Show Must go on books and stories free download online pdf in Gujarati

શો મસ્ટ ગો ઓન

શો મસ્ટ ગો ઓન

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સલોની બસસ્ટેન્ડ પર ઉભી રહીને બસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી. એના ચહેરા પર દુઃખ અને પીડાના ભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. અશ્રુઓને રોકી રાખવાનો પ્રયત્ન કરતા એની નજર બસ જે દિશામાંથી આવવાની હતી એ તરફ હતી અને ત્યાં ઉભેલા પુરુષોની નજર એની પર! એક્વાડીયા બાંધાની સલોની ગજબની સુંદર હતી, એના ગોરા મુખપરની અધભુત કાંતિ ભલભલા યુવાનોના હૈયાને વિચલિત કરવા માટે પુરતી હતી. એના ટૂંકા વસ્ત્રો એના ફિલ્મી જગત સાથે સંપર્ક હોવાની ચાડી ખાતા હતાં. એની સુડોળ કાયા સાથે તેના વસ્ત્રો અને ત્યાં ઉભેલ પુરષોની નજર ચોંટેલી હતી. એમની એ તરસી નજરથી ક્ષોભ અનુભવતી સલોની બસ જલ્દી આવે એ માટે ભગવાનને પ્રાર્થના કરતી હતી અને ત્યાં ઉભેલ દરેક પુરુષ બસ મોડી આવે એની મન્નતો માંગતા હતાં. પણ આખરે સલોનીની પ્રાર્થના ફળી! બસ નજીક આવતાં જ સલોની એમાં ચઢી ગઈ. અને ઉતાવળે એણે સાગર સ્ટુડીયો તરફ જવાની ટીકીટ કઢાવી.

સલોની ચલચિત્રોમાં નાના મોટા રોલ કરતી હતી. એણે લગભગ વીસ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાંથી પાંચ તો સુપર ડુપર હીટ બનેલી છતાં હજીસુધી એણે કોઈ ઓળખતું નહોતું! કારણ એ એક નૃત્યાંગના હતી! એ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીની પાછળ બીજી દસેક છોકરીઓ વચ્ચે ઉભી રહી નૃત્ય કરતી. વીસ વીસ ફિલ્મોમાં કામ કરેલ હોવા છતાં એના ભાગે હજુસુધી એક જ સંવાદ આવેલો હતો. “આગ..લાગી.. ભાગો..”

સલોની દેખાવે સુંદર હતી. એનો અભિનય અને નૃત્ય પણ સારા હતાં. જેના દમ પર જ એ નાદાન છોકરી મોટી અભિનેત્રી બનવાના ખ્વાબ સેવતી હતી!!!

એ સતત એક જ કલ્પનામાં વિહરતી રહેતી કે એક દિવસ એનું ભાગ્ય જરૂર ચમકશે. કોઈ કાબેલ જોહરી એના જેવા હીરાની પરખ જરૂર કરશે જ. એક દિવસ જરૂર કોઈ સારા ડાયરેક્ટની એના પર નજર પડશે જ. એનો વિચાર એ કંઈ ખોટો નહોતો. ઘણા ડાયરેક્ટની નજર એની પર પડી હતી પણ એમનો આશય જુદો હતો. અને એના કારણે જ એને કેટલાક નામી અનામી ડાયરેક્ટરો જોડે રકઝક પણ થઇ હતી!

બસ સાગર સ્ટુડીયોની નજીક આવેલા બસસ્ટેન્ડ પાસે રોકાઈ. સલોની બસમાંથી નીચે ઉતરી અને એણે સાગર સ્ટુડીયો તરફ પગ ઉપાડ્યા. સાગર સ્ટુડીયોની નજીક આવતાં જ એના કાન પર સંગીતનો અવાજ પડવા લાગ્યો અને એ સાથે જ એના પગ થીરકવા લાગ્યાં. પગની ગતિ વધારી તે સ્ટુડિયોમાં દાખલ થઈ. અને સીધી ડાયરેક્ટર સામે જઈ ઉભી રહી. ડાયરેક્ટર શ્યામગોપાલ શર્માએ એને જોતાં જ બોલ્યા. “ક્વિક પોતાની પોઝીશન લઇ લે.. ગર્લ્સ યાદ રાખો.. હીરો અહેસાન ખાન સામેથી ‘તારા નેનોમાં હું ખોવાઉં રે...; આમ લલકારશે. ઠીક ત્યારે જ આગળની હરોળની છોકરીઓ “લા.... લા...લા... કરતી આ તરફ આવશે... એક મીનીટ.. સલોની તને કેટલીવાર કહ્યું છે કે તારે આગળની હરોળમાં ઉભું નહિ રહેવાનું... પાછળની લાઈનમાં પોઝીશન લે.” આમ બોલી એણે પાસે ઉભેલ આસીસ્ટન્ટ ડાયરેક્ટર રઘુવીરને ધીમેથી કહ્યું.”આ આગળ દેખાશે તો આપણી હિરોઈન સોમીયા ભટ્ટ ઝાંખી પડશે, અને એ કેવી રીતે પાલવે?”

રઘુવીરે આહ લેતા કહ્યું, “માળી ગજબની સુંદર છે. એને કોઈ ચાન્સ કેમ આપતા નથી?”

ડી. શ્યામ શર્માએ કહ્યું,”કારણ એ ચાન્સ આપતી નથી!”

રઘુવીરે કહ્યું, “ઉફ! આ સંસ્કાર, આ આદર્શ ન જાણે હજુ કેટલા ટેલેન્ટનો ભોગ લેશે.. સલોની બીજી નહિ પણ ત્રીજી હરોળમાં જા... તારે છેલ્લે ‘ઓ હો...હો... જયારે હિરોઈન પોકારે ત્યારે આવવાનું ઓકે? મીના તું આગળ આવ....”

મીનાએ મુસ્કુરાઈને રઘુવીર સામે જોયું, રઘુવીરે એને પણ આંખ મીંચકારી સાંજનો પ્રોગ્રામ ગોઠવી દીધો.

ડાયરેક્ટર શ્યામ શર્માના “સ્ટાર્ટ..... એક્શન... કેમેરા”ના અવાજ સાથે પાછળની બાજુએથી.. ‘તારા નેનોમાં હું ખોવાઉં રે...;” એમ પોકારતો અહેસાન ખાન આવ્યો. અને અચાનક એના શરીરનું સંતુલન ગુમાવતા એ લથડી પડ્યો. આખું યુનીટ સ્તબ્ધ થઇ ગયું.

કેમેરામેન, લાઈટમેન, ડાયરેક્ટ શ્યામ શર્મા, આ. ડાયરેક્ટર રઘુવીર બધા અહેસાન ખાનને ઉઠાવવા દોડી ગયા. ત્યાં ઉભેલ ડાન્સરો પણ બેચેન બની ગઈ. ગબડી પડેલ અહેસાન ખાનને ટેકો આપીને રઘુવીરે ઉભો કર્યો. અહેસાન ખાનની કોણીએ સહેજ વાગ્યું હતું અને એમાંથી લોહી નીકળી રહ્યું હતું. શ્યામ શર્માએ જોયું તો સ્ટેજ પરની એક જગ્યા પરની જાજમ પરનો ખીલો નીકળી ગયેલો હોવાથી એ થોડી ઢીલી પડી ગઈ હતી. અને કદાચ એમાં જ પગ ફસાઈને આ દુર્ઘટના થઇ હતી. “કોણ છે સ્ટેજમેન? આવી લાપરવાહી કોણે દાખવી.. સે યુ ફૂલ્સ સે સમથીંગ... હુ ઇસ રિસ્પોન્સીબલ?”

આખા યુનિટમાં ભાગમભાગ થઇ ગઈ. કોઈ દોડીને ખુરશી લાવ્યું તો કોઈ વેનમાંથી ડોક્ટરને બોલાવી લાવ્યું. આખો હોલ એરકન્ડીશન હોવા છતાં એક કેમેરામેને અહેસાન ખાનની દિશા તરફ પંખો ફેરવ્યો. બિચારો! સ્ટેજ સંચાલક પણ દોડતો આવ્યો.

