Spekturnno khajano - 10 books and stories free download online pdf in Gujarati

સ્પેક્ટર્નનો ખજાનો - ૧૦

પ્રકરણ:૧૦ એડગરની કેદમાં...

આખી રાત ઠંડી પડી હોવી જોઈએ એવું મને લાગ્યું. કારણકે અમે ખડકના પોલાણમાં ગુફામાં હતા એટલે બહુ ખબર નહોતી પડી.

સવારે ઊઠીને મેં જોયું તો આજુ-બાજુ ઝાકળ પડી હતી. ગુફાની દીવાલ પણ સહેજ ભેજવાળી હતી એટલે હું સમજી ગયો કે રાત્રે ઠંડીનું પ્રમાણ સરખું હતું.

સવારના પહોરમાં જ અમે તૈયાર થઈ ગયા હતા. ‘લેમ્સ’ ટાપુ પરથી ભેગા લીધેલાં દાતણનાં ડાળખાંમાંથી સળીઓ તોડી લઈને આજે પહેલી જ વખત મારા મિત્રોએ દાતણ કર્યાં. એમને શરૂઆતમાં તો એનો સ્વાદ ન ફાવ્યો, પણ મારી ઔષધવાળી વાતને એ લોકોએ ગંભીરતાપૂર્વક લીધી હતી અને દાતણ ઘસ્યાં હતા. નજીકના કિનારા પાસે એક જગ્યાએ પાણી છાતીસરસું હતું ત્યાં એકદમ ઠંડા પાણીમાં થરથરીને પણ અમે ન્હાયા હતા.

‘છોકરાઓ, હવે આપણે જંગલ તરફ પ્રયાણ કરવાનું છે.’ પ્રોફેસર બેને એન્ડરસનની ડાયરીનાં એક પાનામાં જોતાં કહ્યું, ‘એટલે કે, ઉત્તર તરફ જે જંગલ છે એ રસ્તે. અને આ એન્ડરસને લખ્યું છે કે સ્પેક્ટર્ન ટાપુના જંગલમાં અમુક અમુક અંતરે રબરનાં ઝાડ જોવા મળશે. જંગલની માટી થોડી ભેજવાળી હશે અને સમગ્ર ટાપુ પર જંગલી જાનવરોનું પ્રમાણ લગભગ નહીંવત્ હશે. માત્ર નાનાં જીવ-જંતુઓ, પક્ષીઓ એવું એવું જ જોવા મળશે.’

‘ઓહ હો ! આ તો જબરું કહેવાય. જંગલી પ્રાણીઓ વગરનો ટાપુ !’ જેમ્સના મોંમાંથી આશ્ચર્ય સરી પડ્યું. અમે લોકોએ પણ આશ્ચર્ય અનુભવ્યું.

‘તો ચાલો, તૈયાર ?’ પ્રોફેસરે કહ્યું, ‘સૌ પોતપોતાના થેલાઓ જ લઈ લેજો. અને જે હથિયારો બચેલાં છે એ ખાસ લેજો. ટેન્ટને હું ખભે નાખી લઈશ.’

પ્રોફેસર બેને હુકમ કર્યો એટલે અમે થેલાઓ ઊંચકીને આગળ વધ્યા. દસેક મિનિટ જેટલું ચાલ્યા બાદ અમે ગાઢ જંગલમાં પ્રવેશી ગયા. નક્શામાં પર્વતની તળેટી પાસે દર્શાવેલી ‘ક્રોસ’(X)ની નિશાની સુધી પહોંચતા હજુ બે-ત્રણ દિવસ લાગી જશે એવું મેં વિચાર્યું.

જંગલમાં પગ મૂકતાંવેંત જ અમે ચારે બાજુ છવાયેલા ઊંચા ઊંચા ઘટાટોપ વૃક્ષોથી ઘેરાઈ ગયા. જુદા-જુદા કેટલાય જાતનાં પક્ષીઓનો કલબલાટ એકદમ વધી ગયો. જાણે અમે લોકો આવ્યા એ એમને ન ગમ્યું હોય એમ તેઓ કલબલાટથી પોતાનો વિરોધ નોંધાવતા હતા. થોડી થોડી વારે કોઈક પક્ષીનો ‘કાંવ...કાંવ...’ જેવો પેલો વિચિત્ર અવાજ આવતો અને પછી બંધ થઈ જતો હતો. લાખ પ્રયત્નો છતાં હું એ પક્ષી વિશે જરાસરખી પણ માહિતી મેળવી નહોતો શક્યો.

અમે એકદમ મૌન રહીને ચાલ્યા જતા હતા. હજુ જંગલ શરૂ જ થયું હતું કે અચાનક વિલિયમ્સે રાડ પાડી, ‘ભાઈઓ ! જલદી અહીં જુઓ.’ એ સૌથી પાછળ ચાલ્યો આવતો હતો.

તરત અમે પાછળ ફરીને જોયું. વિલિયમ્સે નીચે આંગળી કરીને કંઈક બતાવ્યું. એ એક ઝેરી કરચલો હતો. એની પીઠ લાલ રંગની હતી અને પગ કાળા હતા. એ એકદમ ધીમી ચાલે આમ-તેમ ફરતો હતો.

‘ઓહ ! શું હું કોઈ સપનું તો નથી જોઈ રહ્યો ને ?’ પ્રોફેસર બેન આશ્ચર્યથી ઊછળી પડ્યા. એમણે ટેન્ટ અને થેલો નીચે ફગાવ્યો અને ઝડપથી પેલી ડાયરી ખોલીને એનાં છૂટા-છવાયા પાનાં ફંફોસવા લાગ્યા. આખરે એક પાનું ખેંચી કાઢીને તેઓ મોટેથી બોલ્યા, ‘કિનારાથી જંગલ તરફ જતાં શરૂઆતની અમુક જગ્યાએ લાલ કવચવાળા અને કાળા પગવાળા ઝેરી કરચલાઓ...યસ ! વોહ હો...! હવે પાક્કું થઈ ગયું દોસ્તો, આ સ્પેક્ટર્ન જ છે...’ તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા. અમે પણ સાથ પુરાવ્યો. એકબીજાને ભેટી પડ્યા. વાતાવરણ ઉલ્લાસમય બની ગયું.

ડાયરી મૂકીને પ્રોફેસરે નક્શો ખોલ્યો, ‘જુઓ અહીં, આ ખડકોના વિસ્તારમાં એન્ડરસને એક કરચલાનું ચિહ્ન પણ કરેલું છે.’ એમણે આંગળી વડે દર્શાવ્યું. પછી વળી મોટેથી શૂન્યમાં તાકતાં બોલ્યા, ‘આખરે પહોંચ્યા સ્પેક્ટર્ન, એન્ડરસન... હવે અમારો વારો છે તારું અધૂરું મૂકેલું કામ પૂરું કરવાનો...’ એમણે કલ્પનામાં જ પ્રોફેસર એન્ડરસન સાથે વાત કરી.

***

બપોર પડી ચૂકી હતી. વચમાં અમે એક મોટા ઝાડની છાયામાં બેસીને ભોજન કરી લીધું હતું અને હવે ફરી પાછું ઉત્તર તરફ પ્રયાણ શરૂ કરી દીધું.

અમે નિરંતર ચાલ્યા જતા હતા. સૌથી આગળ પ્રોફેસર બેન હતા. એમનાં હાથમાં નક્શો, ડાયરી અને એક હોકાયંત્ર હતું. હોકાયંત્રને સહારે જ અમારે ‘ક્રોસ’વાળી જગ્યાએ ઉત્તર તરફ ચાલ્યે રાખવાનું હતું.

સાતેય જણાનાં એક પછી એક પડતા પગલાં જમીન પર પડેલા સૂકાં પાંદડાને કચડતા હતા. અમુક અમુક જગ્યાએ તો વનરાજીઓ એવી ગાઢ હતી કે રસ્તો જ જડે નહીં. એટલે આગળ ચાલતા બે-ત્રણ જણાએ ચાકુથી નડતરરૂપ થતાં ઝાડી-ઝાંખરા કાપીને રસ્તો કરવો પડતો હતો. ઘટાદાર વૃક્ષોની ડાળીઓ એકબીજીની સાથે કરોળિયાના જાળાની જેમ ગુંચવાયેલી હતી. તડકાનું પ્રમાણ ઘણું હતું પણ, જેમ જેમ અમે જંગલમાં ઊંડે જતા ગયા તેમ તેમ સૂર્યના દર્શન ઘટતા ગયા. એકબીજાની સાથે જકડાઈને ઉભેલી વનરાજીઓની વચ્ચેથી ઝીણો ઝીણો સૂર્યપ્રકાશ આવતો હતો. આથી ઠંડીએ થોડું જોર પકડી લીધું હતું. આખાયે જંગલમાં અમારા સાત જણા સિવાય કોઈ જ બીજું માનવતત્વ ન હોય એવું લાગતું હતું. માત્ર ને માત્ર જીવ-જંતુઓ અને પક્ષીઓનાં અલગ-અલગ જાતનાં અવાજો સતત આવ્યા કરતા હતા.

‘હેં પ્રોફેસર સાહેબ ! તમે ધાર્યું હતું કે આઠેક દિવસમાં સ્પેક્ટર્ન આવી જશે, પણ સ્પેક્ટર્ન તો ગણતરી કરતાં થોડો વહેલો આવી ગયો... એનું શું કારણ ?’ શાંતિનો ભંગ કરતાં જેમ્સે પૂછ્યું. એનો સવાલ મહત્વનો હતો. મેં પણ મારા કાન પ્રોફેસરના જવાબ સાંભળવા સરવા કર્યા.

‘અરે હા છોકરાઓ, એ હું કહેવાનું જ ભૂલી ગયો...’ પ્રોફેસર ચાલતાં ચાલતાં પાછળ જોતાં બોલ્યા, ‘મારી દિવસ-ગણતરીમાં થોડી ભૂલ પડી છે. કદી આવું થતું નથી. પણ ઘણી વાર ભૌગોલિક પરિસ્થિતિઓને આધારે આપણે જે અનુમાન કરીએ એ ખોટું પણ નીવડતું હોય છે. મારી સાથે પણ એ જ બન્યું.’ કહીને તેઓ હસ્યા.

‘હમ્મ... એ ખરું.’ થોમસે કહ્યું.

‘અરે અહીં આગળ જુઓ...’ ત્યાં જ ક્રિક સફાળો બોલી ઊઠ્યો અને એ દિશામાં આંગળી ચીંધી. અમે એ તરફ જોયું તો જાણે સ્પેક્ટર્ન આખરી સાબિતી આપતો હોય એમ ત્યાં એક ઝાડ હતું અને એનાં થડમાંથી કોઈક ચીકણું પ્રવાહી નીકળતું હતું. એ રબરનું ઝાડ હતું ! બસ, હવે તો શંકા સાવ નિર્મૂળ થઈ ગઈ હતી. આ ટાપુ બીજો કોઈ નહીં, પણ સ્પેક્ટર્ન જ હતો.

અમે ખુશીથી ઝાડને જોઈને પછી આગળ વધ્યા. હવે અમે એકદમ જોશમાં આવી ગયા હતા. ‘સ્પેક્ટર્ન’ને સાબિત કરવાનું કામ પૂરું થયું હતું એટલે હવે અમારે મુખ્ય મિશન તરફ આગળ વધવાનું હતું.

ક્યારેક ક્યારેક તો ગીચ ઝાડીઓ વચ્ચેથી પસાર થતો રસ્તો ઉબડ-ખાબડ બની જતો હતો, એટલે અમારે સંભાળીને ચાલવું પડતું. ઘણી જગ્યાએ જમીન પરની માટી એકદમ ભીની થઈ જતી. એનું તારણ મેં એવું તારવ્યુ હતું કે ‘સ્પેક્ટર્ન’ની વચ્ચેથી પસાર થતી નદીનું પાણી ઢોળાવોને કારણે આ તરફ રેલાઈ આવ્યું હશે એટલે આ તરફની જમીન વધુ ભીની હશે.

ચાલતાં-ચાલતાં સાંજ પડી ગઈ. સૂર્યનો પ્રતાપ હવે તો સાવ ઓછો થઈ ગયો હતો, એટલે જંગલમાં સૂર્યપ્રકાશ આવતો જ બંધ થઈ ગયો હતો. સૂર્યપ્રકાશ વગરના બંધિયાર જંગલમાં અમે આગળ વધતા હતા.

લગભગ સાંજના સાતેક વાગ્યે અમે વિરામ લીધો. એક મોટું ઝાડ શોધ્યું અને ત્યાં પડેલા નાના-નાના પથરાઓ પાસે ગોઠવાયા.

‘અરે રે રે... ઓહ... બહુ થાક લાગ્યો હોં યાર.’ ક્રિક ચિત્કાર કરતો ફસડાઈ પડ્યો. જોકે અમારા બધાની હાલત અત્યારે એવી જ થઈ ગઈ હતી. વિસામો ખાવા બેઠાને હજુ પંદરેક મિનિટ થઈ હશે ત્યાં એક બનાવ બની ગયો. આ બનાવ સ્પેક્ટર્ન પહોંચ્યા પછીનો ખૂબ જ મહત્વનો બનાવ હતો. આગળ જતાં એ બનાવ અમારી સફર પલટી નાખવાનો હતો.

અમે વાતો કરતા બેઠા હતા ત્યાં જ પાસેની ઝાડીમાં સહેજ હલનચલન થયું. હું તરત ચોંક્યો. ટાપુ પર તો એકપણ જંગલી જાનવરો નથી, તો પછી આ સળવળાટ શેનો હશે ? એ જ ક્ષણે મને ચાંચિયાનો ભય બેઠો. કદાચ કોઈ ચાંચિયો અમારા અવાજો સાંભળીને આવી પહોંચ્યો હોય એવું બને. ટાપુ પર ચાંચિયા-ટોળી નહીં હોય એની શી ખાતરી ?

વળી પાછો ઝાડીમાં સળવળાટ થયો. મેં ઝડપથી મારી રિવોલ્વર કાઢી અને ઊભો થઈને એ તરફ રિવોલ્વર તાકતાં આગળ વધ્યો.

‘શું થયું, એલેક્સ ? શું છે ત્યાં ?’ પાછળથી થોમસનો અવાજ આવ્યો. એ લોકો ઊભા થઈ ગયા. મેં પાછળ ફરીને મોંએ હાથ મૂકીને એમને ચૂપ રહેવા જણાવ્યું અને આગળ વધ્યો.

એક જ ઝાટકે મેં ઝાડી ખસેડી. ધીમી ચીસ સાથે એક છોકરી અચાનક મને આવેલો જોઈને સંતુલન ગુમાવી બેઠી અને પાછળની તરફ પડી. મારી રિવોલ્વર એની સામે તકાયેલી જોઈને એની સુંદર આંખોમાં ડર છવાયો. એની એ આંખોમાં એવું કંઈક હતું કે મને દયા આવી ને મેં રિવોલ્વર પાછી ખેંચી લીધી. એ લગભગ મારી ઉંમર જેટલી જ હતી. મેં ધ્યાનથી જોયું તો એણે એક સુંદર મજાનો સફેદ પણ થોડો મેલો થઈ ગયેલો ચુસ્ત ગાઉન પહેર્યો હતો ને એ ગાઉન પગ પાસેથી કાંટાળી ઝાડીમાં ફસાયો હતો. એને કાઢવાની જ એ મથામણ કરતી હતી એટલે એને કારણે ઝાડી હલતી હતી.

‘ઇઝી...ઇઝી... ડરવાની જરૂર નથી. અમે કશું નહીં કરીએ.’ મેં રિવોલ્વર નીચી કરીને છોકરી સામે જોતાં કહ્યું. મારા શબ્દો સાંભળીને એને થોડી ધરપત થઈ. એ ખૂબ જ ડરેલી હતી એમ એનો માસૂમ ગોરો ચહેરો કહેતો હતો.

એને ઊભી કરવા મેં હાથ લંબાવ્યો. એણે સહેજ ગભરાતાં એનો નાજુક હાથ મારા હાથમાં મૂક્યો એટલે મેં એને ખેંચી લીધી. એનાં ખભે બે-ત્રણ પાણીની મશક લટકાયેલી હતી.

મારી રિવોલ્વર મેં ખિસામાં મૂકી દીધી હતી. મારા મિત્રોએ પણ આ સમગ્ર દ્રશ્ય જોયું હતું. એ લોકો અમારી નજીક આવતા હતા એ જોઈને પેલી છોકરી હાથ ફેલાવીને ડરતાં ડરતાં બોલી, ‘હ...હું તમારા ભલાં માટે આવી છું, મ...મને કંઈ કરશો નહીં. અહીં પાસે જ અમારી કબીલા વસતિ છે, હું ત્યાંથી આવી છું... હું કોઈ ગિરોહની સભ્ય પણ નથી.’

પ્રોફેસર બેને બે ઘડી એની સામે જોયું. પછી કંઈક વિચાર કરીને બોલ્યા, ‘ઠીક છે, અમે તારી વાત માની લઈએ છીએ. અહીં બેસીને વાત કર.’ એમણે એક પથ્થર તરફ ઈશારો કર્યો. પણ છોકરી બેઠી નહીં. એણે એની વાત શરૂ કરી:

‘હું ઉત્તર તરફની નદીમાંથી આ મશકોમાં પાણી ભરીને મારી વસ્તીના સભ્યોને આપવા જઈ રહી હતી અને રસ્તામાં તમારા લોકોનો અવાજ સાંભળ્યો એટલે કુતૂહલવશ આ તરફ આવી હતી...’

‘અમારું વહાણ તૂટી પડ્યું હતું એટલે અમે અહીં આવી પહોંચ્યા છીએ.’ પ્રોફેસર બેને સાચી વાત છૂપાવતાં કહ્યું, ‘એટલે અમે પણ કોઈ ચાંચિયા નથી. એક વાત કહું ? અમારે તારા કબિલાના સભ્યોને મળવું છે. અમે તારી સાથે આવીએ, ચાલ.’

અમે પ્રોફેસર સામે જોઈ રહ્યા. તેમણે આમ અચાનક જ આવો નિર્ણય કેમ લઈ લીધો એ અમને સમજાયું નહીં. પ્રોફેસર આગળ વધતા હતા ત્યાં જ પેલી છોકરીએ કહ્યું, ‘એક મિનિટ સાંભળો જરા. તમે લોકો આટલું બધું ચાલીને થાકી ગયા હશો. પીવાનું પાણી પણ ખૂટી ગયું હશે. તો મારી પાસેની એક મશકમાંથી તમને પાણી પીવડાવવા માગું છું, પાણી પીશો ?’ એણે એટલા કોમળ અવાજે પૂછ્યું હતું કે આગ્રહવશ અમારે પાણી પીવું જ પડ્યું. આમ પણ એ એકદમ મોકાના સમયે આવી પહોંચી હતી. અમારી પાણીની બોટલો સાવ ખાલીખમ થઈ ગઈ હતી ને હવે પાણી ક્યારે મળશે એની ચિંતા હતી. વાતો-વાતોમાં અમને એનો ખ્યાલ જ નહોતો રહ્યો.

એક મશકમાંથી બધાએ પાણી પીધું. નિરાંત થઈ. પછી છોકરીનો આભાર માન્યો. એ ધીમું-ધીમું હસતી ચાલી ગઈ. પ્રોફેસર બેને એની પાસેથી એની વસ્તીવાળી જગ્યાની દિશા જાણી લીધી હતી. અત્યારે સાંજ પડી ચૂકી હતી એટલે એમણે સવારે ત્યાં જવાનું નક્કી કર્યું હતું.

પાણી પીધા પછી તરસ તો ઓછી થઈ ગઈ, પણ શરીરમાં કંઈક વધારે થાક વર્તાતો હતો. આંખો ભારે થતી જતી હતી. કદાચ વધુ પડતો થાક લાગવાને કારણે આમ બન્યું હશે, એવું વિચારીને અમે ત્યાં જ નિદ્રા માણવા લાગ્યા.

***

કેટલા વાગ્યા હશે એની ખબર નહોતી, પણ સવાર પડી ચૂકી હતી. મેં આંખો ખોલીને જોયું તો મારી આજુ-બાજુ કેટલાય લાકડાના પીપ પડ્યાં હતાં. હું જે જગ્યાએ સૂતેલો પડ્યો હતો એ જગ્યા એકદમ ધીમે-ધીમે હાલકડોલક થતી હતી. મને નવાઈ લાગી. સૂતેલી અવસ્થામાં જ મેં બાજુમાં જોયું ને એકદમ ચમકી ગયો. બાજુમાં થોમસ, જેમ્સ અને વિલિયમ્સ સૂતેલા પડ્યા હતા. એમનાં હાથ દોરીથી મજબૂત રીતે બાંધેલા હતા. મારા હાથની પણ એ જ દશા હતી ! આમ કેમ ? મેં બે પીપની ત્રાંસમાંથી જોવાનો પ્રયત્ન કર્યો તો મને વહાણના તૂતક જેવું દેખાયું. એક તરફ લંગરની સાંકળ અડધી પડી હતી, એટલે હું સમજી ગયો કે આ કોઈક નાનું વહાણ છે ને એનું લંગર નીચે પાણીમાં છે.

મેં થોડો સળવળાટ કર્યો કે તરત જ કોઈકના નજીક આવવાના પગલાં ગુંજી ઉઠ્યા. મારું હ્યદય જોરથી ધડકી ઊઠ્યું. આગંતુકે બે-ત્રણ પીપ હટાવ્યાં અને મારી સામે ભયંકર રીતે જોતો હતો. મેં એની તરફ નજર કરી. એને જોતાં જ હું સજ્જડ થઈ ગયો. મારા ગાત્રો થીજી ગયાં. એ એક ચાંચિયો હતો !

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED