Prasang ek pravah be. books and stories free download online pdf in Gujarati

પ્રસંગ એક પ્રવાહ બે - 2.2

પ્રવાહ બીજો - 2

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો લેખકની કલ્પના છે. એનુ જીવિત કે મૃત કોઈ વ્યકિત સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

પ્રવાહ બીજો - 2

કાર્તિક કંઈપણ બોલ્યા વગર ગાડી હંકારી મૂકી. રસ્તામાં એક જગ્યાએ ગાડી રોકી કાર્તિક મોહિતને દવાખાનામાં લઇ ગયો. ઉન્નતી ગાડીમાં જ બંધ હતી. થોડીવાર પછી મોહિતને ઈન્જેકશન તથા જરૂરી સારવાર પતાવી કાર્તિક પાછો આવ્યો. હવે એણે ગાડી પોતાના ઘર તરફ હંકારી મૂકી. ગાડીને પોતાના ઝુપડા પાસે લાવી એ નીચે ઉતરી ઝુંપડામાં પ્રવેશ્યો. ઉન્નતી એની પાછળ પાછળ ઝુંપડામાં ગઈ. અંદર જતા જ કાર્તિક બોલ્યો “મા.. જો તો કોણ આવ્યું છે.”

ગાયત્રીબેન ઉન્નતી તરફ દોડતી આવી. ઉન્નતી મૂંઝવણમાં ગાયત્રીબેનને પોતાની તરફ આમ હરખભેર આવતા જોઈ રહી. ત્યાંજ ગાયત્રીબેન હાંફળીફાંફળી થઇ રસ્તા વચ્ચે ઉભેલ ઉન્નતીને હડસેલો મારી બારણા પાસે આવી બહાર જોતા બોલી “એણે લઇ આવ્યો બેટા? ક્યાં છે એ? ક્યાં છે એ?” બહાર કોઈ ન જોતા નિરાશ વદને ગાયત્રીબેન પાછા માથું ખંજવાળતા ખંજવાળતા અંદર જતાં રહ્યા. પ્રશ્નાર્થ નજરે ઉન્નતી કાર્તિક તરફ જોતા ઈશારોમાં જ જાણે પૂછ્યું “આ કોણ છે?”

કાર્તિકે કહ્યું “આ મારી મા છે જે છેલ્લા પાંચ વર્ષથી આમ જ પોતાના મૃત્યુ પામેલા દીકરા અનુરાગની ઘરે આવવાની રાહ જુવે છે. રોજ મને પૂછે છે કે એ ઘરે આવશે? એણે ઘરમાં લાવીશ? પુત્રના મૃત્યુના સમાચારને કંઈ મા જીરવી શકે? ઉન્નતી મારી માતા પણ એના જવાનજોધ દીકરાના મૌતના સમાચાર સાંભળી સાનભાન ગુમાવી બેઠી. અને એની આ લાચારી ભરેલી હાલત માટે જવાબદાર કોણ છે ખબર છે? મારા ખુશહાલ પરિવારને ઉજાડનાર કોણ છે તે જાણે છે?” ક્રોધથી ભભૂકતી આંખોથી એણે આગળનું વાક્ય પુરું કર્યું “તારો ભાઈ.... ધનંજય છે.” કાર્તિકે ઉન્નતી તરફ જોતા કહ્યું “ઉન્નતી મારો ભાઈ એકદમ સીધો-સાદો હતો. હું આખા ગામમાં મારી આવારા પ્રવૃત્તિથી પંકાયેલો હતો. એજ કારણે મારા માતાજી એ મને ઘરની બાહર પણ કાઢી મુક્યો હતો. મારો ભાઈ એક સીધો સાદો પત્રકાર હતો. એકવાર સામચાર મળ્યા કે મારા ભાઈને પોલીસ પકડી લઈ ગઈ છે. આ સમાચાર મારા માટે આઘાતજનક હતાં. તેથી હું તાત્કાલિક ટ્રેન પકડી મારા ગામમાં આવ્યો. ગામમાં આવી જોયું તો મારી માતાની આંખોમાં સમસ્ત સંસાર અંધકારમય થઇ ગયો હતો. એણે કોઈ એનું મદદગાર જણાતું નહોતું. ક્યાંય આશાની ઝલક ન હતી. એ નિર્ધન ઘરમાં એકલી એકલી રડતી હતી. એના આંસુ લુંછનાર ત્યાં કોઈ હતું નહિ. એના પતિને મરણ પામ્યે ૧૦ વર્ષ થઇ ગયાં હતાં. ઘરમાં કોઈ ધન-સંપતિ ન હતી. એણે કોણ જાણે કેવી કેવી તકલીફો વેઠીને અમને મોટા કર્યા હતાં! એ મારી માનો વહાલસોયો દીકરો આજે છીનવી લેવામાં આવ્યો હતો અને એણે છીનવી લેનારા પણ કોણ હતાં? જો મૃત્યુ એ છીનવી લીધો હોત તો એ આશ્વાસન મેળવી લેત! મૃત્યુ માટે એણે કોઈ દ્વેષ ન હોત. પરંતુ સ્વાર્થીઓનાં હાથે જે અત્યાચાર થાય છે તે અસહનીય હોય છે. આ ઘોર સંકટમાં એ રહી રહીને આકુળવ્યાકુળ થઇ જતી. મારી માતા વેદનાથી ચીખી ચીખી બોલી ઉઠતી કે “હું અત્યારે જ ઘરમાંથી બાહર નીકળું અને એ અત્યાચારીઓનો બદલો લઉં. જેણે આ નિષ્ઠુર આઘાત કર્યો છે એમણે મારૂ અથવા મરી જાઉં. બનેમાં મને સંતોષ થશે.” ઉન્નતી મારો ભાઈ અનુરાગ કેટલો સુંદર, કેટલો આશાસ્પદ યુવાન હતો. એ જ માનો વહાલો હતો, એના જીવનનો આધાર હતો. એની જિંદગીની કમાણી રૂપે હતો. એ પુત્ર અત્યારે કારાવાસમાં રહીને કેવી કેવી તકલીફો સહન કરતો હશે? એની કલ્પનાથી જ માનું હ્રદય દ્રવી ઊઠતું હતું. અને મારા ભાઈનો અપરાધ પણ શું હતો? કંઈ નહી! આખા મોહ્લ્લાનો એ લાડલો હતો. વિધાલયના અધાપક પણ એણે માન આપતા હતાં. પોતાના અને પારકાને દરેકને એ પ્યાર કરતો ક્યાંય એની કોઈ ફરિયાદ સંભળાતી નહોતી. આવા બાળકની માતા થવા બદલ બીજી માતાઓ મારી માને વધાઈ આપતી. કેવો સજ્જન, કેવો ઉદાર, કેવો પરમાર્થી! પોતે ભૂખે મરે પણ આંગણામાં આવેલ અતિથી ભૂખ્યો ન જાય. ઉન્નતી ખબર છે મારા ભાઈએ શું અપરાધ કર્યો તે? એનો અપરાધ એટલો જ હતો કે અત્યાચારથી પીડિત લોકોની મદદ માટે તે હમેશાં તત્પર રહેતો, શું આ તેનો અપરાધ હતો? બીજાની સેવા કરવી એ અપરાધ છે? શું કોઈને ભૂખે ન રાખવું એ પાપ છે?

