Vicharna sathvare - 2 books and stories free download online pdf in Gujarati

વિચારના સથવારે - 2 - સ્ત્રી- એક નવું પગરણ.

સ્ત્રી એટલે શું? તેને માટે એક શબ્દ, એક વાક્ય, એક કવિતા, કે એકાદ વાર્તા કે નવલકથા ? કે એક મહાકાવ્યનો પ્રારંભ! કોઈ અબળા તો કોઈ સબળા. કોઈ સુંદરતાનો પર્યાય છે તો કોઈનાં માટે આ જ સુંદરતા અભિશાપ બની જાય છે. કોઈ શક્તિ છે, કોઈ સહનશક્તિ. કોઈ માનીની તો કોઈ સ્વાભિમાની તથા કોઈ અભિમાની પણ ખરી. અહીં સ્ત્રીને શોધવા નીકળવું પડે. સ્ત્રીને કંઈ એક પરિભાષામાં બાંધવી અશક્ય છે.
સ્ત્રી કોઈ વસ્તુ કે શોભાની કઠપૂતળી નથી. તે પણ લાગણીઓથી છલોછલ ભરેલી નદી છે. તેમાં તમે છબછબિયાં કરવાની ભૂલ તો ક્યારેય નહિ કરી શકો. ઘણાં લોકો કહે છે કે સ્ત્રીને સમજવી ઘણી અઘરી છે. પણ એક વાત કહું? આવું બોલનાર લોકો ક્યારેય સ્ત્રીને સમજવાનો પ્રયત્ન જ નથી કરતાં. એ ડાહ્યા લોકો માત્ર પોતાનો જ કક્કો સાચો ઠરાવવામાં લાગ્યા હોય છે.
જે પોતાનામાંથી નવજીવન પ્રગટાવી શકતી હોય તે સ્ત્રીને તમે અબળા કંઈ રીતે કહી શકો? સ્ત્રી પોતેજ જીવન જીવવા માટેનો પર્યાય છે. એક મકાન માંથી ઘરનું પરિવર્તન અને પરિચય કરાવનાર સ્ત્રી જ છે. માની મમતા હોય કે પત્ની નો પ્રેમ હોય, એક બહેનનું વ્હાલ હોય કે ભાભીની ભલાઈ હોય .આ અખૂટ સ્નેહ વરસા માત્ર ને માત્ર એક સ્ત્રીમાં જ જોવા મળે છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે આખું જીવન પસાર કરતી રહે છે. પોતાના લોકો ને છોડી પારકાં ને પોતાના બનાવીને પણ એની પરીક્ષા તો સતત ચાલુ જ રહે છે. પોતાની ઈચ્છાઓ,સ્વપ્નાઓ અરેરે અહીં સુધી કે પોતાન સ્વભાવ પણ બદલી નાખે છે. અને આ કાર્ય માત્ર એક સ્ત્રી જ કરી શકે છે. કોઈ પુરુષને ખાલી એટલું કહો કે, બે દિવસ પોતાના સાસુ-સસરાની સેવા કરે? જવાબ તમે જ શોધી લો. (આજના સમયમાં ઘણીખરી રીતે આ વાત અમુક પુરુષો માટે ખોટી ઠરી શકે. પણ એ પાંચ ટકા લોકો માટે. ) બાકી તો જોવા અને સાંભળવા ઘણું મળે. જવાબો સામે જ હશે. બે- ત્રણ દિવસ સાસરામાં કોઈ પ્રસંગોપાત દોડાદોડ કરી હશે તો પણ સંભળાવશે. મે તો આટલું કરી આપ્યું. અને એક સ્ત્રી જીંદગીભર એના ઘરનાં સારા- માઠાં પ્રસંગોને પોતાના બનાવી ઉકેલી આપે તો પણ ક્યારેય એક વેણ ઉચ્ચારતી નથી. (સમય એવો આવે તો પછી ઉચ્ચારવા પણ પડે.)
એક સાવ સામાન્ય પણ સાચી વાત કહું તો, આ સ્ત્રી જ સ્ત્રીની પ્રથમ શત્રુ. ખોટું ન લગાડશો પણ સો ટકા સાચી વાત છે. તમારી આસપાસ ઑબ્ઝર્વ કરો. અરે, આસપાસ શું કામને આપણી અંદર જ સૌ પ્રથમ નિરીક્ષણ કરીએ તો !! આમાં વધારે કશું જ કહેવું પડે એવું ખરું? એ મારા કરતાં સુંદર કેમ લાગે? મારા વખાણ કેમ ન કર્યા? કેમ મારી આવડત નથી દેખાતી? શું હું આખો દિવસ ઘરમાં ઊંઘ્યા કરું છું? હું ક્યાં કંઈ કામ કરું છું આખો દિવસ બેઠી જ હોઉં છું.! બસ . સવાલ સવાલ અને સવાલ . પરંતુ આ સવાલો એક સ્ત્રીના અસ્તિત્વ પર ઊંડો ગિફ્ટ કરે છે. અને પછી એકબીજાની ઈર્ષા કરવી સહજ બની જાય છે. સ્ત્રીના પુરા સમયની ગતિ ને કોઈ જોઈ નથી શકતું. અને તેથી જ તેના કાર્યને પણ તુચ્છ ગણવામાં આવે છે. એક દિવસ ચોક્કસ એવો સમય આવશે જેમાં આ જ કાર્યને મહત્વનું સ્થાન આપવામાં આવશે.
સમય સાથે સ્ત્રીઓએ ઘણી ગતિ અને પ્રગતિ કરી છે. ઘણાં ફેરફારો સ્ત્રી અને પુરુષના જીવનમાં આવ્યાં છે. સાથે મળીને કામ કરવાની ભાવના વધી છે. હા, પણ હવે શરૂઆત થઈ ગઈ છે એકબીજાના અહમ્ વચ્ચેના ટકરાવની. કાં તો અહમ્ ને ઓગાળી નાખવો પડે અથવા રસ્તા અલગ કરવા પડે. શિવ અને પ્રકૃતિ સાથે શોભે. એટલે હવે બંનેએ સાથે મળીને પ્રયત્ન કરવો જ રહ્યો.


હેતલ ગોહિલ ચૌહાણ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED