Himsheela - Gazal Yakub Parmar(Jacob Davis) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Himsheela - Gazal


હિમશીલા

( ગઝલ સંગ્રહ )

- યાકૂબ પરમાર



COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રસ્તાવના

‘નીશટેક કોમ્પ્યુટર સોલ્યુશન્સ પ્રા.લી.’ તરફથી ‘ગુજરાતી પ્રાઈડ’માં મારૂં પુસ્તક રજુ કરવા આમંત્રણ મળતાં આ ગઝલ સંગ્રહ પુસ્તક રૂપે ન છાપતાં ઈ-બુક તરીકે પ્રસિધ્ધ કરવા નકકી કર્યું. એમાં ખર્ચનો પ્રશ્ન નહિ અને ભાવક સુધી પહોંચે એ વધારાનો લાભ.

આ અગાઉ મારાં ગીત - ગઝલ : “અરસપરસના મેળમાં”, બાઈબલ કાવ્યો : “અજવાળાનો ધોધ”, દૂહા સંગ્રહ : “તડકાની છાલક” તથા મુકતક સંગ્રહ : “હવાનાં રૂપ” પ્રસિધ્ધ થયાં છે. પણ ભાવકો સુધી પહોંચ્યાં છે કે કેમ તે ખબર નથી. એટલે ગુજરાતી પ્રાઈડની ઓફર સ્વીકારી આ ઈ-બુક તેમની સાઈટ ઉપર મુકું છુ. આ આમંત્રણ બદલ ગુજરાતી પ્રાઈડનો આભાર. જો હોંકારો મળશે તો પ્રકાશકને પુછીને મારાં ઉપરોકત પુસ્તકો પણ આ સાઈટ ઉપર મુકવાનું પણ ગમશે જ.

જો ગમે તો મારા ઈમેઈલ સરનામે મળી શકો : દ્ઘટ્ઠર્ષ્ઠહ્વઙ્ઘટ્ઠદૃૈજ૨૩૦૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૨પ-ર-ર૦૧પ - યાકૂબ પરમાર

અનુક્રમણિકા

૧.કરી ના કસર હિમશીલા આ૫વામાં

૨.સૃષ્ટિ ઉપર શણગાર છે આ ફૂલ તો

૩.ભરે આગ ભીતર બુઝાવે ઉપરથી

૪.ક્ષણોને જો નહીં પકડો તો મારી નાખશે તમને

૫.રસ્તો જયાં રસ્તામાં બેઠો

૬.આજને માણી જવા ગઈકાલને જોતા રહો

૭.એક બે ક્ષણ જે મળી મળ્યાં અલપઝલપ

૮.વાંકા રસ્તે કામ ન થાતાં ધર્મમ્શરણમ્ગચ્છામી

૯.કારણ ? કારણ બારણ કયાં છે ?

૧૦.શ્વાસ ઉભા છે મરણનું નામ લઈને

૧૧.કંઈ બોલ્યાની ભેર પડી ત્યાં ચુપ બની બેઠા છે

૧૨.મળેલાં સાવ લીલાંછમ સ્મરણ એના તરફથી

૧૩.આગથી આંખો પછી ટેવાઈ જાતાં

૧૪.બધાં આવરણને મિટાવી શકાશે ?

૧૫.ખ્યાલ બની જતાં વાર થતી નથી,

૧૬.ઉડાડવા અલકલટ જાતો કબુલ છે

૧૭.ભલે હોય સાગર તૂફાની તરીકે.

૧૮.આપી હતી અમાનત ના સાચવી શકાતી

૧૯.સાચવી એની અમાનત રાખવાની છે

૨૦.પોતે જ તો હદયને તોડવું પડે છે

૨૧.વરદાન પામવાનું શાંતિ અને સમજનું

૨૨.ગુંચવણને સુલઝાવું હું જરા મારી રીતે

૨૩.કોઈ જાદુગર ખીસ્સામાંથી છડી કાઢે

૨૪.ગુંચવણના ચોતરફ આંટા હતા

૨૫.ખરી પડેલા પર્ણની ગઝલ

૨૬.લાલસાની આગ જે પેટાવવાના

૨૭.‘કેમ છો’ કહીશું મળે તો હજી પણ

૨૮.સાવ સહેલું ફ્રેમનું છે તોડવું

૨૯.ટ્રેનની આ ભીડ ને ભીડની વચ્ચે અમે

૩૦.પથ્થર ઉપર ઝરણનું લાગે વહાલ કેવું

૩૧.જીવતરના ચીંથરાને જોડવા માટે હતા ?

૩૨.કેદમાં નાખી હદયને આ ધરા સાંકળ બની

૩૩.ભુલા પડી જશે તો ? શંકા મને પડે છે

૩૪.મૌનની ભાષા વિશે શંકા નથી

૩૫.જિન્દગીનું ફૂલ આજે ધૂળમાં છે

૩૬.સંબંધો જલની સાથે રાખવાના પાલવે તો

૩૭.લેપ સુખોનો કરે પીડા ઉપર

૩૮.રસ્તો મળે નહીં ત્યાં હરકતનું નામ આવે

૩૯.કશીયે કાલની ચિંતા વગર આજે મજામાં છે

૪૦.ગમે તે કષ્ટ વેઠીને શરત જીતી જવાની છે

૪૧.યાદને મમળાવતા રહીશું અમે

૪૨.નીકળી ત્યાંથી ગયો ને નામ બોલાયું

૪૩.ના કોઈને સમયસર ફાળવી શકાયો

૪૪.સમય વીત્યે ઘણા ઉંડા જખમ પણ રૂઝવા માંડે

૪૫.કાલનો નાતો હજીયે સાચવી રાખે મને

૪૬.ત્યાં જવા ઉપાય શોધો છો તમે

૪૭.એક બે ખુશી મને કંઈ પૂછવા આવી

૪૮.ચાલવા પાછા અમે માગી જગા પાછી

૪૯.છે ભલે તારી રમત તે આંખ માથે

૫૦.શેર મત્લાનો સભામાં પેશ છે

૫૧.જોડતા સંબંધનો જયાં તંત દેખાયો

૫૨.જયારથી દીઠી લહર ગમતું નથી

૫૩.એમના વિશે ખયાલો સાચવી રાખો

૫૪.પાસ પાસે છેક હો એવું બને

૫૫.સુધરી તું જાય એ પોષાય એવું નથી

૫૬.છે તડપ પણ વાત મિલનની નથી

૫૭.શું છે અહીં મારૂં - ખાલી જગા પૂરો

૫૮.મળે પ્રકૃતિને પ્રલયનો તકાજો

૫૯.વૃક્ષને કાગળ ઉપર છાપ્યું હતું

૬૦.આપણા આ રંગ વિખેરાય પણ

૬૧.તેજ કંઈ રફતારમાં મળ્યાં અલપઝલપ

૬૨.કેટલાને પ્રેમથી ઝૂકવું પડે

૬૩.વિહવળ થવાય એવી સંભાવનાની વચ્ચે

૬૪.ગુંચવણને સુલઝાવું હું જરા મારી રીતે

૬૫.એઈડસગ્રસ્ત માણસની ગઝલ

૬૬.કોઈ જાદૂગર ખીસ્સામાંથી છડી કાઢે

૬૭.લાલસાની આગ જે પેટાવવાના

૬૮.‘કેમ છો’ કહીશું મળે તો હજુ પણ

૬૯.સાવ સહેલું ફ્રેમનું છે તોડવું

૭૦.મૌનની ભાષા વિશે શંકા નથી

૭૧.હારવાનું જીતવાનું ધૂળ પર લીંપણ સમું

૭૨.યાદ રાખીને તને રહીશું અમે

૭૩.એક બે ખુશી મને કંઈ પૂછવા આવી

૭૪.જિન્દગીની ચોપડીનું પૃષ્ઠ આ

૭૫.અજવાળાની પાળે આવી ઉભા છીએ

૭૬.વાત એ કરે છે કામને મુનાસિબ

૭૭.શોધતાં અણસાર આંખો કેમ ખચકાતી નથી

કરી ના કસર હિમશીલા આ૫વામાં,

ગયાં છે વરસ આ બરફ કાપવામાં.

તરસ બેવડી થાય ઓછું પીવામાં,

બને એક સહરા શરમ રાખવામાં.

સુકાતી રહી નેજવાની પ્રતીક્ષા,

નથી કોઈ કૂંપળ હવે લાગવામાં.

ગયા કયાંય તૂટી બની એક સપનું,

થયા એમ કાતિલ તમે જાગવામાં.

સુકાતાં જતાં લાગણીનાં સરોવર,

કરે કોઈ જલ્દી હવે આવવામાં.

સૃષ્ટિ ઉપર શણગાર છે આ ફૂલ તો

ને સ્વર્ગનો ભણકાર છે આ ફૂલ તો

ડાળી ઉપરથી આમ એને તોડ મા,

અસ્તિત્વનો અણસાર છે આ ફૂલ તો.

પોઠો સુગંધી ઠાલવે છે શ્વાસમાં,

જીપ્સી કશી વણઝાર છે આ ફૂલ તો.

ઘોંઘાટની વચ્ચે સુવાસિત રંગનો

મંજુલ શો રણકાર છે આ ફૂલ તો.

કાંટાની સાથે રેશમી સંબંધ છે,

સંબંધનાં વણનાર છે આ ફૂલ તો.

ભરે આગ ભીતર બુઝાવે ઉપરથી

અને શ્વાસને પણ ટૂંપાવે ઉપરથી.

બની જાય પોતે કળણ લાગણીનું

મૂકી બોજ માથે ખૂંપાવે ઉપરથી.

કશું ભેદ જેવું નથી આયખામાં,

ભલે લોક ઢાંકી છૂપાવે ઉપરથી.

બનેલા છે રસ્તા અહીં ઝાંઝવાના

ફરી એક તૃષ્ણા લુભાવે ઉપરથી.

ધરે લક્ષ્ય સામે કશું તાકવાનું,

અને હલબલાવી ચૂકાવે ઉપરથી.

ક્ષણોને જો નહીં પકડો તો મારી નાખશે તમને,

સમયસર જો નહીં જકડો તો મારી નાખશે તમને.

અનુકૂળતા થવા દીધી અને આ કાળ આવ્યો છે,

હજુ પણ જો નહીં બગડો તો મારી નાખશે તમને.

ભલેને મૌનનો મહિમા કર્યો છે જિંદગી આખી,

અટાણે જો નહીં વગડો તો મારી નાખશે તમને.

ફરી હોઠો ઉપર શરણાગતીની ‘હા’ તરી આવી?

બરાબર જો નહીં તગડો તો મારી નાખશે તમને.

હવે મુકાબલાનો અંત લાવી નાખવો પડશે,

પછાડીને નહીં રગડો તો મારી નાખશે તમને.

રસ્તો જયાં રસ્તામાં બેઠો,

હું મારા પગલામાં બેઠો.

મોજાં મારી ટોળે વળતાં,

હું મારા દરિયામાં બેઠો.

ઉંઘરેટી આ રાતને જોતો,

હું મારા સપનામાં બેઠો.

પડછાયા આવી તો જુએ,

હું મારા તડકામાં બેઠો.

જેને તેને શહેર મુબારક,

હું મારા વગડામાં બેઠો.

આજને માણી જવા ગઈકાલને જોતા રહો,

આજમાં ગઈકાલના એ તાલને જોતા રહો.

શાંત ચિત્તે બેસવાનો એક એ અંદાજ છે,

શું કરે છે કેમ તેઓ ? ચાલને જોતા રહો.

મા નથી તો શું થયું બસ આંખને ભીની કરી

કોઈપણ સ્ત્રીના ટપકતા વ્હાલને જોતા રહો.

હાથ પગના ઘાટમાં કયાં માનવી પકડાય છે ?

જો પકડવો હોય એના ખ્યાલને જોતા રહો.

સૌ સમયની સાથમાં બદલાઈ જાતા હોય છે,

એટલે હરહાલમાં બસ હાલને જોતા રહો.

એક બે ક્ષણ જે મળી મળ્યાં અલપઝલપ,

તે પછી રફતારમાં બળ્યાં અલપઝલપ.

ચોતરફ બર્ફીલ વિરાની મળી હતી,

એક બે કિરણ છતાં ફળ્યાં અલપઝલપ.

એ નગરના ચોકની છે ભીડ આંખમાં,

દ્રશ્યમાં તેઓ ય છે ભળ્યાં અલપઝલપ.

ટેકરીનો ઢાળ ઉતરતાં હતાં તમે,

સૂર્યનાં કિરણ પછી ઢળ્યાં અલપઝલપ.

રાત દિ જોયા વગર જોયા કરે બધે,

એક બે દ્રશ્યો છતાં રળ્યાં અલપઝલપ.

વાંકા રસ્તે કામ ન થાતાં ધર્મમ્શરણમ્ગચ્છામી,

એકાન્તે મુંઝાવું શાને? સંઘમ્ શરણમ્ ગચ્છામી.

સીધી સીધી વાતો કરતાં બહેરા કાને અથડાતી

શબ્દોનાં આ તીર સજીને વ્યંગમ્ શરણમ્ ગચ્છામી.

આત્માને ઢંઢોળી જોયો પણ ના આવ્યો નજરોમાં,

હારી થાકી છોડી સઘળું અંગમ્ શરણમ્ ગચ્છામી.

મેઘધનુષી સપનાં આગળ નકકર જગ છે નકકામું,

એવું જયારે ભાન થયું તો રંગમ્ શરણમ્ ગચ્છામી.

સંતોનાં ચરણો સેવીને પામ્યા લુખ્ખાં આશ્વાસન,

એથી છેવટ હારી થાકી નંગમ્ શરણમ્ ગચ્છામી.

કારણ ? કારણ બારણ કયાં છે ?

મારણ ? મારણ બારણ કયાં છે ?

ધર્મો જયાં ત્યાં લપસી પડતા,

ધારણ ? ધારણ બારણ કયાં છે ?

હેમાળો ગાળીશું હેતે,

તારણ ? તારણ બારણ કયાં છે ?

છૂટેલા શર જેવા દિવસ,

વારણ ? વારણ બારણ કયાં છે ?

શબ્દોમાં શું ભરતા યાકૂબ ?

ભારણ ? ભારણ બારણ કયાં છે ?

શ્વાસ ઉભા છે મરણનું નામ લઈને

દોડવા માંડો ચરણનું નામ લઈને.

જિન્દગી જીવ્યા અદાથી આગ જેવી,

લાજ આવે છે શરણનું નામ લઈને.

ઝાળ નાખે જિન્દગીનું રણ બધે પણ,

ઠારવાનું છે ઝરણનું નામ લઈને.

તૃણ જેવી જિન્દગી આ ફાળ ભરતી,

દોડતી વનમાં હરણનું નામ લઈને.

ચાલતા જાતા હતા સરિયામ રસ્તે,

ખૂંપવા માંડયા કળણનું નામ લઈને.

કંઈ બોલ્યાની ભેર પડી ત્યાં ચુપ બની બેઠા છે,

વહેવાની મોસમ આવી ત્યાં કૂપ બની બેઠા છે.

જયાં ત્યાં પહોંચી સ્થિર થયેલાં જળને ડહોળે એવા,

બુધ્ધત્વ પામીને લોકો સ્તુપ બની બેઠા છે.

લોકોએ આપેલા મતને ગાદી નીચે દાબ્યા,

વટહુકમની ધારે ધારે ભૂપ બની બેઠા છે.

જેઓ કાલે છાંયા જેવાં વચનો લઈને દોડયા,

તેઓ આજે બાળે ઝાળે ધૂપ બની બેઠા છે.

તોપોનાં મોઢાં ખોલીને સંકોરે છે ગોળા,

દૂતોનાં વસ્ત્રો પ્હેરી, યમરૂપ બની બેઠા છે.

મળેલાં સાવ લીલાંછમ સ્મરણ એના તરફથી,

મળે જે કોઈ તે પૂછે મળ્યાં કેના તરફથી?

તમસના આ ઘડાને લઈને દોડે છે સુરજ તો,

મળી છે હાથતાળી એમને રેના તરફથી.

અમારા હોઠને અડકી બને બુમરેંગ શબ્દો,

વળી પાછા ગયા આવ્યા હતા જેના તરફથી.

બનાવે કંઠમાં માળો બને કે આપના પણ,

મળે તો સાચવો ટહૂકા સળી મેના તરફથી.

અને આંધી ઉઠી તો સાવ બાજુથી જ ઉઠી,

તમે સાવધ રહેલા કેમ સામેના તરફથી ?

આગથી આંખો પછી ટેવાઈ જાતાં,

ઝાળ ના લાગે પછી હેવાઈ જાતાં.

કોઈ કચડે જીભ કો છાતી ફૂલાવે,

ના કહેવાનું કશું કહેવાઈ જાતાં.

હેરિયું આવે સુરજનું તો ય રાજી,

દ્રારને સાંકળ બધી દેવાઈ જાતાં.

પાંખ ફૂટે ત્યાં સુધીનો કાળ કપરો,

છે કસોટી સ્વપ્નના સેવાઈ જાતાં.

આ તરફ રસ્તા બધા છોડી દીધા છે,

એક બે પગલાં છતાં લેવાઈ જાતાં.

બધાં આવરણને મિટાવી શકાશે ?

થનારા ગ્રહણને મિટાવી શકાશે ?

મળી જાય કૃત્રિમ આજે હદય, પણ

શું અંતઃકરણને મિટાવી શકાશે ?

જવું છે યુરોપે નવો જન્મ લેવા,

જઈ ત્યાં વરણને મિટાવી શકાશે ?

ભલે મોક્ષ પામ્યો કહેવાય રાવણ,

છતાં શું હરણને મિટાવી શકાશે ?

બનો પ્હાડ તો પણ ઝરણ ફૂટવાનાં,

કદી શું ઝરણને મિટાવી શકાશે ?

ખ્યાલ બની જતાં વાર થતી નથી,

કાલ બની જતાં વાર થતી નથી.

આંસુ પલક ઉપર આ છલકાયાં છે,

જાલ બની જતાં વાર થતી નથી.

જિન્દગી છે ભલે બેસુર આજ તો,

તાલ બની જતાં વાર થતી નથી.

પ્રભુ ઉપર ભરોષો લગીરે નથી ?

ન્યાલ બની જતાં વાર થતી નથી.

રાહ જુઓ ભલે આવતી કાલની,

હાલ બની જતાં વાર થતી નથી.

ઉડાડવા અલકલટ જાતો કબુલ છે,

વ્હેતા પવનની સાથે નાતો કબુલ છે.

સુનકારના નહોરો પીંખે ઘડી ઘડી,

બોલો તમે ગમે તે વાતો કબુલ છે.

અંદર જરાક ઝાંખી આપો જવાબ કે-

યા તો કશી ખબર ના, યા તો કબુલ છે.

ઘેઘૂર વૃક્ષ જેવા દિવસો ભલે જતા,

નાજુક ફૂલ જેવી રાતો કબુલ છે.

યાકૂબને ગતાગમ પડતી નથી હજી,

લાચાર એટલે તો થાતો કબુલ છે.

ભલે હોય સાગર તૂફાની તરીકે.

ભરી પીશું એને સુકાની તરીકે.

ચહેરા ઘણાયે નજાકત ભરેલા,

ઘણા વાપરે છે બુકાની તરીકે.

હતી આંખમાં જે ચમક એક ક્ષણની,

ગણી છે અમે તે જુબાની તરીકે.

શરમમાં રહી પાઠવી ના સલામી,

ભલા ના ગણો બદગુમાની તરીકે.

કશી વેદનામાં લખી શાયરી આ,

છતાં છાપ ઉઠી રૂમાની તરીકે.

આપી હતી અમાનત ના સાચવી શકાતી,

એવી જ તા કયામત ના સાચવી શકાતી.

બેસી રહું ભરોષે એવા નથી ભરોષા,

મારી જ શુધ્ધ દાનત ના સાચવી શકાતી.

લુણો લગાડવાની હું પેરવી કરૂં છું,

મારી જ આ ઈમારત ના સાચવી શકાતી.

વીંટેલ જીવતરના ફાટેલ ચીંથરામાં,

મૂડી બઘી અનાહત ના સાચવી શકાતી.

આવી મને સતાવે આ લાગણીનાં ટોળાં,

તેથી કરી ઈબારત ના સાચવી શકાતી.

સાચવી એની અમાનત રાખવાની છે,

ખેવના દીવો સલામત રાખવાની છે.

આ જગતની મુઢતા ઓછી થશે તેથી,

આપણે થોડી નજાકત રાખવાની છે.

કયાંક જો આવી પડે તો કામમાં આવે,

એક બે એવી કરામત રાખવાની છે !

શાંત પાણી સાચવી લેવા તમારે પણ,

આગના જેવી બગાવત રાખવાની છે.

જિન્દગી આપી ખુદાએ ને કહેલું કે :

એમના માટે અનામત રાખવાની છે !

પોતે જ તો હદયને તોડવું પડે છે,

શાંતિ સદન બધાને છોડવું પડે છે.

ખૂંપી જવાય એવાં યાદનાં કળણ છે,

સંબંધના કમળને છોડવું પડે છે.

છે નામના સંબંધો, જાણવા છતાંયે,

કયારેક નામ એમાં જોડવું પડે છે.

છે મોકળાશ રણની, તંબુની જગા ના,

અસ્તિત્વ ખુદનું ત્યાં ખોડવું પડે છે.

છેટું પડી જવાની બીક લાગવામાં,

ધડકન વધે છતાં યે દોડવું પડે છે.

વરદાન પામવાનું શાંતિ અને સમજનું,

વિહવળ થવાય એવી સંભાવનાની વચ્ચે,

ભુલા પડી જવાયું અણજાણ કેડીઓમાં,

રસ્તા ભળાય એવી સંભાવનાની વચ્ચે.

આગળ વધી જવાયું છે વેદનાના રસ્તે,

પાછા ફરાય એવી સંભાવનાની વચ્ચે.

આ બુદબુદા ધરે છે હળવાશના ભરોસા,

ડૂબી જવાય એવી સંભાવનાની વચ્ચે.

છે એક બે ગુલાબો યાદનાં ખરાં પણ,

કાંટા ભરાય એવી સંભાવનાની વચ્ચે.

ગુંચવણને સુલઝાવું હું જરા મારી રીતે

તું કહે ના આવડે ‘કંઈપણ તને સારી રીતે.’

આપણે છૂટા પડીશું છેવટે સારી રીતે,

છૂટવાની વાત આખી એ કહે આડી રીતે.

મેં શરૂ કરતાં જ પૂછ્‌યું તો કશું બોલ્યા નહિ,

ને પૂરૂં થાતાં જ બોલ્યા : ‘કેમ આ આવી રીતે?’

કોયડાને ગુંચવી ઉકેલવાના હોય છે ?

ઉકલે કયાંથી અમારી આ નરી સાદી રીતે ?

સાવ કોરોકટ બની કાગળ, વસું ટેબલ ઉપર,

જેમ ફાવે એમ લીટા પાડ તું તારી રીતે.

કોઈ જાદુગર ખીસ્સામાંથી છડી કાઢે,

એમ છાની વાત મનમાંથી હડી કાઢે.

હું વિચારૂં ઘાટ ઘડવા પિંડનો જુદો,

હાથ મારી તું જુદી રીતે ઘડી કાઢે.

એક બે ફૂલો ઉપર નાખી નજર ત્યાં તો,

કંટકો ઉભા થતાં કેવા વઢી કાઢે !

નોટ કડકડતી જરી હું બ્હાર કાઢું ત્યાં,

વૃક્ષ એની કૂંપળો ને પાંખડી કાઢે.

પ્હેલ મારામાં નથી પડતો દિવસ વીત્યે,

કોઈ ત્યાં આકાશ હીરાથી મઢી કાઢે!

ગુંચવણના ચોતરફ આંટા હતા,

જયાં ભરૂં ડગલું બધે ફાંટા હતા.

સ્પર્શથી ટશીયો ફૂટે છે લોહીનો,

લાગણીને કેટલા કાંટા હતા !

જયાં જુઓ ત્યાં ઘૂઘવે દરીયા બધે,

પણ નસીબે એક બે છાંટા હતા.

કેટલા સંતો મરીને કહી ગયા,

આપણા માટે બધા ઘાંટા હતા.

આડફેટા પગ પડેલા તે છતાં,

એમ માન્યું પથ જરા રાંટા હતા.

ખરી પડેલા પર્ણની ગઝલ

સાથ જીવ્યાં તોય તરસાવે મને,

પાનખરમાં વૃક્ષ સરકાવે મને.

‘હોય એ તો વૃક્ષને કયાં ખોટ છે?’

એમ બીજું પર્ણ સમજાવે મને.

શું હવે આ વાયરાનું કામ છે ?

કેમ આવી તોય લલચાવે મને ?

વાદળાં સૌ આંખમાં આંસુ ભરી,

‘આવજો’નો હાથ ફરકાવે મને.

સૂર્ય સાથે બાકરી બાંધી નથી,

તે છતાંયે કેમ સળગાવે મને ?

કેમ રોકે ચોકમાં ઝાલી મને?

ડાળખી તૂટેલ અટકાવે મને.

કયાં હજી પીળું પડેલું કાંઈપણ,

વૃક્ષ એની વાત સમજાવે મને.

વૃક્ષની લીલા નિહાળું દૂરથી,

ડાળનો અવકાશ ચકરાવે મને.

પાથરી ખોળો ધરા બોલાવતી,

એટલી બસ વાત મલકાવે મને.

આપદા મારી હવે પુરી થશે,

આપની ચિંતા જ થથરાવે મને.

લાલસાની આગ જે પેટાવવાના,

જિન્દગી એ આગમાં રેલાવવાના.

ફૂલની જાજમ બિછાવી હોય પણ,

એક બે કાંટા મળે વેંઢારવાના.

જિન્દગી છે એક પાણીદાર ઘોડો,

ના પલાણી કેમના ખેલાવવાના ?

એમને વરસો પછી મળવા જવાનું,

આજ એ બ્હાને સમય ઠેકાવવાના.

ભરસભામાંથી ઉઠીને ચાલવામાં,

કારસા છે કોઈનું ભેલાડવાના.

‘કેમ છો’ કહીશું મળે તો હજી પણ,

પ્રેમથી મળીશું મળે તો હજી પણ.

ઝેરના કટોરા ઘણાયે પીધા છે,

ઘૂંટ આ ગળીશું મળે તો હજી પણ.

‘જીદમાં મજા શી પડે છે?’ કહીને,

થોડું તો વઢીશું મળે તો હજી પણ.

એક બુંદ આંસુ થવાનું કબુલી,

આંખમાં રહીશું મળે તો હજી પણ.

પેરવી કરે એ જવા તે પહેલાં,

હાથ આ ધરીશું મળે તો હજી પણ.

સાવ સહેલું ફ્રેમનું છે તોડવું,

જાતને હું તોય એમાં ગોઠવું.

દ્રશ્ય પલમાં કયાંય છટકી જાય છે,

તીર એમાં કેવી રીતે છોડવું ?

જિન્દગીનું શું કર્યુ તેં કહે મને,

હું ય એવી રીત જેથી રોળવું.

હું મને ભુલી જવા બેઠો હતો,

ત્યાં જ તારૂં લાગણીનું જોડવું.

વાડ તોડીને અમે ફેંકી દીધી,

છોડ તું પણ ખોડીબારૂં ખોડવું.

ટ્રેનની આ ભીડ ને, ભીડની વચ્ચે અમે,

લોકની આ ચીડ ને, ચીડની વચ્ચે અમે.

આ હવાનાં ફૂલને કોણ કચડી ખાય છે ?

શ્વાસનાં આ તીડ ને, તીડની વચ્ચે અમે.

કાળના આ સર્પની ફૂંકથી ફાટી જતાં,

જીવતરનાં નીડ ને, નીડની વચ્ચે અમે.

કેવી રીતે શોધશો હાસ્યનાં ઝરણાં તમે ?

આ અમારી પીડ ને, પીડની વચ્ચે અમે.

સાચવીશું કેવી રીતે આ હરણના વેશને,

સિંહનાં આ બીડ ને, બીડની વચ્ચે અમે.

પથ્થર ઉપર ઝરણનું લાગે વહાલ કેવું,

પડતું કરે છે પોતે જોઈ કરાલ જેવું.

ટેવાઈ હું ગયો છું વિસ્તારમાં તમસના,

કાતીલ આ તમસ પણ લાગે મશાલ જેવું.

મસ્તી હતી જીવનમાં હમણાં સુધી મને પણ,

જીવતર હવે મને તો લાગે બબાલ જેવુ.

માથા ઉપર હતો તે રાખી દીધો હદયમાં,

બોજા અદલબદલથી લાગે હમાલ જેવું.

ઉત્તર મને મળેલા છે સ્મિતમાં તમારા,

આજે એ સ્મિત પણ કાં લાગે સવાલ જેવું !

જીવતરના ચીંથરાને જોડવા માટે હતા ?

લાગણીના તાર એ તો તોડવા માટે હતા.

આડફેટે રાહમાં લલચાવતા રસ્તા મળ્યા,

એક બે રસ્તા અમારે છોડવા માટે હતા.

બારશાખે કંકુનાં નિશાન સુકાયાં હતાં,

આંસુંભીના હાથ મારા ચોડવા માટે હતા.

કાકલુદીમાં સદાયે હાથ જોડાતા રહયા,

ને ચરણ આ દડમજલમાં દોડવા માટે હતા.

ઝંખના જળની હતી તે દૂર ક્ષિતિજે રહયાં,

માટલાં ખાલી નસીબે ફોડવા માટે હતાં.

કેદમાં નાખી હદયને આ ધરા સાંકળ બની,

હું અને તું એ પળે ઉભાં થયાં વાદળ બની.

ફૂલને નાજુક રીતે સ્પર્શ કરતું જળ પછી,

સૂર્ય જેવું ઝળહળે છે ફૂલ પર ઝાકળ બની.

દીવડાને કોઈ સમજાવો સમાલે જયોતને,

જયોતના આ શ્વાસ તો ફેલાય છે કાજળ બની.

એ મસિહાના સમયમાં તો ધરા લીલી હતી,

કારમા દૂષ્કાળની ઘટના ઘણી પાછળ બની.

એમ ભારેખમ બનીને ના તમે પામી શકો,

આ ગઝલને ઝીલવાની હોય છે કાગળ બની.

ભુલા પડી જશે તો ? શંકા મને પડે છે,

લાંબી ટૂંકી કશે તો શંકા મને પડે છે.

હું નીકળી પડું મળવા એમને પરંતુ,

તેઓ જ આવશે તો? શંકા મને પડે છે.

સારી રીતે લખું છું આ પત્રમાં છતાં તે,

બીજું જ વાંચશે તો ? શંકા મને પડે છે.

હું હાથતાળી દઈને છટકી જવા ફરૂં છું,

એ હાથ ઝાલશે તો ? શંકા મને પડે છે.

આ જિન્દગીથી થાકી મૃત્યુ ભણી વળું છું,

એ જિન્દગી હશે તો ? શંકા મને પડે છે.

મૌનની ભાષા વિશે શંકા નથી,

એકપણ પાસા વિશે શંકા નથી.

ઠોકરો વાગી છતાં ઉભા થયા,

કેમ કે આશા વિશે શંકા નથી.

છે ચહેરાની સજાવટ તે છતાં,

એમના વાંસા વિશે શંકા નથી.

જેમને રસ્તા સરળ દેખાય છે,

એમના ફાંસા વિશે શંકા નથી.

જિન્દગીના હર પહેલુ જોઈ લો,

મોતના જાસા વિશે શંકા નથી.

જિન્દગીનું ફૂલ આજે ધૂળમાં છે,

સ્વપ્ન ફૂલોનાં જ એના મૂળમાં છે.

ફૂલ રંગોની છટાઓ પાથરે પણ,

ધ્યાન સૌનું કેમ પેલી શૂળમાં છે !

છોડ આત્માની બધીયે વાત તારી,

છેવટે તો વાસ એનો સ્થૂળમાં છે.

કોઈ એના ગુણની વાતો કરે છે,

ને નજર તો રેશમી પટકૂળમાં છે.

કોઈ ચિંતા કોઈની કરતું નથી કે,

પોતપોતાના બધા વર્તુળમાં છે.

સંબંધો જલની સાથે રાખવાના, પાલવે તો,

ભરોસા બુદબુદા પર રાખવાના, પાલવે તો.

મળેલો જે મીરાંને તે મળે તો ધન્ય થાશો,

ધરે પ્યાલા ભરી, તે ચાખવાના, પાલવે તો.

તમે જો હાથ આપો તે કદી પાછો પડે પણ,

બધું જાણી પછી લંબાવવાના, પાલવે તો.

મણી પણ હાથ લાગે કે મળે ઝેરી સપાટા,

કસીને હાથ સીધા નાખવાના પાલવે તો.

લડી લેવા ચહો તો કેટલા સાથે લડાશે ?

કલેશો દિલની અંદર દાટવાના, પાલવે તો.

લેપ સુખોનો કરે પીડા ઉપર,

ગોઠવાયું વિશ્વ એ ક્રિડા ઉપર.

શું કરીશું આ શરમનું આપણે?

છે ટકેલી સંસ્કૃતિ વ્રીડા ઉપર.

જિન્દગીને પાનમાં વીંટી અમે,

છે નજર સૌની હવે બીડા ઉપર.

મૂલ્ય મારા ‘એક’નું નિર્ભર હશે,

મૂકશે તું એટલાં મીંડા ઉપર.

રેશમી સપનાં તમારાં ઉછરે,

એક કોશેટા અને કીડા ઉપર.

રસ્તો મળે નહીં ત્યાં હરકતનું નામ આવે,

કેડી બની જવામાં પર્વતનું નામ આવે.

છેલ્લા રહી ગયા તે બાકી રહી ગયા છે,

ગુનો ગણો તમે તો ધરપતનું નામ આવે !

ઉચ્ચારના સંબંધે પણ લોક જોડવાના,

કાશી વિશે કહો તો કરવતનું નામ આવે.

પેટાળમાં ભભુકે લાવા બની બનીને,

ઉંડાણથી તપાસો, દરખતનું નામ આવે !

એ ખૂન દીકરીનું ઘરના ખૂણે કરે છે ,

એ ક્રુરતાની પાછળ અસમતનું નામ આવે !

કશીયે કાલની ચિંતા વગર આજે મજામાં છે,

જગતમાં એટલા લોકો જ બસ સાચે મજામાં છે.

મને બળ આપવામાં કેમ તું પાછો પડે ઈશ્વર?

અમારા દુશ્મનો શેતાનની પાસે મજામાં છે.

બધા તાંદુલવાળી પોટલીમાં દુઃખ સંતાડે,

ન જાણી જાય કોઈ એટલી લાજે મજામાં છે.

ગણે છે કોણ જેને હાંસિયાની બ્હાર રાખ્યા છે ?

અહેવાલો બને, લોકો ઘણે ભાગે મજામાં છે.

થયા છે સ્મિતના પણ અર્થ કેવા લાગણી ભીના,

મને લાગે નહિ સારૂં તને લાગે મજામાં છે !

ગમે તે કષ્ટ વેઠીને શરત જીતી જવાની છે,

મરીને જિન્દગી આખી પરત જીતી જવાની છે.

તમે વિકલ્પનો વિચાર સરખો પણ ભુંસી નાખો,

કસોટીને પછાડીને તરત જીતી જવાની છે.

ચડીને કાંધ પર આ કોઈની એ ચાલવા માંડયા,

કહેતા કામના એની જગત જીતી જવાની છે !

ગણે છે જિન્દગીને જે રમત જેવી સરળ સીધી,

શરત છે એમના માટે : રમત જીતી જવાની છે.

મળે છે દાવ ત્યારે તો રહે છે દૂર ને અળગા,

અને પાછી ગળા સુધી મમત જીતી જવાની છે !

યાદને મમળાવતા રહીશું અમે,

એજ મૂડી લઈ પછી જઈશું અમે.

યાદનાં પંખી બની ઉડી જશું,

કલરવો મીઠા પછી થઈશું અમે.

ભુલવાની વાત પૂછે કોઈ તો,

નામ તારૂં દિલથી લઈશું અમે.

ને ખુદા જો વાત મારી પૂછશે,

યાદ તારી એક બે કહીશું અમે.

યાદ છે ને તેય ખાલી યાદ છે,

બોજ કયાં છે કોઈને દઈશું અમે!!

નીકળી ત્યાંથી ગયો ને નામ બોલાયું,

કોણ જાણે છે કે કોનું કામ બોલાયું.

યુગ પૂરો થઈ ગયો ને આથમ્યો સૂરજ,

એટલે છેલ્લે પછી ‘હે રામ’ બોલાયું.

આજ તો પીઠી ચડી છે આજ તો થોભો,

સાબદી તલવારથી ‘સંગ્રામ’ બોલાયું.

શબ્દ તોળી બોલજો એવું કહેવામાં,

એમનાથી આજ પણ બેફામ બોલાયું.

‘ચાલ, મારા જીવ, સૌને ચાલવાનું છે,’

એ ગયા ત્યારે અચાનક આમ બોલાયું.

ના કોઈને સમયસર ફાળવી શકાયો,

ના હાથમાં સમયને સાચવી શકાયો !

શોધ્યો વળી વળીને અર્થ જિન્દગીનો,

જે માણસાઈમાંથી તારવી શકાયો.

બોજો ઉપાડવાની ટેવ જે પડી છે,

જે હોત આંસુઓમાં ઠાલવી શકાયો !

ઠૂંઠા સમો મળેલો છે હાથ લાગણીને,

જે માંડ માંડ જયાં ત્યાં સાલવી શકાયો.

આ પિંડને બધાએ ખુબ કાલવ્યો છે,

તું જોઈને કહે કે : કાલવી શકાયો ?

સમય વીત્યે ઘણા ઉંડા જખમ પણ રૂઝવા માંડે,

બધું ભૂલી નવેસરના જીવનમાં જીવવા માંડે.

કરિશ્મા કૂદરત કેવો કરે છે છોડના ઠૂંઠે,

પડે વરસાદના છાંટા અને એ ફૂટવા માંડે.

તમે જે વાત છેડો છો ચકાસે છે ફરીથી સૌ,

જરા હું નીકળું છું બ્હાર લોકો પૂછવા માંડે.

વિચારો જો જુદી રીતે મળે ઉપાય ભીતરથી,

પડેલી જે મડાગાંઠો ઘડીમાં છૂટવા માંડે.

હતાશા છે અમારી તો બરડ ને સાવ તકલાદી,

તમે જો હાથ મૂકો તો તરત એ તૂટવા માંડે.

કાલનો નાતો હજીયે સાચવી રાખે મને,

એક બે વાતો હજીયે સાચવી રાખે મને.

‘કામમાં એ આવશે કયારેક’ માનીને સમય,

એટલે કાં તો હજીયે સાચવી રાખે મને.

જિન્દગીના રોમરોમે દાહ આપી જેમણે,

એજ આઘાતો હજીયે સાચવી રાખે મને.

રાખ મારી ભવ્યતાની ચોતરફ ઉડયા કરે,

કાળ મદમાતો હજીયે સાચવી રાખે મને.

ના સહેવાતાં ઘણા છોડી ગયા જે વાટમાં,

ઉષ્ણ સંતાપો હજીયે સાચવી રાખે મને.

ત્યાં જવા ઉપાય શોધો છો તમે,

સુખના પર્યાય શોધો છો તમે.

જિન્દગીનાં પૃષ્ઠ ફેંદી નાખતાં,

પ્રેમનો અધ્યાય શોધો છો તમે ?

ન્યાયનાં નાટક બધાં જોયા પછી,

વાજબી અન્યાય શોધો છો તમે ?

સૃષ્ટિનું કારણ કશું તો છે નહિ,

તે છતાં કર્તા ય શોધો છો તમે!

કોઈ શોધે પુણ્‌યનાં પણ પોટલાં,

કેમ જયાં ત્યાં હાય શોધો છો તમે ?

એક બે ખુશી મને કંઈ પૂછવા આવી,

જિન્દગીની દોર પાછી તૂટવા આવી ?

આંસુના છાંટા અમી જેવા જ છે તારા,

આશની કૂંપળ નવી જો ફૂટવા આવી.

યાદ એ રીતે કરે છે તે ય સારૂં છે,

તેં કહેલું કે મને તું ભુલવા આવી.

સાવ પાસે જોઈ લીધો છે કિનારાને,

એટલે તો નાવ મારી ડૂબવા આવી.

આ યહૂદાની વિરાસત ખૂબ ચાલી છે,

લાગણીનાં સાજ સાથે લૂંટવા આવી.

જિન્દગી આભાર માનું છું સદા તારો,

આટલે સુધી મને તું મૂકવા આવી.

ચાલવા પાછા અમે માગી જગા પાછી,

શૂન્યમાં પાછા જવામાં છે કલા પાછી.

જિન્દગીને બોજ માને તે છતાં માગે,

બોજને ઉપાડવામાં છે મજા પાછી.

‘બેસવું છે સાવ નિરાંતે કહી બેઠા,’

તો ય માગી ચાલવાની તેં રજા પાછી!

કોણ એના દાગની વાતો કરી આવ્યું ?

ચાંદ માગે કેમ પરદાની પ્રથા પાછી.

સોંપવાના આપણે તો ખાખ પણ એવી,

નીપજે ના જિન્દગી જેવી બલા પાછી.

છે ભલે તારી રમત, તે આંખ માથે,

તું કહે વખતોવખત, તે આંખ માથે.

આપણી વાતો અને અશ્રૂ વહેવાં,

એ જ તો છે દસ્તખત, તે આંખ માથે.

કયાં મળ્યા કયારે મળ્યા તે યાદ કયાં છે?

છે ઝુરાપો જે સતત, તે આંખ માથે.

જીવ જેવા સાચવું સંબંધ, માથે,

તેની સાથે જે લગત, તે આંખ માથે.

સૃષ્ટિનો આ ભાર સૃષ્ટિને મુબારક,

આપણું નાનું જગત, તે આંખ માથે.

શેર મત્લાનો સભામાં પેશ છે,

કાફીયાનો ને રદીફોનો મને આશ્લેશ છે.

કૈંક ફૂલોને મળી છે પ્રેરણા,

મ્હેંક વ્હેંચી તેં જરી તે આજ તો ઝૂંબેશ છે !

કયાંક તો ભુલાં પડી મળશે મને,

એ જ વાતે આ હદયમાં જોશ ને ઉન્મેશ છે.

મૌનનું કારણ મને ના પૂછશો,

મૌનની પરશાળમાં કારણ વગરની ટેશ છે.

રોજ કોયલ ડાળ પર ટહૂકા કરે,

કોઈને ના હોય એવો મુકત એનો દેશ છે.

જોડતા સંબંધનો જયાં તંત દેખાયો,

ગાંઠ છોડી દોરની ત્યાં અંત દેખાયો.

ચાલતાં છાલાં પડેલાં છે પગે તેને,

ગાઢ અંધારૂં હતું ને પંથ દેખાયો.

છે ધરા, પાણી, હવામાં આગ ચાંપેલી,

કૂદરતને લૂંટવામાં સંપ દેખાયો !

રોશની કયાંથી જગતની જોઈ શકવાના,

સૂર્ય જેવો સૂર્ય જેને અંધ દેખાયો.

કોઈ બાજુમાં રહી જોતા તમાશાને,

જિન્દગીનો કોઈને ત્યાં જંગ દેખાયો.

‘કેમ છો’માં કોઈ વાંચે છે અહમ મારો,

હાથ જોડયા તો અમારો દંભ દેખાયો.

જયારથી દીઠી લહર ગમતું નથી,

જિન્દગીમાં કંઈ અવર ગમતું નથી.

ગામડાના લાહયલોપા દૂર છે,

કેમ તમને આ નગર ગમતું નથી !

દિલને તો સૂરની છે ઝંખના,

ગીતને હોઠો વગર ગમતું નથી.

કંઈક ખૂટે તો જ આવી છે મજા,

કેમ જાણે કે સભર ગમતું નથી.

સાધનો તો સુખનાં ભરપુર છે,

તે છતાંયે શી ખબર ગમતું નથી.

એમના વિશે ખયાલો સાચવી રાખો,

કામનાં છે સૌ ખવાબો સાચવી રાખો.

જિન્દગીને કંઈ સવાલો ગુંચવી નાખે,

એક બે બીજા જવાબો સાચવી રાખો.

પ્હેરવાથી ફેર તો પડતો નથી સ્હેજે,

પારદર્શક છે નકાબો સાચવી રાખો.

વ્હાણ ભટકેલું કદી આવી ચડે એમાં,

આપનો તેથી ખરાબો સાચવી રાખો.

નીકળી ના જાય ડૂમા આ હદયમાંથી,

આંખનો પણ છે તકાદો સાચવી રાખો.

પાસ પાસે છેક હો એવું બને,

નાવ મોજાં એક હો એવું બને.

વાંસળીના સૂરમાં પ્હોંચું અને,

નૃત્યની તું ઠેક હો એવું બને !

શ્વાસમાં ફોરાય છે ને તું નથી,

ફૂલની તું મ્હેંક હો એવું બને !

લાગણી તારી મને કંઈ ભીંજવે,

માત્ર એ વિવેક હો એવું બને !

ફૂલ આપો પ્રેમથી અમને છતાં,

ના લીધાની ટેક હો એવું બને.

સુધરી તું જાય એ પોષાય એવું નથી,

અન્ય રીતે તો તને પોંખાય એવું નથી.

આસુરી તત્વોની નારાજી નથી વ્હોરવી,

મિત્રની આ વાતમાં બોલાય એવું નથી.

ખોલવા બેસું તો ખોલું ભેદ હું સર્વના,

બંધ મુઠઠી લાખની ખોલાય એવું નથી.

તેં જલાવેલી હવે જવાલા નથી બુઝતી,

રાખ મારી પણ હવે હોલાય એવું નથી.

દ્રશ્ય કાળી રાતનાં આંખોને ભાવ્યાં હતાં,

સૂર્ય સામે એટલે જોવાય એવું નથી.

છે તડપ પણ વાત મિલનની નથી,

છે અગોચર વાત જીવનની નથી.

જન્મજન્માંતર જીવીશું આ તરસ,

ના ઉતાવળ એમ ઈજનની નથી.

જિન્દગીને રણ બનાવી જોઈ છે,

ના જરૂરત કોઈ વિજનની નથી.

કેટલા ઝીલ્યા સમયના કોરડા,

ના નવાઈ કોઈ વિઘનની નથી.

છે સમય વેરી છતાં પણ રીઝશે,

સાવ એની ચાલ વિલનની નથી.

શું છે અહીં મારૂં, - ખાલી જગા પૂરો,

લાગે જરા સારૂં, - ખાલી જગા પૂરો.

જયાં જયાં કરે લોકો જયારે જગા ખાલી,

ત્યાં મૂકી અંધારૂં, - ખાલી જગા પૂરો.

ખાલી જગા છોડી ખાલી જગા ચાલો,

ખાલી જગા સારૂ, - ખાલી જગા પૂરો.

તેને ખસેડીને ખાલી જગા પાડું,

ને મુજને પોકારૂં, - ખાલી જગા પૂરો.

ખાલી જગા મૂકી ચાલ્યા કહી એવું,

છે શૂન્ય ગોઝારૂં, - ખાલી જગા પૂરો.

ખાલી જગા પૂરો ત્યારે ઘણું ખરૂં,

લાગે છે ગંધારૂં, - ખાલી જગા પૂરો.

જટાજુટ જાળે વિમાસણ રહી છે,

પડું કેમ થાળે વિમાસણ રહી છે.

હવાને થયા છે અણીદાર કાંટા,

કરૂં શું અકાળે વિમાસણ રહી છે.

હવા તેજ વરસાદ પણ ઘેરવાનો,

જશું કેમ માળે, વિમાસણ રહી છે.

હતી આંગળી સૌ તકાએલ સામે,

અને હું વચાળે, વિમાસણ રહી છે.

હતા ખીણમાં તો હતી એની મુંઝવણ,

ગયા જો મથાળે, વિમાસણ રહી છે.

મળે પ્રકૃતિને પ્રલયનો તકાજો,

મને પણ મળ્યો છે સમયનો તકાજો.

કરો છો તમે કયાં હવે છત્ર પુરૂં,

મળે એક દિવસ વલયનો તકાજો.

વહેવાર ખેંચે મને એક બાજુ,

અને બીજી બાજુ પ્રણયનો તકાજો.

તમારી અમે વાત માની પછી તો ,

અને છોડી દીધો હદયનો તકાદો.

અહીં જીવવાનું ડરીને ડરીને,

ગયો કયાં તમારા અભયનો તકાદો ?

વૃક્ષને કાગળ ઉપર છાપ્યું હતું,

છાપવા એને પ્રથમ કાપ્યું હતું.

પાનના કલરવ બધા પોઢી ગયા,

મૌન ત્યાં તસવીરમાં વ્યાપ્યું હતું.

ટાઢ તડકો વેઠવાનાં ના હવે,

વૃક્ષને પુંઠા ઉપર થાપ્યું હતું.

માપ જાણ્‌યુંતું ધરા અંબર સુધી,

માપ કયાં એ-ફોરનું માપ્યું હતું !

વૃક્ષની તસવીર મનને ખોતરે,

કાયમી સંભારણું આપ્યું હતું.

આપણા આ રંગ વિખેરાય પણ,

કે નવી કો ઝાંય ઉમેરાય પણ

મૂળમાંથી દર્દને કાઢી શકે,

એ બને છે દર્દનો પર્યાય પણ.

બારણાં ચારે તરફનાં બંધ છે,

એક બારી ત્યાં જ ઉઘડી જાય પણ.

વૃક્ષ લીલુંછમ બની ઉભો રહું,

ને હવાની લ્હેર આકર્ષાય પણ.

આંખમાંથી વાત કંઈ ટપકે નહીં,

તે પહેલાં ગામમાં ચર્ચાય પણ.

તેજ કંઈ રફતારમાં મળ્યાં અલપઝલપ,

એક બે ક્ષણ જે મળી હળ્યાં અલપઝલપ.

ચોતરફ બર્ફીલ વિરાની મળી હતી,

એક બે કિરણ છતાં ફળ્યાં અલપઝલપ.

એ નગરના ચોકની છે ભીડ આંખમાં,

એમને પળવારમાં કળ્યાં અલપઝલપ.

ટેકરીનો ઢાળ ઉતરતા હતા તમે,

સૂર્યનાં કિરણો પછી ઢળ્યાં અલપઝલપ.

રાત દિ જોયા વગર જોયા કરે બધે,

એક બે દ્રશ્યો જ તે રળ્યાં અલપઝલપ.

કેટલાને પ્રેમથી ઝૂકવું પડે,

કે પછી મહેફીલથી ઉઠવું પડે.

જો પડે જળથી જરા છૂટા અને,

બુદબુદાના કાચને ફૂટવું પડે.

ત્રાજવામાં યાદની સામે સદા,

આયખું આખું ય તો મૂકવું પડે.

આંસુથી રોળાઈ રામાયણ હજી,

કેમ તું જાણે છતાં રૂઠવું પડે.

કર્ણ જેવું કેમ અમને થાય છે?

તીર તાકીને પછી મૂકવું પડે.

વિહવળ થવાય એવી સંભાવનાની વચ્ચે,

શાંતિ જણાય એવી સંભાવનાની વચ્ચે.

ભુલા પડી જવાયું અણજાણ કેડીઓમાં,

જાણી શકાય એવી સંભાવનાની વચ્ચે.

આગળ વધી જવાયું છે વેદનાના રસ્તે,

પાછા ફરાય એવી સંભાવનાની વચ્ચે.

આ બુદબુદા ધરે છે હળવાશના ભરોષા,

ડૂબી જવાય એવી સંભાવનાની વચ્ચે.

છે એક બે ગુલાબો યાદનાં ખરાં પણ,

કાંટા ભરાય એવી સંભાવનાની વચ્ચે.

ગુંચવણને સુલઝાવું હું જરા મારી રીતે,

તું કહે ના આવડે કંઈ પણ મને સારી રીતે.

મેં શરૂ કરતાં જ પૂછયું તો કશું બોલ્યા નહીં,

ને પૂરૂં થાતાં જ બોલ્યા : કેમ આ આવી રીતે?

કોઈપણ બાબત વિશે લડતા રહીશું કયાં સુધી?

લો હવે છૂટા પડીશું છેવટે સારી રીતે.

કોયડાને ગુચવી ઉકેલવાના હોય છે ?

ઉકલે કયાંથી અમારી આ નરી સાદી રીતે !

સાવ કોરો કટ બની કાગળ વસું ટેબલ ઉપર,

જેમ ફાવે એમ લીટા પાડ તું તારી રીતે.

એઈડસગ્રસ્ત માણસની ગઝલ

દેખાય છે જગતને શૂળી ઉપર ચઢેલો,

છું એઈડસગ્રસ્ત માનવ વેદના મઢેલો.

ઈંજેકશન મહીં ને આ રકત બાટલામાં,

સામાન મોતનો છે એ ના કળી શકેલો.

બસ આત્મઘાત જેવાં સપનાં હવે ઉછેરૂં,

આ રકતના કણોમાં છે બોમ્બ ગોઠવેલો.

બસ લાગણી ભરેલો જો હાથ મૂકશો તો,

ઠંડો થશે અમારા આ મોતનો ઝમેલો.

છે મોતનો ફરીસ્તો એ મોત વ્હેંચવાનો,

રાખો સદા મળીને સૌ હાથ સાંકળેલો.

મૃત્યુ સદાય પંજો માર્યા વિના ન છોડે,

તમને કદાચ મોડો, અમને જરા વહેલો.

કોઈ જાદૂગર ખીસ્સામાંથી છડી કાઢે,

એમ છાની વાત મનમાંથી હડી કાઢે.

હું વિચારૂં ઘાટ ઘડવા પિંડનો જુદો,

હાથ મારી તું જુદી રીતે ઘડી કાઢે.

એક બે ફૂલો ઉપર નાખી નજર ત્યાં તો,

કંટકો ઉભા થતાં કેવા વઢી કાઢે !

નોટ કડકડતી જરા હું બ્હાર કાઢું ત્યાં,

વૃક્ષ એની કૂંપળો ને પાંખડી કાઢે !

પ્હેલ મારામાં નથી પડતો દિવસ વીત્યે,

કોઈ ત્યાં આકાશ હીરાથી મઢી કાઢે.

લાલસાની આગ જે પેટાવવાના,

જિન્દગી એ આગમાં રેલાવવાના.

ફૂલની જાજમ બિછાવી હોય પણ,

એક બે કાંટા મળે વેંઢારવાના.

જિન્દગી છે એક પાણીદાર ઘોડો,

ના પલાણી કેમના ખેલાવવાના ?

એમને વરસો પછી મળવા જવાનું,

આજ એ બ્હાને સમય ઠેકાવવાના.

ભરસભામાંથી ઉઠીને ચાલવામાં,

કારસા છે કોઈનું ભેલાડવાના.

‘કેમ છો’ કહીશું મળે તો હજુ પણ,

પ્રેમથી મળીશું મળે તો હજુ પણ.

ઝેરના કટોરા ઘણાયે પીધા છે,

ઘૂંટ આ ગળીશું મળે તો હજુ પણ.

‘જીદમાં મજા શી પડે છે’ કહીને,

થોડું તો વઢીશું મળે તો હજુ પણ.

એક બુંદ આંસુ થવાનું કબુલી,

આંખમાં રહીશું મળે તો હજુ પણ.

પેરવી કરે એ જવા તે પહેલાં,

હાથ આ ધરીશું મળે તો હજુ પણ.

સાવ સહેલું ફ્રેમનું છે તોડવું,

થાય છે કે હું મને પણ ગોઠવું.

દ્રશ્ય પલમાં કયાંય છટકી જાય છે,

તીર કેવી રીત આમાં છોડવું ?

આ શિયાળામાં ઘણી ઠંડી પડી,

ગ્રિષ્મની હું યાદ ઓઢી રોળવું.

હું મને ભુલી જવા બેઠો હતો,

ત્યાં જ તારૂં લાગણીનું જોડવું !

વાડ તોડીને અમે ફેંકી દીધી,

છોડ તું પણ ખોડીબારૂં ખોડવું.

મૌનની ભાષા વિશે શંકા નથી,

એક પણ પાસા વિશે શંકા નથી.

ઠોકરો વાગી છતાં ઉભા થયા,

કેમકે આશા વિશે શંકા નથી.

છે ચહેરાની સજાવટ તે છતાં,

એમના વાંસા વિશે શંકા નથી.

જેમને રસ્તા સરળ દેખાય છે,

એમના ફાંસા વિશે શંકા નથી.

જિન્દગીના હર પહેલુ જોઈ લો,

મોતના જાસા વિશે શંકા નથી.

હારવાનું જીતવાનું ધૂળ પર લીંપણ સમું,

છેવટે છે જીવવાનું ધૂળ પર લીંપણ સમું.

કોઈને સમજાવવાનું કામ છે કપરૂં ઘણું,

કેમકે છે ખીજવાનું ધૂળ પર લીંપણ સમું.

ઠેસ વાગે એટલે રસ્તા બધા સીધા થશે,

આંગળી ત્યાં ચીંધવાનું ધૂળમાં લીંપણ સમું.

એક બે આનંદના અવસર સદા ઉભા કરો,

જીવતરને સીડવાનું ધૂળ પર લીંપણ સમું.

ફૂલ હો તો મ્હેંક વ્હેંચીને પછી ભુલી જવું,

ઢોલ એનાં પીટવાનું ધૂળ પર લીંપણ સમું.

યાદ રાખીને તને રહીશું અમે,

એજ મૂડી લઈ પછી જઈશું અમે.

યાદનાં પંખી અમારી ડાળ પર,

કલરવો મીઠા હવે થઈશું અમે.

ભુલવાની વાત પૂછે કોઈ તો,

નામ તારૂં ધ્યાનથી લઈશું અમે.

ને ખુદા જો વાત મારી પૂછશે,

વાત તારી એક બે કહીશું અમે.

યાદ છે ને તેય ખાલી યાદ છે,

બોજ કયાં છે કોઈને દઈશું અમે.

એક બે ખુશી મને કંઈ પૂછવા આવી,

જિન્દગીની દોર પાછી તૂટવા આવી ?

આંસુના છાંટા અમી જેવા જ છે તારા,

આશની કૂંપળ નવી જો ફૂટવા આવી.

યાદ એ રીતે કરે છે તેય સારૂં છે,

તેં કહેલું કે મને તું ભુલવા આવી.

સાવ પાસે જોઈ લીધો છે કિનારાને,

એટલે તો નાવ મારી ડૂબવા આવી.

જિન્દગી આભાર માનું છુ સદા તારો,

આટલે સુધી મને તું મૂકવા આવી.

જિન્દગીની ચોપડીનું પૃષ્ઠ આ,

જો ન ઉઘડયું હોત તો સારૂં હતું.

જલ જવાનો સાંભળી ઉત્તર થયું,

જો ન પૂછયું હોત તો સારૂં હતું.

તીર ખૂંપ્યાની બધી પંચાત છે,

જો ન ખુંપ્યું હોત તો સારૂં હતું.

દુઃખની તો લ્હાણ કરતા સૌ ફરે,

જો ન લૂંટયું હોત તો સારૂં હતું.

ફૂલ ચૂંટી વિષવેલીનું કહેઃ

જો ન ચૂંટયું હોત તો સારૂં હતું.

તારલા સૂરજને ગણતા કોડિયું,

જો ન ઉગ્યું હોત તો સારૂં હતું.

અજવાળાની પાળે આવી ઉભા છીએ,

અંધારાના ઢાળે આવી ઉભા છીએ.

સંસ્કૃતિની મર્યાદાના લીરા ઉડે,

સંક્રાન્તિના કાળે આવી ઉભા છીએ.

મનસુબા પુરા કરવાના એ રીતે પણ,

આજે તારા ફાળે આવી ઉભા છીએ.

ઉઝરડા પામીશું તો એ ફળ કહેવાશે,

કાંટાઓના જાળે આવી ઉભા છીએ.

અંધારાનાં દ્રશ્યોમાં આંખો અટવાતી,

તેથી આ અજવાળે આવી ઉભા છીએ.

વાત એ કરે છે કામને મુનાસિબ,

કાન એ ધરે છે વાતને મુનાસિબ.

કાળના ભરોસા કાળમાં સમાયા,

સૌ તને મળે છે આજને મુનાસિબ.

ડાળ છોડવામાં પણ મળે લહાવો,

તે પછી બનાતું આભને મુનાસિબ.

અંત વાતનો આ તું જ લાવજે ને,

વાત આ છે તારા ઘાતને મુનાસિબ.

આંખથી વહે ફોરાં સમાન આંસુ,

છે હદયને તો વરસાદને મુનાસિબ.

શોધતાં અણસાર આંખો કેમ ખચકાતી નથી,

તું નથી એ વાત અમને કેમ સમજાતી નથી ?

ખાલીપો ભરતી હતી જે, તે હવા પણ ના રહી,

શ્વાસ ચાલે કેમના, તે વાત પકડાતી નથી.

રૂબરૂ મળવા તને હું ગોઠવણના વ્હેંતમાં,

કેડીઓ સીધી સરસ છે કયાંય અટવાતી નથી.

હાથતાળી આપવાનું કર્કને નકકી હતું,

શોધતાં એ હાથતાળી કયાંય પડઘાતી નથી.

દિવસો, મહિના અને વરસો ઘણાં ચાલ્યાં ગયાં,

તોય મનના આ અજંપાની ઘડી જાતી નથી.