મોટી ચકલી નાનો વાઘ Yakub Parmar(Jacob Davis) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોટી ચકલી નાનો વાઘ

Jacob Davis

jacobdavis2305@gmail.com

મોટી ચકલી નાનો વાઘ

- જેકબ ડેવિસ

એક મોટું જંગલ હતું. એમાં વાઘ રહે, હરણાં રહે, ખીસકોલી રહે, વરૂ રહે, જંગલી ભેંસો રહે, વાંદરાં, અને સસલાં રહે. વળી જાત જાતનાં પક્ષીઓ – મોર, પોપટ, મેના, કબુતર, કાગડા, હોલાં, લેલાં, ગીધ, મરઘી, અને ચકલી પણ રહે ! પક્ષીઓ એક ડાળથી બીજી ડાળ ઉડયા કરે ને મજાક મસ્તી કર્યા કરે.

મોર ટેંહૂંક.... ટેંહૂક....કરે, પોપટ ટવા... ટવી..... કરે, મેના કૂહૂક.... કૂહૂક..... કરે, કાગડા કવા.....કવા... કરે, લેલાં લેઉઉઉઉ....લેઉઉ.. કરે, હોલાં ત્રુ.....ત્રુ... કરે, મરઘી ટવુંક....ટવુંક... કરે, ચકલી ચીં...ચીં કરે, અને ગીધ મુંગુંમંતર બેસી રહે. વળી પશુઓમાં હરણાં મીં....મીં...ની કીલકારીઓ કરે...ખીસકોલી ટું...ટું... કરે, ઉંટ હીં....હીં.... કરે, વરૂ અને શિયાળ ઉકાઉ..... ઉકાઉ... કરે, ભેંસો ભાં......ભાં..... કરે, વાંદરાં હૂપાહૂપ કરે ને એમાં વાઘદાદા ત્રાડ નાખે એટલે બધાં ચુપ થઇ જાય ! જંગલનાં ઝાડ અને વહેતી નદી આ બધાંને શાંતિ જાળવવા કહે પણ શાંતિ વળી કઇ ચીજ છે એની કોઇને ખબર જ નહિ.

જંગલમાં ખાવાપીવાનું અને હરવા ફરવાનું કોઇ દુ:ખ નહિ. બધાંને આ જ સ્વર્ગ લાગે. બધાં જંગલમાં ફરતાં રહે, ફળ, ફુલ અને પાદડાં ખાતાં રહે ને નદીનું ઠંડું ઠંડું પાણી પીને મસ્તી તોફાન કરતાં રહે. સુરજદાદા આકળા થાય તો નદીમાં ભુસકા મારી ઠંડાં થાય.

આ જંગલનું રાજ બે જણ વચ્ચે વહેંચાઇ ગયું હતું. નદીની ઉપરના ભાગમાં ડુંગરામાં નાના વાઘનું રાજ ચાલે. અને અને નીચેના ભાગમાં ચકલીનું રાજ ચાલે. ચકલી એટલે કેવી જબરી ? જાણે મોટું શાહમૃગ હોય એવી. પાંખો પહોળી કરે તો પાંચ ફુટ લાંબી થાય. એની ચાંચ તો જાણે લોખંડની બની હોય એવી. એક ચાંચ મારે તો કોઇ ઉભું જ ના થાય. પણ આ ચકલી પોતાના જંગલમાં બધાં સાથે હળીમળીને રહે અને બધાંને સદા મદદ કરતી રહે અને બધાંનું રક્ષણ કરે, એટલે બધાંને આ ચકલી રાણી બહુ જ વહાલી. પેલા જંગલનો રાજા નાનો વાઘ પણ ચકલીથી બીવે.

આ જંગલની બાજુમાં એક મજાનું ગોકુલલનગર નામનું ગામ હતું. ત્યાંથી એક છોકરી રોજ જંગલમાં ફરવા આવે, એનું નામ પારીજાત હતું. પારીજાત બધાં પશુ પક્ષીને કીલકીલાટ કરતાં જુએ અને તેને બહુ મજા પડે. બધાં પશુ પક્ષી પણ એની જોડે હળી મળી ગયેલાં. જો પારીજાત નદીમાં ન્હાવા પડે તો વાંદરો નજીકના ઝાડ ઉપર બેસી તેનું ધ્યાન રાખે કે રખેને ઉંડા પાણીમાં પારીજાત ડૂબી ના જાય. હરણાં પારીજાત સાથે બેસીને ગેલ કરે. મોર પારીજાત પાસે આવીને નૃત્ય કરવા લાગે. ખીસકોલી પારીજાત માટે સરસ લાલ જામફળ વીણી લાવે. ચકલી રાણીને પણ આ બાળકી વહાલી હતી એટલે એ એના માટે પારીજાતનાં સફેદપીળાં ફૂલ વીણી લાવે. ચકલી પારીજાતની સાથે બેસીને અલક મલકની વાતો કરે. પારીજાત આ ફળ અને ફૂલ ઘેર લઇ જાય. જો કોઇ દિવસ પારીજાત ના આવે તો બધાં દુ:ખી દુ:ખી થઇ જાય.

એક વાર ત્રણ દિવસ પછી પારીજાત જંગલમાં આવી અને જોયું તો આખું જંગલ ખાલી. કોઇ મળે નહિ. એક માંદી મીંદડી ત્યાં બેસી રહેલી. એણે કહયું: આજે તો બાજુના જંગલમાં મેળો છે એટલે બધાં મેળામાં ગયાં છે. હું માંદી છું ,એટલે સુઇ રહી છું. પારીજાત તો નિરાશ થઇ ગઇ. છતાં એકલી એકલી નદી તરફ ન્હાવા જવા લાગી. હવે ઉપરના ભાગના જંગલમાં નાનો વાઘ આ મોકાની રાહ જોઇને લપાઇને બેસી રહેલો. મીંદડીની ચકોર આંખોએ આ જોઇ લીધું. એણે તરત બુમ પાડી કે ‘પારીજાત બહેન...... ભાગો...’ પણ પારીજાત તો અજાણ જ હતી. નાનો વાઘ આ બુમ સાંભળી શિકાર જતો રહેશે એમ સમજી તરાપ મારી ઝાડીમાંથી બહાર આવ્યો અને પારીજાતને પકડી લીધી અને એની બોડમાં લઇ ગયો. માંદી મીંદડી કંઇ કરી શકે એમ હતી નહિ.

વાઘ તો પારીજાતને એની બોડમાં લઇ ગયો. પણ એણે વિચાર્યું કે ‘આ છોકરી તો બહુ દુબળી પાતળી છે, એટલે એને તાજી-માજી કરીને પછી હું ખાઇ જઇશ.’ નાનો વાઘ તો રોજ પારીજાતને સફરજન, દાડમ, મોસંબી, કેળાં, તરબુચ, જામફળ, જાંબુ, કેરી જેવાં ફળ લાવીને ખવડાવતો. અને જાણે એનો ખાસ દોસ્ત હોય એમ સારૂં સારૂં ખાવાનું ખવડાવે અને પાસે બેસી મીઠી મીઠી વાતો કરે.

આ બાજુ ત્રણ દિવસે મેળો પુરો થયો અને બધાં પશુ પક્ષી પાછાં આવ્યાં. મીંદડી તો રડતી જાય અને નાનો વાઘ પારીજાત બહેનને કેવી રીતે ઉપાડી ગયો એની વાત કરતી જાય. બધાં પશુ પક્ષીઓ કકળાટ કરવા લાગ્યાં કે ‘આવી પરી જેવી બાળકીને ઉપાડી ગયો, એ નરાધમ એના મનમાં સમજે છે શું ?’ પણ બધાં નાના વાઘ આગળ જવાની હિંમત કરી શકતાં નહોતાં. પણ ચકલી બહાદૂર હતી ને નાના વાઘને લડાઇમાં હંફાવી પણ શકે એવી હતી. પણ એને થયું કે ‘ત્રણ દિવસમાં તો પારીજાતને જીવતી નહિ રાખી હોય, હવે લડીએ તો પણ શું ?’ ને એમ વિચારીને એ દુ:ખી દુ:ખી થતી હતી.

ત્યાં પોપટ આવ્યો. એ આવીને ઉડતો ઉડતો વાઘની બોડ બાજુ ગયો હતો ને એક નાની છોકરીને રડતી સાંભળી એટલે નજીક જઇને જોયું તો એ તો પારીજાત હતી. એણે ઉડતા આવીને ચકલીને આ ખબર આપી. ચકલી તો રાજીના રેડ થઇ ગઇ. કહે : ‘હવે બેટમજીની વાત છે.’ બધાંને ભેગાં કરીને કહયું : ‘જુઓ, આમ તો એ વાઘડાને હું એકલી જ પહોંચી વળું તેમ છું. પણ જો કોઇ મુશ્કેલી આવી પડે તો કૂદી પડજો. આપણી પારીજાત બહેનને આપણે કોઇ પણ રીતે બચાવવાની છે.’

અને ચકલીનું લાવલશ્કર તો ભાઇ, વાઘની બોડ તરફ ચાલ્યું. વાઘભાઇ તો આ બધાંને તુચ્છ સમજે એટલે નફીકરા થઇને બોડની બહાર બેઠા હતા, અને પારીજાતને એક એક બોર અને જાંબુ ખાવા માટે ફેંકતા હતા. ચકલીએ તો નજીક જઇને ચીં....ચીં.....ચીં.....ની ભયંકર ત્રાડ નાખી. વાઘ ગભરાઇને ઉભો થઇ ગયો. પછી બધાં પશુ પંખીને જોયાં. ચકલીનો રૂઆબ જોઇને એને ખ્યાલ આવી ગયો કે આ ચકલી જ લશ્કર લઇને આવી છે. પણ વાઘ હજુ તો વિચારતો હતો ત્યાં તો ચકલીએ પાંખો હલાવી અધ્ધર જઇ સીધી વાઘ ઉપર તરાપ મારી. એની ચાંચના એક જ ઘાથી એણે વાઘનું નાક તોડી નાખ્યું. વાઘના મોંએથી તો લોહીની ધાર ચાલી. ચકલી કહે : ‘હજી કહું છું, અમારી પારીજાતબહેનને છોડી દે. નહિ તો હજી બુરી વલે કરીશું.’ વાઘને નાકમાં ખુબ દુખાવો થતો હતો. નાનો હતો છતાં વાઘ હતો એવું અભિમાન એને નડયું. એણે નાક પંપાળતાં કહયું : ‘ના, હું ઉપાડી લાવ્યો છું એટલે તાજીમાજી કરીને હું તો એને ખાઇ જવાનો.’

ત્યાં તો ચકલીએ પાંખો ફફડાવી અને ઉડીને ફરી તરાપ મારી. આ વખતે એની ચાંચથી વાઘની આંખ જ ફોડી નાખી. એક મોટી ત્રાડ નાખી વાઘ પટકાઇ પડયો. એટલામાં તો ભેંસ, વાંદરો, વરૂ, મોર, પોપટ બધાં વાઘ ઉપર તૂટી પડયાં. વાઘભાઇ તો અધમુઆ થઇ ગયા. ચકલીને હાથ જોડી કહયું : ‘ભઇસાબ, તમારાં પારીજાત બહેનને લઇ જાવ, પણ મને છોડો.’

ચકલીએ હવે બધાંને કહયું : ‘હવે છોડી દો એને. આપણે એને મારી નથી નાખવો. એ પણ આપણા જેવો જ જંગલનો જીવ છે.’ અને પછી તો પારીજાતને લઇને ચકલીનું લાવલશ્કર પાછું વળ્યું.

આ બાજુ ત્રણ દિવસ થઇ ગયા છતાં પારીજાત ઘેર પાછી આવી નહિ, એટલે એનાં માતાપિતા ચિંતા કરતાં પારીજાતને જંગલમાં શોધતાં હતાં. ચકલીના લશ્કર સાથે પારીજાતને ચાલતી જોઇને એ તો રાજી રાજી થઇ ગયાં અને ખુશીનાં માર્યાં રડવા લાગ્યાં. ચકલીએ પારીજાતનાં માબાપને આખી વાત કહી સંભળાવી. તેનાં માતાપિતાએ તો પારીજાતને ઉંચકી લીધી. તેમણે ચકલીનો અને બધાં પશુ પંખીનો ખુબ આભાર માન્યો. એમણે ચકલીને કહયું: ‘મારી પારીજાત જંગલમાં આવે ત્યારે તમે ખુબ સાચવી છે અને એને સારાં સારાં ફળ ખવડાવ્યાં છે. હવે આવતા રવિવારે અમારા ઘેર તમે બધાં આવો. અમે લાડુ શીખંડ પુરીનું જમણ કરીશું. આપણે સાથે ખુબ મજા કરીશું.’ બધાંએ કહયું કે ‘હા, જરૂરથી આવીશું.’ પારીજાતે પણ બધાંને એના ઘેર આવવા માટે ખુબ આગ્રહ કર્યો. અને બધાં હસતાં રડતાં રાજીખુશીથી છુટાં પડયાં.