ભૂલ, કે પછી……?!!
ગોહિલ હેતલ ચૌહાણ
રામલાલનો મૃતપ્રાય: જેવો દેહ આરામ ખૂરશીમાં હાલકડોલક થઈ રહ્યો છે. જીવતીલાશ સમો રામલાલ પોતાની સ્મૃતિની આવર્તન અવસ્થાને સ્થિર કરવા જાણે મથતો હોય અને સ્મૃતિઓ જાણે તેનાં પર ધિક્કારની વરસા વરસાવતી હોય તેવો એ જાણે પ્રાણવિહિન ખૂરશી પર ઝૂલતો હતો.અચાનક જ પવને જોર ઉપાડ્યું અને તે પવનના સુસવાટા રામલાલનાં કાન સોંસરવા હ્ય્દયમાં ઊતરતાં જ રામલાલ ધ્રુજી ઊઠયો………
***
“આલે કે ચલું તુજે ઐસે ગગન કે તલે,
જહાં ગમ ભી ન હોં, આંસુ ભી ન હોં,
બસ,પ્યાર હી પ્યાર મીલેં…ઐસે ગગન કે તલે…”
“અરે, પપ્પા શું આવા ગીતો ગાઓ છો? આજના સમયમાં અમારાં ગીતોને સાંભળો. તમે નાચી ઊઠશો!” કહેતો વિપ્લવ તેની ઉંમર કરતાં વધારે જ મોટો થઈ ગયો હોય તેવું રામલાલને લાગ્યું; હજી તો પંદર વર્ષનાં આ નાનકડા વિપ્લવ સાથે વાતો કરતાં સમય ક્યાં પસાર થતો ગયો તેની જાણ જ રામલાલને ન થઈ. સમયનાં વહેણમાં એવો તો ખોવાઇ ગયો કે વિપ્લવ ક્યારે અમેરિકા પહોંચી ગયો તેનો ખ્યાલ જ રામલાલને ન રહ્યો. સમય ઝડપથી આગળ વધી ગયો.
રામલાલ વધારે ભણેલો નહીં. પરંતુ પોતાના અનુભવ જ્ઞાન અને પરિશ્રમનાં બળથી નાનો એવો ધંધો તેણે શરૂ કરેલો.તે આજે પોતાના સંતોષ જેટલું રળી આપે છે. પોતે વધારે ભણેલો નહીં તેથી દિકરાને તો ભણાવીશ જ તવો નિર્ધાર રામલાલે સફળ કર્યો.
***
અમેરિકાથી વિપ્લવ એકલો નહીં પણ માર્ગરેટને સાથે લઈને આવેલો.થોડો આઘાત રામલાલને લાગ્યો, પણ “સમય અને પરંપરામાં થતું પરિવર્તન જ જિંદગી જીવવાની ચાવીરૂપ છે.” તેમ સમજી માર્ગરેટનો સ્વિકાર રામલાલ અને તેની પત્ની ગીતાએ કરેલો. ધીરે ધીરે માર્ગરેટ પણ ગુજરાતી રીતરિવાજો સાથે જોડાતી ચાલી.આમ, છ મહિના હસતાં રમતાં પસાર થઈ ગયાં.
***
ટેલીફોન અને ઈ-મેલ દ્વારા સબંધો અને લાગણીઓ વિસ્તરતી રહી. એક દિવસ મોબાઈલની રીંગ રણકી અને જાણે રામલાલનાં પાનખર જીવનમાં વસંતની વેલી ઊગી. સામે ફોન પર વિપ્લવનાં શબ્દોમાં આનંદનો ટહુકો હતો, “પપ્પા, તમે અને મમ્મી દાદા-દાદી બનવાનાં છો!.....”આ સાંભળીને રામલાલ અને ગીતાનાં હૈયે હરખ ન માય,…..
***
મોબાઈલ ફોન પર ફોટાઓની આપ-લે અને સંતુષ્ટ રામલાલ અને ગીતા…….
-“પપ્પા અમે કેદારનાથ આવી રહ્યાં છીએ.”
-“હા….હા…..જલદી આવો,તમારી મમ્મી કાંપિલ્યને જોવા ઊતાવળી થઈ રહી છે.”
ઉત્તરાખંડની કેદારનાથની ગલીઓમાં આજે રામલાલનું ઘર આનંદોલ્લાસથી ઝુમી ઊઠ્યું છે. પૌત્રની પા…પા…પગલીથી રામલાલ અને ગીતાનાં હ્રદયનો હરખ માતો નથી. બસ આખો દિવસ “એ કાંપિલ્ય જો……”, “તાલી પાડો……”, “દા…..દા……દા….શું?” “અરે,એની આ કાલી કાલી બોલી તો જો!.....” બસ દિવસ- રાત કાંપિલ્ય,કાંપિલ્ય અને કાંપિલ્ય.
***
“કાંપિલ્ય…..”ની ચીસો, અચાનક રામલાલ હાંફળોફાંફળો થઈ ગયો. પોતાની આરામખૂરશીમાંથી બેઠો થઈ ગયો, અને દોડાદોડી થવા લાગી, નર્સ,સીસ્ટર્સ,પટ્ટાવાળા બધાએ મજબૂતીથી રામલાલને પકડ્યો અને પલંગ પર સુવાડ્યો. ઈન્જેકશનની સોયથી રામલાલ જાણે ફરી નિદ્રા તરફ ધકેલાયો,પરંતુ મનમાં કાંપિલ્યનું સ્વરૂપ વારેવારે સામું આવતું હતું.
“વિપ્લવ,હવે તું કાંપિલ્યને લઈને ચાલ્યો જા! વિપ્લવ,મેં શા માટે બોલાવ્યો તને? હે કેદારનાથ,તારી ગંગાએ મારાં બધા જ પૂણ્યોનો સરવાળો કર્યો નહીં હોય….. મારી જ બાદબાકી કાં?”, “હે કાંપિ….. લ્ય…..”ની કરૂણાસભર બેશુધ્ધાવસ્થામાંથી નીકળતી રામલાલની ચીસો;અને ભયાવહ ધ્રુજારી. ત્યાં ઊભેલા એકેએક વ્યક્તિનાં હ્રદય સોંસરવી ઊતરતી હતી.
“વિપ્લવ હવે તું કાંપિલ્યને લઈને ક્યારે આવે છે? અમારે અમારા પૌત્રને રમાડવાના ઓરતા ન હોય? તારી મમ્મી કાંપિલ્યને રમાડવા ઊતાવળી થાય છે! આજે આવશે, કાલે આવશે, રોજ અધીરતાથી રાહ જોઈ બારણે ઊભી રહી જાય છે. અમે હવે વૃધ્ધ થયાં, હવે ક્યારે? “- એક શ્વાસે આટલા બધાં પ્રશ્નો, વિનંતી અને કાકલૂદી વિપ્લવ સામે મૂકતાં.
-“હા પપ્પા, રજા મળે કે અમે પણ તરત જ નીકળી જઈશું! અમારે પણ ત્યાં આવવાની ઉતાવળ છે……. અમને પણ તમારી લાગણીઓની કદર છે પપ્પા! પણ….રજા…!!!”
***
આજ સવારથી જ વાતાવરણ કંઇક બેબાકળું લાગતું હતું. રામલાલ અને ગીતા ખબર નહીં પણ કેમ, જાણે-અજાણે બેચેની અને વ્યાકુળતા અનુભવતા હતા.
“આજે અંધકાર ખૂબ લાગે છે ને ગીતા? “
“ હા, જાણે હમણાં તૂટી પડશે અને પછી ઊભો જ નહીં રહે…..”
“જુઓ તો ખરી કેવાં કાળામશ,ભયાનક વાદળાંઓ ઊમટી રહ્યાં છે! વીજળી તો જાણે તાંડવ….”
ગંગા જાણે ગાંડી થવા આતૂર થઈ હોય તેમ કાળમીંઢ આ વાદળાઓને આવકારે છે. હવાની થપાટો અને અવાજ એક રહસ્યમય ભયાનકતાને જાણે ઘેરી વળ્યાં હતાં.
રામલાલ ઘડીક પોતાના નાનાં કાંપિલ્ય અને પોતાના સૂખી કુટુંબને જુએ છે તો ઘડીક પોતાની જાતને, અને વાતાવરણમાં થતાં ફેરફારથી વ્યાકુળતા અનુભવે છે. પોતાની જાતને ધિક્કારતો રામલાલ પોતાને જ પ્રશ્ન પૂછતો હોય તેમ,
“વિપ્લવ,શા માટે તને અહીં બોલાવ્યો?”, “તું કાલની તારી ટીકિટ, વિઝા જે હોય તે લઈ માર્ગરેટ, કાંપિલ્ય સાથે પાછો જતો રહે!”
“અરે,પપ્પા, આ શું કહો છો?”
“ખબર નહીં, પણ મેં તને અહીં બોલાવીને મોટી ભૂલ કરી હોય તેવું લાગે છે.”
અચાનક કાળમીંઢ લાગતા વાદળોએ તાંડવની હેલી શરૂ કરી.ગંગાનો પ્રચંડ વારિ પ્રવાહ ભયંકરનાદ સાથે ગુંજી ઊઠ્યો.જાણે ભગવાન શિવે તાંડવ કરતાં પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવો ફેરફાર વાદળાંની ગર્જનામાં કદરુપો ચહેરો ધારણ કર્યો. માણસોની ચિચિયારીઓ અને બચવા માટેનું સ્થળ? સ્થળ જ ક્યાં હતું? બધે જળબંબાકાર……. સમગ્ર કેદારનાથ ગંગા…ગંગા….ગંગા વારિરાશીનો એ પ્રચંડ વેગ…..
અચાનક જ એ પ્રચંડ વારિરાશિએ રામલાલનાં ઘર-કુટુમ્બ-જીવનનાં ટુકડા કરી નાખ્યાં. ઘરની ભીંતો ક્યાં અને રામલાલ ક્યાં!? વિપ્લવ, માર્ગરેટ, કાંપિલ્ય, ગીતા….કોણ….ક્યાં? શબ્દોનું તુટક તૂટવું, વિપ્લવ….વિ..પ્..લ…વ…
કુદરતનો પ્રકોપ અને ગંગાની ભયાનક થપાટોએ જનજીવન અવ્યવસ્થિત કરી નાખ્યું;કે જીવન જીવવા જેવું રહ્યું જ નહીં! દરેક વ્યક્તિએ મોતની સાથે બાથ ભીડી અને હારી… પણ કાંપિલ્ય….વર્ષ પુરૂ થવાને કલાકની જ વાર હતી…..બાળક….શું? કુદરત જાણે!!!
***
કાંપિલ્યનો એ નાનકડો હાથ, તે હાથની નાજૂક આંગળીઓ રામલાલની પકડમાંથી ધીરે ધીરે લસરતી ગઈ. રામલાલ બેશુધ્ધાવસ્થામાં જાણે તે પકડવા મથી રહ્યો હોય તેમ ફરી….. પછી એ જ ચીસો ખાલી ખૂરશીનાં હાલકડોલક આવર્તન સાથે તાલ મેળવતા રામલાલનાં હ્રદયનાં ધબકારા અને પોતાની જાતને કોસતો, રામલાલ……
.
!