દેવનર્તિકા
દામોદર સૌથી આગળ હતો, પાછળ મહારાજ ભીમદેવ હતા. ધૂર્જટિ પંડિત પછવાડે હતો. દામોદરને આ વાતનો લેશ પણ ઊહાપોહ થવા દેવો ન હતો. તે સમજી ગયો હતો. બે શબ્દો પણ ઘર્ષણના બોલાય એટલે થઈ રહ્યું. પવનપાંખે વાત ઊપડી જાય. પછી એ ગમે ત્યાં પડઘા પાડી દે. એટલે એને કોઈ શબ્દઘર્ષણ ઊભું જ થવા દેવું ન હતું. તો જ પોતાનું આવ્યું લેખે લાગે. તે ત્વરાથી મઠપતિ ત્રિલોકરાશિ તરફ આગળ વધ્યો. મઠપતિજી મંદિરના મુખ્ય દ્વારની બહાર નંદી ચોકમાં છેક આગળના ભાગમાં ઊભા હતા. દામોદર તે તરફ ગયો. મંદિરની બરાબર સામે થોડે આઘે એક કામચલાઉ રંગમંચ ઊભો કરવામાં આવ્યો હતો. ત્યાં આવવા માટે એક તરફથી પગથિયાં ઉપર આવી રહેલી ચૌલા દામોદરની દૃષ્ટિએ પડી. એ ત્યાં આવીને ઝળાંહળાં પ્રગટેલા અસંખ્ય દીપકોની વચ્ચે રંગમંચ ઉપર ઊભી રહી ગઈ હતી. તેની પાછળના ભાગમાં ભીંત ઉપર અદ્ભુત નૃત્યદેવ નટરાજની માણસ જેટલા ઊંચા કદની એક આરસપ્રતિમા દેખાતી હતી. રંગમંચમાં ચારે તરફ મુકાયેલા દીપકોનો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. ત્યાં આગળ બીજી નર્તિકાઓ ચૌલાના નૃત્યને સાથ આપવા માટે પોતપોતાના સાજ સાથે, કોઈની નજરે ન પડે તેમ બેસી ગઈ હતી. ચૌલાને ત્યાં ઊભેલી દામોદરે જોઈ. એણે વયજલ્લદેવના મઠમાં જે ચૌલાને જોઈ હતી તે તો કોણ જાણે ક્યાંની ક્યાં ઊડી ગઈ હતી. દામોદર આશ્ચર્યચકિત થઈ ગયો. આંહીં ઊભેલી આ દેવાંગના સમી નારીમાં ત્રિભુવનમોહન રૂપ રેલાઈ રહ્યું હતું. સમુદ્રના તરંગોમાંથી પ્રભાતકાલે ઊઠતી સાક્ષાત્ લક્ષ્મી સમી એ શોભી રહી હતી. ગુજરાતની ધરતી - સમૃદ્ધિ રૂપ લે તો એ રૂપ આવું હોય ! દામોદરે અનેક રાજરાણીઓ જોઈ હતી, અનેક સૌન્દર્યદેવીઓ દીઠી હતી, દેવાંગના સમી રૂપભરેલી રમણીઓ એણે નીરખી હતી. એણે પેલી ચામુંડરાજને મોહમાં નાખનારી સુંદરતાની રાણી સમી નટ્ટાદેવી ક્યાં જોઈ ન હતી ? પણ ચૌલાને એણે આંહીં જોઈ, એને લાગ્યું કે એ કોઈક અનોખી જ સૌંદર્યની સ્વપ્ન-સૃષ્ટિમાં આવી પડ્યો છે ! એ ત્યાં ઊભી હતી, ગૌરવ ભરેલા લાલિત્યના સ્થિર, શાંત, તરંગવિહીન પ્રવાહ સમી; એ ત્યાં ઊભી હતી કાલિદાસ સમા મહાકવિની વિરલ સૌન્દર્યપંક્તિ સમી; જાણે એ પંક્તિ આંહીં બે પળ માટે સ્થિર થઈ ગઈ હોય ! એનામાંથી ત્રિભુવનમોહન રૂપસાગરના એક પછી એક તરંગ ઊભા થઈને રેલાતા હતા. અને આસપાસના વાતાવરણને સૌન્દર્યની નાની નાની અનેક પ્રતિમાઓ વડે ભરી દેતા હતા. સુંદરતાની દેવી પોતે, જો ઇંદ્રરાજના પુષ્પોદ્યાનમાં નિંદ્રામાં પડી ગઈ હોય, એ નિદ્રાંમાં એનું કોઈ મધુર સ્વપ્ન ચાલી રહ્યું હોય, ને એ પોતે સ્વપ્નમાં કોઈ સૌંન્દર્યરાણીને જુએ, તો એના સ્વપ્નની રૂપપ્રતિમા આવી હોય !
આ અનુપમ સૌંન્દર્યમાં પોતાની જાતને અને વાતને પોતે ખોઈ ન બેસે એની સંભાળ લેતો દામોદર મહેતા ત્રિલોકરાશિજીની છેક નજીક આવી ગયો. ત્રિલોકરાશિજી ત્યાં સામે ઊભેલી દેવનર્તિકા ચૌલાને નિહાળી રહ્યા હતા. મઠપતિજી જમણો હાથ લાંબો કરી, એક અંગુલિનિર્દેશથી તમામ પ્રવૃત્તિને રોકી દેનારી આજ્ઞા આપવાની તૈયારીમાં હતા, બરાબર એ જ વખતે, એમણે પોતાની સામે મંત્રી દામોદરને બે હાથ જોડીને પ્રણામ કરતો ઊભેલો દીઠો અને એ એક પળ થોભી ગયા.
‘ગુરુજી ! જય સોમનાથ ! નમઃ શિવાય...’ દામોદરે અત્યંત વિનમ્રતાથી કહ્યું.
‘શિવાય નમઃ’ મઠપતિજી યંત્રવત્ બોલી ગયા.
‘મારે ગુરુજી ! આપને પોતાને જ બે શબ્દોની વિજ્ઞપ્તિ આપવી છે. માંડ પળ બે પળ લાગશે.’
‘શું છે મંત્રીજી ? આ દેવમંદિરને કોઈના પણ પડછાયાની શેહ લાગવી ન જોઈએ. ભલે એ અત્યારે પડ્યું છે, પણ પડ્યું પડ્યું એ મહાદેવનું મંદિર છે. એમાં લાખો માણસની શ્રદ્ધા બેઠી છે. તમારે કે ભીમદેવ મહારાજે કે કોઈએ, એ શ્રદ્ધાની એક કાંકરી પણ ખેરવવાની નથી, એ જાણ્યા પછી બોલો, હવે તમારે જે કહેવાનું હોય તે.’
‘મારે તો ગુરુજી ! લાખો લોકોનાં દિલમાં બેઠેલી તમામ શ્રદ્ધા - ભક્તિની અદ્ભુત કથા કહેવાની છે. બીજું કોઈ નથી !’
‘શું છે દામોદર મહેતા ? તમારી વાત હમેશાં ન્યારી હોય છે. અમારે આ અધરમની વાતને અત્યારે દાટી દેવાની છે. એમાં તમારે કાંઈક વિલંબ કરાવવો છે. આ જ વાત છે નાં ?’
‘ના. એ વાત નથી. આ વાત તો એવી છે ગુરુજી ! જે કરવાની શક્તિ મારામાં નથી, મહારાજમાં પોતામાં નથી, અરે ! ખુદ તમારા ત્રિકાલજ્ઞ સ્વરૂપમાં નથી...’
‘દામોદર ! તું મંત્રી હો, તો ભલે હો...’
‘અરે ! પણ સાંભળો તો ખરા ગુરુજી ! મારે ભગવાન સોમનાથના મંદિરના પાયાના પ્રથમ કનકપથ્થરની મહાન અને ભવ્ય, કથા કહેવાની છે, એ પણ તમે નહિ સાંભળો, ગુરુજી ?’
‘હા, શું છે ? બોલ !’
‘આજે મેં મારી પ્રત્યક્ષ આંખે ભગવાન શંકરના ગણને આ બાજુ સદેહે જોયો છે.’
‘સદેહે ? શંકરના ગણને જોયો ?’ ત્રિલોકરાશિજી આશ્ચર્ય પામતા હોય તેમ દામોદર તરફ જોઈ રહ્યા : ‘એટલે ?’
‘ત્યારે એ જ વાત છે ગુરુજી !’ દામોદરે બે હાથ જોડીને માથું નમાવ્યું. ‘એમ ન હોત તો ગુરુઆજ્ઞાને, અને તે પણ મંદિરના સાન્નિધ્યમાં; એક પળના પણ વિલંબમાં નાખવાનો મને શો અધિકાર છે ? ભગવાન સોમનાથનો શું હું સેવક નથી ? મહારાજ પોતે પણ ભગવાન સોમનાથના એક દ્વારપાલ નથી ? પણ આ તો મેં જે જોયું તે તમને કહેવા માટે હું દોડ્યો આવ્યો છું !’
ગુરુ ત્રિલોકરાશિજી વિચારમાં પડી ગયા લાગ્યા. તેને દામોદરની વાણીમાં કાંઈક વધારે વાત જણાઈ. તેની દૃષ્ટિ ત્યાં રંગમંચ ઉપર ગઈ. પોતાની આજ્ઞા ત્યાં ચૌલાને સંભળાવી દેવા માટે તેણે અઘોરરાશિને રંગમંચનાં પગથિયાં ચડતો દીઠો. તે ઉતાવળે મોઢેથી બોલી ઊઠ્યા : ‘અઘોરરાશિ ! હમણાં ત્યાં નીચે રહે, હું કહું છું હમણાં...’મધુર સ્વરોનું પૂર્વરંગી ગુંજન, પ્રભાતને જગાડતાં બુલબલો સમું, ત્યાં ધીમે ધીમે રંગમંચ ઉપર પ્રગટવા માંડ્યું હતું. ત્રિલોકરાશિજીએ ઉતાવળે કહ્યું : ‘મંત્રીરાજ ! તમે શી વાત કરો છો ? જલદી કહો. તમારે શું કહેવાનું છે ? કોણ હતું ? ક્યાં હતું ? કેવું રૂપ હતું ? તમે કહ્યું ભગવાન શંકરનો ગણ હતો ? ખરેખર ? તો એ ક્યાંથી આવેલ ? સાચી વાત શી છે ?’
‘કહું ગુરુજી ! કહું ! પહેલેથી માંડીને કહું. તે વિના એ નહિ સમજાય. આ તો આ ધરતીની વાત છે. મારી યોજનાને ગુરુપદના આશીર્વાદ મળ્યા હતા. એ આશીર્વાદે તો એ ધર્મરૂપ બની ગઈ હતી. પણ પછી, કાં મારે, કાં ભીમદેવ મહારાજને પોતાને, કાં સોમનાથના કોઈ પરમભક્ત ગુરુપાદના મહાન શિષ્યને, એક વાતને માટે તૈયાર થવાનું હતું.’
‘કઈ વાત ?’ ત્રિલોકરાશિજીને પહેલી જ વખત દામોદરની વાત કરવાની રીતનું આશ્ચર્ય થયું.
‘બીજી કઈ વાત, ગુરુજી ? સિંધના રણરેતને માર્ગે હમીરને દોરી જવા માટે, કોઈ ખરેખરો ભોમિયો ફૂટી ન નીકળે, એ જેમ જોવાનું હતું, તેમ ભોમિયા વિના સુલતાન નીકળવાનું જ માંડી ન વાળે, તે પ ણ જોવાનું હતું. પહેલી વાત ગમે તેટલી તકેદારી છતાં ફૂટી જ નીકળવાની. અને તો થઈ રહ્યું ! પણ સોમનાથ ભગવાનની છત્રછાયાના પ્રતાપે, ગુજરાતભરમાંથી નહિતર તો ક્યારનો કોઈ ને કોઈ ભોમિયો હમીર પાસે પહોંચી ગયો હોત, એ એની શોધમાં જ હોવો જોઈએ. પણ લુખ્ખોસુક્કો રોટલો ખાઈને જીવનારો ગુજરાતનો ગરીબમાં ગરીબ માણસ પણ, સોમનાથ ભગવાનનો દ્રોહ કરવા આગળ આવ્યો નહિ, એ શ્રદ્ધાની જ્વલંત કથા ન કહેવાય. ગુરુજી ?’
‘કહેવાય, કહેવાય, દામોદર મહેતા ! પણ તમારે બીજું શું કહેવાનું છે તે કહોને !’
દામોદરે ત્યાં ભીમદેવ મહારાજને અને પંડિત ધૂર્જટિને આવીને ઊભા રહી ગયેલા જોયા. તેણે તેમને આગળ ન વધવાની સહેજ આંખઇશારત કરી દીધી. બંને આગળ ન વધતાં ત્યાં પાછળ જ અટકી ગયા. ત્રિલોકરાશિજીની તેમના ઉપર નજર ગઈ ન હતી. દામોદર વધુ શાંતિથી બોલતો હોય તેમ બોલ્યો. એને વાતનો એકદમ ઘટસ્ફોટ કરવામાં રહેલું જોખમ ધ્યાનમાં હતું. ‘ઓહો ! આમાં શું !’ એમ હવા ઊભી થતાં વાર ન લાગે ! એટલે એ વધુ શાંતિથી બોલ્યો : ‘ગુરુજી ! એ શ્રદ્ધાની જ્વલંત કથા છતાં, આપણી યોજના નકામી જતી હતી. આપણે કોઈ એવો જોઈતો હતો. જે રણરેતનો જાણીતો હોય; અને જે સુલતાનને દોરવા તૈયાર હોય ! ને ધરતીમાં જીવતાં ભંડારાઈ જવા... માટે...’
મઠપતિ ત્રિલોકરાશિને વાતનો કંઈક ખ્યાલ આવતાં એ હવે ધ્રૂજી ઊઠ્યા. એમને પહેલી જ વખત રણરેત ધરતીની ભયંકરતા અનુભવમાં આવતી જણાઈ. હમીરને દોરનારા ભોમિયા થવું એટલે શું, એ, એ હવે સમજ્યા !
એમને લાગ્યું, એ તો જીવતાંજીવત સમાધિ લેનાર જોગીની મહાન યોગશક્તિનો પડછાયો હતો !
એવા જોગીને તે પોતે પણ માનલાયક માને. પોતે એને નમવામાં ગૌરવ ગણે. ભગવાન સોમનાથના મંદિરના પરમભક્તોની પંક્તિમાં એ સર્વોત્તમ હોય. એ તો નરસિંહ રૂપ ગણાય.
‘દામોદર મહેતા !’ એ કાંક નરમ અવાજે બોલ્યા : ‘એ વાત તો તમારી સાચી છે. એવા ભોમિયા વિના તો આ બધી જ વાત મૂળમાંથી ખરી પડે !’
‘હાં, ગુરુજી ! મારે એ જ કહેવાનું હતું. એ કહેવા માટે જ હું દોડ્યો આવ્યો હતો. ભગવાન સોમનાથનો કોઈ ને કોઈ પરમ ભક્ત નીકળી આવશે એવી શ્રદ્ધાથી મેં તો દોરીસંચાર હાથમાં લીધો હતો, પણ ભગવાન શંકરનો કોઈ પરમ ભક્ત દેખાયો નહિ !’
‘દેખાયો નહિ ? આ... હા, ત્યારે તો... હવે...’
‘ના ના, પણ ગુરુજી ! છેવટે મારી શ્રદ્ધા ફળી. એક દેખાયો. ભગવાન શંકરનો ગણ જ હશે નાં ? એને ગણ ન કહેવાય તો કોને કહેવાય ? ભગવાન કૈલાસપતિનો એ જ ગણ. બીજો કોણ એ નામને યોગ્ય હોય ? એને એવું મહામાન આપી દેતાં, કોઈ અધર્મ ન થાય.’
‘અરે ! મંત્રીજી ! એમાં અધર્મ શેનો ? એ જ પરમધર્મ ગણાય, એ જ ભગવાન કૈલાસપતિનો સાચો ગણ, દામોદર ! પણ એવો એ જોગીઓનો જોગી છે કોણ ? ક્યાં છે ? મારે એને દેખવો છે, મંત્રીજી !’
‘એ તો આંહીં દેખાશે ગુરુજી ! આંહીં દેખાશે, હમણાં દેખાશે. તમારી નિકટમાં જ છે.’
‘ક્યાં ?’
‘તે પણ કહું. પણ ભગવાન કૈલાસપતિ શંકરનો આ ગણ, એ ખરી રીતે તો, આંહીં દેવનર્તિકાનું નૃત્ય જોવા માટે જ આવી રહેલો હોવો જોઈએ. એટલા માટે જ આવતો હોય. નૃત્ય જોઈ લેવા - ને પછી ભોંમાં ભંડારાઈ - જીવતાં ભંડારાઈ...’
‘પણ દામોદર ! દામોદર ! એ ગણ ક્યાં છે ?’
‘ગણ તો આવશે - ભગવાન ! કેમ નહિ આવે ? એને દેવનર્તિકાના નૃત્યમાંથી પ્રેરણા મેળવવી હશે. સમયસર એ પણ આવશે. મેં જે કોઈનામાં જોયું નથી. તે આ દેવના ગણમાં જોયું છે. હું તો એને કેવળ બે હાથ જોડીને નમવામાં જીવનની ધન્યતા અનુભવું છું.’
‘પણ મંત્રીરાજ ! એ છે કોણ ? ક્યાં છે ? એની મને જલદી ઓળખાણ આપો.’
દામોદરે જાણ્યું કે હવે વાત ખીલે બાંધી શકાય તેમ જણાય છે.
‘તે આપું ગુરુજી ! પણ એ આવ્યો છે નૃત્ય જોવા. જોવા નહિ. પ્રેરણા મેળવવા. એજીવતાં સમાધિ લેવાનો છે. લેવા જવાનો છે. એના માનમાં ગુરુજી ! દેવનર્તિકા આ નૃત્ય આજે આંહીં કરી રહી છે તે ભલે કરે. ભગવાન શંકરને, ભયંકર શંકરને, ભયંકર સંહારલીલા રમવાના ક્યારેક કોડ જાગે છે, ત્યારે એ દેવાધિદેવ કોઈ ને કોઈ વાહન શોધે છે. એ પોતે કાંઈ કરતો નથી. કરવા માગતો નથી. કરી શકતો નથી. એ વાહન શોધે છે. જેની મારફત એ સંહારલીલા રમી શકે ! ગુરુજી ! ત્રિકાલજ્ઞ દેવ !’ દામોદરનો અવાજ હવે સહેજ સત્તાધીશનું ગૌરવ ધારવા માંડ્યો. એ જરાક મોટો પણ થયો. એના મનથી આજે પંડિત ધૂર્જટિજીની તોલે કોઈ ન હતું. એ એક હતો. અદ્વિતીય હતો, અદ્ભુત હતો. વીરોનો વીર હતો. એ ધ્વનિનું એમાં સૂચન હતું.
જે અદ્ભુત શંકરગણની મંત્રીજીએ વાત કરી તેને જોવાની મઠપતિજીની અધીરતા પણ હવે ઘણી જ વધી ગઈ હતી. દામોદર એ સમજી ગયો હતો. તે આગળ વધ્યો : ‘મઠપતિજી ! મહારાજ ! ગુરુજી ! ત્રિકાલજ્ઞ ભગવાન ! હું આપની ચરણરજ લઉં, આપને બે હાથ જોડું, આપને વંદના કરું. આપની પવિત્રતા ને અદ્ભુત અલૌકિકતા ભાળીને આશ્ચર્ય અનુભવું. પણ એ તમામ વસ્તુ, મારા આ શંકરગણના એક નમનની તોલે ન આવે, એટલી ભક્તિ એના પ્રત્યે મને છે. મારા નમનમાં એવી મારી જીવન્ત ભક્તિ જાગી ગઈ હોય. એને માટે આ દેવનર્તિકાનું નૃત્ય પણ શું છે ? કાંઈ જ નહિ ! કહો કે આજે જ ભગવાન શંકરનો સાચો નૃત્યમહોત્સવ છે. જેને જોવા માટે વીરભદ્ર આવે. એ નૃત્ય પણ સફળ, દેવનર્તિકાનું જીવન પણ સફળ, આપણી હાજરી પણ સફળ, અને આ રંગમંચ પણ આજે સફળ.’
‘મંત્રીજી ! વાત તો તમારી સાચી છે. દેવનર્તિકા આવું નૃત્ય કરે, એનો વાંધો, આમ હોય તો લેવાનો નથી... વાંધો તો...’
‘એનું અત્યારે આપણે ક્યાં કામ છે. ગુરુજી ? આ દેવનર્તિકા એના મનના અણુએ અણુમાં અત્યારે એક જ વસ્તુ અનુભવી રહી છે. આ શંકરગણનું અદ્ભુત સમર્પણ ! બીજો એક શબ્દ પણ બોલવો એ આ હવાનું ગૌરવ હણવા જેવું છે. એટલે કહું છું. આજ્ઞા આપો દેવ ! દેવનર્તિકા આપની આજ્ઞાની રાહ જુએ છે !’
મઠપતિએ હજી શંકરના ગણની વાત સાંભળી હતી. એને દીઠો તો ન હતો. પણ હવે એ વાતને અમાન્ય થાય તેમ ન હતી. તેણે આજ્ઞા આપવામાં ઔચિત્ય જોયું.
મઠપતિજીએ હવે ત્યાં ઊભાં ઊભાં જ હાથની એક નિશાની કરી. તરત ત્યાં રંગમંચ ઉપર ઢોલક વાગ્યું, મૃદંગે તાલ લીધો. રુદ્રવીણા જાગી ઊઠી સ્વરોની હેલી બેઠી થઈ. કિંકણીઓએ શબ્દ કર્યા. મધુર સરોદની વર્ષા શરૂ થઈ. મઠપતિજી વચ્ચેથી ખસી ગયા. તે એક તરફ આવ્યો અને એની દૃષ્ટિ મહારાજ ભીમદેવ તરફ ગઈ.
‘અરે ! મહારાજ ! તમે ! તમે ?...’
દામોદર મહેતાએ ત્વરાથી કહ્યું : ‘પંડિતજી ! ધૂર્જટિજી ! જરા આ બાજુ આગળ આવો તો...’
ધૂર્જટિ પંડિત બે હાથ જોડીને આગળ આવ્યો.
‘ગુરુજી ! ભગવાન સોમનાથની આજ્ઞા આપણે સાંભળી છે. એ શંકરના ગણ છે. એમને સંદેશો મળ્યો છે. ભગવાન શંકરનો.’
‘આ ?’ ત્રિલોકરાશિજી આશ્ચર્ય વ્યક્ત કરતા બોલ્યા : ‘આ ? આ તો પૂજારીનો ધર્મપુત્ર !’ એને મનમાં કાંઈક ખોવાઈ ગયાનો ઉગ્ર અસંતોષ જાગી ગયો. દામોદરને એ જાણ હતી. એ એમ જ થવાનું. વૃદ્ધ પૂજારીના પરિચિત છોકરાનું વીરત્વ જાણતાં છતાં, એ પણ વીરત્વ છે, એમ માનતાં ઘણો વખત જવાનો. દામોદર તેને માટે તૈયાર જ હતો. તેણે બે હાથ જોડીને અત્યંત દૃઢ અવાજે કહ્યું : ‘જે સત્ત્વ એનામાં છે ગુરુજી ! એ ગુજરાતભરમાંથી કરોડો દ્રમ્મ ખરચતાં મળે તેમ નથી. એ પૂજારીનો પુત્ર નથી, એ ગુજરાતનું વીરત્વ છે. એને સંદેશો મળ્યો ન હોત, તો બીજા કોને મળ્યો હોત ? ેએને સંદેશો મળ્યો ન હોત, તો શું થાત ? આ પંડિતજી એક છે, અદ્વિતીય છે, અનન્ય છે, અદ્ભુત છે. એને આ રસ્તાનો અનુભવ છે. એટલે હમીર એની વાત તરત માને તેમ છે. એવા જ બીજા બે નીકળ્યા છે.’
‘એ કોણ છે ?’
‘ભગવાન સોમનાથની છત્રછાયા જેમના ઉપર પ્રેમથી ઢળી, એ નીકળી આવ્યા. એક ધ્રુબાંગ છે, બીજો ધિજ્જટ. જુઓ, એ પણ આ આવ્યા. એમને આશીર્વાદ આપો. ભગવન્ !’
કાંઈક અદ્ભુત ન જોયાનો અસંતોષ શમી જતાં મઠપતિજી હવે પોતાના મંદિરના આ ત્રણે વીરોને પિછાની શક્યા. તે પ્રેમથી આગળ વધ્યા. પહેલાં પંડિતજીને ભેટી પડ્યા.
ધ્રુબાંગ અને ધિજ્જટના માથા ઉપર એણે પ્રેમથી હાથ મૂક્યો. તેણે શોકઘેરા અવાજે કહ્યું : ‘તમારો વિજય હો વીરપુરુષો ! તમારા માનમાં આંહીં બીજો પણ આવો જ નૃત્યમહોત્સવ કરવાની ભગવાન સોમનાથની આજ્ઞા મળો.’
તરત ત્યાં રંગમંચ ઉપર ચૌલાની પગપંક્તિની કવિતા ઊભી થવા માંડી.
બધા એકદૃષ્ટિ થઈ ગયા.
ભીમદેવ દામોદરની શક્તિ જોઈ નવાઈ પામ્યો.