સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 13 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 13

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૨.૧૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૩ : સનાતન ધર્મ અથવા સાધુજનોના પંચમહાયજ્ઞ

‘Then the World-honoured spoke; “Scatter not rice

But offer loving thoughts and acts to all;

To parents as the East, where rises light;

To teachers as the South, whence rich gifts come;

To wife and children as west, where gleam.

Colours of love and calm, and all days end;

To friends and kinsmen and all men as North;

To humblest living things beneath, to Saints

And Angels and the blessed Dead above:

So that all evil be shut off, and so

The six main quarters will be safely kept.’

- Sir Edwin Arnold’s ‘Light of Asia.’

“The ‘freedom’ and ‘modernity’, the ‘progress’ and ‘truth’ of these fellow are not ours. We have nothingin common with them. They wish for self-indulgence; we wish for work. They wish to drown consciousness in theun conscious; we widh to strengthen and enrich consciousness. They wish for evasive ideation and babble; we wish for attention, observation and knowledge. The true criterion by which true moderns may be recognised and distinguished from impostors calling themselves moderns may be this : whoever preaches absence of discipline is an enemy of progress; and whoever worship his “I’ is an enemy to society. Society has for its first premise, neighbourly love and capacity for self sacrifice; and progress is the effect of an ever more rigorous subjugation of the beast in man, of an even tenser self restraint, an ever keener sense of duty and responsibility. The emancipation for which we are striving is of the judgment, not of the appetites. In the profoundly pernetrating words of Scripture (Matt. v. 17) “Think not that I am come to destroy the law, or the prophets, I am not come to destroy, but to fulfil.’

- Max Nordau’s Degeneration

‘Serence will be our days and bright

And happy will our nature be,

When Love is an unerring light

And joy its own security.’

-Wordsworth’s ‘Old to Duty’

વિષ્ણુદાસ બાવા અને સાધુસમાજ અલખ જગવી રાત્રિએ પાછા આવ્યા. પ્રાતઃકાળનું અહ્નિક થઈ રહ્યા પછી મઠની પાછળના ભાગમાં વિષ્ણુદાસ, ઉત્તમાધિકારી સાધુજનો અને સરસ્વતીચંદ્ર બેઠા અને વિષ્ણુદાસે પ્રસંગ કાઢ્યો.

‘નવીનચંદ્રજી ! શ્રીયદુનંદનને નમસ્કાર ન કરનારને ચંદ્રાવલી મૈયાને સાષ્ટાંગ નમસ્કાર કરવા પ્રયત્ન કર્યા તેને માટે ને તમારે માટે તમારો સંસાર શા અભિપ્રાય બાંધશે?’

‘જી, સંસાર છોડી આપનો આશ્રમ પામનાર આપનાર આપના અભિપ્રાયનો વધારે જિજ્ઞાસુ છે. નમસ્કાર કર્યા તે એ પવિત્રમૈયાના અલખ આત્માને અને સંસિદ્ધ જીવસ્ફુલિંગને, સ્ત્રીશરીરરૂપ શક્તિમાં ગુપ્ત રહેલા એ હદયરત્નને આ શરીરમાંના હૃદય હૃદયાભિમાન ધરીને પોતાની ભક્તિ દર્શાવવાનો એ માર્ગ લીધો. માતૃજ્યોતિ પાસે પુત્રજ્યોતિ જાતે જ નમી પડ્યું. એકને નમસ્કાર કર્યા અને અન્યને ન કર્યા તેનું કારણ એ હૃદય અને એ જ્યોતિ છે. આ દેશના સંસારીઓ સ્ત્રીપુરુષમાં જે ભેદ સ્વીકારે છે તે આપના ચરણમાં આવ્યા પછી હું કેવળ ભૂલી જ ગયો છું.

વિષ્ણુદાસ - ‘નવીનચંદ્રજી ! એ ભક્તિથી અને એ પ્રયત્નથી યદુશૃંગનું સર્વ સાધુમંડળ તમારા ઉપર સુરક્ત થયું છે.’

સરસ્વતીચંદ્ર - ‘તેમની સાધુતા હું પગલે પગલે અનુભવું છું.’

વિષ્ણુદાસ - ‘નવીનચંદ્રજી ! સાધુવૃત્તિને પરમ રહસ્ય તમે તમારા સ્વભાવની શુદ્ધતાથી અપ્રયત્ને પામ્યા.’

સરસ્વતીચંદ્ર - ‘સંસારે બીડાવેલા હૃત્‌પદ્મને સાધુસમાગમ સૂર્ય પેઠે ઉઘાડે છે અને તેમાં પોતાનાં કિરણને ભરે છે.’

વિષ્ણુદાસ - ‘સૂર્યકિરણ તો સર્વત્ર પડે છે પણ કમળપત્ર જ તેના સંસર્ગને સફળ કરી શકે છે.’

સરસ્વતીચંદ્ર - ‘સંસારના ઉચ્ચનીચ પ્રપંચોની રચનામાં પોતાના કયા સ્ફુલિંગને કેટલી શક્તિ આપવી એ લક્ષ્યસ્વરૂપના ઈશઆત્માની ઇચ્છાની વાત છે.’

વિષ્ણુદાસ અતિ પ્રસન્ન થયા અને બોલ્યા :

‘નવીનચંદ્રજી ! તમારા ઉત્તર સાંભળવાનો મને એટલો લોભ થાય છે કે કરવાની વાત ભૂલી હું બીજા પ્રસંગોમાં ઊતરી જાઉં છું. તમારા માટે મારા મનમાં એક નવી યોજના એવી ધારું છું કે કાલથી થોડા દિવસ લાગટ હું યોગસ્થ રહીશ અને તેટલો કાળ તમારે ચિરંજીવશૃંગ ઉપર એકાંતમાં ગાળવો.’

સરસ્વતીચંદ્ર - ‘આપની આજ્ઞા કે ઇચ્છાને અનુકૂળ થવા મારું ચિત્ત મૂળથી જ તત્પર છે. તેમાં ચંદ્રાવલીમૈયાને આ વિષયમાં તો કાલ હું પ્રતિજ્ઞા આપી ચૂક્યો છું એટલે મારે દ્વિગુણધર્મબંધનથી આપની ઇચ્છાને અનુસરવાનું છે.’

વિષ્ણુદાસ - ‘ચંદ્રાવલીમૈયાની ઇચ્છાઓ ધર્મ્ય અને કલ્યાણી જ હોય છે એવી અમારી અચલ શ્રદ્ધા છે. એમણે પોતાની ઇચ્છા તમને સકારણ દર્શાવી હશે; મારી ઇચ્છા બીજા કારણથી છે.’

સરસ્વતીચંદ્ર - ‘તેમાં પણ આજ્ઞા ગુરુણામવિચારણીયા.’

વિષ્ણુદાસ - ‘એ સૂત્ર સંસારમાં તેની વ્યવસ્થાને માટે અમુક મર્યાદામાં કલ્યાણકારક છે. પણ આ સ્થાને તો ‘આજ્ઞા’ શબ્દનો વ્યવહાર સાધુજનની સુશીલતાનું જ ફળ છે. આ સ્થાનના ગુરુજન શિષ્યવર્ગમાં અલક્ષ્યના ઉદ્‌બોધનને માટે જ પ્રવૃત્તિ કરે છે અને આજ્ઞાથી એ ઉદ્‌બોધન થતું નથી, પણ ઘરમાંના બાળકને બારી બહારથી સાદ કરીએ ને તે પોતાની પ્રીતિથી ને જિજ્ઞાસાથી બારી આગળ આવી બોધ પામે તે માર્ગનું જ અનુકરણ અમે કરાવીએ છીએ. માટે મારી ઇચ્છાનાં કારણ જાણી લો. નવીનચંદ્રજી ! ચિરંજીવશૃંગનું માહાત્મ્ય એવું છે કે ત્યાંનો અધિકારી અને નિવાસી ગમે તો સિદ્ધદર્શન કરે છે, ગમે તો જાતે સિદ્ધ થાય છે, ગમે તો ચિરંજીવ સુકૃત કરે છે, ગમે તો લોકકલ્યાણને માટે ચિરંજીવ થાય છે, અને ગમે તો આ વસુંધરાના પ્રાચીન ચિરંજીવ મહાત્માઓનું દર્શન કરે છે. કોઈ મહાત્માઓને ત્યાં તુરીયાવસ્થા પ્રાપ્ત થાય છે. કોઈ મહાત્માઓ ત્યાં જાગૃત અવસ્થામાં સર્વ પ્રત્યક્ષ કરે છે. કોઈ કલ્યાણસ્વપ્નોમાં સર્વ પ્રત્યક્ષ કરે છે અને કોઈને ત્યાંપરમ સુષુપ્તિ થાય છે અને તેના બળથી સૂતેલો જીવ ત્રિવિધ તાપમાંથી મુક્ત થઈને જ પાછો જાગે છે. અનેક ઉત્તમ વૃદ્ધ મહાત્માઓના નિવાસી ચિરંજીવશૃંગ સિદ્ધ થયું છે અને આવાં પરમકલ્યાણ કરવા સમર્થ થયું છે. એ શૃંગ ઉપર હું તમને આજ રાત્રિથી નિવાસ આપું છું. એ નિવાસનું ફળ પ્રાપ્ત કરવાના અધિકારમાં કે માર્ગમાં કોઈ વિઘ્ન હોય તો તેને દૂર કરવાને મારી યોગસ્થ અવસ્થા તમને કંઈ અપૂર્વ સિદ્ધાંજન પ્રાપ્ત કરાવવા યથાશક્તિ પ્રયત્ન કરશે. આ સર્વ ફળ માટે હું તમને ચિરંજીવશૃંગ ઉપર ઉચિત કાળ નિવાસ આપવા ઇચ્છું છું.’

સરસ્વતીચંદ્ર - ‘આપની કૃપા દિવસે દિવસે વધે છે અને મારી શક્તિ તથા યોગ્યતા કરતાં આપ મને વધારે અધિકારી ગણો છો.’

વિહારપુરી - ‘એ તો ગુરુજીના અધિકારની વાત. આપણે પ્રશ્ન ઉઠાવવા યોગ્ય નથી. એમણે આપેલા અધિકારને આપ વિશેષ ગણશો તો શંકાપુરી તેને પોતાને મળેલા અધિકારને ન્યૂન ગણશે અને સાધુઓની અવ્યવસ્થા થશે.’

સરસ્વતીચંદ્ર - ‘ઈશ્વર એ અવ્યવસ્થાને આવા સુવ્યવસ્થિત સ્થાનમાંથી દૂર રાખો! પણ મારા મનમાં બે ચાર વાતનું સમાધાન ગુરુજીની પાસેથી લેવાનું છે; કારણ હવે મળવાના અવકાશમાં તેનો ઉપયોગ કરવો પડે એમ છે.’

વિષ્ણુદાસ - ‘તે પૂછવાનો મને અધિકાર છે. અન્ય અધિકારીઓના પ્રશ્નો ઉપર જ્યારે આપણે નિયંત્રણ મૂકીએ છીએ ત્યારે ઉત્તમાધિકારીઓને સર્વ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે.’

સરસ્વતીચંદ્ર - ‘ત્યાગ શ્રેષ્ઠ કે ગૃહસ્થપદ શ્રેષ્ઠ ? ત્યાગનો અધિકારી કોણ અને ગૃહસ્થપદનો અધિકારી કોણ ? પિતા, પત્ની, ગુરુ અને પોતે - એ ચારના અભિપ્રાયમાં ભેદ હોય ત્યારે વધારે અધિકાર કોનો ? સ્ત્રીનો નિષ્કારણ અને અપ્રતિકાર્ય ત્યાગ કરનારનું પ્રાયશ્ચિત શું ? સંસાર, ધર્મ અને શાસ્ત્ર એ ત્રણનું સંઘટ્ટન થાય ત્યારે જયનો અધિકાર કોને? વૈરાગ્ય, રસ અને ધર્મ એ ત્રણના સંઘટ્ટનકાળે જયનો અધિકાર કોને ? આ ભેખના ત્યાગને અધોગતિ ગણવી કે નહીં ? એ ત્યાગનો અધિકાર કોને ખરો કે કોને નહીં ? સંસારે બંધાવેલા સંપ્રત્યયથી ઉત્પન્ન થયેલાં ધર્મનાં બંધન આ સ્થાનની પવિત્ર પ્રાપ્તિથી ક્યારે અને કેવી રીતે છૂટે છે ? અનેક લોકના વર્ગમાં સનાતન સામાન્ય અપ્રતિહત ધર્મ કયો ?’

આનો ઉત્તર મળતાં પહેલાં બહારથી કાંઈ સ્વર સંભળાયા. અનેક સાધુઓ સંભ્રમમાં પડી ઉતાવળા ચાલતા કે ઊઠતા હોય એવા ઘસારા સંભળાયા અને તેની સાથે બૂમ પડી કે ‘યદૂનંદનકો જય ! ચંદ્રાવલીમૈયાકો જય !’ તે બૂમો બંધ પડતાં પહેલાં મંદિરની ઘંટાઓનો સ્વર સંભળાયો. થોડીવારમાં કુમુદસુંદરીને અને દશબાર સાધ્વીજનોને સાથે લઈ, તારાઓને અગ્રભાગે શુક્રના તારાને સાથે રાખી ઊભેલી ચંદ્રલેખા જેવી ચંદ્રાવલી વિષ્ણુદાસજીના આ આશ્રમભાગમાં આવી. વિષ્ણુદાસ વિના સર્વ મંડળ ઊભું થયું અને ચંદ્રાવલીને નમસ્કાર કરવા લાગ્યું. સર્વને અને ગુરુજીને નમસ્કાર કરતું, લજ્જાથી ગાલ ઉપર હતાશ ધરતું, નમાવેલાં મુખકમળની માળા જેવું સાધ્વીમંડળ વિષ્ણુદાસ પાસે આવી ઊભું રહ્યું. ચંદ્રાવલી કંઈક ફળપુષ્પ વિષ્ણુદાસજીના ચરણ પાસે મૂકી પાછી આવી ઊભી. વિષ્ણુદાસ અંતે હાથ ઊંચો કરી સર્વને આશીર્વાદ દેતા બોલ્યા : ‘સ્વાગતં ભવતીનાં પરમં યચ્છાશ્ચતમલક્ષ્યં ભદ્રાણામપિ ભદ્રં તદસ્તુ સર્વાસાં વઃ’ ચંદ્રાવલીમૈયા, સર્વને લઈ સ્વસ્થ બેસો અને આ સાધુસ્થાન પાસેથી કેવો સત્કાર લઈને તેને તે સત્કાર આપવાનું અધિકારી ગણવાની કૃપા કરો છો ?

એક પાસ સાધુઓ બેઠા. બીજી પાસ ચંદ્રાવલી અને તેનું મંડળ બેઠું. સરસ્વતીચંદ્રને આ દેખાવમાં વિચિત્ર ભવ્યતા લાગી. અંચળા અને જટાવાળા એક પાસ પ્રચંડ અને પુષ્ટ જ્ઞાની બાવાઓ, સામી હારમાં સર્વાંગી એકેકું ભગવું વસ્ત્ર ધરનારી સ્ત્રીઓ અને તેને અગ્રભાગે કુમુદ સહિત ચંદ્રાવલી, અને બે હારોને શિરોભાગે શ્વેતજટાધર તેમ વય અને યોગસાધનથી જર્જરિત થયેલાં હાડકાંનાં પંજર જેવા પણ તેજસ્વી વિષ્ણુદાસ : વચ્ચે હિમાલય અને ત્યાંથી નીકળતી ગંગાયમુનાના પ્રવાહ જેવો આ સમાગમ સરસ્વતીચંદ્રને લાગ્યો. પણ એ પ્રવાહો પાસે ક્વચિત્‌ ગુપ્ત સરસ્વતીગંગા જેવી કુમુદસુંદરી ભણી એની આંખ જેવી ત્વરાથી જતી તેવી જ ત્વરાથી ત્યાં આગળથી પાછી ફરતી. વીજળીના ચમકારાની પળમાં પ્રવાસી પોતાના માર્ગનાં બે પગલાં શોધી લે એમ આટલા દૃષ્ટિપાતની પળમાં કુમુદસુંદરીની દૃષ્ટિ એ દૃષ્ટિપાતની પ્રેરકવૃત્તિ જોઈ લેતી હતી. ચંદ્રાવલી આ વેળા વિષ્ણુદાસને ઉત્તર દેતી હતી.

