સરસ્વતીચંદ્ર
ભાગ : ૪ - ૨.૧૨
સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
૧૨ : વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય ને સરસ્વતીચંદ્રના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિના માર્ગ
તદ્યથા મહાપથ આતત ઉભૌ ગ્રામૌ ગચ્છતીમં ચામું ચૈવમેવૈતા
આદિત્યસ્ય રશ્મય ઉભૌ લોકો ગચ્છન્તીમં ચામુષ્માદા-
દિત્યાત્પ્રાતાયન્તે તા આસુ નાડીષુ સુપ્તા આભ્યો નાડીભ્યઃ પ્રતાયન્તે
તેડમુષ્મિન્નાદિત્યે સૃપ્તાઃ તદ્યત્રૈતસ્તુપ્તઃ સમસ્તઃ સંપ્રસન્નઃ સ્વપ્નં
ન વિજાનાત્યાશુ તદા નાડીષુ સૃપ્તો ભવતિ તં ન કશ્ચન
પામ્મા સ્પૃશતિ તેજસા હિ તદા સંપન્નો ભવતિ .
- છાંદોગ્યોપનિષદ્
વિષ્ણુદાસ બાવા સુંદરગિરિ ઉપર હોય ત્યાર તેમનું આહ્નિક નિશ્રિત પ્રણાલિકા પ્રમાણે ચાલતું. પણ સાધુસંધ પર્વત ઉપરથી ઊતરી નીચલા દેશમાં અલખ જગાવવા જતો તે પ્રસંગે તો તેમનો કાળ જ્ઞાનવાર્તામાં જ જતો. અમુક સ્થાનનો સંકેત કરી ત્યાં વિષ્ણુદાસ બે-ચાર સાધુઓ સાથે મધ્યાહ્ન ગાળતા અને બીજા સર્વ સાધુઓ ચારે પાસ છૂટાછૂટા વેરાઈ જતા. સૂર્ય જરા નમે એટલે વિષ્ણુદાસ પણ પાસેના કોઈ ગામમાં કે નગરમાં, મઠમાં કે તીર્થમાં ઉપદેશ કરવા જતા, અને સંસારી વિદ્વાનો તેમની પાસે આવે તેને બોધ આપતા. સંધ્યાકાળે અંધકાર પડે ત્યાં સાધુઓ સંકેતસ્થાનમાં મળે, શ્રમ ઉતારે, મળેલી ભિક્ષામાં ફલમૂલ હોય તેનું પ્રાશન કરે અથવા રસોઈ કરી જમે, અને અંતે સુન્દરિગિરિ પાછા જાય.
રત્નનગરી અને મનહરપુરી વચ્ચે એક મોટું હિમસર નામનું સરોવર હતું, અને ચંદ્રાવલી સરસ્વતીચંદ્રને મળી પાછી ગઈ તે પળે આ સરોવર સુધી સાધુઓ પહોંચી ગયા અને તેને તીરે લીંબડા, આંબા અને પીપળાનાં વૃક્ષોની ઘટાવાળું સ્થાન હતું ત્યાં સંકેતસ્થાન રાખી સૌ વેરાવા લાગ્યા. વિહારમઠનો અધિષ્ઠાતા જ્ઞાનભારતી, વૃદ્ધ બ્રહ્મચારી સાધુ જાનકીદાસ, વિહારપુરી અને બે બીજા સાધુઓ વિષ્ણુદાસ પાસે રહ્યા. આ બે બીજા સાધુઓ મૂળ સંસારી હતા અને વિષ્ણુદાસની પેઠે જ પૂર્વાશ્રમનો ત્યાગ કરી સાધુ થયા હતા. એ બે જણા વીસબાવીસ વર્ષના હતા, અંગ્રેજી જાણતા હતા અને વિરક્ત લાગતા હતા. તેમાંનો એક સ્વભાવે શાંત અને બુદ્ધિમાં જરા જડ હતો. તેણે પોતાનું નામ શાંતપિદાસ પાડ્યું હતું, બીજો સ્વભાવમાં તમે બુદ્ધિમાં જરી મસ્ત હતો અને તેને એટલી બધી વાતોમાં શંકા થતી કે એણે પોતાનું નામ જાતે જ શંકાપુરી પાડ્યું હતું. અને મશ્કરીમાં શાંતિદાસને શંકાભારતી નામ આપી, શંખભારતી ઉચ્ચાર કરતો હતો. શાંતિદાસ તેમાં પણ શાંતિ રાખતો હતો. સુંદરગિરિનો સંપ્રદાય એવો હતો કે નવા સાધુઓને અલખ જગાવવા કે ભિક્ષાર્થે મોકલવા નહીં પણ વર્ષાવધિ ગુરુના અન્તેવાસી થી રહે.
સરોવરના આરા ઉપર દૃષ્ટિ પડે એવે સ્થાને એક આંબાના થડ આગળ મૃગચર્મ પાથરી સર્વેએ વિષ્ણુદાસ માટે બેઠક રાખી. શંકાપુરી ને શાંતિદાસ સરોવરમાં તરવા પડ્યા. બાકીનું મંડળ ગુરુની આસપાસ બેઠું, સરોવર ભણી દૃષ્ટિ ફેરવી વિષ્ણુદાસ બોલ્યાઃ
‘વિહારપુરી ! તારું હૃદય આ સ્થાનમાં જેવું શાંત અને શીતળ છે તેનું કારણ ચંદ્રાવલીમૈયાની અસ્પૃશ્ય ઉચ્ચ શાખાસમૃદ્ધિની જ છાયા છે. નવીનચંદ્રજીનું હૃદય આ સરોવર જેવું છે, શીતળ છે, શાંત છે, અમૃતથી ભરેલું છે, અગાધ છે, પણ એના અંતર્ભાગમાં શાં શાં સત્ત્વ તિરોહિત છે તે સમજાતું નથી.’
વિહારપુરી કંઈ સ્મિત કરી બોલ્યો : ‘એ સરોવરને માથે વૃક્ષોની છાયા નથી અને સૂર્યના તાપથી તેમાંનો રસ સુકાય છે. વિહારપુરીને માથે છાયા ન હોય તોપણ તાપથી સહસા સુકાય નહીં એવો એનો પૃથ્વી જેવો જડ સ્વભાવ છે.’
જ્ઞાનભારતી - ‘ગુરુજી, ચંદ્રાવલીમૈયાએ ચિકિત્સા કરી તો ઔષધ પણ તેમનું જ દર્શાવેલું કરવું યોગ્ય છે.’
જાનકીદાસ - ‘તે સર્વ તો રાત્રિએ જણાશે -’
વિહારપુરી - ‘રાત્રિએ જો નવી સૃષ્ટિ રચવાનો સંભવ હોય તો દિવસે તેની યોજના કલ્પી રાખીએ તે ઠીક.’
વિષ્ણુદાસ - ‘વિહારપુરી ! ’ વિહારપુરી - ‘જી મહારાજ ! ’ વિષ્ણુદાસ - ‘આજ રાત્રિથી નવીનચંદ્રજીને ચિરંજીવશૃંગમાં વાસ આપવો.’
જાનકીદાસ - ‘તેમને તો વિહારમઠ પાસે કંઈ સ્થાન મળે તો ઠીક, કે ચિકિત્સા પૂરી થયે એ મઢ રૂપ ઔષધ પણ પાસે જડે.’
જ્ઞાનભારતી - ‘ધારેલી ચિકિત્સા અયથાર્થ નીવડશે તો વિરક્ત નવીનચંદ્રજીને જાનકીદાસની યોજનાથી પોતાનો તિરસ્કાર થયો લાગશે.’
વિષ્ણુદાસ - ‘વિહારપુરી શું ધારે છે ?’
વિહારપુરી - ‘આપની યોજના શા કારણથી વિચારી છે ?
વિષ્ણુદાસ - ‘કારણ અને કાર્ય ઉભય મોટા છે.’
વિહારપુરી - ‘તેથી જ મારો પ્રશ્ન છે.’
વિષ્ણુદાસ - ‘તમે ત્રણે સાધુજન યદુશૃંગના સંપ્રદાયના વિચારઆચારમાં પ્રવીણ છો અને ઉદાર છો. આ સંપ્રદાય પ્રમાણે આપણા ત્રણે મઠના મહંતનું કાર્ય કરવા વધારે અધિકાર કોનો ?’
‘એ જોવાનો અધિકાર તો આપનો.’ જાનકીદાસ બોલ્યો : ‘રસ, જ્ઞાન, વૈરાગ્ય આદિ શિષ્ટ પદાર્થોનો સમુચ્ચય ક્યાં ઉત્કૃષ્ટ છે તેની પરીક્ષા આપે આપના સામર્થ્યથી કરવાની છે.’ જ્ઞાનભારતીએ કહ્યું.
‘એ સર્વ સત્ય છે. પણ તે ઉપરાંત આ પણ સત્ય છે કે સંસારના અનુભવ અને સાધુજનના ઉત્કર્ષ એ ઉભયનાં જાતે અનુભવ અને અવલોકન જેણે કર્યાં હોય અને તેમાંનું અલક્ષ્ય નવનીત જેણે કાઢ્યું હોય તે જ આ મઠોનું સ્થાયી કલ્યાણ કરી શકે છે અને માટે જ આપ આ મંગલ પદમાં વિરાજમાન છો.’ વિહારપુરીએ વિષ્ણુદાસને કહ્યું.
વિષ્ણુદાસ - ‘તેવું પાત્ર શોધી કાઢી તેને આ પદને યોગ્ય કરવા - સિદ્ધ કરવા - આજથી પ્રયત્ન માંડવો એ આ દેહનો ધર્મ છે. આજ સુધી સાધુજનોને સર્વાનુમતે એવું ગણાતું હતું કે વિહારપુરી આ સિદ્ધિને પાત્ર છે. હવે વિહારપુરી જ એમ ગણુ છે કે સંસારના અનુભવી, સાધુજનના ઉત્કર્ષમાં સ્વભાવસિદ્ધ, અને અન્ય સર્વ યોગ્યતાઓથી સમૃદ્ધ નવીનચંદ્રજીને જ આપણા મંગલકાર્યમાં સિદ્ધ કરવા ઉચિત છે.’
વિહારપુરી - ‘તેમાં કાંઈ ભ્રાન્તિ નથી.’
જાનકીદાસ - ‘નવીનચંદ્ર વિહારમઠના અધિકાીર હોય તો આ પરમસિદ્ધિને માટે તેમની યોગ્યતામાં ન્યૂનતા આવે.’
જ્ઞાનભારતી - ‘વિહારમઠના અધિષ્ઠાતાનું સ્થાન ભોગવ્યાથી જ વિહારપુરીજી આજ સિદ્ધ થયા છે, અને એવા પણ ઈતિહાસપ્રસિદ્ધ છે કે જ્યારે વિહારમઠના અધિષ્ઠાતા અને ત્રણે મઠના મહંતનો અધિકાર એક જ સમર્થ પુરુષની પાસે હતો.’
વિષ્ણુદાસ - ‘પણ બેમાં વધારે પુણ્યકાર્ય શું ?’
જ્ઞાનભારતી - ‘મહંતને સ્થાને બેસવાને પ્રસંગે પરિવ્રજિત હોય અને ત્યાર પહેલાંના સર્વ અનુભવમાં સિદ્ધ હોય તેનો જ અધિકાર પુણ્ય. તેવો અધિકારી ન મળે તો મધ્યમ પક્ષે મારા જેવાનો અધિકાર.’
વિહારપુરી - ‘જી મહારાજ ! આપના સંસિદ્ધ વિચારમાં નવીનચંદ્રજીથી જ સર્વ મઠને કલ્યાણ થઈ શકશે ને મારા વિચારમાં પણ તેમજ છે તો તેઓ વિહારી હશે કે ત્યાગી હશે તે વિચાર ઉપેક્ષા કરવા જેવો છે. તેમનામાં બુદ્ધિ, રસ અને જ્ઞાન અપૂર્વ છે.’
વિષ્ણુદાસ - ‘જો તેમ જ છે તો વિચાર દુર્ઘટ નથી અને મારા મનમાં કારણકાર્ય સાંભળો. જ્યોતિઃશાસ્ત્રને અનેક રીતે વિચારતાં નવીનચંદ્રને કોઈ મહાન ત્યાગનો યોગ છે અને યદુશૃંગને તેનાથી મહાન લાભનો યોગ છે. તેમનો સર્વ સાધુઓને જે જે અનુભવ થાય છે તે જ્યોતિઃશાસ્ત્રના ઉદ્ગારને પુષ્ટિ આપે છે. પણ વિહારપુરી એ પુરુષના ઊંડા મર્મસ્થાનમાં કંઈક દુઃખ દેખે છે અને દુઃખ હોય તો તે વાસનાજન્ય હોવું જોઈએ. સ્ત્રીવિષયમાં પણ આ પુરુષને અપૂર્વ ત્યાગનો યોગ છે અને જો એમનું દુઃખ તત્સંબંધી વાસનાથી હોય તોપણ એ વાસના અગ્નિ પરના જળ પેઠે સ્વતઃ નષ્ટ થશે, અને ચંદ્રાવલીમૈયાની સૂચનાના પ્રયોગમાં મને કાંઈ ભીતિ લાગતી નથી. આપણા સાધુજનો દિવસે એકાંતમાં પણ અન્ય સાધુજનોના શ્રવણપથથી દૂર રહી તેમના નયનપથમાં રહીને જ, પરિશીલન અને સંવનન કરે છે. પણ ચંદ્રાવલીની સૂચના સત્ય હોય તો આમાં તો તે ઉભય વિધિ સમાપ્ત થઈ ગયા છે અને આપણે માત્ર એટલું જ કહેવાનું બાકી છે કે : ‘દંપતી, વિહારમઠનો વાસ સ્વીકારો.’ એમ કહેવું કે નહીં તે તો એ બે જણ મળે ને નિશ્ચય કરે તે ખરો. પણ એ મેળાપ અને નિશ્ચયને માટે પ્રસંગ આપવા વિહારમઠ વિના બીજા સ્થાનની આવશ્યકતા છે.’
વિહારપુરી - ‘એ વિચાર તો આપે સૂક્ષ્મ અને સત્ય જ કર્યો.’
વિષ્ણુદાસ - ‘એ બીજું સ્થાન તો ચિરંજીવશૃંગ જ ઉચિત છે. નવીનચંદ્રજીને દેહાંતરિત અનેક જન્મસિદ્ધિઓ અનેકધા પરિપાક પમાડે છે તે સ્પષ્ટ છે; અને એટલી સિદ્ધિથી સિદ્ધ થયેલાને ચિરંજીવશૃંગ ઉપર સિદ્ધ પુરુષોનો સમાગમ થવાનો. નવીનચંદ્રજીને એ અપૂર્વ લાભ થાય તો આ ત્રણે મઠનું અપૂર્વ કલ્યાણ એ કરી શકશે. ચંદ્રાવલીમૈયા એક કારણથી આ કાર્ય પ્રિય ગણાશે; હું બીજા કારણથી પ્રિય ગણીશ.’
જ્ઞાનભારતી - ‘આપે ઉત્તમ વિચાર કર્યો. મધુરીમૈયાના સંસ્કાર પણ ચમત્કાર છે અને સિદ્ધદર્શનકાળે એ દંપતીનો સહચાર રસ અને જ્ઞાનનો સૂક્ષ્મ યોગ પામશે.’
શંકાપુરી અને શાંતિદાસ આવી બેઠા હતા તેમાંથી શંકાપુરી બોલી ઊઠ્યો :
‘પુરુષની જન્મસિદ્ધિથી સ્ત્રીને પણ જન્મસિદ્ધિ પ્રાપ્ત થતી હશે ?’
વિષ્ણુદાસ - ‘સર્વ તારામંડળ વચ્ચે ગુરુત્વાકર્ષણનું નાડીચક્ર છે એવું પાશ્ચાત્ય શાસ્ત્રમાં છે એમ તમે કહેતા હતા ?’
શંકાપુરી - ‘જી હા. હું અંગ્રેજી વિદ્યા ભણ્યો છું તેમાં આ વાત સિદ્ધ કરી છે.’
યોગશાસ્ત્રમાં, જ્યોતિઃશાસ્ત્રમાં અને અલક્ષ્ય મતના લક્ષ્યશાસ્ત્રમાં પણ એવાં જ નાડીચક્ર વર્ણવેલાં છે. અને તે ચક્ર તે શાસ્ત્રના અનુભવી લક્ષ્યદૃષ્ટાઓને પ્રત્યક્ષ થાય છે. ખગોળશાસ્ત્રનાં નાડીચક્ર પેઠે જ્યોતિઃશાસ્ત્રનું નાડીચક્ર પણ અલક્ષ્ય અને માત્ર પરીક્ષા સંવેદ્ય છે. મનુષંયનાં શરીર, બુદ્ધિ, વાસનાઓ અને ભાગ્ય સૂર્યમંડળના અને ગ્રહોપગ્રહોનાં નાડીચક્રમાં પ્રવર્તે છે. અનેક નક્ષત્રોથી ભરેલી દ્વાદશ રાશિઓના તારમંડળની વચ્ચે ઊર્ણનાભિની જાળ પેઠે સૂક્ષ્મ નાડીચક્ર છે તેમાં સૂર્યમંડળમાંનું ગ્રહમંડળ બંધાઈ સંધાઈ સિવાઈ ગયું છે અને અનંત બ્રહ્માણ્ડમાંનાં સર્વ મહત્ અંગને, અને અણુઅંગને, જડને અને ચેતનને, કર્મજાળને અને ભાગ્યજાળને, વાસનાજાળને અને ભોગજાળને, આ સર્વ નાડીચક્રોના પ્રવાહોમાં અને પ્રતિપ્રવાહમાં તરીને અને ડૂબીને, પરિપાક પામવા પડે છે. આ નાડીચક્રની નાડીઓમાં પ્રીતિનાં નાડીચક્રનો અંશરૂપે અંતર્ભાવ છે. સંસારીઓમાં લગ્નાદિકાર્યોમાં પુરુષ ધર્મક્રિયામાં પ્રવર્તે અને સ્ત્રી તેને માત્ર પાણિસ્પર્શ કરી સ્થિર રહે એટલાથી જ સ્ત્રીનો ધર્મસહચાર સફળ થઈ શકે છે તે તમે જોયું હશે. શુદ્ધ ધર્મ્ય પ્રીતિથી સંધાયેલા દંપતી વચ્ચે આવાં નાડીચક્ર છે, અને સાંકળનો એક છેડો ખેંચ્યે આખી સાંકળ ખેંચાય છે તેમ જન્મસિદ્ધિનાં નાડીચક્રના બળથી ઉત્કર્ષ પામનાર સ્વામી જોડે પતિવ્રતા પણ આકર્ષાય છે. તે બે એક નથે નથાય છે, સમાન પ્રારબ્ધમાં પ્રવર્તે છે, અને સમાન ભાગ્યભોગનું આસ્વાદન કરે છે. સંસારીઓમાં જે સમાગમોત્કર્ષ ઘુણાક્ષરન્યાયે જ થાય છે તે અલક્ષ્યસંપ્રદાયનાં દંપતીઓમાં સ્વભાવસિદ્ધ પરિપાક પામે છે. નવીનચંદ્રજી પાછળ મધુરીમૈયા આવા જ કોઈ નાડીચક્રના બળથી આકર્ષાઈ આવેલાં છે, અને તે જ નાડીચક્ર તેમના અનાગત પ્રારબ્ધનો ઉત્કર્ષ ચિરંજીવશૃંગ ઉપર રચે તો તેને લક્ષ્યવિભૂતિ જ ગણવી.’
શંકાપુરી - ‘જો એ ઉત્કર્ષ જાતે જ રચાવાનો હોય તો આપ જેવા વિરક્ત મહાત્માએ આ સ્ત્રીપુરુષને એકઠાં કરવાની ક્ષુદ્ર પ્રવૃત્તિમાં શું કરવા પડવું પડે ? એ કામ તો વિહારમઠના અધિષ્ઠાતાનું છે.’
જ્ઞાનભારતી - ‘શંકાપુરી ! તમે શાંતિદાસને માટે જે ઉપનામ આપો છો તેવા તમે પણ શંખભારતી દેખાઓ છો. ગુરુજીની અને અલખ સંપ્રદાયની અવજ્ઞા કરનાર જન આપણા મઠમાંથી બહિષ્કાર પામે છે.
શાંતિદાસ - ‘ખરી વાત છે. માબાપ છોકરાંને પરણાવે અને ભેગાં રાખે તેમ ગુરુજી કરે છે તેમાં એમનો દોષ કાઢવો એ કૃતઘ્નતા થાય.’
વિહારપુરીથી હસી પડાયું : ‘જી મહારાજ ! નિમ્નદેશમાં ભ્રષ્ટ સંસારીઓના સંસ્કાર આ સાધુઓમાંથી ઘસાઈ જવાની હજી ઘણી વાર છે એટલામાં, એ સંસારનો અનુભવ આપને હતો તેના સાધનથી, આપ આમને તૃપ્ત શાંત કરી શકશો.’
જાનકીદાસ - ‘શાંતિદાસ ઉચિત વચન બોલે છે. તેઓ પણ સંસારી હતા અને એમનાં સંસારસંસ્કારી વચનથી સંસારસંસ્કારવાળા શંકાપુરીની શંકા શાંત થવી જોઈએ. વિષસ્ય વિષમૌષધમ્
વિષ્ણુદાસ - ‘શંકાપુરીની શંકાસ્થાને થઈ છે. અનેક પ્રવાસીઓ ભિન્નભિન્ન માર્ગે થઈને એક જ સ્થાનમાં પહોંચે અને તેમાંના કોઈકને એવી ભ્રાંતિ થાય કે જે માર્ગે થઈને હું આવ્યો છું તે માર્ગે આ સર્વ આવ્યા હશે - તો તે ભ્રાંતિ અસ્થાને નથી. વિહારમઠના અધિષ્ઠાતાના સૂક્ષ્મ ધર્મ જાળવનાર જ્ઞાનભારતી નવીનચંદ્રજીને માટે જે યોગ્ય ઇચ્છે છે તેનું તારતમ્ય સમજી શકવા જેટલો તેમનો પરિચય શંકાપુરીને થયો નથી; ને એની દૃષ્ટિમાંથી સંસારના મમતા અને અહંકારથી બનેલા ભેદાભેદ ખસી ગયા નથી. સંસાર સ્ત્રીને ક્ષુદ્ર ગણે છે ને સ્ત્રીપુરુષના યોગમાં શારીરિક પ્રયોગ અને સંતાનવાસના વિના બીજાં ફળ લેખતો નથી. જ્ઞાનભારતી ! હું પણ એ જ સંસારમાં હતો અને સ્ત્રીપુરુષને અને શિશુશૂદ્રાદિને કેવળ આત્મરૂપ માની લેખ સંયોગોમાં અલખ પરમાર્થ જોવા શીખતાં મને પોતાને ઘણો કાળ લાગ્યો હતો, અને શંકાપુરી તો ગિરિરાજ ઉપર નવા જ છે. તેમની અને નવીનચંદ્રજીની દૃષ્ટિઓને સરખાવી નવીનચંદ્રજીનો ઉત્કર્ષ સમજી લ્યો ! જ્ઞાનભારતી નવીનચંદ્રજીનો ઉત્કર્ષ એક દિશામાં ઈચ્છે છે, હું બીજી દિશામાં ઈચ્છું છું. એમના ચિત્તમાં એક માર્ગ છે, મારા ચિત્તમાં બીજો માર્ગ છે. મારા માર્ગનું ફળ નવીનચંદ્રજીને ચિરંજીવશૃંગમાં વાસ આપવાથી આવે છે. જ્ઞાનભારતીના માર્ગનું ફળ પણ એ જ આવે છે. મારા હાથમાંના રજ્જુમાં શંકાપુરીને આ ધર્મસાદૃશ્યથી સર્પની ભ્રાંતિ થઈ.’
શંકાપુરી - ‘ભલે તેમ હો. પણ જો જ્યોતિઃશાસ્ત્ર પ્રમાણે આપનો ઉદ્દેશ ગ્રહયોગથી જ ફળે એમ છે તો આપે આટલી પણ પ્રવૃત્તિ શા માટે કરવી ? તેના પ્રારબ્ધમાં હશે તે થશે એમ માની તટસ્થ કેમ ન રહેવું ?’
શાંતિદાસ - ‘ગુરુજી ! પણ નવીનચંદ્રજીને અમે મધુરીને એક સ્થાનમાં રાખવાનું તો આપને પણ સંમત છે - તો પછી આપના અને જ્ઞાનભારતીના માર્ગ જુદા કેમ ?’
વિષ્ણુદાસ - ‘શંકાપુરી ! જ્યોતિઃશાસ્ત્રથી મનુષ્યની ગતિ અને ઈશ્વરેચ્છાના માર્ગ પ્રકાશમાં આવે છે; તેનાથી મનુષ્યના ધર્મ નષ્ટ થતાં નથી. નવીનચંદ્રજીનું શરીર જંગલમાંથી અને અંધકારમાંથી ગ્રહોનાં નાડીચક્રના વેગથી આપણા હાથમાં આવ્યું અને આપણે તેના સમાગમના નિમિત્ત થયા. ફલાદેશે સ્પષ્ટ કર્યું કે એ શરીર આપણા અલખ કાર્યમાં રત્નરૂપ થશે. એ પુરુષના અનુભવથી અને પરિચયથી આપણે તેની અમૂલ્યતા, તેના શુદ્ધ સિદ્ધ સંસ્કાર પ્રત્યક્ષ કર્યા, અને તેના તેજનો ચમત્કાર દીઠો, કોઈ પણ અલખસ્ફુલિંગની દીપ્તિનો પૂર્ણ સત્કાર કરવો અને તેના શુભ સંસ્કારને સૂક્ષ્મ કરવા એટલો તો અલખમઠનો સામાન્ય ધર્મ છે - કે જેને બળે અને તેના શુભ સંસ્કારને સૂક્ષ્મ કરવા એટલો તો અલખમઠનો સામાન્યધર્મ છે - કે જેને બળે તમે અને શાંતિદાસ આ સાધુજનોની ક્ષમાના અને આશ્રયના ગ્રાહક થઈ શક્યા છો. તો નવીનચંદ્રજી જેવા તેજસ્વી મનસ્વી સ્ફુલિંગની જ્વાળાઓને જગાડવાને તો આ મઠ જે કરે તે ઓછું છે. એ જ્વાળાઓના જાગવાથી જો આ મઠનું કલ્યાણ જ થતું હોય અને તે જ્વાળાઓની મધ્યે ઊભા રહી સર્વ સાધુજન જ્વાળામાલી જેવા થઈ જતા હોય તો તો તેમ કરવા પ્રયત્ન કરવો એ આપણો અનિવાર્ય ધર્મ છે અને ગ્રહોનો ફળાદેશ એ ધર્મદીપમાં તેલ પૂરે છે. જે ફળાદેશની સિદ્ધિએ આપણને આ રત્ન આપ્યું તે જ ફળાદેશ આપણે શિર આ ધર્મ મૂકે છે.’
શંકાપુરી - ‘ફળાદેશમાં અને આપણી દૃષ્ટિથી ભાસતા ધર્મમાં વિરોધ આવે ત્યારે શું કરવું ? ફળાદેશ કહે કે કાલ મરવાનું છે અને વ્યવહારદૃષ્ટિ કહે કે આજ વિવાહ કરવો ત્યારે શું કરવું ?’
વિષ્ણુદાસ - ‘ધર્મકાર્યની વ્યવસ્થા એવી છે કે અલક્ષ્ય પરમાત્માની લક્ષ્યદૃષ્ટિ સત્પુરુષના હૃદયમાં સ્ફુરે છે તેને જ પ્રથમ આદર આપવો. એ દૃષ્ટિથી કંઈક ધર્મ આવશ્યક ભાસે છે, કંઈક પદાર્થ અધર્મરૂપ જ ભાસે છે, અને અન્ય વસ્તુઓમાં ધર્મ કે અધર્મ કંઈ હોતું નથી. લક્ષ્યદૃષ્ટિને જે ધર્મ આવશ્યક લાગે તે સર્વથા કાર્ય છે - ફળાદેશ તો શું પણ ગુરુવચનનો પણ તેમાં અનાદર સાધનભૂત હોય તો તે યોગ્ય છે. પ્રહ્લાદે પિતાના વચનનો આ ધર્મકાર્યે અનાદર કર્યો. લક્ષ્યદૃષ્ટિને અધર્મ્ય લાગે તે એવી જ રીતે સર્વથા ત્યાજ્ય છે. તૃતીય વસ્તુ ગ્રાહ્ય પણ નથી., હેય પણ નથી. એમાં તો મનુષ્ય પોતાનાં સ્થૂળ સૂક્ષ્મ શરીરોની રસવૃત્તિ પ્રમાણે વર્તવા સ્વતંત્ર છે. એ સ્વતંત્રતાના અધિકારી ઉપર બલાત્કાર ન કરવો - એ જુલમ ન કરવો. પણ એ અધિકારીને તેના પોતાના લખઅલખ સંસ્કારોને બળે પરિપાક પામવા દેવો એ અલખ સંપ્રદાયનો એક મુખ્ય સિદ્ધાંત છે. એવા વિષયમાં ફળાદેશનો શ્રદ્ધાળુ જન શ્રદ્ધા પ્રમાણે વર્તે તો તો ફળાદેશ અશુદ્ધ નીવડ્યે હાનિ થવાનો ભય અને શુદ્ધ નીવડ્યે લાભ થવાનો સંભવ. એ ભય અને સંભવ તો વ્યવહારના વ્યાપારના અંગભૂત છે; સાધુજનો તેમાં ઉદાસીન છે - કારણ વ્યવહારમાં તેઓ સંકોચધર્મ પાળે છે એટલે શરીર આદિના વ્યવહારમાં તેઓ પ્રાપ્તિ સ્થિતિને અનુકૂળ થઈ જાય છે અને અપ્રાપ્તથી સંકુચિત રહી તેની વાસના રાખતા નથી. વિહારમઠની વ્યવસ્થા આ જ ધર્મ પ્રમાણે રાખવામાં આવે છે. વિહારમઠમાં સૂક્ષ્મ શરીરનાં લગ્ન થાય છે અને સ્થૂળના મરણનો ભય રાખવામાં આવતો નથી. જો ભગવાન અલખ મદન દંપતીને પરિશીલનાદિથી સિદ્ધ કરી વિવાહિત કરવા પ્રયત્ન કરે તો તેમાં ફળાદેશના કે મરણના ભયથી સાધુજનો કંપતા નથી. નવીનચંદ્રજીને ચિરંજીવશૃંગમાં મોકલવા મને એક માટે કલ્યાણધર્મ લાગે છે; જ્ઞાનભારતીને બીજા કાર્ય માટે લાગે છે. નવીનચંદ્રજીના કલ્યાણમાં મધુરીમૈયાના કલ્યાણનું નાડીચક્ર ભળેલું હોય તો અલખ પરમાત્માની તે ઈચ્છાને પેલા કલ્યાણધર્મને વહન આપનારી ગણવી ને તે ઇચ્છાથી પ્રતિકૂળ થવું તે અધર્મ છે.
શંકાપુરી - ‘આપ પરમાત્માની ઈચ્છાને પ્રબળ ગણો છો કે ગ્રહોના નાડીચક્રના અનિવાર્ય વેગને ?’
વિષ્ણુદાસ - ‘પરમાત્માના વિશ્વરૂપમાં - અલખના લખરૂપમાં - ગ્રહો અંશભૂત છે અને તેમના નાડીચક્રનું મૂળ પરમાત્માની ઈચ્છા સાથે જ સંધાયું છે અને એ નાડીચક્ર ઉપર અને આપણા સર્વના ઉપર એ પરમ ઇચ્છા ઇશરૂપે નિયન્તારૂપે - પ્રવર્તે છે. યોગશાસ્ત્રનાં, ગ્રહોનાં અને નક્ષત્રોનાં, અને એવાં અનેક નાડીચક્ર સર્વ લખ સંસારનું અદ્વૈત આપણી દૃષ્ટિમાં પ્રત્યક્ષ કરાવી શકે છે. પણ એ દૃષ્ટિ આ ચર્મચક્ષુથી ભિન્ન છે.’
શંકાપુરી - ‘પણ ગ્રહોપગ્રહની શુદ્ધ સ્થિતિ આપણા લોક ક્યાં જાણતા હતા ? આપણા લોક સૂર્યને ફરતો માનતા, હાલની વિદ્યાથી પૃથ્વી ફરતી મનાય છે, અને ગ્રહો તો ઘણા નવા શોધાયા છે. એ સર્વના અજ્ઞાનને કાળે બાંધેલાં જાતક-તાજક તો ભ્રાન્તિરૂપ જ હોવાં જોઈએ.’
વિષ્ણુદાસ - ‘અલખ રહસ્યનું શાસ્ત્ર અલખના જેવું એક અને નિત્ય છે. અલખના લખરૂપનાં શાસ્ત્રપ્રકરણ અનેક અને અનિત્ય છે, કારણ લખજ્ઞાન વ્યક્તિઓની દૃષ્ટિઓનાં મિલનોન્મિલન અને ગ્રહણશક્તિઓના ઉપર આધાર રાખે છે. નક્ષત્રશાસ્ત્ર સ્વરાજ્યનાશ પછી આ દેશમાં કુંઠિત થયું છે તે અન્યત્ર વૃદ્ધિ પામ્યું હશે. એ વૃદ્ધિથી લક્ષણ ફેરવવાં પડે પણ નવા અને જૂનાઓ ઉભયના લક્ષિત પદાર્થ લક્ષ્ય કર્યા વિના લક્ષણ ફેરવાતાં નથી, અને ગ્રહોપગ્રહોનાં નાડીચક્રોને સંબંધે નવા શોધ થયા હોય તો આપણો લખમાર્ગ તેને પ્રતિકૂળ નથી, એ શોધનથી આપણાં ગણિત ફરે તે સ્વાભાવિક છે પણ અપૂર્વ અનુભવથી જે નિયમો લક્ષ્યદૃષ્ટાઓએ શોધી કાઢ્યા છે તે સ્વપ્નજાળ જેવો છે એવો વાદો કરવો સુલભ છે પણ અનુભવથી સિદ્ધ કરવાની વાતો તો જાતે જ સ્વપ્નજાળ જેવી છે. પૃથ્વી ગોળ છે કે નહીં અને સૂર્ય ફરે છે કે નહીં ઇત્યાદિ પ્રશ્નો આપણા લક્ષ્યદૃષ્ટાઓને સૂઝ્યા હતા અને તેમના અનુયાયી પંડિતોની દૃષ્ટિ લક્ષણદર્શનથી તૃપ્ત થઈ કુણ્ઠિત થઈ ન હોત તો લક્ષ્યદૃષ્ટિ પરિપાક પામત અને તમારા પ્રશ્નનું સમાધાન થાત. જાતક-તાજકમાં ભૂલો હશે માટે તેને નિરાધાર કહેનારે પોતાની ગ્રહસ્થિતિ જાણી વેળોવેળા પોતાના ઇતિહાસ સાથે સરખાવી અને તેમ કર્યા પછી એ શાસ્ત્રના સત્યાસત્યનો નિર્ણય કરવો એ જ ન્યાય છે. શંકાપુરી, જાનકીદાસ પાસે તમારી જન્મપત્રિકા કરાવો અને એ શાસ્ત્રનું અધ્યયન અને તેના અનુભવ કરી પછી આ પ્રશ્ન પૂછો.’
શંકાપુરી - ‘નવીનચંદ્રજીનો ફળાદેશ શો છે અને શા ઉપરથી આપે કાઢ્યો ? તેના જન્માક્ષરતો આપની પાસે હશે નહીં.’
વિષ્ણુદાસ - ‘પ્રશ્ન લગ્ન કાઢી, મારી પોતાની જન્મકુંડલીના સંયોગો સાથે મેળવી, સૌ કર્યું અને તેથી સ્પષ્ટ થયું કે આ પુરુષને ઉપયોગ છે.’
શંકાપુરી - ‘તેનું ફળ શું ?’
વિષ્ણુદાસ - ‘જાનકીદાસ ! આમની જિજ્ઞાસાને તૃપ્ત કરો.’
જાનકીદાસ
‘ધીરોદારો યજ્ઞકર્માનુસારો
નાનાવિદ્યાસદ્વિચારો નરો વૈ
યસ્યોત્પતૌ જાયતે યૂપયોગો
યોગો લક્ષ્મ્યા જાયતે તસ્ય નૂનમ્
તેમાં વળી ગુરુ બીજા સ્થાનમાં હોય તો વિશેષ ફળ એવું છે કે,
સદ્રૂપવિદ્યાગુણકીર્તિયુક્તઃ
સંત્યક્તવૈરોડપિ નરો ગરીયાન્
ત્યાગી સુશીલો દ્રવિણેન પૂર્ણો
ગીર્વાણવદ્યે દ્રવિણોપયાતે
વિષ્ણુદાસ - ‘આમાં ઘણા ઘણા ગુણોનો આ નરમાં સંયોગ કહેલો છે અને તે તેમાં હોય તો તેઓ આ મઠનું પરમ કલ્યાણ કરી શકશે. ત્યાગી હોવા છતાં દ્રવ્યથી પૂર્ણતાનો યોગ તો આવા મઠના અધિષ્ઠાતાઓમાં જ સંભવે. તેઓ દ્રવ્યવાન્ હોય - દ્રવ્યનું અધિષ્ઠાન થાય; ભાર મૂકવાના સ્થાણુ પેઠે દ્રવ્યને માત્ર ભારરૂપે ઝીલે અને સાધુજનોનાં કલ્યાણકાર્યમાં એ ભારથી મુક્ત થાય અને જાતે ત્યાગી રહે. આપણા ત્રણે મઠનો નિર્વાહ આ રાજ્યના મહારાજોની કૃપાથી આ લોકની શ્રદ્ધાથી આજ સુધી થયો છે. મહારાજની કૃપાનો આધાર આપણી યોગ્યતા છે - તે યોગ્યતા નષ્ટ થાય તો એ કૃપા ભલે નષ્ટ થાય. પણ એ શ્રદ્ધા હવે લોકમાંથી યુગ મહાત્મ્યને બળે ઘસાવાની. લોકના આચાર દિવસે દિવસે અધોગતિ પામતા જાય છે અને તેમની અધોગત શ્રદ્ધા છે એવી રાખવી હોય તો આપણા સાંપ્રત સંપ્રદાયમાંથી અને આચારમાંથી ભ્રષ્ટ થઈ આપણે ઘેલા લોકના દેશમાં ઘેલાં અને ભ્રષ્ટમાં ભ્રષ્ટ થઈએ તો જ બનશે. સુંદરગિરિ ઉપરના સાધુજનો આજ સુધી એવા વિનિપાતથી મુક્ત રહ્યા છે તે આ લોકની શ્રદ્ધાના લોભમાં તણાઈ એ વિનિપાતને સમીપ આવવા નહીં દે. આપણે એ શ્રદ્ધા વિના અને એ લોકના આશ્રય વિના નિર્વાહ કરવાના માર્ગ જોઈએ. સંસારમાં કેવો યુગ પ્રવર્તે છે, તેનો ઉદ્ધાર કેમ કરવો, છતાં તેના સંસર્ગથી કેમ મુક્ત અને દૂર રહેવું, સુંદરગિરિનો ઉત્કર્ષ કેમ રાખવો, અને સાધુજનોનો ક્યા દ્રવ્યથી નિર્વાહ કરવોઃ એ સર્વ આવા દ્રવ્યયોગવાળા વિદ્યાવાન્ મતિમાન્ પુરુષ વિના બીજાને સૂઝે એમ નથી અને માટે જ હું નવીનચંદ્રજીમાં સાધુઓનો ઉત્કર્ષ જોઉં છું.’
શંકાપુરી - ‘પણ યજ્ઞકર્મનું અનુસરણ કરવાનું અલખમાર્ગમાં નથી, નવીનચંદ્રમાં નથી, અને આ શ્લોકમાં આવ્યું.’
વિષ્ણુદાસ - ‘ક્યા બચ્ચા ? સબ મેં શંકા ? આપણા સંપ્રદાયમાં યજ્ઞકર્મ નથી એમ કોણે કહ્યું ? અલક્ષ્યમાં લક્ષ્યની સ્થિતિ કેવી છે તે જણાવતાં આપણા ભાષ્યકાર કહે છે કે લક્ષ્ય વસ્તુ જ્યારે આવિર્ભાવ પામે છે ત્યારે તે યજ્ઞરૂપે જ્વલમાન થાય છે. આ સંબંધમાં ઘણીક શ્રુતિઓના આધાર આપી પોતે સમજાવે છે કે :
‘એષુ મન્ત્રેષુ પુરુષઃ પશુઃ પુરુષો હવિઃ પુરુષ એવ ચ
યજ્ઞ ઇતિ યોડયં યજ્ઞ ઉક્તઃ સ એવ લષ્યરુપો યજ્ઞઃ
સર્વત્ર પ્રજ્વલતિ સૈવેયમિષ્ટિરસ્મત્સિદ્ધાંતે
યેયં પશુમારમિષ્ટિરન્યૈઃ ક્રિયતે સા તુ નિન્દ્યાડસ્મિન્ યુગે
કલૌ ત્વેક એવાયં યજ્ઞો લક્ષ્યધર્મધારકઃ
શંકાપુરી ! અલકના લખયજ્ઞનો કર્મવિધિ અવકાશે જ્ઞાનભારતી પાસેથી કે વિહારપુરી પાસેથી શીખી લેવાનો અધિકાર તને આપું છું. એ યજ્ઞકર્મમાં નવીનચંદ્ર ઉત્તમ કૃતિ કરશે. એ એકલા દ્રવ્યના જ ત્યાગી થઈ તૃપ્ત નહીં થાય. તેમનો ત્યાગ અનેકધા સૂક્ષ્મ થશે - દ્રવ્યનો ત્યાગ, દ્રવ્યનો હોમ, દ્રવ્યનો બલિ - એ સર્વ આ સૂક્ષ્મ ત્યાગના યજ્ઞમાં સાધનભૂત થશે. અને મધુરીમૈયાની સૂક્ષ્મ પ્રીતિના યોગનો યોગી એ પ્રીતિમાંથી સ્થૂળ તો શું પણ અનેકધા સૂક્ષ્મ યજ્ઞવિધિ રચી સૂક્ષ્મ આહુતિઓ આપશે, સૂક્ષ્મ ત્યાગ કરશે, અને એ યજ્ઞની સૂક્ષ્મ અલક્ષ્ય ને લક્ષ્ય ઉભય જ્વાળાઓને યદુશૃંગના સાધુજનો એક દિવસ પ્રત્યક્ષ કરશે એવો મારો સિદ્ધાંત છે ને એવી મારી શ્રદ્ધા છે. બચ્ચા શંકાપુરી, જે સંસારનો તેં ત્યાગ કર્યો છે તેમાં સર્વપદાર્થ સ્થૂળ દૃષ્ટિથી જોવાય છે તે સંસ્કારનો અને તે અભ્યાસનો ત્યાગ કરી યદુશૃંગ ઉપરના સર્વ પદાર્થોને અધ્યાત્મદૃષ્ટિથી જોવાનો સૂક્ષ્મ સંસ્કારોને પ્રાપ્ત કર અને તે સંસ્કારોને તારા સૂક્ષ્મ દેહમાં અભ્યસ્ત કર.’
શંકાપુરી - ‘જી મહારાજ, પ્રસ્તુત વિષયમાં આપે મારી શંકાઓનું સમાધાન કર્યું છે તેનું હું મનન કરીશ. આપે સૂચવેલા માર્ગથી હું આપની કૃપાનો અધિકતર પાત્ર થઈશ.’
શાંતિદાસ - ‘જી મહારાજ, હવે કાંઈ મારી શંકાઓનું પણ સમાધાન કરવાની કૃપા કરશો ?’
વિષ્ણુદાસ - ‘તમારા અધિકારનો વિષય હશે તો તમારું સમાધાન થશે.’
શાંતિદાસ - ‘પુરુષ અને સ્ત્રીનો એકત્ર એકાંત સમાગમ થવા દેવો અને પછી તેમના સ્થૂળ શરીર દૂર રહેશે એવી કલ્પના સ્થૂળ શરીરની શક્તિથી વિરુદ્ધ નથી ? તે એકાંતમાં મળે એટલે બીજી વાતો ખોટી અને એક વાત ખરી.’
જુઓ, જુઓ, ભાઈ શંખભારતીને શંકા થઈ. ઊઠ, ભાઈ, ઊઠ. બહાર જઈએ ને તારી વિડંબનામાંથી ગુરુજીને મુક્ત કરીએ. હું તારું સમાધાન કરીશ.’ શંકાપુરીએ કહ્યું.
શાંતિદાસ - ‘હવે તું તે શું સમાધાન કરવાનો હતો ? ઘરની સ્ત્રીનો ત્યાગ કરી બિન્દુમતીનું પરિશીલન કરતાં ફાવ્યો નહીં તે જ તું કે નહીં ?’
‘ખરેખરો શંખભારતી છે. કૂટ માથું.’ શંકાપુરી એક પાસે મૌન રાખી બેઠો. જાનકીદાસે હસવા માંડ્યું. જ્ઞાનભારતીને કંઈક ક્રોધ થયો જણાયો. વિહારપુરી ચમક્યો. વિષ્ણુદાસ શાંત રહી સાંભળી રહ્યા ને અંતે બોલ્યા :
‘શાંતિદાસ, ઉત્તમ ગ્રહદશાને બળે કોઈક મહાત્માઓને સંયમ એવે કાળે પણ અચળ રહી શકે છે; અધમ ગ્રહદશાને બળે કોઈક દુષ્ટ જનો સ્ત્રીશૂન્ય દેશમાં પણ સ્ત્રીઓને ફસાવે છે અને વિષયને શોધે છે. સંસારીઓનો તમને અનુભવ છે. તેમાં મોટો ભાગ મધ્યમ પક્ષનો છે - તેમને સ્ત્રીપુત્રની વાસના હોય છે, તેમનામાં પાશવ કામ સર્વદા જાગૃત હોય છે, અને એ કામ વિના અન્ય કામને તેઓ ઓળખતા નથી, માટે જ ગમે તે સ્ત્રી અને ગમે તે પુરુષનો યોગ રચી - તે યોગને વિવાહનું નામ આપી - તેથી તૃપ્ત થાય છે. જે સૂક્ષ્મ પ્રીતિથી મનુષ્યની સ્થૂળ વાસના સૂક્ષ્મ સંયમને વશ થાય છે તે પ્રીતિનું કે સંયમનું સંસારને ભાન નથી. માટે જ ત્યાં સ્ત્રીપુરુષ પરસ્પર વિશ્વાસ કરતાં નથી અને એકબીજાથી ડરતાં ફરે છે. વિહારમઠમાં તો વિવાહિત અને ગૃહસ્થ સાધુઓને અમુક મર્યાદામાં સંયમ પાળવો પડે છે અને મૂર્ખ સંસારીઓ બહુધા અનિયમનને સ્થાને નિયમ પાળે છે નિયમને સ્થાને અનિયમ પાળે છે, ત્યારે કામશાસ્ત્રનું સૂત્ર છે, કે શરીરસ્થિતિહેતુત્વાદાહારધર્માણો હિ કામાઃ ફલભૂતાશ્ચ ધર્માર્થયોઃ એ સૂત્રમાં સમર્થાશ્ચલક્ષ્યસૂક્ષ્માવબોધને એટલો પાઠ વધારી તેનું રહસ્ય સારી રીતે સમજી લઈ વિહારમઠના દંપતીઓ એ શાસ્ત્રની મર્યાદામાં વિહરે છે, અને એ દંપતીઓ પોતાનાં સ્થૂળ શરીરને પણ વૈદ્યકશાસ્ત્રની અને કામશાસ્ત્રની નિયંત્રણાઓને વશ રાખે છે. આથી સ્ત્રીપુરુષનો સંબંધ અહીં અધ્યાત્મક ગણાય છે ને સ્ત્રીઓ ઉત્કર્ષ પુરુષથી ન્યૂન ગણાતો નથી. નવીનચંદ્રજી તમારા સંસારમાંથી આવ્યા છે તે છતાં આ વિષયોમાંના ઉત્કૃષ્ટ ભાગ તેમને હસ્તામલક જેવા છે, તેમને સૂક્ષ્મ પ્રીતિમાં અને સૂક્ષ્મ ત્યાગમાં જન્મસિદ્ધિ છે, તેમના ઉત્તમ ગ્રહ પણ એમને એમાં શક્તિ આપે છે, અને ભ્રષ્ટ સંસાર વિના અન્ય પદાર્થના જ્ઞાન વિનાની તમારી બુદ્ધિ જે સમાગમની કલ્પનાથી કંપે છે તે સમાગમકાળે, ઉર્વશી પાસે અર્જુને દર્શાવ્યો એવા સ્વભાવસિદ્ધ સંયમમાં અચળ રહેવાની નવીનચંદ્રજીની શક્તિ છે એવું મારું ગણિત છે. યદુશૃંગ ઉપરના સાધુઓ સ્ત્રીપુરુષોને અધ્યાત્મદૃષ્ટિથી જુએ છે અને તેમના સ્થૂળ વિકારોને અધર્મ્ય વિકાસ આપવા દેવાના માર્ગ બંધ રાખવામાં આવે છે અને ધર્મ્ય પરિણામ પામવામાં અંકુશ રાખવામાં આવતો નથી - માટે જ આ ઘડીએ ચંદ્રાવલીમૈયા નવીનચંદ્રજી સાથે અત્યારે સર્વ સાધુજનોને વિદિત રહી એકાંત ગોષ્ઠિ કરવા ગયાં હશે તે છતાં તેમની પવિત્રતા ઉપર શંકાપુરીને પણ શંકા થઈ નથી. તમારા સંસારમાં તો એવા બનાવથી મધપૂડો ઉરાડ્યો હોય તે તેની માખો ગણગણે ને દંશ દે એવી મધમાખોની દશાને લોક પ્રાપ્ત થાય અને આ બે પવિત્ર સ્ત્રીપુરુષના આત્માને ન ઓળખતાં એ લોક તેમનાં શરીરને જ દેખે અને વિપરીત ભાવનાઓ કરવા બેસે. એ સારની ભાવનાઓનો તમે હવે ત્યાગ કરો, અને યદુશૃંગની નવીન વિશુદ્ધ ભાવનાઓને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. જ્ઞાનભારતી, શાંતિદાસને આ ભાવનાઓ પ્રાપ્ત કરાવવાનું કામ તમારા મઠમાંના કોઈ સાધુને સોંપજો.’
શાંતિદાસ પ્રસન્ન થયો. એ ને શંકાપુરી રજા લઈ બહાર ગયા. રહેલા મંડળ સાથે વાર્તા વધી.
વિષ્ણુદાસ - ‘હવે મારે તમને ત્રણેને એકાન્ત કરવાની છે; ગુપ્ત છે ને ગુપ્ત રાખવાની છે.
ત્રણે જણ સજ્જ થયા.
વિષ્ણુદાસ - ‘કાલથી પાંચ દિવસ મારો દેહ જીવ વિનાનો એકલો પડ્યો રહેશે તેનું રક્ષણ, તમોએ ગુપ્ત મંત્ર રાખી, કરવું.’
‘જી મહારાજ, આપની આજ્ઞાથી કોઈ પદાર્થમાં વિશેષ નથી તો આપના શરીરસંરક્ષણમાં તો પૂછવું જ શું ?’ વિહારપુરી બોલ્યા.
‘એમાં કાંઈ શંકા જ ન કરવી.’ જાનકીદાસ બોલ્યો.
જ્ઞાનભારતી - ‘સર્વ તેમાં સાવધાન ને સજ્જ છીએ.’
વિષ્ણુદાસ - ‘આ શરીર હવે જર્જરિત થયું છે અને નવીનચંદ્રજીને સિદ્ધ કરવામાં મારાથી હવે એક જ ક્રિયા થઈ શકે એમ છે. તેને અનેક ભાષાઓનું જ્ઞાન છે અને અનેક વિદ્યાઓ ને સંસ્કારો તેની બુદ્ધિમાં ભરાયાં ભર્યા છે. તેની સ્થૂળ તો શું પણ સૂક્ષ્મ વાસનાઓ પણ આપણને પરોક્ષ છે. એની વાસનાઓ એવી તો સૂક્ષ્મતમ છે કે તેને દગ્ધ થવાનો કાળ બહુ દૂર નથી. એ અસંપ્રજ્ઞાત યોગના અધિકારી છે અને જપાકુસુમ જેવી એની સૂક્ષ્મ વૃત્તિઓનો નિરોધ થશે તો એ પરમ અલક્ષ્ય સ્વરૂપમાં અવસ્થિત થશે. કાલથી પાંચ દિવસમાંની અનુકૂળ રાત્રિઓમાં અનુકૂળ મુહૂર્તોમાં હું તેમના શરીરમાં પ્રવેશ પામવા યત્ન કરીશ અને મારા ચિત્ત દ્વારા એમના ચિત્તમાં પ્રવેશ કરી એ ચિત્તની વૃત્તિઓનો દાહ કરવા પ્રયત્ન કરીશ. બાકીના કાળમાં હું મારે પોતાને અર્થે જ યોગસ્થ રહીશ. એ રાત્રિઓમાં મારા શરીર બહાર નીકળેલા ચિત્તની વિદેહાસિદ્ધિના યોગથી નવીનચંદ્રજીને પણ પ્રકાશાવરણનો યથાપ્રારબ્ધ ક્ષય પ્રાપ્ત થશે. હું જાતે એ દશામાં મૂર્ધ-જ્યોતિમાં સંયત થઈ સિદ્ધદર્શન કરીશ, અને મારા અને નવીનચંદ્રજીના ચિદ્ધાતુ જેટલા સંગત હશે, તેટલા પ્રમાણમાં જે સિદ્ધોને હું જોઈશ તેને એ પણ કંઈ જોશે. જે વિષયોમાં હું આ શરીરે નવીનચંદ્રજીની જિજ્ઞાસાને અને વાસનાને શાંત કરવા શક્ત નથી તેને એ સિદ્ધ પુરુષો શાંત કરશે. બીજું કાંઈ નહીં થાય તો એ દર્શનથી ઋતંભરા પ્રજ્ઞાનાં બીજ એમના હૃદયમાં પડશે.’
વિહારપુરી - ‘અંગ્રેજી વાસનાને સિદ્ધજન શું કરશે ?’
વિષ્ણુદાસ - ‘યમદ્વારની પેલી પાસ સત્યપુરુષોનાં સૂક્ષ્મ શરીર સાર્વભાષિક સિદ્ધરૂપે જીવે છે અને તેમાં આર્યઅનાર્યનો ભેદ નથી. જે સિદ્ધરૂપ નવીનચંદ્રજીને અભિમત હશે તે જ એમને પ્રત્યક્ષ થશે. એમના ચિત્તસરોવરમાં નિર્મળી નાખી હોય તેમ આ દર્શનથી તેમાંના સર્વ લીલ અને મળ છૂટાં પડશે, તેમની સર્વ શંકાઓનું સમાધાન થશે. અને સૂર્યના પ્રકાશથી અંધકાર નષ્ટ થાય અને સદ્ધસ્તુઓ દૃષ્ટ થાય તેેમ નવીનચંદ્રના ચિત્તમાં તેમની યોગ્યતા પ્રમાણે થશે.’
જ્ઞાનભારતી - ‘આપની શક્તિ તેમના કરતાં અનેકધા વિશેષ છે; આપ જાતે જીવનમુક્ત છો અને આવા સાહસ વિના તૃપ્ત, કૃતકૃત્ય અને મુક્ત છો. જેમ આપે સર્વ વિદ્યાને સંપાદિત જાતે કરી તેમ એ ભલે કરે, પણ આમ હઠદાન કરવાનું કારણ શું ? એ મહાસાહસ આરંભવા જેવું ફળ દેખાતું નથી.’
જાનકીદાસ - ‘નવીનચંદ્રજીને ગ્રહયોગ જ સિદ્ધિ છે તો આપનું આ અતિસાહસ નિરર્થક છે.’
વિહારપુરી - ‘જી મહારાજ, આપને અને અમને અભયને મોક્ષવસ્તુ જ્ઞાનસાધ્ય છે તો તે ટૂંકો માર્ગ મૂકી કેવળ સાવધાનરૂપ યોગસિદ્ધિના વિકટ માર્ગ અન્ય મિથ્યાપ્રપંચ જેવા લાગતા નથી ?’
વિષ્ણુદાસ - ‘જો આટલીું કર્તવ્ય હોય તો સાહસ-અસાહસનો વિચાર કર્તવ્ય નથી. કેવળ પરમ અલક્ષ્ય તત્ત્વનો વિચાર કરીએ તો, વિહારપુરી, તું જે કહે તે જ સત્ય છે. પણ જો એ અલક્ષ્યના લક્ષ્ય સ્વરૂપના ધર્મ વિચારીએ તો જે ન્યાયે કૃષ્ણપરમાત્મા પાંડવોના સાધનભૂત થતા હતા તે જ ન્યાયે આ વસ્તુ કર્તવ્ય છે. ઈશરૂપ લક્ષ્યપરમાત્મા અનીશ જીવના ઉપર કૃપા કરી તેનો પોતાના દૃષ્ટિપાત વડે પોતાનું સામ્ય આપે છે. તે જ કૃપાને સ્થાને ઈશનું સામ્ય પામેલા જીવસ્ફુલિંગ અન્ય જીવો પર પ્રીતિ રાખે છે અને પ્રીતિને બળે તેને પોતાનું સામ્ય આપે છે. એક તરુ ઉપર વળગેલા ઈશ અને અનીશની તેમ અનીશ અને અનીશની, વચ્ચે આવાં નાડીચક્ર છે. સત્પુરુષોની ઊર્ઘ્વગતિમાં અને અસત્પુરુષોની અધોગતિમાં આ ચક્ર સાધનભૂત થાય છે. મારી અને નવીનચંદ્રજીની વચ્ચે તેમ તેની અને સાધુજનોની વચ્ચે આવું નાડીચક્ર બંધાઈ ચૂક્યું છે, અને નવીનચંદ્રજી મારી જોડે એક નાડીથી સંધાઈ ઊર્ઘ્વગતિ પામે તો તે મારો લક્ષ્ય ધર્મ છે. વિહારપુરી, નવીનચંદ્રજી જાગૃત અવસ્થામાં કે સ્વપ્નમાં આ નાડીસંયોગનું આકર્ષણ અનુભવશે અને તેથી ઊતરતે પ્રકારે મધુરીમૈયા તેમની સાથે સત્ય નાડીબંધથી સંગત હશે તો એ પણ આકર્ષણના હેલારા અનુભવશે. અન્ય વિરાગમૂલક સંપ્રદાયમાં લક્ષ્યધર્મનો અનાદર કરી અલક્ષ્ય સાધન શ્રેષ્ઠ ગણાય છે; પણ આપણામાં તો લક્ષ્યધર્મનો આદર કરીને જ અલક્ષ્યાવગાહન થાય છે.
લક્ષ્યધર્માન્ સમાદૃત્ય લક્ષ્યાત્મા લક્ષતે સ્વયમ્
અલક્ષ્યે ચાવગાહેત સોડયમાત્મપ્રબોધવાન્
એ મંત્રનું રહસ્ય તો આવા લક્ષ્યધર્મથી જ સધાય છે. પરસ્પરનું ઉદ્બોધન કરવું એ આ ધર્મોમાં પરમધર્મ છે તે સાધવાનો વારો આજ મારે શિર છે, કારણ કે ધારેલું કાર્ય મારા વિના બીજાથી સાધ્ય નથી. બચ્ચા વિહારપુરી, જે સ્વરૂપે લક્ષ્યધર્મ વિહારમઠમાં શિષ્ટ છે અને જેનો ત્યાગ આપણે કરીએ છીએ તે ધર્મપ્રાપ્ત ત્યાગ ત્યાગકામી થઈને નથી કરતા. પણ એ ત્યાગ જાતે જ લક્ષ્યધર્મ થાય છે ત્યારે આપણે તેને સ્વીકારેએ છીએ. તો પછી નવીનચંદ્રજી જેવા સાધુરત્ન પ્રતિ આવી સૂક્ષ્મ લક્ષ્યધર્મ પાળવો એ તો સર્વ સાધુજનોને અલક્ષ્યમાં અવગાહન કરાવવાનો માર્ગ જ ગણવો.’