સ્પેક્ટર્નનો ખજાનો - ૬ Param Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્પેક્ટર્નનો ખજાનો - ૬

પ્રકરણ:૬ મેક્સનું પરાક્રમ...

સાતેક કલાકમાં લગભગ બસોએક માઈલ જેવું અંતર કપાઈ ગયું હતું. ક્રુઝર વિશાળ પેસિફિક મહાસાગરના ભૂરા પાણી પર સ્થિર ગતિએ ચાલી જતી હતી. મેં સામેના ખૂણા તરફની એ લાંબી સીટ પર મૂકેલા અમારા સામાન તરફ નજર કરી.

‘ઓહ હો હો. સામાન તો આપણો ઘણો છે !’ મેં કહ્યું. ત્યારે બધાએ એ તરફ નજર કરી. અલબત્ત, આગળ કેબિનમાં બેઠેલા પ્રોફેસર બેન મેક્સ સાથે કંઈક વાત કરવામાં પરોવાયેલા હતા એથી તેઓ મારું વાક્ય સાંભળી શક્યા નહોતા.

મારા મિત્રોની સાથે હું સામાન પર નજર કરતો હતો.

અમારા છ જણનાં છ મોટા થેલાઓ, પ્રોફેસર બેનના બે નાના થેલાઓ તથા મેક્સની એક સૂટકેસ હતી. આ ઉપરાંત બીજો વધારાનો સામાન, રિવોલ્વરો, રાઈફલો, તંબુ અને એના સ્પેરપાર્ટસ વગેરે બધું ઉપરની છાજલી જેવી જગ્યામાં રાખ્યું હતું.

પછી નીચે રાખેલા બે મોટા બંધ થેલાઓ પર નજર પડતાં જ મને મેક્સે લાવેલા દારૂગોળા અને બોમ્બનો વિચાર આવ્યો. મેં સફાળા ઊભા થઈને, આગળની કેબિનમાં પડતી બારીનો કાચ ખસેડીને પ્રોફેસર બેનને ફાઈનલી પૂછ્યું, ‘પ્રોફેસર બેન...હવે તો કહો કે મેક્સે આ દારૂગોળા અને બોમ્બની વ્યવસ્થા કેવી રીતે કરી ? હવે મારા પેટમાં આ વાત છૂપી નથી રહી શકતી.’

‘હા, પ્રોફેસર સાહેબ... પ્લીઝ હવે તો કહો.’ મારા મિત્રોએ પણ સૂર પુરાવ્યો.

અમારા બધાના અધીરાઈભર્યા ચહેરાઓ જોઈને પ્રોફેસર બેનને હસવું આવી ગયું. એ હસ્યા. પછી પાછળ ફરીને કેબિનની બારીમાંથી જ કહ્યું, ‘કહું છું...બેસ એલેક્સ !’ એમણે હાથનો ઈશારો કરીને મને બેસવા કહ્યું. હું બેસી ગયો. એટલે પ્રોફેસર એમની સીટ પરથી ઊભા થઈને પાછળ અમારા કંપાર્ટમેન્ટમાં આવ્યા અને એક સીટ પર બેઠા. આગળ પેલો મેક્સ ઊંધું ઘાલીને ક્રુઝર ચલાવવામાં વ્યસ્ત હતો.

‘સાંભળો...’ પ્રોફેસર ક્રુઝરના ધીમા અવાજમાં બોલ્યા, ‘આ મેક્સ નેવીમાં છે એ તો હું તમને કહી જ ચૂક્યો છું. બરાબર ?’

‘હા...’ મેં અધીરાઈથી કહ્યું, ‘આગળ કહો.’

‘તો મેક્સને હવે નેવીમાંથી રિટાયર થવા માટે થોડો જ સમય બાકી રહ્યો છે. લગભગ દોઢેક મહિના જેવું. હવે વાત એમ બની કે મેં જ્યારે એને આપણી સફર વિશે અમસ્તી જ વાત કરી તો એ પણ આપણી સાથે આવવાની તૈયારી બતાવવા લાગ્યો. મેં એને ઘણું કહ્યું કે – તારે ખોટી તકલીફ લેવાની જરૂર નથી, અમે સંભાળી લઈશું – પણ એ ન જ માન્યો. એટલે છેવટે મેં એને આપણી સાથે આવવાની પરવાનગી આપી. એને પરવાનગી આપીને અંદરખાનેથી તો હું પણ ખુશ હતો, કેમ કે આપણને એક જણ વધારે મળવાનો હતો. પછી એ જ રાત્રે મેક્સે ફટાફટ પોતાની રીતે યોજના બનાવવા માંડી. એ વખતે તો મેં એની યોજના માત્ર સાંભળવા ખાતર જ સાંભળી અને પછી મોડી રાત્રે હું ઘરે પાછો ફર્યો.’

‘હં...પછી ?’ મેં પહેલા જેવા જ અવાજે પૂછ્યું.

‘પછી બીજે દિવસે સવારે નવ વાગ્યે તારો ટેલિફોન આવ્યો. ત્યારે તેં યોજના અંગે મને પૂછપરછ કરી. ત્યારે મેં તને એવું કહ્યું હતું કે – આપણે એ વિચારવું પડશે. બસ, તો આ નવ વાગ્યાથી દસ વાગ્યા સુધીના કલાકમાં જ આપણી આ યોજના આકાર પામી હતી. એમાં મેક્સનો અને મારો એમ બંનેનો સહિયારો સાથ હતો. આગલી રાત્રે મેક્સે મને જે યોજના કહી સંભળાવી હતી એ મને યાદ આવી અને મેં એને ફોન ફરીને એ જ યોજના મારા કહેલા થોડા સુધારા સાથે ફાઈનલ કરવાનું કહ્યું. હવે મને જરા પાણી આપો.’ કહીને પ્રોફેસર અટક્યા.

‘પ્રોફેસર સાહેબને પાણી આપો...ફટાફટ...’ વિલિયમ્સ ખૂબ જ ઉતાવળા અવાજે ચપટી વગાડતાં બોલ્યો. એટલે સામાનથી નજીક બેઠેલો જેમ્સ એનો થેલો ઊંચકવા લાગ્યો. માત્ર આ થોડી પળો પણ અમારા માટે સસ્પેન્સ વધારતી જતી હતી. આ દરમિયાન વિલિયમ્સનો ચહેરો જોવા જેવો હતો. એ ઊંચો-નીચો થતો હતો.

‘ઓ ગોકળગાય...જલદી કરને...’ એણે લગભગ થેલામાં હાથ નાખી ચૂકેલા જેમ્સને હાંક પાડી. જેમ્સે ફટાફટ અંદરથી બોટલ કાઢી કે તરત વિલિયમ્સે ઝૂંટવી લીધી. એ ગજબનો ઉતાવળો થયો હતો. એણે પ્રોફેસરને પાણી આપ્યું. પાણી પીને પ્રોફેસરે આગળ ચલાવ્યું,

‘હવે સાંભળો. મેક્સે એના એક વિશ્વાસુ મિત્ર સાથે મળીને નેવીના કેમ્પમાં રહેલા દારૂગોળા અને બોમ્બના સ્ટોકનાં એકાઉન્ટમાં કંઈક ગોટાળો કરીને સ્ટોક થોડો ઓછો દર્શાવી નાખ્યો. એટલે મેક્સે ત્યાંથી પૂરતો દારૂગોળો અને બે-ત્રણ બોમ્બ ઉઠાવી લીધા. આમ તો આ ગેરકાયદેસર કહેવાય, પણ...’ એમણે ખભા ઉલાળ્યા. પછી આગળ કહ્યું, ‘ખેર, હવે આ કેબિન ક્રુઝરનું કહું છું. ક્રુઝર મેક્સ પાસે ગીરો મૂકવામાં આવેલી. લીમાના એક વેપારીને પૈસાની તાતી જરૂર હતી, એટલે એણે મેક્સ પાસે ઉધાર પૈસા આપવા માટે માગણી કરી હતી. એ વેપારી મેક્સનો એક મિત્ર જ છે ને આ કેબિન ક્રુઝરોનો ધંધો કરે છે. પર્યટકોને ક્રુઝર દ્વારા દરિયાની સહેલ કરાવતી એની કંપની છે. એણે લગભગ દસેક મહિના પહેલાં એની એક ક્રુઝર મેક્સને ગીરો આપી, મેક્સ પાસેથી મોટી રકમ ઉધાર લીધી હતી. એટલે એ જ્યાં સુધી એની ઉધારી નહીં ચૂકવે ત્યાં સુધી આ ક્રુઝર મેક્સની. અને અત્યારે આપણે એમાં સફર કરીએ છીએ !’ કહીને પ્રોફેસર હસ્યા.

‘ઓહ...એમ વાત છે...!!’ લગભગ અમારા સૌના મોં આશ્ચર્યથી ખુલ્લાં જ રહી ગયાં. પાછલા ત્રણ દિવસોથી અમારા મનમાં ધરબાયેલું એ રહસ્ય હવે સામે આવ્યું હતું. ખરેખર એ ગાંડા મેક્સે કામ કરી બતાવ્યું હતું.

‘એટલે મેક્સે એના મિત્રને ચૂકવવા પેટેના આગલા હપ્તાની રકમની મુદત એક મહિના જેટલી લંબાવીને આગલા મહિને ચૂકવવાનું કહ્યું અને નેવીમાંથી પણ એણે એક મહિનાની લીવ લઈ લીધી છે. મેક્સના પરાક્રમને લીધે જુઓ...’ કહીને પ્રોફેસરે સ્મિતસહ તેમનાં હાથ ફેલાવ્યા, ‘આપણે અત્યારે પેસિફિકની સપાટી કાપી રહ્યાં છીએ.’

પ્રોફેસર બેનની વાત સાંભળીને મને હસવું પણ આવ્યું અને આશ્ચર્ય પણ થયું. મેક્સને રીટાયરમેન્ટમાં દોઢ જ મહિનાની વાર હતી એટલે જો એની પોલ ખૂલી જાય તો પણ એને બહુ નુકસાન ન જાય. અને આમ પણ જો અમે પ્રોફેસર એન્ડરસનનું કાર્ય પાર પાડીને સહીસલામત લીમા આવશું તો અમારા જયજયકારનો પાર નહીં રહે અને સાથે મેક્સને પણ બહુ તકલીફ નહીં પડે.

     ***

પહેલા દિવસની રાત પડી.

ક્રુઝર ધીમા અવાજે સમુદ્ર પર ચાલી જતી હતી.

અમે બધા પત્તાંની રમત રમતા હતા. પછી થોડી વારે બધાએ પોતપોતાના થેલાઓમાંથી જે ખોરાક લાવ્યા હતા એને એક ચાદર પર પાથરી દીધો.

પ્રોફેસર બેને લિસ્ટમાં જે ખોરાક લખ્યો હતો એ ઉપરાંત પણ અમે બીજો ઘણો નાસ્તો લીધો હતો. એ બધું પાથર્યું હતું એટલે એવું લાગતું હતું કે જાણે છપ્પનભોગ હોય !

સુકવેલા માસનાં ડબ્બા, તળેલા ટોસ્ટ, બ્રેડ-બટર, દૂધનો પાવડર, ફીશકરી, વગેરે ઘણું હતું.

નિરાંતે જમી લઈને સૌથી પહેલો હું આડો પડ્યો. અમે ટેન્ટ (તંબુ)ની સાથે સુવા માટેનાં બિસ્તર પણ ભેગા લીધાં હતા.

***

રાત્રે એક-દોઢ વાગ્યે મારી આંખ ઊઘડી ત્યારે મેં બારીમાંથી નજર કરી તો મને દૂર એક દીવા જેવું કંઈક ચાલ્યું જતું હતું. એ કોઈક જહાંજ અથવા તો બોટ હતી જે આગળ માઈલો દૂર આવેલા ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ તરફ જઈ રહી હતી.

થોમસ, વોટ્સન, જેમ્સ વગેરે સુઈ ગયા હતા. એમને આરામથી સૂતેલા જોઈને મને મેક્સનો વિચાર આવ્યો. – એ બિચારો સતત સુકાન સંભાળીને થાકી નહીં જાય ? – હું ઊભો થઈને આગળ મેક્સ પાસે ગયો, ‘હેય મેક્સ !’

‘યા ડ્યુડ ! બોલ કંઈ કામ હતું ?’ એણે એવા જ નિખાલસભર્યા અવાજે કહ્યું. એની બાજુમાં પ્રોફેસર બેન પણ એકદમ સુઈ ગયા હતા. એટલે અમે ધીમા અવાજે વાતો કરી.

‘તમે આમ તો થાકી જશો. આને ચલાવવાની અન્ય કોઈ વ્યવસ્થા હશે ?’ મેં કંટ્રોલ પેનલ પર નજર કરતાં પૂછ્યું.

‘થેંક્સ એલેક્સ ! મારી ચિંતા કરવા બદલ.’ એ ગળગળા અવાજે બોલ્યો, ‘પણ આ બાજુમાં છે ને...’ એણે પ્રોફેસર તરફ આંગળી ચીંધતા કહ્યું, ‘એ પણ ક્રુઝર ચલાવવામાં ઉમદા છે. અમે વારા કરી લઈશું. ઓ.કે. ? તું સુઈ જા આરામથી.’

આજ નો દિવસ મારા માટે એક પછી એક આશ્ચર્ય પમાડનારો ગયો હતો. પ્રોફેસર બેન પણ ક્રુઝર હંકારી જાણતા હશે એ જાણીને નવાઈ લાગતી હતી !

ઊંઘતા પ્રોફેસરનાં શાંત ચહેરા પર એક નજર કરીને હું મારી જગ્યાએ આવીને સૂતો. ચારે બાજુ સાવ શાંતિ હતી. માત્ર ક્રુઝરની આછી ઘરઘરાટી સંભળાતી હતી.

હું સૂવાની કોશિશ કરતો હતો પણ રહી રહીને એક જ વિચાર ઘુમરાયા કરતો હતો – અમે જે કામ લઈને નીકળ્યા છીએ એ બરાબર પૂરું તો થઈ જશે ને ? પ્રોફેસર એન્ડરસન સાથે એવું તે શું થયું હશે કે આજે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે ? હવે પછી આવનારી બધી જ પરિસ્થિતિઓનો સામનો કરવાની ઈશ્વર શક્તિ અને હિંમત આપે એવી પ્રાર્થના કરીને હું સફરનાં વિચારોમાં ખોવાઈ ગયો.

મારી આંખ ક્યારે બંધ થઈ ગઈ એ ખબર ન પડી.

***