spektrunno khajano - 16 books and stories free download online pdf in Gujarati

સ્પેક્ટર્નનો ખજાનો - ૧૬ (અંતિમ પ્રકરણ)

ભેદ ખૂલ્યો...!

લગભગ દસેક દિવસે અમે લીમા પહોંચ્યા. પેરૂ દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે આવેલો છે એટલે જે રીતે આવ્યા હતા એ જ રીતે, સીધે-સીધું પૂર્વ તરફ હંકારવાનું હતું.

લીમાના બંદરે અમે એડગર, લારા અને એના સાથીઓને આભારવશ થઈને વિદાય આપી અને અમે ફટાફટ ટેક્સી કરીને પ્રોફેસર એન્ડરસનના ઘર તરફ રવાના થયા. મેં ટેક્સીના પાછળના કાચમાંથી જોયું તો એડગર-લારા એકદમ તેજોમય ચહેરે આગળ વધી ગયેલી અમારી ટેક્સી તરફ જોઈ રહ્યા હતા. એમને એ નિરસ ટાપુ પરથી ઉગારી લેવા કદાચ અમે ફરિશ્તાઓનો ભાગ ભજવી ગયા હતા. અહીં લીમાની ધરતી પર હવે એ લોકો નવો વ્યવસાય કરશે અને સુખેથી રહેશે એમ વિચારીને હું ખૂબ ખુશ થઈ ગયો.

‘આવજો દોસ્તો ! ફરી જરૂર મુલાકાત થશે...’ – હું મનમાં બોલ્યો ત્યારે એ લોકો લગભગ દેખાતા બંધ થઈ ગયા હતા. ધીમું સ્મિત ફરકાવીને મેં ડોક ફેરવી લીધી.

ટેક્સી લીમાના સુંદર રાજમાર્ગો વટાવતી આગળ વધી રહી હતી.

***

અમારી હાઉસિંગ રેસિડેન્સી પાસે ટેક્સી છોડીને અમે દૂર ટેકરીની તળેટીમાં આવેલા પ્રોફેસર એન્ડરસનના ઘર તરફ રીતસરનાં દોડી ગયા. બધાની ધીરજનો હવે પાર નહોતો. બધા આ આખા રહસ્યને જાણવા અધીરા બન્યા હતા.

નાનકડી ઝાંપલી ‘ધડામ’ કરતી હડસેલીને અમે અંદર તરફ ભાગ્યા. ઝાંપલી પાસે જ દીવાલ પર B-63 લખેલું મેં જોયું. પછી મુખ્ય દરવાજાને પણ જોરથી ધક્કો મારીને અંદર પ્રવેશ્યા. આશ્ચર્ય વચ્ચે આ મુખ્ય દરવાજો ખુલ્લો હતો ! મતલબ કે આટલા દિવસોમાં કોઈ જ અહીં ફરક્યું નહોતું.

અમે ઝડપથી બાજુના રૂમમાં પ્રવેશ્યા અને... ત્યાં જ જડાઈ ગયા. આ એ જ રૂમ હતો કે જ્યાંથી આ બધો બખેડો શરૂ થયો હતો.

બરાબર સામે પડતી બારી પાસે કાળો ઓવરકોટ પહેરેલી એક વ્યક્તિ અમારી તરફ પીઠ રહે એમ બારી તરફ ફરીને ઊભી હતી ! બારીમાંથી આવતા સૂર્યપ્રકાશને કારણે એ વ્યક્તિનો પડછાયો પાછળ તરફ રેલાતો હતો.

કોણ હશે આ માણસ ? અહીં શા માટે આવ્યો હશે ? પેલા બદમાશોનો સરદાર તો નહીં હોય ને ? – એક સાથે આવા કેટલાય સવાલ હથોડાની માફક ઝીંકાવા લાગ્યા. - આખરે આ રહસ્યમય માનવી છે કોણ ?

‘ઓહ ! તો તમે લોકો આવી પહોંચ્યા...’ એ માણસ ઘોઘરા અવાજે બોલ્યો. એનો આવો ઘુરકાટ અમને ડરાવી ગયો. કદાચ એ માણસ અવાજ બદલીને વાત કરતો હતો. મારો હાથ સીધો જ પેન્ટના ખિસ્સામાં પડેલી રિવોલ્વર પર જઈ પહોંચ્યો.

‘બહુ વાર લાગી પહોંચતાં... હું તો તમારો ઈંતેજાર કરીને થાક્યો હતો...’ એ માણસ ઠાવકા અવાજે બોલ્યો. વાતાવરણ એકદમ તંગ બની ગયું હતું. સામેનો માણસ જો એની પીઠ ફેરવે તો એનો ચહેરો દેખાય. હું વિચારતો હતો ત્યાં જ... ખરેખર એ માણસ અમારી તરફ ફરતાં બોલી ઊઠ્યો, ‘સફર કેવી રહી દોસ્તો ?’

અને.... એને જોતાં જ અમારી આંખો ફાટી પડી. વાતાવરણ જાણે કે ત્યાં જ થંભી ગયું ! હ્યદય એકાદ-બે ધબકારા ચૂકી ગયું. મોં એકદમ ખુલ્લાં જ રહી ગયાં. એકદમ સન્નાટો છવાઈ ગયો.

મને તો ચક્કર આવવા જેવું લાગવા માંડ્યું. શરીરે એકદમ ગરમી પકડી લીધી અને કપાળેથી પરસેવાની ધાર નીતરવા માંડી. એકલી મારી જ નહીં, લગભગ અમારા બધાની આ જ સ્થિતિ હતી.

આ... આ કેવી રીતે શક્ય બને ?? – ઘેરા સન્નાટામાં આ એક જ પ્રશ્ન ગુંજતો હતો. સામે ઊભેલો એ માણસ બીજું કોઈ નહીં, પણ... પણ... પ્રોફેસર એન્ડરસન ખુદ હતા ! પ્રોફેસર માર્ટીન એન્ડરસન...! જી, હા... એ જ પ્રોફેસર એન્ડરસન કે જેને અમે સગી આંખે મૃત્યુ પામેલા જોયા હતા ! બાજુમાં વોટ્સન બેભાન અવસ્થામાં પડેલો મળ્યો હતો અને, ત્યાંથી આ આખો બખેડો શરૂ થયો હતો.

‘એ... એ... એન્ડરસન... તું... ??’ આખરે સ્વસ્થ થયા પછી પ્રોફેસર બેન સન્નાટાનો ભંગ કરતા બોલી ઉઠ્યા. સામે પ્રોફેસર એન્ડરસન સ્મિત ફરકાવતાં ઊભા હતા.

‘રિલેક્સ દોસ્તો !’ પ્રોફેસર એન્ડરસન આગળ વધતાં બોલ્યા, ‘આટલું બધું ગભરાઈ જવાની જરા પણ જરૂર નથી. હું તમારી સામે જીવતો જાગતો છું એ જોઈને જો તમે ગભરાઈ ગયા હોવ તો એના માટે હું માફી માગીશ. સોરી !’

બધા હજુ પણ જડની જેમ ઊભા હતા. આખરે મેં મોં ખોલ્યું, ‘પ... પણ પ્રોફેસર સાહેબ, મેં ખુદ તમને ચેક કર્યા હતા, અને તમે ખરેખર મૃત્યુ પામ્યા હતા, તો પછી...’ આગળ શું બોલવું એ હું વિચારી ન શક્યો.  

‘હા.. હા.. હા.. હા.. હા...’ કરતાં પ્રોફેસર એન્ડરસન જોરથી હસી પડ્યા. જાણે અમારો મજાક ઉડાવતા હોય એમ. પછી બોલ્યા, ‘કેવો લાગ્યો મારો માસ્ટર પ્લાન, દોસ્તો ? મજા આવી ને ?’

અમને હજુ પણ કંઈ સમજાતું નહોતું એટલે અમે એમ ને એમ મૂંગા ઊભા રહ્યા. પ્રોફેસર એન્ડરસને અમને બાજુમાં પડેલી ખુરશીઓ તરફ બેસવાનો સંકેત કર્યો એટલે અમે સૌ બેસી ગયા.

‘બધું જ કહું છું, દોસ્તો. આરામથી બેસો.’ કહીને એન્ડરસન સાહેબે મેક્સ તરફ આંગળી ચીંધીને પૂછ્યું, ‘તમે મેક્સ છો ને ? નેવીમાં છો, રીટાયર થવાના છો અને બેનના દોસ્ત છો...’

‘યસ ! યુ આર રાઈટ. હું મેક્સ છું.’ મેક્સે જવાબ આપ્યો.

‘ઓહ ! તો બેને ટાપુ સુધી જવા માટે તમને સાથે રાખ્યા હતા... ગુડ !’ એન્ડરસન બોલ્યા અને પછી પોતાની વાત શરૂ કરતાં કહ્યું, ‘તમે લોકો કેવી રીતે પહોંચ્યા, શું કર્યું, કેવી રીતે પાછા ફર્યા એ બધું હું પછી જાણીશ, પણ અત્યારે હવે તમે લોકો મારા માસ્ટર પ્લાન વિશે સાંભળો...’ કહીને એ રૂમમાં આંટા મારવા લાગ્યા. અમે અર્ધગોળાકારમાં ખુરશીઓ રાખીને બેઠા હતા. બધાની નજર અત્યારે એન્ડરસન પર જ જડાયેલી હતી.

‘આ આખોય પ્લાન મારો હતો અને એમાં તમારા એક મિત્રએ મને ઘણો જ સાથ આપ્યો છે...’ એન્ડરસન સાહેબે અમારામાંથી એક જણ તરફ નજર કરી.

‘હેં...? વોટ્સન !?’ લગભગ બધા એકીસાથે બોલી ઊઠ્યાં. અલબત્ત, મને પહેલેથી એના પર આછી-પાતળી શંકા હતી જ. જે રીતે ઘટનાઓ બની રહી હતી એ જોતાં એના તરફ શક જાય એ વ્યાજબી હતું. પણ પૂરેપૂરા રહસ્યથી હું અજાણ હતો. આશ્ચર્યનો એ હળવો આંચકો પૂરો થયો. એન્ડરસન સાહેબે હવે શરૂ કર્યું:

‘સાંભળો દોસ્તો, આ આખા પ્લાનની શરૂઆત એક બેંક લૂંટથી શરૂ થઈ. આજથી લગભગ એક વર્ષ પહેલાં બોન્ઝા નામના એક ઓસ્ટ્રેલિયન લૂંટારાએ એના દસેક બદમાશો સાથે બેંક ઓફ લીમામાં લૂંટ ચલાવી હતી. અને એ લૂંટ હતી લીમાના લોકોએ અનામત તરીકે રાખેલા સોના-ચાંદીના ઘરેણાંની ! ખેર, લૂંટ પછી બોન્ઝા એના બદમાશો સાથે લૂંટનો માલ લઈને ઓસ્ટ્રેલિયા જતો હતો પણ એમાં એ સફળ ન થયો અને લીમા પોલીસના હાથે ઝડપાઈ ગયો. એનાં બધા સાથીદારો પણ પકડાઈ ગયા હતા. પણ, એમાંનો એક બદમાશ લૂંટના માલ સાથે ભાગી છૂટવામાં સફળ થયો હતો. આ તરફ લીમા પોલીસે ઓસ્ટ્રેલિયન પોલીસને સતર્ક કરી દીધી હતી. પણ, પેલો ભાગી છૂટેલો બદમાશ ચાલાક નીકળ્યો. એ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવાને બદલે કિનારાથી થોડે દૂર આવેલા એક નાનકડા ટાપુ પર જઈ પહોંચ્યો અને એ ટાપુ પર એણે ઝવેરાત ભરેલો થેલો છુપાવ્યો. પછી એણે ચોરીછૂપીથી ઓસ્ટ્રેલિયાના “સિડની” શહેરમાંથી બદમાશ જેવા ખલાસીઓને ધીમે ધીમે ટાપુ પર લાવવા માંડ્યા. આમ કરતાં લગભગ પચીસ-ત્રીસ જેટલા બદમાશો એણે એ ટાપુ પર પહેરો ભરવા માટે રાખ્યા. હવે એને અહીં લીમાની જેલમાં કેદ પોતાના સરદારને મળવું હતું, સંદેશો પહોંચાડવો હતો, પણ જો એ પોતે લીમા જાય તો પોલીસના હાથે પકડાઈ જાય. એટલે એણે એના ત્રીસેક જેટલા એકઠા કરેલા સાથીઓમાંથી એક વિશ્વાસુ માણસને સંદેશા સાથે લીમા મોકલ્યો. બે-ત્રણ વખત તો આમ ચાલ્યું. પણ પછી લીમા પોલીસને એના પર શક થયો અને એ પકડાઈ ગયો. લગભગ લૂંટના ત્રણ મહિના પછી એ પકડાયો હતો. એની ધોલાઈ કરતાં એ ઢીલો માણસ બધું જ બકી ગયો. એના કહેવા મુજબ સરદાર બોન્ઝાને આ જાતનો સંદેશો આપવાનો હતો – હવે લૂંટનો માલ ઓસ્ટ્રેલિયાના ટાપુ પરથી પેસિફિક મહાસાગરમાં જ અન્ય ટાપુ પર ફેરવવા માટે એક વહાણમાં રવાના કરી દેવાયો છે કારણ,કે ઓસ્ટ્રેલિયાનો ટાપુ વધુ સુરક્ષિત નહોતો. ઉપરાંત બોન્ઝા ખુદ કોઈક નવા અને નિર્જન ટાપુની શોધમાં હતો. જેલમાં બેઠાં બેઠા એ બધી માહિતીઓ મેળવ્યા કરતો. – એની આ વાત સાંભળીને એક પોલીસ ઓફિસરે મારી સાથે એક પ્લાન ઘડ્યો. અને એ પ્લાન પાછળ કંઈક અંશે મારો પણ ફાળો હતો.’ કહીને એન્ડરસન અટક્યા. એમણે જગમાંથી થોડું પાણી પીધું. અમને પણ ઓફર કર્યું, પણ અમારામાંથી કોઈ અત્યારે પાણી પીવાના મુડમાં નહોતું.

પછી એમણે આગળ ચલાવ્યું:

‘અને એ પોલીસ ઓફિસર એટલે મારી દીકરીનો પતિ નેલ્સન ! મેં એની સાથે મળીને એક પ્લાન બનાવ્યો. એ પ્લાન મુજબ પેલા પકડાયેલા ખલાસીને ડરાવી-ધમકાવીને બોન્ઝા પાસે જેલમાં મોકલ્યો. હવે એ પોલીસના હાથ નીચે હતો એટલે પ્લાન મુજબ એણે બોન્ઝાને મધ્ય પેસિફિક મહાસાગરમાં આવેલા અજ્ઞાત ટાપુ સ્પેક્ટર્ન અંગેની વાતો કરવાનું શરૂ કરી દીધું. અને સદનસીબે બોન્ઝાને સ્પેક્ટર્ન ટાપુનું ભૌગોલિક સ્થાન, ભૂપૃષ્ઠ ગમ્યું અને એની આજુબાજુ બીજા કોઈ ટાપુ ન હોવાને કારણે એ સાવ નિર્જન જેવો હશે એમ માનીને એ લૂંટનો માલ સ્પેક્ટર્ન પર રાખવા તૈયાર થયો. એના મનમાં એમ હતું કે સજા કાપ્યા બાદ પોતે સ્પેક્ટર્ન જતો રહેશે અને પોલીસને ખબર નહીં પડે. સ્પેક્ટર્નનું ભૂપૃષ્ઠ એવું હતું કે આસાનીથી જડે નહીં. એ જ અરસામાં એક બીજો માણસ બોન્ઝાને મળવા જેલમાં આવ્યો. એ પણ પેલા ભાગી છુટેલા બદમાશનો જ સાથી હતો. અગાઉ મોકલેલો માણસ કદાચ પહોંચી નહીં શક્યો હોય એવી શંકાને લીધે એ બદમાશે બીજો માણસ મોકલ્યો હતો. બોન્ઝાએ એ બીજા માણસને સ્પેક્ટર્ન ટાપુ પર લંગર નાખવાનું ફરમાન આપી દીધું એટલે પેલા માણસે પોતાની પાસે રહેલા કોડલેસ ફોનથી સામે છેડે પેલા બદમાશને સ્પેક્ટર્ન પર લંગર નાખવાનું કહી દીધું. એ લોકોને શક ન જાય એટલા માટે અમે કોડલેસ ફોન એ માણસ સાથે જ રહેવા દીધો. કદાચ હવે એ માણસ અહીં લીમામાં જ રહેવાનો હતો જેથી એ બોન્ઝાની વાતો સામે છેડે એના સાથીદારને પહોંચાડી શકે. બસ, હવે અડધો પ્લાન સફળ થઈ ચૂક્યો હતો. એટલે એક દિવસ હું સ્પેક્ટર્ન જવા નીકળી પડ્યો. પહેલી વાર તો મને સ્પેક્ટર્ન શોધતાં બહુ તકલીફ પડી હતી. અલબત્ત, મેં એટલાસનો ઉપયોગ કર્યો હતો એટલે વાંધો ન આવ્યો. એ પછી હું બે-ત્રણ વાર એ ટાપુ પર ગયો અને એક કાચો નક્શો બનાવ્યો. એમાંય છેલ્લી વખત મને એડગર નામનો એક “સારો” ચાંચિયો મળી ગયો. એ હવે ચાંચિયાગીરી છોડીને શાંત જીવન જીવવા માગતો હતો...’

અમે લોકો એકીટશે આ ફિલમ જેવી અદ્દભુત ઘટનાઓને સાંભળી રહ્યા હતા. એન્ડરસન સાહેબે અમારા તરફ નજર કરીને આગળ ચલાવ્યું, ‘હવે આવે છે મુખ્ય વાત, દોસ્તો ! હું અને નેલ્સન એક કાંકરે બે પક્ષી મારવા માગતા હતા, એટલે અમે તમને લોકોને એ ટાપુ પરથી ખજાનાના નામે એ અમાનત મેળવવા લલચાવ્યા. તમે લોકો સાહસિકો છો એટલે કોઈ પણ સફર પાર પાડી શકશો એવી મને ખાતરી હતી. હવે હું જૂની વાત પર આવું, હું એડગરને મળ્યો. એ વખતે તો હજુ પેલા બદમાશો સ્પેક્ટર્ન પર નહોતા પહોંચ્યા. એડગરને મેં તમારા લોકોની બધી જ વાત કરી અને એની સાથે એક ડઝન સોનાના સિક્કાના બદલામાં તમને મદદ કરવાનો સોદો કર્યો અને એનો ભરોસો જીત્યો. હવે એ માણસે એની ફરજ નિભાવી છે કે કેમ એ તમે કહેશો. ખેર, એડગરને તો મેં અગાઉથી જ કહી રાખ્યું હતું કે અહીં બદમાશો આવી પહોંચ્યા છે, કારણકે મને ખાતરી હતી કે એ બદમાશો વહેલા-મોડા સ્પેક્ટર્ન પર આવી જ પહોંચશે. એ પછી હું લીમા પાછો આવ્યો. વાતને છએક મહિના વીત્યા. હજુ એ બદમાશો “ખજાનો” કઈ જગ્યાએ છુપાવશે એ ખબર નહોતી પડી એટલે હું મુંઝાયો હતો. પણ એક દિવસ સોનાનો ઉગ્યો. મને નેલ્સન પાસેથી જાણકારી મળી કે બોન્ઝા અને લીમા આવેલા પેલા માણસ સાથે થતી છૂપી વાતોથી કદાચ “ખજાનો” ઝરણાં અને નદીનાં દ્વિભેટા પાણીમાં રાખવામાં આવશે. હું રાજીનો રેડ થઈ ગયો. તરત જ બેનને ત્યાં પહોંચ્યો અને કાચા નક્શામાંથી એક પાકો નક્શો બનાવ્યો. એમાં “ક્રોસ”ની અને બીજી નિશાનીઓ કરી. ઉપરાંત મારી લાલ ડાયરીમાં પણ છૂપું-છૂપું ઘણું લખ્યું. સ્પેક્ટર્નની જાણકારીઓ અને એની વિશેષતાઓ વિશે લખ્યું જેથી તમને લોકોને કોઈ જ તકલીફ ન પડે. અને પછી મેં વોટ્સનને પ્લાનમાં ભેળવી દીધો.’

‘હેં...? તો શું એ બધી ઘટનાઓ... પેલા બદમાશો... તમારું મૃત્યુ... બધું જ ખોટું હતું ?’ મારાથી પૂછ્યા વગર ન રહેવાયું.

‘હા, બધું જ ખોટું. મારા કહેવાથી વોટ્સને એ તરફ ફૂટબોલને ફટકાર્યો હતો. પછી એ મારા ઘરમાં બોલ લેવાના બહાને ઘુસ્યો. એ પાછો ન આવ્યો એટલે તમે લોકો એને ઘરમાં શોધવા પહોંચ્યા. તમે દૂરથી આવતા દેખાયા કે તરત જ અમે સ્થાન લઈ લીધું. વોટ્સન જમીન પર બેહોશ થવાના અને હું મરવાના નાટક સાથે સુઈ ગયો. તમે આવ્યા, વોટ્સને લાલ ડાયરી તરફ સંકેત કર્યો અને પછી બહાર જઈને તમને એક ખોટી, ઉપજાવી કાઢેલી વાર્તા સંભળાવી દીધી. બસ, મારું કામ પત્યું.’ કહીને પ્રોફેસર એન્ડરસન હસ્યા.

વોટ્સને તો ખરેખર અમને કળવા જ ન દીધું. છૂપો રૂસ્તમ નીકળ્યો એ. મેં વોટ્સનને ધીમેથી હડદોલો માર્યો, ‘વેલ પ્લેઇડ, વોટ્સન ! તું તો મારા કરતાંય મોટો લેખક નીકળ્યો.’ જવાબમાં એ હસી પડ્યો.

‘પણ એન્ડરસન સાહેબ, મને હજુ એ ન સમજાયું કે તમે તમારી જાતને મૃત અવસ્થામાં કેવી રીતે રાખી શક્યા ? મેં ખુદ તમને તપાસ્યા હતા. તમારો શ્વાસ નહોતો ચાલતો...’ મેં પૂછ્યું.

‘એલેક્સ ! યોગથી શક્ય છે. હું નિયમિત યોગ કરું છું જેને કારણે હું એકાદ મિનિટ જેટલો શ્વાસ રોકી શકું છું ! સિમ્પલ !’ એન્ડરસન હસ્યા. પછી બોલ્યા, ‘હવે એક કાંકરે બે પક્ષી મારવાની વાત કહું. લીમા પોલીસ તો નિષ્ક્રિય રીતે તપાસ કરતી હતી. અને જો પોલીસ આ કેસમાં ઊંડી ઊતરે તો કદાચ લીમાની એ ‘અમાનત’ જોખમમાં મુકાય. હવે જો હું તમને આવી કોઈ સફર પર મોકલું તો તમારું નામ આખા લીમામાં અને કદાચ પેરૂમાં સાહસિકો તરીકે મશહુર થઈ જાય અને બીજું, લીમાના લોકોની અમાનત એમને સહીસલામત પાછી મળી જાય ! એટલે પોલીસ સાથે મળીને આ આખોય પ્લાન તૈયાર થયો. પણ એક વાતનો અફસોસ રહી ગયો હતો કે કોણ જાણે કેવી રીતે, પણ બોન્ઝાને ખબર પડી ગઈ કે તમે લોકો સ્પેક્ટર્ન પર પહોંચવાના છો, એટલે એણે સ્પેક્ટર્ન પર રહેલા એના સાથીદારને આ વાત ચેતવી દીધી. એટલે તમને ટાપુ પર એ લોકો તરફથી થોડી હેરાનગતિ થઈ હશે. પણ હવે બોન્ઝા કંઈ જ કામનો નહીં રહે. એ નિયત સમય સુધી જેલમાં જ સડશે.’ કહીને એ ચૂપ થઈ ગયા.

આશ્ચર્યનો જાણે આખો દરિયો વહેવા લાગ્યો. આ આખીયે સફર પાછળ આટલો મોટો પ્લાન હશે એની તો અમને ગંધ સુદ્ધાં આવી નહોતી. એ પછી અમે અમારી સાથે બનેલી બધી જ ઘટનાઓ એન્ડરસન સાહેબને કહી સંભળાવી. તેઓ પણ સામે આશ્ચર્યચકિત થતા બધી વાતો સાંભળી રહ્યા. આખા રૂમમાં હો-હા થઈ પડી. બધા સફર પાર પાડ્યાની ખુશીમાં હતા. હું પણ હતો. તેમ છતાં હજુ અમુક પ્રશ્નોના જવાબો નહોતા મળતાં. ધીમે-ધીમે એ પણ મળી ગયા. પ્રોફેસર એન્ડરસનના ઘરના નંબર B-63વાળો કાગળનો ટુકડો પણ વોટ્સને જ ચોરીછૂપીથી પેટીમાં ભરાવી દીધો હતો. આ ઉપરાંત બદમાશો સ્પેક્ટર્ન પર ઉતર્યા હતા તો પછી આજુ-બાજુમાં એમનું વહાણ તો દેખાવું જોઈતું હતું ને ? પણ સ્પેક્ટર્ન પર તો માત્ર એડગરનું જ વહાણ હતું. આ પ્રશ્નનો જવાબ એવો મળ્યો કે બદમાશોનું વહાણ કોઈક બીજી જ દિશામાં હશે જે દિશાના કિનારા સુધી અમે પહોંચી જ નહોતા શક્યા. અલબત્ત, પહોંચવાની જરૂર જ નહોતી.

ખજાનાની પેટી ખોલીને અમે સોના-ચાંદીના ઘરેણાં જુદા પાડ્યા અને બેંક ઓફ લીમામાં એ બધા જમા કરાવી દીધા. ચારેય બાજુથી અમારા સાહસની વાહ-વાહ થવા લાગી. લીમાના લોકોએ અમને પ્રેમથી અને આશીર્વાદથી વધાવી લીધા. અમારા દેશ માટે અમારાથી ભલે અજાણતાં જ, પણ કંઈક સારું કામ થયું હતું એના માટે પ્રોફેસર એન્ડરસનનો આભાર માનીએ એટલો ઓછો હતો.

મેક્સ પર અદાલતી કાર્યવાહી ચલાવવામાં આવી અને એને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો. જો કે આ થોડી ઓછી સજા થઈ એ લીમાની પ્રજાના એનાં પ્રત્યેના પ્રેમ અને પોતાના સાહસને પ્રતાપે. અલબત્ત, એણે એનાં મિત્રનું બાકીનું દેવું માફ કરીને એની ક્રુઝરની વધારાની રકમ ચૂકવવી પડી હતી.  

ખેર, એ પછી બધા મિત્રો છૂટા પડ્યા અને પોતપોતાના ઘર તરફ આગળ વધ્યા. પ્રોફેસર બેન એમનાં અલ્બિનો હરેરાવાળા ઘર તરફ ચાલ્યા, મેક્સ એને રસ્તે ચાલ્યો. બધાના ચહેરાઓ એકદમ ઝળહળતા હતા. ભેદી અને રોમાંચક સફરનો આખરે અંત આવ્યો.

ટૂંક સમયમાં જ ફરી પાછી કોઈ નવી સફર પર જવાનું થાય એવી મનોમન ઈચ્છા વ્યક્ત કરતાં મેં ખુશખુશાલ ચહેરે મારા ઘર તરફ જવા પગ ઉપાડ્યા.

(સમાપ્ત)

લેખકની નોંધ: પ્રસ્તુત સાહસકથા પુસ્તક સ્વરૂપે પણ ઉપલબ્ધ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED