યાદ- સ્મૃતિ જીવનની HETAL a Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાદ- સ્મૃતિ જીવનની

યાદ સ્મૃતિ જીવનની

ગોહિલ હેતલ ચૌહાણ

વાસંતી છાંટો.

ધીરે ધીરે તારી યાદો,

જાણે વાસંતી છાંટો……

એકલતામાં રોજ આવે,

તારી ઝરમરતી સોગાતો;

ધીરે ધીરે તારી યાદો, જાણે વાસંતી છાંટો…..

પંખીના કલરવમાં હોયે,

જાણે કાળી કાળી રાતો;

ધીરે ધીરે તારી યાદો જાણે વાસંતી છાંટો…

મઘમઘતો આ મોગરો,

લઈ આવે ખારી વાતો;

કે તારી યાદોમાં સમાણી,

મારી સપનાની વાતો.

ધીરે ધીરે તારી યાદો,જાણે વાસંતી છાંટો……

***

એ…..તેજ

એક એક પાંદડીએ ભેગું કરેલું તેજ એ,

હાથમાં લીધું જરા થઈ ગયું ભેજ એ.

“હું”કારનો શબ્દએક હુંકારમાં રહ્યો ન એ,

આજે જ આવ્યો ને આજે જ ગયો એ,

મેં સુગંધી વાયરા ને જરા ચૂંટી લીધો તો,

એ જ સુગંધનાં નશામાં ગુસ્સે થયો એ.

રાત આખી સપનાઓ ગૂંથતી રહી હૂં,

ને મને લઈ ચાલ્યો ઊભી બજારે એ.

ન આવ્યો કોઈનોય સંકેતમાં પણ પત્ર,

આવ્યો ત્યારે ન રહ્યો સમીસાંજનો એ.

***

આંખોમાં નથી રહ્યાં પાણી…

આંખોમાં સિંદુરી સપનાઓ લઈને,

હાલી એક આંખ કુંવારી,

કે સજનજી, હવે આંખોમાં નથી રહ્યાં પાણી …

નદીનાં જળની કોરીકટ્ટ વાણી,

અમે જાણી જાણી તોયે ના બૂજાણી,

કે સજનજી, તમે બૂજોને અમે લૈં જાણી…

કે સજનજી, હવે આંખોમાં નથી રહ્યાં પાણી…

સોગઠી રમતાં’તા અમે વારી વારી,

તમે જીત્યા તો યે અમે રહ્યાં હારી,

કે સજનજી, અમે લઈ બેઠા કોમળ કટારી…

કે સજનજી, હવે આંખોમાં નથી રહ્યાં પાણી…

ઓ સજન તમે વરસાદી વાયરાનાં પાણી,

મારી આંખોમાં તારી યાદો ભરાણી,

કે સજનજી, તારી વાટમાં આખ્ખી જિંદગી ખરચાણી……

કે સજનજી, હવે આંખોમાં નથી રહ્યાં પાણી….

***

ને પછી…

ને પછી નયનનાં બંધ દ્વારને પૂછો;

ને ફક્ત આવવાનાં એના એંધાણને પૂછો,

ને પછી નયનથી વ્હેતાં નદીનાં નીરને પૂછો;

ને વેધક તીર બનીને નીકળતા શબ્દોને પૂછો,

ને પછી રહ્યુંનાં મારી હયાતીનું એક તણખલું પણ;

ને આવ્યા તમે ત્યારે એ સપનાનાં શણગારને પૂછો,

ને પછી સાંજનો સમય, ખાલી અગાસીને પૂછો,

ને તારી યાદોથી સભર સુની આ આંખને પૂછો.

ને અમે તો રાહ જોશું અંતિમ ક્ષણો સુધી ,

ને તમે ન આવ્યા, કેમ? તમારા હ્રદયને પૂછો.

***

બનશે નહીં….

એ હકીકત કદી બનશે નહીં;

તું આવશે…?, કદી બનશે નહીં.

ઘણી દુઆઓ કરી તારા માટે;

ફળશે... ? કદી બનશે નહીં.

સાંજ પડે ને તું જાગે મનમાં;

સ્વયં તું આવીશ…? કદી બનશે નહીં.

તારા ગણું તારા માટે રોજ રાતે;

તું ચંદ્ર …..કદી બનશે નહીં.

લે ‘હેત’જોઈ લે તારી સાદગી;

પામી શકીશ તું એને?..કદી બનશે નહીં.

***

કારણ હોય છે…

ન મળવાનું તને, કોઈ કારણ હોય છે,

ને છતાં, તેનું ન કોઈ તારણ હોય છે!

સૂરજને ઊગવાનું, ન કોઈ ભારણ હોય છે ,

ને છતાં, તેની પણ પારણ હોય છે!

રોજેરોજ કંઈ તારા સંગે ચંદ્રને ચમકવાનું હોય છે ?

ને છતાં પણ, આકાશે ઘોર અંધારું હોય છે!

માળીને થોડું ફુલને ચુંટવાનું હોય છે?

ને છતાં, સાંજ પડે ફુલને તો ખરવાનું હોય છે!

હકીકત છે તેથી હકીકતે કંઈ સ્વિકારવાનું હોય?

આમ છતાં, સપનામાં થોડું જીવવાનું હોય છે !

સાંભળ ‘હેત’ સાંભળ; આ તે કંઈ સાંભળવાનું હોય છે?

ને છતાં, એક કાનેથી બીજે કાને આમ કાઢવાનું હોય છે!

***

સપનાઓ લઈ ગયો.

આંખમાંથી તારી યાદનો દરિયો વહી ગયો;

શંખ,છીપ, મોતી સાથે સપનાઓ લઈ ગયો.

રોજ ખાલી સાંજનો, પવન સરી ગયો;

ધૂળ,રેતી,કાંકર ને આંગણ લઈ ગયો.

ઝાડ ઉપર બેસતો, એ પોપટ ઉડી ગયો;

રંગ, રૂપ,સાજ ને શણગાર લઈ ગયો.

બાકી રહ્યું કશું નહીં, એકરસ થઇ ગયો,

હાડ,ચામ,જીવ ને ધબકાર લઈ ગયો.

સ્મશાને જઈ ‘હેત’રાખ થઈ ગઈ;

હતી અધૂરી આ ગઝલ; એ ગઝલ લઈ ગયો.

***

બેઠા રહ્યાં.

દર્દની આહ્ ભરી બેઠા રહ્યાં,

તમને સતત યાદ કરી બેઠા રહ્યાં.

પુછી સકુનાં એક પણ પશ્ન એવો;

તમે સતત આમ કેમ મળતા રહ્યાં?

આંખમાં રણ બની ઝાકળ સમા ખરતા રહ્યાં;

હા, શોધી વળ્યા અમે ચારેતરફ;

તમે સતત પડછાયે મળતા રહ્યાં.

***

એક છોકરી.

એક છોકરીની નાનેરી આંખ,

તેમાં સપનાઓ ભર્યા લાખ લાખ;

એક એક સપનું તેના હૈયાનો તાર,

ને તાર માંથી સુર છુટ્યા સાત;

એ તો ફુલોને પ્રેમથી રે ચૂંટતી;

એમ ચૂંટે એ સપનાઓ સાત સાત;

એક છોકરીની નાનેરી આંખ………

એની આંખો અરીસો છે સાચો;

એમાં સઘળી ઊભરાઈ આવે વાતો;

આંખોને બંધ કરી સુરજને કરતી ઈશારો;

ને તારલીયા સંગે સાતતાળી રમવાને આવે ચાંદો.

એક છોકરીની નાનેરી આંખ……

(2)

એક છોકરીની આંખમાં છે ઝરમર વરસાદ;

એમાં ભીંજાણી એના એ સપનાની વાત.

આંખો હતી એની સંધ્યા સાંજ;

ને ઉડી ગઈ એની એ ભવોભવની મીરાત.

લાગણીઓ વરસી ગઈ કેવી ધોધમાર;

ડંખી ગ્યો કેવો! એનો શમણાંનો સાથ.

રોજ રોજ કરતી’તી મોગરાની વાત,

એની આંખો હસતી’તી લઈ તારું નામ.

હોઠો પર સ્મિત, કેવું સુંદર શરમાય!

રાતભર સપનાઓ ગૂંથતી તારે નામ;

એક છોકરીની આંખમાં છે ઝરમર વરસાદ.

કોને ખબર કે શું થઈ વાત?

આંખોમાં ઉમટ્યા શ્રાવણ બારેમાસ….

એક છોકરીની આંખમાં છે ઝરમર વરસાદ;

એમાં ભીંજાણી એના એ સપનાની વાત.

***

સામસામે.

સામસામે બેઠા રહીએ,

કાચ સામે બેઠા રહીએ.

ઉપર હોય ધૂંધળું આકાશ,

સાગર પાળે બેઠા રહિએ.

લાવ જરા હાથ તારો હાથમાં,

હાથ સાથે હાથ મેળવતા રહીએ.

હોય છે પ્રેમથી ભરેલી નજર,

નજર સાથે નજર મેળવતાં રહીએ.

આમ તો રોજ સપનાઓમાં મળો છો,

ચાલ,હવે યાદોમાં મળતા રહીએ.

********