ઉન્નતી મારા ભાઈ અનુરાગમાં દુર્ભાગ્યપૂર્ણ એ બધા ગુણ હતાં જે જેલના દ્વાર ખોલી નાખતા હતાં! એ નિર્ભીક હતો, સ્પષ્ટવાદી હતો, સાહસિક હતો, સ્વદેશપ્રેમી હતો, નિસ્વાર્થ અને કર્તવ્યપરાયણ હતો. આજના જમાનામાં જેલ જવા આવા ગુણોની આવશ્યકતા છે. મારા ભાઈ અનુરાગે રાજકીય લોકો સામે બળવો પોકાર્યો હતો. સેવાકાર્ય અને એના લોક જાગૃતિ લાવતા એના વ્યાખ્યાનો તથા એના રાજનીતિક લેખોએ એને સરકારી અધિકારીઓની નજરે ચઢાવી દીધો હતો. સમગ્ર પોલીસ વિભાગ ઉપરી અધિકારીથી નીચેના સામાન્ય પોલીસ સુધી એનાથી સતર્ક અને સાવધાન રહેતા હતાં. સૌની નજર એના પર રહેતી હતી. તારો ભાઈ ધનંજય ત્યારે રાજકારણમાં સક્રિય થયો હતો. અનુરાગની વધતી લોકપ્રિયતા એના આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આખરે યોજના ઘડાઈ. એક યુવતીની થયેલી ગંભીર છેડતી એ એમણે અપેક્ષિત્ તક આપી ઉન્નતી જાણે છે એ યુવતીને બેહોશ કરી ખેતરોમાં લઇ જઈ તેના પર કુકર્મો કરનાર તારો ભાઈ ધનંજય અને એના સાથી સુલેમાન, મુન્નાભાઈ, બબન બબલુ, હસન હટેલા અને વિઠ્ઠલ હતાં. આખરે ધનંજયે પોલીસને યોગ્ય લાભ આપી અને એનો ગેરલાભ લઈ મારા ભાઈને તથા એના બીજા સાથીઓને આ જુઠા કેસમાં ફસાવ્યાં. અનુરાગને મુખ્ય આરોપી ઠેરવવામાં આવ્યો. ખોટી સાક્ષીઓ ઉભી કરવામાં આવી. આજના બેકારી અને મોંઘવારીના જમાનામાં આત્માના વિક્ર્યથી સરળ બીજો કયો વ્યવસાય હોઈ શકે છે? નામમાત્રનું પ્રલોભન આપવાથી સારામાં સારી સવલતો મળે છે. કેટલાક પૈસાથી વેચાયા તો કેટલાક પોલીસના દમનથી! મારા ભાઈના સાથીઓને પ્રલોભન આપવામાં આવ્યું કે તેઓ અનુરાગ વિરુદ્ધ જો ખોટી સાક્ષી આપશે તો એમણે છોડી મુકવામાં આવશે નહિતર એ યુવતી સાથે ગેર વર્તણુંક અને તેના કતલના આરોપમાં જિંદગીભર જેલમાં સડાવવામાં આવશે. બિચારા! ગરીબ યુવાનો શું કરતાં? ખોટી સાક્ષી આપવા માટે માની ગયાં. તારા ભાઈની યોજના તો ફક્ત અને ફક્ત મારા ભાઈને ફસાવવાની જ હતી. અને આખરે એ એમાં સફળ થયો. મારા ભાઈ અનુરાગ પર ખોટા કેસ મુકવામાં આવ્યા. એ બહુ પરેશાન હતો. તારા ભાઈ ધનંજયે અનુરાગની ધરપકડ કરવા પોલીસ મોકલી. જયારે પોલીસ પકડી લઈ જતી હતી ત્યારે તારા ભાઈના જ શાગીર્દો સુલેમાન, મુન્નાભાઈ, બબન, હસન અને વિઠ્ઠલે ભીડમાં શામિલ થઈ મારા ભાઈ પર ચપ્પલ અને ઈંડાનો વરસાવ કર્યો. લાચારની લાચારી જોઈ ભીડ કાબુ ખોઈ દે છે ઉન્નતી એ દિવસે એ ભીડ પણ કાબુ બહાર ગઈ એમણે મારા ભાઈ અનુરાગને પોલીસના હાથમાંથી છીનવી લીધો. અને એણે માર મારવા લાગ્યાં. એ બિચારો હાથ જોડી જોડી બધાને વિનંતીઓ કરતો રહ્યો માફી માંગતો રહ્યો પણ ભીડ ટસની મસ ન થઈ. ભીડે અનુરાગનું મોઢું કાળા રંગથી રંગી એણે અવળે મોઢે ગધેડા પર બેસાડ્યો. માથે મુંડન કરાવી ચપ્પલનો હાર પહેરાવ્યો. ઉન્નતી એ દિવસે સત્તાની તાકત સચાઈની તાકત પર હાવી થઈ ગઈ હતી. હતાશ નિરાશ મારા ભાઈને પોલીસે જેલની કોઠડીમાં નાખ્યો. એ રાત્રે મારી મા તારા ભાઈના ઘરે ગઈ એને હાથ જોડીને અનુરાગને છોડવાની વિનંતીઓ કરી પણ તારા ભાઈનું હૃદય ન પીગળ્યું આખરે તે નીચે મારી માને કહ્યું કે એના જુતા સાફ કરી આપ, બિચારી મારી માતા પુત્ર જેલમાંથી છૂટશે એ આશાએ પોતાના પાલવથી એના જુતા સાફ કર્યા. તારા ભાઈએ પગ આગળ કરતાં એના પગમાં મારી માતાએ જુતા પહેરાવ્યા. ત્યારે તારા નીચ ભાઈએ એણે એક લાત મારતા કહ્યું “જા નહિ છોડું તારા છોકરાને એ હવે જેલમાં જ સડશે” મારી મા રોતી કકળતી ત્યાંથી બાહર નીકળી. અમે પણ શું કરી શકવાના હતાં? અમે ગરીબ હતાં લાચાર હતાં. હું મારી માતા સાથે પોલીસ અને કોર્ટના શક્ય તેટલા તમામ દરવાજા ખખડાવ્યા પણ બધું વ્યર્થ. અમારો અવાજ એ લોકો સુધી પહોચ્યો જ નહી! કારણ તારા ભાઈએ પૈસાથી એ તમામના મોઢા અને કાન બંધ કરી દીધા હતાં. ઉન્નતી સ્વમાની માણસ બધું સહન કરી શકે પણ જિલ્લત અને નાલેશી એની માટે આકરી હોય છે. મારો ભાઈ પણ આ જિલ્લત જીરવી ન શક્યો અને આ બધું થયાને ત્રીજે દહાડે જ જેલના પંખા સાથે ગળે ફાંસો લઈ....” આગળનું વાક્ય કાર્તિક પૂર્ણ ન કરી શક્યો નાના બાળકની જેમ એ રડવા લાગ્યો. ઉન્નતીએ એના પીઠ પર હાથ મૂકી એણે સાંત્વના આપી. કાર્તિક આગળ બોલ્યો “ઉન્નતી દીકરાની ઘરે પાછો ફરવાની કાગડોળે રાહ જોતી મારી માતાએ જયારે એનું શબ જોયું ત્યારે એણે જોરદાર માનસિક આઘાત લાગ્યો. અને એ બેભાન થઈ ગઈ. ચાર દિવસ પછી જયારે એ હોશમાં આવી ત્યારે દરેક જણને એક જ સવાલ પૂછતી હતી કે “એણે ઘરમાં લાવો... એ ઘરે આવશે....” ઉન્નતી હું ક્રૂર નથી. તારા ભાઈને કિડનેપ કરી હું ફક્ત ધનંજયને સ્વજન જયારે પોતાનાથી દુર થાય છે ત્યારે કેવી પીડા થાય છે એનો માત્ર અનુભવ કરાવવા માંગતો હતો. જે ધનંજય બીજી છોકરીઓ સાથે કરે છે તે હું તારી સાથે કરી શક્યો હોત, જીવતેજીવ તારી જિંદગી હું નર્ક બનાવી શક્યો હોત પણ ઉન્નતી અન્યાયનો બદલો લેવા પણ અન્યાયી થવું પડે પણ એમ કરવામાં મારા સંસ્કાર આડે આવી ગયાં. ઉન્નતી ભાઈનો જ બદલો લેવાનું મારે માથે ફિતૂર હોત તો એ ક્યારનો લીધો હોત. પણ અમે લાચાર શું કરી શકવાના હતાં? પણ ઉન્નતી જયારે મને સમાચાર મળ્યા કે ધનંજયે જે મારા ભાઈ સાથે કર્યું તે અહીં આ શહેરમાં આવી એના ગુન્હા સામે માથું ઉચકતા દરેક ભોળા વ્યકિતઓ સાથે કરી રહ્યો છે ત્યારે એણે સબક શીખવાડવા જ હું મારી તમામ સંપતિ વેંચી અહીંયા નામ બદલી આ ઝુંપડામાં આવી રહ્યો. હેતુ બસ એક જ હતો તારા ભાઈને સબક શીખવાડવાનો અને એના સાથી રાક્ષસોનો ખાત્મો બોલાવવાનો ઉન્નતી તું જાણે છે? શહરમાં જેટલા પણ છોકરીઓ પર કુકર્મો થયા છે તે ફક્ત અને ફક્ત ધનંજયે પોતાની હવસ અને જીવનભાઈ જેવા સીધા લોકોના કાંટા કાઢવા માટે કર્યા છે. ઉન્નતી પોલીસ જેમણે પણ પકડે છે તે નિર્દોષ છે તેઓ એવા લોકો છે જે કોઈકને કોઈક કારણસર તારા ભાઈને એની ગુનાહિત પ્રવૃતિઓ ચલાવવામાં નડતરરૂપ છે! ઉન્નતી આ બધાનો અંત પોલીસ કે ન્યાયતંત્ર નહી લાવી શકે! કારણ પૈસા આપી પોલીસનું મોઢું બંધ અને પત્રકારનું ખોલવામાં આવે છે. એમાં એમનો બિચારાઓનો પણ કોઈ વાંક નથી. તેઓ પણ પરિવાર લઈને બેઠા છે જો તેઓ ધનંજયના કહેવા પ્રમાણે ન કરે તો કાંતો એમની બદલી થાય અથવા અકસ્માતમાં જાન જાય! આ પાપલીલાઓનો કોઈ એ તો અંત લાવવો જ પડશે ને? અને ખોટું ન લગાડતી ઉન્નતી આ પાપ લીલામાં તું અને ઉર્વશીભાભી પણ શામિલ છું.

ઉન્નતી એ આશ્ચર્યથી કહ્યું “અમે?”

કાર્તિકે કહ્યું, “હા ઉન્નતી, જો પાપી વ્યક્તિના પાપની કમાઈને ઘરના લોકો જ હાથ લગાવવાનું છોડી દે તો એ દિવસે નક્કી આ દેશમાં રામરાજ્ય આવશે. પણ તમે ધનંજયને રોકવાની કે સમજાવવાની કોઈ જરૂરિયાત ન લાગી. પૈસાની ચમક દમકે તમારી બુદ્ધિ સુન્ન કરી દીધી.

ઉન્નતીએ કાર્તિકનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું “કાર્તિક મને નહોતી ખબર કે મારો ભાઈ આટલો નીચ હશે. અમે તો એણે એક બિઝનેસ મેન સમજતા હતાં. જો મને આ વાતની પહેલા જ ખબર હોત તો......” ત્યાંજ કેટલીક ગાડીઓ આવી રોકાઈ. અને ઉન્નતી અને કાર્તિકના કાન પર માઈકમાંથી બોલતો ધનંજયનો અવાજ સંભળાયો. “કાર્તિક મને ખબર છે તું આ ઝુંપડામાં જ છુપાઈને બેઠો છું. મારા દીકરા મોહિત અને બહેન ઉન્નતિને છોડી દે નહિતર ઝુપડા સાથે તને સળગાવી દઈશું.”

ઉન્નતી બોલી “કાર્તિક મોહિતને જવા દે નાના છોકરાને વેરની રમતમાં સામેલ બુજદિલ લોકો કરે છે. મર્દ નહી. અને હવે મારા ભાઈ સામે બદલો લેવા હું તારી સાથે છું.”

કાર્તિકે કહ્યું “ઠીક છે તું મોહિતને જવા દે ત્યાં સુધી હું મારી માતાને સલામત ઓરડામાં મૂકી આવું છું.”

ઉન્નતી મોહિતને બંધન મુક્ત કરતી જ હતી ત્યાં કાર્તિક પાછો આવ્યો એણે આવી મોહિતને નીચે જવાનો રસ્તો બતાવ્યો. એ રસ્તેથી ઝડપથી દોડીને મોહિત સીધો ધનંજય પાસે ગયો. પિતાના ગળે લાગી એ રડવા લાગ્યો. ત્યાંજ પાછળના બારણેથી કેટલાક ગુંડાઓએ આવીને કાર્તિકને ઘેરી લીધો. તેમાંથી એક ગુંડાએ કાર્તિક તરફ ગોળી ચલાવી પણ કાર્તિકે ગોળીનો વાર સ્ફૂર્તિથી ચુકાવી દીધો. ચિતાની જેમ કાર્તિકે એક છલાંગ ગુંડાઓ પર લગાવી ગુંડાઓ કંઈ સમજે તે પહેલા જ કાર્તિકના હાથ પગ ચાલવા લાગ્યાં. ગુંડાઓને એને હવે સંભાળવાનો કોઈ મોકો જ ન આપ્યો. હવાની જેમ લહેરાતા કાર્તિકે એક એક ગુંડાને ધૂળની જેમ ઉડાડવાનું શરૂ કર્યું. નીચે ધનંજય મોહિતની વાત સાંભળી લાલચોળ થઇ ગયો. એને માઈક પર કહેવાનું શરૂ કર્યું “ઉન્નતી.... મારી બહેન તું એ કાર્તિકના વાતોમાં આવી તારા ભાઈ સાથે બગાવત કરવા ઉતરી આવી છું? અત્યાર સુધી તારી સલામતી માટે હું ઝુપડાને ઉડાવતો નહોતો પણ હવે હું કાર્તિક સાથે તને પણ ઉડાવી દઈશ” આમ બોલી ધનંજયે વિઠ્ઠલને ઈશારો કર્યો. ત્યાંજ સાયરન વગાડતી પોલીસની જીપ આવતી જોઈ ધનંજય બોલ્યો “વિઠ્ઠલ પોલીસને કોણે બોલાવી?” વિઠ્ઠલે નકારમાં માથું હલાવ્યું. ધનંજય બોલ્યો “વિઠ્ઠલ પોલીસ આવે એ પહેલા તું ઉન્નતી અને કાર્તિકને મારી નાખ. હું નથી ઈચ્છતો કે આગળ જતાં તેઓ આપણા માટે મુસીબત બને.”

વિઠ્ઠલે હકારમાં માથું હલાવી ઝુપડા તરફ આગળ વધ્યો. અંદર ગુંડાઓ પર કાર્તિક હાવી થઇ રહ્યો છે તે જોઈ વિઠ્ઠલ કાર્તિકને કાબુમાં કેવી રીતે લાવવો એ વિષે વિચારવા લાગ્યો. ત્યાંજ એક ઓરડામાંથી એણે અવાજ સંભળાયો “એ પાછો આવશે ને?” ઝડપથી ઓરડાનો દરવાજો ખોલીને જયારે વિઠ્ઠલે અંદર જોયું તો ત્યાં ગાયત્રીબેનને જોઈ એ ચોંકી ઉઠ્યો “તું????? સારું થયું તું પણ મળી ગઈ હવે એ સાપના પિલ્લા સાથે તને પણ મારી દઈશ.” આમ બોલી વિઠ્ઠલે ગાયત્રીબેનના વાળ પકડ્યા અને એણે ખેચીને એ કાર્તિક પાસે લઇ આવ્યો અને બોલ્યો “કાર્તિક..... હથિયાર ફેંકી દે નહિતર તારી માને હું મારી નાખીશ.”

કાર્તિકે કહ્યું “મારી નાખ.... એમ પણ એ ક્યાં જીવતી છે? તમે તો એણે પાંચ વર્ષ પહેલાં જ જીવતાજીવ મારી નાખી છે. આજે તમારા જેવા શૈતાનોનો ખાત્મો કર્યા બાદ એમપણ એના જીવનનો કોઈ ધ્યેય બાકી નહિ રહે. ”

આમ બોલી કાર્તિક સિંહની જેમ બરાડ્યો “મારી નાખ....”

ગાયત્રીબેનના ગળે ચાકુ લગાડી ઉભેલો વિઠ્ઠલ એનું વિકરાળ રૂપ જોઈ બે ડગલા પાછો હટી ગયો. ત્યાંજ કાર્તિકના માથા પર જોરદાર ડંડાનો પ્રહાર થયો. કાર્તિક કંઈ સમજે તે પહેલાં જ એના આંખો સામે અંધારા છવાઈ ગયાં. એણે વળીને જોયું તો પાછળ હાથમાં ડંડો પકડીને ઉન્નતી ઉભી હતી. જમીન પર પછડાતાં પછડાતાં એ માત્ર એટલું બોલ્યો “દગાબાજ.....” આંખો બંધ કરતાં પહેલાં એના કાન પર ઉન્નતિના શબ્દો સંભળાયા “તને શું લાગ્યું કે હું તારી રચેલી જુઠી વાર્તાને સાચી માની બેસીશ?”

દીકરાને આમ જમીન પર ગબડી પડતા જોઈ ગાયત્રીબેન ચીખી ઉઠયા “આલોક......” જો કાર્તિક હોશમાં હોત તો એ જોઈ ખુશીથી એના હોશ ઉડી ગયાં હોત કે પાંચ વર્ષ પછી ફરીથી લાગેલા સદમાથી એની માતા ઠીક થઇ ગઈ છે. વિઠ્ઠલ કઈ કરે તે પહેલા જ પોલીસ ઉપર આવી ગઈ. એમણે આવી બેહોશ કાર્તિકને ગિરફ્તાર કર્યો. અને હેમખેમ ગાયત્રીને નીચે લઇ આવ્યા. વિઠ્ઠલે જયારે ધનંજયને બધી વાત કહી ત્યારે એમણે ખુશીથી ઉન્નતિને ગળે લગાડી. કાર્તિક હવે ભાનમાં આવી ગયેલો. પોલીસની જીપમાં બેસી તે ગુસ્સા મિશ્રિત આંખોથી વિઠ્ઠલ અને ધનંજયને જોતો હતો. વિઠ્ઠલ એની પાસે જઈ બોલ્યો “કેમ? અમને મારવા ચાલેલો? હવે બેટમજી જેલની હવા ખા.”

કાર્તિક હથકડીને જોતા બોલ્યો “મોકો બધાને મળે છે.”

પોલીસની જીપ જવા લાગી. ધનંજયનો હાથ પકડીને ઉભેલી ઉન્નતીએ જાણે ચીઢવતી હોય તેમ કાર્તિકને બાયનો ઈશારો કર્યો.

***

કોર્ટ ખચાખચ ભરેલો આજે કાર્તિકની સજા નક્કી થવાની હતી. મુખ્ય આરોપીના કટધરામાં કાર્તિક ઉભો હતો. સામે ગવાહના કેબીનમાં ધનંજય ઊભા રહી ગીતા પર હાથ રાખી કસમ ખાતા હતાં. વકીલે પૂછ્યું ‘શ્રીમાન ધનંજય આપનું શું કહેવું છે?”

