Prasang ek pravah be books and stories free download online pdf in Gujarati

પ્રસંગ એક પ્રવાહ બે

પ્રવાહ પહેલો

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો લેખકની કલ્પના છે. એનુ જીવિત કે મૃત કોઈ વ્યકિત સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

પ્રવાહ પહેલો

કંઈ કેટલીય કંપનીના માલિક અને લોકપ્રિય નેતા એવા શેઠ વિક્રમરાયને ત્યાં આજે તેના છોકરાની વર્ષગાંઠની ઉજવણી હતી. મહેલ જેવી એમની પૂરી હવેલી આજે સોળે શણગારે સજેલી હતી. ખાનપાન અને નાચગાનમાં આવેલા મહેમાનો મસ્ત હતાં. કંઈ કેટલાય જુવાન વેઈટરો મહેમાનોની આગતાસ્વાગતામાં વ્યસ્ત હતાં. શેઠ વિક્રમરાય ટૂંકા ગાળામાં ઉન્નતિના શિખરો પર બિરાજમાન થયાં હતાં. એમાં સૌથી મોટો ફાળો હતો એમની પત્ની ઉર્વશીનો તેઓ આજે જે કંઈ હતાં તે એમની પત્ની ઉર્વશીને લીધે હતાં. ઉર્વશીના પિતાજી પૈસાદાર અને વગદાર માણસ હતાં સાથે વિક્રમરાય પણ એ સારી પેઠે જાણતો હતો કે ઝડપી સફળતા કયારેય બુરા કામો સિવાય મળતી નથી. સફળતાને ઝડપી બનાવવા માટે કુકર્મોનું ગીયર નાખવું જ પડે. અને શેઠ વિક્રમરાયને આ ગીયર બદલતાં સારી પેઠે આવડતાં હતાં. આ નેતાઓની સાઠગાંઠ અને ગુંડાઓ સાથે મળી કરેલા કાવાદાવાનું પરિણામ જ હતું કે આજે નુક્કડનો એક મામુલી ગુંડો વિક્કી શેઠ વિક્રમરાયનો દરજ્જો પામ્યો હતો. ગલીમાં છોકરીઓ પાછળ આવારાગર્દી કરતા વિકિની પાછળ આજે કંઈ કેટલીય અભિનેત્રીઓ આગળપાછળ ફરતી હતી. વિક્રમરાય આજે શહરનું મોટું માથું હતું અને તેથી જ તેની આ પાર્ટીમાં શહરના નામી અનામી એવા દરેક પ્રખ્યાત લોકો હાજરી આપવા આવ્યા હતાં. વિક્રમરાયની બહેન સપના જે ૨૫ વર્ષની હશે તે પણ પાર્ટીમાં બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. એના સુંદર આકર્ષક ચહેરો બધાનું ધ્યાન ખેચી રહ્યો હતો. આવા સમયે વિક્રમરાય પાસે શહરના ખ્યાતનામ એવા સમાજ સેવક જીવનભાઈ આવ્યા અને વિક્રમરાયને નમસ્કાર કરતાં પૂછ્યું “આજકાલ તમારા વિસ્તારમાં છોકરીઓ સાથેની છેડતીના અને એમણે બેઆબરૂ કરી મારી નાખવાના કિસ્સાઓ વધી રહ્યા છે. તો એ બાબતે તમે શો નિર્ણય લીધો છે?” વિક્રમરાયે હસતાં હસતા કહ્યું “નામદાર કદાચ આપ જાણતા નહિ હોવ પણ કાયદો અને અનુશાસનનું મારા વિસ્તારમાં કઠોર પાલન થાય છે. જેમણે પણ આ કુકર્મો કર્યા છે તેઓ બીજે જ દિવસે પકડાયા છે. અને એમણે આકરામાં આકરી શિક્ષા પણ કરવામાં આવી છે.” જોકે આ વાત તો જીવનભાઈ સાથે આખું શહર જાણતું હતું કે વિક્રમરાયના મત વિસ્તારમાં પોલીસ આ બાબતે ઘણી સક્રિય હતી. જીવનભાઈ એ પૂછ્યું “તેમ છતાં ગુન્હા તો ઓછા થવાનું નામ લેતું જ નથી ઉલટા દિવસે ન વધે એટલા રાત્રે તે વધી રહ્યા છે!” વિક્રમરાયે કહ્યું “માફ કરજો નામદાર પણ આ બાબતે છોકરીઓનો પણ દોષ છે. હવે નખરાળી છોકરીઓ રાત્રે સડક પર ટૂંકા કપડાં પહેરી યુવાનોને જાહેર આમંત્રણ આપતી ફરે તો ભૂખ્યા વરુ જેવા જુવાનો એમની પર ત્રાટકવાના જ! એમાં અમે પણ શું કરીએ? તમે સમાજસુધારક છો સુધારો જરા સમાજ ને. આજે વિદેશી મહિલાઓ જયારે સાડી પહેરી ફરતી હોય ત્યારે તમારા જ સમાજ સુધાર કેન્દ્રના વિસ્તારની મહિલા વિદેશી ટૂંકા કપડા પહેરી ફરી રહી છે. શું સુધારો છો આપ સમાજ?” જીવનભાઈ એ કહ્યું “માફ કરો પણ મેં સાંભળ્યું છે કે ..” વાતને ટાળતા વિક્રમરાય બોલ્યા “માફ કરો તમે શું સાંભળ્યું અને શું નહિ સાંભળ્યું એનો જવાબ આપવા આપણે અહીં ભેગા નથી થયા વડીલ. આ મારા દીકરાની જન્મદિવસની ઉજવણી છે એનો આંનદ લો અને જો આનંદ ન લેવાતો હોય તો આપ જઈ શકો છો.”

જીવનદાસ કટુ હ્રદયે પાર્ટી છોડીને જતાં રહ્યા. એમણે આમ પાર્ટી છોડી જતાં જોઈ નામચીન વકીલ મિશ્રા વિક્રમરાય પાસે આવ્યા. મિશ્રા એ પૂછ્યું “શું થયું?”

વિક્રમરાયે કહ્યું “નથીંગ... જસ્ટ એન્જોય..... આ સમાજસેવક કંઈક વધારે જ ઉછળી રહ્યો છે. હવે સમાજ સામે એનો વાસ્તવિક ચહેરો લાવવો જ પડશે.”

મિશ્રા ખડખડાટ હસી પડ્યા “નામ બડે ઔર દર્શન છોટે”

વિક્રમરાયે કહ્યું “હા એવું જ કંઈક... ગોઠવો કોઈક વ્યવસ્થા”

આખરે એ ભપકાદાર પાર્ટી પૂરી થઇ. દારૂની રેલમછેલમનો અંત આવ્યો. આવેલ મેહમાનો ઘરે જવા લાગ્યાં. અંતે રહ્યા કામ કરનાર નોકરો અને વેઈટરો. થોડાસમય પછી તેઓ પણ જતાં રહ્યા.

વિક્રમરાયે જોયું કે દુર ખૂણામાં હજી પણ એક યુવાન વેઈટર ઉભો હતો. શેઠ વિક્રમરાયને કુતુહલ થયું. તેઓ એ યુવાન પાસે આવ્યા. લગભગ ત્રીસ બત્રીસ વર્ષનો એ યુવાન આકર્ષક લાગતો હતો. વિક્રમરાયે પૂછ્યું “ઘરે નથી જવું?”

એ યુવાન બોલ્યો “ના સાહેબ તમારા સાથે વાત કરવી છે?”

વિક્રમરાયે પૂછ્યું “બોલ શું કહેવું છે?”

પેલા યુવાને હાથ જોડીને કહ્યું “સાહેબ મને નોકરી જોઇએ, ખુબ ગરીબ છું. તનતોડ મહેનત કરી તમારા દરેક કામો કરીશ”

વિક્રમરાયે પૂછ્યું “શું કામ કરીશ?”

યુવાન બોલ્યો “તમે જે કહેશો તે કરીશ”

વિક્રમરાયે કંઈક વિચારીને કહ્યું “ઠીક છે મારે એમપણ એક ડ્રાઈવરની જરૂર હતી. કાલથી તું કામ પર આવી જા..પગાર વગેરેની વાત તું અમારા મેનેજર જોડે કરી લે.. એક મીનીટ” આમ બોલી વિક્રમરાયે મનેજરને બોલાવ્યો “અબ્બાસ......”

એક તાકતવર શરીરનો માલિક એવો અબ્બાસ બાજુમાં આવેલ ઓફિસમાંથી દોડતો દોડતો આવ્યો. વિક્રમરાયે કહ્યું “અબ્બાસ આ છોકરાને મેં ડ્રાઈવર તરીકે રાખ્યો છે આને તું બરાબર બધું કામ સમજાવી દે... છોકરા તારી પાસે લાઇસેંસ તો છે ને?”

યુવાને કહ્યું “હાજી....”

અબ્બાસ એ યુવાનને લઈને કંઈક સમજાવતાં સમજાવતાં ગેટ સુધી ગયો. વિક્રમરાયે સ્પષ્ટ સાંભળ્યું “ના..સાહેબ ના..ગાડીમાં થતી વાતચીત મારા દિલના કોફીનમાં દફન થઈ જશે. તમે ભરોસો રાખો”

છોકરાને વિદાય આપી અબ્બાસ વિક્રમરાય પાસે આવ્યો.

વિક્રમરાય બોલ્યા “અબ્બાસ.. છોકરાને મેં નામ પૂછ્યા વગર જ નોકરી પર રાખી લીધો...”

અબ્બાસ બોલ્યો “જાણું છું સાહેબ બધું બરાબર જાણું છું... વર્ષોથી

તમારે ત્યાં નોકરી કરું છું. મને ખબર છે કે તમે નોકરી પર આવતાં દરેક જણનો વિશ્વાસ મેળવવા આમ જ કરતાં હોવ છો પણ તમે બેફીકર રહો, પાર્ટીમાં આવતાં તમામ નોકરોની મેં પહેલેથી જ સંપૂર્ણ વિગત લીધી હતી અને ખાતરી કર્યા બાદ જ તેમણે પાર્ટીમાં આવવાનો મોકો મળ્યો હતો. આ છોકરો પણ વિશ્વાસુ જ છે આપણા જગમોહન શેઠના સિફારીશથી અહીં આવ્યો છે.” અબ્બાસે ખિસ્સામાંથી ડાયરી કાઢતાં કહ્યું “આનું નામ અવિનાશ છે કોપરી ચાળમાં રહે છે. ગરીબ છે બિચારા”

વિક્રમરાય બોલ્યા “હમમમ.... છોકરો કેવો છે?”

અબ્બાસે કહ્યું “એકદમ સીદો સાદો છે શેઠ... એકદમ વિશ્વાસુ તેમ છતાંય આપણે હજી તપાસ કરાવી રહ્યા છીએ.”

વિક્રમરાય બોલ્યા “છોકરાની આંખોમાં કંઈક કરી બતાવવાનું ઝનુન દેખાય છે. અબ્બાસ, આ છોકરો આપણા ખુબ કામ આવશે.” અબ્બાસે કહ્યું “નહિ શેઠ, છોકરો પ્રામણિક છે.. ઉલટા કામો કરવાનું કહીશું તો નોકરી છોડી દેશે”

વિક્રમરાય બોલ્યા “પૈસાની ગરમી ભલભલાના દિમાગ ફેરવી દે છે”

۞۞۞

અવિનાશ ધાર્યા કરતાં વધારે મહેનતુ સાબિત થયો. નિયમિત પણ એટલો જ, સમયસર કામ પર આવે. ફાજલ સમયમાં કારમાં બેસી રહેવાને બદલે, ઘરનાં બધા કામો કરે! ધીરે ધીરે અવિનાશે શેઠ વિક્રમરાયના પરિવારજનોનું દિલ જીતી લીધું. એની પ્રામાણિકતા જોઈ વિક્રમરાયને સમજાઈ ગયું હતું કે અવિનાશ જોડે ઉલ્ટા ધંધાની વાત કરવા જતાં તેઓ એક સારો ડ્રાઈવર ખોઈ બેસશે. વિક્રમરાયને અવિનાશની આંખોમાં એક અલગ ફિતૂર, એક અજીબ પાગલપન દેખાતું હતું! પણ એ દીવાનગી શેની હશે? તે વાત વિક્રમરાયને સતત મૂંઝવતી રહેતી. શેઠ વિક્રમરાયની બહેન સપના સતત બોડીગાર્ડથી ઘેરાયેલી રહેતી. માણસના કુકર્મો જયારે વધતાં જાય છે તેમ તેમ એના દુશ્મનોની સંખ્યા પણ વધતી જાય છે. વિક્રમરાય પોતાની બહેનને જીવની જેમ સાચવતો. પરિણામે સપના પણ એટલી જ વિફરી ગઈ હતી. ત્યાંજ સપનાની ગાડીનો વૃદ્ધ ડ્રાઈવર જેસીંગ અવિનાશ પાસે આવી બોલ્યો “આજના સામચાર વાંચ્યા?”

અવિનાશે કહ્યું “ના કેમ? શું થયું?”

જેસીગે કહ્યું “અરે ન બનવા જેવું બની ગયું. આપણે જેણે ભગવાન માનતા હતાં તે જીવનભાઈ શેતાન નીકળ્યા! શેતાન!!!”

અવિનાશે કહ્યું “પણ એવું તે શું થયું?”

જેસીગે કહ્યું “અરે બે દિવસ પહેલા હાઇવે પર કુકર્મ કરી છોકરીની નિર્મમ હત્યા કરનાર મુખ્ય આરોપી બીજા કોઈ નહિ પણ જીવનભાઈ જ હતાં! બેટા ઘોર કલયુગ છે. કોણા પર વિશ્વાસ કરવો? અહીં તો ભાઈ નામ બડે ઔર દર્શન છોટે જેવી પરિસ્થિતિ છે.”

અવિનાશે કહ્યું “ચિંતા ન કરો, આપણા શેઠ સાહેબ છે ને, આ બધાને પકડી એમણે આકરી સજા આપી. શહરને સુરક્ષીત રાખવા માટે?”

***

એ દિવસે વિક્રમરાય બીજી ગાડી લઈને ગયા હતાં. અવિનાશ નવરો જ હતો ત્યાંજ વિક્રમરાયની પત્ની ઉર્વશી આવી અવિનાશને આમ ઉભેલો જોઈ તે બોલી “અવિનાશ મારૂ એક કામ કરીશ?”

અવિનાશે કહ્યું “બોલો ને મેડમ?”

ઉર્વશી બોલી “ઉપરના ઓરડામાં મોહિત ઉંઘી રહ્યો છે એને ઉઠાડી નીચે લઇ આવને કહેજે કે મમ્મા બોલાવે છે”

અવિનાશ તુરંત હકારમાં માથું હલાવી ઉપરના ઓરડામાં ગયો. મોહિત બાબાના કમરાનો દરવાજો ખોલી એને જોયું તો અંદર મોહિત જોડે સપના પણ સુતી હતી! અવિનાશે ધીમે પગલે અંદર રૂમમાં પ્રવેશ કર્યો. એણે રૂમની અંદર આવેલી બારીમાંથી નીચે જોઈ પરિસ્થિતિનો ક્યાસ કાઢતાં વિચાર્યું “અહીંથી એણે લઈને ભાગવામાં વાંધો નહિ આવે.” બારીની ઊંચાઈ જમીનથી કોઈ ખાસ વધારે નહોતી. અને હવેલીનો પાછલો ભાગ હોવાથી અહીં અત્યારે કોઈ ખાસ ચોકીદારી પણ નહોતી. અવિનાશે ખિસ્સામાંથી એક રૂમાલ બાહર કાઢ્યો અને તેના પર બેહોશીની દવા નાખી તે પલંગ તરફ આગળ વધ્યો. ત્યાંજ સપનાની આંખ ખુલી ગઈ “તું.... તું... અહીં મોહિતના કમરામાં શું કરે છે?” ઝડપભેર રૂમાલને પાછો ખિસ્સામાં મુકતો એ બોલ્યો “ઉર્વશી મેડમ. મોહિતબાબાને નીચે બોલાવે છે?” આશ્ચર્યથી સપના બોલી “તો? આ માટે મોહિતની આયા નહોતી?” અવિનાશ “મને એની શું ખબર? મેડમ બોલ્યા એટલે હું આવ્યો” સપના : “તો કંઈ આમ કમરામાં ઘુસી આવવાનું? જોતો નથી અંદર હું સુતી છું? બાહર ઊભા રહી દરવાજો ખટખટાવી શકાય ને?” અવિનાશ બોલ્યો “સોરી મેડમ”

સપનાએ કહ્યું “જાહિલ....ગવાર....”

આમ બોલી સપના મોહિતને લઈને નીચે ગઈ. અવિનાશે મુઠ્ઠીઓ ભીંચીને દીવાર પર જોરથી પછાડી.

۞۞۞

નોકરીથી પાછો પોતાના ઝુંપડામાં આવી અવિનાશ ચુપચાપ પલંગ પર બેસી ગયો. અવિનાશની માતા ગાયત્રીએ અવિનાશને પાણી આપતાં પૂછ્યું “અવિનાશ, મારું સ્વપ્ન તું કયારે પૂર્ણ કરીશ?” અવિનાશે કહ્યું “જલ્દી જ મા... જલ્દી જ તારું સ્વપ્ન પૂર્ણ થશે...” ગાયત્રીબેને કહ્યું “પણ ક્યારે? હું એણે અહીં જોવા માંગું છું!” અવિનાશે કહ્યું “મા હું પણ પ્રયત્ન તો કરી જ રહ્યો છું ને? પણ શું કરું આટલા દિવસથી હું એ ઘરમાં પડી રહ્યો છું. લાચારી અને જિલ્લત ભોગવી રહ્યો છું ફક્ત અને ફક્ત તારી ઈચ્છા પૂર્ણ કરવા માટે એણે તારી સામે લાવા માટે! પણ હું લાચાર છું. સતત બોડીગાર્ડની ચાંપતી નજર તેના પર હોય છે. જબરદસ્તી કરીને તો લવાય નહિ! મા ધીરજ રાખ બધું સારાવાના થશે. હું છું ને? કઇક કરું છું” ગાયત્રીબેને કહ્યું “બેટા આપણી યોજના પૂર્ણ કરવા માટે જ આપણે આ ઝુંપડામાં છ મહિનાથી આવીને રહીએ છીએ. એ વિક્રમરાય ઘણો ચાલાક છે એણે અત્યાર સુધી તારા વિષે તમામ માહિતી ભેગી કરી હશે. જોકે આપણે અહીં નામ બદલીને રહ્યા છીએ એટલે વાંધો નથી પણ જેવી એણે ખબર પડશે કે આપણે અહીં છ મહિના પહેલા આવ્યા છીએ તેવો જ તે આપણી છ મહિના પહેલાની તપાસ શરૂ કરશે. પછી જલ્દી જ એણે ખબર પડી જશે કે તારું સાચું નામ “આલોક છે” તારા ઘરનું અને ઓફિસનું સરનામું. વળી તારા ભાઈએ જેલમાં ફાંસી ખાઇ આપઘાત કર્યો હતો એ પણ એ જાણી લેશે અને પછી આપણી યોજના, છ-છ મહિનાથી કરેલ મહેનત બધું જ પાણીમાં.... સમજ્યો?” અવિનાશે કહ્યું “મા અત્યારે તો ભુખ લાગી છે તું જલ્દીથી ખાવાનું લાવ.. અને તું બિલકુલ ચિંતા ન કરતી હું તારૂ સ્વપ્ન પૂર્ણ કરીશ યાદ રાખ મા, અત્યારે તો તારા મનની ઈચ્છા ગમે તે રીતે પૂર્ણ કરવાનું જ ફીતુર મારા દિલોદિમાગ પર છવાયેલું છે.”

۞۞۞

અવિનાશ વહેલી સવારે જ ડ્યુટી પર નીકળી ગયો. શેઠ વિક્રમરાયની હવેલીમાં પોહોચતા જ એની નજર વિક્રમરાયના દીકરા મોહિત સાથે રમતી સપના પર પડી. આસપાસ કોઈ હતું નહિ! “આજ સારો લાગ છે” આવું અવિનાશ વિચારતો જ હતો કે ત્યાંજ મોહિતે ફેંકેલો દડો અવિનાશના પગ પાસે આવી પડ્યો. એ દડો લેવા સપના દોડતી દોડતી આવી. અવિનાશ સપનાને મંત્રમુગ્ધ થઇ જોવા લાગ્યો. ત્યાંજ અવિનાશના વિચારોને ખંખેરતો સપનાનો અવાજ એના કાને સંભળાયો “એ ડોબા... આમ ઉભો શું છે.. જોતો નથી તારા પગ પાસે દડો પડ્યો છે તે? ચાલ આપ મને, ખોટી આટલી દોડાવી” અવિનાશે દડો ઊંચકી સપનાને આપવા નજીક ગયો. ત્યાંજ વિક્રમરાયનો અવાજ અવિનાશના કાને પડ્યો “અવિનાશ ગાડી કાઢ” અવિનાશ વિક્રમરાય નજીક ગાડી લઈ ગયો. ધૂળ ઉડાડતી ગાડી ગેટની બાહર ગઈ. સપનાએ મોઢું બગાડતા કહ્યું “બેવકૂફ.....”

۞۞۞

આજે કદાચ ઈશ્વર અવિનાશ પર પ્રસન્ન હતો, શેઠ વિક્રમરાયની હવેલીમાં દોડધામ મચી હતી. મોહિતને સવારથી જ તાવ ચઢ્યો હતો. વિક્રમરાય ડોક્ટરને ફોન કરતાં હતાં પણ તેઓ ફોન ઉઠવતા નહોતા! વિક્રમરાય બોલ્યા “આ ડોક્ટર ફોન કેમ ઉપાડતો નથી?” વિક્રમરાયની પત્ની ઉર્વશી બોલી “કદાચ તેઓ ઓપરેશન થીએટરમાં હશે”

સપના આકુળવ્યાકુળ થઇ બોલી “આમ ડોક્ટરને ફોન કરવા કરતાં આપણે જ એણે દવાખાને લઈ જઈએ તો?”

ઉર્વશી બોલી “મારે હમણાં જ અરજન્ટ મીટીંગમાં જવાનું છે. નોકરોના હાથે બાળક ન સોપાય, વિક્રમ એક કામ કરો તમે અબ્બાસને ફોન કરીને કહી દો કે મેડમ આજે મીટીંગમાં આવી નહિ શકે. હું મોહિતને લઈને દવાખાને જઉં છું.”

સપના તરત બોલી “ભાભી તમે મીટીંગમાં જાઓ હું મોહિતને લઈને દવાખાને જઈશ. પણ ભાઈ મારો ડ્રાઈવર હજી આવ્યો નથી!” વિક્રમરાયે કહ્યું “તું મારી ગાડી લઇ જા..

ઉર્વશી બોલી “એક મિનીટ પણ તારા બોડીગાર્ડ તો ગાડી પાસે તારી રાહ જોતા હશે. હું હમણા જ નોકરને કહેવડાવી એમણે અહીં બોલાવું”

સપના બોલી “ભાભી આટલો સમય નથી હું ઝટ ગઈ અને પટ આવી.” વિક્રમરાય બોલ્યા “ઉર્વશી અવિનાશ વિશ્વાસુ છે એ સાથે હોય ત્યારે સપનાને કોઈ વાંધો નથી”

ઉર્વશી બોલી “અરે એ તો હું ભૂલી જ ગઈ, અવિનાશ હોય તો સપનાને બોડીગાર્ડની શી જરૂર છે.”

સપના મોહિતને ઊંચકી દોડતી દોડતી અવિનાશ પાસે આવી અને બોલી “ડ્રાઈવર, જલ્દી ગાડી કાઢ.. મોહિતની તબિયત અચાનક બગડી ગઈ છે. સીધો મેર્વલ દવાખાને ગાડી લઈ ચાલ. બીજી કોઈ આલતુફાલતુ ઇસ્પિતાલ સામે ગાડી રોકતો નહી.. સમજ્યો?” અવિનાશને વિશ્વાસ ન થયો! સપના મોહિતને લઈને પોતે ગાડીમાં બેસવાની છે? જે વસ્તુ માટે તે આટલા દિવસથી પ્રયત્ન કરી રહ્યો હતો તે ઘટના આમ સામે ચાલીને ઘડાશે એવું તો અવિનાશે સપનામાંયે વિચાર્યું નહોતું!”

સપના બોલી “ડ્રાઈવર, જલ્દી ગાડી કાઢ...”

અવિનાશે ફટાફટ ગાડી કાઢી. સપના મોહિતને લઈને અંદર બેસી. અવિનાશે ગાડી સ્ટાર્ટ કરી પૂરપાટવેગે ગાડી દોડાવી. ગાડી ગેટમાંથી બાહર કાઢતી વખતે અવિનાશે મુસ્કુરાતા એક નજર વિક્રમરાય તરફ નાખી અને બીજી નજર સાઈડગ્લાસમાં મોહિતને લઈને બેસેલી સપના પર! મોહિતને પંપાળવામાં વ્યસ્ત સપનાને એ વાતનો ખ્યાલ જ ન રહ્યો કે ગાડી પોતાનો માર્ગ છોડી કોઈક અવળે રસ્તે જઈ રહી છે અને જયારે સપનાને એ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે ઘણું મોડું થયું હતું. ગાડી એક વેરાન રસ્તા પર પુરપાટ ઝડપે દોડતી હતી. સપનાએ ગુસ્સામાં પૂછ્યું “ડ્રાઈવર ગાડીને ક્યાં લઇ જાય છે?” અવિનાશ ચુપ રહ્યો

સપના “તું મારા અપહરણનો પ્રયત્ન કરી રહ્યો છે? મારા!!!”

ગાડી પુરપાટ ઝડપે દોડતી હતી.

સપના “કેટલાય દિવસથી મને લાગતું તો હતું જ કે તારી મારા પર બુરી નજર છે. પણ તારી આટલી હિમત થશે એમ નહોતું વિચાર્યું!” અવિનાશ પોતાની મસ્તીમાં જ ગાડી ચલાવતો હતો.

સપના “તને ખબર છે મારો ભાઈ કોણ છે તે? ચાલ ગાડી રોક”

ગાડી દોડ્યે જતી હતી.

સપના : એમણે જો આ વાતની ખબર પડશે તો?”

ગાડી રોકાવવાનું નામ જ લેતી નહોતી.

સપના “તારી લાયકાત છે મને હાથ પણ લગાડવાની?”

ગાડીને જોરદાર બ્રેક લાગી. સપનાએ જોયું એક જંગલમાં તેઓ રોકાયા હતાં. અહીં એ બૂમાબૂમ કરે તો પણ કોઈ સાંભળવાનું નહોતું. અવિનાશે કારની પાછળનો દરવાજો ખોલી સપનાને બાહર ખેંચી કાઢી. મોહિત “આંટી... આંટી.. કરતો ગાડીમાંથી બાહર નીકળવાનો પ્રયત્ન કરતો હતો ત્યાંજ અવિનાશે કારનો દરવાજો બંધ કરી દીધો.

મોહિતનો અવાજ દરવાજા સાથે ગાડીમાંથી આવતો બંધ થઇ ગયો. અવિનાશને પોતાની સામે ઉભેલ જોઈ સપના પસીને રેબઝેબ થઈ ગઈ. પોતાની સાથે જે થવાનું હતું તેની કલ્પના માત્રથી તે કંપી ઉઠી અવિનાશ સપનાની એકદમ નજીક આવ્યો સપના બે ડગલા પાછળ ખસતા બોલી “હરામખોર.. ખબરદાર મને હાથ પણ લગાવ્યો છે તો.”

અવિનાશે સપનાના મોઢા પર હાથ મૂકી દીધો.

۞۞۞

ઉર્વશી મીટીંગમાંથી પાછી આવી. સપના હજી સુધી પાછી આવી નથી તે જાણીને ઉર્વશી ઘણી ચિંતિત થઈ ગઈ. તુરંત એણે બોડીગાર્ડોને બોલાવી પૂછ્યું “સપના ક્યાં છે?”

બોડીગાર્ડ “મેડમ તો આજે ઘરમાંથી બાહર જ આવ્યા નથી.”

ઉર્વશી “બેવકૂફો એ સવારથી જ ડ્રાઈવર અવિનાશ જોડે દવાખાને ગઈ છે. એની સાથે મોહિત પણ છે તપાસ કરો એ લોકો ક્યાં છે તે?” ફટાફટ ગાડીઓ નીકળી. બોડીગાર્ડો પાગલની જેમ શહરનો ચપ્પો ચપ્પો ખુંદવા લાગ્યાં. ફોન કરીને ઉર્વશીએ વિક્રમરાયને પણ ઘરે બોલાવ્યો. વિક્રમરાય ઘરે આવતાં જ બોલ્યા “સપનાને ફોન કર્યો?” ઉર્વશી “હું એણે સતત ફોન કરું છું પણ એનો ફોન સ્વીચઓફ છે” વિક્રમરાય બોલ્યા “અવિનાશ સપનાને? ના..ના.... એ શક્ય જ નથી જરૂર એમની સાથે કોઈક ગડબડ થઈ હશે, તે પોલીસને ફોન કર્યો?” ઉર્વશી “ના... “

વિક્રમરાય “કેમ?”

ઉર્વશી બોલી “સપના જવાન છોકરી છે. પોલીસને કહીશું તો પુરા શહરમાં વાત આગની જેમ ફેલાઈ જશે કે શેઠ વિક્રમરાયની બહેન સપના એમના જ એક ડ્રાઈવર સાથે સવારથી જ ગાયબ છે. લોકો તરેહ તરેહની વાતો કરશે! પછી એ લોકોના મોઢા કોણ બંધ કરશે?” વિક્રમરાય બોલ્યા “સપનાનું અપહરણ કરનારને હું છોડું નહિ.” ઉર્વશી બોલી “સાથે મારો મોહિત પણ છે એની તબિયત પણ ખરાબ છે. કોણ જાણે બેઉ કેવી હાલતમાં હશે?”

વિક્રમરાય બેચેન થઈને સપનાના બોડીગાર્ડોને માહિતી મેળવવા ફોન કરવા લાગ્યાં.

۞۞۞

મોહિત કારની બારીને ઠોકી ઠોકીને ચિલ્લાઈ રહ્યો હતો “છોડો મારી આંટીને ... છોડો...” પણ એનો અવાજ ગાડીમાંથી કોણે સંભળાય?” અવિનાશ સપનાનું મોઢું દબાવી રાખતા જ ગુસ્સાથી બોલ્યો “ચુપ...ચુપ... તું તારા મનમાં પોતાને શું સમજે છે? હુરપરી? બેવકૂફ તારા જેવી જલીલ ઔરતની સામે હું થૂંકવા માટે પણ ન જોઉં. સમજી? તું મને પૂછે છે કે હું તારા ભાઈને ઓળખું છું? પાગલ... તારા ભાઈને હું તારા કરતાં સારી રીતે ઓળખું છું સમજી?” અવાકપણે સપના અવિનાશેને જોઈ રહી. અવિનાશે એણે દુર હડસેલતાં કહ્યું “મારી નજર તારા પર ક્યારેય હતી નહી. હું ફક્ત અને ફક્ત મોહિતને જ કિડનેપ કરવા માંગતો હતો...”

સપના એ અચરજથી કહ્યું “પણ કેમ?”

અવિનાશે કારનો દરવાજો ખોલતાં કહ્યું “એ તારા ભાઈને પૂછજે, વિક્રમરાયને કહેજે કે અનુરાગનો ભાઈ તારા દીકરાને લઇ ગયો છે. એ બધું સમજી જશે..”

સપનાએ કહ્યું “અવિનાશ.. મોહિતની તબિયત ખરાબ છે...”

અવિનાશે કહ્યું “તમારા અમીરોના ચોચલા જ વધારે હોય છે કંઈ નથી થયું એણે! મામૂલી તાવ છે, ક્રોસીન આપીશ તો ઠીક થઇ જશે.” સપનાએ કહ્યું “પણ તું મોહિતને કેમ કિડનેપ કરવા માંગે છે? રૂપિયા માટે ને? મને કહે હમણા તું કહીશ એટલા રૂપિયાની હું વ્યવસ્થા કરી

આપીશ બોલ કેટલા રૂપિયા જોઇએ તને?”

અવિનાશે કહ્યું “તું બોલ તું મોહિતને કેટલામાં ખરીદવા માંગે છે?” સપના થોડું વિચારતાં બોલી “એક કરોડ”

અવિનાશ બોલ્યો “તારા એક કરોડ કરતાં મને મારી માતાની ઈચ્છા પૂરી કરવામાં વધારે રસ છે! મારી માતા મોહિતના એ જ હાલ કરવા માંગે છે કે જે તારા ભાઈ એ એના દીકરાના કર્યા હતાં!”

સપનાની આત્મા સુદ્ધા કંપી ઉઠી “શું કર્યું હતું એણે?”

અવિનાશ “એ તું તારા ભાઈને જ પૂછી લે જે”

۞۞۞

કમરામાં સન્નાટો હતો. સપના, ઉર્વશી, વિક્રમરાય અને આબ્બાસ ચિંતિત ઊભા હતાં. વિક્રમરાયે સપનાને પૂછ્યું “હજી એ હરામજાદો શું બોલ્યો? બીજી કોઈ માંગણી કરી? મોહિતને એ ક્યાં લઈ ગયો? સપના બોલી “મેં એણે વારંવાર આ સવાલો પૂછ્યા પણ દરેક વખતે એ આવું જ બોલ્યો કે તારા ભાઈને પૂછી લે એણે બધી ખબર છે!” ઉર્વશીએ વિક્રમરાયની છાતી પર મુક્કા મારતા કહ્યું “કોણ છે આ અનુરાગ? કેમ આનો ભાઈ અને માતા તમારી સાથે બદલો લેવા માંગે છે? બોલો શું કરેલું તમે એમની સાથે?” મુઠ્ઠીઓ વાળીને વિક્રમરાયે કહ્યું “એ અનુરાગનો ભાઈ છે એની જાણ તને કેવી રીતે થઇ નહિ અબ્બાસ? વર્ષોથી તું મારી સાથે કામ કરું છું અને આટલી મોટી ભૂલ તું કેવી રીતે કરી બેઠો? જો મારા દીકરાને કંઈપણ થયું તો હું તને જીવતો સળગાવી દઈશ..”

ઉર્વશી ક્રોધથી બોલી “હજી કેટલા લોકોના નિસાસા લેશો? કેટલા ખૂનખરાબા કરશો? કેટલીયવાર કહ્યું કે છોડી દો આ ઉલટા સુલટા ધંધા પણ ના, તમને તો પૈસા જોઇએ પૈસા.. લો ચાટો હવે પૈસાને.. દીકરાને બચાવવા એ પણ કામ નહી આવે. એક કરોડ રૂપિયાને પણ એ ઠુકરાવી ગયો.”

સપના વ્યાકુળતાથી બોલી “પણ ભાઈ આ અનુરાગ કોણ હતો?” ગુસ્સાથી વિક્રમરાય બોલ્યો “અબ્બાસ ગાડી કાઢ.. તેઓ જે ઝુંપડામાં રહેતા હતાં ત્યાં ચાલ... ફટાફટ...” અબ્બાસ ગરદન છુકાવી બોલ્યો “શેઠ તેઓ નામ બદલી એ ઝુંપડામાં રહેતા હતાં. એટલે જ મરાથી ગફલત થઇ. તેઓ છ મહિના પહેલા જ ત્યાં આવ્યા હતાં એની જાણ મને પરમદિવસે જ થઇ અને જેવી જાણ થઈ કે મેં તરત એની છ મહિના પહેલા એ ક્યાં રહેતો હતો શું કરતો હતો એની તપાસ કરવાની શુરૂ કરી દીધી હતી.”

વિક્રમરાય બોલ્યા “અબ્બાસ ગાડી કાઢ એ ઝુંપડામાંથી તેઓ જતા રહ્યા હશે પણ કોઈક સબુત તો છોડીને ગયાં હશે ને? ચાલ જલ્દી..” અબ્બાસે કહ્યું “ઠીક છે...” આમ બોલી એ તરત બાહર નીકળી ગયો. વિક્રમરાય પણ અબ્બાસની પાછળ જતાં હતાં ત્યાંજ ઉર્વશી બોલી “અમે પણ તમારી સાથે આવીએ છીએ”

વિક્રમરાય કંઈ બોલ્યા નહિ. ચુપચાપ બાહર નીકળી ગયાં અને એમની પાછળ પાછળ ઉર્વશી અને સપના.

۞۞۞

મોહિતને ઉચકીને ઝુંપડામાં લાવી અવિનાશે એણે એક ખુરશી સાથે જડબેસલાક બાંધ્યો. મોઢા પર પટ્ટી કારમાં જ લગાવી હતી. પોતાનું કામ પૂર્ણ કરી તે સીધો રસોડામાં ગયો અને માતાના પગે લાગતા બોલ્યો “મા કામ પૂર્ણ થયું”

હાથમાંનું કામ પડતું મૂકી ગાયત્રીબેન દોડતાં જ્યાં મોહિતને બાંધેલો ત્યાં આવ્યા બંધાયેલ હાલતમાં મોહિતને જોઈ ગાયત્રીબેન બોલ્યા. “આ સપોલાને તું લઈ આવ્યો પણ એ સાપ ક્યાં છે?”

અવિનાશ બોલ્યો “મા એની પુછડી પર મેં બરાબરનો પગ મુક્યો છે જલ્દી જ તે બિલમાંથી બાહર આવશે.” થોડું વિચારીને અવિનાશે મોહિત તરફ જોતા કહ્યું “મા આનું શું કરવું છે?”

ધ્રુણાથી એક નજર મોહિત પર નાખતાં ગાયત્રીબેન બોલ્યા “અગાઉ નક્કી કરેલું એમ જ આણે ઠેકાણે લગાવી દે”

અવિનાશે બંધાયેલા મોહિતને ઊંચકી બાહર નીકળી ગયો. પ્રતિશોધની આગમાં જલતી ગાયત્રી કમરામાં આટાફેરા મારવા લાગી. થોડીવારમાં જ અવિનાશ પાછો આવ્યો અને કામ થઈ ગયાનો એક ગર્ભિત ઈશારો માતાને કર્યો. ત્યાંજ એક કાર ઝુંપડાની બાહર આવી રોકાઈ. શહરથી દુર આવેલી એ અંધારી વસ્તી ગાડીના પ્રકાશથી ઝળહળી ઉઠી. ગાડીમાંથી વિક્રમરાય, અબ્બાસ, સપના અને ઉર્વશી ઉતર્યા. તેઓ ઉતાવળે ઝુપડા પાસે આવ્યા.

અવિનાશે કહ્યું “મા એ આવી ગયો. તારી ઈચ્છા પૂર્ણ થઇ.”

ઝુંપડાના દરવાજાને લગભગ તોડતાં વિક્રમરાય અંદર આવ્યો પાછળ પાછળ ઉર્વશી, સપના અને અબ્બાસ. વિક્રમરાય ઝુંપડામાં ગાયત્રી અને અવિનાશને જોતા આશ્ચર્યચકિત થતાં બોલ્યો “અરે વાહ! તમે અહીં જ છો? મને તો એમ કે અત્યાર સુધી તમે આ જગ્યા તો શું આ શહર છોડીને ક્યાંક દુર ભાગી ગયાં હશો.”

ગાયત્રીબેન બોલ્યા “વિક્રમ ગુનેગાર હોવા છતાં તું ક્યારે ભાગ્યો નહિ તો અમે નિર્દોષો કેમ ભાગીશું?” વિક્રમરાયે એક ઈશારો કર્યો. સાથે આવેલ અબ્બાસ ઈશારો સમજી ગયો. ગુસ્સાથી અબ્બાસે અવિનાશ પાસે જઈ એના મોઢા પર એક મજબુત મુક્કો મારતા પૂછ્યું “બોલ છોટે બાબા ક્યાં છે? હરામખોર જલ્દીથી બોલ” ગાયત્રીબેન બોલ્યા “વિક્રમ ખબરદાર મારા દીકરાને હાથ પણ લગાવ્યો તો, અબ્બાસ, હવે તે મારા દીકરા પર હાથ ઉગામ્યો તો કાલે સવારે તું તારા છોટેબાબાના છોટા-છોટા ટુકડા ગણતો હોઈશ.” ઉર્વશી બોલી “પાગલ ન બનો. મારા દીકરાને કંઈપણ થયું તો હું તમને કદી માફ નહિ કરું” ઉર્વશી ગાયત્રીબેનને હાથ જોડી વિનંતી કરતાં બોલી “માતાજી કૃપા કરીને કહો મારો દીકરો ક્યાં છે? આજ સવારથી એની તબિયત પણ ખરાબ છે. આટલા કઠોર ન બનો” ગાયત્રીબેન બોલ્યા “હવે એની તબિયત સારી છે ચિંતા ન કર” સપના ગાયત્રીબેનને મોબાઈલ દેખાડતાં બોલી “ડોશી.. ચુપચાપ કહી દે મોહિત ક્યાં છે નહિતર હમણા પોલીસને ફોન કરું છું” ગાયત્રીબેન શાંતિથી બોલ્યા “ચિબાવલી પોલીસનો ડર કોણે દેખાડે છે? પોલીસનો ડર હોત તો અમે અહીં તારા ભાઈના અપહરણ કર્યા બાદ શાંતિથી બેસી રહ્યા હોત? પોલીસને ફોન કરવા પહેલા એ વાત વિચારી લે કે તારો ભત્રીજો અમારા પાસે છે.. સમજી ગઈ ને?” અવિનાશ બોલ્યો “વિક્રમ અમે જાણતા હતાં કે જો અમે આ ઝુંપડું છોડીને ભાગીશું તો તું ગમે ત્યાંથી પણ અમને શોધી કાઢત તારી લાગવગ અને સિફારિશોથી તું અમને ઠેકાણે પાડી દેત, જેમ તે મારા ભાઈને પાડ્યો! પણ અમે જાણીજોઈને અહીં જ બેસી રહ્યા. જાણે છે કેમ? કારણ અમને ખબર હતી કે તું અમારી તપાસ કરવા આ ખાલી પડેલી ઝુંપડપટ્ટીમાં જરૂર આવીશ! અને તું આવ્યો! અમે બીઝાવેલ જાળમાં તું આબાદ ફસાઈ ગયો! વિક્રમ હવે તું આ ઝુંપડામાં કેદ છું.” વિક્રમરાય એ હસતાં હસતાં કહ્યું “તું પોતાને બહુ મોટો હીરો સમજે છે? તું એકલો અમને બધાને આ ઝુંપડામાં કેદ કરી રાખીશ એમ સમજે છે? તારા મનમાં આ જે ફિતૂર છે તે કાઢી નાખ સમજ્યો?” અવિનાશે કહ્યું “તને સબક શિખવાડવાનું ફિતૂર તો મને મારા ભાઈના મૃત્યુથી હતું સમજ્યો? એ ઈચ્છા આજે પૂરી થઇ. તું જાણે છે? શહેરથી દુર આવેલા આ ઝુપડા સરકારે ખાલી કરાવ્યા છે. ઝુપડા પર ચાંપતી નજર રાખી બેસેલા મારા મિત્રો સિવાય અહીંયા આસપાસ કોઈ રહેતું નથી. જેવો તું કે તારા માણસો આ ઝુપડામાંથી પગ બાહર કાઢવાની કોશિશ કરશે કે ત્યાં તારો દીકરો મોહિત ઠાર! સમજ્યો? ચાલ ઝુંપડાની કુંડી વાસીને ચુપચાપ અહીં બેસી જા” વિક્રમરાયે કહ્યું “અવિનાશ તું જે કરી રહ્યો છે તેનું પરિણામ તારા માટે ભયાનક હશે, હજી સમય છે ચુપચાપ કહી દે કે મારો દીકરો ક્યાં છે?” અવિનાશે કહ્યું “વિક્રમ જે કહ્યું તે કર”

વિક્રમરાયે કંઈક વિચારીને તુરંત દરવાજો બંધ કર્યો, કોઈ કાંઈ સમજે તે પહેલાં જ ઝડપથી તે અવિનાશ પાસે ગયો અને એણે પકડતાં બોલ્યો “સપના તું એ ડોશીને પકડી લે. ઝુંપડાની અંદર શું થાય છે તે બાહરના લોકોને શું ખબર પડવાની? દરવાજો બંધ કરવાનું કહીને આ બેવકુફે પોતાના જ પગ પર કુહાડો માર્યો. અબ્બાસ તું આને મારવાનું ચાલું કર. જોઇએ સાલો, ક્યાં સુધી મોહિતની માહિતી નથી આપતો?”

۞۞۞

(આગળની વાર્તા વાંચો બીજા અને અંતિમ ભાગમાં)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED