વિષ વેરણી ભાગ ૧૧ NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ વેરણી ભાગ ૧૧

વિષ વેરણી

ભાગ ૧૧

ઓફીસ સમય થયાની સાથે ઓફીસ માં બધા ની અવરજવર ચાલુ થઇ, સમીરા તેના ટેબલ પર જઈ ને કામમાં વ્યસ્થ થઇ, હું પણ બધી ચિંતા મૂકી અને કામમાં વ્યસ્ત થઇ ગયો, લંચ ટાઇમ થયા ની સાથે જ કેબીનના ગ્લાસમાં સમીરા બે વખત ટકોર મારી અને બોલાવી ગઈ, હું સમીરા ના ટેબલ પર ગયો તો તે પરોઠા અને શાક ને પેપર પ્લેટ માં ભરી રહી હતી, મેં સમીરા ના ટેબલ પર મારો ફોન મૂકી અને સામે ની ચેર પર હજુ બેઠો જ હતો અને મુમતાઝ નો ફોન આવ્યો, ફોન નો ડિસ્પ્લે જોઈ ને જ સમીરાએ મને ફોન ન ઉપાડવા ઈશારો કર્યો, અને ફોન સાઈડ માં મૂકી દીધો,

એક રીંગ પૂરી થઇ અમે જમવાનું સરુ કર્યું એટલી વારમાં બીજીવાર રીંગ વાગી અને વાગતી રહી,

થોડી વાર રહી ને ફરી અસલમ ના ફોન માંથી ફોન આવ્યો, એટલે સમીરાએ ઉપાડ્યો,

“હેલ્લો, , , , , હા કોણ ? મુમતાઝ?

મુમતાઝ, સલીમ હમણાં મીટીંગમાં છે બહાર નીકળે એટલે ફોન કરાવું, અરજન્ટ નથી ને ?”

સમીરા સાથે થયેલી વાતચીત માં એટલો અંદાજો આવી ગયો કે અરજન્ટ નથી અને એજ દસ્તાવેજ ના કામ માટે ફોન કર્યો હોય, અમે બન્ને જમી થોડીવાર માં ફરી ઓફીસના કામમાં લાગી ગયા, સાંજ સુધીમાં અસલમ અને મુમતાઝના ફોન માંથી ત્રણ-ત્રણ વખત ફોન આવી ગયા પણ મેં રીસીવ ન કર્યા, સાંજ પડતા હું અને સમીરા વરસાદી વાતાવરણમાં ઓફીસથી બહાર નીકળી ગયા, હજુ કારમાં બેસીને સીટબેલ્ટ લગાવી રહ્યો હતો અને પચેડીયો વરસાદ ચાલુ થયો, સમીરા એકટીવા ચાલુ કરી રહી હતી, મેં સમીરા ને કહ્યું,

“સમીરા તારું એકટીવા અહીજ લોક કરી દે વરસાદમાં પલળી જઈશ, ચાલ મારી સાથે કાર માં”

“ના આજે તો વરસાદમાં પલળવું છે તારી કાર અહી લોક કરી દે” સમીરા ખુબ મસ્તી ના મૂડ માં આવી ગઈ , મારો હાથ પકડી લીધો અને કહ્યું,

“ચલ તું બેસી જા પાછળ”

“એક મિનીટ સમીરા કાર ને લોક કરી આવું”

મેં કારને લોક કરી ફોન સ્વીચ ઓફ કર્યો અને પર્સ માંથી પ્લાસ્ટિક ની પોલીથીન કાઢી તેમાં લપેટી ખિસ્સા માં રાખી દીધો અને સમીરા સાથે એકટીવામાં બેસી ગયો, પચેડીયા વરસાદ માં હજુ અમે રોડ પર ચડ્યા જ હતા અને મેઘો મુશળધાર મંડાયો, સમીરા નું ધ્યાન મુશળધાર વરસાદ માં ડ્રાઈવ કરવામાં હતું અને મારું ધ્યાન સમીરાના માથા માંથી ટપકી અને તેણી ગળા ના પાછળ ના ભાગ માંથી સરકી ને પીઠ તરફ જતા પાણી ના ટીપાઓ પર હતું, સમીરની ઘઉંવર્ણ પીઠ પરથી સરકતું પાણી જોઈ મારો જમણો હાથ અનાયાસે તેણીના ખભા પર ક્યારે પહોંચી ગયો મને ખબર પણ ના પડી, મારા હાથ ના અંગુઠા ને અને તેની બાજુ ની બે આંગળીઓ ને સમીરા ના ખભા અને પીઠ નો સ્પર્સ મળતા મારા શરીર માં સળવળાટ થવા લાગ્યો, સમીરા મસ્તીમાં પાણીથી ભરેલા ખાબોચિયાની પરવાહ કર્યા વગર હુર્રીયો બોલાવતી જવા દેતી અને તે પણ મારા કપડા ઉપર ઉડતું, મેં મારો ડાબો હાથ સમીરા ના સાથળ પર સરકતો જવા દીધો, થોડી વાર ડ્રાઈવ કર્યા પછી સમીરા એ કહ્યું, “સલીમ મારે એકટીવા ને કન્ટ્રોલ કરવાની કે પછી મારી બોડી ને ?”

મેં કોઈ જવાબ ના આપ્યો અને સમીરા એ બ્રેક મારી અને એકટીવા માં થી નીચે ઉતરી ગઈ એકટીવા થી આગળ જઈ અને મુશળધાર વરસાદ માં ગોળ ગોળ ચકરડા ફરવા લાગી, અને વાળ ખુલ્લા કરી મુક્યા, યુનિફોર્મ ની ગુલાબી સાડી સમીરા ના શરીર પર ચપોચપ ચીપકી, અને સમીરા નું સુડોળ શરીર જોઈ મારા દિલ માં પણ એ દ્રશ્ય નિહાળવાની ઉત્સુકતા જાગી,

મેં આજુબાજુ રોડ પર નજર કરી મુશળધાર વરસાદ માં કોઈ માણસ દેખાયું નહિ, ને બસ મને પણ સમીરા સાથે મસ્તી કરવાનું મન થઇ જ ગયું, હું પણ એકટીવા નું સ્ટેન્ડ ચડાવી અને સમીરા ના બન્ને હાથ પકડી અને ગોળ ગોળ ચકરડા ફરવા લાગ્યો અને વરસાદ ની મજા માણવા લાગ્યો, ગોળ ગોળ ચકરડા ફરતા વરસાદ સમીરાના વાળ માંથી પસાર થઇ રોડ પર પડતો, એટલી વાર માં જોરદાર ધડાકા સાથે વીજળી ચમકી અને સમીરા અચાનક થંભી મને જકડી લીધો, સમીરા ને અને મને ચકરડા ફરતા ચક્કર આવી ગયા હતા, વીજળી ના હળવા હળવા ચમકારા મુશળધાર વરસાદ સાથે થતા રહ્યા અને થોડી સેકન્ડ માં ચકરાવે ચડેલું મગજ ઉભું રહ્યું અને સમીરા એ તેની પકડ ઢીલી કરતા કહ્યું,

“ તુજ ડ્રાઈવ કર ?”

“શું ?”

“પાગલ એકટીવા ડ્રાઈવ કરવા કહી રહી છું, ”

મેં એકટીવા સ્ટાર્ટ કર્યું અને સમીરા પાછળ બેશતા જ તેણીએ ડાબો હાથ મારી કમર પર અને જમણો મારી છાતી મૂકી અને ખડખડાટ હસતા કહ્યું,

“કેમ સલીમ કેવું લાગે છે? ખબર પડે, ડ્રાઈવ કરતા હોઈએ ત્યારે બોડી માં કેવો ખલેલ પહોચે”

થોડી વારમાં તો નાળાઓ માંથી પાણી વહેવા લાગ્યું, માણસો છત્રી અને રેઈનકોટ ધારણ કરેલ જોવા મળ્યા તો અમુક માણસો આજુ-બાજુની દુકાનો ની બહાર છત નીચે ઉભા રહેતા જોવા મળ્યા, મસાલા ઢોસાની લારી પર પણ કોઈ ગ્રાહક ન હતા, અને લારી ની પાછળ ના ભાગમાં ગોઠવેલ ટેબલ પર બેસી ગયા, વરસાદના કારણે લારીવાળાએ કંતાન થી છત્રી જેવી વ્યવસ્થા કરી રાખી હતી, એક નાની ટ્યુબલાઈટ લાગેલી અમે બન્ને ત્યાં જઈ ને બેસી ગયા, અને સમીરાએ ચેર પર બેસતા જ ઓર્ડર કર્યો, , ”ભૈયા પહેલે તો હમકો ગરમા-ગરમ સાંભર પીલા દો”

“જી દીદી“ લારી વાળા ભૈયા એ કહ્યું,

મસાલા ઢોસાવાળો સાઉથ ઇન્ડીયન સમીરા ને ઓળખતો અમે અવાર નવાર જતા, સમીરા એ નાનકડા રૂમાલ થી તેના મો પર ફેલાયેલું પાણી સાફ કર્યું, બન્ને હાથ ની હથેલી ભેગી કરી અને ચોળવા લાગી અને કહ્યું, “હાસ મજા આવી ગઈ”

ટ્યુબલાઈટ ના હળવા હળવા અંજવાળામા કુતુહલવસ હું તેણી ને જોઈ જ રહ્યો હતો, એટલી વારમાં ફરી ધડાકા સાથે વીજળી ગરજી અને અવિરત લાઈટનો પ્રકાશ સમીરાના ચહેરા પર પડ્યો અને તેની સાથે લાઈટ જતી રહી, સમીરા ચોંકી અને જડપભેર મારી બાજુ માં આવી મારા હાથ જોરથી દબાવી અને પકડી લીધા હું ચેર પરથી ઉભો થઇ ગયો, સમીરા મારી બાહોમાં આવી ગઈ હળવા-હળવા વીજળીના ચમકારામાં મને સમીરાની બંધ આંખો અને પાણી થી તરબતર ચહેરો દેખાયો,

મારી નજર પેલા સાઉથ ઇન્ડીયન લારીવાળા પર પડી તે મો ફેરવી અને સાંભર ગરમ કરવામાં વ્યસ્ત હોવાનો ડોળ કરતો હતો, માથાથી પગ સુધી પલળેલી સમીરાની પકડ હજુ થોડી ઢીલી થઇ હતી અને ફરી એક જોરદાર ધડાકા સાથે વીજળીનો ચમકારો થયો, એક મોટું હવા નું ઝોકું આવ્યું અને ઉપર બાંધેલું કંતાન ઉડી ગયું, સમીરાના બન્ને હાથ મારા ખભા પરથી પાસ થઇ ને મારી પીઠ પર દબાણ સાથે જક્ડેલા અને સમીરા બન્ને પગ ના અંગુઠા પર ઉભી હતી, હજુ થોડું પાણી શરીર માંથી નીતર્યું જ હતું , અને મુશળધાર વરસાદમાં પલળતા રહ્યા, ને સાંભર ગરમ થતી રહી, મારો ડાબો હાથ સમીરાની કમર પર અને જમણો હાથ સમીરાના માથા પર ફેરવતા કહ્યું.

“સમીરા આમ કેટલી વાર જકડી રાખીશ?”

“જ્યાં સુધી આ વરસાદ અને વીજળી શાંત ન થાય ત્યાં સુધી” સમીરા એ આંખો બંધ રાખી ને જ કહ્યું,

“અને મારી અંદર જે વીજળી અને વરસાદ વરસી રહ્યો છે તેનું શું ? સમીરા જો આ વરસાદ શાંત નહી થાય તો આજ હું તોફાને ચડી જઈશ, ”

થોડીવાર માં વરસાદ શાંત પડ્યો અને લારી વાળા એ મો ફેરવી ને જ પૂછ્યું,

“કેન્ડલ લગા દુ ?“

“હા લગા દો, ” મેં કહ્યું, સમીરાએ આંખ ખોલી અને તેની ચેર પર જતી રહી, તેણી મારી સામે નહોતી જોઈ રહી અને મારી નજર તેણીની તોફાની આંખો માં જ હતી, અને મારા થી કહેવાઈ જ ગયું,

“સમીરા હોઠ ભલે નિશબ્દ હોય તો ચાલશે બસ આંખો માં તોફાન જોઈએ”

“હા તને રોમાન્સ કરવો હતો અને ઉપરથી વરસાદ આવ્યો, ” સમીરા એ કહ્યું,

એટલી વારમાં પેલા લારીવાળા એ ટેબલ પર કેન્ડલ લગાવી અને ગરમા-ગરમ સાંભર ના બે બાઉલ મુક્યા, સમીરા સાંભર પીતી હતી અને મને જોઈ રહી હતી મેં પૂછ્યું,

“ચલ સમીરા આજે હું તારા ઘરે આવું, ”

“હા મને ખબર છે તું શા માટે એવું કહે છે, મારા અબુ ઘરે નથી એટલે જ ને? તને રોમાન્સ કરવા નો મોકો મળી જાય”

“ના આ તો લાસ્ટ ટાઇમ આવેલ તો રોમાન્સ અધુરો રહી ગયેલ” મેં હસતા હસતા કહ્યું,

“હું સમજુ છું સલીમ હવે થોડો સમય છે, હમણાં થોડા દિવસ માંજઆપણા નિકાહ થઇ જશે, ચુપ ચાપ મને ઘરે ડ્રોપ કરી અને તું ઘરે જા, મોડું થઇ ગયું છે”” સમીરાએ કહ્યું,

ત્યાર બાદ મસાલા ઢોસા ખાઈ અને અમે બન્ને ત્યાંથી ઘરે જવા નીકળી ગયા, ફરફર વરસાદ હજુ ચાલુજ હતો શહેર ના અમુક અમુક વિસ્તારોમાં લાઈટ આવી ગઈ હતી તો અમુક વિસ્તારમાં અંધારપટ છવાયેલ હતો, સમીરાના ઘરના ગેટ પાસે એકટીવા ઉભી રાખી, જતા જતા સમીરા એ કહ્યું, “સલીમ યાદ રાખજે દસ્તાવેજ રજીસ્ટર કરાવવામાં ઉતાવળ ના કરતો”

“હા સમીરા સમજી ગયો, ગુડ નાઈટ”

પલળતો પલળતો ઘરે પહોંચ્યો, અમી અને રૂકસાના રસોડામાં અને અબુ બેડરૂમમાં સુતા હતા, ઘર માં પ્રવેશતા જ મેં મારો ફોન ખિસ્સા માંથી કાઢી અને સાફ કરી બેટરી બહાર કાઢી પંખા નીચે મૂકી રહ્યો હતો ત્યાં અસલમ એ કહ્યું. “કેમ ફોન નથી ઉપાડતો ? કેટલા ફોન કર્યા, ”

“મીટીંગ માં હતો, કેમ મારે બીજું કંઈ કામ ના હોય ?” અને હજુ આવ્યોજ છું, થોડો ફ્રેસ થવા દે, પલળી ગયો છું દેખાતું નથી?

હું ટોવેલ અને કપડા લઇ ને સીધો બાથરૂમમાં ચાલ્યો ગયો, મુમતાઝ અને અસલમ બન્ને આપસમાં વાતો કરી રહ્યા હતા, ટોવેલથી વાળ સાફ કરતા હું સંભાળતો હતો,

“સલીમભાઈ ની નિયત જ નથી દસ્તાવેજ કરી આપવાની” મુમતાઝ એ કહ્યું,

“એટલો મોટો માણસ થઇ ગયો છે કે ફોન પણ નથી ઉપાડતો, ” અસલમ એ કહ્યું,

બાથરૂમ માંથી બહાર નીકળતા મેં કહ્યું, “નિયત ?, કોની નિયતની વાત કરો છો ? છેલ્લા છ મહિના થયા મફત ના રોટલા તોડો છો, તે તમારી નિયત ? ફલાણું જોઈએ સલીમ ભાઈ લઇ આપો, ઢીકણૂ જોઈએ સલીમભાઈ લઇ આપો, પૈસા ઝાડ પર નથી ઉગતા, મહેનત કરવી પડે છે, અને હા અસલમ તે શું કમાવી ને આપ્યું ?, ઘરવખરી માં એક કપ-રકાબી નો સેટ તો લઇ આવ પોતાની કમાણી માંથી ? ખબર પડે, ચાર દિવસ થયા નોકરી પર લાગ્યો છે અને મહારાણી રોફ જાડે છે “

વચ્ચે જ મુમતાઝ ઊંચા આવજે બોલી, “કોઈ મહેરબાની નથી કરતા, એ તમારી ફરજ માં આવે છે, ”

“મુમતાઝ આવાજ નીચી, અબુ સુતા છે, મારી ફરજમાં શું આવે છે અને શું નથી આવતું એ તારે સમજાવવા ની જરૂર નથી, એટલી બધી પારિવારિક ફરજો ની જો ખબર પડતી હોય તો અસલમ ને સમજાવ, કાન ભરવા નું કામ બંધ કર, અને આ તારી સાયકોલોજી જ્યાં વાપરતી હો ત્યાં વાપરજે, સમજી ? મેં કહ્યું,

અમી અને રૂકસાના રસોડા માંથી બહાર આવ્યાજ હતા મેં તેમને ઇશારાથી કંઈ પણ ન બોલવા જણાવ્યું, અને મુમતાઝ સામે જોઈ ને કહ્યું, “મુમતાઝ મિત્રો પાસે થી ઉધાર લઇને તને દુબઈ માટે પૈસા ની વ્યવસ્થા કરી આપી છે, એ પૈસા કોણ ચૂકવશે ?આ ઘર માં રહેવું હોય તો આ ઘર ની સીસ્ટમ સાથે ચાલવું પડશે, નહી તો હજુ પણ દરવાજો ખુલ્લો છે તમે લોકો જઈ શકો છો, ”

આ સાંભળતાજ મુમતાઝ અને અસલમ ઉભા થઇ ગયા, અને ફરી મુમતાઝ તાડૂકી “અસલમ સાંભળી લે આ ઘરમાં યા તો હું રહીશ યા તો સલીમભાઈ તમે બન્ને ભાઈ નક્કી કરી લ્યો, નહી તો હું આ ચાલી, ”

“હા તારે જ્યાં જવું હોય ત્યાં જા, , સાથે અસલમ ને પણ લઇ જા, અને તારે જે કેશ કરવો તે કરી મુક હું કોઈના બાપથી ડરતો નથી, તું મારા ભાઈ અને અમી અબુ ને બાનમાં કરી લઈશ કે વશ માં કરી લઈશ મને નહી, તારા બાપ પાસે, તારા ભાઈ પાસે જા, તેમને સમજાવ કે ફરજ એટલે શું ?”

“જોયું ને અસલમ મેં તને પહેલાજ કીધું હતું કે આવા જ નાટક કરશે સલીમભાઈ, તું મારી વાત માનતો જ નથી” મુમતાઝ એ કહ્યું,

“એ તારીજ વાત માંને છે, એજ તો તકલીફ છે, અમારી વાત માનતો હોત તો તારા જેવી છીછરી પ્રકૃતિ ની છોકરી અમારા પરિવારમાં આવે જ નહી, ” મેં કહ્યું,

વચ્ચે જ અસલમ એ કહ્યું, “સલીમ મોઢું સાંભળી ને, ”

“ચુપ .....ચુપ......એક ઉંધા હાથ ની પડશે હમણાં, તારી બાયડી સામે જ ઠપકારી દઈશ , કંઈ બોલતો નથી એટલે માથે ચડતા જાવ છો ?, અસલમ અને મુમતાઝ કાન ખોલી ને સાંભળી લ્યો, એક ફૂટી કોડી પણ નહી મળે, હવે આ ઘર ઉપર જેટલો મારો હક્ક છે એટલો જ રૂકસાના અને અમી-અબુનો છે, અને અસલમ તને ભણાવવામાં કોઈ કમી નથી રાખી, તે પાણી માગ્યું છે તો દૂધ મળ્યું છે, , , અને કાલે આવેલી મુમતાઝની વાતો માં આવી ને તું મને સમજાવવા બેઠો છે !હું કોઈ સાઈન બાઇન નથી કરવાનો તમારે જે કરવું હોય તે કરી લ્યો...રૂકસાનાના અને મારા નિકાહ થઇ ગયા પછી હું આ બાબતે વિચારીશ, એ પણ જો તમારા આમ ને આમ નાટક ચાલુ રહ્યા તો હું તે પણ નહી કરી આપું, ” મેં કહ્યું.

થોડીવાર માટે ઘરમાં સન્નાટો છવાઈ ગયો, અસલમ અને મુમતાઝ ઉભા હતા તે એકબીજા નું મો જોઈ ને સોફા પર બેસી ગયા,

“ક્યાં છે એ દસ્તાવેજ ? લાવ તો મને “ મેં કહ્યું, ,

આ સાંભળતાજ મુમતાઝ એ તેણીના પર્સ માંથી કાઢી ને મને આપ્યા, મેં હાથમાં લેતા જ તે સોગંધનામ ને ફાડી અને નાના નાના ટુકડા કરી અને લોબી માંથી બહાર સાંબેલાધાર પડતા વરસાદમાં વિખેરી અને ફેંકી દીધા, જે થોડી જ ક્ષણોમાં નાળામાં વહેવા લાગ્યા, ખુલ્લો પડેલો ફોન ઉપાડી રૂમાલથી સાફ કરી અને બેટરી લગાવી ચાલુ કર્યા ની સાથે જ મારા ફોન ની રીંગ વાગી, તે મોટી બહેન રજિયાનો ફોન હતો, મેં ઉપાડતા કહ્યું,

“હા રજિયા કેમ છો ?”

“મજામાં ભાઈજાન, ઘરમાં બધા મજામાં ?

“હા, બધા મજામાં, ત્યાં વરસાદ પાણી કેવા છે ? અહી તો ત્રણ કલાકથી સાંબેલાધાર ચાલુ છે, ”

“ના અહી તો બિલકુલ નથી વાતાવરણ વરસાદ જેવું છે, વરસાદ નથી”

“તે શું અચાનક ભાઈજાનની યાદ આવી ગઈ?”

“હા, માંરે તમને એ કહેવું હતું કે તમે પેલા સોગંધનામમાં સહી કરી આપો ને, બિચારી મુમતાઝ કેટલી હેરાન છે?”

“બિચારી? તને પણ સમજાવી દીધી ? કેમ હેરાન છે ?, મને કઈ સમજાતું નથી રજિયા આ બધું શું માંડ્યું છે ?”

“સલીમ મારી સવારે બધા સાથે વાત થઇ, રૂકસાના સાથે, અમી સાથે મુમતાઝ સાથે, અસલમ સાથે એક કલાક વાત કરી હતી, કરી આપને સાઈન ઘર માંથી કંકાસ નીકળી જાય, અને શું લઇ જવું છે?તારી પાસે શું નથી? હમણાં થોડા સમયમાં તારા નિકાહ થઇ જશે તું પણ તારા ઘરમાં રેહવા જતો રહીશ, અને અસલમ અને મુમતાઝ અમી અબુનું ધ્યાન રાખશે, મુમતાઝ પણ સમજદાર છે, ”

“સમજદાર છે ?, ઓહ.......મને એજ નથી સમજાતું કે તમે બધા મુમતાઝની તરફેણ શા માટે કરો છો?”

“ભાઈજાન એ બધી વાત મુકો તમે બધા ભાઈ બહેનો માટે અમી-અબુ માટે ઘણું કર્યું, એમ સમજો કે અમી અબુ ખાતર, કરી આપો, ”

“જો રજિયા ખોટું ના લગાડીશ પણ આ મામલામાં તું દખલ ના કરે તો સારું છે, મારે શું કરવું અને શું ના કરવું એ હું સારી રીતે જાણું છું, હવે પછી આ બાબતે આપણે વાત નહી કરીએ, સમજાઈ ગયું?”

“હા, જેમ તમને ઠીક લાગે એમ, બીજું તો હું શું કહી શકું?”

“ના બસ, મારી ઢીંગલી અકિલા કેમ છે ?”

મેં વાત બદલાવી બે ચાર મિનીટ વાત કરી અને ફોન કટ કર્યો, પણ હવે મારા આશ્ચર્ય નો પાર ન હતો, આટલી હદે કંઈ બ્રેઈન-વોશ થતા હશે?, થતા જ હશે, મારી નજર ની સામે જે થાય છે તે તો આશ્ચર્યજનક જ છે, હજુ ક્યાં ક્યાં કહ્યું હશે? હું ચોવીસ કલાક તો ઘરમાં નથી હોતો અને મારી ગેરહાજરી માં અહી મારા વિષે જ ઘરમાં ઝેર રેડવામાં આવી રહ્યું છે, ઘરમાં કમાણી પણ કોની આવે છે ?

મારા સિવાય તો ઘરમાં કોઈ કમાતુ નથી, અબુ તો ઘણા સમયથી બીમાર છે, તેમની કાર પણ વેચાઈ ગઈ છે, અસલમ હજુ હમણાં જ નોકરી પર લાગ્યો હતો અને દુબઈ જવાના ચક્કરમાં મૂકી પણ દીધી, રૂકસાના જે કમાય છે તે રકમને તો કોઈ હાથ પણ નથી લગાવતું, અને હું તો મારો પગાર આવે કે તરત જ અમીના હાથમાં આપી દઉં છું, તો પણ મારાથી ઘરમાં બધાને અણગમો કેમ? પહેલા તો આવો અણગમો કોઈને ના હતો, આમ અચાનક કેમ? અબુએ મને સાચું જ કીધું હતું કે છુપી બચત પણ કરવાની પણ હું એમની વાત ક્યારેય નહોતો માન્યો, , અબુની વાત માની અને આજે મારું પોતાનું ઘર નું મકાન તો થઇ જ ગયું, પણ ઘર નું વાતાવરણ જોઈ ને હવે એમ લાગે છે કે ગમે ત્યારે મારા બિસ્તરા પોટલા આ ઘર માંથી ઉપાડવા પડશે, બસ નિકાહ થાય ત્યાં સુધી શાંતિ રાખે તો મારે પણ જાન છોડાવી લેવી જોઈએ, બધાના મંતવ્યથી નો મને ખ્યાલ આવી ગયો હતો, મારો પક્ષ રાખે એવો એકજ વ્યક્તિ અબુ છે અને એ વ્યક્તિ ને હું કોઈ ટેન્સન આપવા નહોતો ઈચ્છતો, તો પણ એકવાર તો ચર્ચા થવી જ જોઈએ, થોડી વાર માં હું બેડ પર જતો રહ્યો આ બધા વિચારો કરતા કરતા મને એક કલાક પછી ઊંઘ આવી,

***

સવારે અબુ વહેલા ઉઠીએ એન લોબી માં છાપું વાંચી રહ્યા હતા, હું અબુ પાસે વાત કરવા ગયો, અબુ ની હાલત જોઈ મને ખ્યાલ આવ્યો કે તેમની પણ હાલત મારા જેવીજ છે, એ પણ હવે ઘર માં કમાઈ ને નહોતા આપતા, અને નિકાહ પછી હું પણ નથી આપવાનો એવો પૂર્વગ્રહ બંધાયો હોય એવું વાતાવરણ લાગતું, એટલે અબુ સાથે કોઈ ચર્ચા કરવા નું મન થયું નહિ અને હું ઓફીસ જવાની તૈયારી કરવા લાગ્યો....

વરસાદી થી ખાબોચિયા અને નાળા ભરેલા હતા હું સમીરા ને પીકઅપ કરી ઓફીસ જતો રહ્યો.

ક્રમશઃ આવતા ગુરુવારે......