સરસ્વતીચંદ્ર
ભાગ : ૪ - ૩
સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
૮ : સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા
‘And we shall sit at endless feast,
Enjoying each the other’s good;
What vaster dream can hit the mood
of Love on Earth ?’
- Tennyson
યા કૌમુદી નયનયોર્ભવતઃ સુજન્મા ।
તસ્યા ભવાનપિ મનોરથબન્ધબન્ધુ ।
- માલતીમાધવ
કુમુદસુંદરી વસંતગુફાને ઉપલે માળેથી નીચે ગઈ તો સર્વ સાધ્વીઓને પોતપોતાનાં પ્રાતઃકાળનાં આહ્નિકમાં રોકાયેલી દીઠી. બે સાધ્વીઓએ પાસેના જંગલમાંથી દંતધાવનને માટે દાતણ આણ્યાં હતાં અને કટકા કરી સૌમાં વહેંચતી હતી. બે સ્ત્રીઓ સર્વને પાસેના ઝરાઓમાંથી ક્રિયામાં નહાવાને લઈ જવાં તેનો વિકાર કરતી હતી. બે સાધ્વીઓ આ ગુફાને સ્વચ્છ કરતી હતી, અને બાકીનું મંડળ સ્ત્રીજનો પરમાર્થ કેવી રીતે પ્રાપ્ત કરે તેની ચર્ચા કરતું હતું. કુમુદના પગ નિસરણીને ઉપલે પગથિયે દેખાતાં ભક્તિમૈયા તેના ભણી જઈ રહી અને કુમુદના નેત્રભાગ દેખાતાં કહેવા લાગી :
‘મધુરીમૈયા ! દંતધાવન કરી, આ શૃંગ પાસેના નિર્મળ ઝરાઓમાં આપણે સ્નાન કરવા જવાનું ઠર્યું છે.’
કુમુદસુંદરી - ‘જ્યાં સાધુજનોની પ્રવૃત્તિ ત્યાં મારી.’
પ્રીતિમાનિની - ‘તારા મુખની પ્રસન્નતા ઉપરથી અમે એમ જ સમજીએ છીએ.’
વામની - ‘મધુરી ! સાધુજનોને શિર રાત્રિએ આરોપનું વાદળું ચડ્યું હતું તે ચન્દ્રકિરણથી વેરાઈ ગયું હશે.’
કુમુદસુંદરી - ‘હું ક્ષુદ્ર સંસારિણીને શુદ્ધ કરવા સાધુજનોનું જ મહાત્મ્ય સમર્થ છે. તે સમર્થતાને ઘુવડ જેવી હું દિવસે જોઈ શકી નહીં તે રાત્રિસમયે દેખતી થઈ છું.’
વામની - ‘એ સમર્થતાએ તને સુખી કરી કની ?’
કુમુદસુંદરી - ‘એ સમર્થતાએ મને શુદ્ધ અને શાંત કરી.
ભક્તિમૈયા - ‘મધુરી ! તારી તૃપ્તિ જોઈ ચંદ્રાવલીનું હૃદય ઘણું શીતળ થશે.’
બુદ્ધા - ‘મધુરીમૈયા શાંત થઈ છે તો તૃપ્ત પણ થશે. જ્યાં સુધી એના અદ્વેતાગ્નિની સુંદર જ્વાળાઓ જગતને પ્રત્યક્ષ થઈ નથી ત્યાં સુધીનો કાળ રમણીય આપ્યાયનમાં જશે ને તૃપ્તિનો કાળ તો મહાત્મા પૂર્ણાહુતિ રચશે ત્યારે આવશે.’
પ્રીતિ - ‘મધુરી મધુરી ! જે સાધુતાએ તને શુદ્ધ અને શાંત કરી છે તે જ સાધુતા તારું કલ્યાણ કરશે.’
કુમુદસુંદરી - ‘આપની મતિ આવી કલ્યાણકારક છે તો તે સફળ થશે.’
વામની - ‘મધુરી ! તું સુખી થઈ જાણીશું ત્યારે અમે સુખી થઈશું. તું હજી કંઈક વિચ્રમાં પડે છે.’
કુમુદસુંદરી - ‘દુઃખની ભીતિથી હું કંપું છું ખરી, પણ સુખના કરતાં કલ્યાણને વધોર પ્રાર્થું છું. એ પ્રાર્થના મને વિચારમાં નાંખે છે.’
વામની - ‘વારુ, તું વિહારમઠમાં ક્યારથી જઈશ ને સાધુનો વેશ ક્યારથી ધારીશ?’
કુમુદ કંઈ બોલી નહીં.
પ્રીતિ - ‘વામની ! તું તારા ધર્મનો અતિક્રમ કરે છે. જે અદ્વૈતાગ્નિની વેદીનું પોષણ કરવા સાધુજનોના પરિશ્રમથી મધુરીમૈયા તત્પર થઈ છે તે અગ્નિસાદનના એક પણ મંત્ર કે વિધિનું દર્શન ઇચ્છવા તમે કે મને અધિકાર નથી, દયિતદયિતાનો યોગ થતાં સખીકૃત્ય સમાપ્ત થાય છે. તે પછી તેમની પ્રીતિના પડદાને ઊંચો કરી તેમાં ડોકિયાં કરવાના કામને સાુધજન અધર્મ ગણે છે. પ્રીતિનું બાલવય થઈ રહેતાં તેનાં અંગ પર આચ્છાદન જ ઘટે છે ને એ મર્યાદા સર્વને કલ્યાણકર છે. જેની ચિંતા નવીનચંદ્રજીના હૃદયમાં ચડી ચૂકી છે તેની ચિંતા આપણે કરીએ તો આપણામાં પ્રગલ્ભતાનો દોષ પણ આવ્યો સમજી લેવો. માટે, વામની, હવે તારા કુતૂહલને સાધુજનોને અનુચિત ગણી તે કુતૂહલનો નિરોધ કરી દે અને આપણા ઋણના મોટા ભાગમાંથી આપણે મુક્ત થયાં ગણી, તું નિવૃત્તિ પામ. મધુરીમૈયા, તારી બુદ્ધિ કલ્યાણી છે તે સુખના કરતાં મોટા સત્પદાર્થોનો તને યોગ કરાવશે અને તમારી અલખ પ્રીતિમાં અનેક કલ્યાણ-સમૃદ્ધિને ભરશે. સાધુજનોએ તારી ચિકિત્સા કરી ને ઔષધવિધિ દર્શાવ્યો તે ઉભયની સફળતા થવા માંડી છે ને તેના પરિણામમાં તું શુદ્ધ, શાંત અને કલ્યાણપાત્ર થઈશ તેટલું ફળ અમારી ક્ષુદ્ર શક્તિઓને માટે નાનુંસૂનું નથી. સાધુજનો, આ મંગળ દિવસને યોગ્ય મંગળ કાર્ય કરવાનો આરંભ કરો અને ચંદ્રાવલીમૈયાને એ સમાચાર તરત ગુપ્તપણે કહાવો.’
આ મંડળી આમ વાતો કરતી કરતી બહાર સ્નાનાદિક આહ્નિકને માટે ગઈ ને છેક મધ્યાહ્ને પાછી આવી.
આણી પાસ કુમુદ ગયા પછી સરસ્વતીચંદ્ર પણ નીચે ઊતર્યો ને સાધુજનોને મળી પોતાનું આહ્નિક કરી તરત ઉપર આવ્યો, ને કુમુદસુંદરી પાછી આવી ત્યાં સુધી સાધુજનોએ આપેલા એક મોટા કોરા પુસ્તકમાં પોતે રાત્રિએ દીઠેલાં વિચિત્ર સ્વપ્નની કથા ઉતારી. જે સ્વપ્ન લાગતાં કલાક બે કલાક થયા હશે તેની કથા ઉતારતાં ચાર કલાક થયા. તે લેખ પૂરો કરી, ફરી ફરી વાંચી, તેનો વિચાર કરતો ઓટલા ઉપર બેઠો ને આસપાસનો દેખાવ જોતો જોતો વચ્ચે વચ્ચે પોતાનું પોટકું ઉઘાડી ચંદ્રકાંતના પત્રો પણ વાંચતો હતો. ઘણો કાળ એમ ગયો ત્યાં કુમુદસુંદરી પાછી આવી ને કાગળોના પોટકાની બીજી પાસે બેઠી.
સરસ્વતીચંદ્ર - ‘તમે આજ કેવી રીતે કાળક્ષેપ કર્યો ?’
કુમુદસુંદરી - ‘સાધુજનોના આહ્નિકને આટોપી આ ફલાહાર લઈ આવી - એ જ.’
પોતાના પાલવ તળેની થાળી ઉઘાડી, કાગળો વચ્ચે માર્ગ કરી, ત્યાં થાળી મૂકી, અને બીજો ફેરો ખાઈ આવી એક સ્વચ્છ શુદ્ધ દૂધનો કલશ લઈ આવી.
કુમુદસુંદરી - ‘આ શો સમારંભ છે ?’
સરસ્વતીચંદ્ર - ‘આજ મને વિચિત્ર બોધક સ્વપ્ન થતું હતું તે આ પુસ્તકમાં લખી કાઢ્યું છે.’
કુમુદ એ વાંચવામાં લીન થઈ. સરસ્વતીચંદ્ર એના મુખ સામું જોઈ રહ્યો અને સર્વ સુંદર અવયવો જોવામાં લીન થયો. થોડુંક વાંચી વિચારમાં પડી. કુમુદ અટકી અને સરસ્વતીચંદ્રના નેત્રના વ્યાપારને જોઈ રહી પણ તેનું સરસ્વતીચંદ્રને ભાન ન હતું. અંતે એને જગાડતી હોય તેમ સ્મિત કરી કુમુદ બોલી :
‘સ્થૂળ કામ ને સૂક્ષ્મ કામ વચ્ચેની ભીંત કિલ્લા જેવી છે પણ એકમાંથી બીજામાં ચોરી કરી નીકળી પડવાનાં દ્વાર બહુ છે.’
સરસ્વતીચંદ્ર સાવધાન થયો.
‘સત્ય છે. તરવારની ધાર ઉપર ચાલવું ને તરવાર પગમાં પેસી જાય નહીં એવી સંભાળ રાખવા જેવું અસિધારાવ્રત છે.’
કુમુદસુંદરી - ‘એમ જ છે. નિત્ય જોઈએ છીએ એવાં શરીરમાં આવી અને આટલી બધી મોહની ક્યાં ભરી રાખી હશે કે તેને હડસેલી ધક્કા મારવા છતાં પણ ખસતી નથી ને માત્ર ખસેડવા માટે આટલા પ્રયાસ કરવા પડે છે ?’
સરસ્વતીચંદ્ર - ‘આપણે જે સત્ત્વને ખસેડવાને આટલો પ્રયાસ કરવો પડે છે તે જ સત્ત્વનું અભિનંદન કરવું એ બીજાંનો ધર્મ થાય છે ને તેમણે કહેલું પડે છે કે ઇીજૈજં ર્હં ંરી ુીટ્ઠાહીજજ ! અલખના સાધુજનો આનો વિવેક સારો સમજે છે. કુમુદસુંદરી! અભ્યાસથી અને અવધાનથી આપણે આ કષ્ટસાગરને તરી જઈશું.’
કુમુદસુંદરી - ‘લગ્નકાળે કરેલી પ્રતિજ્ઞા ન તોડવાની પ્રતિજ્ઞાને પ્રાતઃકાળે દયાએ ભુલાવી હતી; તમારી પાસે કરેલી પ્રતિજ્ઞાને ભૂલું એમ નથી.’
સરસ્વતીચંદ્ર - ‘તમે આ વાંચ્યું ?’
કુમુદસુંદરી - ‘વિચાર કરું છું કે વાંચું કે ન વાંચું ?’
સરસ્વતીચંદ્ર - ‘વાંચવામાં કંઈ બાધ છે ?’
કુમુદસુંદરી - ‘મને પણ આ જ મહાસ્વપ્ન થયું હતું તેનો જ આ ઇતિહાસ આપે જાણે લખ્યો હોય એમ છે. ને એમાં પણ મોહક ભાગ છે તે સ્વપ્નસ્થ મટી જાગૃતસ્થ થાય તો આ પ્રતિજ્ઞા તૂટે.’
સરસ્વતીચંદ્ર - ‘શું તમને પણ આવું સ્વપ્ન થયું હતું ? તેમાં ને આમાં કંઈ ફેર નથી ?’
કુમુદસુંદરી - ‘કંઈ ફેર નથી. માત્ર આમાં આપની સહચારિણી કોણ હતી તે આપે લખ્યું નથી તે ઠેકાણે મારું નામ લખ્યું હોત તો બરોબર મારું જ સ્વપ્ન પૂર્ણ થાત.’
સરસ્વતીચંદ્ર - ‘સ્વપ્નશાસ્ત્રના પણ વિચિત્ર ચમત્કારો છે. કુમુદસુુંદરી ! આ સ્વપ્નમાં મહાબોધ છે.’
કુમુદસુંદરી - ‘છે જ. આપના જેવાના સંસ્કારો એવાં સ્વપ્નોમાં અવિક્ષિપ્ત સ્વરૂપ પામે છે. જે વિષયોમાં આપ અનેક ગ્રંથ લખી શકો તે વિષયો ગુરુજીના પ્રતાપથી આપને આમ સ્વપ્નકાળમાં પ્રત્યક્ષ થયા છે, ને આપની પ્રીતિને યોગે મને પણ પ્રત્યક્ષ થયા. આવું થવાના સંભવની વાતો સાધ્વીજનોએ મને પ્રથમથી કહી હતી અને માટે જ હું ચરણસ્પર્શના લોભમાંથી સ્વપ્ન સમાપ્ત થતાં સુધી છૂટી શકી નહીં.’
સરસ્વતીચંદ્ર - ‘કુમુદસુંદરી ! હું બહુ દુઃખી છું.’
કુમુદસુંદરી - ‘મારા દુઃખનો નાશ આપે કર્યો ને આપનો દુઃખનો મારાથી નાશ નહીં થઈ શકે તો હું તેમાં ધર્મસહચારિણી સમભાગિની થઈશ.’
સરસ્વતીચંદ્ર - ‘તમારું દુઃખ મને વીંછીના દંશ પેઠે શરીરમાં અંદર સાલતું હતું, પણ આ દુઃખ તો પવન પેઠે ચાર માસથી બાંધી લે છે.’
કુમુદસુંદરી - ‘એ દુઃખ શું છે ?’
સરસ્વતીચંદ્ર - ‘આપણા દેશની ને લોકની સ્થિતિ - એ હવે મારું એકલું દુઃખ છે. તેમાંથી કેમ મુક્ત થવું એ વિચાર હૃદયને હલમલાવી નાખે છે.’
કુમુદસુંદરી - ‘ગુરુજીના રચેલા સ્વપ્નાદિ યોગ એ દુઃખનો નાશ કરશે અથવા નાશનો માર્ગ બતાવશે.’
સરસ્વતીચંદ્ર - ‘ક્યાં આ એકાંતવાસી સાધુજન અને ક્યાં આ અનેક વાયુચક્ર જેવા ગૂંચવાડાઓથી ભરેલી દેશની દશા ? હું તેની તમારી પાસે પણ શી વાત કરું ?’
કુમુદસુંદરી - ‘હું એ વાતો સાંભળવાને પાત્ર નથી ને સમજવાને શક્તિશાળી નથી; પણ તે સાંભળવા-સમજવા-નો અધિકાર મને ધીમે ધીમે આપવો એ આપની કૃપાને યોગ્ય કાર્ય છે.’
સરસ્વતીચંદ્ર - ‘એ તો આપણા સહવાસનો જેવો ક્રમ.’
કુમુદસુંદરી - ‘એ એમ બંધાઈ ચૂક્યો આપને દેખાતો નથી ?’
સરસ્વતીચંદ્ર - ‘સાધુજનોને જે ક્રમ વ્યવસ્થિત છે તેમાં સંસાર ગમે તેવો કાળે અવ્યવસ્થા નાખી શકશે.’
કુમુદસુંદરી - ‘તમારા વિના મારે કોઈ રહ્યું નથી, અને સાધુજનોએ ઘડેલી વ્યવસ્થાથી જો આપની પવિત્ર સ્થિતિ જળવાઈ શકશે તો પછી મને મળેલો લાભ આપ પાછો ખેંચી નહીં લ્યો.’
સરસ્વતીચંદ્ર - ‘હું તો નહીં ખેંચી લઉં; પણ તમારો ધર્મ તમને કેવે પ્રસંગે કેણી પાસ નહીં પ્રેરે એ કહેવાતું નથી.’
કુમુદસુંદરી - ‘પ્રેરશે ત્યારે પ્રેરશે. મારો ખપ આપના વિના બીજું કોઈ કરે એમ હવે નથી. જગત મને ડૂબેલી સમજતું હશે. માતાપિતા અને શ્વશુરગૃહ પણ એ જ બુદ્ધિથી મારો શોધ કરી રહ્યું હશે અને કાળક્રમે તેમના મનમાંથી હું ખસવા પણ માંડી હોઈશ. હું એ સંસારને મનથી વિસારું છું; આપ પણ વિસારો. જ્યાં સુધી આપણે અધર્મના માર્ગથી દૂર છીએ ત્યાં સુધી ભાવી પ્રસંગોએ શું થશે ને શું નહીં થાય એ તર્ક કરવા તે પેટ ચોળી પીડા ઊભી કરવા જેવું નથી ?’
સરસ્વતીચંદ્ર - ‘એ પણ સત્ય છે.’
કુમુદસુંદરી - ‘તો એ વાત પડતી મૂકો ને કહો કે આપ આ આશ્રમમાં આપનો કાળ કેવી રીતે ગાળવા ધારો છો ? ને આપના મનના સંતાપને કેમ રીતે દૂર કરવા ઈચ્છો છો ?’
સરસ્વતીચંદ્ર - ‘મારું આત્મહિત વિચારવાનાં સાધન તો આ મઠોમાં ઘણાં પડ્યાં છે. દેશહિત કરવાને માટે દ્રવ્યની અને પ્રતિષ્ઠાની મહત્તા જોઈએ તે અહીં નથી, પણ દ્રવ્ય અને પ્રતિષ્ઠા ઉભય હોય તો તે વડે દેશહિત કેમ કરવું તે ભવ્ય સ્થાનમાં રહી સૂઝશે તેવું અન્યત્ર નહીં સૂઝે. લોકહિત - સર્વ પૃથ્વીલોકનું હિત - એ સાધવાની શક્તિ તો દ્રવ્ય અને પ્રતિષ્ઠાથી પણ દુર્લભ છે; એ શક્તિ તો કેમ પ્રાપ્ત કરવી એ જ વિકટ પ્રશ્ન છે. તેનું સમાધાન સુંદરગિરિ સુઝાડશે.’
કુમુદસુંદરી - ‘એ વસ્તુઓને જોનાર ને દેખાડનાર તો આપની બુદ્ધિ અને વિદ્યા જ છે; તેમાં સુંદરગિરિ શી અધિકતા કરવાનો હતો ? સંસારના પ્રશ્નોનું સમાધાન સંસાર જ કરી શકે ને અહીં તો સંસાર ભણી આપે આંખો જ મીંચીને અદૃષ્ટા થવાનું છે.’
સરસ્વતીચંદ્ર - ‘વિદ્યા બુદ્ધિને વ્યાયામ અને શક્તિ આપે છે, સંસાર એ વ્યાયામને અને શક્તિને વિષય આપે છે. પણ એવા વિષયનું જ્ઞાનેન્દ્રિયમાં ગ્રહણ કરી તેનું ચર્વણ ને પાચન ન કરવાનો અવકાશ તેમ આપણા પ્રાચીન લોક પણ સમજતા હતા અને આપણી બુદ્ધિમાં જે નવું સ્વાસ્થ્ય આપણે અનુભવીએ છીએ તે પણ ગિરિરાજનો જ મહિમા સમજવો. તીર્થોમાં તેમ ક્ષેત્રવિશેષોમાં તેનાં સૌન્દર્યથી, શાન્તિથી, ભવ્યતાથી અને એવાં અનેક કારણોથી કંઈક એવી શક્તિવાળો સૂક્ષ્મ પવન વહન કરે છે કે તેનાથી આપણા સ્થૂળ અને તે સૂક્ષ્મ ભાગોમાં - જડ અને ચેતન અવયવોમાં - નવીન પવિત્રતા, બુદ્ધિ અને સ્વસ્થતા ઝરાના પાણી પેઠે, ફુવારા પેઠે, સ્ફુરી આવે છે.’
કુમુદસુંદરી - ‘એ તો સત્ય હશે. મારી પોતાની બુદ્ધિને પણ કંઈક આવો જ લાભ મળ્યો લાગે છે.’
સરસ્વતીચંદ્ર - ‘તો વિચારો - પ્રસંગ મળ્યે સમજાવું છું કે મારા અનેક નિર્ધન વિદ્વાન મિત્રોને મુંબઈ જેવી ઘટ વસ્તીમાં બારે માસ ભરાઈ રહેવું પડે છે અને અંગ્રેજોની પેઠે આવાં સ્થાનમાં આવી આરોગ્ય અને સ્વાસ્થ્ય પામવાને તેમની પાસે નથી દ્રવ્ય અને નથી અવકાશ - એટલો વિચાર થતાં મને કેવું દુઃખ થવું જોઈએ ? આ ગિરિરાજનાં દર્શનથી મને એક લાભ તો આ દુઃખનો થયો છે.’
કુમુદસુંદરી - ‘આપના ઉદાર દેશવત્સલ હૃદયને એ દુઃખ તો ખરું, પણ એ દુઃખના લાભને લાભ કેમ ગણો છો ?’
સરસ્વતીચંદ્ર - ‘કેમ ગણું છું ? મુંબઈ હતો ત્યારે સૂઝતું ન હતું કે મારા આટલા બધા દ્રવ્યનો ઉપયોગ શો કરવો ને આ ગિરિરાજે ને આ પોટકામાંના પત્રોએ આ નવી બુદ્ધિ આપી ને એમ હવે સમજું છું કે બીજું કંઈ ન થાય તો મારા એ વિદ્વાનોને માટે આ દ્રવ્ય ખરચી તેમને આવા ગિરિરાજ ઉપર રાખું ને તેમનાં આરોગ્ય ને બુદ્ધિઓ વધારું.’
કુમુદસુંદરી - ‘શ્રીકૃષ્ણના હૃદયમાં તેમના ભક્તો અને વિપ્રો હતા તેમ આપના હૃદયમાં આ વિદ્વાનો છે.’
સરસ્વતીચંદ્ર - ‘એમ જ. આપણા દેશનું અને દેશમાંના લોકનું કલ્યાણ કરવાની શક્તિ આ જ બે વર્ગમાં છે. પ્રથમ છે અંગ્રેજોમાં અને પછી છે આ વિદ્વાનોમાં.’
કુમુદસુંદરી - ‘અંગ્રેજોમાં તો શક્તિ ખરી.’
સરસ્વતીચંદ્ર - ‘ને વિદ્વાનો વિદ્યાનો ઉપયોગ કરવાની શક્તિ પામે તો તેમનામાં પણ દેશસેવાની શક્તિ સ્ફુરે. તેમના ને અંગ્રેજોના પરસ્પર સંમેલનથી, પરસ્પરાનુકૂળ પ્રવૃત્તિથી, અને પરસ્પર પ્રેમબંધનથી, આ શક્તિ ઉભયમાં વિકાસ પામશે ત્યારે આખા આર્યદેશની શ્રદ્ધાના તેઓ પાત્ર થશે. કુમુદ ! ગુણિયલબા ઉપર જે અનુકૂળતા તમારા ચતુર પિતાની હતી તેવી આપણા વિદ્વાનો ઉપર અંગ્રેજોની થશે, અને એ પિતાની તેમ પિતાના કુટુંબની સંભાળ લેવાની જે શક્તિ ગુણિયલબાને તેમની ક્ષમાએ, ઉદારતાએ, ધીરતાએ, સ્વાર્પણે અને ચતુરતાએ આપી હતી તેવી શક્તિથી આપણા વિદ્વાનો આપણા દેશની સંભાળ લેતાં શીખશે ત્યારે સર્વનું કલ્યાણ થશે. મારી આવી શ્રદ્ધા છે માટે જ સર્વ કરતાં હું આપણા વિદ્વાનોને મારા હૃદયમાં સતત વાસ આપું છું, અને તેમને માટે આવી આવી ચિંતાઓ કર્યા કરું છું.’
કુમુદસુંદરી - ‘તમે તેમને માટે શું ઇચ્છો છો ?’
સરસ્વતીચંદ્ર - ‘તેમનાં ગૃહરાજ્યમાં ગુણસુંદરીઓ, કુમુદસુંદરીઓ, સૌભાગ્યદેવીઓ ને ચંદ્રાવલીઓ ફરતી જોવા ઇચ્છું છું. તેમના વૈભવ વધેલા જોવા ઇચ્છું છું. તેમના ભંડાર ભરાતા જોવા ઇચ્છું છું. તેમને આધિ અને વ્યાધિથી મુક્ત, આરોગ્ય, સુશરીર, સ્વસ્થ અને સ્વતંત્ર જોવા ઇચ્છું છું. એમને ત્યાં સદ્ગુણના સહચાર થતા જોવા ઇચ્છું છું. એમનામાં દેશોન્નતિની વાસનાઓને વીર્યવતી અને ફલવતી થતી જોવા ઇચ્છું છું. કુસુમસુંદરી ! રાત્રે આપણે જે મહાન રાફડાઓ જોયા તે રાફડાઓની મૂળ તેમનાં શરીરની ચારે પાસેથી ઊડી જાય અને સોનાની ખાણોના પ્રદેશ ઉપરની કાંચનની રેતીનાં વાદળ એમની આસપાસ ઊડી રહે એવું જોવા ઇચ્છું છું. એ રેતી કાંચનમયી થાય ને આ રાફડાઓમાંનાં સર્વ જંતુઓને એ કાંચનની સમૃદ્ધિ મળે શ્વેત પ્રકાશના માર્ગોર્માં પ્રવૃત્તિ મળે, અને સ્થાનેસ્થાને જે મણિમય ઉદ્યાનમાં આપણે ઊભાં હતાં એવું અહીં થઈ જાય એ જોવાની મારી તીવ્ર વાસના છે.’
કુમુદસુંદરી - ‘એ વાસના કેવાં સાધનથી તૃપ્ત કરવા ધારો છો ?’
સરસ્વતીચંદ્ર - ‘એ સાધનનું બીજ દ્રવ્ય મારી પાસે હતું તે મેં નાખી દીધું.’
કુમુદસુંદરી - ‘તમે મને ઑસ્ટેનનું વાક્ય એક કાળે સંભળાવ્યું હતું કે ૈંં ૈજ ટ્ઠ િંેંર ેહૈદૃીજિટ્ઠઙ્મઙ્મઅ ટ્ઠષ્ઠાર્હુઙ્મીઙ્ઘખ્તીઙ્ઘ, ંરટ્ઠં ટ્ઠ જૈહખ્તઙ્મી દ્બટ્ઠહ ૈહ ર્જજીજર્જૈહર્ ક ટ્ઠ ર્ખ્તર્ઙ્ઘ ર્કિેંહી દ્બેજં હ્વી ૈહ ુટ્ઠહંર્ ક ુૈકી. આમાં પણ તમારા સાધનનું બીજ કંઈ રહ્યું નથી ?’
સરસ્વતીચંદ્ર - ‘છે તો છે, ને નથી તો નથી.’
કુમુદસુંદરી - ‘તમે ઘડી ઘડી કહેતા હતા કે આર્યદેશની સ્ત્રીઓને આર્યાપદને યોગ્ય ઉત્કર્ષ આપવાની તમારી વાસના છે તે હજી એ છે કે નથી ?’
સરસ્વતીચંદ્ર - ‘શું કહું ? એ વાસનાની વસ્તુ વળી એથી પણ વધારે દુર્લભ છે ને તેની પ્રાપ્તિના માર્ગને માટે પૂર્વે કરેલાં મનોરાજ્યને સ્મરું છું તેની સાથે જ તમારા પણ સંસ્કારો હૃદયમાં ખડા થાય છે ને કહેવડાવે છે કે
‘ઇદમસુલભવસ્તુપ્રાર્થનાદુર્નિવારમ્
પ્રથમમપિ મનો મે પશ્ચબાણઃ ક્ષિણોતિ ।।
કુમુદસુંદરી - ‘જે વસ્તુ આપને આજ નહીં તો બે વર્ષે પ્રાપ્ત થવી સુલભ છે તેને દુર્લભ ગણવા જેવી અધીરતા તમારામાં નક્કી નથી જ. ્રી ૈંદ્બી ુૈઙ્મઙ્મ ર્ષ્ઠદ્બી; ર્એ હીીઙ્ઘ ર્હં કઙ્મઅ.’
સરસ્વતીચંદ્ર - ‘કાળ તેને સુલભ કરશે પણ આપણી ધર્મબદ્ધિ શું સુઝાડશે તે કોણ જાણે છે ? કુમુદસુંદરીનો ત્યાગ ન કર્યો હોત તો પંચબાણથી નિર્ભય રહી તેમને જ સ્વરૂપે - તેમના જ દ્વારા - મારો જીવ સર્વ સ્ત્રીસૃષ્ટિનાં સુખદુઃખના દુર્લભ દર્શનને સુલભ કરી લેત અને તેના ઉપાય શોધત. પવિત્ર પ્રિયજન ! એ નિર્ભયતા હવે મને મળવામાં જેટલી શંકા છે તેટલી જ દેશની સ્ત્રીસૃષ્ટિના સૂક્ષ્મ શરીરની ચિકિત્સા થવી અવિવાહિત વૈદ્યને માટે દુર્લભ અને અનુચિત છે. સ્ત્રીની નાડી જોતાં તે નાડીના સ્પર્શથી જ જ્યારે તે નાડી કે વૈદ્યની પોતાની નાડી ચમકે ત્યારે વૈદ્ય નાડી જોવી જ મૂકી દેવી યોગ્ય છે. મન્મથનો પરાભવ કરવો કેવો વિકટ છે તે આપણે આજ પ્રત્યક્ષ કર્યું છે. તમારી અપૂર્વ સહાયતા મને ન મળી હોત તો મન્મથે આજ મારી ધજા તોડી પાડી હોત. સ્ત્રીસૃષ્ટિનાં દુઃખ દૂર કરવાનાં સાધનમાં આવી સહાયતા ન મળે તેને એ સાધન દુર્લભ છે - છતાં એ સાધનના સાધ્યને પ્રાપ્ત કરવાની મારી વાસના ખસતી નથી માટે જ હું અસુલભ વસ્તુની પ્રાર્થના કરનાર મૂર્ખ છું. કોઈ નિમિત્તે કોઈ સ્ત્રીનું મારે દર્શન થાય છે ત્યાં તમને દેખું છું, ને તમને સમરું છું ત્યાં સર્વ સ્ત્રીજાતિનાં સુખદુઃખ સ્મરું છું, તમને દેખું છું કે સ્મરું છું તેની સાથે સ્વયંભૂ મન્મથ મારા સામો ધનુર્ધર થઈ ઊભો રહે છે ને તેના ભયથી તમારું સ્મરણ કરાવનાર કંઈ પણ મનોરાજ્ય લાગે તે પડતું મૂકું છું. પણ પેલા રાફડાઓમાંથી જે દિવ્ય મૂર્તિઓ નીકળી કાલ આપણી પાસે ઉપદેશ કરતી ચાલી ગઈ એવી અનેક મૂર્તિઓ નીકળતી જોવાની મારી વાસના તો ખસતી જ નથી !’
કુમુદસુંદરી - ‘તમારાં નેત્રપુટમાંથી આ અશ્રુધારાઓ વહી જાય છે ને મારા હૃદયને વીંધે છે. તમે સ્વસ્થ થાઓ. તમારા સાધ્યમાં હું સાધનભૂત થઈશ ને ધર્મને જ માર્ગે થઈશ.’
સરસ્વતીચંદ્ર - ‘કુમુદસુંદરી ! આ પત્રોના ઢગલા પ્રિય ચંદ્રકાંતના હાથમાંથી પ્રારબ્ધે મારા હાથમાં ખેંચી આણ્યા છે તે વાંચું છું ને હૃદય ફાટે છે. મારા પ્રિય મિત્રો ને દેશનાં નીવડ્યાં રત્નો ધૂળમાં રગદોળાય ને તે આજ સુધી હું જાણતો ન હતો તે આ પત્રોથી માત્ર કંઈક જાણ્યું ને કેટલું હજી દૃષ્ટિ બહાર હશે ? પ્રમાદધને તમને સુખી કર્યાં હોત તો હું જાતે બહુ સુખી થાત - પણ તેમણે અવળું કર્યું તેથી જ સ્ત્રીજાતિની દુઃખસૃષ્ટિનાં કંઈક કિરણ મારા નેત્રમાં આવવા પામ્યાં. આ સૃષ્ટિમાં કેટલી સ્ત્રીઓની કેટલી વેદનાઓ ઊભરાતી હશે, કેટલાં કોમળ હૃદય દળાઈ જતાં હશે, કેટલાં આંસુની નદીઓ ચાલતી હશે? ચંદ્રકાંતના દુઃખના પત્ર વાંચ્યા પણ આ દુઃખો ક્યા પત્રોમાંથી જડવાનાં હતાં ? લક્ષ્મીનો અને તમારો ત્યાગ કરતી વેળા આ ચિત્રો પ્રત્યક્ષ હોત તો મારો ધર્મ કંઈ જુદો જ પ્રાપ્ત થાત. હું મારા રાફડામાંથી છૂટવા પામ્યો પણ તેની સાથે આ સર્વ જોવાના પ્રકાશ જોવાનું મારું નેત્ર પણ મેં હાથે કરી ફોડી લીધું અને આર્યલોકની અર્ધી વસ્તીની અને તે પણ સુંદર અનાથ વસ્તીની દશા સુધારવાનું મારું સાધન મેં જાતે ભાંગી નાંખ્યું. હવે તો ‘બની બનાઈ બન ગઈ’ એ વાત સત્ય છે, પણ - તોપણ - હવે આ વિષયનું શું કરવું, આ સર્વનાં દુઃખ કેવાં હશે, એ કેમ જાણવાં, એ કેમ મટાડવાં, એ સર્વ વિચાર થાય છે ત્યારે તમે અત્યારે દેખો છો એવી અશ્રુધારા આ નયનોમાં ચાલે છે; કહ્યું માનતી નથી અને અટકતી નથી. હું એ ધારાઓ જોઈને જ તૃપ્ત થાઉં છું. જે વાતમાં મારો ઉપાય નથી તેમાં કંઈ ધર્માધર્મ પણ નથી ને જેવી રીતે મારી વાસનાને શાંત કરતી વેળા તૃપ્ત થાઉં છું તેથી ઊલટી રીતેઆ અશ્રુઓને વહેવા દઈને તૃપ્ત થાઉં છું.’
કુમુદસુંદરી - ‘જે ત્યાગ જાતે ધર્મબુદ્ધિથી કર્યો તેના અણધાર્યા પરિણામથી ખિન્ન થઈ એ અધર્મ નથી ?’
સરસ્વતીચંદ્ર - ‘જે વાત હાથમાં છે તે કરવા ન કરવામાં ધર્માધર્મ છે. જે હાથમાં નથી તેમાં ધર્મ પણ નથી, અધર્મ પણ નથી. સીતાનો ધર્મબુદ્ધિથી ત્યાગ કરી રામચંદ્રપ્રીતિને બળે રોયા હતા. કુમુદસુંદરી, ધર્મ પ્રમાણે આપણે પ્રીતિને લાત મારી પ્રવૃત્તિના વિષયમાંથી બાહાર કાઢવા સમર્થ થઈએ છીએ પણ પ્રીતિને હૃદયમાંથી કાઢવી તે આપણા હાથની વાત નથી. પ્રીતિની ઉત્પત્તિ જેવી અનિવાર્ય છે તેવી તેની નિવૃત્તિ પણ અસાધ્ય છે. અને એટલા માટે જ પ્રમાદધનના મંદિરમાં સરસ્વતીચંદ્રની અનુકંપા તમે કરી તે ધર્મરૂપ જ હતી.’
કુમુદસુંદરી - ‘શુદ્ધ ઔધષબળે આંખનાં પડળ ખરી પડે છે તેમ શુદ્ધ પરમ જ્ઞાનથી પ્રીતિનો પટ હૃદયમાંથી સરી પડે છે એમ મહાત્માઓના અનુભવ છે.’
સરસ્વતીચંદ્ર - ‘તે સત્ય છે. પણ પ્રારબ્ધવાદનો અને જ્ઞાનનો પણ દુરુપયોગ થાય છે. જે કાળે ધર્મથી કાંઈ ક્રિયા કર્તવ્ય થાય છે તે કાળે પ્રારબ્ધવાદી થઈ બેસી હેવું ને ક્રિયાના આરંભમાંથી નિવૃત્ત થવું એ મહાન અધર્મ છે. પ્રારબ્ધવાદનો ઉપયોગ સુખદુઃખની નિવૃત્તિને માટે છે, ધર્મની નિવૃત્તિને માટે નથી; તેમ જ જ્ઞાનનો ઉપયોગ અલક્ષ્યસ્વરૂપના પ્રબોધને માટે છે, લક્ષ્યધર્મની નિવૃત્તિને માટે નથી; અહંકાર અને મમતાના પ્રધ્વંસને માટે છે, સર્વ ભૂતાત્મકતામાંથી ઉત્પન્ન થતા પંચમહાયજ્ઞના ધ્વંસને માટે નથી. આરંભવાચક પ્રારબ્ધમાં અનારંભના ધર્મ જોનાર, કર્મ શબ્દનો અકર્મ ભાગ્યવાચક અર્થે પ્રયોગ કરનાર, ઊંધી પૂતળીની આંખોવાળા જંતુ આપણે પેલા રાફડાઓમાં જોયા તેમણે આ દેશનાં સજીવ પવનને અને પાણીને સ્થાને જડ ચીકસી માટીના ખડક ઊભા કર્યા છે. તેમની તામસી દૃષ્ટિના પ્રભાવથી જ જ્ઞાનનો આવો દુરુપયોગ થયો છે, આત્માગ્નિના યજ્ઞ હોલાઈ ગયાં છે, ને દેખીએ છીએ એ દેશકાળ આપણે શિર ખડો થયો છે. અહંકાર ને મમતામાંથી ઉત્પન્ન થયેલી સકામ અને વાસનાયુક્ત પ્રીતિ આપણા સૂક્ષ્મ શરીરમાંથી ખસી જાય તો તે જ્ઞાનનું સાફલ્ય છે. નિરહંકાર અને નિર્મમ સર્વ ભૂતાત્મકતાના પરિણામ રૂપ નિષ્કામ ફળ-અભોગી મહાયજ્ઞોમાં પ્રીતિ જ્યારે સાધન થાય છે ત્યારે જ એ યજ્ઞમાં આહુતિ શુદ્ધ સત્વર અને સંપૂર્ણ થાય છે. જીવ, ઈશ્વર ને બ્રહ્માની જેવી ત્રિપુટી ગણી છે તેવી ક્રિયા, ધર્મ, ને જ્ઞાનની ત્રિપુટી છે. ધર્મ, ને ક્રિયાના નિયંતાનો અધિકાર છે, ને જ્ઞાન ને નિર્ગુણ અને કૃતકૃત્ય ધર્મનું ફળ છે. ધર્મ કૃતકૃત્ય ક્રિયાના થાય ત્યાં સુધીનું જ્ઞાન સંસિદ્ધ દશામાં સોળે કળાથી પ્રકાશ પામતું નથી અને ધર્મ વિનાનું સંપૂર્ણ કહેવાતું જ્ઞાન તે, ગ્રસ્ત થયેલા સંપૂર્ણ ચન્દ્ર જેવું, છતે પ્રકાશે અંધકારરૂપ છે. એકલા આવા જ્ઞાનનું સેવન કરનારની ગતિને શ્રુતિમાં અંધતિમિરથી ભરેલી કહી છે અને તેવા જંતુ ‘અસૂર્ય’ લોકને પ્રાપ્ત કરે છે એમ કહેલું છે. અહીંના સાધુજનોના આના મર્મ સમજે છે. આવા ગ્રહણથી મુક્ત થયેલું જ્ઞાન તે જ સાત્ત્વિક જ્ઞાન છે અને એ જ જ્ઞાનપદને પામનાર સાધુજન બ્રહ્મદ્વૈત પામે છે. એવા સાત્ત્વિક જ્ઞાનરૂપ થયેલાં સાધુજનોના મનુષ્યયજ્ઞોમાં પ્રીતિ સોમરસનું કામ કરે છે, અને કુમુદસુંદરી, શું તમારે માટે, કે શું આ દેશને માટે, મંડેલા મારા મહાયજ્ઞને માટે પ્રાપ્ત થયેલા મારા સોમરસને હું ધર્મરૂપ જ ગણું છું, ને તે ઉપરથી અંગ્રેજ કવિનું વાક્ય સમજ્જો કે
‘્રૈજ ૈજ હ્વીંીંિ ર્ં રટ્ઠદૃી ર્ઙ્મદૃ’ઙ્ઘ ટ્ઠહઙ્ઘ ર્ઙ્મજં,
્રટ્ઠહ હીદૃીિ ર્ં રટ્ઠદૃી ર્ઙ્મદૃ’ઙ્ઘ ટ્ઠં ટ્ઠઙ્મઙ્મ.’
કુમુદસુંદરી - ‘પ્રીતિ પણ શું વાસના નથી ?’
સરસ્વતીચંદ્ર - ‘સકામ વાસનારૂપ પ્રીતિ તે વાસના છે. તે કામથી ઉત્પન્ન થાય છે ને કામક્ષયથી ક્ષીણ થાય છે. નિષ્કામ પ્રીતિ જ્વાળારૂપ છે, પૃથ્વી અને ચંદ્રની વચ્ચેના પરસ્પરના ગુરુત્વાકર્ષણના જેવી સહચાર પ્રદક્ષિણાની સાધક છે, અને કેવળ સ્વયંભૂ છે. એ સ્વયંભૂ છે માટે જ જ્ઞાનવિના અન્યથી નિવાર્ય નથી, ને પ્રીતિ ધર્મ્ય હોય છે ત્યારે જ્ઞાન પણ એનું નિવારક નથી. માતાપિતાની પ્રીતિનું નિવારણ કોઈ જ્ઞાન કરતું નથી. તે સૌ આ કારણની કલ્પનાથી. સ્ત્રીપુરુષની પ્રીતિને આપણા લોક ક્ષુદ્ર ગણે છે તે તેમાં વાસનાની કલ્પનાથી. આર્ય સંસાર એવો ક્ષુદ્ર થઈ ગયો છે કે દંપતી વચ્ચે પ્રીતિનું મૂળ કામવાસના વિના કે પુત્રવાસના વિના અન્ય હોવાનો સંભવ પણ સ્વીકારતું નથી એવું ચંદ્રકાંત કહેતો હતો અને તેના કહેવામાં કોણ જાણે કેટલું સત્ય હશે ?’
કુમુદસુંદરી - ‘ત્યાગકાળે આપે દેશહિત દ્રવ્ય વિના કેવી રીતે કરવા ધારેલું ?’
સરસ્વતીચંદ્ર - ‘સંસારમાં સ્થાનેસ્થાને યાત્રા કરી, અવલોકન કરી, બોધ આપી-’
કુમુદસુંદરી - ‘ભગવાન બુદ્ધની પેઠે ?’
સરસ્વતીચંદ્ર - ‘કંઈક એમ જ.’
કુમુદસુંદરી - ‘હવે વિચાર શાથી ફર્યો ?’
સરસ્વતીચંદ્ર - ‘નવા જોયેલા રાફડાના ગઠ્ઠા એવા તો બાઝી ગયા છે કે તે પ્રકાશથી પીગળે એમ નથી, અગ્નિથી બળે એમ નથી ને કુહાડાથી ખોદી નંખાય એમ નથી. જ્યાં નાગલોકનું મણિ અને વિષ પણ નિષ્ફળ થાય છે ત્યાં મારા જેવાના શબ્દોદ્ગારની શી શક્તિ ? બુદ્ધ ભગવાનની વાણી પ્રકાશમય જુતુઓમાં ફરી વળતી હતી. આ કાળની વાણીના જડ રાફડાઓમાં પડઘા પણ નથી થતા.’
કુમુદસુંદરી - ‘હવે કઈ શક્તિ તમારી પાસે હોય તો કામ લાગે એવી છે ?’
સરસ્વતીચંદ્ર - ‘વિદ્યા, સાધુતા અને લક્ષ્મી, એ ત્રણ શક્તિઓ જોઈએ તેમાં ત્રીજી નથી ને ચોથી તમારા હૃદયમાં છે તે જાણો છો.’
કુમુદસુંદરી - ‘ત્રીજી ચોથી ન હોય તો ન જ ચાલે ?’
સરસ્વતીચંદ્ર - ‘સોમરસનું પાન જે સુઝાડે તે ખરું.’
કુમુદસુંદરી - ‘કેવા પ્રકારનો સોમ ? ’ સરસ્વતીચંદ્ર - ‘દેશયજ્ઞમાં દેશપ્રીતિ એ જ સોમરસ. ’ કુમુદસુંદરી - ‘તે ક્યારે સુઝાડશે ? ’ સરસ્વતીચંદ્ર - ‘એ રસથી આ હૃદયમાં સમુદ્રમન્થન થઈ રહેશે ત્યારે. ’ કુમુદસુંદરી - ‘આજે આપણે વિકાર વગર ફળાહાર લઈ લીધો. ’ સરસ્વતીચંદ્ર - ‘દેશની પ્રીતિમાં વ્યક્તિની સ્થૂળ પ્રીતિ પેલા રાફડામાંના કુહાડાની દશાને પામે.’
કુમુદસુંદરી - ‘હું ત્યારે તમારા આ દેશપ્રીતિના નવા રાફડાનું પોષણ કરીશ ને તેના આ કુહાડાને તેમાં ડૂબવા દઈશ.’
સરસ્વતીચંદ્ર - ‘મેં તમને કહ્યું હતું કે તમે જે કંઈ કરશો તે શુદ્ધ અને સુંદર જ હશે.’
કુમુદસુંદરી - ‘હું તો આપની પાસે રહી શકવાના મારા લોભી સ્વાર્થને માટે આમ કરવાની છું.’
સરસ્વતીચંદ્ર - ‘સૂક્ષ્મ સુંદર વાસનાઓમાંથી પારકાનું પણ કલ્યાણ થવા પામે છે તેનું આ દૃષ્ટાંત.’
કુમુદસુંદરી - ‘સૂક્ષ્મ કે સ્થૂળ સર્વ વાસનાઓની વાત જ ન કરવી;
‘સ્વાર્થ’ શબ્દ કરતાં ‘વાસના’ શબ્દ વધારે સૂચક અને ઉદ્દીપક છે.’
સરસ્વતીચંદ્ર - ‘એમ લાગે છે.’
કુમુદસુંદરી - ‘એ વિક્ષેપશક્તિનો જ વિક્ષેપ કરવાનો માર્ગ એ કે મારે હવે જવું અને આપે આપનો લેખ હાથમાં લેવો.’
સરસ્વતીચંદ્ર - ‘તમે ક્યારે આવશો ?’
કુમુદસુંદરી - ‘સાધુજનો પ્રસાદ તૈયાર કરે છે તેમાં હું સહાયભૂત થઈશ ને સાયંકાળે આવીશ.’
સરસ્વતીચંદ્ર - ‘સાયંકાળ પણ સૂચક ને દીપક છે.’
કુમુદસુંદરી - ‘હું ઊઠવા જાઉં છું ને જતી જતી બેસું છું. આપનો હાથ લાંબો થયો છે ને મારો પાલવ તેમાં પકડાયો છે.’
સરસ્વતીચંદ્ર - ‘અલકબહેન પાસે એ હાથને જે શક્તિએ પવિત્ર રાખ્યો તે આજ પણ રાખી શકશે.’
કુમુદસુંદરી - ‘આપે આપની મેળે જ પાલવને છોડ્યો છે. મારા કરતાં આપની સમર્થતા વિશેષ છે.’
સરસ્વતીચંદ્ર - ‘પવિત્ર રહેવામાં પણ આપણું અદ્વૈત જ સહાયક છે.’
કુમુદસુંદરી - ‘એ પણ સત્ય છે. પણ શું આપણે એવાં અનાથ અને ક્ષુદ્ર પામર પ્રાણી છીએ કે ઘડીઘડી આમ આટલા પ્રયાસ કરીએ છીએ ત્યારે જ આમ વ્યવસ્થિત રહી શકીએ છીએ ?’
સરસ્વતીચંદ્ર - ‘સર્વ સુવ્યવસ્થાનો લાભ અહંકારના ત્યાથી, દીર્ઘ સૂક્ષ્મ તપથી, અત્યંત સાવધતાથી અને સંસિદ્ધિસાધક બુદ્ધિપ્રયોગથી જ થાય છે. માન અને મદનો ત્યાગ કરી બુદ્ધિથી મુદિતાશય માર્ગ પ્રવર્તવું એવી મને દીક્ષા છે.’
કુમુદસુંદરી - ‘તેની સિદ્ધિ અસ્તુ ! હું આજ્ઞા માગું છું.’
સરસ્વતીચંદ્ર - ‘જવાની ત્વરા જ છે ?’
કુમુદસુંદરી - ‘પોતાનો પણ વિશ્વાસ નહીં ત્યાં ધર્મની ગતિ ત્વરિત ક્યાંથી જ લાભ છે.’ સરસ્વતીચંદ્ર - ‘મેં તમને દુઃખમાં નાખ્યાં તેને સાટે તમે મારું કલ્યાણ સાધો છો.’
કુમુદસુંદરી - ‘ને સાથે મારું પણ સાધું છું.’
સરસ્વતીચંદ્ર - ‘ઈશ્વર તેમાં સિદ્ધિ આપો.’