પ્રસંગ એક પ્રવાહ બે - 2-1 Prashant Salunke દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રસંગ એક પ્રવાહ બે - 2-1

પ્રવાહ બીજો

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો લેખકની કલ્પના છે. એનુ જીવિત કે મૃત કોઈ વ્યકિત સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

પ્રવાહ બીજો

ક્યાંકથી પાછા ફરેલ કાર્તિકને લઘરવઘર હાલતે બેસેલી માતા ગાયત્રીબેને કાર્તિકને પૂછ્યું “બેટા આલોક, એણે લઇ આવ્યો?”

કાર્તિક બોલ્યો “મા,, મને આલોક આ નામથી ન બોલાવીશ, દુશ્મનોને છેતરવા મેં મારૂ નામ કાર્તિક રાખ્યું છે.”

ગાયત્રીબેને ફરી પૂછ્યું “બેટા આલોક, એણે લઇ આવ્યો?”

આંખમાં આંસુ લાવી કાર્તિક બોલ્યો “જલ્દી જ મા... જલ્દી જ હું એણે લઈ આવીશ.”

ગાયત્રીબેને કહ્યું “પણ ક્યારે? હું એણે જોવા માંગું છું!”

કાર્તિક “બસ મા એમ સમજ કે હું તારી ઈચ્છા પૂર્ણ કરવા જ હું અહીં આવ્યો છું. ધીરજ રાખ મા, હું કઇક કરું છું”

ગાયત્રીબેન “બેટા, એ આપણા ઘરમાં આવશે ને?”

કાર્તિક આંખમાં આવેલ આંસુને લૂછતાં બોલ્યો “ચોક્કસ મા”

***

કંઈ કેટલીય કંપનીના માલિક અને લોકપ્રિય નેતા એવા શેઠ ધનંજયને ત્યાં આજે તેમના છોકરાની વર્ષગાંઠની ઉજવણી હતી. મહેલ જેવી એમની સંપૂર્ણ હવેલી આજે સોળે શણગારે સજેલી હતી. ખાનપાન અને નાચગાનમાં આવેલા મહેમાનો મસ્ત હતાં. કંઈ કેટલાય જુવાન વેઈટરો મહેમાનોની આગતાસ્વાગતામાં વ્યસ્ત હતાં. શેઠ ધનંજય ટૂંકા ગાળામાં સફળતાના શિખરો પર બિરાજમાન થયાં હતાં. એમાં સૌથી મોટો ફાળો હતો એમની પત્ની ઉર્વશીનો તેઓ આજે જે કંઈ હતાં તે એમની પત્ની ઉર્વશીને લીધે હતાં. ઉર્વશીના પિતાજી પૈસાદાર અને વગદાર માણસ હતાં સાથે ધનંજય પણ એ સારી પેઠે જાણતો હતો કે ઝડપી સફળતા કયારેય બુરા કામો સિવાય મળતી નથી. સફળતાને ઝડપી બનાવવા માટે કુકર્મોનું ગીયર નાખવું જ પડે. અને શેઠ ધનંજયને આ ગીયર બદલતાં સારી પેઠે આવડતાં હતાં. આ નેતાઓની સાઠગાંઠ અને ગુંડાઓ સાથે મળી કરેલા કાવાદાવાનું પરિણામ જ હતું કે આજે નુક્કડનો એક મામુલી ગુંડો ધન્ના આજે શેઠ ધનંજયનો દરજ્જો પામ્યો હતો. ગલીમાં છોકરીઓ પાછળ આવારાગર્દી કરતા વિકિની પાછળ આજે કંઈ કેટલીય અભિનેત્રીઓ આગળપાછળ ફરતી હતી. વિઠ્ઠલ, સુલેમાન, મનોજ ઉર્ફે મુન્નાભાઈ, બબન બબલુ, હસન હટેલા જેવા કંઈ કેટલાય ગુંડાઓનું એણે સરક્ષણ હતું. એક જમનામાં ધનંજયે આમની સાથે મળી અનેક કાળા કામો કરેલાં. એજ કારણથી આજે ધનંજય શહરનું મોટું માથું હતું અને તેથી જ તેની આ પાર્ટીમાં શહરના નામી અનામી એવા દરેક પ્રખ્યાત લોકો હાજરી આપવા આવ્યા હતાં. પણ કહે છે ને કે બુરા લોકોના દુશ્મનોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. ધનંજયની એડોકેટ બહેન ઉન્નતી જે ૨૫ વર્ષની હશે તે પણ પાર્ટીમાં બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. એના સુંદર આકર્ષક ચહેરો બધાનું ધ્યાન ખેચી રહ્યો હતો. આવા સમયે ધનંજય પાસે શહરના ખ્યાતનામ એવા સમાજ સેવક જીવનભાઈ આવ્યા અને ધનંજયને નમસ્કાર કરતાં પૂછ્યું “આજકાલ તમારા વિસ્તારમાં છોકરીઓ સાથેની છેડતીના અને એમણે બેઆબરૂ કરી મારી નાખવાના કિસ્સાઓ વધી રહ્યા છે. તો એ બાબતે તમે શો નિર્ણય લીધો છે?”

ધનંજયે હસતાં હસતા કહ્યું “નામદાર કદાચ આપ જાણતા નહિ હોવ પણ કાયદો અને અનુશાસનનું મારા વિસ્તારમાં કઠોર પાલન થાય છે. જેમણે પણ આ કુકર્મો કર્યા છે તેઓ બીજે જ દિવસે પકડાયા છે. અને એમણે આકરામાં આકરી શિક્ષા પણ કરવામાં આવી છે.” જોકે આ વાત તો જીવનભાઈ સાથે આખું શહર જાણતું હતું કે ધનંજયના મત વિસ્તારમાં પોલીસ આ બાબતે ઘણી સક્રિય હતી. જીવનભાઈ એ પૂછ્યું “તેમ છતાં ગુન્હા તો ઓછા થવાનું નામ લેતું જ નથી ઉલટા દિવસે ન વધે એટલા રાત્રે તે વધી રહ્યા છે!”

ધનંજયે કહ્યું “માફ કરજો નામદાર પણ આ બાબતે છોકરીઓનો પણ દોષ છે. હવે નખરાળી છોકરીઓ રાત્રે સડક પર ટૂંકા કપડાં પહેરી યુવાનોને જાહેર આમંત્રણ આપતી ફરે તો ભૂખ્યા વરુ જેવા જુવાનો એમની પર ત્રાટકવાના જ! એમાં અમે પણ શું કરીએ? તમે સમાજસુધારક છો તો સુધારો જરા સમાજ ને. આજે વિદેશી મહિલાઓ જયારે સાડી પહેરી ફરતી હોય ત્યારે તમારા જ સમાજ સુધાર કેન્દ્રના વિસ્તારની મહિલા વિદેશી ટૂંકા કપડા પહેરી ફરી રહી છે. શું સુધારો છો આપ સમાજ?”

જીવનભાઈ એ કહ્યું “માફ કરો પણ મેં સાંભળ્યું છે કે ..” વાતને ટાળતા ધનંજય બોલ્યા “માફ કરો તમે શું સાંભળ્યું અને શું નહિ સાંભળ્યું એનો જવાબ આપવા આપણે અહીં ભેગા નથી થયા વડીલ. આ મારા દીકરાની જન્મદિવસની ઉજવણી છે એનો આંનદ લો અને જો આનંદ ન લેવાતો હોય તો આપ જઈ શકો છો.”

જીવનદાસ કટુ હ્રદયે પાર્ટી છોડીને જતાં રહ્યા. એમણે આમ પાર્ટી છોડી જતાં જોઈ નામચીન વકીલ મિશ્રા ધનંજય પાસે આવ્યા. મિશ્રા એ પૂછ્યું “શું થયું?”

ધનંજયે કહ્યું “નથીંગ... જસ્ટ એન્જોય..... આ સમાજસેવક કંઈક વધારે જ ઉછળી રહ્યો છે. હવે સમાજ સામે એનો વાસ્તવિક ચહેરો લાવવો જ પડશે.”

મિશ્રા ખડખડાટ હસી પડ્યા “નામ બડે ઔર દર્શન છોટે”

ધનંજયે કહ્યું “હા એવું જ કંઈક... ગોઠવો કોઈક વ્યવસ્થા”

આખરે એ ભપકાદાર પાર્ટી પૂરી થઇ. દારૂની રેલમછેલમનો અંત આવ્યો. આવેલ મેહમાનો ઘરે જવા લાગ્યાં. છેલ્લે રહ્યા કામ કરનાર નોકરો અને વેઈટરો. થોડાસમય પછી તેઓ પણ જતાં રહ્યા. ધનંજયે જોયું કે દુર ખૂણામાં હજી પણ એક યુવાન વેઈટર ઉભો હતો જે કાર્તિક હતો. શેઠ ધનંજયને કુતુહલ થયું. તેઓ કાર્તિક પાસે આવ્યા. લગભગ ત્રીસએક વર્ષનો કાર્તિક આકર્ષક લાગતો હતો. ધનંજયે પૂછ્યું “ઘરે નથી જવું?”

કાર્તિક બોલ્યો “ના સાહેબ તમારા સાથે વાત કરવી છે?”

ધનંજયે પૂછ્યું “બોલ શું કહેવું છે?”

કાર્તિકે હાથ જોડીને કહ્યું “સાહેબ મને નોકરી જોઇએ, ખુબ ગરીબ છું.

મને કામ આપો. તનતોડ મહેનત કરી તમારા દરેક કામો કરીશ.” ધનંજયે પૂછ્યું “શું કામ કરીશ?”

કાર્તિક બોલ્યો “તમે જે કહેશો તે કરીશ”

ધનંજયે કંઈક વિચારીને કહ્યું “ઠીક છે મારે એમપણ એક ડ્રાઈવરની જરૂર હતી. કાલથી તું કામ પર આવી જા..પગાર વગેરેની વાત તું અમારા મેનેજર જોડે કરી લે.. એક મીનીટ” આમ બોલી ધનંજયે મનેજરને બોલાવ્યો “વિઠ્ઠલ......”

એક તાકતવર શરીરનો માલિક એવો વિઠ્ઠલ બાજુમાં આવેલ ઓફિસમાંથી દોડતો દોડતો આવ્યો. ધનંજયે કહ્યું “વિઠ્ઠલ આ છોકરાને મેં ડ્રાઈવર તરીકે રાખ્યો છે આને તું બરાબર બધું સમજાવી દે. છોકરા તારી પાસે લાઇસેંસ છે ને?”

કાર્તિકે કહ્યું “હાજી....” વિઠ્ઠલ કાર્તિકને લઈને કંઈક સમજાવતાં સમજાવતાં ગેટ સુધી ગયો. ધનંજયે સ્પષ્ટ સાંભળ્યું “ના..સાહેબ ના..ગાડીમાં થતી વાતચીત મારા દિલના કોફીનમાં દફન થઈ જશે. તમે ભરોસો રાખો” કાર્તિકને વિદાય આપી વિઠ્ઠલ પાછો આવ્યો.

ધનંજય બોલ્યા “વિઠ્ઠલ.. છોકરાને મેં નામ પૂછ્યા વગર જ નોકરી પર રાખી લીધો...”

વિઠ્ઠલ બોલ્યો “જાણું છું સાહેબ બધું બરાબર જાણું છું... વર્ષોથી તમારે ત્યાં નોકરી કરું છું. મને ખબર છે કે તમે નોકરી પર આવતાં દરેક જણનો વિશ્વાસ મેળવવા આમ જ કરતાં હોવ છો પણ તમે બેફીકર રહો, પાર્ટીમાં આવતાં તમામ નોકરોની મેં પહેલેથી જ સંપૂર્ણ વિગત લીધી હતી અને ખાતરી કર્યા બાદ જ તેમણે પાર્ટીમાં આવવાનો મોકો મળ્યો હતો. આ છોકરો પણ વિશ્વાસુ જ છે આપણા જગમોહન શેઠના સિફારીશથી અહીં આવ્યો છે.”

વિઠ્ઠલે ખિસ્સામાંથી ડાયરી કાઢતાં કહ્યું “એનું નામ કાર્તિક છે કોપરીચાળમાં રહે છે. ગરીબ છે બિચારા”

ધનંજય બોલ્યા “હમમમ.... છોકરો કેવો છે?”

વિઠ્ઠલે કહ્યું “એકદમ સીદો સાદો છે શેઠ... એકદમ વિશ્વાસુ, પણ આનો ભાઈ એક નંબરનો હરામી હતો એમ કહેવાય છે. પોલીસ પકડી લઇ ગઈ હતી પણ જિલ્લતથી બચવા એણે જેલમાં જ ફાંસો ખાઇ પોતાનો જીવ વહાલો કર્યો હતો.”

ધનંજય “આ પણ એના ભાઈ જેવો....”

વિઠ્ઠલ “ના... ના.. શેઠ આ છોકરા વિષે એવી કોઈ માહિતી નથી. તેમ છતાંય આપણે હજી તપાસ કરાવી રહ્યા છીએ.”

ધનંજય બોલ્યા “વિઠ્ઠલ, છોકરાની આંખોમાં કંઈક કરી બતાવવાનું ઝનુન દેખાય છે. જો આ પણ એના ભાઈ જેવો જ હરામી નીકળે તો આપણા ધંધામાં ખુબ કામ આવશે.”

વિઠ્ઠલે કહ્યું “નહિ શેઠ, છોકરો સીધો છે.. ઉલટા કામો કરવાનું કહીશું તો નોકરી છોડી દેશે”

ધનંજય બોલ્યા “પૈસાની ગરમી ભલભલાના દિમાગ ફેરવી દે છે, ઠીક છે સમય આવ્યે જોઈશું એનું શું કરવાનું છે તે.”

***

કાર્તિક ધાર્યા કરતાં વધારે મહેનતુ સાબિત થયો. નિયમિત પણ એટલો જ, સમયસર કામ પર આવે. ફાજલ સમયમાં કારમાં બેસી રહેવાને બદલે, ઘરનાં બધા કામો કરે! ધીરે ધીરે કાર્તિકે શેઠ ધનંજયના પરિવારજનોનું દિલ જીતી લીધું. એની પ્રામાણિકતા જોઈ ધનંજયને સમજાઈ ગયું હતું કે કાર્તિક જોડે ઉલ્ટા ધંધાની વાત કરવા જતાં તેઓ એક સારો ડ્રાઈવર ખોઈ બેસશે. ધનંજયને કાર્તિકની આંખોમાં એક અલગ ફિતૂર, એક અજીબ પાગલપન દેખાતું હતું! પણ એ દીવાનગી શેની હશે? તે વાત ધનંજયને સતત મૂંઝવતી રહેતી. શેઠ ધનંજયની બહેન ઉન્નતી સતત બોડીગાર્ડથી ઘેરાયેલી રહેતી. માણસના કુકર્મો જયારે વધતાં જાય છે તેમ તેમ એના દુશ્મનોની સંખ્યા પણ વધતી જાય છે. ધનંજય પોતાની બહેનને જીવની જેમ સાચવતો. પરિણામે ઉન્નતી પણ એટલી જ વિફરી ગઈ હતી. એ દિવસે ધનંજય બીજી ગાડી લઈને ગયા હતાં. કાર્તિક નવરો જ હતો ત્યાંજ ધનંજયની પત્ની ઉર્વશી આવી કાર્તિકને આમ ઉભેલો જોઈ તે બોલી “કાર્તિક મારૂ એક કામ કરીશ?”

કાર્તિકે કહ્યું “બોલો ને મેડમ?”

ઉર્વશી બોલી “ઉપરના ઓરડામાં મોહિત ઉંઘી રહ્યો છે એને ઉઠાડી નીચે લઇ આવને કહેજે કે મમ્મા બોલાવે છે”

કાર્તિક તુરંત હકારમાં માથું હલાવી ઉપરના ઓરડામાં ગયો. મોહિત બાબાના કમરાનો દરવાજો ખોલી એને જોયું તો અંદર મોહિત જોડે ઉન્નતી પણ સુતી હતી! કાર્તિકે ધીમે પગલે અંદર રૂમમાં પ્રવેશ કર્યો. એણે રૂમની અંદર આવેલી બારીમાંથી નીચે જોઈ પરિસ્થિતિનો ક્યાસ કાઢતાં વિચાર્યું “અહીંથી એણે લઈને ભાગવામાં વાંધો નહિ આવે.” બારીની ઊંચાઈ જમીનથી કોઈ ખાસ વધારે નહોતી. અને હવેલીનો પાછલો ભાગ હોવાથી અહીં અત્યારે કોઈ ખાસ ચોકીદારી પણ નહોતી. કાર્તિકે ખિસ્સામાંથી એક રૂમાલ બાહર કાઢ્યો અને તેના પર બેહોશીની દવા નાખી તે પલંગ તરફ આગળ વધ્યો. ત્યાંજ ઉન્નતીની આંખ ખુલી ગઈ “તું.... તું... અહીં મોહિતના કમરામાં શું કરે છે?” ઝડપભેર રૂમાલને પાછો ખિસ્સામાં મુકતો એ બોલ્યો “ઉર્વશી મેડમ. મોહિતબાબાને નીચે બોલાવે છે?” આશ્ચર્યથી ઉન્નતી બોલી “તો? આ માટે મોહિતની આયા નહોતી?”

કાર્તિક “મને એની શું ખબર? મેડમ બોલ્યા એટલે હું આવ્યો”

ઉન્નતી : “તો કંઈ આમ કમરામાં ઘુસી આવવાનું? જોતો નથી અંદર હું સુતી છું? બાહર ઊભા રહી દરવાજો ખટખટાવી શકાય ને?”

કાર્તિક બોલ્યો “સોરી મેડમ”

ઉન્નતીએ કહ્યું “જાહિલ....ગવાર....”

આમ બોલી ઉન્નતી મોહિતને લઈને નીચે ગઈ. કાર્તિકે મુઠ્ઠીઓ ભીંચીને દીવાર પર જોરથી પછાડી.

***

નોકરીથી પાછો પોતાના ઝુંપડામાં આવી કાર્તિક ચુપચાપ પલંગ પર બેસી ગયો. સામે એક લઘરવઘર હાલતે એક સ્ત્રી પોતાનું માથું ખંજવાળતા કાર્તિકને પૂછ્યું “બેટા આલોક એણે લઇ આવ્યો?” આંખમાં આંસુ લાવી કાર્તિક બોલ્યો “જલ્દી જ મા... જલ્દી જ તારું સ્વપ્ન પૂર્ણ થશે...જલ્દી જ હું એણે લઈ આવીશ.”

ગાયત્રીબેને કહ્યું “પણ ક્યારે? હું એણે જોવા માંગું છું!”

કાર્તિકે રસોઈ ઘરમાં જઈ પાણીનો ગલાસ લાવી એની માતાને આપતા બોલ્યો “મા, પાણી પી લે હું હમણાં જ ગરમાગરમ ખાવાનું બનાવું છું.”

ગાયત્રીબેન બોલ્યા “બેટા, આલોક આપણે અહીં કેમ આવ્યા? આપણું આટલું મોટું ઘર, જમીન છોડી અહીં કેમ આવ્યા છીએ?”

કાર્તિક “બસ મા એમ સમજ કે હું તારા સ્વપ્ના પૂર્ણ કરવા જ અહીં આવ્યો છું. એ ઘરમાં નોકરી કરી આટલા દિવસથી હું લાચારી અને જિલ્લત ફક્ત તારા માટે ભોગવી રહ્યો છું.” મનમાં ને મનમાં એ બોલ્યો “મા ધીરજ રાખ બધું સારાવાના થશે. હું છું ને? કઇક કરું છું” કાર્તિકે જમવાનું તૈયાર કર્યું. માને લાડથી જમાડ્યું. જમાડતી વખતે કેટલીકવાર એની માના મોઢામાંથી કોળિયો બાહર આવી કપડા પર પડતો. કાર્તિક એણે લુંછી બીજો કોળિયો માના મોઢામાં પ્રેમથી નાખતો. ભોજન પતાવી કાર્તિકે એની માને પથારીમાં સુવડાવી લાઈટ બંધ કરવા જ જતો હતો કે એની માએ એનો હાથ પકડી પૂછ્યું “બેટા, એ આપણા ઘરમાં આવશે ને?”

કાર્તિકની આંખમાં આવેલ આંસુને લૂછતાં એ બોલ્યો “ચોક્કસ મા” આમ બોલી એણે લાઈટ બંધ કરી ઝડપભેર બહાર નીકળી ગયો.

***

બીજા દિવસે કાર્તિક વહેલી સવારે જ ડ્યુટી પર નીકળી ગયો. શેઠ ધનંજયની હવેલીમાં પોહોચતા જ એની નજર ધનંજયના દીકરા મોહિત સાથે રમતી ઉન્નતી પર પડી. આસપાસ કોઈ હતું નહિ! “આજ સારો લાગ છે” આવું કાર્તિક વિચારતો જ હતો કે ત્યાંજ મોહિતે ફેંકેલો દડો કાર્તિકના પગ પાસે આવી પડ્યો. એ દડો લેવા ઉન્નતી દોડતી દોડતી આવી. કાર્તિક ઉન્નતીને મંત્રમુગ્ધ થઇ જોવા લાગ્યો. ત્યાંજ કાર્તિકના વિચારોને ખંખેરતો ઉન્નતીનો અવાજ એના કાને સંભળાયો “એ ડોબા... આમ ઉભો શું છે.. જોતો નથી તારા પગ પાસે દડો પડ્યો છે તે? ચાલ આપ મને, ખોટી આટલી દોડાવી” કાર્તિકે દડો ઊંચકી ઉન્નતીને આપવા નજીક ગયો. ત્યાંજ ઉન્નતી ચીખી ઉઠી. કાર્તિક સાથે બાલ્કનીમાં ઉભેલા ધનંજય પણ ચોંકી ઉઠયા. એમણી નજર ઉન્નતી જ્યાં જોતી હતી એ દિશા પર ગઈ. અને એ સાથે જાણે એમના પગ નીચેની જમીન સરકી ગઈ હોય તેમ તેઓ મોઢું ઉઘાડું રાખી જોવા લાગ્યાં. ઝાડ પર સુલેમાનની લાશ લટકતી હતી. તુરંત આસપાસથી બોડીગાર્ડ દોડતાં આવ્યા. અને ઝાડ પર લટકતી સુલેમાનની લાશને નીચે ઉતારી. બેભાનપણે દોડતાં ભાગતાં ધનંજય સુલેમાનની લાશ પાસે આવ્યા. બેઘડી લાશને ટગર ટગર જોયા બાદ ધનંજય શરીર ઢાળી લાશની નજીક ઘુટણીયે બેઠા. “સુલેમાન, આંખો ખોલ મારા ભાઈ... સુલેમાન.... બોલ મારા ભાઈ.....” ગુસ્સાથી આસપાસ ઉભેલા બોડીગાર્ડ તરફ નજર ફેરવી તેઓ બોલ્યા “સુલેમાનને મારી કોઈ ઝાડ પર લટકાવી ગયું અને ત્યારે તમે શું કરતાં હતાં?”

કાર્તિકે તુરંત ફોન કાઢી નંબર મેળવવા લાગ્યો. એણે જોઈ ધનંજય બોલ્યા “શું કરે છે?”

કાર્તિક “પોલીસને ફોન.....”

ધનંજય ગુસ્સામાં તાડુક્યા “બેવકૂફ... ધનંજયના સાથીને કોઈ મારી એના જ ઘરમાં લટકાવી ગયું. એનો તું આખા ગામમાં ઢંઢેરો પીટવા માંગે છે.. મુક ફોન... યાદ રાખો મને સુલેમાનનો કાતિલ બે દિવસમાં મારી સામે જોઇએ... બબન..... બબન”

કાળો તગડો બબન બબલુ ધનંજય પાસે આવ્યો.”બોલો શેઠ”

ધનંજય “બબલુ... આપણા સુલેમાનનો કાતિલ મને જોઇએ... જીવતો કે મરેલો, પુરો કે કપાયેલો, સળગેલો કે ચીરાયેલો ગમે તે હાલતે મને એ મારી સામે જોઈએ..”

બબને કહ્યું “શેઠ કાલે સવારે એ જે કોઇપણ હશે એણે પાતાળમાંથી શોધીને તમારી સામે હાજર કરીશ...”

***

કાર્તિક વહેલી સવારે આવી માલિક ધનંજયની ગાડી સાફ કરી રહ્યો હતો ત્યાંજ ઉન્નતીની ગાડીનો વૃદ્ધ ડ્રાઈવર જેસીંગ કાર્તિક પાસે આવી બોલ્યો “આજના સામચાર વાંચ્યા?”

કાર્તિકે કહ્યું “ના કેમ? શું થયું?”

જેસીગે કહ્યું “અરે ન બનવા જેવું બની ગયું. આપણે જેણે ભગવાન માનતા હતાં તે જીવનભાઈ શેતાન નીકળ્યા! શેતાન!!!”

કાર્તિકે કહ્યું “પણ એવું તે શું થયું?”

જેસીગે કહ્યું “અરે બે દિવસ પહેલા હાઇવે પર કુકર્મ કરી છોકરીની નિર્મમ હત્યા કરનાર મુખ્ય આરોપી બીજા કોઈ નહિ પણ જીવનભાઈ જ હતાં! બેટા ઘોર કલયુગ છે. કોણા પર વિશ્વાસ કરવો? અહીં તો ભાઈ નામ બડે ઔર દર્શન છોટે જેવી પરિસ્થિતિ છે.”

કાર્તિકે કહ્યું “ચિંતા ન કરો, શહરને સુરક્ષીત રાખવા માટે આપણા શેઠ સાહેબ છે ને, આ બધાને પકડી એમણે આકરી સજા આપશે.”

ધનંજયે બાલ્કનીમાંથી બુમ પાડી “જેસીંગ બબનને ઉપર મોકલ...”

જેસીંગે આશ્ચર્ય સાથે કહ્યું “શેઠ બબન તો હજી આવ્યો જ નથી.”

ધનંજયે કહ્યું “અરે એ કેવી રીતે બને? હમણા જ એનો મેસેજ આવ્યો છે કે માલિક બાહર આવો તમારા દુશ્મનની લાશ જોવા.”

જેસીંગે કહ્યું “સાહેબ અહીં કોઈ નથી.”

ધનંજય હવે કાર્તિક અને જેસીંગની સામે ઊભા હતાં. મોબાઈલમાં વાંચી સંભળાવતા કહ્યું “જુવો એણે મેસેજ મોકલ્યો છે કે માલિક તમે નીચે આવો. હું તમારા દુશ્મનને લઈને આવ્યો છું.”

કાર્તિક બોલ્યો “શેઠ ફોન કરી પૂછી જુવોને ક્યાં છે એમ!”

ધનંજયે બબન બબલુને ફોન લગાવ્યો, પણ સામે મોબાઈલ સ્વીચ ઓફ હતો. ધનંજય અસમંજસમાં બબલુએ મેસેજ કરેલ જગ્યા તરફ ગયા. ત્યાં પોહોચીને એમણે જોયું તો એમની આંખો પહોળી થઈ ગઈ. બબલુની લાશ એમની સામે આંખો ફાડી પડી હતી! ગુસ્સામાં મુઠ્ઠીઓ ભીંચી ધનંજય ચીખી ઉઠ્યા એમની બુમ સાંભળી બોડીગાર્ડ સાથે વિઠ્ઠલ, મુન્નાભાઈ, અને હસન હટેલા પણ દોડી આવ્યા.

***

મુસીબત આવે તો ચારે બાજુથી આવે અને આજનો દિવસ ધનંજય માટે એવો જ હતો. અંદર ઘરમાંથી ઉન્નતી દોડતી દોડતી આવી અને ધનંજયને બોલી “ભાઈ, મોહિતને સવારથી જ તાવ ચઢ્યો છે. ધનંજયે કહ્યું “તો ડોક્ટરને ફોન કરી બોલાવી લો” ઉન્નતી “સવારથી પ્રયત્ન કરીએ છીએ પણ ડોક્ટર ફોન નથી ઉપાડતાં”

ધનંજય પરેશાનીમાં બોલ્યા “કદાચ તેઓ ઓપરેશન થીએટરમાં હશે આમ ડોક્ટરને ફોન કરવા કરતાં એણે તું દવાખાને લઈ જા. ઉન્નતી હું બહુ ટેન્શનમાં છું કોઈ મારા ઘરમાં પ્રવેશી મારી ઈજ્જતના ધજાગરા કરી રહ્યું છે.”

ઉર્વશી બોલી “ઉન્નતી તું મોહિતને લઇ દવાખાને જા. હસન તું ઉન્નતી જોડે જા.”

હસન હટેલા તુરંત ગાડી લેવા ગયો. ધનંજય થોડું વિચારીને બોલ્યા “કાર્તિક તું પણ સાથે જા... જે પ્રકારે મારા માણસોને કોઈ મારી રહ્યું છે તે જોતા એકલા હસન સાથે ઉન્નતીને ન મોકલાય.”

ઉર્વશી બોલી “એક કામ કરું છું હું પણ તારી સાથે આવું છું.” ઉન્નતી બોલી “ભાભી આટલો સમય નથી હું ઝટ ગઈ ને પટ આવી.”

ધનંજય બોલ્યા “ઉર્વશી કાર્તિક વિશ્વાસુ છે. એ સાથે હોય ત્યારે ઉન્નતીને કોઈ વાંધો નથી”

ઉર્વશી બોલી “અરે એ તો હું ભૂલી જ ગઈ, કાર્તિક હોય તો ઉન્નતીને બોડીગાર્ડની પણ જરૂર નથી.”

હસન ગાડી લઇ આવ્યો. ઉન્નતી મોહિતને લઇ અંદર બેસી. કાર્તિક ડ્રાઈવર સીટ પાસે જઈ હસનને બોલ્યો “લાવ હું ગાડી ચલાવું” હસન બોલ્યો “કેમ મને ચાલવતા નથી આવડતી એમ સમજે છે?” કાર્તિક કંઈ બોલવા જતો હતો ત્યાં પાછળથી ઉન્નતી બોલી “ચલ બેસી જા જલ્દી આપણી પાસે સમય નથી. હસન તું સીધો મેર્વલ દવાખાને ગાડી લઈ ચાલ. બીજી કોઈ આલતુફાલતુ અસ્પતાલ સામે ગાડી રોકતો નહી.. સમજ્યો?”

ઉન્નતી બોલી “હસન, જલ્દી ગાડી કાઢ...”

હસને ફટાફટ ગાડી સ્ટાર્ટ કરી પૂરપાટવેગે ગાડી દોડાવી. ગાડી ગેટમાંથી બાહર કાઢતી વખતે કાર્તિકે મુસ્કુરાતા એક નજર ધનંજય તરફ નાખી અને બીજી નજર સાઈડગ્લાસમાં મોહિતને લઈને બેસેલી ઉન્નતી પર! ગાડી એક વેરાન રસ્તા પર પુરપાટ ઝડપે દોડતી હતી. હસને વાત કાઢતાં કાર્તિકને કહ્યું “કાર્તિક જો જે આપણા માલિકના માણસોને જે કોઈ પણ મારી રહ્યો છે તે જો મારી સામે આવશે તો હું એણે જીવતો નહિ છોડું.”

કાર્તિક જવાબમાં માત્ર મુસ્કુરાયો.

હસન બોલ્યો “કાર્તિક, આ બબન અને સુલેમાન માત્ર દેખાવે ડરામણા હતાં બાકી અંદરથી એકદમ ડરપોક! એમણે મારીને જો કોઈ પોતાને તીસમારખાં સમજતો હોય તો એ ભૂલ ભરેલું છે.” ઉન્નતી વચ્ચે બોલી “અને મારા ભાઈ એ તીસમારખાંની બધી હોશિયારી કાઢી દેશે. એકવાર સામે આવે એટલે એનો ખેલ ખલાસ” હસન બોલ્યો “મેડમ મને તો એ કોઈ બાયલો લાગે છે જે આમ છુપાઈને વાર કરી રહ્યો છે. જયારે સામે આવશે ત્યારે આ હટેલાનું રૂપ જોઈ એની પેન્ટ.....” આગળનું વાક્ય જાણે સમજી ગઈ હોય તેમ ઉન્નતી હસવા લાગી. હસન પણ ગેલમાં આવી ગયો. ત્યાંજ ફૂર્તીથી કાર્તિકે એનો હાથ ચલાવ્યો. હસનનું માથું પકડી એણે જોરથી કારના સ્ટેરીંગ પર પછાડ્યું. વાર એટલો તાકતવર હતો કે હસનનું માથું જાણે સ્ટેરીંગ સાથે ચોંટી જ ગયું હતું જેના કારણે ગાડીનો હોર્ન સતત વાગતો હતો. ડ્રાઈવર વિનાની એ ગાડી સમતોલન ગુમાવીને રસ્તા પર લથડિયાં ખાવા લાગી. ઉન્નતી અચાનક થયેલા હુમલાથી હેબતાઈ જતાં પૂછ્યું “આ શું કર્યું?” કાર્તિક ચાલું ગાડીમાંથી હસનને નીચે રસ્તા પર ધકેલી ગાડીનું સ્ટેરીંગ પોતાના હસ્તક લેતા બોલ્યો “હટેલાને હટાવ્યો.”

કાર્તિક ગાડીને જંગલ તરફ વળાવી.

ઉન્નતીએ ગુસ્સામાં પૂછ્યું “ગાડીને ક્યાં લઇ જાય છે?”

કાર્તિક ચુપ રહ્યો

ઉન્નતી “તું મારા અપહરણનો પ્રયત્ન કરી રહ્યો છે? મારા!!!”

ગાડી પુરપાટ ઝડપે દોડતી હતી.

ઉન્નતી “કેટલાય દિવસથી મને લાગતું તો હતું જ કે તારી મારા પર બુરી નજર છે. પણ તારી આટલી હિમત થશે એમ નહોતું વિચાર્યું!” કાર્તિક પોતાની મસ્તીમાં જ ગાડી ચલાવતો હતો.

ઉન્નતી “તને ખબર છે મારો ભાઈ કોણ છે તે? ચાલ ગાડી રોક”

ગાડી દોડ્યે જતી હતી.

ઉન્નતી : એમણે જો આ વાતની ખબર પડશે તો?”

ગાડી રોકાવવાનું નામ જ લેતી નહોતી.

ઉન્નતી “તારી લાયકાત છે મને હાથ પણ લગાડવાની?”

ગાડીને જોરદાર બ્રેક લાગી. ઉન્નતીએ જોયું એક જંગલમાં તેઓ રોકાયા હતાં. અહીં એ બૂમાબૂમ કરે તો પણ કોઈ સાંભળવાનું નહોતું. કાર્તિકે કારની પાછળનો દરવાજો ખોલી ઉન્નતીને બાહર ખેંચી કાઢી. મોહિત “આંટી... આંટી.. કરતો ગાડીમાંથી બાહર નીકળવાનો પ્રયત્ન કરતો હતો ત્યાંજ કાર્તિકે કારનો દરવાજો બંધ કરી દીધો.

મોહિતનો અવાજ દરવાજા સાથે ગાડીમાંથી આવતો બંધ થઇ ગયો. કાર્તિકને પોતાની સામે ઉભેલ જોઈ ઉન્નતી પસીને રેબઝેબ થઈ ગઈ. પોતાની સાથે જે થવાનું હતું તેની કલ્પના માત્રથી તે કંપી ઉઠી કાર્તિક ઉન્નતીની એકદમ નજીક આવ્યો ઉન્નતી બે ડગલા પાછળ ખસતા બોલી “હરામખોર.. ખબરદાર મને હાથ પણ લગાવ્યો છે તો.”

કાર્તિકે ઉન્નતીના મોઢા પર હાથ મૂકી દીધો.

***

ત્યાં ઉન્નતી હજી સુધી પાછી આવી નથી તે વાતથી ઉર્વશી ઘણી ચિંતિત હતી. બોડીગાર્ડોને બોલાવી કહ્યું “ઉન્નતી સવારથી જ કાર્તિક અને હસન સાથે મોહિતને લઈને દવાખાને ગઈ છે. પણ હજી સુધી પાછી નથી આવી. તપાસ કરો એ લોકો ક્યાં છે તે?” ફટાફટ ગાડીઓ નીકળી. બોડીગાર્ડો પાગલની જેમ શહરનો ચપ્પો ચપ્પો ખુંદવા લાગ્યાં. ફોન કરીને ઉર્વશીએ ધનંજયને પણ ઘરે બોલાવ્યો. ધનંજય ઘરે આવતાં જ બોલ્યા “ઉન્નતીને ફોન કર્યો?” ઉર્વશી “હું એણે સતત ફોન કરું છું પણ એનો ફોન સ્વીચઓફ છે” ધનંજય “જરૂર કોઈક ગડબડ થઈ હશે, પોલીસને ફોન કર્યો?”

ઉર્વશી “ના... “

ધનંજય “કેમ?”

ઉર્વશી બોલી “મેં વિચાર્યું કે પોલીસને ફોન કરવાથી તમે ગુસ્સે થશો વળી ઉન્નતી જવાન છોકરી છે. પોલીસને કહીશું તો પુરા શહરમાં વાત આગની જેમ ફેલાઈ જશે કે શેઠ ધનંજયની બહેન ઉન્નતી એમના જ એક ડ્રાઈવર સાથે સવારથી જ ગાયબ છે. લોકો તરેહ તરેહની વાતો કરશે! પછી એ લોકોના મોઢા કોણ બંધ કરશે?” ધનંજય બોલ્યા “ઉન્નતીનું અપહરણ કરનારને હું છોડું નહિ.” ઉર્વશી બોલી “સાથે મારો મોહિત પણ છે એની તબિયત પણ ખરાબ છે. કોણ જાણે બેઉ કેવી હાલતમાં હશે?”

ધનંજય બેચેન થઈને ઉન્નતીના બોડીગાર્ડોને માહિતી મેળવવા ફોન કરવા લાગ્યાં.

***

મોહિત કારની બારીને ઠોકી ઠોકીને ચિલ્લાઈ રહ્યો હતો “છોડો મારી આંટીને ... છોડો...” પણ એનો અવાજ ગાડીમાંથી કોણે સંભળાય?” કાર્તિક ઉન્નતીનું મોઢું દબાવી રાખતા જ ગુસ્સાથી બોલ્યો “ચુપ...ચુપ... તું તારા મનમાં પોતાને શું સમજે છે? હુરપરી? બેવકૂફ તારા જેવી છોકરીની સામે હું થૂંકવા માટે પણ ન જોઉં. સમજી? તું મને પૂછે છે કે હું તારા ભાઈને ઓળખું છું? પાગલ... તારા ભાઈને હું તારા કરતાં સારી રીતે ઓળખું છું સમજી?”

અવાકપણે ઉન્નતી કાર્તિકેને જોઈ રહી. કાર્તિકે એણે દુર હડસેલતાં કહ્યું “મારી નજર તારા પર ક્યારેય હતી જ નહી. હું ફક્ત અને ફક્ત મોહિતને જ કિડનેપ કરવા માંગતો હતો...”

ઉન્નતી એ અચરજથી કહ્યું “પણ કેમ?” કાર્તિકે કારનો દરવાજો ખોલતાં કહ્યું “એ તારા ભાઈને પૂછજે, ધનંજયને કહેજે કે અનુરાગનો ભાઈ તારા દીકરાને લઇ ગયો છે. એ બધું સમજી જશે..”

ઉન્નતીએ કહ્યું “કાર્તિક.. મોહિતની તબિયત ખરાબ છે...”

કાર્તિકે કહ્યું “તમારા અમીરોના ચોચલા જ વધારે હોય છે કંઈ નથી થયું એણે! મામૂલી તાવ છે, ક્રોસીન આપીશ તો ઠીક થઇ જશે.” ઉન્નતીએ કહ્યું “પણ તું મોહિતને કેમ કિડનેપ કરવા માંગે છે? રૂપિયા માટે ને? મને કહે હમણા તું કહીશ એટલા રૂપિયાની હું વ્યવસ્થા કરી આપીશ બોલ કેટલા રૂપિયા જોઇએ તને?”

કાર્તિકે કહ્યું “તું બોલ તું મોહિતને કેટલામાં ખરીદવા માંગે છે?” ઉન્નતી થોડું વિચારતાં બોલી “એક કરોડ”

કાર્તિક બોલ્યો “તારા એક કરોડ કરતાં મને મારી માતાની ઈચ્છા પૂરી કરવામાં વધારે રસ છે! મારી માતા મોહિતના એ જ હાલ કરવા માંગે છે કે જે તારા ભાઈ એ એના દીકરાના કર્યા હતાં! હું બદલો લેવા જ એની નોકરીએ જોડાયો હતો.”

ઉન્નતી “મતલબ......”

કાર્તિક “હા, બરાબર સમજી સુલેમાનને મારી ઝાડ પર મેં જ લટકાવેલો. બબનની લાશને બગીચામાં નાખી મેં જ એના મોબાઈલ પરથી તારા ભાઈને મેસેજ કર્યો હતો. ઉન્નતી હું તારા ભાઈ અને એના કોઈ સાથીને જીવતા નહી છોડું.”

ઉન્નતીની આત્મા સુદ્ધા કંપી ઉઠી “પણ તું શું કામ મારા ભાઈ સાથે બદલો લેવા માંગે છે? કાર્તિક તું મારા ભાઈને ઓળખતો નથી એ ગમે ત્યાંથી મને શોધી કાઢશે. અત્યારે પણ એના માણસો મારો મોબાઈલ ટ્રેસ કરી મને શોધતાં શોધતાં અહીં આવી પહોચશે. સલામતી ઇચ્છતો હોય તો ભાગ અહીંથી.”

કાર્તિકે હસીને કહ્યું “ઉન્નતી એ લોકો અહીં આવશે પણ પાછા નહિ જાય મારૂ માન તો એમની સલામતી ખાતર તું જ એમણે ફોન કરી અહીંયા આવવાની ના પાડી દે.”

ત્યાંજ કેટલીક ગાડીઓ આવી રોકાઈ. કાર્તિકે ઉન્નતીને ગાડીમાં ધકેલી ગાડીને લોક કરી ચાવી પોતાના પેન્ટના ખિસ્સામાં મૂકી. ગાડીમાંથી ફટાફટ કેટલાક બોડીગાર્ડો એ નીચે ઉતરી કાર્તિકને ઘેરી લીધો. કાર્તિકે પોતાનું શર્ટ કાઢી કાર પર મુકતા ઉન્નતીને આંખ મારી કહ્યું “નવું છે મેડમ... “ આમ બોલી કાર્તિકે પોતાની મુઠ્ઠીઓ ભીંચી એ સાથે એના કસાયેલા શરીરની નસો ઉપસી આવી. બેઘડી એના ઘાટીલા શરીરને જોઈ બોડીગાર્ડો બે ડગલાં પાછા ખસી ગયા. કાર્તિકે પગને પાછળ ખેંચી હાથને હવામાં લહેરાવી પોતાની એક ખાસ મુદ્રા બનાવી બોડીગાર્ડોને હુમલો કરવા ઈશારો કર્યો. હાથમાં ચાકુ લઈ એક બોડીગાર્ડ કાર્તિક પર ત્રાટક્યો અને બીજી જ પળે એ હવામાં લહેરાતો સામેના ઝાડ પર પછડાયો. આ જોઈ બીજા ગુંડા કાર્તિક પર ત્રાટક્યા પણ જેમ ઝાડ પરથી બોર ટપોટપ પડે તેમ તેઓ એકપછી એક જમીન પર પડવા લાગ્યાં. કાર્તિકની સ્ફૂર્તિ અને તાકાતનો પરચો હવે ઉન્નતીને બરાબર થઈ ગયો હતો. બે ઘડી એ એની એ અદા જોઈ ભૂલી જ ગયેલી કે એ એના કેદમાં છે. કાર્તિક એના ભાઈનો દુશ્મન છે. બોડીગાર્ડોને ધારાયાશી કરી કાર્તિકે કાર પર મુકેલો શર્ટ પહેરતાં અંદર બેસેલી ઉન્નતીને કહ્યું “આટલા જ બોડીગાર્ડ છે તારા ભાઈ પાસે કે બીજા હજી આવવાના બાકી છે? તારા મોબાઈલમાં બેટરી તો ફૂલ છે ને?”

ઉન્નતીએ પૂછ્યું “કેમ?”

કાર્તિક બોલ્યો “તારો મોબાઈલ સ્વીચઓફ થશે તો બીજા બોડીગાર્ડ તને ટ્રેસ કરી અહીં આવી નહિ શકે. અને મારી તો કસરત હજી પૂરી પણ થઇ નથી.”

કાર્તિકે ગાડીનો દરવાજો ખોલ્યો. ઉન્નતી એમાંથી બહાર આવી. ઉન્નતીએ જોયું કે કાર્તિકના એક હાથમાંથી લોહી નીકળતું હતું. એ જોઈ ઉન્નતી બોલી “કાર્તિક... તારા હાથમાંથી લોહી વહે છે. કેમ આ નાદાની કરી રહ્યો છું? મારા ભાઈના કેટલા ગુંડાઓને તું મારીશ? અરે એની પાસે પૂરી ફૌજ છે... એકપળમાં એ તને મસળી નાખશે.” કાર્તિક બોલ્યો “શું થશે મારી જ નાખશે ને? પણ માતાની ઈચ્છા પૂરી કરવા જો મારો જીવ જાય તો હું પોતાને ધન્ય સમજીશ.” ઉન્નતી બોલી “કાર્તિક સાચું સાચું કહે તારી સાથે મારા ભાઈએ શું કર્યું છે કે તું આમ રઘવાયો બની એની પાછળ પડ્યો છું. કદાચ હું તને મદદરૂપ થઈશ.”

કાર્તિક “તું સાંભળી શકીશ?”

ઉન્નતી : હવે તું સંભળાવીશ?

કાર્તિકે કહ્યું “ચાલ ગાડીમાં બેસ”

ઉન્નતી “ક્યાં લઇ જાય છે મને?”

(આગળની વાર્તા વાંચો બીજા અને અંતિમ ભાગમાં)