એને જોતાં જ શ્યામ શર્મા તાડુક્યા, “નોનસેન્સ, આવો સ્ટેજ લગાવ્યો છે? આ જો અહેસાનભાઈને કેટલું વાગ્યું છે તે!”

સ્ટેજમેને હાથ જોડીને અહેસાન ખાનને કહ્યું. “સાહેબ માફ કરો આગળથી આવી ભૂલ નહિ કરું.”

અહેસાન ખાન : “અરે! ઈટ્સ ઓકે... આગળથી તને આવી ભૂલ કરવાનો અમે મોકો જ નહિ આપીએ..”

સ્ટેજ મેન.”નો સર... મને માફ કરો..”

અહેસાન ખાન. “ડીઅર, આ ભૂલ માટે તને માફ કર્યો એટલું તને પૂરતું નથી? હવે, તને બીજી ભૂલ કરવાનો મોકો જ કેમ આપીએ? મને દરેક કામ પરફેક્ટ જોઇએ.. સમજ્યો પરફેક્ટ....”

ડાયરેક્ટર શ્યામ શર્મા, ”પેક અપ.... “

અહેસાન ખાન બોલ્યો,”અરે નહિ, શ્યામજી.. નહિ, શો મસ્ટ ગો ઓન... આવી નાની મોટી ઇજાઓ તો થતી જ રહે એ માટે કામ થોડુ બંધ રખાય..”

શ્યામ શર્મા, “પણ આવી હાલતમાં તમે કામ કરશો?”

અહેસાન ખાન : “યસ....”

પાછો હોલમાં અવાજ ગુજ્યો “લાઈટ... કેમેરા.... એક્શન ...”

સલોની રડમસ વદને બાજુમાં ઉભેલી પુષ્પાને કંઈ કહેવા લાગી.

શ્યામ શર્મા તાડુક્યા, “એ... યુ... ડોન્ટ ટોલ્ક... નોનસેન્સ... શું છે ત્યાં ચાલું શુટીંગમાં શેની વાતો ચાલે છે?”

પુષ્પા બોલી, “સર, આ સલોની મને કહી રહી હતી કે શુટીંગ આટલું મોડું શરૂ થયું છે તો...”

શ્યામ શર્મા : “તો???? ઘરે જવામાં મોડું થશે એમને? અરે! શીખો કંઈક શીખો આ સુપરસ્ટાર અહેસાન ખાન પાસેથી.. આટલું વાગ્યું હોવા છતાં પણ એની પરવા કર્યા વગર એ માત્ર કામ પર ધ્યાન આપી રહ્યા છે.. જસ્ટ લુક એટ હીમ...”

સલોની ઝીણી આંખે અહેસાન ખાનની કોણી પર થયેલા એ સહેજ અમથા ઘસરકાને જોવાનો પ્રયાસ કર્યો. શામ શર્મા આગળ બોલ્યા, “આમની કામ પ્રત્યેની ચીવટતા જ એમને આ મુકામ પર લઇ આવી છે. શુટીંગ ક્યારે પુરું થાય અને ઘરે જવા મળે એની જ તમે રાહ જોઈ રહ્યા છો.”

સલોની નીચે જોઈ ગઈ. જાણે ઘણું બધું કહેવા માંગતા હોય પણ લાચારીથી કશું કરી શકવાને અસમર્થ એવા એના આંસુ આંખોમાંથી નીકળી જમીનને પલાળવા લાગ્યાં.

શુટીંગ પૂરી થયુ. પેકઅપનો આદેશ મળ્યો.

