બયૈરા તાથી બઇરા
હવે દિવસ બહુ લાંબા લાગે છે.દિકરા,દિકરી મોટા થઈ ગયા, જવાબદારી પણ ઓંછી થઈ ગઈ. કામની પણ બધા વચ્ચે વહેચણી થઈ ગઈ. હવે દિવસમાં મારા કેટલાયે કલાકો નિષ્ક્રિય રહે છે. ફોનની રીગ વાગતા, સુરેખા વિચારોમાંથી બહાર આવી. તેણે ફોન ઉપાડ્યો.”હેલો.. કોણ?”
સામેથી જવાબ આવ્યો. ‘હું શ્યામા’
રાજીના રેડ થઈ સુરેખા બોલી,”ઓં...હો..., શ્યામા,બહુ દિવસે તને મારી યાદ આવી.!”કેમ છે?”
શ્યામાએ કહ્યું:” મજામાં છુ,તું કેમ છે?”
સુરેખાએ ઠંડા શ્વાસે કહ્યું: ”શાંતિ છે.”
એમ...? તો પછી થોડીવારમાં હું તને મળવા આવી, તું ઘરે જ રહેજે. 'હા,હું તો ઘરે જ છુ. જલદી આવીજા.... મને પણ ગમશે, હું તારી રાહ જોંઉ છુ.આમ સુરેખા ઉત્સાહથી બોલી. સુરેખાના શરીરમાં જાણે નવચેતન આવી ગયું.
ત્યાજ ડોરબેલ વાગી.અરે..,આટલી જલ્દી...આવી પણ ગઈ,એમ વિચારતા,ઝડપથી સુરેખા દરવાજા તરફ ગઈ અને દરવાજો ખોલતા, સામે જમનાદાસ હતા. સુરેખાના પતિ. અરે,તમે આટલા જલ્દી,તબિયત તો સારી છે ને? તીખી નજરથી ઘુરતા, રૂક્ષ અવાજે,સુરેખા ને જમનાદાસે કહ્યું: હા,આજે શનિવાર છે, અડધો દિવસ,ભૂલી ગઈ? હા..હા બરાબર, છોકરાઓ ભણતા ત્યારે તેમની સાથે મને પણ તારીખ,વાર,યાદ રહેતું. મનમાં બબડતા તેને દરવાજો બંધ કર્યો. જમનાદાસે બેગ સુરેખાના હાથમાં આપી,અને સોફા પર બેઠા. સુરેખાએ પતિ માટે પાણી લાવી આપ્યું.
ત્યાં ડોરબેલ વાગ્યો, અને સુરેખા ઝડપથી દરવાજા તરફ ગઈ,અને સામે હતી,જેની કાગડોરે રાહ જોઈ રહી હતી તે શ્યામા, પહેલા જેવી જ હસમુખી અને સુંદર. `કેમ છે સુરેખા..?’ શ્યામા એ ખુશ થઈ પૂછ્યું, અરે...આવ...આવ... હવે તું આવી ગઈ છે તો બહુ મજામાં છુ.આવ ઘરમા આવ...
સોફા પર બેઠેલા જમનાદાસને જોતા શ્યામા એ પૂછ્યું, ‘કેમ છો જીજાજી....?’
અરે શ્યામા આવ...આવ....’જમનાદાસે આવકાર આપતા બેસવા કહ્યું.ઘરે બધા મજામાં ?,
‘તું જીજાજી સાથે વાત કર હું ચા નાસ્તો લઈ આવુ, ’કહી સુરેખા, રસોડા તરફ જઈ રહી,ત્યાં શ્યામા એ તેનો હાથ પકડી કહ્યું: એ બધું પછી,પહેલા તું અહી બેસ,મને તારું કામ છે.
ટેબલ પર પડેલ પેપર લઈ જમનાદાસ વાચવા લાગ્યા.
“સારું બોલ શું કામ છે?’ સુરેખા તેની પાસે બેસતા બોલી.
સુરેખા તને ખબર છે કે હું આપણા સામાજ ના મહિલા મંડળ માં જોડાયેલ છુ.!
‘હા મને ખબર છે.’
આ વર્ષે મહિલામંડળ તરફ થી આપણા સમાજની મહિલાઓ માટે વિનામુલ્યે અલગ અલગ વર્ગો ચાલુ કરવાના છે.જેના વડે મહિલાઓ પગભર બની શકે,અને ઘરબેઠા આવક મેળવી શકે,અને તેઓમાં આત્મવિશ્વાસ આવે. આ કામ માટે ટીચર શોધવાની જવાબદારી મને સોપવામાં આવી છે.
“અરે વાહ....આ તો બહુ સારું કામ કહેવાય...”દરેક સ્ત્રીમાં કઈક ને કઈક આવડત તો હોય જ છે, બસ તેણે થોડા માર્ગદર્શન ની જરૂર હોય છે.સુરેખાએ કહ્યુ.
એકદમ સાચું સુરેખા.. ને બસ આ માટે જ હું તારી પાસે આવી છુ.મને ખબર છે કે તને હેન્ડવર્ક ખુબ સરસ આવડે છે.તમારા રસોડામા પરસેવે રેબઝેબ થતી છતા,તારા દાદી પાસે તુ રસોડામા બેસી હેન્ડવૅક શીખતી હતી ત્યારે તે કેટલી સરસ સાડી,ડ્રેસ ને બીજુ બધુ હેન્ડવૅક પણ કયુઁ હતુ,
બીજા બધા ટીચર તો મે શોધી લીધા છે,પણ હેન્ડવર્ક માટે મે તારી પસંદગી કરી છે. અને તે માટે તારે મંડળ સ્થળે અઠવાડિયાના ત્રણ દિવસ આવવાનું રહેશે. અને તેના માટે તને પગાર પણ આપવામાં આવશે.બોલ તારી શી ઈચ્છા છે?
સુરેખા આ પ્રસ્તાવ સાંભળી ખુબ ખુશ થઈ ગઈ, કારણકે તે જ્યારથી સમજતી થઈ હતી ત્યારથી સમાજસેવા કરવાની એક ઉત્ક્ઠં ઈચ્છા હતી.જે આ દ્વારા પૂરી થઈ શકે તેમ હતી. જીવનના કેટલાય વર્ષ પરિવાર માટે કાઢ્યા, હવે પોતાના માટે કંઈક કરવાનો મોકો મળે છે તો જરૂર કરીશ. અને તેના માટે હું પગાર પણ ના લઈશ.
સુરેખા....સુરેખા...શુ વિચારે છે..? શ્યામા એ સુરેખાને ઢંઢોળતા પૂછ્યું,
શ્યામા..તને તો ખબર જ છેને મારી વર્ષો જુની ઈચ્છા છે કે હું મારી કળા નો વરસો બીજાને આપુ.
શ્યામા ખુશ થઈ ગઈ,અરે વાહ...મતલબ કે તું હેન્ડવર્ક શીખવવા આવશે.....!
થોડા મજાકના મૂડમાં વાંકી નજરે, જમનાદાસજીની તરફ ઈશારો કરતા શ્યામા બોલી.. તું જીજાજીને પૂછશે નહી? બોલો જીજાજી શુ કહેવું છે તમારૂ ..? સુરેખાના હેન્ડવર્ક પર તો તમે પણ ફિદા છો.તો તમે સુરેખાને પરવાનગી આપશો કે તે સમાજમાં તેની કલાનો વારસો બીજાને આપે.
`હં.. સમાજ’ પેપર ને ટેબલ પર પછાડી બોલ્યા, સમાજે શુ આપ્યું અમને? ક્યારે મદદે આવ્યા કે અમે તેમને માટે કઈક કરીએ.?
શ્યામા ફાટી આંખે જોતી જ રહી ગઈ. સુરેખા પણ સ્તબ્ધ થઈ ગઈ. થોડી સ્વસ્થ થતા મક્કમ સ્વરે શ્યામા બોલી: “જમનાદાસજી જીવનમાં હમેશા જ્ઞાનને નદીની જેમ વહેતું રાખવું જેથી તે બીજાને ઉપયોગી બને.” સુરેખા પણ ડરતા ડરતા બોલી: શુ હમેશા સમાજ પાસે લેવાની જ ઇચ્છા રાખવાની?
જમનાદાસ ગુસ્સે થઈ બોલ્યા: શ્યામા તારું ભાષણ તારા મંડળ માં આપજે. અને સુરેખાને આંખોથી ડરાવતા રસોડા તરફ ઈશારો કરતા કહ્યું: જા મારા માટે ચા મૂક, મારું માથું દુખતું કરી દીધું.
સુરેખા કઈ જ બોલી ના શકી, તે શ્યામા સાથે નજર પણ ના મેળવી શકી.સમય નો તકાજો જોઈ શ્યામા ત્યાંથી જતી રહી. સુરેખા પણ રડતી રડતી રસોડામાં જતી રહી,અને ગ્યાસ પર ચા મુકી, સળગતા ગ્યાસને જોઈ, તેણે તેના દાદીના શબ્દો યાદ આવી ગયા,"બરયો..,બયૈરા અવતાર!”
*****