બતાવે - પણ ગુજરાતને પીંખવા જેટલી એકતા તો જરૂર હવે બતાવવાના !

એમ ન થાય એ વાત સંભાળવાની હતી. જ્યારે આ બાજુ, સુલતાને પાટણ છોડ્યું એ ખબર મળે કે તરત રા’નવઘણ ને મહારાજ ભીમદેવ પોતે, સાંઢણીદળ લઈને એમની પાછળ દોડવા માટે અધીર હતી. ભોમિયાની વાત સાંગોપાંગ પાર ઊતરી જાય, સુલતાન રવાના થાય, એટલે પછી દામોદરને પોતાને તો ગઢ બીટલી દોડવાનું હતું. એ દિશા પણ સંભાળવાની હતી.

સુલતાન બીજા માર્ગે ગયો છે, એ ખબર પડતાં જ એ બધા વીખરાઈ જવાના. એમાંનો દરેક વીર હતો, અને દરેક માનતો કે સુલતાન એને ત્યાં આવે તો એ રજપૂતવટમાં ખપી જવાનો છે. એ ભાગવાનો નથી, એ નમવાનો નથી. અને એની એ બહાદુરીથી ડરીને એને ત્યાં કોઈ આવવાનો નથી. ગઢ બીટલીવાળાને જે રસ સુલતાનને રોકવામાં હતો, તેનાથી વધુ રસ, ગુજરાતનો આ અભિમાની અને જુવાન બહાદુર રાજા ભીમદેવ, એમનું સર્વસ્વ સ્વીકારે, તેમાં હતો. એટલે પોતાને ધનુર્ધર ગણાવતા ભીમદેવને નમાવવામાં એ બધા એક થઈ જાય એવા હતા.

ગુજરાતી પ્રત્યે, તમામ સરહદી રાજ્યોને સામી પ્રીત જેવું હતું, લાટ, અર્બુદમંડલ, નડૂલ, સાંભર એ બધાં માલવરાજ ભોજના વર્ચસ્વને સ્વીકારતાં. હજી ગઈ કાલે ઊભું થયેલું ગુજરાત, લાટને પોતાનામાં ગણે, નડૂલને સગાને દાવે પોતાનું માને, અર્બુલમંડલ તો એનો કુદરતી દુર્ગ છે એમ ગણે, અને રાજા ભીમદેવ, પોતાના ધનુર્ધરના અભિમાને સૌને પોતાનું વર્ચસ્વ બતાવે અને પોતે જ સૈન્ય દોરવા મથે, એ વાત આ વીરો માન્ય કરે કે ? ગઢ બીટલીમાં બધા એમ માનવાના કે ભીમદેવે સુલતાનને નાસી જવા દીધો. એનો પ્રત્યાઘાત શું થાય ?

સુલતાનની પીઠ ફરે કે તરત પાટણ ઉપર આવનારા આઘાતને રોકવા માટે દામોદરને દોડવું રહ્યું.

ગંડુ ગુજરાતીઓ હજી હમણાં, મૂલરાજદેવના સમયમાં જ પોતાનું રાજ હોઈ શકે, એટલી સાદી સમજ મેળવી શક્યા હતા. ત્યાં એટલી વારમાં વીરોના વીરોની નેતાગીરી કરવા આવે, પછી ભલેને સુલતાનના હલ્લા જેવો પ્રસંગ હોય, પણ એ તો ગુજરાતના અભિમાની રાજાની મૂર્ખાઈ જ ગણાય ! ગઢ બીટલીવાળા આમ માનવાના !

આ માન્યતા ગઢ બીટલીવાળા સૌની હતી. એ બધા દરિયાકિનારા વિનાના હતા. વ્યાપારની સમૃદ્ધિછોળ ગુજરાતને આંગણે ઊતરે એ એમને ગમતી વાત ન હતી. ગુજરાતની સમૃદ્ધિ, એનો વ્યાપારમાર્ગ, વ્યારાપરમાર્ગ ઉપર એનું વર્ચસ્વ, દેશવિદેશ સાથે સંબંધ રાખવાની એની કુદરતી સગવડ, ગુજરાતના લક્ષ્મીપતિઓની સાહસિક વીરતા, એક પણ વિદેશી તુરુષ્ક, કે સિંધી કે અરબ્બના રાજને વેપાર માટે ગુજરાતમાં થઈને જવાનો માર્ગ આપવાની એની સ્પષ્ટ ના. આ બધી જ વસ્તુઓએ ગુજરાત પ્રત્યે ઠીક ઠીક તેજોદ્વેષ જન્માવ્યો હતો. માલવરાજ ભોજરાજને ગુજરાતનું વર્ચસ્વ જામે તે ગમતું ન હતું. આ તરફ ગુજરાતને એક બળવાન રાજ બનાવવાનું દામોદર મહેતાનું સ્વપ્ન હતું. ઘર્ષણ અનિવાર્ય હતું. પણ દામોદર હજી પગ માંડી રહ્યો હતો. એટલે એ ગઢ બીટલીવાળાના જૂથને તરત મળવા માટે દોડવાની ચિંતામાં પડ્યો હતો !

રણપંખણી ઊપડવાની તૈયારીમાં હતી. રા’ નવઘણજી પોતે હાંકવા બેઠા હતા. એક પળમાં તો એ ઊડવાના વેગમાં આવી જવાની. પણ જ્યાં એ બેઠી થઈ ન થઈ, ત્યાં દોડતી સાંઢણીએ આવતો કોઈ આંઠી રા’ની નજરે પડ્યો.

સૌને તરત થઈ ગયું કે કાંઈક નવાજૂની બની છે. કાં તો પાટણમાં પાછું સળગ્યું છે કે પછી ગઢ બીટલીવાળાનું સેન આવવાના સમાચાર મળે છે. શું હશે, કોણ આવતો હશે, એ જાણવા માટે રા’ સાંઢણીને ઊભી રાખીને, એ દિશા તરફ જોતો ખડો થઈ ગયો.

થોડી વારમાં જ ઓઠી આવી પહોંચ્યો. ભળભાંખળા અજવાળામાં હજી એ ઓળખાતો ન હતો. પણ તેણે સાંઢણીને ત્યાં ઊભી રાખી દીધી. એ ઝોકી ન ઝોકી, ત્યાં પોતે કૂદતો હોય તેમ નીચે જ ખાબક્યો :

‘મહારાજ ! મહારાજ છે ?’ તેણે ઉતાવળે વ્યગ્ર અવાજે કહ્યું.

‘કેમ ? કોણ છો તમે ? શું કામ છે મહારાજનું ? ક્યાંથી આવો છો ?’ રા’ એ પૂછ્યું.

‘મને ન ઓળખ્યો ? હું ગોગદેવ ચૌહાણ, સાંભરરાજનો સંદેશો લઈને તમારે ત્યાં આવ્યો હતો તે !’

‘ઓ હો ! આ તો ગોગદેવ* ચૌહાણ છે ! કેમ ગોગદેવજી ? કેમ આટલા ઉતાવળા આવ્યા છો ! શું છે ? અમે આંહીં છીએ એ તમને ક્યાંથી ખબર ?’ દામોદરે પૂછ્યું.

---------------------

*રણથંભોર પડ્યા પછી છેલ્લો રજપૂત પ્રયત્ન તે માલવામાં. ત્યાં મહલકદેવ. તેના સેનાપતિ કોકા-ગોગદેવ ઘોઘા ચૌહાણ. પણ આ ગોગદેવ ચૌહાણને, લોકકંઠમાં જળવાઈ રહેલા અને હજી જીવંત રહેલા એ ઘોઘા ચૌહાણ સાથે કાંઈ જ સંબંધ નથી. ખરી રીતે ઘોઘા ચૌહાણનું પરાક્રમ અને એની યશોજ્જવલ કથાને તો છેક કરણરાય વાઘેલાના, અલાઉદ્દીન ખીલજીના, જમાના સાથે સંબંધ છે. ઘોઘાબાપા-ઘોઘા ચૌહાણ, એ હમ્મીર હઠવાળા હમ્મીર ચૌહાણના જમાનાનો વીરપુરુષ હતો. મરાઠી રાજમાં જેમ બાપુ ગોખલે છેલ્લો વીરપુરુષ ગણાયો છે, તેમ ચૌહાણના મુસ્લિમ સામેના વીરત્વ ભરેલા. પ્રતિકારનો એ છેલ્લો પુરુષ. તે ચાલીસ હજાર માણસો સાથે અલાઉદ્દીન ખીલજીના જમાનામાં લડતા લડતાં મર્યો (જુઓ ૐૈજર્િંઅર્ ક ઁટ્ઠદ્બિટ્ઠિ ડ્ઢઅહટ્ઠજંઅ અને ઈઙ્મર્ઙ્મૈં ર્ફઙ્મ. ૈૈંૈંં. ૭૬ ). એના એ અપ્રતિમ વીરત્વની યાદ લોકોએ ઘોઘાબાપાના નામથી હજી પણ દિવાળી જેવા પ્રસંગે જાળવી રાખી છે. મહમૂદ ગજનવીના વખતને આ ઘોઘાબાપા સાથે કાંઈ સંબંધ નથી.

‘સૂરજ કાંઈ છાબડે ઢાંક્યા રે’ છે ? આમ દોટ તો હતી સીધી સોમનાથ ઉપર, પણ વચ્ચે જ ખબર મળી ગયા કે પાટણમાં તો દુર્લભરાજ મહારાજ આવી પણ ગયા છે. પાટણનું ગૌરવ છેવટે પડ્યું છે. એમણે નમતું જોખ્યું છે. ગઢ બીટલી આ વાત ઊડતી મળી હતી. આંહીં આવતાં એ સાચી જણાઈ. ગઢ બીટલીવાળા તો ઉતાવળા થઈ ગયા છે !’

‘શું કરવા, ચૌહાણ ?’ દામોદરે ઉતાવળે પૂછ્યું. એને પોતાનો ભય ખરો પડતો લાગ્યો.

‘પે’લી કહેવત સંભારો ને પ્રભુ ! આ બધા ઘરશૂરા વધુ છે. હું આંહીં દોડ્યો આવ્યો છું જ એટલા માટે.’

દામોદરના પેટમાં સીસું રેડાયું. આ દોડ્યો આવ્યો છે ખબરઆપવા કે ગઢ બીટલીવાળા તમારા ઉપર આવવાના છે તો તો ભારે થાય. સુલતાન જાય કે તરત જ પાટણને ખોટી લડાઈમાં સંડોવાવું પડે.

‘તમે શું આયા છો, ગોગદેવ ચૌહાણ ? વાત કરી નાખો એટલે ખબર પડે.’

‘હું તો પ્રભુ ! આ ગઢ બીટલીવાળાની વાતોથી થાકીને આંહીં દોડ્યો આવ્યો છું.’

‘થાકીને ? કેમ, શું થયું છે ત્યાં ?’ દામોદરે પૂછ્યું.

‘ત્યાં તો એમ વાત થઈ છે કે ભીમદેવ મહારાજ જ આવી રીતે ગર્જનકને ભગાડી મૂકે છે. માટે આપણે એના ઉપર જ ચાલો.’

‘હા... એમ વાત છે ગોગદેવજી ?’

‘એટલે હું આંહીં દોડ્યો. મેં જે કાંઈ તે પહેલાં આંહીં જોયું હતું, તેમાં તો સૌની ભગવાન સોમનાથ પ્રત્યે ભક્તિ નીતરતી હતી. હું પોતે પણ સાત સાત પેઢીથી સોમનાથ ભગવાનનો ભક્ત છું. સોમનાથ ભગવાનને લૂંટનારો વગર હરકતે ચાલ્યો જાય, એવું તો મહારાજ પણ ઇચ્છતા નથી. એટલે મને થયું કે હું દોડું. ખબર તો કાઢું. શી વાત છે તે જાણી લાવું. મંત્રીરાજને મળું. અને મારો પોતાનો કાંઈ ખપ હોય તો હવે એમાં રહી જાઉં.’

‘તમારો ખપ ?’

ગોગદેવ ચૌહાણે બે હાથ જોડ્યા : ‘જુઓ પ્રભુ ! ત્યારે હવે હું પેટછૂટી વાત કરી નાખું. આંહીં હું આવી ગયો. મેં જ મહારાજને વિનંતી કરી. હું પાછો ગયો, તો મને લાગ્યું કે આંહીં કાંઈક વાત હતી. ત્યાં તો હૂંસાતૂંશી જ હતી. તમારા મનમાં કોઈ નવીન જ વાત હોવાની મને શંકા તો પડી હતી. એટલે કીધું એવી કોઈ યોજના હોય, તો એ અત્યારે જ તમારે ત્યાં અમલમાં આવતી હોય. હું સાત સાત પેઢીથી સોમનાથનો ભક્ત છું. ત્યાં બેઠાં મેં ગઢ બીટલીવાળાની, આ કે તે, ઢંગધડા વિનાની વાત સાંભળી લીધી. મારા બાપના બાપ ને એના બાપને નામે અમારું અન્નેક્ષેત્ર સોમનાથને આખે માર્ગે, આજે નહિ નહિ તો સો વર્ષથી ચાલ્યું આવે છે. મારી તો ભૂમિ કેટલી ? પણ મારે એ અન્નેક્ષેત્ર પાછું ચાલુ કરવું છે. અને મારે ભગવાનને નામે મારી જાતને ક્યાંક હોડમાં મૂકીદેવી છે. પછી જ મારે સોમનાથ ભગવાનનું નવું મંદિર જોવા આવવું છે, અને ઘરઆંગણે પાછા ફરવું છે. એટલે મને થયું કે હું આંહીં, મહારાજને મળું. તમને મળું. મેં તમને ભગવાન સોમનાથને નામે મારી જાત સોંપી દીધી. મહારાજ હવે ઠીક પડે તે કામ ભગવાન સોમનાથનું મને સોંપે !’

‘ગઢ બીટલીમાં દુર્લભરાજ મહારાજ સિવાય બીજા શું સમાચાર આવ્યા છે ?’ દામોદર સમજી ગયો કે ગોગદેવ ચૌહાણ આંહીં ભક્તિથી દોડી આવ્યો છે.

‘બીજા ? બીજા કાંઈ સમાચાર ત્યાં નથી !’

‘ગર્જનક પાછો ફરવા ધારે છે તે ત્યાં કોઈએ જાણ્યું છે ?’

‘જાણ્યું ન હતું. લંબાણું એટલે સૌ અનુમાને ચડ્યા હતા કે ભીમદેવ મહારાજ, રાજના બદલામાં ગર્જનકને ચોક્કસ ભાગવા દેશે ! તો તો ભીમદેવ મહારાજે જ સોમનાથ ભગવાનને લૂંટાઈ જવા દીધા એમ કહેવાય. આપણે સૌ પાટણ ઉપર જઈએ. ત્યાં એ વાત થાય છે ! બીજી કોઈ વાત જાણી નથી. નીડર ભીમદેવ મહારાજે, એ જાણ્યું ને એ ચોંકી ઊઠ્યા. એને લાગ્યું કે આર્યાવર્તનું નસીબ જ વાંકું છે. નહિતર આવી વાત સૂઝે જ કેમ ? એમને થયું કે એમને હવે કોઈ કરુણ કથા જોવા મળશે. કાં તો કનોજના રાજ્યપાલ જેવી કે પોતાના જ પિતા ત્રિલોચનના જેવી. વર્ષોની એની અણનમ લડતને ધ્યાનમાં લીધા વિના, કેવળ પોતપોતાનાં ક્ષુલ્લક સાધન-સગવડ, સમાધાનથી વહેલાં મળી જાય, એવી વૃત્તિથી પ્રેરાઈને, સગાંવહાલાંઓએ જ એક દિવસ એમને હણી ન નાખ્યા ? એવી કોઈ કરુણકથા આંહીં પણ પોતાને જોવાની મળશે. એટલે એ અચાનક જ કાશ્મીર જવા માટે ઊપડી ગાય.’*

‘ઊપડી ગયા ?’

‘હા.’

‘તો આપણે ગોગદેવજી ! સોમનાથ જઈને પછી તમારી વાતનો વિચાર કરીશું. ગઢ બીટલીમાં બીજા કોઈ સમાચાર આવ્યા નથી નાં ?’ દામોદર જાણવા મથી રહ્યો.

‘ના.’

‘થયું ત્યારે. આપણે ગઢ બીટલી સૌને મળવા જવાની વાત તો હતી. એ પણ સોમનાથના ભક્ત છે. વાત પૂરી ન જાણે એટલે લાગે તો ખરું જ નાં ? હવે આંહીંથી તો આપણે તત્કાલ ઊપડવાનું છે !’

થોડી વાર પછી સોમનાથને પંથે બંને સાંઢણીઓ રવાના થઈ. દામોદર મહેતો ગોગદેવની સાંઢણી ઉપર આવ્યો હતો. બીજી કોઈ વાત ગઢ બીટલી પહોંચી ન હતી, એ વાત જાણીને દામોદરને નિરાંત થઈ ગઈ.

એને ભોમિયા વિષે સમાચાર વહેલામાં વહેલી તકે મળે માટે એણે કુંડધર રબારીને તરત રવાના થવાનું કહ્યું હતું.

રા’ અને ભીમદેવ મહારાજ તો સોમનાથ સમુદ્રને કાંઠે પહોંચ્યા કે તરત જ પોતાના સાંઢણીદળમાં ગૂંથાઈ ગયા.

પણ દામોદરને હજી ક્યાંય નિરાંત ન હતી. એને ગોગદેવ ચૌહાણ સાથે ગઢ બીટલીવાળા તરફ જવાનું હતું. પણ ગોગદેવને જ્યારે ખબર પડી કે મહારાજ ભીમદેવ અને રા’નવઘણજી થોડા જ વખતમાં સિંધના રણમાર્ગે ગર્જનકની પાછળ જવાના છે, ત્યારે તેણે દામોદરને હાથ જોડીને કહ્યું :

----------------------

*નીડર ભીમદેવનું મરણ અજમેર (સાંભર)માં થયું એમ મનાતું હતું. પણ મળી આવેલા કેટલાક છેલ્લા ઉલ્લેખ પ્રમાણે એને કાશ્મીરમાં છેલ્લો આશ્રય મળ્યો હતો. તે ત્યાં મરણ પામ્યો. વંશ પણ પૂરો થયો.

‘પ્રભુ ! મને હવે મહારાજની સાથે જવા દો. તે વિના મારા મનને નિરાંત નહિ વળે !’

દામોદરે કહ્યું : ‘ગોગદેવ ચૌહાણ ! તમે મારી સાથે રહો તો સારું. કારણ વિનાનું ઘરઆંગણે ઘર્ષણ ઊભું કરનાર આ વીરોને સમજાવવામાં તમે મદદરૂપ થશો.’

એટલે ગોગદેવે સાંભરમાંથી પછી મહારાજની સેના સાથે જવું એવું નક્કી થયું.

પછી અચાનક એક દિવસકુંડધર રબારીનો માણસ આવ્યો.

સેંકડો ને હજારોનાં દળ સાથે ગર્જનક પાછો જવા માટે ઊપડ્યો હતો. તે ત્વરાથી રણ ઓળંગી જવા માગતો હતો. પાટણમાં મહારાજ દુર્લભરાજની આણ વર્તાતી હતી. કુમારપાલ મહામંત્રી હતો. જયપાલ સેનાપતિપદે હતો. ધીમે ધીમે બધું વ્યવસ્થિત કરવાના પ્રયત્નો ચાલુ થયા હતા.

એ સમાચાર આવ્યા ને આંહીંથી ભીમદેવ મહારાજ, રા’ નવઘણ, દામોદર મહેતો, ગોગદેવ ચૌહાણ બધા ઊપડ્યા.

એમની સાંઢણીદળની સંખ્યા ઠીક વધી હતી. મહારાજ, ગર્જનકની પાછળ પડે છે, એ સમાચારે પ્રજામાં ઉત્સાહ ફેલાવ્યો હતો.

મહારાજે પરાજય સ્વીકાર્યો ન હતો. ગર્જનક સાથે સમાધાન કર્યું ન હતું. વાવટો હવામાં ઊડતો રાખ્યો હતો.

એ ઊડતા વાવટાએ તો કૈંકને પ્રાણ આપ્યા. જે ઘરઆંગણે બેસી ગયા હતા, તેમને થયું કે આ પ્રસંગ આવ્યો છે. જે પસ્તાવો કરતા કે આપણે લડ્યા વિનાના રહી ગયા, તે હવે લડવા દોડ્યા.

જોતજોતામાં મહારાજનું સાંઢણીદળ વધતું ચાલ્યું. વિમળમંત્રીએ પણ વીણી વીણીને સાંઢણીઓ રવાના કરી હતી. કેટલાંક નામી ઘોડાં પણ આવ્યાં હતાં. નાનું સરખું મરણિયું દળ લઈને રા’ નવઘણ અને ભીમદેવ મહારાજ ઊપડ્યા.

રસ્તામાં એમને માણસો મળતાં જ રહ્યાં. એક માણસ વાવટો ઊડતો રાખે તો એ પ્રજાને જીવતી રાખે છે. મહારાજનો વાવટો હજી નમ્યો નથી કે પડ્યો નથી. પડનારા ને નમનારા તો દુર્લભ મહારાજ છે. એ તો છે જ પહેલેથી એવા જ્ઞાની અને અહિંસાને વરેલા, એવી હવા ફેલાતાં, ભીમદેવ મહારાજનું ગૌરવ એનું એ રહ્યું. થોડું વધ્યું. સૌને થયું કે મહારાજ તો મહાન બાણાવળી છે. નમતું જોખે જ નહિ.

નવો પ્રાણ પ્રગટ્યો, નવી આશા આવી, નવો ઉત્સાહ જન્મ્યો. અવનવી કલ્પનાના રંગો પ્રગટ થયા. સૌને થયું કે ઉયાભટ્ટે જન્મોત્રીમાં ભાખ્યું હતું તે થવાનું છે. મહારાજ ભીમદેવને હાથે મહાન ગુજરાતનો પાયો નખાવાનો છે. એક દિશા માલવામાં હશે. બીજી સિંધ પાર હશે. ત્રીજી દ્વારામતીમાં થોભશે. ચોથી કોંકણસ્થાનને અડશે.

ભીમદેવ મહારાજના આગામી મહાન રાજની કલ્પનાથી બધા રંગાઈ ગયા.

આ દીર્ઘ દૃષ્ટિ મંત્રીશ્વર દામોદરની હતી. એણે મહારાજનું ગૌરવ ખંડિત ન થાય એ પગલું ભરીને પ્રજાની આશાને જીવંત રાખી હતી.

મહારાજ ભીમદેવ અને રા’નવઘણ છેક આસાવલથી જુદા પડ્યા. ત્યાંથી મહારાજ પાટણને બાજુએ રાખી દઈને થરના રણ તરફ જવા ઊપડ્યા. એ રસ્તે ગર્જનક ગયાના સમાચાર હતા.

દામોદર ને ગોગદેવ ચૌહાણ સાંભર પ્રદેશ તરફ જવા માટે ઊપડ્યા.

ગોગદેવને મહારાજ સાથે જવાની મનમાં તાલાવેલી થતી હતી. એને ભગવાન સોમનાથ માટે કાંઈક કરી લીધાનો લહાવો લેવો હતો. પણ અત્યારે તો મંત્રી દામોદર સાથે એને જવાનું હતું.