ધનંજયે કહ્યું “સામે ઉભેલ આરોપી ઘણો ખતરનાક છે, એના ભોળા ચહેરાની પાછળ એક ભયાનક ગુનેગાર છુપાયેલો છે. એણે મારા માણસોને મારી નાખ્યા. એણે મારી બહેન ઉન્નતીને કિડનેપ કરી એના પર....” આગળનું વાક્ય એમણે ઈરાદા પૂર્વક અર્ધું મૂકી રડવાનું શરૂ કર્યું.

વકીલે કહ્યું “ધેટ્સ ઇટ યો ઓનર, હવે હું આ કેસના અહમ ગવાહ મિસ ઉન્નતિને અહીં બોલાવવા માગું છું.”

ઉન્નતી કટધરામાં ઉભી રહી. એની સામે ગીતા લાવવામાં આવી ત્યારે ઉન્નતી જજ સાહેબને સંબોધીને બોલી “જ્જ સાહેબ, જો આપની પરવાનગી હોય તો આ આખા કેસમાં સામિલ કેટલાક બીજા જરૂરી ગવાહને હું અહીં અદાલતમાં આપણી મંજુરીથી બોલાવવા માંગીશ.” જજે કહ્યું “મિસ ઉન્નતી જે કંઈ કહેવું હોય તે તમે કહો.”

ઉન્નતી બોલી “જજ સાહેબ ગુનેગારના અત્યાચારનું માપદંડ કાઢ્યા સિવાય આપ કેવી રીતે એની સજા નક્કી કરી શકશો? જ્જ સાહેબ હું પોતે વકીલ છું. અને હવે આગળનો કાર્તિકનો કેસ હું લડવા માંગું છું. આપશ્રી કૃપા કરી મને પરવાનગી આપો.”

ઉન્નતીએ આગળનો કેસ લડતા કેટલીક મહિલાઓને કોર્ટ રૂમમાં બોલાવી. એક જે મુખ્ય મહિલા હતી તે ગવાહના કેબીનમાં આવી ઉભી રહી. ઉન્નતીએ એણે સવાલ કર્યો “મી. કાર્તિક તમને અવારનવાર મળતાં એનું કારણ શું?”

એ મહિલા બોલી “જજ સાહેબ મારૂ નામ સરોજ છે. આજથી છ મહિના પહેલાં આ ધનંજય અને તેના સાથીઓએ મારી સાથે કુકર્મ કરી મને ચુપ રહેવાનું કહેલું વળી ધમકી આપેલી કે જો મેં મારૂ મોઢું ખોલ્યું છે તો તેઓ મને તથા મારા પરિવારને મારી નાખશે. પાછળથી એમણે સજ્જન જીવનભાઈને આ કેસમાં ફસાવ્યા. મને એ સાંભળી ઘણું દુઃખ થયું પણ હું બિચારી પણ શું કરતી?”

કોર્ટરૂમમાં થોડીવાર માટે સોંપો પડી ગયો. અને પછી ગણગણાટ શરૂ થયો. ધનંજય હાથ મસળવા લાગ્યાં. વિઠ્ઠલ ધીમેથી ત્યાંથી છટકી ગયો. અચરજ ભરી આંખે કાર્તિકે ઉન્નતી તરફ જોયું. જજે સાહેબ બોલ્યા “ઓર્ડર ... ઓર્ડર મિસ સરોજ તમે આગળ બોલો.” સરોજ “જજ સાહેબ, આ કાર્તિકભાઈ દેવતા છે. તેઓ એ ધનંજયના હવસની શિકાર બનેલી મારા જેવી બીજી બહેનોને સંગઠિત કરી. અને એમણે ધનંજયના અત્યાચાર સામે માથું ઉચકવાની હિંમત આપી. એમની પ્રેરણાદાયી વાતોથી અમારી હિંમત અને ખોવાઈ ગયેલું સ્વમાન પાછુ જાગૃત થયું. એ પછી અમે સતત ધનંજય અને તેના સાથીઓ પર નજર રાખવા લાગ્યાં. હવે, જયારે પણ તેઓ કોઈ છોકરી જોડે કુકર્મ કરવાનો પ્રયાસ કરતાં અમો લોકો ત્યાં પહોંચી એમણે મારી ફટકારી ભગાડતાં, ક્યારેક બીજા લોકો પણ અમારી મદદે આવતા. એકદિવસ સુલેમાન એક છોકરીને છેડવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે અમે એણે પકડીને મારવાનું શરૂ કર્યું. ત્યાં હાજર લોકોનું ટોળું પણ એવું વિફર્યું કે એમણે સુલેમાનને પ્રાણ જાય ત્યાં સુધી માર્યો. બબન બબલુ સાથે પણ આવું જ થયું. કાર્તિકભાઈના કહેવાથી ધનંજયને આડકતરી ચેતવણી આપવા અમે એ બન્નેની લાશ એના બગીચામાં આવેલ ઝાડ પર લટકાવી આવ્યા. જોકે બબન બબલુની લાશ લટકાવવાનો સમય ન મળ્યો તેથી એણે અમે બગીચામાં જ મૂકી દીધી. આ કામમાં ધનંજયના જ કેટલાક બોડીગાર્ડ અમારા કામમાં આવ્યા કારણ ધનંજયે પોતાની રાતો રંગીન બનાવવા એમની બહેનો કે દીકરીઓની જિંદગી સંગીન બનાવી હતી. સાહેબ ધનંજયના અત્યાચારે માઝા મૂકી હતી.”