બધા આજની અહેસાન ખાનની બહાદુરીના વખાણ કરતા કરતા છુટા પડ્યા. કાઉન્ટર પરથી સલોનીને આજની રોજી મળી. એણે ઝડપથી રૂપિયા ગણ્યા આજના અને પાછળનો થોડોક બાકી હિસાબ હતો તેના એમ મળી એ પુરા અગિયારસો રૂપિયા હતાં. કંઈક વિચારીને ઝડપભેર પૈસાને પર્સમાં મૂકી સલોનીએ ઝડપથી બજાર તરફ પગ ઉપાડ્યા, કેટલીક જરૂરી ચીજવસ્તુઓ ખરીદી એણે ઉતાવળે એક રીક્ષા રોકી અને રીક્ષાવાળાને પોતાના ઘરનું એડ્રેસ કહી, પાછળની સીટ પર માથું ટેકવી રોવા લાગી.

***

સલોનીના ઝુપડા જેવા ઘર આગળ વસ્તીવાળાઓની ભીડ જામેલી હતી. સલોનીને આવેલ જોતા જ ત્યાં ઉભેલા ટોળાંઓ મોઢું બગાડવા લાગ્યાં અને અણગમો દર્શાવતી વાણીનો પ્રવાહ નિરંતર વહેવાનો શરૂ થયો. ભીડને ચીરતી સલોની પોતાના ઝુંપડાના જર્જરિત દરવાજાને ધકેલી અંદર પ્રવેશી. તેણે જોતાં જ એક સાતેક વર્ષની છોકરી કે જેનું નામ મીના હતું તે દોડતી દોડતી આવીને સલોનીને વળગી પડતાં બોલી, “દીદી.. દીદી તમે તો કહેલું કે ઘડીકભરમાં આવું છું ને કેમ આટલી વાર લગાડી?”

બહારથી સલોનીના હ્રદયને પીંખી નાખે તેવા તીખા વાક્યો સંભળાયા. કોઈક કહેતું હતું, “આના જેવી નપાવટ છોકરી મેં આજ સુધી જોઈ નથી.”

બીજો સંવાદ કાને અફળાયો, “બેશરમ, પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને પણ લટકા મટકા કરવા સ્ટુડિયોમાં પહોંચી ગઈ.”

વળી કોઈક બોલ્યું, “બાપના શબને દવાખાનામાંથી લાવી એને ઠુમકા લગાવવાનું ફાવ્યું પણ કેવી રીતે હશે?”

અંતે સંભળાયું, “કલયુગ છે ભાઈ... કલયુગ...”

આ બધું સાંભળી મીના બોલી,”દીદી તમે પિતાજીને અહીં સુવડાવી કેમ જતાં રહ્યા હતાં?”

સલોની કંઈ બોલી નહિ, ભીની થયેલ આંખની કોરને લુછતા એણે પોતાની સાથે લાવેલ બેગમાંથી સફેદ વસ્ત્ર કાઢ્યું અને એ પોતાના પિતાના શબ પર નાખતા બોલી, “બેટા, દુનિયાનું કામ છે બોલવાનું.. બસ બોલવાનું... કોણ કઈ પરિસ્થિતિમાં જીવે છે કે મરે છે એમને એની કશી ગતાગમ નથી, આજે જો હું સ્ટુડિયોમાં ગઈ ન હોત તો પિતાજીને કફન નસીબ થયું ન હોત!”

થોડું વિચારી તે આગળ બોલી, “કાલે પિતાજીની અંતિમવિધિ કરવી પડશે, પછી બીજી રસમો અને વિધિઓ,, તું જ બોલ વગર પૈસે હું કેવી રીતે કરત? વળી મને ખબર છે કે કોઈ સામે આજે મેં મદદ માટે હાથ લંબાવ્યો હોત તો કાલે આજ ઉપકારના બદલા રૂપે એણે મારી ઈજ્જત પર હાથ નાખ્યો હોત. મીના, પોતાના પિતાને કફનનો કટકો પણ આપી શકી નહી એવા મહેણાં કરતાં એમના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ પણ હું લટકો મટકો કરવા ગઈ એ લાંછન કંઈ કેટલાય ગણું સારું છે.”

ત્યાંજ સલોનીનો ફોન વાગ્યો. સલોનીએ જોયું તો સ્ક્રીન પર નામ ડાયરેક્ટર શ્યામગોપાલ શર્માનું હતું! સલોનીએ ફોન ઉપાડ્યો “હલ્લો”

ડાયરેક્ટર શ્યામગોપાલ “કાલે શુટીંગમાં સવારે દસ વાગ્યે આવવાનું છે. ઓકે સમયસર આવી જજે.”

સલોની એ ઢીલાશથી કહ્યું, “એ... કાલે....”

ડાયરેક્ટર શ્યામગોપાલ “કેમ શું થયું? નહિ ફાવે?”

સલોની, “સર! આજે સાંજે ૫ વાગ્યે મારા પિતાજીનો દેહાંત થયો હતો. કાલે સવારે ૮ વાગે એમને સ્મશાનમાં લઇ જવાના છે.”

ડાયરેક્ટર શ્યામગોપાલ “ઓહ! ભગવાન એમની આત્માને શાંતિ અર્પે. સલોની આજે સાંજે તો તું શુટીંગમાં હતી! તો શું તને પિતાજીના દેહાંતના સમાચાર નહોતા મળ્યા?”

સલોની બોલી, “સર, દવાખાનામાંથી પિતાજીના શબને ઘરે લાવી, શુટીંગ ન રોકાય એ માટે હું તરત જ સ્ટુડિયોમાં આવી ગઈ હતી.”

અહેસાનખાનના મામુલી જખમથી તડપી ઉઠેલા ડાયરેક્ટર શ્યામગોપાલ પોતાની આ વ્યથા સાંભળીને જરૂર તડપી ઉઠશે એમ સલોનીને લાગ્યું. ડાયરેક્ટર આગળ શું બોલે છે

તે સાંભળવા સલોની અધીરી બની.

ડાયરેક્ટર શ્યામગોપાલ “અરે! તારા પિતાજીના દેહાંતના સમાચાર જાણ્યા પછી પણ તું શુટીંગમાં આવી હતી?”

સલોની દ્રઢતાપૂર્વક બોલી, “હા સર! ફક્તને ફક્ત આપણું શુટીંગ ન રોકાય એટલા માટે.”

ડાયરેક્ટર શ્યામગોપાલ કંચિત હાસ્ય સાથે બોલ્યા, “અરે, તું ન આવી હોત તો અમે બીજી છોકરીને ઉભી રાખી હોત! અને જો બીજી છોકરી પણ ન મળી હોત તોય શુટીંગ રોકાવવાની શી જરૂર છે! એમપણ પાછળ ઉભેલી છોકરીઓને કયો દર્શક જુએ છે? સારું મારે બીજા ઘણા કામો છે. મારા યુનિટના બધા લોકો વ્યસ્ત હોવાથી મેં તને ફોન લગાડ્યો. ચાલ મને કહે કે કાલે તારા બાપાની વિધિ બિધિ પતાવી તું આવવાની છે કે નહી? કે બીજી કોઈ છોકરીની વ્યવસ્થા કરું? ચાલ બોલ... જલ્દી કર....”

સામે પડેલી મીનાની ફાટી ગયેલી નોટના પાનાં પર “ફી ભરો તો જ સ્કુલમાં બેસવા દઈશું” ની નોંધ દ્રષ્ટિગોચર થતાં સલોની ધીમા અવાજે બોલી, “સર હું ટાઈમ પર પહોંચી જઈશ.”

ડાયરેક્ટર શ્યામગોપાલએ ફોન કટ કર્યો.

પિતાજીના શબ પાસે દીવો પ્રગટાવતા સલોની બોલી, “મીના, યાદ રાખજે, ગરીબના દુઃખો એની વેદનાઓ બીજાને મન માત્ર રમુજ સિવાય બીજું કશું હોતું નથી, ભદ્ર માણસોને મન ગરીબ એ માણસ જ હોતો નથી! જેમ મશીન દિવસરાત વગર થાક્યે વગર ફરિયાદે કામ કરતું રહે છે તેમજ આપણે પણ ભલેને ગમે તેટલો મોટો દુઃખોનો પહાડ કેમ ન તૂટી પડ્યો હોય આપણે તો રાખવો જ પડે છે આપણો “શો મસ્ટ ગો ઓન.”

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED