રૂમ નં.23 Prashant Salunke દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂમ નં.23

રૂમ નંબર ૨૩

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

“દાદા જરા આ બાજુ જુઓ, હા બરાબર છે! વિશાલ ફોટો બરાબર આવવો જોઇએ. ફેસબુક પર ભાઈ આપણી આજની પોસ્ટ પર લાઈક્સ મળવા જોઇએ” વૃદ્ધ દાદાને શાલ ઓઢાવતા કરણ બોલ્યો. આજે કરણનો જન્મદિવસ હતો, પ્રત્યેક જન્મદિવસ કે તહેવારને તે વૃદ્ધાશ્રમમાં જ ઉજવતો. સેવાભાવી પ્રવૃત્તિ એના લોહીમાં હતી. બીજો એક શોખ ફોટો પાડી ફેસબુક પર મુકવાનો કોઇપણ સમાજ કાર્ય કરે કે તરત એની પોસ્ટ ફેસબુક પર મુકે! એક એક વૃદ્ધોના કમરામાં તે જઈ તે એમણે મળી રહેલો. શાલની સંખ્યા ઘટી રહેલી અને કેમેરામાં ફોટોની સંખ્યા વધી રહેલી. અચાનક એના પગ એક કમરા પાસે આવી રોકાયા. કમરાના દરવાજા પર તખ્તી હતી. “રૂમ નંબર -૨૩” વોર્ડને આ જ કમરામાં પ્રવેશવાની સખત મનાઈ ફરમાવેલી. એ જયારે પણ એ વૃધ્ધાશ્રમમાં આવતો સંચાલકો એણે એ કમરાથી દુર રહેવાની સુચના આપતાં. આજ દિન સુધી એણે આનું કારણ સમજાયું નહોતું! થોડો દરવાજો આડો કરી એણે અંદર જોયું અંદર એક વૃદ્ધ ધ્રૂજતાં હાથે એના શર્ટ પર બટનો ટાંકી રહેલો.

કરણે કહ્યું “દાદા અંદર આવું?”

ચશ્માને સીધા કરતાં દાદાએ દરવાજા તરફ જોયું, બાળકોને ત્યાં ઉભેલા જોઈ તેમણે હસીને કહ્યું “આવો બાળકો અંદર આવો”

વિશાલ અને કરણ આવી દાદાના સામે ઊભા રહ્યા. દાદા બોલ્યા “વૃદ્ધાશ્રમમાં તમારા દાદાને મળવા આવ્યા છો?”

કરણે કહ્યું “ના દાદા અમે તો અહીં નિયમિતપણે સેવા કે દાન આપવા આવતાં જ હોઈએ છીએ. આજે આ શાલ આપવા આવ્યા છીએ”

દાદાએ કહ્યું “સરસ કામ કરો છો બેટા તમે કંઈ આપવા આવો છો એ મહત્વનું નથી પણ તમે વૃદ્ધાશ્રમમાં આવો છો એ મહત્વનું છે. તમારા જેવા યુવાનોની ચહલ પહલથી અમો વૃદ્ધોની એકલતા દુર થાય છે.”

કરણે કહ્યું “દાદા તમને આ શાલ આપવાની છે.”

દાદાએ કહ્યું “મને શાલ આપશો? તમારો ઘણો ઘણો આભાર દીકરાઓ પેલા ટેબલ પર શાલ મૂકી દો.”

કરણે પ્રશ્નાર્થ ભાવે વિશાલ તરફ જોયું, વિશાલે ખબા ઉલાળ્યા.

હિમ્મત કરી કરણ બોલ્યો “દાદાજી તમને શાલ ઓઢાવતા અમને એક ફોટો લેવો છે.”

વિચિત્ર ભાવથી દાદાએ કરણ તરફ જોયું “કેમ મારો સત્કાર સમારંભ છે.”

કરણે હસતાં હસતાં કહ્યું “દાદાજી અમે આ ફોટો ફેસબુક પર મુકીશું.”

દાદાએ કહ્યું “અરે પણ એની શી જરૂર છે?”

કરણે કહ્યું, “યુ નો ... દાદાજી આવા સેવાકીય કાર્યોની પોસ્ટ મુકવાથી બીજા લોકોને પણ પ્રોત્સાહન મળે અને તેઓ પણ કોઈકને કોઈક સારી પ્રવૃતિઓમાં જોડાય.”

દાદાજી એ કહ્યું, “હકીકતમાં દાન કરેલ વસ્તુના ઢોલનગારાં વગાડી લોકોને જાણ કરવાની ન હોય પણ એ પણ એટલું જ સાચું છે કે ઉમદા હેતુથી કરેલ કોઇપણ કાર્ય સારું જ હોય છે. લાવો પેલી શાલ.”

ત્યાંજ એક વૃદ્ધ વોચમેન ત્યાં આવ્યો “અરે બાળકો તમે અહીં શું કરો છો? તમને આ રૂમમાં પ્રવેશવાની ના પાડી છે ને?”

કરણ અને વિશાલ બન્ને બાહર નીકળી આવ્યા. બાહર આવતાં જ કરણે કહ્યું, “પણ દાદાને પણ બીજા વૃદ્ધોની જેમ વસ્તુઓ મળવી જોઈએને એમની સાથે અન્યાય કેમ?”

વોચમેન “તમે નહિ સમજો... અને સમજવાની જરૂર પણ નથી! એટલું સમજી લો કે આ દાદાને કશું આપવાનું નહિ કે એમની રૂમમાં પ્રવેશવાનું નહિ સમજ્યા?”

વાત આગળ વધારીશું તો મામલો બગડશે એ સમજાતાં કરણ આગળની રૂમમાં જતો રહ્યો. દાદાની રૂમ છોડી પણ દાદાના વિચારો ન છૂટ્યા.

એ પછી કાયમ કરણ એ વૃદ્ધાશ્રમમાં આવતો ત્યારે અચૂક પણે દાદા એણે દેખાઈ આવતાં, ક્યારેક કોઈ વૃદ્ધને ટેકો આપી વૃદ્ધાશ્રમના દવાખાનામાં લઇ જતાં. ક્યારે પંગતમાં બેસેલ વૃદ્ધોને ભોજન પીરસતાં, ક્યારે બીજા વૃદ્ધો સાથે બેસીને વાતો કરી જોર જોરથી હસતાં. કરણ સાથે લાવેલ વસ્તુઓ દાદા સિવાય ત્યાંના દરેક વૃદ્ધોને આપતો. અને આ બહુ અજુગતું લાગતું એકવાર તે વૃદ્ધાશ્રમમાં વહેંચવા માટે લાડુ લાવેલો. આસપાસ કોઈ નથી તે જોતાં જ તે ચુપચાપ દાદા પાસે ગયો અને બોલ્યો “દાદા તમારે માટે લાડુ લાવ્યો છું” દાદા ખુબ ખુશ થઇ બોલ્યા “અરે વાહ! ચોખ્ખા ઘીના લાગે છે? દીકરા તારો ખુબ ખુબ આભાર” એ પછી તો કરણ જયારે પણ આવતો ત્યારે છુપાઈને દાદાને વૃધ્ધાશ્રમમાં વહેંચવા લાવેલ કેળા આપતો, ક્યારે સાથે લાવેલ ફળો આપતો દાદા આનંદથી વસ્તુ લેતાં. કરણ એમણે તાકીદ આપતો “દાદા કોઈને કહેતા નહિ હો”

દાદા પણ મોઢા પર ઝીપ લગાવવાનો ઈશારો કરી “ચુપ રહેશે એમ ખાતરી આપતાં”

કરણને છતાં આ અજુગતું લાગતું. વૃદ્ધાશ્રમમાં દાન કરવા આવેલ કોઈ વ્યક્તિને સંચાલકો રૂમ નંબર ૨૩ પાસે ફરકવા દેતાં નહોતાં. દાદા સાથે જ આવો અન્યાય કેમ? આ સવાલ કરણ માટે હવે યક્ષ પ્રશ્ન બની ગયો હતો.

એક દિવસ જયારે કરણ વૃદ્ધાશ્રમમાં ગયો તો એણે જોયું કે એક ૪૫ વર્ષની સ્ત્રી દાદાના રૂમમાં ગઈ. કરણને નવાઈ લાગી! તે તરત સંચાલકની ઓફિસમાં ગયો અને બોલ્યો “તમે પેલા દાદાના કમરામાં એ યુવતીને કેમ જવા દીધી? નિયમ તો બધા માટે સરખો હોવો જોઇએ તો એ સ્ત્રી માટે કેમ અલગ?”

સંચાલકે ઠંડે કાળજે જવાબ આપ્યો “કારણ એ એમની દીકરી છે”

વૃદ્ધાશ્રમમાં પિતાને મૂકી મળવા આવી પોતે બહું પ્રેમ કરે છે એવું જતાવતી એ સ્ત્રી પર કરણને મનોમન બહું ગુસ્સો આવ્યો. એ થોડીવાર ગેટ પાસે જ ઉભો રહ્યો. ત્યાંજ સામેથી એ સ્ત્રી આવતાં દેખાઈ એ સ્ત્રી ઝડપથી પોતાની કાર તરફ વધી. કરણે જોયું કે સ્ત્રીની જે કાર હતી તેમાં એક વિદેશી કુતરું હતું. અને કુતરાને જોઈને જ ખબર પડતી હતી કે એ બહું લાડકોડમાં ઉછેરાતું હશે. સ્ત્રી ગાડીમાં બેસવા જતી જ હતી કે કરણ તાડુક્યો “એક મીનીટ મેડમ, તમને શરમ નથી આવતી વૃદ્ધાવસ્થામાં પિતાને ભગવાન ભરોસે ઘરડાઘરમાં ધકેલતાં. માફ કરજો મેડમ પણ જેટલો પ્રેમ તમે તમારા કૂતરાને કરો છો, તેનો દસમા ભાગનો પ્રેમ તમારાં વૃદ્ધ પિતા પર વરસાવશો તો તેમની વૃદ્ધાવસ્થા સુધરી જશે અને તમે કૂતરા જેવા થવાથી બચી જશો.”

શોર-બકોરથી સંચાલકો દોડી આવ્યા અને કરણને ખેંચી દુર લઇ ગયાં.

કરણે ઝટકા સાથે પોતાનો હાથ ખેચી છોડાવતાં બોલ્યો “ઘીન્ન આવે છે મને આવા સંતાનો પર પણ તમે કેમ એમણે કશું બોલો! જો બધા સંતાનો સમજદાર થઇ જાય તો તમારો આ ધંધો જ બંધ થઇ જાય ને?.”

સંચાલકોએ કહ્યું “તમે અંદર ચાલો તમને વિગતે બતાવું”

કરણ સંચાલકની ઓફિસમાં જઈ બેસતાં બોલ્યો “બોલો? શું કહેવું છે?”

સંચાલકો બોલ્યા, “તમે પૂછો તમારે શું જાણવું છે?”

કરણ બોલ્યો “ઘણું જાણવું છે. પહેલી વાત એ કે પેલા રૂમ નંબર ૨૩ના દાદાને તમે કેમ કશું આપવા દેતાં નથી?”

સંચાલકો “સાંભળો તમે જાણો છો એ વૃદ્ધ કોણ છે તે? કરોડોનો એ આસામી છે. અને પેલી આવેલ એ એની એકની એક દીકરી નમ્રતાબેન છે જે પોતે પાંચ પાંચ કારખાનાઓની માલિક છે. અમે દાદા વિષે કાંઈ કહેતા નથી કારણ એમણે જ અમને કોઈને પણ એમના વિષે બતાવવાની ના પાડી છે. દીકરીની સહમતીથી પત્નીના મૃત્યુ બાદ તેઓ સ્વયમ આ વૃધ્ધાશ્રમાં આવીને રહ્યા છે. પોતાની બધી મિલકત એમણે વેચીને મળનાર તમામ રકમ એમણે આ વૃદ્ધાશ્રમને ભેંટ આપી છે. આ વૃદ્ધાશ્રમમાં રોજ બરોજનું ભોજન, દવાખાનું, અને બીજા તમામ નાના મોટા ખર્ચા એમના રૂપિયા દ્વારા જ થાય છે. તેથી જ અમારા આ વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વૃદ્ધો પાસેથી એક રૂપિયો સુદ્ધા લેવામાં આવતો નથી. વધુમાં વૃદ્ધાશ્રમમાં થનાર તમામ કાર્યક્રમનો ખર્ચ એમની દીકરી સમયે સમયે આપતી રહે છે. આવા દાનવીર કર્ણને જો અમે તમારા જેવા લોકોને મળવા દઈએ તો એ બે કેળા એણે દાનમાં આપે છે એવી તસ્વરી ઈન્ટરનેટ પર મુકશે તો એ અમારા માટે કેટલું શરમ-જનક કહેવાશે. તેઓ માત્રને માત્ર વૃદ્ધાશ્રમમાં એટલા માટે જ રહે છે કે તેઓ પોતાની સાથે બીજાનું દુઃખ અને એકલાપણું દુર કરી શકે.”

કરણ મુંઝવણમાં બોલ્યો “પણ તેઓ આમ વૃદ્ધાશ્રમમાં કેમ રહે છે?

સંચાલકે ટેબલ પર ચશ્માં મુકતા કહ્યું, “બેટા અમુક ઘટનાઓ વ્યક્તિનું પુરું જીવન બદલી નાખતી હોય છે. વર્ષો પહેલા આ જ વૃદ્ધની માતા રૂમ નંબર ૨૩માં એના નામનું રટણ કરતાં કરતાં મરી ગઈ. એણે એકલતા એ એટલી કોરી ખાધી હતી કે જે દિવસે આ દાદા એમની માતાને લેવા આવ્યા ત્યારે એમણે જોઈ એમની માતાએ “બેટા હરેન્દ્ર ...” એમ એનું નામ પોકારીને જ શ્વાસ છોડેલો! માતાની આમ પોતાના વિરહમાં આવી દુખદ મૃત્યુ જોઈ તે જ સમયે હરેન્દ્રએ પ્રણ લીધા કે તે હવે આવા દુખીયારા વૃદ્ધોની સેવામાં જ પોતાનું જીવન વ્યતીત કરશે.”