હવે ઉન્નતી બોલી “જજ સાહેબ, મને મારા ભાઈની કરતુતની ખબર પડી ત્યારે હું જ મારા ભાઈને સબક શીખવાડવા એની સાથે થઈ ગઈ. એણે મને કિડનેપ કરી એવું કહેવું ખોટું છે. સાહેબ જો એ દિવસે મેં ફોન કરીને પોલીસને ન બોલાવ્યા હોત તો બીજા દિવસે અમારા બેઉની લાશ તમને ઝુંપડામાં પડેલી મળી હોત. વળી કાર્તિક કાબુમાં આવતો નથી એ જોઈ વિઠ્ઠલ તો એની માતાને મારવા જ જતો હતો. એ તો મેં સમયસુચકતા વાપરી ડંડો મારી કાર્તિકને બેહોશ કર્યો, જેથી એ કાબુમાં આવ્યો. વળી મારા ભાઈનો પણ મેં વિશ્વાસ જીતી લીધો તેથી જ તો તેઓ કાર્તિકને પોલીસને સોપી એના પર કેસ લડવા તૈયાર થયાં. નહિતર આ નીચે એણે બારોબાર જ મરાવી દીધો હોત.”

જજે નિર્ણય આપ્યો કે “આખા કેસને વિગતવાર સાંભળ્યા પછી અદાલત આ નિર્ણય લે છે કે કાર્તિકે કોઈ હત્યા નથી કરી અને જે પણ જાનહાની થઈ છે તે માત્રને માત્ર સ્ત્રીત્વનું રક્ષણ કરવા માટે થઈ છે જેથી અદાલત એણે બાઇજ્જત બરી કરે છે. સાથે જીવનભાઈ અને બીજા નિર્દોષોને પણ છોડી મુકવાનો આદેશ આપે છે. તથા ધનંજય તથા એના સાથીઓને ઉમરકૈદની સજા સંભળાવે છે.”

પોલીસે ધનંજયને હથકડી પહેરાવી લઇ જવા લાગ્યાં. ઉન્નતી દોડીને કાર્તિકને ભેટી પડી. બન્ને કોર્ટની બાહર આવેલ ગેલેરીમાં ઉભેલ ગાયત્રીબેનના પગે લાગ્યાં. ગાયત્રીબેન બન્નેને આશીર્વાદ આપતાં બોલ્યા “બન્ને જણ ખુશ રહો.”

ઉન્નતી બોલી “મિસ્ટર હવે તો હસો.”

કાર્તિક બોલ્યો “ઉન્નતી ધનજંય અને વિઠ્ઠલ જીવતાં રહ્યા એનો મને કાયમ રંજ રહેશે.”

ત્યાંજ ગાયત્રીબેન ચિલ્લાયા “બેટા.....” કાર્તિકે વળીને જોયું તો પાછળ કોર્ટરૂમમાં છુપાઈ બેસેલો વિઠ્ઠલ એક મોટી વજનદાર લાકડાની ખુરશી લઇ એના પર હુમલો કરવા જતો હતો. અચાનક થયેલા હુમલાથી કાર્તિક ડઘાઈ ગયો. અને હુમલાથી બચવા એકતરફ હટી ગયો. અચાનક કાર્તિક આમ હટી જતાં વિઠ્ઠલ પોતાનું સમતોલન ખોઈ બેઠો અને સીધો કોર્ટરૂમની ગેલેરીમાંથી નીચે પોલીસ દ્વારા પકડીને લઇ જવાતાં ધનંજય પર પડ્યો. ઉન્નતી અને કાર્તિકે નીચે જોયું તો ધનંજય અને વિઠ્ઠલની લોહી લુહાણ લાશ પાસે લોકોના ટોળાં ઊભા હતાં. કાર્તિકની આંખો સામે જ આવેલા ન્યાયની દેવીના પૂતળાની સામે ઝુકી પડી.

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED