ઉછીના ઉજાગરા - National Story Competition -jan Yakub Parmar(Jacob Davis) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉછીના ઉજાગરા - National Story Competition -jan

ઉછીના ઉજાગરા

જેકબ ડેવિસ

Yakub Parmar

ઘરમાં લાઇટની એક સ્‍વીચ બગડી ગઇ હતી. અમે રહેવા આવ્‍યા તે વિસ્‍તાર અમારા માટે આમ તો નવોસવો હતો, એટલે હું સ્‍વીચ મળે તેવી ઇલેકટ્રીકની દુકાન શોઘતો હતો. મારા ઘરથી બાજુના રોડ ૫ર જતાં આવી એક દુકાન જોઇ એટલે સ્‍કૂટર ઉભું રાખી હું દુકાનમાં દાખલ થયો. દુકાન ખાલી હતી કોઇ ગ્રાહક નહોતા. એપાર્ટમેન્‍ટની નીચે પાંચેક દુકાનની હાર બનાવી હતી તેમાંની આ એક દુકાન હતી. સાંકડી દુકાનમાં એક ભાઇ ટેબલ ૫ર બેઠા હતા અને નોટમાં કંઇક લખતા હતા. એમના માથે એક બોર્ડમાં લખેલું ઝબકતું હતું : ‘આજે રોકડા કાલે ઉધાર’. મને જોયો એટલે તેમણે લખવાનું બંધ કર્યું. ને મારી સામે જોયું.

મેં કહયું : ‘મારે એક સ્‍વીચ જોઇએ છે.’‍

દુકાનદાર કહે: ‘હા, હા. શેઠિયા બોલોની કેવા કલરની જોઇએ?’

‘કાળા કલરની.’ મેં કહયું.

હોઠ લાંબા કરીને કહે : ‘અરે ભાઇ, કાળા કલરની સ્‍વીચ હવે નથી આવતી. ઉધાર જેવો કાળો કલર કોણ લે ? હવે વ્‍હાઇટ અને આઇવરી કલર, બે કલરમાં આવે છે. એમ કરો, આ સ્‍વીચ રાખો.’ એમ કહી એમણે ટેબલના ખાનામાંથી એક બોકસ કાઢી એમાંથી સ્‍હેજ પીળાશ ૫ડતા રંગની સ્‍વીચ કાઢી મને બતાવી. કાળા રંગની સ્‍વીચ કદાચ નહીં મળે એમ મન મનાવી લીઘું, કેમકે ટયુબ લાઇટની એક સ્‍વીચ લપટી પડી ગઇ હતી ને સ્‍વીચની તાત્‍કાલીક જરૂર હતી જ. એટલે આ તો આ એમ ગણી ચાલતું ચલણ એકવાર ટયુબ ચાલુ થાય તે માટે સ્‍વીચ લીધી ને દસની નોટ તેમને આપી. એની કિંમત નવ રૂપીયા થતા હતા એટલે ટેબલમાં ખાંખાંખોળાં કરી એક રૂપીયો શોધવા માંડયા. ખાસી વાર થતાં મેં કહયું કે રૂપીયો ના હોય તો કંઇ નહીં, ફરી કોઇ વાર. પણ એમણે કહયું : ના ના ભાઇ, ઘડીક ખમો. એમ કહેતાં રૂ‍‍પીયાનો સિકકો શોઘી કાઢયો ને મને આપતાં કહયું : ‘ ઇલેકટ્રીકનાં સાધનો બગડયાં હોય તો આપણે રીપેર બી કરીએ છીએ, એવું કંઇ હોય તો લાવજો.’ ઇલકટ્રીકનાં પરચુરણ સાધનો માટે સારી દુકાન મળી એમ વિચારતો હું સ્‍કૂટર લઇ રસ્‍તે પડયો.

ફરી એકવાર શાકભાજી લઇ એ રસ્‍તેથી પસાર થતા હતા ત્‍યારે મારી પત્‍નીને દુકાન બતાવી મેં કહયુ કે લાઇટની નાની પરચુરણ વસ્‍તુ અહીં સારી મળે છે.

એણે કહયું : ‘તો સ્‍કૂટર ઉભું રાખો. લાઇટનાં ખાલી હોલ્‍ડર છે તેમાં નાખવા આપણે ઝીરોના બલ્‍બ લઇ લઇએ.. તેનાથી હોલ્‍ડર બંઘ રહે, ને ભમરીઓ ઘર કરતી મટે. ઝીરોનો બલ્‍બ રાતે ચાલુ પણ રાખી શકાય.’ મને ભમરીઓની દયા તો આવી પણ વિચાર સારો લાગ્‍યો. સ્‍કૂટર ઉભું રાખી દુકાનમાં પેઠા. મને જોઇને દુકાનવાળા ભાઇ ઓળખી ગયા કહે : ‘આવો આવો.....’

મારી પત્‍નીએ કહયું : ‘ઝીરોના બલ્‍બ બતાવો.’ એણે આલમારી ઉપરથી પુંઠાનું બોકસ કાઢી લાલ,લીલા,પીળા, ભુરા, એમ અનેક કલરના બલ્‍બ બતાવ્‍યા. દરેક કલરના બલ્‍બ હોલ્‍ડરમાં નાખી ચાલુ કરીને પણ બતાવ્‍યા, જેથી કયા રંગના બલ્‍બ લેવા તેનો ઘરાકને ખ્‍યાલ આવે. જોકે મારી પત્‍નીએ પીળા રંગ ઉપર પસંદગી ઉતારી. કહે : ‘આ જ રંગ સારો લાગે.’

’તને જે ગમે તે સવાવીસ.’ એમ કહી પાચ બલ્‍બ ખરીદીને પૈસા ચુકવ્‍યા. અમે નીકળતા હતા ને મારી પત્‍નીએ દુકાનદારને પુછયું : ‘ઇસ્‍ત્રી રીપેર કરો છો ?’

દુકાનદારે કહયું : ‘હા, હા, બેન લાવો ને ! કચકડા જેવી કરી આપીશ.’ મારી પત્‍ની મને કહે કાલે ઇસ્‍ત્રી આપી જઇશું, અને એમ નકકી કરી અમે ચાલ્‍યા.

ત્રીજા દિવસે ઇસ્‍ંત્રી આપી આવ્‍યા. એણે પાછા લઇ જવા પાંચેક દિવસનો વાયદો કર્યો. પણ અમે સાત દિવસ પછી લેવા ગયા કેમકે ખબર કે વાયદામાં બે એક દિવસ આઘુંપાછું તો થાય. અમે ગયા ત્‍યારે ઇસ્‍ત્રી તૈયાર હતી. સ્‍વીચબોર્ડમાં નાખી ચાલુ કરીને બતાવી. હાથ અડાડીને પણ બતાવ્‍યું ને કહે : ‘જુઓ હવે કરંટ પણ લાગતો નથી’. મેં જોયું કે એમાં સાઇડમાં નાનો બલ્‍બ હતો જે ઉડી ગયો હતો તે પણ નાખી દીધો હતો. ઇસ્‍ત્રી ચાલુ થઇ કે નહીં તે બતાવતો ઇન્‍ડીકેટર બલ્‍બ નાખેલો જોઇ મને રીપેરીંગ સંતોષકારક થયાનો આનંદ થયો. રીપેરીંગના સાઇઠ રૂપીયા રાજીખુશીથી ચુકવી દીધા. એક ભાઇ ડોરબેલ ખરીદ કરતા હતા, અમે પણ ડોરબેલ જોવા માંડયા. ચાર પાંચ અવાજની ડોરબેલ ચાલુ કરી બતાવી તેમાં એક બેલ અમને ગમી ગઇ. અમારા ઘેર ડોરબેલ ચાલુ હતી, છતાં કિંમત સવાસો રૂપીયા જેટલી હતી ને પંખીના ટહૂકારાનો અવાજ ગમી ગયો એટલે ખરીદી લીધી. મેં પૂછયું : ‘જોઇન કરવા આવશો ?’

દુકાનદારે બેલના વાયર બતાવી કહયું : ‘આમાં કંઇ છે નહીં. જુની બેલના બે છેડા કાઢી નાખી આ બેલના બે છેડા જોઇન કરી દેવાના, છતાં ના થાય તો કહેજો, આવીને નાખી જઇશ.’

પછી તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત થાય એટલે અમે એ.સી. ખરીદયું. હવે જયારે ઘર બનાવ્‍યું હોય ત્‍યારે એ.સી. નાખવાનો વિચાર સરખો આવ્‍યો ના હોય, એટલે એના માટે લાઇટનો પોઇન્‍ટ હતો નહીં. અમારા ઓળખીતા આ દુકાનવાળાને પોઇન્‍ટ નાખવા કહયું. એણે છેક મીટરમાંથી વાયર ખેંચી લાવવો પડે એની અનિવાર્યતા અમને સમજાવી. એ અંગે વિગતે તો આપણને ખબર પડે નહી., એટલે સારો વાયર અને સારી સ્‍વીચ વાપરી કામ કરવા જણાવ્‍યું. મોંઘી સ્‍વીચ અને વાયર નાખી અઢારસો રૂપીયાનું બીલ એણે બનાવ્‍યું, જે એ.સી.ની ખુશીમાં ચુકવાઇ ગયું.

એક વાર શનિવાર બપોર પછી હું ઘેર નહોતો ત્‍યારે આ ભાઇ મારા ઘેર આવ્‍યા. મારી પત્‍નીને કહે : ‘બેન, મારાં બાને દવાખાને દાખલ કર્યાં હતાં, ને આજે રજા આ૫વાની છે મારી પાસે સાત હજાર છે ને બીલ આપવામાં ત્રણ હજાર ખૂટે છે. આજે બેન્‍ક હમણાં બંધ થઇ જશે ને કયાંયથી મેળ ના પડયો. જો આજે દવાખાનેથી રજા ના લઇએ તો બે ત્રણ દિવસનું ખોટું વધારાનું બિલ આ૫વાનું થાય ને એટલી દવાખાનાના આંટાફેરાની હેરાનગતી. જો ત્રણ હજાર આપો તો સોમવારે હું આપી જઇશ. તમારે લેવા આવવાનો ધકકો પણ નહીં થવા દઉં. આટલી સાદી વાત મારી પત્‍નીને ઘીના શીરાની જેમ તરત ગળે ઉતરી ગઇ. છતાં કહયું : ‘પણ જો જો હોં, મારે પૈસા લેવા ધકકો ખાવો ના પડે.’

’અરે બેન, હોય ? બેન્‍ક ઉઘડતાં જ આપી જવા.’

ને એમને ત્રણ હજાર ગણી આપ્‍યા. આપતાં કહયું ય ખરૂં : ‘જો જો, ભાઇ અમે વોટર પ્‍યોરીફાયર લાવવા ભેગા કરેલા પૈસા છે, મારે એમનો ઠપકો સાંભળવો ના પડે !’

‘બેફીકર બેન.’ એટલું કહી પૈસા લઇ રાજી થતા એ ભાઇ જવા લાગ્‍યા, મારી પત્‍ની સંતોષથી એમનો રાજીપો જોઇ રહી. સાંજે મને કહયું : ‘આવી રીતે પેલા દુકાનવાળા ભાઇને પૈસા આપ્‍યા છે.’ મેં કહયું : ‘કંઇ નહી. હવે ખાજે ધકકા.’

‘અરે હોય ? સોમવારે આપી જશે. આજે બેન્‍ક અડધો દિવસ નહી ? એમાં એનાથી જવાયું નહીં હોય.’

‘હલવામણ શીખવી હોય તો ઉછીના આલ એ વાત નથી સાંભળી, હવે અનુભવ કરી લેજો !’

સોમવારે પેલા ભાઇની કાગના ડોળે રાહ જોઇ. પણ એ ભાઇ ના આવ્‍યા. નોકરીના ચાલુ દિવસોમાં તો ધકકા ખાવાનો સમય ના હોય, છતાં ત્રણ દિવસ પછી મારી પત્‍નીએ કહયું: ‘ચાલો ને, સ્‍કૂટર લઇને જઇ આવીએ. વાયદાના ત્રણ દિવસ થયા તોય એ કેમ ના આવ્‍યા ?’ સ્‍કૂટર લઇને સાંજના ગયા, એ ભાઇ દુકાને નહોતા. એમનાં પત્‍ની બેઠાં હતાં. એમણે કહયું: ‘બેસો, રીપેરીંગમાં ગયા છે, હમણાં આવશે.’ કલાક દુકાનમાં બેઠા ત્‍યારે એ આવ્‍યા. અમને જોઇને હસી પડયા. ‘ભલા માણસ ધકકો શું કામ ખાધો ?’

મારી પત્નીએ ઉભા થતાં કહયું: ‘તમે સોમવારનો વાયદો કર્યો હતો, પણ પૈસા આપવા આવ્‍યા નહીં, એટલે આવવું પડયું.’

એ કહે : ‘શું છે કે મારે એક ઉઘરાણી આવવાની હતી, એ પૈસા આવ્‍યા નહીં એટલે તમને પૈસા આપી શકયો નહીં.’

‘પણ તમે તો કહયું હતું ને કે બેન્‍કમાંથી ઉપાડીને જ આપવાના છે ?’

‘ઉઘરાણી પાકી આવવાની હતી એટલે બેન્ક જેવું જ કહેવાય ને બેન ?’

‘કંઇ નહીં, લાવો પૈસા, આજે તો આપો.’

’આજે તો નથી બેન, એક કામ કરો, સોમવારે હું ઘેર આપી જઇશ. બસ ? વિશ્વાસ રાખો. વિશ્વાસે વહાણ તરે છે. પૈસા કયાંય નહીં જાય.’

અમારે હવે બીજું કશું કરવાનું ન હતું. એમના કહયા મુજબ વિશ્વાસથી આપ્‍યા હતા અને વિશ્વાસ ટકાવી રાખવાનો હતો. જેથી વિશ્વાસનું વહાણ તરતું રહે ! એ જાણે અમને પૂછતા હતા : ‘તમારે ડૂબાડવું છે કે તારવું છે ?’ અમારે ડૂબાડવું નહોતું એટલે પાછા વળી ઘેર આવ્‍યા. એ પછી તો એવા કંઇ સોમવાર આવ્‍યા અને ગયા. એ ભાઇની દુકાને ધકકા ઉ૫ર ધકકા ખાધા. અનેક વાર મારી પત્‍નીએ એને ના કહેવાના બોલ કહયા, પણ એણે હસીને કાઢી નાખ્‍યા. ‘પૈસા મારા હાથમાં આવે એટલે પહેલાં બેન તમને આ૫વાના એ પાકું જાવ બસ ?’ પણ ત્રણ હજાર તેના હાથમાં આવ્‍યા નહીં.

હવે તો મારી પત્‍ની સ્‍કૂટર કાઢવા કહે તો પણ મને આજીજી કરતી હોય એમ કહે. : ‘ઓઇ, ચાલો ને જરા.’ એ કહે ત્‍યારે સાથે તો જવું ૫ડે, પણ મેં કહયું : ‘હવે એ ભાઇની દાનત જણાતી નથી., એટલે ધકકા ખાવા નથી, હાજી કાસમનું કરોડોનું વહાણ ડૂબી ગયું હતું ને એની પેઢીઓ તારાજ થઇ ગઇ. તારે તો વહાણ ત્રણ જ હજારનું હતું. ગયા ખાતર ગણી નાખ. અને બીજી એક વાત કહી દઉં, ઉંચા સાદે તો બોલતી જ નહીં, કારણ આપતો હશે તોય નહીં આપે, ને આપણે કરી ય શું લેવાના ?’

પણ એ દિવસે તો મારી પત્‍ની દુકાને જઇને બેઠી ને એને કહયું : ‘તું જયાં સુધી પૈસા નહીં આપે ત્‍યાં સુધી અહીંથી ઉઠવાની નથી.’ પેલા ભાઇ તો એમનું કામ કરતા જ રહયા. ‘લો લાવો’માંથી ‘લે લાવ’ પર વાત આવી છે તેની તેણે મનોમન નોંધ લીધી હોય એવું મને લાગ્‍યું. ૩૬૦ માંથી સીઘો પ૦૦ વોટનો કરંટ બતાવતાં એણે કહયું : ‘બેન, પૈસા હાલ નથી. તમે ધજાગરો કરશો એટલે આપી દેવાનો નથી. આવશે એટલે પહેલાં તમને આપીશ, જાવ, બસ ?’ આમ ને આમ તો ઘણી વાર ચાલ્‍યું. પછી તો મારી પત્‍ની એકલી હોય તો રીક્ષા કરીને દુકાને ઉઘરાણી કરવા પહોંચી જાય. અંતે આ ધજાગરાથી થાકીને હોય કે પૈસા તેની પાસે આવી ગયા હોય, પણ એણે પૈસા આપી દીધા. સાંજે ઘેર આવ્‍યો ત્‍યારે મારી પત્‍નીએ હરખ કર્યો: ‘પેલા ત્રણ હજાર આવી ગયા હોં !’

મેં કહયું : ‘ચાલો, એક વાત પતી.’

એ વાતને એકાદ મહિનો થયો હશે ને અમે તેની દુકાનેથી ૫સાર થતાં હતાં. મારી પત્‍ની કહે : ‘ઉભા રહો, રસોડામાં ટયુબ ઉડી ગઇ છે તે સ્‍ટીક લેતા જઇએ.’

સ્‍કૂટર ઉભું રાખી દુકાનમાં ગયા. મને કહે : ‘ભઇ, પૈસા આપી દીધા છે હવે શું છે ?’

મેં કહયું : ‘હા, એ વાત નથી, અમારે ટયુબની સ્‍ટીક ઉડી ગઇ છે તે ખરીદવી છે.’

’ભઇ, મારે તમને સ્‍ટીક વેચવી જ નથી.’

‘અરે, પણ મારે કયાં ઉધાર લેવી છે ? રોકડા આપું છું ને ?’

‘રોકડા કે ઉધાર , તમને વેચવી જ નથી. કહયું ને ?’ ને હું પગથીયાં ઉતરી ગયો, વિચારતો હતો કે બીજી આવી દુકાન શોધવી પડશે ને એને ઉછીના નહીં આપવાનું પણ ધ્યાન રાખવું પડશે.

***