‘ગુરુજી, આપની કૃપા એ જ સાધુજનનો સત્કાર છે. આ મધુરી મારી દુલારી તેને ગિરિરાજ ઉપર મેં આવવા દીધી ખરી, પણ હૃદયની ચિંતાએ મને એની પાછળ આણી. હું આવી તો આપનાં અને આપના આશ્રમનાં દર્શન કરાવવાનો લાભ પણ એને આપવો ઉચિત લાગ્યો, અને એ નિમિત્તે આપનો જે જ્ઞાનવિનોદ ચાલતો હોય તેનાં સાક્ષી થવાનો અમને સર્વને લાભ આપો અને સાધુજનોને મળતા એ મહાલાભમાં અમે વિઘ્નરૂપ ન થઈએ માટે આપની ચર્ચા ચલાવવાની કૃપા કરો.’

વિહારપુરી - ‘જી મહારાજ, નવીનચંદ્રજીના પ્રશ્નોના સમાધાનનો પ્રસંગ ચાલે છે તે તો આ સર્વને સવિશેષ પ્રિય થશે.’

‘જે પ્રસંગ અહીં મળે છે તેમાં સાધુજનો નાનાં ને મોટાં સર્વ સત્ય વચન જ ઉચ્ચારે છે, એ ઉચ્ચારમાં વક્રવાણી વિનાનો ચાતુર્યવિલાસ અને વિનીત મધુરતા જેટલાં અક્ષરેઅક્ષરે ઊભરાય છે તેટલાં જ લજ્જાશીલ સ્પષ્ટતા અને અહંકારશૂન્ય સિદ્ધાંતવાદમાં કોઈ પાછું પડતું નથી. બોદ્ધારો મત્સરગ્રસ્તાઃ કહેનાર ભર્તૃહરિ બિચારો નિમ્ન દેશના સંસારમાં ભટક્યો હશે અને આ સ્થાનનો અપરિચિત રહ્યો હશે.’ સરસ્વતીચંદ્રના હૃદયમાં આ વિચાર દીપ્ત થયા અને વિષ્ણુદાસના ઉદ્‌ગાર સાંભળી શાંત થયા.

વિષ્ણુદાસ - ‘નવીનચંદ્રજી, સંસારને માટે મનુઆદિ મહાત્માઓએ ધર્મશાસ્ત્ર રચેલાં છે તેમ સાધુજનોને માટે અલક્ષ્યસિદ્ધાંતકારોએ લક્ષ્યધર્મસંગ્રહ રચેલો છે તે આપણા ભંડારમાં તમે જોયો હશે. જ્ઞાની પુરુષ કૃતકૃત્ય મુક્ત થયા પછી તેનું પોતાનું પોતાની જાતને માટે કાંઈ કર્તવ્ય નથી પણ તેની પ્રવૃત્તિ માત્ર લોકસંગ્રહને માટે જ કહી છે. પણ લોકસંગ્રહ કેવી પ્રવૃત્તિથી થાય છે તે આપણા લક્ષ્યધર્મસંગ્રહમાં જ વર્ણવેલું છે. સાધુજન સ્વભાવે સંતુષ્ટ છે અને સંસારનો ત્યાગ કર્યા પછી સુંદરગિરિ ઉપર માત્ર પોતાની સંસિદ્ધિ માટે આમરણાન્ત પ્રવૃત્તિ કર્યાં કરે છે. જે વિદ્વાન સાધુ સંસિદ્ધ જ હોય તેને તો તે અર્થે પણ પ્રવૃત્તિ નથી. તેનું વચન તો એટલું જ છે કે

પ્રારબ્ધકર્મણિ ક્ષીણે વ્યવહારો નિવર્તતે

કર્માક્ષયે ત્વસૌ નૈવ શામ્યેદ્‌ ધ્યાનસહસ્ત્રતઃ

વિક્ષેપો નાસ્તિ યસ્ન્મે ચ સમાધિસ્તતો મમ

વિક્ષેપો વા સમાધિર્વા મનસઃ મનસઃ સ્યાદ્વિકારિણ :

નિત્યાનુભવરુપસ્ય કો મ વાડનુભવઃ પૃથક્‌

કૃતં કૃત્યં પ્રાપણીયં પ્રાપ્તમિત્યેવ નિશ્ચયઃ

જ્ઞાનીને આમ વ્યવહાર નથી તે પોતાને માટે નથી; પણ જગતના કલ્યાણને માટેની તેની પ્રવૃત્તિ નષ્ટ થતી નથી.

વ્યવહારો લૌકિકો વા શાસ્ત્રીયો વાડન્યથાપિ વા

મમાકર્તુકલેપસ્ય યથારબ્ધઃ પ્રવર્તતામ

અથવા કૃતકૃત્યોપિ લોકાનૃગ્રહકામ્યયા

શાસ્ત્રીયેણેવ માર્ગેણ વર્તેડહં કા મમ ક્ષતિઃ

જગતનું કલ્યાણ કરવાનું તેને કારણ શું ? પરમ અલક્ષ્યના દર્શનથી મોક્ષ થાય છે સત્ય છે, એ પણ એ તો માત્ર સૂક્ષ્મ અને વાસના શરીરનાં વાસનાજન્ય સુખદુઃખાદિથી થતા શોકહર્ષાદિમાંથી મુક્ત થવાય છે; કારણ આત્મા તો બદ્ધ કે મુક્ત કંઈ નથી, સ્થૂળ સૂક્ષ્મ તો કર્મવિપાકની પૂર્ણાહુતિથી જ છૂટે છે.’

પ્રિયેષુ સ્વેષુ સુકૃતમપ્રિયેષુ ચ દુષ્કૃતમ્‌

વિસૃજ્ય ધ્યાનયોગેન બ્રહ્માભ્યેતિ સનાતનમ્‌

સંસારીઓમાં પ્રિય-અપ્રિય હોય તેમાં આ શાસ્ત્ર સત્ય હો. પણ સાધુજનોને તો અપ્રિય કોઈ નથી. પણ સંસારમાં તેમનો પણ દ્વેષ કરનાર હોય છે. ને તેમને માટે તો શ્રુતિવચન છે કે :

તસ્ય પુત્રા દાયમુપયન્તિ સુહૃદઃ સાધુકૃત્યં દ્વિષન્તઃ પાપકૃત્યમ્‌

લક્ષ્ય સંસારમાં કંઈ નષ્ટ થતું નથી, પણ સર્વ વસ્તુઓ સ્વયોનિમાં શાંત થાય છે. માટે લક્ષ્યરૂપમાંથી મળેલી કર્મજન્ય સંપત્તિવિપત્તિઓને એ જ તેમના યોનિસ્વરૂપમાં હોમ કરવાથી કર્મજાળ શાન્ત થાય છે; અને સ્થૂળસૂક્ષ્મ દેહ છૂટે છે. આ વિધિ ધીમે ધીમે ધૈર્યથી પામવાનો છે; એનું ફળ સહસા કેવળ જ્ઞાનથી હાથમાં આવે એમ નથી. બીજી શ્રુતિ કહે છે કે :

ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાઃ પ્રત્યાસ્માલ્લોકાદમૃતા ભવન્તિ

‘સાધુજને ધીરેધીરે પોતાની પ્રવૃત્તિથી પોતાની શક્તિ-સમૃદ્ધિ ભૂતમાત્રમાં સંક્રાંત કરી દેવી અને લક્ષ્યરૂપમાંથી સ્થૂળરૂપે લીધેલા શરીરરત્નને ઉત્તમ સંસ્કારોથી પરિપાક્વત્‌ સૂક્ષ્મરૂપ આપી લક્ષ્યરૂપનાં ભૂતસંગ્રહરૂપ શરીરને ખોળે પાછું સોંપી દેવું - એ જ શરીરબંધનની બાણગતિનો શુદ્ધ સંસિદ્ધ અન્ત છે. ભૂતમાત્રરૂપ યજ્ઞમાં સ્થૂળસૂક્ષ્મ શરીરોનો તેમની પ્રવૃત્તિઓ સાથે હોમ થાય એ જ અલખનો લખયજ્ઞ છે.’

સંસારીઓ પોતાની જાતને માટે સૌ પ્રવૃત્તિઓ કરે છે તે તેમની દશાનું ફળ છે. સાધુજનો પરમ અલખના લખ સ્વરૂપની જગત્કલ્યાણકાર ઈચ્છામાં પોતાની ઈચ્છાઓનો અને પ્રવૃત્તિઓનો હોમ કરે છે. પરમ પુરુષે માંડેલા પરમ યજ્ઞમાં સાધુજનો આમ પોતપોતાની આહુતિઓ આપે છે, અને પોતાની સ્થૂળસૂક્ષ્મ સમૃદ્ધિઓને સ્થૂળસૂક્ષ્મ ભૂતસંગ્રહમાં વેરી દે છે અને તેટલા હોમથી અયસ્કાંતમાં લોહ સંક્રાંત થાય તેમ સાધુજનોનાં પુણ્ય તેમના ઉપર પ્રીતિ રાખનારને પ્રાપ્ત થાય છે ને તેમનાં પાપકૃત્ય તેમના ઉપર દ્વેષ રાખનારમાં સ્વભાવબળથી પ્રાપ્ત થાય છે અને તેને અંતે રાગદ્વેષરહિત એ સાધુજનો એ દેહથી મુક્ત થઈ વિદેહકૈવલ્ય પામે છે.

આપણા સાધુજનોના લક્ષ્યધર્મની પ્રવૃત્તિનું મૂળ પ્રયોજન આવું છે. જ્યાં સુધી તેમનાં શરીર વિદ્યમાન છે ત્યાં સુધી લોકનું કલ્યાણ કરવામાં આયુષ્ય ગાળવું એને જ તેઓ ધર્મ ગણે છે. અને આર્ય અનાર્ય સર્વ ધર્મ એકદેશીય નીવડ્યો છે ત્યારે આ આપણો લક્ષ્યધર્મ સ્વભાવથી સર્વદેશીય અને સનાતન છે, કારણ જગતનું કલ્યાણ કરવું એ સર્વદા સર્વત્ર સાધુજનનું લક્ષણ ગણાયું છે ને ગણાશે. નવીનચંદ્રજી, સાધુજનોના સર્વ ધર્મ આટલામાં પર્યાપ્ત થાય છે. જ્ઞાની કે અજ્ઞાની સર્વને માટે ધર્મ છે, ને ત્યાગીને પણ ધર્મ છે. માટે જ પ્રથમ કહ્યું છે કે :

ધર્મ શનૈઃ સંચિનુયાદ્વલ્મીકમિવ પુત્તિકાઃ

પરલોક સહાયાર્થ સર્વભૂતાન્યપીડયન્‌

નામુત્ર હિ સહાયાર્થ પિતા માતા ચ તિષ્ઠતઃ

ન પુત્રદારા ન જ્ઞાતિર્ધર્મસ્તિષ્ઠતિ કેવલઃ

એકઃ પ્રજાયતે જન્તુરેક એવ પ્રલીયતે

એકોનુભુડકત્તે સુકૃતમેક એવ ચ દુષ્કૃત્તમ્‌

મૃતં શરીરમુત્સૃજ્ય કાષ્ઠલોષ્ઠસમં ક્ષિતૌ

વિમુખા બાન્ધવા યાન્તિ ધર્મસ્તમનુગચ્છતિ

તસ્માદ્ધર્મ સહાયાર્થે નિત્યં સંચિનુયાચ્છનૈઃ

ધર્મેણ હિ સહાયેન તમસ્તરતિ દુસ્તરમ્‌

ધર્મપ્રધાન પુરુષં તપસા હતકિલ્બિષમ્‌

પરલોક નયત્યાશુ ભાસ્વન્તં સ્વશરીરિણમ્‌

‘સંસારીને માટે ધર્મ આવો છે તો સંન્યાસી માટે ધર્મ મનુએ જ કહેલાં છે.’

નાભિનન્દેત મરણં નાભિનન્દેત જીવીતમ્‌

કાલમેવ પ્રતીક્ષેત નિર્દેશં ભૃતકો યથા

અવેક્ષેત ગતીનૃણાં કર્મદોષસમુદ્‌ભવાઃ

નિરયે ચૈવ પતનં યાતાનાશ્ચ યમક્ષયે

વિપ્રયોગં પ્રિયૈશ્ચૈવ સંયોગં ચ તથાડપ્રિયૈઃ

જરયા ચાભિભવનં વ્યાધિમિશ્ચોપપીડમ્‌

દેહાદુત્ક્રમણં ચાસ્માત્‌ પુનર્ગર્ભે ચ સંભવમ્‌

યોનિકોટિસહસ્ત્રેષુ સૂતીશ્ચાસ્યાન્તરાત્મનઃ

અધર્મમસંપ્રભવં ચૈવ દુઃખયોગં શરીરિણામ્‌

ધર્માર્થપ્રભવં ચૈવ સુખસંયોગમક્ષયમ્‌

સૂક્ષ્મતાં ચાન્વેવેક્ષેત યોગેન પરમાત્મનઃ

દેહેષુ ચ સમુપ્તત્તિમુત્તમેષ્વધમેષુ ચ

દૂષિતોપિ ચરેદ્ધર્મ યત્ર તત્રાશ્રમે રત્તઃ

સમઃ સર્વેષુ ભૂતેષુ ન લિડ્‌ગં ધર્મકારણમ્‌

ઉચ્ચાવચેષુ ભૂતેષુ દુર્જ્ઞેયામકૃતાત્મભિઃ

ધ્યાનયોગેન સંપશ્યેદ્‌ગતિમસ્યાન્તરાત્મનઃ

સંન્યાસીને માથે તેના આશ્રમ પ્રમાણે આવા ધર્મ છે. મધપૂડામાંથી મધ લઈ લીધા પછી તે નકામો થાય છે તેમ શાસ્ત્રનાં રહસ્ય જાણી લેનાર સંન્યાસીને પુસ્તકમાત્ર નકામાં પડે છે. પરમાત્માને પામી તે કૃતકૃત્ય થાય છે. પણ એટલું ફરી બેસી રહેવામાં તેના આયુષ્યનો ધર્મ સમાત નથી. પણ પ્રવ્રજિત જને સંસારમાંથી સ્થાનેથી સ્થાને અને ગ્રામેથી ગ્રામે પ્રવાસ કરવાનો છે અને તે પ્રવાસમાં તમને મનુનાં વાક્ય કહી બતાવ્યાં છે તેમાંના ધર્મ પાળવાના છે. એ વાક્યોમાં સંન્યસ્તચર્યાવાળાએ સંસારમાંના પદાર્થો જાતે લક્ષ્ય કરવા, જાતે તેનું અવલોકન કરવાનું છે, જાતે તેના વિચાર કરવાના છે, જાતે શોધન કરવાનું છે, સર્વ ભૂત ઉપર સમતા રાખવાની છે અને પરમાત્માની સૂક્ષ્મતા અનુભૂત કરવાની છે. પરમાત્માની જે ગતિ અનાત્મવાન્‌ જનને અજ્ઞેય છે તે આવા ત્યાગીએ જોવાની છે અને સંસારને બોધવાની છે. ત્યાગીને માટે આ ધર્મ લખ્યા છે અને તે પછી સંસારના ઉદ્ધારને માટે સંસારમાં એના અનુભવોના ઉદ્‌ગાર અને ઉદ્‌બોધન કરવાનાં છે. કૃતકૃત્ય ત્યાગીને શિર પણ લોકકલ્યાણના આવા ધર્મ પ્રાચીન કાળથી મુકાયા છે, અને સંસારી તેમ ત્યાગી ઉભયને શિર એ ધર્મનું બંધન આયુષ્યપર્યન્ત અનિવાર્ય છે.

સંસારીઓનાં ધર્મશાસ્ત્ર અસંખ્ય દેશકાળના વિચારોથી બંધાયાં છે ત્યારે લક્ષ્યધર્મસંગ્રહ માત્ર સર્વ દેશકાળની સનાતન સાધુતાના જ વિચારથી રચાયો છે. સંસારીઓના મુખ્ય ધર્મ જેમ પંચમહાયજ્ઞમાં સમાપ્ત થાય છે તેમ સાધુતાના ધર્મ પણ પંચમહાયજ્ઞમાં જ સમાપ્ત છે. પણ સંસારીઓના યજ્ઞ સ્થૂળ સામગ્રીથી સજાય છે અને યજ્ઞદર્શન સંસારને લક્ષ્ય થાય છે ત્યારે સાધુઓના યજ્ઞ તેમનાથી અલક્ષ્ય રહે છે અને સામગ્રી સૂક્ષ્મ હોય છે. સંસારના યજ્ઞ ઘણુંખરું સકામ હોય છે, અને નિષ્કામ હોય છે ત્યારે પણ પોતાના કલ્યાણને જ માટે હોય છે, દેશના કલ્યાણને માટે હોય છે કે પોતાના જીવના કલ્ય્ણને માટે હોય છે અને લોકનું કલ્યાણ એ તો માત્ર આ આત્મકલ્યાણનું સાધન જ હોય છે. પિતા, પુત્ર વગેરે સર્વ પદાર્થો તો શું પણ બ્રહ્મ જાતે પણ આત્માના જ કામને માટે પ્રિય છે એવું યાજ્ઞવલ્ક્ય-વચન આ સંસારીઓનાં જ હૃદયને માટે છે. સાધુજનોનાં હૃદયમાં તો આત્માને માટે પણ કામ નથી અને અનાત્માને માટે પણ નથી. તેમના ધર્મ તો કેવળ નિષ્કામ લોકકલ્યાણાર્થ યજ્ઞરૂપ જ છે. ધર્મ જગતનું ધારણ કરે છે, અને ધર્મનું ધારણ પરમાત્મા પરમ અલક્ષ્યનું લક્ષ્યસ્વરૂપ પોતે કરે છે, માટે જ એ લક્ષ્યસ્વરૂપ લક્ષ્યપુરુષરૂપના ધારેલા ધર્મયજ્ઞની અંશભૂત જ્વાળાઓ જેવા યજ્ઞોને સાધુઓના જીવસ્ફુલિંગ રચે છે. જે સંસારના મૂળ પાસે બ્રહ્માને અને મુખ પાસે શિવને નામે ઈશ્વરનાં રૂપ હિમાચળ અને સમુદ્ર જેવાં ગણેલાં છે તે બે વચ્ચેની સંસારગંગાના આખા પ્રવાહને પાળનાર એ જ ઈશ્વરનું વિષ્ણુનામે અભિમાન રાખી આ મઠ તેને પૂજે છે. એ આભિમાનિકી પ્રીતિનો પાત્ર લક્ષ્ય પુરુષ વિષ્ણુપરમાત્મા સંસારમાં વ્યાપી રહી સંસારના ધર્મનું પાલન કરે છે.

ત્રીણિ પદા વિચક્રમે વિષ્ણુર્ગોપા અદાભ્યઃ

અતો ધર્માણિ ધારયન્‌

વિષ્ણોઃ કર્માણિ પશ્યત યતો વ્રતાનિ પસ્પશે

ઇન્દ્રસ્ય યુજ્યઃ સખા

એ પરમ પુરુષ જાતે જ યજ્ઞરૂપે પ્રજ્વલમાન થાય છે અને આર્યોનો સનાતન ધર્મ એમાંથી જ પ્રભવ પામે છે.

યજ્ઞેન યજ્ઞમયજન્ત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્‌

‘એ શ્રેષ્ઠ યજ્ઞમાં એ પરમ પુરુષ જાતે જ યજ્ઞનું પશુ થાય છે, વસંત એનું આજ્ય થાય છે, ગ્રીષ્મ ઈંધન થાય છે અને શરદ્‌ હવિ થાય છે. ચાર વેદ એ યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે. એમાં યજમાન અને હોતા દેવો અને ઋષિજનો થાય છે. એ પુરુષ સાથે અદ્વૈત પામવાને આપણો વિધિ એ યજ્ઞમાં ભળવાથી સધાય છે. વ્યષ્ટિની અને સમષ્ટિની પ્રવૃત્તિઓનો અભેદ થાય એટલી આમાં ફલજિઘત્સા છે. આ ફલજિગત્સાને જ શુદ્ધ નૈષ્કામ્ય અને બ્રહ્માર્પણ કહે છે. જીવ અને ઈશ્વરનો, ઈશ અને અનીશનો, અદ્વૈતયોગ આથી જ સધાય છે. બ્રહ્મ, ઈશ અને જીવ, અથવા પરમ અલક્ષ્ય, પરમ લક્ષ્ય પુરુષ, અને જીવસ્ફુલિંગ એ ત્રણેનો ત્રિયોગ સાધવાનું આ પ્રથમ પગલું છે. કર્મમારનો યોનિ લક્ષ્ય બ્રહ્મ છે અને લક્ષ બ્રહ્મનો યોનિ અલક્ષ્ય અક્ષર બ્રહ્મ છે. સ્વયોનિલાભથી કર્મ લક્ષ્ય બ્રહ્મમાં અને લક્ષ્ય બ્રહ્મનો યોનિ અલક્ષ્ય અક્ષર બ્રહ્મ છે. સ્વયોનિલાભથી કર્મ લક્ષ્ય બ્રહ્મમાં અને લક્ષ્ય અલક્ષ્યમાં શાંત થાય છે તે આ જ ત્રિયોગથી થાય છે. ભૂતમાત્રને આત્મવત્‌ ગણી આત્મસાત્‌ કરવાનો માર્ગ તો આપણા પંચમહાયજ્ઞથી જ સધાય છે, તેમાં આવી નિષ્કામતા, આવા શિષ્ટતમ હેતુ અને સર્વ ભૂતના કલ્યાણરૂપ આવું ફળ છે.’

‘સંસારના પંચમહાયજ્ઞ, પિતૃયજ્ઞ, મનૃષ્યયજ્ઞ, દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ એવા ગણાય છે. સાધુજનોના યજ્ઞોનાં નામ એવાં જ છે પણ તે યજ્ઞોનાં આત્મા અને શરીર જુદા પ્રકારનાં છે. પરમ પુરુષના પરમ યજ્ઞમાં પુરુષ પોતે જ પશુસ્થાને બલિરૂપ થઈ હોમાય છે, તેમ પુરુષસ્ફુલિંગ જીવાત્મા સાધુજનોના આ પંચયજ્ઞમાં જાતે જ પશુવત્‌ હોમાય છે - જીવાત્મા સૂક્ષ્મ અને કારણ શરીર સહવર્તમાન આમાં પશુ થઈ મેધ્ય થાય છે. ભોગાયતન સ્થૂળ શરીર છે તે આ યજ્ઞની વેદી થાય છે. વ્યોમચારી પક્ષી ચાંચમાંનું ફળ કોઈ વૃક્ષ ઉપર બેઠા વિના ભોગવી શકતું નથી તેમ જન્મપરંપરાનું પક્ષી સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં હોય ત્યારે જ ભોક્તા થાય છે. આ વેદી ઉપર ચડ્યા વિના આ પશુ યજ્ઞબલિ પણ થઈ શકતું નથી. એ વેદી અને એ પશુને સુસમૃદ્ધ રાખવાં એ આ યજ્ઞનો પૂર્વવિધિ છે અને હોમાદિ ઉત્તરવિધિ છે. પશુ વિષયે સૂત્રો છે કે રુદ્રાય મહાદેવાય જુષ્ટો બર્દ્ધસ્વેતિ તં બર્દ્ધયેત સંપન્નદન્તમૃષભં વા. પશુનો આ વર્ધનવિધિ આવશ્યક છે. સાધુજનોનાં સૂક્ષ્માદિ શરીર આ ત્રણે મઠોમાં આ વિધિ પ્રમાણે પુષ્ટ, પવિત્ર અને વર્ધમાન રાખવામાં આવે છે. તારામૈત્રક અને ગ્રહદશાના બળથી જે દંપતી ત્રસરેણુક અવસ્થા પામે છે. તેમનાં સૂક્ષ્મ શરીર અદ્વૈત પામી ત્રસરેણુક થયેલા સુવુદ્ધષીન પશુનો ત્યાગ કરે છે અને એ અદ્વૈતથી જ એ પશુ વર્દ્ધિત થઈ યાગયોગ્ય થાય છે. વિહારમઠનું શાસ્ત્ર આ વિધિને ઉદ્દેશીને જ રચેલું છે. જે સ્ત્રીપુરુષને આવો યોગ પ્રાપ્ત થતો નથી અને કુમારીના કંકણ પેઠે એકાકી વિહાર કરી શકે છે તેને ત્યાગધર્મ પ્રાપ્ત થાય છે અને બીજા બે મઠ તેને માટે છે. સ્થૂળ યજ્ઞોની વેદી અને પશુનો સંયોગ ઘણો મોડો મનુષ્યનો કર્યો થાય છે; પણ સૂક્ષ્મ શરીરનો અને સ્થૂળ શરીરનો સંયોગ સ્થૂળ શરીરના જન્મ સાથે લક્ષ્ય પુરુષ જાતે જ રચે છે, અને એ સંયોગ રચાય છે ત્યારથી જ એ પશુ અને વેદીનો સ્યોગ થાય છે. એ સંયોગ થયો કે એ પશુ પરમ લક્ષ્ય પુરુષની ઇચ્છાથી, કુટુંબાદિના પ્રયત્નથી અને અન્ય નિમિત્તોથી, દિને દિને વધે છે, પુષ્ટ થાય છે અને સંપૂર્ણ અથવા ન્યૂનાધિક કલાને પામે છે. એ પશુના આ પોષણાદિમાં સાધનભૂત થવું એ સાધુજનો પોતાનો પ્રથમ ધર્મ અને સર્વ યજ્ઞોનો આવશ્યક વિધિ ગણે છે. જેવી રીતે આ પશુની વૃદ્ધિ વિહિત છે તેવી જ રીતે યજ્ઞસામગ્રીનો અને પશુનો દિવસે દિવસે વધતો ભાર ઝીલવાને તેમ ચિરંજીવ અગ્નિનો સતત તાપ વેઠવાને માટે આ યજ્ઞની વેદીને પણ સમર્થ કરવામાં આવે છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરોનાં પોષણાદિને માટે આ મઠોમાં જે વ્યવસ્થા છે તેનું આવું કારણ છે, અને એ વ્યવસ્થાને અંગે આવશ્યક ન હોય એવો કોઈ પણ ભોગ ઇચ્છવો તે સાધુઓમાં અધર્મ્ય અને કામરૂપ મનાય છે અને તેને દૂર રાખવામાં આવે છે.

‘આ વેદીને, પશુને અને યજ્ઞસામગ્રીને, સંભૃત કરવા જે જે શુભ પદાર્થો જોઈએ તે તે કેવી રીતે વસાવવા ? સંસારીઓના યજ્ઞમાં કાષ્ઠ, ધૃત આદિ સામગ્રી સંભાર જોઈએ તેમ સાધુજનોના યજ્ઞસંભારમાં સુંદરતા, રસ, પ્રીતિ, ભક્તિ આદિ ગુણો અને ભિક્ષાદિને માટે જોઈતો સંગ્રહ જોઈએ છે. રાજસી વૃત્તિવાળો સંસારી જેટલા ઉત્સાહ અને પ્રયત્નથી ધર્માર્થકામ માટે ઐહિક પદાર્થોનો અને શક્તિઓનો સંગ્રહ કરે છે અને તેમના ભોગમાં પ્રવૃત્ત થાય છે તેવા અને તેટલા જ ઉત્સાહ અને પ્રયત્નથી પણ સત્ત્વિક વૃત્તિથી સાધુજનો પોતાના આવા યજ્ઞસંભારની વિવૃદ્ધિને માટે તેના પોતે જ ભોક્તા હોય એમ પ્રવૃત્ત થાય છે. એ પ્રવૃત્તિથી આ સંભાર કેવી રીતે સંગ્રહાય છે એ જોવાનું હવે રહ્યું. બાલક જ્યારે ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે તેના મુખને ભોજનની કે પાનની શક્તિ હોતી નથી. તેવે કાળે નાળબંધનને દ્વારે બાળકના ઉદરમાં માતાના ઉદરમાં પક્વ થયેલો પોષણસંભાર પહોંચે છે તેમ સ્થૂળ-સૂક્ષ્મ શરીરની ઇંદ્રિયો દ્વારા અને સૂક્ષ્મ શરીરની પ્રવૃત્તિઓ દ્વારા પૃથ્વીમાતાના ઉદરમાં ઐહિક સંપત્તિઓને રૂપે પક્વ થયેલો યજ્ઞસંભાર સ્થૂળસૂક્ષ્મ શરીરોમાં પહોંચે છે અને યજ્ઞની વેદીને અને યજ્ઞના પશુને તેમ યજ્ઞ ઉપરના અગ્નિને સર્વ સ્થૂળસૂક્ષ્મ સાધનોથી સંભૃત ને ભૂષિત કરે છે. પરમ લક્ષ્ય પુરુષની સર્વવ્યાપિની અલક્ષ્ય જ્વાળાઓ દશે દિશા લાગી રહી છે તે જ્વાળાઓ આવા સંભૃત શરીરોનો જ સ્પર્શ કરે છે અને જીવસ્ફુલિંગના પંચમહાયજ્ઞ ત્યારે જ આરંભાય છે.’

‘એ યજ્ઞોમાં પ્રથમ પિતૃયજ્ઞ છે. સંસારીને માટે આ યજ્ઞ જુદો છે તે સાધુજનોને માટે જુદો છે. સંસારીજનને પુત્રાદિ સંબંધ પ્રાપ્ત થાય છે અને પિતૃવર્ગ આયુષ્યમાન હોય તો તમની પ્રત્યક્ષ તૃપ્તિને માટેનો યજ્ઞ છે અને તે પછી તો તેમનાં સૂક્ષ્મ શરીરની પરોક્ષ તૃપ્તિને માટે છે. પ્રત્યક્ષ તૃપ્તિ પુત્રને જ પરમાર્થરૂપ છે પણ પિતામાતાદિ આ તૃપ્તિના અભ્યાસથી તેનાં લોભી થાય છે અને તેમનાં પોતાનાં સૂક્ષ્મ શરીરોની એવી કામનાઓથી અધોગતિ થાય છે.

તેમની કામનાઓને અતિતૃપ્ત કરવા જેવા પિતૃયજ્ઞ પુત્રો આરંભે તો બીજા ચાર યજ્ઞોમાં તેમની પ્રવૃત્તિ યથોચિત થઈ શકતી નથી અને તેનું પાપ એવી તૃપ્તિની કામનાવાળા પિતામાતાને લાગે છે. એટલું જ નહિ પણ એ કામનાઓના અભ્યાસથી પિતામાતાના પોતાના પંચયજ્ઞ પણ અપૂર્ણ રહે છે. મનુષ્યમાત્રના સર્વ યજ્ઞ યથોચિત પ્રમાણમાં થાય તો જ પરમપુરુષનો પુરુષયજ્ઞ દીપ્ત થાય છે, માટે પિતૃયજ્ઞની આ સ્થિતિથી પુરુષયજ્ઞનો પણ પિતામાતા દોષ કરે છે. પિતામાતા અને જ્યેષ્ઠ કુટુંબરૂપ પિતૃલોક, પુત્રલોક અને જગત એમાંથી કોઈના કલ્યાણ માટે આ સ્થિતિ અનુકૂળ નથી. માટે સાધુજનોએ પિતૃયજ્ઞનો ત્યાગ કરી તેને સ્થાને મઠયજ્ઞની વ્યવસ્થા રાખી છે. મૃત પિતૃજનની તૃપ્તિને માટે સંસારીઓમાં યજ્ઞ થાય છે. પણ સત્ય જોતાં તો મૃત્યુ પછી પિતાપુત્રાદિક સંબંધ નષ્ટ થાય છે અને પિતૃલોકમાં સર્વ જીવ સૂક્ષ્મરૂપે સ્ફુરે છે. પિતૃલોકનો ઉદ્ધાર પુત્રના સંન્યાસથી થાય છે તેમ તેની સાધુતાથી પણ થાય છે. સાધુજનની સાધુતા અને સાધુયજ્ઞો પિતૃલોકને તૃપ્ત કરી ઉદ્ધાર આપવા એકલાં જાતે જ સમર્થ છે. અને બાકી તો તમને કહ્યું કે અલક્ષ્ય પરમાત્માના જીવસ્ફુલિંગને તો પિતા, પિતામહ, પ્રપિતામહ કે સંબંધી કોઈ છે જ નહીં - તેનું તો સર્વત્ર આત્મારૂપ જ છે. અને વ્યવહારદૃષ્ટિથી જુએ તોપણ તેમની તૃપ્તિ તો માત્ર હંસપદથી થાય છે. પિતા આદિ પિતૃવર્ગ પિતૃત્વસંબંધનો સનાતન ત્યાગ કરી આ ભૂતળ ઉપર નહીં. પણ પરલોકમાં વસે છે અને તેમની તૃપ્તિને માટે ભૂતળમાં આપેલી નિવાપાંજલિ માત્ર હંસપદ જેવી આવશ્યક ગણી એ તૃપ્તિ સિદ્ધ થશે એવી શ્રદ્ધાયુક્ત ઉત્પ્રેક્ષા સંસારીઓ કરે છે. પણ શુદ્ધ દૃષ્ટિએ જોતાં તો પિતૃલોક ઐહિક સંબંધનો ત્યાગ કરી દેવયજ્ઞમાં જ સાધ્ય છે. માટે જ કહ્યું છે કે

વસૂન્‌ વદન્તિ વૈ પિત્તૃન્‌

રુદ્રાંશ્ચૈવ પિતામહાન્‌

પ્રપિતામહાંશ્ચાદિત્યાન્‌

શ્રુતિરેષા સનાતની.

‘આવાં ગુરુપ્રયોજનને ઉદ્દેશીને સાધુજનો સર્વ પિતૃયજ્ઞનો ત્યાગ કરે છે અને સાધુપિતાઓ પુત્ર પાસે એવા યજ્ઞ કરાવતા જ નથી એટલું નહિ પણ તેનો નિષેધ કરે છે. સાધુપિતાઓ સર્વદા પુત્રો ઉપર નિષ્કામ નિર્મમ પ્રીતિ જ રાખે છે, અને પુત્રોને પુત્રવત્‌ નહીં પણ આત્મવત્‌ જુએ છે, અને વૈકલ્ય પામેલા સાધુનું શ્રાદ્ધ તેના ગુણકીર્તનથી ને જ્ઞાનોલ્લેખથી જ કરે છે.’

‘આ પિતૃયજ્ઞને સ્થાને આપણે ત્યાં મઠયજ્ઞ ગણાય છે. પુત્રશરીરમાંનાં પશુવેદીઆદિ યજ્ઞસમર્થ થાય ત્યાં સુધી માતાપિતા પુત્રપુત્રીનું આતિથેય કરી તેનું પાલનવર્ધન કરે છે અને તે પછી તેને આ અલખમઠોને દત્તક આપે છે અને પોતાના અધિકારનો ત્યાગ કરે છે. આવા પુત્રને માત્ર મઠયજ્ઞ કરવાનો રહે છે ને સર્વ પિતૃયજ્ઞના ધર્મથી તે મુક્ત થાય છે. સાધુસત્કાર, ગુરુસત્કાર, આશ્રમસત્કાર, મઠસત્કાર, શ્રી યદુનંદનસત્કાર, આદિ ધર્મોમાં પ્રવૃત્ત રહી સાધુજન મઠયજ્ઞ યાદવાયુષ્ય અખંડ રાખે છે. માતાપિતા અને પુત્ર વચ્ચે સંસારે જે ધર્મ પળાવવા ઉત્તમ છે પણ સ્વાર્થી વાસનાઓને બળે જેને સંસાર પાળતો નથી તે ધર્મ સાધુવૃંદ અને સાધુઓ વચ્ચે અધ્યાત્મદૃષ્ટિથી પળાય છે.’

‘મયયજ્ઞ કરતાં વધારે કાળમાં સાધુએ મનુષ્યયજ્ઞ કરવાનો છે. મનુષ્યની તૃપ્તિને માટે આ યજ્ઞ સધાય છે. સાધુઓ યજમાન પણ પોતે થાય છે અને યજ્ઞપશુ પણ પોતે જ સૂક્ષ્મ શરીરથી થાય છે. આ યજમાન પોતાની પાસે આવનાર મનુષ્યમાત્રને તૃપ્ત કરવાનો યજ્ઞ માંડે છે. સમષ્ટિ પરમાત્મામાંથી જીવસ્ફુલિંગ તણખા પેઠે ફૂટવા માંડે અને અનેક સ્થૂળ સૂક્ષ્મ શરીરોને વાહન કરી અનેક ભવોમાં લોકયાત્રા કરે એટલામાં એને પોતાના જેવી જ લોકયાત્રા કરનાર અનેક સ્ફુલિંગોનો માર્ગમાં સમાગમ થાય છે. એ યાત્રાને કાળે અનેકધા તેની પાસે નવાં નવાં મનુષ્યો આવે છે; આ લોકમાંથી આવે છે તેમ પરલોકમાંથી પણ આવે છે. પરલોકમાંથી પુત્રપૌત્રાદિકરૂપે આવે છે; આ લોકમાંથી અતિથિરૂપે આવે છે, મિત્રરૂપે આવે છે, સ્ત્રી રૂપે આવે છે, કુટુંબરૂપે આવે છે, અને વ્યવહારાદિમાં પડતા અનેક સંબંધોને નિમિત્તે આવે છે. કેટલાંક મનુષ્ય આપણે ત્યાં આવતાં નથી પણ આપણને આપણા પ્રવાસમાં માર્ગે બોલાવે છે અને તેમનો સત્કાર કરવાનો પ્રાપ્ત થાય છે; માતાપિતાના મંદિરમાં આપણે પરલોકમાંથી પ્રાપ્ત થઈએ છીએ અને આપણે તેમના અતિથિ થઈ એ છીએ. જ્યાં સુધી આપણી બાલ્યાવસ્થામાં આપણે યજ્ઞ કરવાને સમર્થ નથી થતા ત્યાં સુધી આપણે માતાપિતાનાં અતિથિ થઈએ છીએ, અને યાગશક્તિ આવતાં અતિથિ મટી યજમાન થઈએ છીએ અને તેઓને અતિથિઓ આગંતુક હોય છે. આવાં આકારક અતિથિની તૃપ્તિને માટેનો યજ્ઞ તે પિતૃયજ્ઞ જ છે, પણ સાધુજનોમાં પિતા અને અન્ય સાધુઓનો સરખો જ સત્કાર આવે છે અને સર્વને અધ્યાત્મદૃષ્ટિથી જોવામાં આવે છે, માટે આપણે ત્યાં આ પિતૃયજ્ઞના ધર્મનો મનુષ્યયજ્ઞમાં જ સમાસ કરેલો છે. જેવી રીતે માતાપિતા આકારક અતિથિ છે તેમજ જ્ઞાતિમાં, માતૃભૂમિ એટલે સ્વદેશમાં, અને સર્વ વસુંધરામાં જે જે મનુષ્યસંઘ વસે છે તે સર્વ સાધુજનોના આકારક અતિથિ છે અને માતાપિતા જેવાં જ પિતૃયજ્ઞમાં અધિકારી છે. આપણે ત્યાં તેનો પણ મનુષ્યયજ્ઞમાં સમાસ કરેલો છે. જાતે આવેલા અતિથિમાં કેટલાકને આપણે પોતે આમંત્રણ કરેલું હોય છે તે આમંત્રિત અતિથિ છે. પુત્રપુત્રીઓ આવાં અતિથિ છે. પત્ની પતિ પાસે આવે છે અને પતિપત્ની પાસે આવે છે. સંસારી જનોમાં સંવનન અને પરિશીલન શૂન્ય થયાં છે અને આપણા સાધુજનોમાં રહેલાં છે. સાધુજનોમાં નક્ષત્રયોગનાં બળથી પરસ્પર નાડીચક્રના વેગથી, અને મન્મથાવતારના ઉદયથી, આકર્ષાઈ દંપતી અયસ્કાન્ત અને અયાધાતુ પેઠે પરસ્પર જોડ ત્રસરેણુ અદ્વૈત પામે છે. એવા અદ્વૈતમાં અતિથિભાવ આવતો નથી. દંપતીનો ધર્મસહચાર આવા અદ્વૈતથી જ થાય છે. સંસારીઓમાં એક કાળે આવા વિવાહ થતા ત્યારે ધર્માર્થકામમોક્ષ સર્વમાં આ અદ્વૈત સહચાર થતા. આપણા સાધુજનોએ પુરુષાર્થના શોધનની ઉપેક્ષા કરી છે અને માત્ર પંચયજ્ઞને જ સાધે છે. તેમનામાં દંપતીભાવ તો આ યજ્ઞને માટે જ અદ્વૈત છે. જેમ લખમઠની તૃપ્તિ માટે સર્વ સાધુજનો અનામંત્રિત સમાગમ રચી સર્વ પોતપોતાના ભણીની ક્રિયાઓમાં પ્રવર્તે છે અને એ ક્રિયાઓની સંગત પ્રવૃત્તિઓથી મઠકાર્ય સધાય છે, જેમ સંસારીઓ જ્ઞાતિભોજનકાળે પરસ્પર સાહાય્ય આપી સર્વના ભોજનસમારંભ પાર ઉતારે છે, તેમ અદ્વૈતસહચારી દંપતી પરસ્પર સામર્થ્યથી, પરસ્પર સાહાય્યથી, પરસ્પર અભિલાષથી અને પરસ્પર પ્રવૃત્તિથી સર્વાંગી સૂક્ષ્મ અદ્વૈતયોગ વડે, પાંચે યજ્ઞોને માટે એક જ સમારંભ માંડે છે, અને તેનું દૃષ્ટાંત જોવું હોય તો નવીનચંદ્રજી, ચંદ્રાવલીમયા અને વિહારપુરીના મહાસમારંભની જ્વાળાઓનું અદ્વૈત પ્રત્યક્ષ કરો.’

દંપતી ગુરુજીના મુખની સ્તુતિથી લજ્જાવશ થઈ નીચું જોઈ રહ્યાં.

વિષ્ણુદાસ - ‘હૃદયનું અદ્વૈત, પ્રતિની સૂક્ષ્મતા, એ ધર્મસહચારની સંપૂર્ણતા, એ ત્રણના સાધનથી દંપતી પરસ્પર આપ્યાયન ને માટે જે યજ્ઞ રચે છે તેને અમે પ્રીતિયજ્ઞ કહીએ છીએ. બાકીના સર્વ મનુષ્યયજ્ઞને અતિથિયજ્ઞ કહીએ છીએ. તેનું સામાન્ય લક્ષણ એ કે એ યજ્ઞના ધર્મનું તારાતમ્ય યજમાન અને અતિથિના પરસ્પર ધર્મમાંથી જ જડે છે. આ યજ્ઞોમાં અતિથિ આકારક, આગંતુક કે આમંત્રિત હોય છે. આકારક અતિથિનું આતિથેય આયુષ્ય પહોંચે ત્યાં સુધી પહોંચે છે; માતાપિતાનાં, માતૃભૂમિનાં અને લોકનાં કલ્યાણમાંથી નિવૃત્ત થવાતું નથી. માતાપિતા પુત્રને સંન્યસ્તની અનુમતિ આપી પોતાના અતિથેયમાંથી મુક્ત કરે. પણ લોકકલ્યાણના ધર્મમાં તો અનુમતિ આપનાર હોતુ જ નથી અને સંન્યાસીથી પણ તેનો ત્યાગ થાય એમ નથી તે તમને કહ્યું છે. આગંતુક અતિથિનું આતિથેય એની તૃપ્તિથી સમાપ્ત થાય છે, તેની યોગ્યતાથી અવચ્છિન્ન થાય છે, તેના નિર્ગમનથી નિવૃત્ત થાય છે અને તેની સાધુતાથી સાધ્ય થાય છે. તેની તૃપ્તિ જાતે જ અસંભાવ્ય હોય તો તેની સંભાવના પ્રાપ્ત થતી નથી. તેની યોગ્યતા હોય નહીં તો તેનું આતિથેય જ પ્રાપ્ત થતું નથી. તેની સાધુતામાં ન્યૂનતા હોય તેટલું તેનું આતિથેય પણ અસાધ્ય છે. સંસારી જનોના ધર્મશાસ્ત્રમાં પાત્રાપાત્ર અતિથિની વ્યવસ્થા એક જાતની છે; સાધુજનોમાં પાત્રાપાત્રવિવેક અન્ય રીતનો છે સર્વ મનુષ્યોનું સર્વ પ્રકારે આતિથેય થવું અશક્ય છે માટે પંચયજ્ઞ સાધવાની શક્તિવૃત્તિવાળાને જ પાત્ર ગણવો એવી મર્યાદા છે. તેવાના આતિથેયથી યજ્ઞવિભૂતિ વધે છે ને લોકકલ્યાણ સંવૃદ્ધ થાય છે.’

‘યત્કિંચિદપિ દાતવ્યં યાચિતેનાનસૂયયા

ઉત્પત્સ્યતે હિ તત્પાત્રં યત્તારયતિ સર્વતઃ

‘સંસારી જનોને માટે સંસ્કારી દ્વિજોને જ પાત્ર અતિથિ ગણેલા છે. સાધુજનો તેમનો તેમ વ્રાત્ય જનોનો સર્વનો સત્કાર કરે છે. વિદ્વત્તા અને સાધુતા એ ઉભય સાધુઓના આતિથેયને માટે યોગ્યતા આપે છે. આકારક અને આમંત્રિત અતિથિને માટે આવી મર્યાદા નથી, અને અદ્વૈતભાવક દંપતી તો પરસ્પરના અતિથિ નથી માટે તેમને મર્યાદા પ્રાપ્ત થતી નથી. સંબંધકાળથી અતિથિ જીવનમાં કે મરણકાળે છૂટાં પડવાનો સંકલ્પ રાખે છે માટે જ તે અતિથિ છે.

‘અનિત્યં હિ સ્થિતો યસ્માત્તસ્માદતિથિરુચ્યતે.

‘પિતાપુત્રાદિ સર્વ સંબંધમાં સૂક્ષ્મ શરીરોના સંયોગ થતા નથી અને થાય છે તો અનિત્ય અને અપૂર્ણ હોય છે, અને સ્થૂળ શરીરના સંબંધ તો નિત્ય હોતા જ નથી. માટે આ સર્વ સંયોગમાં અતિથિભાવ છે. સાધુજનોના પ્રીતિયજ્ઞનું મૂળ સૂક્ષ્મ શરીરના અદ્વૈતમૂલક હોય છે અને સ્થૂળ શરીરને અભાવે પણ એ અદ્વૈત રાખવાનો સંકલ્પ મનોગત હોય છે માટે તેમાં આતિથેય આવતું નથી. સંસારી જનોમાં કન્યાદાનાદિ વિધિથી સંવનન વિના માત્ર સ્થૂળ શરીરોનો જ વિવાહ થાય છે ત્યાં તો અદ્વૈત નહીં પણ અનિત્ય આતિથેય જ છે. એવા આતિથેયમાંથી પ્રારબ્ધકર્મને યોગે સૂક્ષ્મ પ્રીતિ અને અદ્વૈત-સંકલ્પ ઉભય પક્ષમાં થાય ને તે પ્રમાણે અદ્વૈત થાય તો આતિથેયધર્મ સમાપ્ત થાય ને પ્રીતિયજ્ઞ જ બાકી જ રહે. પણ તેમ ન થાય તો તો આતિથેય જ પ્રાપ્ત થાય. સંસારમાં કન્યાઓનું લગ્ન તેમની આજ્ઞાનાવસ્થામાં થાય છે અને વર ક્વચિત્‌ અજ્ઞાન અને ક્વચિત્‌ યોગ્ય વયના હોય છે. યોગ્ય વરના વરે કન્યાને આમંત્રિત અતિથિ ગણવી ધર્મ્ય છે. અજ્ઞાન દશાવાળા વરે કન્યાને આકારક અતિથિ ગણવાના છે. સર્વ કન્યાઓએ વરને આકારક અતિથિ ગણવાના છે. આ સંબંધમાં પરસ્પર ધર્મસહચાર અને પરસ્પર ત્યાગના ધર્મ આકારક આમંત્રિત આતિથેયના શાસ્ત્ર પ્રમાણે પાળવા યોગ્ય છે. બાકી પ્રીતિયજ્ઞમાં તો સંકલ્પ જ નિત્ય સૂક્ષ્મ સંબંધનો હોય છે. તેમાં સૂક્ષ્મ શરીરનો વિયોગ કે ત્યાગ સંભવતો નથી. એ યજ્ઞમાં યોગયોગ્યતાનો વિચાર પ્રાપ્ત થતો નથી. તેમ જ આમંત્રિત અને આકારક અતિથિની યોગ્યાયોગ્યતાનો વિચાર પણ પ્રાપ્ત થતો નથી. આમંત્રિતોની યોગ્યતા વિચારવી હોય તો આમંત્રણ કરવા પહેલાં વિચારવાની છે; આમંત્રણ પછી આ વિચાર અધર્મ્ય છે. આકારક અતિથિ માતાપિતાદિની યોગ્યતા તો અવિચાર્ય જ છે. એ વિચ્ર તો માત્ર આગંતુક અતિથિનો સત્કાર કરતાં જ કરવાનો છે. જે આગંતુક અતિથિ વિદ્વાન અથવા સાધુપ્રકૃતિ નથી તેને સાધુજન મનુષ્યયજ્ઞમાંથી દૂર કરી તેનો માત્ર ભૂતયજ્ઞમાં સમાસ કરે છે.’

‘શુનાં ચ પતિતાનાં ચ

શ્વપચાં પાપરોગિણામ્‌

વાયસાનાં કૃમીણાં ચ

સનકૈર્નિર્વપેદ્‌ભુવિ.

‘અતિથિયજ્ઞનાં અનધિકારી મનુષ્યોનો સહચાર મનુષ્યોમાં નથી, પણ શ્વાનવાયસાદિનાં જંતુઓ સાથે જ છે; માટે તેમની તૃપ્તિ, તેમનાથી દૂર રહી. આ જંતુઓની પેઠે ભૂતયજ્ઞની જ કરવાની છે. એ સર્વ ચેતન ભૂતોનો યજ્ઞ તેમના ઉદ્ધાર માટે કરવાનો છે. ને સર્વ ભૂતો માટે દયા રાખવાનો છે; માટે આ યજ્ઞને દયાયજ્ઞ પણ કહે છે. ચેતન ભૂતોના ઉદ્ધાર માટે ઈશ્વરે સૃજેલી દયાની મર્યાદા પણ છે. જે ભૂતોના સંસર્ગથી યજ્ઞના પશુને કે વેદીને કે સામગ્રીને એટલો ભય હોય કે પામર ભૂત ઉપર દયા કરતાં મહાયજ્ઞને જ બંધ કરવો પડે અથવા યજ્ઞનાં પશુ કે વેદી ભ્રષ્ટ કે નષ્ટ કરવાં પડે - ત્યારે તે ભૂતનો ઉદ્ધાર આપણે હાથે થાય એમ નથી એ જોઈ લેવું, અને એવા ઉદ્ધાર વિના બીજા કાર્યમાં દયા કોઈ ધર્મથી કારણભૂત થતી નથી. દયાને માટે જ દયા કરવી, દયાને સાધન નહીં પણ સાધ્ય ગણવી એવો ધર્મ નથી. આ વાત ભૂલવાથી સીતામાતા રાવણના હાથમાં ગયાં.’

‘આ વિના બીજો ભૂતયજ્ઞ વ્યવહારયજ્ઞ છે. સર્વ યજ્ઞના સાધન માટે થોડીઘણી પ્રવૃત્તિમાં સર્વ મનુષ્યોએ સ્થૂળ સૂક્ષ્મ શરીરનો વ્યય કરવો પડે છે અથવા એ શરીરના વ્યય વડે સંપાદિત કરેલાં ધનઆદિ સાધનનો વ્યય કરવો પડે છે. પૃથ્વી પાસેથી અન્ન માગતાં, સેવક પાસેથી સેવા માગતાં, સેવ્યજન પાસેથી વેતન માગતાં, અશ્વ પાસેથી રથસેવા માગતાં, એ સર્વ યાચનાઓના બદલામાં પ્રવૃત્તિ કે વ્યય કરવો પડે છે, અને જો કોઈ યજ્ઞને માટે જ આ પ્રવૃત્તિ ને વ્યય હોય તો તે જાતિ યજ્ઞરૂપ થાય છે. એ યજ્ઞ કલાપેક્ષી હોય છે માટે તે સકામયજ્ઞ અથવા વ્યવહારયજ્ઞ કહેવાય છે. એ યજ્ઞમાં જડચેતન સર્વ ભૂતોની સાથે વ્યવહારક થાય છે માટે તેને ભૂતયજ્ઞ કહ્યો છે. સંસારીઓ સકામ યજ્ઞ કરે છે તેમના તો સર્વયજ્ઞ એક રીતે વ્યવહારયજ્ઞ જ છે.’

‘લક્ષ્ય પુરુષના ચિદંશ વિનાનો અસ્તિત્વવત્‌ અંશ છે તે જડ ભૂતોમાં છે. જંતુઓમાં પણ આ જડ અંશ છે. મનુષ્યમાં પણ છે. બુદ્ધિમાં પણ છે અને અંતઃકરણમાં પણ છે. તે સૃષ્ટિ ઉપર દૃષ્ટિ નાંખ્યાથી, તેનાં અવલોકન અને પ્રયોગ કર્યાથી, તેનાં ગુણશક્તિ શોધ્યાથી, તેનું શાસ્ત્ર બાંધ્યાથી, સર્વ સૃષ્ટિ સાથેનો તેનો સંબંધ જાણ્યાથી, અને સંક્ષેપમાં જીવસ્ફુલિંગના ચિત્સ્વરૂપનો પ્રકાશ આ સૃષ્ટિ ઉપર પડે છે ત્યારે તેના સત્ત્વાંશમાં ચિદંશનાં કિરણ પડે છે, તે પદાર્થો મહાયજ્ઞમાં હોમાય છે, અને યજ્ઞરૂપે તેમનો ઉદ્ધાર થાય છે. આ યજ્ઞનું નામ વિદ્યાયજ્ઞ છે, તે અનંત છે અને તેની મર્યાદા નથી. એ યજ્ઞ પણ ભૂતયજ્ઞ જ છે. વિદ્વાનો, શાસ્ત્રીઓ, દર્શનદ્રષ્ટાઓ અને કવિજનોને આ મહાયજ્ઞ ઉપર કલ્યાણકારક પક્ષપાત છે. જે વિશ્વરૂપનાં દર્શન ઋતંભરા પ્રજ્ઞાવાળો યોગી મહાપ્રયત્ને પામી શકે છે તે દર્શનના વિદ્યુત્‌ જેવા ચમકારા વિદ્યાયજ્ઞના સાધકો પ્રત્યક્ષ કરે છે.’

‘મઠયજ્ઞની સાધના અન્ય સર્વ યજ્ઞોની સાધના માટે સાધનારૂપ છે અને સાધુજનોની સાધુતાના રક્ષણને માટે અને સંસારના સંસર્ગથી તેમને દૂર રાખવાને માટે આવશ્યક છે. મનુષ્યલોકમાં સૂક્ષ્મ શરીરની શ્રેષ્ઠતા સ્વીકારાય છે તે છતાં ‘જીવતો નર ભદ્રા પામશે’ કહેવાય છે અને સૂક્ષ્મ શરીરના સર્વ પુરુષાર્થને પડતા મૂકી સ્થૂળ શરીરના આયુષ્યનું રક્ષણ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે :

‘ત્યજેદેકં કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલં ત્યજેત્‌

ગ્રામં જનપદસ્યાર્થે હ્યાત્માર્થે પૃથિવીં ત્યજેત્‌

‘સંસારી જનોમાં જેમ આત્મશરીરને અર્થે પૃથ્વીનો ત્યાગ કરવો શિષ્ટ છે તેમ સાધુજનોમાં મઠયજ્ઞને અર્થે સર્વે ઇતર ‘યજ્ઞનો ત્યાગ આવશ્યક હોય તો તે ધર્મ્ય ગણાય છે; કારણ મઠ વગર સાધુજનો જ નષ્ટ થાય. સકામધર્મ પાળનાર સંસારીઓને અધમર્થી કે ક્ષુદ્ર આશયથી નહીં પણ સર્વ કામ અને ધર્મને માટે શરીરની આવશ્યકતા છે માટે જ તેનું પ્રથમ રક્ષણ ઉક્ત પ્રકારે યોગ્ય છે. આપણે ત્યાં તો તેનો રક્ષણવિધિ વેદીપશુવર્ધનમાં આવી ગયો.

‘મનુષ્યયજ્ઞોમાં એનો પ્રસંગ આવે કે એક યજ્ઞવિધિ સાથે અન્ય યજ્ઞવિધિનો વિરોધ આવે ત્યારે શું કરવું ? પ્રીતિયજ્ઞ, આકારક અતિથિયજ્ઞ, આમંત્રિત અતિથિયજ્ઞ અને આગંતુક અતિથિયજ્ઞ, એટલા મનુષ્યયજ્ઞ તમને કહ્યા. પ્રીતિયજ્ઞમાં તો દંપતીનો અદ્વૈતભાવે યજ્ઞમાં ધર્મસહચાર છે તો કોઈ પણ યજ્ઞમાં પ્રવૃત્ત થવું ન થવું એ ઉભય દંપતીની સંયુક્ત વાસનાથી જ થવાનું; માટે આ યજ્ઞને બીજા યજ્ઞ સાથેનો વિરોધ કહીએ તો વદતોવ્યાધાત થાય. પ્રીતિયજ્ઞનાં યજમાન દંપતીનાં સૂક્ષ્મ શરીરના અમરયોગનો નાશ તો બ્રહ્મા પણ કરી શકે એમ નથી અને દંપતી જાતે પણ કરી શકે એમ નથી. એમને તો માત્ર સ્થૂળ શરીરના વિયોગ કરવા કાળ આવે ને કોઈ મહાયજ્ઞને માટે તેમ કરવું યોગ્ય લાગે તો ઉભયની અદ્વૈત ઇચ્છાથી તેમ કરતાં કાંઈ બાધ નથી. આવાં દંપતીનું તો સર્વત્ર યજમાનત્વ અદ્વૈતરૂપે છે. માટે જ કહ્યું છે કે પશ્ચાદ્‌ ગૃહપતિઃ પત્ની ચ. જે યજ્ઞ યજમાન એક અર્ધાંગને ઇષ્ટ હોય તે બીજા અર્ધાંગને પણ હોય જ માટે જ યજ્ઞને અંતે પશ્ચાત્‌ ગૃહપતિ અને પત્નીને એક વાક્યથી સ્મર્યાં. એટલું જ નહીં પણ દંપતીના શુદ્ધાદ્વૈતના અધિકારથી સીતામાતાના સ્થૂળ શરીરને શ્રીરામચંદ્રે પ્રજાલોકના કલ્યાણને અર્થે વિવાસન આપ્યું અને તે માટે સીતામાતાએ એમનો દોષ કાઢ્યો નથી. એ પ્રીતિયજ્ઞના અદ્વૈતનું પરમ દૃષ્ટાંત છે. ચંદ્રાવલીમૈયાનું એવું જ દૃષ્ટાંત તો તમને પ્રત્યક્ષ છે.’

‘પણ પ્રીતિયજ્ઞ વિનાનાં અતિથિરૂપ પતિપત્નીનાં દ્વૈત છે. માટે તેમને માટે આવો અદ્વૈત આચાર થતો જ નથી. આવાં પતિપત્નીએ તો પરસ્પર દ્વૈત સ્વીકારી એકબીજાનું આતિથેય કરવાનું પ્રાપ્ત થાય છે. દૈવવશાત્‌ કર્મપાકવશાત્‌ એવા પણ પ્રસંગ આવે છે કે સંવનનપરિશીલતામાં કાંઈ અનુદ્ધિ કે અસિદ્ધિ કે અન્ય દોષ રહી જવાથી દંપતીના અદ્વૈતભાવમાં વિઘ્ન આવે છે. આવાં દંપતી પણ અદ્વૈતમાંથી સ્ખલિત થઈ પરસ્પર અતિથિરૂપ થઈ જાય છે ને તેમને શિર અતિથિધર્મ આવે છે.’

‘ખરેખરું ધર્મસંઘટ્ટન તો અતિથિયજ્ઞમાં આવે એમ છે અને સંસારીજનોના ગૂંચવાડા તેમાં જ આવે છે. લક્ષ્યધર્મસંગ્રહમાં તો સાધુજનો માટે સ્પષ્ટ તારતત્મ્ય કાઢેલું છે. આકારક અને આમંત્રિત અતિથિઓની યોગ્યતા કે અયોગ્યતા જોવાનો પ્રસંગ નથી. જેને આપણે જ્ઞાતાજ્ઞાત કર્મબળે આમંત્રણ કર્યું તેને પાછળથી કહેવું કે તું અયોગ્ય છે માટે તારું આમંત્રણ નિષ્ફળ કરું છું ને તું તારે માર્ગે પાછો જા - એ ઉચ્ચાર અધર્મ્ય છે. પુત્રરૂપે કે પત્નીરૂપે આમંત્રિત અતિથિનો સર્વથા નિર્વાહ કરવો એ જ ધર્મ છે. પુત્રનું આમંત્રણ કર્યું તેનાં પશુવેદીને યજ્ઞસમર્થ કર્યા પછી તે આમંત્રિત અતિથિ મટી જઈ કેવળ આગંતુક અતિથિ થાય છે ને તે પછી તેની યોગ્યાયોગ્યતાના વિચાર નિર્દોષ છે. આમંત્રિત પત્નીનું અતિથેય તો તેની સંમતિ વિના બંધ ન જ થાય. આકારક અને આગંતુક અતિથિનો સત્કાર કરવા માટે પણ આમંત્રિત અતિથિના સત્કારમાં ન્યૂનતા રાખવી એ મહાન અધર્મ છે; તેના તો નિર્વાહમાં જ ધર્મ છે.

આકારક પિતામાતાનો પુત્ર પ્રથમ અતિથિ થાય છે ને તે પછી પુત્ર યજ્ઞસમર્થ થાય ત્યારે તે પિતૃયજ્ઞ કરી શકે છે. માતાપિતાની અશરણ અવસ્થામાં તો પિતૃયજ્ઞ આવશ્યક અને ત્યાજ્ય છે. પણ અન્ય કાળે તેમ નથી. માતાપિતા સામાન્ય રીતે પુત્રના મંદિરમાં અતિથિ નથી, પણ પુત્ર માતાપિતાના મંદિરમાં અતિથિ છે. આતિથેય ધર્મમાંથી યજમાન મુક્ત થતો નથી, પણ અતિથિ યજમાનમંદિરનો ત્યાગ કરવા સ્વતંત્ર છે. માટે આવે અન્ય કાળે પિતૃયજ્ઞ અન્ય યજ્ઞોને પ્રતિકૂળ થાય તો પુત્ર યજમાનના મંદિરમાંથી પ્રવ્રજિત થાય તે નિર્દોષ છે. પણ તે પ્રવ્રજ્યા આવા કોઈ યજ્ઞને અર્થે જ હોવી જોઈએ. અન્ય યજ્ઞનાં કાર્યની અપેક્ષા ન હોય તો પિતૃયજ્ઞ અત્યાજ્ય છે.

અન્ય આકારક અતિથિને માટે આવા ધર્મ નથી. પતિ કે પત્ની જે કોઈ આકારક અતિથિ હોય તેને મંદિરમાં રહેવા દઈ યજમાન જાતે પ્રવ્રજિત થઈ શકે નહીં. પિતામાતાનો તો પુત્ર જાતે આમંત્રિત અતિથિ છે માટે તેમની પાસેથી તે પ્રવ્રજિત થાય, પણ જે અતિથિનો અને એના યોગ અનામંત્રિત અને અનાગંતુક થયેલો છે તે અતિથિની પાસેથી તો આતિથેય પડતું મૂકી યજમાનથી પ્રવ્રજ્યા થાય જ નહીં. માતૃભૂમિ અને મનુષ્યલોકનો પણ સાધુજનને આવો જ યોગ છે, અને જે સાધુ તેમનું આતિથેય કરવા, તેમનો યજમાન થવા સમર્થ છે તેણે તો યજમાનકૃત્યમાંથી નિવૃત્ત થવાય જ નહીં. આવાં આકારક અતિથિને સુસંભૃત દશામાં મુકાય અથવા તેમ કરવાની શક્તિ હીન થાય તો જ એમના એ યજ્ઞમાંથી નિવૃત્ત થવાય છે.

જે અતિથિ જાતે આગંતુક છે તેની આતિથેયના સમાગમપર્યંત અથવા અતિથિની નિવૃત્તિપર્યંત પહોંચે છે અથવા અન્ય યજ્ઞકાર્યમાં એ આતિથેય વિઘ્નકર થાય ત્યારે તેમાંથી નિવૃત્ત થવું એવી મર્યાદા છે.

વિદ્યાયજ્ઞનું ફળ મનુષ્યયજ્ઞની સમૃદ્ધિ છે માટે મનુષ્યયજ્ઞમાં વિઘ્નકર ન થાય ત્યાં સુધી એ યજ્ઞ વિહિત છે. વ્યવહારયજ્ઞ સર્વયજ્ઞમાં સાધનભૂત છે અને એનું સાધનરૂપ નષ્ટ થાય તો એ યજ્ઞ પડતો મુકાય.

દયાયજ્ઞ ભૂતમાત્રના ઉદ્ધાર માટે છે અને મનુષ્યસૃષ્ટિ ન હોય તો એ યજ્ઞ અને ઉદ્ધાર અશક્ય થાય. માટે મનુષ્યયજ્ઞનું પાલન કરીને જ દયાયજ્ઞ સાધવાનો છે.

મઠયજ્ઞ, મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞ એ ત્રણ લક્ષ્યપુરુષના મહાયજ્ઞ છે અને તેમને લક્ષ્યયજ્ઞ કહીએ છીએ. એ વિનાના બે યજ્ઞ દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ છે. તેને અલક્ષ્યયજ્ઞ કહ્યા છે. દેવયજ્ઞમાં અલક્ષ્ય અને લક્ષ્ય પરમાત્માના અદ્વૈત સ્વરૂપનો યજ્ઞ થાય છે અને બ્રહ્મયજ્ઞમાં કેવળ અલક્ષ્ય પરમાત્માનો યજ્ઞ થાય છે. ઉભય અલક્ષ્યયજ્ઞ ઉત્તમાધિકારીઓને માટે જ છે, પણ દેવયજ્ઞમાં મધ્યમાધિકારીઓને સાક્ષી કરવામાં આવે છે.

મનુષ્યનાં અંતઃકરણાદિમાં વસતું બુદ્ધિસત્ત્વ દેવોનું અધિષ્ઠાન છે અને તેથી દેવશબ્દનો પ્રયોગ સાત્ત્વિકબુદ્ધિસત્ત્વનો વાચક થાય છે. આ બુદ્ધિસત્ત્વની તૃપ્તિમાં જ દેવોની તૃપ્તિમાં જ દેવોની તૃપ્તિ છે. માટે ઉભયની પ્રાપ્તિ અર્થે માંડેલા યજ્ઞને દેવયજ્ઞ કહ્યો છે. ચક્ષુઆદિ ઇન્દ્રિયોએ પ્રત્યક્ષ કરેલાં સત્ય તે સત્ય નથી, પણ સાત્ત્વિક બુદ્ધિસત્ત્વને જે પ્રત્યક્ષ થાય તે જ સત્ય છે, માટે શ્રુતિ ઉચ્ચારે છે કે :

સત્યમેવ દેવા અનૃતં મનુષ્યા ઈદમહામનૃતા-

ત્સત્યમુમૈપીતિ અને

એતદ્ધ વૈ દેવા

વ્રતં ચરન્તિ યત્સત્યમ્‌.

સાત્ત્વિક બુદ્ધિસત્ત્વનું જે વ્રત ચરે છે તે જ સત્ય છે. સંસારમાં જે જે

સત્ય કહેવાય છે તે સર્વ શાસ્ત્રમાં સત્ય હોય છે એમ નથી. ચંદ્રનું તેજ સંસાર ચંદ્રનું ગણે છે, પણ શાસ્ત્ર તેને સૂર્યનું તેજ ગણે છે, માટે સંસારનું ગણેલું તે અસત્ય અને શાસ્ત્રવચન કહે છે તે સત્ય. લક્ષ્યપુરુષની કૃતિનો ભેદ શાસ્ત્રથી પમાય છે. સૂર્યચંદ્રાદિની ગતિ, અણુપરમાણુથી તે વિભુ સત્ત્વોના ગતિક્રમ, મનુષ્યાદિ સર્વ પ્રાણીઓના સંસાર અને તેમની વ્યવસ્થાઓનો પ્રવાહ, આદિ સર્વ ઐહિક સત્ત્વોના સંઘ અને તેમનાં યંત્ર સર્વદા ગતિમત્‌ હોય છે. એ સંઘ અને તેમનાં ગતિયંત્રનું યથાર્થ સ્વરૂપ લક્ષ્યદ્રષ્ટાઓ શોધે છે અને તેનાં શાસ્ત્ર રચે છે. આ પ્રમાણે પ્રત્યક્ષ થયેલા સત્યને ઋત કહે છે. ઋ ધાતુ ગતિવાચક છે અને ઋત પદાર્થોની અત્યંત ઋતિ થાય ત્યારે તે નિઋતિ કહેવાય છે. આ પદાર્થો પ્રથમ અલક્ષ્ય હોય છે, પછી લક્ષ્ય થાય છે અને પછી અલક્ષ્ય થાય છે. તે જાય એટલે તેની પાછળ બીજો પદાર્થ ઊભો હોય. આ સર્વ ઉત્પત્તિ, સ્થિતિ અને લાયવાળા અસંખ્ય પદાર્થોનું અનન્ત સંઘચક્ર અને તેમના ગતિચક્રની સમષ્ટિ તે જ ઋત પદાર્થોની ઋતિ. વિદ્યાયજ્ઞના વિદ્વાન યજમાનો તર્ક અને અનુમાનથી એ ઋતિના અંશોને શોધી કાઢે છે અને સંસારની વ્યવસ્થાને સુદૃષ્ટ કરવા પ્રયત્ન કરે છે. માટે જ તે વિદ્યાના શોધકો એક રીતે યોગીના તુલ્ય જ છે. પણ વિદ્યાયજ્ઞની જ્વાળાથી વ્યક્તિઓની બુદ્ધિઓ આ ચક્રસમષ્ટિના માત્ર કોઈ કોઈ એકદેશીય અવયવોને જ પ્રત્યક્ષ કરી શકે છે અને અન્ય દેશ ઉપર બુદ્ધિ પહોંચે ત્યારે કાંઈ વધારે ઋતાંશ પ્રત્યક્ષ થાય છે. સકલ અને સંપૂર્ણ ઋત તો યોગીને ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત કર્યાથી જ જડે છે. યોગીના બુદ્ધિસત્ત્વને અધ્યાત્મપ્રસાદ થાય ત્યારે તેને ભૂતાર્થવિષય જે પ્રજ્ઞાલોક તે એક ક્રમે યુગપત્‌-સાથેલાગો-સર્વાંગે પ્રત્યક્ષ થાય છે, સર્વ દશા અને ત્રિકાળ સાથેલાગાં પ્રત્યક્ષ થાય છે. આ દૃષ્ટિનો વિષય તે જ ઋત. બુદ્ધિસત્ત્વ પ્રકાશસ્વભાવ છે અને સર્વાર્થદર્શનસમર્થ છે, પણ તેના ઉપરનું તમ જેટલા રાજસ્‌થી ઊઘડે એટલા જ દેશને તરત પ્રત્યક્ષ કરે છે, અને સાત્ત્વિક અંશની પ્રાપ્તિથી રજસ્‌ પણ નાશ પામે છે ત્યારે સર્વભૂતાર્થ એ બુદ્ધિસત્ત્વ પાસે પ્રત્યક્ષ થાય છે. આ પ્રત્યક્ષવિષય તે જ ઋતંભરા પ્રજ્ઞાનું ઋત. આ ઋતને પામનાર યોગી ઋતના અધિષ્ઠાતા ઈશ્વરમાં વૈષમ્ય કે નૈઘૃણ્ય આદિ દોષ જોતો નથી. ઈશ્વર જે ઋતથી સાપેક્ષ છે તે ઋતધર્મમાં જ લક્ષ્યરૂપ ઈશનું વિશુદ્ધ દર્શન થાય છે વૈરાટસ્વરૂપ શ્રીકૃષ્ણે અર્જુનને બતાવ્યું તે આ ઋત જ ! ઋત પામનાર પ્રજ્ઞા લક્ષ્યપુરુષની સર્વ અપેક્ષાનું ને સર્વ કૃતિનું રહસ્ય સમજે છે. લક્ષ્યપુરુષના ચિદાનંદમાં અદ્વૈત પામે છે, અને ઋતના પ્રકાશથી સંસારના ઉદ્ધારના અને સંસારના કલ્યાણના માર્ગ જાણી શકે છે. શ્રીકૃષ્ણ પરમાત્મા, શ્રીબુદ્ધ ભગવાન્‌, આદિ અનેક યોગીશ્વરો આ ઋતંભરા પ્રજ્ઞા પામ્યા હતા. આવાં ઋતનું દર્શન કરવાને અને સંસારનું કલ્યાણ કરવાને યોગીલોક જે સાધે છે તે દેવયજ્ઞ, અને દેવયજ્ઞને ઋતયજ્ઞ પણ ગણ્યો છે.

ઋત આમ સત્ય જ છે, પણ પરમ અલક્ષ્ય સત્યથી તે વિલક્ષણ છે. પરમ અલક્ષ્ય પરમાત્માનું નિત્ય શુદ્ધ સ્થાણુ નિરવયવ સ્વરૂપ એ જ એક પરમ સત્ય છે. મનુષ્યને પ્રત્યક્ષ થતાં રૂપ સર્વ અનૃત અને અસત્ય છે. વિદ્યાયજ્ઞના યજમાનને પ્રત્યક્ષ થતો ઋતાંશ એકદેશીય હોય છે માટે જ નવો ઋતાંશ પ્રાપ્ત થતાં બે અંશનો નવીનરૂપે સમુચ્ચય પ્રાપ્ત થાય છે. અને માટે જ તર્કની અપ્રતિષ્ઠા અને અનિત્યત્વ કહ્યાં છે. ઋતંભર પ્રાજ્ઞને પ્રત્યક્ષ થતું ઋતસ્વરૂપ સંપૂર્ણ અને સકલ છે, પણ સાવયવ છે; એ અવયવ ચંચળ છે, અને સર્વ બ્રહ્માણ્ડાદિની ઋતિ નિત્ય છે, પણ ઋતિવિષયભૂત અવયવોના સંબંધ નિત્ય નથી - જેમ આકાશમાં તારામંડળની ગતિ નિત્ય છે પણ તેમની ગતિના અવચ્છેદ નિત્ય નથી. લક્ષ્ય રૂપના અવયવભૂત મનુષ્યલોક ને ભૂતલોકનું લક્ષ્યકલ્યાણ આ ઋતના પ્રાજ્ઞ સાક્ષીઓ જ જાણી શકે છે. અન્યને તે અલક્ષ્ય છે. સર્વ્‌ લક્ષ્ય યજ્ઞોની વિધિની શુદ્ધતા ઋતયજ્ઞથી જ પ્રાપ્ત થાય છે. લક્ષ્ય અને અલક્ષ્યના અદ્વૈતનો યોગ પણ ઋતંભર પ્રાજ્ઞો જ સંપૂર્ણ કળાથી પામી શકે છે.

આ ઋતથી વિલક્ષણ પરમ નિત્ય સત્યનો યજ્ઞ તે બ્રહ્મયજ્ઞ અથવા સત્યયજ્ઞ કહ્યો છે. જેમ ઋતંભરનો પ્રજ્ઞાલોક ભૂતાર્થવિષય છે તેમ આ સત્યદૃષ્ટિ આત્મવિષય છે. પરમ અલક્ષ્ય સૂક્ષ્મતમ બ્રહ્મ નિષ્કલ અને વિરજ અસિરૂપે સુવર્ણમય અને ઋતકોશમાં રહેલું છે એ બ્રહ્મરૂપ સત્યનું મુખ ઋતરૂપ સુવર્ણમય પાત્રથી ઢંકાયેલું છે, તે ઋતયજ્ઞ અને સત્યયજ્ઞના સંયોગથી ઉઘાડવાનું છે. લક્ષ્ય અલક્ષ્ય પરાવર અને જીવસ્ફુલિંગનો ત્રિયોગ યોગ આ ઉભય યજ્ઞોના યોગથી જ થાય છે. લક્ષ્ય ધર્મ અને અલક્ષ્ય સત્યના યોગ પણ આથી જ થાય છે. મહાત્માઓ પ્રથમ સર્વે લક્ષ્ય યજ્ઞોની કર્મસાધના કરી એ મહાતપને અંતે ધ્યાનયોગ અને જ્ઞાનયોગનાં તપ કરે છે તેને અંતે તપ પૂર્ણ કલાથી થઈ રહેતાં તેમાંથી ઋત અને સત્યનો ઉદય સાથેલાગો પ્રત્યક્ષ થાય છે માટે જ શ્રુતિવચન છે કે ઋતં ચ સત્ય ચાભીદ્ધાત્તપસોડધ્યજાયત.

વૃક્ષશાખામાં જેમ બબે પાંદડાં સાથેસાથે ને સામસામી ઊગે છે અને તેની વચ્ચે ફલપુષ્પસમૃદ્ધિ આવે છે, તેમ તપોવૃક્ષની શાખામાં ઋત અને સત્ય સાથોસાથ ને સામસામાં ઊભાં રહે છે ને ફલપુષ્પને સ્થાને ધર્મ ઉદય પામે છે. તે કાળને પરિણામે સમાધિ ધર્મમેઘરૂપે ઉદય પોમ છે અને જગતના કલ્યાણને માટે અનેક અમૃતધારાઓને એ મેઘ જગતના શિર ઉપર વર્ષે છે. કૃતભોગાપવર્ગ એટલે કૃતકૃત્ય અને પુરુષાર્થશૂન્ય કાર્યકારણાત્મક ગુણોના પ્રતિપ્રસવ આવા મેઘોદયથી થાય છે અને ઋતયજ્ઞ સધાય છે.

નવીનચંદ્રજી, આ ધર્મ સનાતન છે, એ સર્વ દેશકાલને માટે છે. માત્ર એ સાધુજનને માટે નથી. જે સાધુજનો અધિકારક્રમે મઠયજ્ઞથી આરંભી ચડશે તે બુદ્ધિમાન હશે તો કાળક્રમે પંચમહાયજ્ઞ સાધી શકશે, લક્ષાલક્ષ્યનો યોગ પામશે, પુનરાવૃત્તિ નહીં પામે, અને પરમાનંદની સ્વાનુભૂતિ પામશે. ભગવાન બુદ્ધના દયાધર્મને સ્થાને આતિથેયધર્મની વ્યવસ્થા રચનારને સૂક્ષ્મ ઋતયજ્ઞની સાધનાના ફલોદયને કાળે આ યજ્ઞોની વ્યવસ્થાનો બોધ પ્રાપ્ત થયો છે. ઋત અને સત્યના ધર્મ અલક્ષ્ય-લક્ષ્ય-માર્ગમાં જ પ્રવર્તાવેલા છે, કેવળ યજ્ઞધર્મમાં અધ્યાત્મદૃષ્ટિ નથી, કેવળ વ્યવહારધર્મમાં સત્યદૃષ્ટિ નથી, અને કેવળ દયાધર્મમાં ઋતદૃષ્ટિ નથી પણ માત્ર ગુણનિરપેક્ષ દયા જ છે, ઋત અને સત્યના અધ્યાત્મ અને સનાતન અગ્નિમાં સિદ્ધ કરેલાં આતિથેય અને યજ્ઞોની વ્યવસ્થા જ સર્વ લોકને અને સર્વ કાળને માટે છે.

તમારા પ્રશ્નોના મુખ્ય ભાગનું સમાધાન આમાં આવી ગયું. પણ વિશેષ સાંભળો. સંસારીજનોમાં ધર્મશાસ્ત્રો અનેક છે, ને છે તેમને દેશકાળ સર્વકાળથી સ્વીકારતો નથી. પણ સનાતન ધર્મનું લક્ષણ તો મનુએ જ કહેલું છે કે :

વિદ્વદદિભઃ સેવિતઃ સદિભર્નિત્યમદ્વેષરાગિભિઃ

હૃદયેનાભ્યનુજ્ઞાતો યો ધર્મસ્તન્નિબોધત.

આમાં દેશકાળની તો શું પણ વેદવિધિની પણ મર્યાદા રાખી નથી. વિદ્વાન અને રાગદ્વેષહીન સાધુજન જે ધર્મનો કેવળ બોધ જ કરે છે એટલું નહીં, પણ જે ધર્મનું નિત્ય જાતે સેવન કરે છે તે જ ધર્મ શ્રેષ્ઠ કહ્યો. એ એવા સાધુજન તો મલેચ્છ કે શૂદ્રાદિમાં પણ હોય છે અને એવા સાધુજન જેનું નિત્ય સેવન કરે તે ધર્મ. એ ધર્મને કોઈ શાસ્ત્રની અનુજ્ઞા પણ જોઈતી નથી. ધર્મવિચારક જો જાતે ઉક્ત પ્રકારનો સાધુજન હોય તો આવા આચારને પોતાના હૃદયની અનુજ્ઞા છે કે નહીં એટલું જ પૂછવાનું તેને રહે છે, અને તે અનુજ્ઞા મળે તો પછી કશાની અપેક્ષા નથી. ચતુર્થાશ્રમીને માટે મનુએ જે વિધિ અને શાસ્ત્ર દર્શાવ્યાં છે તે જ આવા સાધુજને સેવવાનાં છે. તે એ કે :

દૃષ્ટિપૂતં ન્યસેત્પાદં વસ્ત્રપૂતં જલં પિબેત્‌

સત્યપૂતાં વદેદ્વાચં મનઃપૂતં સમાચરેત્‌

સાધુજનોનાં મન-હૃદય સ્વયં પવિત્ર હોય છે અને તેમાં થઈને જે વિચાર અને ક્રિયાઓ નીકળે તેમની મલિનતા એમનાં મનના સ્પર્શથી જ સર્જાઈ પ્રથમથી મળ પેઠે નીકળી ગયેલી હોય છે. પાણી, ભસ્મ, અગ્નિ આદિથી જેમ વાસણને પવિત્ર કરીએ તેમ એમના મન વડે જ વિચાર અને આચાર પવિત્ર થાય છે. આવી રીતે મનઃપૂત આચરણને જ સાધુજનો હૃદયથી અનુમત કરે છે. પ્રથમ ઉક્ત પ્રકારના સાધુજનો જે આચરણનું નિત્ય સેવન કરતા હોય અને જેને કોઈ સાધુએ પોતે મનઃપૂત કરેલું હોય એનું આચરણ તે જ ધર્મ છે અને તે વિનાના ધર્મો શાસ્ત્રોમાં લખ્યા હોય તોપણ તે માત્ર સૂચનારૂપ ગણવાના છે; કારણ સાધુજનને આજ્ઞા કરવાનો અધિકાર તેના મન વિના બીજા કોઈને નથી.

સાધુજનો વિહારમઠમાં હોય છે તોપણ ત્યાગી છે. ત્યાગી હોય તોપણ તેને શિર પંચમહાયજ્ઞ ધર્મ છે. ત્રસરેણુક જીવનથી વિહારમઠમાં રહી ધર્મસહચર જીવનના અદ્વૈતસહચાર વડે એ ધર્મ પાળવા કે બીજા બે મઠમાં કુમારીના કંકણ જેવું જીવન રાખી પાળવા તેનો નિર્ણય કરવામાં કોઈ કામકામી કે કામદ્વેષી નથી થતું. સાધુજનો સ્વભાવથી બ્રહ્મચારી રહે છે તેને ત્રસરેણુકજીવનમાં આકર્ષવા કે નહીં, એ અલખ મદનાવતારના અધિકારની વાત છે. પ્રાચીનકાળમાં ચાર આશ્રમ ઉત્તરોત્તર ક્રમથી વિહિત હતા પણ મનુએ કહેલું છે કે યુગે યુગે યુગહ્રાસાનુરૂપ ધર્મવૈક્ષણ્ય પ્રાપ્ત થાય છે. આ યુગમાં ચાર આશ્રમ અનુકૂળ નથી. માટે લક્ષ્યધર્મમાં બે આશ્રમ કહેલા છે - એક સંસારી જનોનો અને બીજો સાધુજનોનો. બ્રહ્મચર્ય અને સંન્યસ્તને સ્થાને આ મઠ છે. વાનપ્રસ્થને સ્થાને વિહારમઠ છે, અને કન્યાઓ, સ્થૂળ શરીરે વિધવાઓ પણ સૂક્ષ્મશરીરે સધવાઓ, અને પ્રવ્રજિતાઓ - એ સર્વની વ્યવસ્થા ત્રીજા મઠમાં થાય છે. એ સર્વનાં સામાન્ય લક્ષણ બે છે. તેમાં પ્રથમ લક્ષણ અહંતામાં અને મમતામાં વિરક્તિ અને બીજું લક્ષણ સ્વભાવસાધુતા છે.

વાનપ્રસ્થને વિષયે મનુએ કહેલું છે કે :

ગૃહસ્થસ્તુ યદા પશ્યેદ્વલીપલિતમાત્મનઃ

અપત્યસ્યૈવ ચાપત્યં તદારણ્યં સમાશ્રયેત્‌

સંત્યજ્ય ગ્રામ્યમાહારં સર્વં ચૈવ પરિચ્છદમ્‌

પુત્રેષુ ભાર્યાં નિક્ષિપ્ય વનં ગચ્છેત્સહૈવ વા

અપ્રયત્નઃ સુખાર્થેષુ બ્રહ્મચારી ધરાશયઃ

શરણેષ્વમમશ્ચૈવ વૃક્ષમૂલનિકેતનઃ

અને ચતુર્થાશ્રમને વિષયે તે કહે છે તે તૃતીયાશ્રમ પૂરો કરી ચતુર્થ લેવો, અને તે લેવાનો અધિકાર-અનધિકાર વિચારતાં કહે છે કે :

ઋણાનિ ત્રીણ્યપાકૃત્ય મનો મોક્ષે નિવેશયેત્‌

અનપાકૃત્ય મોક્ષં તુ સેવમાનો વ્રજત્યધઃ

અન્ય આશ્રમોમાંથી પણ પરભાર્યા ચતુર્થાશ્રમ લેવાનો માર્ગ જાબાલશ્રુતિ દર્શાવે છે કે :

બ્રહ્મચર્ય સમાપ્ય ગૃહી ભવેદ્‌ ગૃહી ભૂત્વા વની ભવેદ્વની ભત્વા

પ્રવ્રજેદિતરથા બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેદ્‌ ગૃહાદ્વા વનાદ્વા.

ગૃહસ્થને ત્યાગી થવાનો અધિકાર ત્રણ ઋણમાંથી મુક્ત થયા વિના નથી મળતો એ કહ્યું. બ્રહ્મચારીને અને વનસ્થને એ અધિકાર મેળવવાનો માર્ગ મનુ જ કહે છે કે :

પ્રાજાપત્યાં નિરુપ્યેષ્ટિં સર્વવેદસદક્ષિણામ્‌

આત્મન્યગ્નીન્‌ સમારોપ્ય બ્રાહ્મણઃ પ્રવ્રજેદ્‌ગૃહાત્‌

યો દત્ત્વા સર્વભૂતેભ્યઃ પ્રવ્રજત્યભયં ગૃહાત્‌

તસ્ય તેજોમયા લોકા ભવન્તિ બ્રહ્મવાદિનઃ

આ સર્વ વાક્યોમાં વાનપ્રસ્થ તેમ સંન્યાસને માટે અધિકાર કહેલા છે તેમાંથી ગમે તે રીતે તે દ્વારે આ યુગનો મનુષ્ય એ બેમાંથી એક આશ્રમનો અધિકારી થાય તે આપણા મઠનો અધિકારી થાય, એમાં તો નવાઈ જ નથી. પણ કેવળ બ્રહ્મચારી પણ નિરહંકાર અને નિર્મમ હોય તો અધિકારી થાય છે. પણ આમાંના કેટલાક વિષયમાં અહીંનો સંપ્રદાય ભિન્ન છે. જેમ કે ગૃહસ્થ ત્રણ ઋણમાંથી અનૃણી થઈ પછી ત્યાગી થવાનું ઉપર લખ્યું છે ને સ્વાધ્યાય, પ્રત્રોત્પાદન, અને યજ્ઞ એ ત્રણને ત્રણ ઋણ ગણેલાં છે. તેને સ્થાને લક્ષ્યધર્મની વ્યવસ્થામાં પુત્રોત્પાદનને ઋણ નથી ગણ્યું. અદ્વૈત થયેલાં દંપતીની તો પુત્રવાસના હોય તો બેની હોય, તેમાં તો વાસના જાતે જ આ ઋણમાંથી મુક્ત કરાવવા પ્રત્યક્ષ છે તો પછી ઋણાનૃણ્યનો વિચાર બાકી રહેતો નથી. આતિથેય ધર્મ પાળનાર સંસારી દંપતીઓનાં પરસ્પર ઋણ તો આતિથેયધર્મમાંથી નિર્ણીત થાય છે અને મનુષ્યયજ્ઞમાં તેનો અંતર્ભાવ છે; માટે ત્યાગના પ્રસંગમાં પુત્રોત્પાદનનો ઋણવિચાર પ્રાપ્ત થતો જ નથી. બાકીનાં બે ઋણ જે સ્વાધ્યાય અને યજ્ઞ કહ્યાં તે તો અલખદીક્ષા પછી પણ સાધવાનાં છે. માટે આ ઋણવ્યવસ્થાની સાધુજનોએ ઉપેક્ષા કરી છે. પણ આ મઠને માટે અધિકારી થવાને સંસારીએ ત્રણ ઋણમાંથી અનૃણી થવું જોઈએ એટલી વ્યવસ્થા સ્વીકારી લક્ષ્યધર્મમાં એ ઋણનાં લક્ષણ જુદાં બતાવ્યાં છે. હૃદયનો સાધુજન સંસારી હોય તો પણ તેને પંચયજ્ઞ વિના બીજો ધર્મ નથી, બીજું ઋણ નથી. તેમાંથી મઠયજ્ઞ, દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ તો અલખદીક્ષા પછી જ ઉત્તમ રીતે સધાય એવા છે. પણ મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞનું સમર્થન કંઈક રીતે આ મઠમાં અધિક થાય છે તો કેટલીક રીતે સંસારમાં વધારે થાય છે. આકારક અતિથિયજ્ઞમાં પિતૃયજ્ઞનો કોઈ આવશ્યક વિધિ બાકી રહી ગયો હોય અથવા આકારક પત્ની કે પતિના આતિથેયનું કોઈ કાર્ય બાકી હોય અને તે પત્ની કે પતિ મઠમાં સહચાર કરવાની વાસનાવાળાં ન હોય તો તે એટલો અતિથિયજ્ઞ ઋણ ગણી તેની પૂર્ણાહુતિ સંસારમાં રહીને જ કરવી યોગ્ય છે. તેમજ માતૃભૂમિનું કે મનુષ્યલોકનું કલ્યાણ સંસારના અને સાંસારિક પદાર્થોના આશ્રયથી જ થાય એમ હોય તો તે વિષયે પોતાની કલ્યાણશક્તિનો વિચાર કરી એ આકાર અતિથિયજ્ઞ પણ સંસારમાં રહીને જ કરવાનો ધર્મ છે. આમંત્રિત અતિથિના આતિથેયની પૂર્ણાહુતિ તો સંસારી સંસારમાં જ રહીને કરી શકે એમ તેની પૂર્ણાહુતિ સુધી એ ઋણમાંથી મુક્ત થવાનું નથી. આગંતુક અતિથિનું આતિથેય તો અન્ય યજ્ઞકાર્ય પ્રાપ્ત થતાં સાથે જ સમાપ્ત થાય છે. ભૂતયજ્ઞનું ઋણ માતૃભૂમિના ને મનુષ્યલોકના યજ્ઞના ઋણનું સધર્મ છે, અને એ સર્વનાં ઋણમાંથી મુક્ત થવાનું શાસન એક જ પ્રકારનું છે. આ પ્રમાણે સંસારીને શિર આકારકાતિથિયજ્ઞ, આમંત્રિતાતિથિયજ્ઞ, અને ભૂતયજ્ઞ - એ ત્રણનાં ઋણમાંથી મુક્ત થયા વિના મઠયજ્ઞનો અધિકાર પ્રાપ્ત થતો નથી, કારણ આ ત્રણે પ્રકારે અનૃણી ન થયેલાં મનુષ્યનાં સૂક્ષ્મ શરીર સાધુસંસ્કારને માટે અસિદ્ધ હોય છે એટલું જ નહીં, પણ મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞને આવી રીતે અસમાપ્ત રાખવાથી મનુષ્યલોકની અને ભૂતસંઘની દુઃસ્થિતિ પ્રાપ્ત થાય છે, તેમ થવાથી લક્ષ્યપરમાત્માના પરમયજ્ઞમાં વિઘ્ન આવે છે, અને તેથી જ મનુષ્યનો ભૂતસંઘમાં અંતર્ભાવ કરી તમને કહ્યા પ્રમાણે મનુએ કહ્યું છે કે સર્વ ભૂતોને દાન કરીને જ પ્રવ્રજ્યા ઘટે છે. એ દાન તે, ઘરને તાળું વાળી નીકળ્યાથી નથી થતું, પણ ઘરમાંથી વસ્તુઓનો યથાવિધિ ભૂતયજ્ઞ કર્યાથી થાય છે. આ પ્રમાણે સંસારસ્થના આશ્રમનું પાલન સર્વ આશ્રમનો આધાર હોવાથી જ મનુ કહી ગાય છે કે,

યથા નદીનદાઃ સર્વે સાગરે યાન્તિ સંસ્થિતિમ્‌

તથૈવાશ્રમિણઃ સર્વે ગૃહસ્થે યાન્તિ સંસ્થિતિમ્‌

લક્ષ્યધર્મમાં તો એટલે સુધી કહેલું છે કે મનુષ્યયજ્ઞના કોઈ મહાન સમારંભને માટે આવશ્યક હોય તો સાધુજન સંસારીઓમાં સંસારીવત્‌ એટલો કાળ આચરણ કરે અને કન્યાદિની ઉપેક્ષા કરે તો તે પણ ધર્મ્ય છે. કારણ ન લિગ્ડં ધર્મકારણમ્‌ સાધુજનનાં સર્વ ધર્મનું રહસ્ય જે નિષ્કામ પંચમહાયજ્ઞ તે તમને સ્પષ્ટ દર્શાવ્યા. સંસારી શાસ્ત્રમાં અગ્નિ વિનાનો યજ્ઞ નથી, પણ આપણામાં તો સાધુજન સંસારનો ત્યાગ કરી આ મઠોમાં આવે તે પળથી જ સર્વ અગ્નિનો સમારોપ આત્મવસ્તુમાં જ કરે છે.

આત્મન્યગ્નીન્‌ સમારોપ્ય જુહ્વીતાત્માનમાત્મના.

અને લક્ષ્યધર્મસંગ્રહથી અને સર્વ શાસ્ત્રોથી પણ જે સાધુજનની બુદ્ધિ આગળ ચાલે તેને માટે તો એવો ઉત્તમોત્તમાધિકારી છે કે :

સંત્યજ્ય સર્વશાસ્ત્રાણિ સંત્યજ્યામું ચ સંગ્રહમ્‌

ઋતપૂતં મનઃપૂતં સત્યપૂતં સમાચરેત્‌

યત્ર યત્ર ન્યસેત્પાદં પશ્યેચ્છૃણ્વીત વા વદેત્‌

આત્મગ્નિયજમાનોડયં તત્ર તત્રાતથિંર્વિરાટ ્‌

હવે માત્ર આ યજ્ઞકર્તાઓનાં દૃષ્ટાંત આપવાં રહ્યાં તે સાંભળો. આપણા ત્રિમૂર્તિ દેવોમાં પ્રથમ બ્રહ્મા; તેમણે આમંત્રિત અતિથિરૂપની સૃષ્ટિ ઉત્પન્ન કરી અને કર્યા જાય છે. આ સૃષ્ટિ મનુષ્યાદિ સર્વ જંતુ સમેત છે. તે બ્રહ્મદેવનો આમંત્રિત અતિથિગણ છે. તેમને માટે બ્રહ્મા પુત્રયજ્ઞ કર્યાં કરે છે, જેને ઉત્પન્ન કરે તેને તે જ પળથી યજ્ઞસમર્થ અને યજ્ઞસામગ્રીથી સંભૃત કરવાનો પ્રયોગ રચે છે, ગર્ભને માટે ગર્ભાશયમાં, બાળકને માટે ધાવણમાં, સંતતિને માટે માતાપિતાની પ્રીતિમાં, સંસારવૃદ્ધિને માટે યુવજનના મદનાવતારમાં, અજ્ઞ સંસારના ઉદ્‌બોધનને માટે સાધુજનોના અલખબોધનમાં, અને એવાં અસંખ્ય સ્થાનોમાં ઉત્પન્ન સૃષ્ટિના નિર્વાહ, સંસિદ્ધિ અને ઉદ્ધાર માટે સામગ્રીઓ અને શક્તિઓ બ્રહ્મદેવ ભરી રાખે છે. તે પછી તેઓ નિષ્કામ રહે છે, અને વિષ્ણુના હાથમાં સર્વ સૃષ્ટિ સોંપી દઈ પોતે તટસ્થ રહે છે, અને અન્ય દેવોની પૂજા સર્વ કરે છે ત્યારે બ્રહ્માએ પોતાની પૂજા કરાવવાનો ઉત્સાહ કોઈનામાં સૃજ્યો નથી. તેમનાં મંદિર તો ક્યાંથી જ હોય ? સર્વદા સમસ્ત બ્રહ્માંડનાં બ્રહ્માનો પુત્રયજ્ઞ આમ જ્વલમાન થઈ રહ્યા છે. એ પિતા કોઈની પાસે પિતૃયજ્ઞ કરાવતા નથી.

વિષ્ણુના હાથમાં સૃષ્ટિ આવી એટલે તેમણે અવતારો લઈ યજ્ઞ કરવા માંડ્યા. પ્રથમ પાંચ અવતારમાં તેમણે યજ્ઞસામગ્રી સંભૃત કરી. કચ્છપાવતારે દેવોનાં સૂક્ષ્મ શરીરને અમૃત આપી યજ્ઞપશુને સંવર્ધિત કર્યો. મત્સ્યાવતારે યજ્ઞને માટે વેદવિધિનો ઉદ્ધાર કર્યો. નરસિંહાવતારે પિતાને હાથે મૃત્યુ પામતા પ્રહ્‌લાદના શરીરરૂપ વેદીનું પાલન કર્યું. વરાહે એ વેદીને સ્થાન આપનારી પૃથ્વીનું પાલન કર્યું. યજ્ઞસામગ્રીથી ભરેલી એ વસુંધરાનું માપ લઈ તેનો યથેચ્છ ઉપયોગ કરવાની શક્તિ વામને દેવોને આપી.

યજ્ઞસામગ્રી આમ અનેક અંગે તત્પર થઈ એટલે પરશુરામે વિદ્યાયજ્ઞ અને અલક્ષ્યયજ્ઞોની ઋદ્ધિ માટે ઉદ્રિક્ત ક્ષત્રિયોનોનો નાશ કર્યો. આ ઋદ્ધિથી થયેલા ઋષિઓ પાસેથી યજ્ઞવિધિ જાણી લઈ શ્રીરામચંદ્રજીએ સૂક્ષ્મ ધર્મોથી સંભૃત કરેલો પિતૃયજ્ઞ કર્યો, અને સીતાને માટે પ્રીતિયજ્ઞ કરવા તેને વનમાં સાથે લઈ ગયા અને રાક્ષસરાજ સાથે યુદ્ધ કર્યાં. દશરથજીનું વચન સત્યપ્રતિજ્ઞ કર્યું. કૌશલ્યાને સાથે આવતાં રોક્યાં ત્યારે સીતાને સાથે લીધાં અને એ જ સીતાના પ્રીતિયજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યાં આકારક અતિથિરૂપ સ્વપ્રજા તેની તૃપ્તિને માટે માતૃભૂમિયજ્ઞ કરી પોતાનાં અર્ધાંગ સીતાને અદ્વૈતપ્રીતિના અધિકારથી તેમાં હોમ્યાં - તેમને વનવાસ આપ્યો. તે પછી કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણપરમાત્માએ અનેક મહાયજ્ઞ કર્યા. પિતામાતાને માટે પરાક્રમ કરી તેમને રાજ્ય આપી પિતૃયજ્ઞ કર્યો. મધુપુરીને દુષ્ટ અસુરોના ત્રાસમાંથી મુક્ત કરી સ્વભૂમિયજ્ઞ કર્યો. પાંડવોને વિજય આપી લોકનું કલ્યાણ કરી લોકયજ્ઞ કર્યો. અર્જુનને અનેક વિદ્યાઓ અનેક સ્થાનમાંથી અપાવી તેની પાસે વિદ્યાયજ્ઞ કરાવ્યા. અર્જુનને વૈરાટ સ્વરૂપ પ્રત્યક્ષ કરાવી ઋતયજ્ઞ કર્યો અને ગીતા ઉપદેશી સત્યયજ્ઞ કર્યો. આમંત્રિત પત્નીયજ્ઞ તો અનેક નારીઓના એ સ્વામીને ત્યાં નિત્ય થતા. તે પછી બુદ્ધાવતારે દયાયજ્ઞની જ્વાળાઓ સર્વ ભૂતકાળમાં સર્વ ભૂતોને માટે પ્રવર્તાવી. વિષ્ણુપરમાત્માના જે જે અવતારમાં મનુષ્યયજ્ઞ થયા તે તે અવતારમાં મહાલક્ષ્મી સાથે જ અવતરતાં, અને જન્મેજન્મ એ ઉભયનો પ્રીતિયજ્ઞ અદ્વૈતરૂપે જ્વલમાન થતો. સર્વને અંતે વિષ્ણુનું કાર્ય સમાપ્ત થતાં, સંહારકર્મથી સંસાર સ્મશાનરૂપ થતાં, તે સ્મશાનમાં શિવરૂપ પરમાત્મા એકાંત અલક્ષ્ય સત્ય જે બ્રહ્મા તેમાં સમાધિસ્થ થઈ પરમ બ્રહ્મયજ્ઞ સાધે છે. એ સર્વ યજ્ઞોમાં યપોની વિશ્વવ્યાપિની જ્વાળાઓરૂપે મહાશક્તિ આ ત્રણે દેવોની સાથે ધર્મસહચાર કરે છે, બ્રહ્મા સાથે વિધાત્રીકૃત્ય કરે છે, વિષ્ણુ સાથે મહાલક્ષ્મીકૃત્ય કરે છે, શંકર સાથે ચંડીકૃત્ય કરે છે.

વિશ્વરૂપમાં આ પુરુષયજ્ઞ મચી રહ્યો છે. તેમાંથી સાધુજનો દૃષ્ટાંત લે છે અને પોતાના ઈષ્ટ યજ્ઞ શક્તિ અને સ્થિતિ પ્રમાણે સાધે છે. લક્ષ્યપરમાત્માના પદનખમાંથી નીકળતી સંસારગંગાના પ્રવાહમાં કોઈ જીવની સ્થિતિ મૂળ આગળ, તો કોઈની મુખ આગળ હોય છે; કોઈની સ્થિતિ પ્રવાહને તળિયે હોય છે તો બીજાની મધ્યમાગમાં હોય છે અને ત્રીજાની સ્થિતિ પ્રવાહના તરંગના શિરોભાગ ઉપર હોય છે. આ પ્રવાહના જે ભાગમાં જે જીવ પોતાની સ્થિતિ જુએ તે ભાગની અપેક્ષા પ્રમાણે તે જીવના ધર્મ રચાય છે, અને આ ધર્મ પ્રમાણેના યજ્ઞ એ જીવને પ્રાપ્ત થાય છે. આ ધર્મવિશેષને પ્રવાહપતિત ધર્મ કહ્યો છે ને યજ્ઞવિશેષને પ્રવાહોત્થ યજ્ઞ કહ્યા છે. નવીનચંદ્રજી, દૃષ્ટાંત સહિત તમને લક્ષ્ય ધર્મના આ મર્મભાગ કહ્યા. શેષ મૂળ ગ્રંથમાંથી લઈ શકશો, અને તમારા પ્રવાહપતિત ધર્મ અને પ્રવાહોત્થ યજ્ઞ તમારે જાતે જ શોધી લેવાના છે. આપણા મહાયજ્ઞ એ જ આપણા ધર્મ અને એ જ આપણાં પ્રાયશ્ચિત; તેમાંથી તમારે માટે શાનું ગ્રહણ કરવું તે પ્રશ્નનો ઉત્તર તમે તમારી પોતાની હૃદયશુદ્ધિને બળે મનઃપૂત કરી લેજો. ચિરંજીવશૃંગ તમારાં સ્થૂળસૂક્ષ્મ શરીરમાંના વેદીપશુરૂપ ઉત્તમાવયવોનું ઉત્તમ યજ્ઞ માટે આપ્યાયન કરશે. આપ્યાયન્તુ મમાગ્ડાનિ એ મંત્ર તો તમે નિત્ય સાંભળો છો. વેદી અને પશુના આપ્યાયનની સમાપ્તિ જે યજ્ઞચર્યાનું કારણ છે તો ચર્યા તમને પ્રાપ્ત હો ! નવીનચંદ્રજી, આ જ યજ્ઞચર્યા, આ જ બ્રહ્મચર્યા, આ જ ધર્મચર્યા અને આ જ ઉત્તમ ભદ્ર છે. એ જ ઋત છે, એ જ સત્ય છે, એ જ સંપ્રસાદ છે, એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે, એ જ અદ્વૈત સેતુ છે. એ જ આપણે પામીએ છીએ.

‘અથ ય એષ સંપ્રસાદોડસ્માચ્છરીરાત્સમુત્થાય પરં જ્યોતિરુપસંપદ્ય સ્વેનરુપેણાભિનિષ્પદ્યત એષ આત્મેતિ હોવાચેદમમૃતમભયમેતદ્‌ બ્રહ્મેતિ તસ્ય હ વા એતસ્ય બ્રહ્મણો નામ સત્યમિતિ.’

અથ ય આત્મા સ સેતુર્વિધૃતિરેષાં લોકાનામસંભેદાય નૈતં સેતુમહોરાત્રે તરતો ન જરા ન મૃત્યુર્ન શોકો ન સુકૃતં ન દુષ્કૃતં સર્વે પાષ્માનોડતો નિવર્તન્તેડપહતપામ્પા હ્યેષ બ્રહ્મલોકઃ

તદ્ય એવૈતં લોકં બ્રહ્મચર્યેણાનુવિન્દન્તિ તેષામેવૈષ બ્રહ્મલોકસ્તેષાં સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ.

અથ યદ્યજ્ઞ ઇત્યાચક્ષતે બ્રહ્મચર્યમેવ તદ્‌ બ્રહ્મચર્યેણ હ્યેવ યો જ્ઞાતા ત વિન્દતેડથ યદિષ્ટમિત્યાચક્ષતે બ્રહ્મચર્યમેવ તદ્‌ બ્રહ્મચર્યેણ તદ્‌ હ્યેવેષ્ટવાડડત્માનમનુવિન્દતે. અથ યત્સત્રાયણમિત્યાચક્ષતે બ્રહ્મચર્યમેવ તદ્‌ બ્રહ્મચર્યેણ હ્યેવ સત આત્મનસ્ત્રાણં વિન્દતેડથં યન્મૌનમિત્યાચક્ષતે બ્રહ્મચર્યમેવ તદ્‌ બ્રહ્મચર્યેણ હ્યેવાડડત્માનમનુવિધ મનુતે.

આ યજ્ઞ આ સત્ય, આ બ્રહ્મ, આ યજ્ઞચર્યા, આ સત્યચર્યા, આ બ્રહ્મચર્યા, ઉત્તમાધિકારી સાધુજનોમાં છે, ઉત્તમાધિકારિણી સાધ્વીઓમાં છે, આ દેહમાં છે, આ મઠમાં છે, આ સર્વમાં છે - એ પરમ અલક્ષ્ય પરાવર પ્રત્યક્ષાનુભવરૂપે સર્વ ઉત્તમાધિકારીઓને પ્રાપ્ત થાઓ ! ઓં શાન્તિ !’

વિષ્ણુદાસજીએ સાધુસાધ્વીઓને ઊંચો હાથ કરી આ આશીર્વાદ આપી મૌન ધાર્યું. બહાર મંદિરમાં શંખનાદ થયો તેની સાથે સર્વ મંડળ ઊઠ્યું. સૌથી આગળ વિહારપુરી અને ચંદ્રાવલી સજોડે ચાલ્યાં. તેની પાછળ સાધ્વીઓનાં જોડકાં, કુમુદને આગળ કરી, ચાલ્યાં. તેમની પાછળ ચારપાંચ હાથને છેટે વિષ્ણુદાસ ચાલતા હતા. તેમની પાછળ સરસ્વતીચંદ્ર, અને તેની પાછળ સાધુજનોનાં જોડકાં ચાલતાં હતાં. વિહારપુરી અને ચંદ્રાવલી કંઈક ઊંચે પણ ધીર મંદ મધુર સ્વરે હરિમીડે સ્ત્રોત ગાતાં હતાં અને સાધ્વીઓ મધુર ઝીણે સ્વરે ઝીલતી હતી. વિષ્ણુદાસ અને સાધુઓ મનમાં ગાતાગાતા બોલ્યા વિના ચાલતા હતા. મંદિરની ઓસરીનું દ્વાર આવ્યું ત્યાં સર્વ ઊભાં રહ્યાં અને સ્ત્રોત પૂરું કર્યું. ઓસરીમાં ચાલી વાડામાંથી અદૃશ્ય થયાં ત્યાં વિષ્ણુદાસના જયની બૂમો પડી અને અંતે સર્વ પાસ સાધુઓ અને સાધ્વીઓ સર્વની સંગત બૂમો પડી કે ‘નન્દકો નન્દન એક આનન્દ દેત હૈ.’ શંખનાદ અને ઘંટાનાદ તેમાં ભળ્યા, અને પળવાર ઉપર વિષ્ણુદાસે જે સ્થાને ગંભીર ઉપદેશ કર્યો હતો ત્યાં માત્ર પૃથ્વી વૃક્ષો, લતાઓ, શિલાઓ, ઝરા અને પક્ષીઓ, ગંભીરતાની સર્વવ્યાપિની એકાકાર છાયારૂપે રહ્યાં.