સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 9 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૨.૯

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૯ : હ્ય્દયચિકિત્સા અને ઔષધ

દયા વા સ્નેહો વા ભગવતિ નિજેડસ્મિન્‌ શિશુજને

ભવત્યાં સંસારાદ્વિરતમપિ ચિતં દ્રવયતિ ।

અતશ્વ પ્રબજ્યાસમયસુલભાચારવિમુખઃ

પ્રસક્તસ્તે યત્નઃ પ્રભવતિ પુનદૈવમપરમ્‌ ।।

‘હે ભગવતી ! આ શિશુજન પ્તિ તમારી દયા કહો કે પ્રીતિ કહોજે કહો તે સંસારથી વિરક્ત થયેલા તમારા ચિત્તને ઓગાળે છે; અને આથી જ સંસાર છોડતાં તમે કરેલી પ્રતીજ્ઞાઓને જે આચાર સુલાભ હોવી જોઈએ તેથી વિમુખ અને અવિચ્છિન્ન આ પ્રયત્ન તમે માંડ્યો છે તે સફળ થવો જોઈએ. પછી દૈવ તો છે જ.’-માલતીમાધવ

પરિવ્રાજિકામઠમાં કન્યાઓ, વિધવાઓ ને પરિવ્રાજિકાઓ સર્વનો વાસ હતો અને કન્યાને કામતંત્રના શાસ્ત્રીય બોધ એમાં કરવા દેવામાં આવતા હતા. પણ કન્યાને પુરુષનો યોગ કરવાની કથા આવે તેના વિચાર-આચાર આ મઠની બહાર અને વિહારમઠની બહાર રાખવામાં આવતા. વિહારમઠમાં પણ માત્ર વિવાહિત દંપતીઓના જ વાસ હતા. પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રીના પદ ઉપર કોઈ વિધવાને જ રાખવામાં આવતી. અવિવાહિત, વિવાહિત અને પરિવ્રાજિક ત્રણે જીવનના અનુભવવાળી કાર્યગ્રાહિણી વિદુષીને આ મઠની અધિષ્ઠાત્રી નીમવામાં આવતી. વિહારમઠમાં વિવાહિત, સુશિક્ષિત, ઉદાર, રસજ્ઞ, શાસ્ત્રસંપન્ન દંપતી અધિષ્ઠાતા ને અધિષ્ઠાત્રી નિમાતાં. ચંદ્રાવલી એક કાળે વિહારપુરી સાથે વિવાહિત હતી ત્યારે એ દંપતીની પાસે વિહારમઠનું અધિષ્ઠાનપદ હતું. તે ઉભય પરિવ્રજિત થયાં એટલે વિહારપુરી વિષ્ણુદાસજીના મઠમાં ગયો અને ચંદ્રાવલી પરિવ્રાજિકામઠની અધિષાઠાત્રી થઈ. તે પછી ચંદ્રાવલી સુંદરગિરિનો ત્યાગ કરી બેટમાં ગઈ અને તેને સ્થાને મોહની એ મઠની અધિષ્ઠાત્રી થઈ હતી. એ મઠમાં કોઈ કન્યા મદનોન્મુખ થાય તો તેની વિવાહપ્રર્યન્ત સંભાળ લેવી, તેનું ઉપદેશક સખીકૃત્ય કરવા સખી નીમવી, અને આવશ્યકતા હોય તો કન્યાને દૂતીનો યોગ કરી આપવો એ પણ અધિષ્ઠાત્રીનું કર્તવ્ય હતું. સખી અને દૂતી, સ્થૂળ કેવળ સ્થૂળ પ્રીતિનું શાસ્ત્ર બાંધેલું છે ત્યારે આ મઠમાં એ શાસ્ત્રને સુધારી તેમાં સૂક્ષ્મ પ્રીતિનું શષાસ્ત્ર ઉમેર્લું હતું. સ્થૂળ એટલે લખપ્રીતિમાંથી સૂક્ષ્મ એટલે અલખપ્રીતિનું ઉદ્‌બોધન કરાવવું આવશ્યક ગણવું એ અલખના કામશાસ્ત્રનો વ્યાવર્તક હતો.

ચંદ્રાવલી આ સર્વ વિષયમાં પ્રવીણ હતી અને એક કાળે રસિક હતી. વિષ્ણુદાસ ત્રણે અલખમઠમા ગુરુ થયા અને અલખમાર્ગને અને મઠોને તેમણે નવી પ્રતિષ્ઠા આપી તે પછી પોતાની પાછળ યોગ્ય અધિકારીને અનુયાયી કરવો કેટલી તેમની વાસના હતી. પણ ગૃહસ્થ સાધુનો તેને માટે ઉત્ત્મ અધિકાર ગણાતો ન હતો, અને કેવળ પરિવ્રાજિકો તેમના આશ્રય નીચે હતા તેમાં કોઈ એ પદને માટે યોગ્ય બુદ્ધિવાળું ન હતું. વિહારપુરી ઉપર તેમની દૃષ્ટિ હતી પણ તે વિવાહિત હતો. આ વાત ચંદ્રવલીને કાને આવતાં ગુરુજીની વાસના તૃપ્ત કરવા, પોતાના સ્વામીનું પારમાર્થિક કલ્યાણ કરવા, સર્વ સાધુજનનું અને અલખમઠનું વ્યવસ્થાતંત્ર કલ્યાણકારક રહે એવી બુદ્ધિથી, અને તે જ્વારા સંસારમાં અલખબોધની ગર્જના સફળ થાય એવી વાસનાથી, ચંદ્રાવલીએ વિહારપુરીને અભિલાષ દર્શાવ્યો કે તેણે ગુરુજી પાસે રહેવું અને તેણે તથા પોતે પ્રવ્રજ્યા સાધવી. સર્પ કાંચળી ઉતારે તેમ મદનવિકારનો ત્યાગ કરી આ દંપતી એકબીજાને આશીર્વાદ દઈ વિયુક્ત થયાં, અને તેમની પિરીતિની અને તેમની વિરક્તિની ચમત્કૃતિભરેલી સુંદર રસિક કથાઓ ત્રણે મઠનાં સાધુજનોમાં ચાલી. પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રી થયા પછી પણ સુંદરગિરિ ઉપર દંપતિ અનાયાસે મળતાં તે પોતે લીધેલા વ્રતને પ્રતિકૂળ ગણી અને પોતાના અને સ્વામીના વૈરાગ્યને ભયનું કારણ ગણી, ચંદ્રવલી પર્વત છોડી માતાના ધામમાં ગઈ અને પુરુષરૂપે ઈશ્વરની કલ્પનાને પોતાના વૈરાગ્યને પ્રતિકૂળ ગણી અલખનાં અંબાસ્વરૂપમાં યુક્ત થવા લાગી. આ સ્થિતિ તેણે આજ સુધી પાળી, પણ કુમુદ ઉપરની દયાએ અને વત્સલતાએ અને પાછી આટલી સંસારિણી કરી દીધી. પરિવ્રાજિકામઠની બારી પર્વતની ખોમાં પડતી હતી અને સમુદ્રમાં જલશાયિની થવા ઈચ્છનારીનું હ્ય્દય એ બારીને દેખી શું સાહસ કરવા નહીં લલચાય એ વિચારે ઉપજાવેલા ભયને લીધે ચંદ્રાવલી કુમુદ ગયા પછી જાતે પાછળ પાછળ આવી. એ ભય તો દૂર થયો, પણ પર્વત ઉપર આવ્યા પછી આપણે જે જે વાર્તા જાણીએ છીએ તે એના જાણવામાં આવી અને અનેક વનીવ ગૂંચવાડા એના વત્સલ હ્ય્દયમાં ઊભા થયાં.

પાછલે પ્રહરે કુમુદને વામની અને બંસરીની જોડે ગિરિરાજનાં સુંદર સ્થાનો જોવા મોકલી. ગયા પ્રકરણમાં વર્ણવેલા ચોકના એક છાયાકુંજમાં એક શિલા ઉપર મોહની, ભક્તિ અને બિંદુમતી સાથે ચંદ્રાવલી બેઠી અને સૌની પાસેથી કુમુદ વિશે તેમની કહેલી વાર્તા અને ધારેલી યોજના સાંભળી લીધી. તે પછી કેટલીક વાર એ ઓઠે આંગળી મૂકી બોલ્યા વિના બેસી રહી ને વિચારમાં પડી અને બીજાં સર્વપણ ચૂપ રહ્યાં. એટલામાં કુંજ ઉપર ઠંકાયેલી વેલીમાં સંતાયેલી કોકિલાએ ટૌકો કર્યો ને બિંદુમતી ઊંચું જોઈ ગાવા લાગી.

‘અનુમતગમના શકુન્તલા

તરુભિરિયં વનવાસબન્ધુભિઃ ।

પરમૃતવિરુતં કલં યથા

પ્રતિવચનીકૃતમેભિરીશદૃમ્‌ ।।

મોહની - ‘બિન્દુ ! આ શ્લોક શાથી ગાયો ?’

બિન્દુમતી - ‘મેં મધુરીને આશીર્વાદ દીધો.’

મોહની - ‘એને ક્યાં પતિગૃહમાં જવું છે ?’

બિન્દુમતી - ‘જશે.’

મોહની - ‘કોણે કહ્યું ?’

ચંદ્રાવલી - ‘બેટા બિન્દુ ! તું સત્ય કહે છે. તેં મધુરીને પૂછ્યું કે આ ગિરિરાજ ઉપર જે ઉદ્દેશથી તું આવી છે તેનો આત્મા કામ ન હોય તો કિયો છે ! ’

બિન્દુમતી - ‘એના જેવું પૂછ્યું.’

ચંદ્રાવલી - ‘એણે શો ઉત્તર આપ્યો ?’

બિન્દુમતી - ‘જાનુભાગ ઉપર હાથ અને થેલી ઉપર ગંડસ્થલ ટેકવી બેસી રહી અને આડું જોઈ કંઈક મનમાં ગાતી અને ગણગણતી હતી.’

મોહની-

‘અધિજાનુબાહુમુપધાય નમત્‌

કરપલ્લવાગ્રનિહિતાનનયા ।

ઉદકષ્ઠિ કળ્ઠપરિવર્તિકલ

સ્વરશૂન્યગાનપરયાડપરયા ।।’

ચંદ્રાવલી - ‘એ છેલ્લે સુધી કંઈ જ બોલી નહી ?’

હિંદુમતી - ‘ના મેં એને કહ્યું કે અમે નવીનચંદ્રજી પાસે પ્રત્યક્ષ થઈ વિજ્ઞપ્તિ કરી શકીશું. તોપણ એ બોલી નહી. અંતે મેં કહ્યું કે તું નહીં બોલે તો અમ ે અમારી મેળે સૂઝશે તે જઈને તારે નામે તેમને કહીશું.’

ચંદ્રાવલી - ‘પછી ?’

બિંદુમતી - ‘તોપણ બોલી નહીં. ઘણું થયું ત્યારે ઊભી થઈ નીચું જોઈ રહી અશ્રુપાત કર્યો, અને એક પાસ ચાલી ગઈ.’

મોહની - ‘એ પણ સમજાયું. ’

નનુ સન્દિશેતિ સુદૃશોદિતયા

ત્રપયા ન કિજ્જન કિલાભિદધે ।

નિજમૈક્ષિ મન્દમનિશં નિશિતૈઃ

કૃશિતં શરીરમશરીરશરૈઃ ।।

મોહની, તરસ્થાને નવીનચંદ્રજીનું દર્શન થયું તે પહેલાં મધુરીની અવસ્થા કેવી હતી ? વિચાર કરી ચંદ્રવલીએ મોહની ભણી ફરીન પૂછ્યું.

મોહની - ‘દૂતીએ નાયકને નાયિકાની સ્થિતિ વર્ણવી હતી તેવી, અને કહ્યું હતું તેમ નવીનચંદ્રજીને કહેવા જેવી કે,

કિં પુષ્ટેન દ્રુતતરમિતો ગમ્યતાં સા પ્રિયા તે

દુષ્ટા માર્ગે દિવસમખિલં સાસ્ત્રમેકા મયૈવમ્‌ ।

પાન્થે પાન્થે ત્વમતિ રભસોદ્‌ગ્રીવમાલોકયન્તી-

દુષ્ટે દુષ્ટે ન ભવતિ ભવાનિત્યુદશ્રુર્વલન્તી ।

ચંદ્રાવલી - ‘ભક્તિમૈયા ! તમારું લક્ષ્ય આમાં ક્યારે ગયું ?’

ભક્તિમૈયા - ‘નવીનચંદ્રજી ગયા પછી મારું લક્ષ્ય ખેંચાયું. હું એટલી જડ. બાકી તે નીચે ગયા અને અમે ઉપર આવ્યાં ને જુદાં પડ્યાં તે કાળે. સૂર્યકિરણ અંધકારને શોધે તેમ મધુરીની દૃષ્ટિ નવીનચંદ્રજીના હ્ય્દયને સ્પષ્ટ શોધતી હતી.’

મોહની - ‘એમ જ.’

પ્રળયપ્કાશનવિદો મધુરાઃ

સુતરામભીષ્ટજનચિતહતઃ ।

પ્રજિધાય કાન્તમનુ મુગ્ધતર-

સ્તરુળીજનો દુશ ઈવાથ સખીઃ ।।

ચંદ્રાવલી - ‘ભક્તિમૈયા, તમે નવીનચંદ્રજીના વૈરાગ્યની ને ગુણોત્કર્ષની કથા કરી અને ગુરુજીનો દુર્લભ પક્ષપાત જણાવ્યો ત્યારે મધુરીની વૃત્તિ કેવી હતી ?’

ભક્તિમૈયા - ‘તેનાં ગુણ અને કીર્તિ સાંભળતાં તે સમાધિસ્થ જેવી થતી, અને તેનો વૈરાગ્ય સાંભળતા વિચારમાં પડતી.’

મોહની - ‘એ સમાધિ તો મેં પણ પ્રત્યક્ષ કરી છે. નવીનચંદ્રજીને કહેવા જેવું છે કે

તવ સા કથાસુ પરિધટ્ટયતિ

શ્રવળં યદડલિમુખેને મુહુઃ ।

ધનતાં ધ્રુવં નયતિ તેન ભવદ્‌-

ગુળપૂગપૂરિતમતૃપ્તતયા ।।

ચંદ્રાવલી - ‘બેટા બિંદુ, સાયંકાળે સાધુદંપતીઓએ રાસ વગેરેની પરિપાટી યોજેલી ત્યાં નવીનચંદ્રજી આવવાના છે એમ કહી મધુરીને પણ ત્યાં લેવાની વાત કરી ત્યારે એણે શું કહ્યું ?’

બિંદુમતી - ‘માત્ર આકાશ અને પૃથ્વી વચ્ચેનો ભાગજોયા કર્યો અને કંઈ બોલી નહીં.’

મોહની - ‘એ પણ સમજાયું.’

ગતયા પુરઃ પ્રતિ ગવાક્ષમુખં

દધતી રતેન મૃશસુત્સુકતામ્‌ ।

મુહુરન્તરાલભુવમસ્તગિરેઃ

સવિતુશ્વ યોષિદમિમીત દુશ્ય ।।

ચંદ્રાવલી - ‘તેમનો વૈરાગ્ય જોઈ મધુરીને શો વિકાર થયો ?’

ભક્તિમૈયા - ‘તે કોઈએ સૂક્ષ્મ દૃષ્ટિથી જોયું નથી, પણ રાત્રે કહેતી હતી કે વિરક્ ત ચંદ્રનો ગ્રાસ કરનારી ધૂમગ્રહની લેખા થવા પોતાની ઈચ્છા નથી.’

મોહની - ‘એ ભાષા ગુહામાંની આભ્યન્તર નથી. એ તો આભિમાનિકી વૃત્તિનો ઉદ્દગાર છે. એવા ક્ષણિક અભિમાનથી અલખ વાસના નષ્ટ થતી નથી.’

ચંદ્રાવલી - ‘પણ નવીનચંદ્રને વિરક્ત જોઈ મધુરીને દુઃખ થયું કોઈએ પ્રત્યક્ષ કર્યું નથી.’

મોહની - ‘તરસ્થાન આગળ તો અશ્રુધારા વહેતી હતી. આ વેશ તો એણે પ્રથમ ત્યાં જ જોયો.’

ભક્તિમૈયા - ‘અને આપણા મઠની યોજના અને વિહારમઠની યોજના જાણી તેને આશા થઈ હોય તેમ એનો શોક કંઈક શાંત છે.’

ચંદ્રાવલી - ‘વૈરાગ્યનું માહાત્મ્ય જાણીને પણ એવી શાંતિ એને વળી હોય. એના જેવો સંપ્રત્યય નવીનચંદ્રજીની વિરક્ત દશાને ધન્ય ગણી એના પોતાના સ્થૂળ કામને વિરત કરે અને પ્રિયજનની વિરક્ત દશાનું રક્ષણ કરે એ પણ સંભવિત છે.’

મોહની - ‘તે જે હો તે હો. પણ આ હરિણનું જોડું તૃષિત હોય ને આ ગિરિરાજ ઉપર તૃષાથી વિપન્ન થાય તે તો અયોગ્ય જ. જો આપણે વિલંબ કરીશું તો કંઈ મહાન અનર્થ થશે અને વેળા વીત્યા પછી આપણે પશ્ચાતાપ થવાનો વારો આવશે કે

‘મધ્યાહ્ને દવવહ્નિનોષ્મસમયે દંદહ્યમાનાદ્‌ગિરેઃ

કુચ્છાત્રિર્ગતમુતૃષં જલમર્થો વીક્ષ્યૈકરક્ષાક્ષમમ્‌ ।

પ્રેમ્ળા જીવયિતું મિથઃ પિબ પિબેત્યુચ્ચાર્ય મિથ્યા પિબન્‌

નિર્મગ્નાસ્યમપીતવારિ હરિળદ્વન્દ્વં વિપન્નં વને ।।

ભક્તિમૈયા - ‘ચક્રવાકમિથુનને રાત્રિનો અન્તરાય છે તે તોડી નાંખો અને પરસ્પરનો દૃષ્ટિયોગ અને ગોષ્ઠીયોગ અબાધિત થાય એટલો યોગ કરાવવો એટલું તો આપણું કર્તવ્ય ખરું. પછી પરિશીલનને અંતે તેઓ વિરક્ત હશે તો અસંયુક્ત અને રક્ત હશે તો સંયુક્ત થશે. એ તો સર્વ અલખ ભગવાનની યોજના હશે તે ફળ થશે. આપણો ધર્મ સ્પષ્ટ છે.’

મોહની - ‘હરિણનું જોડું આપણી બુદ્ધિની સ્થૂળતાથી વિપન્ન ન થાય એટલું આપણે જોવાનું.’

બિન્દુમતી - ‘માશીમૈયા, મધપ્ુરી જાતે જ રાત્રિની વાટ જુએ છે એ પક્ષને ભૂલશો નહી.’

ચંદ્રાવલી - ‘મને લાગે છે કે આપણો વિચારકાળ સમાપ્ત થયો અને તમે જ વિચાર સિદ્ધ કરો છો તેનો આચાર શોધવો એટલું હવે બાકી રહ્યું.’

મોહની -‘શો માર્ગ લેવો તે પ્રાતઃકાળે મેં ગાઈ દીધું છે અને મધુરીનાં આંસુએ એ ગાયનને ઝીલ્યું છે તે તમે પ્રત્યક્ષ કર્યું છે. કન્યા વર પાસે આવે તે વિના તેમની હ્યદયગુહાઓ ઊઘડાવાનો સંભવ નથી.’

ચંદ્રાવલીવિચારમાં પડી. અંતે બોલી, ‘ભક્તિમૈયા, આપણે તો માત્ર દૂતકર્મ હવે બાકી રહ્યું. બે પક્ષને સામાન્ય જન એ કામ ઉપાડનાર કોણ હશે ?’

ભક્તિમૈયા - ‘કોઈ નથી. નવીનચંદ્રજી માત્ર વિહારપુરી અને રાધેદાસની જોડે ફરે છે ને એકાન્તમાં રહેતા નથી. ગુરુજીની સાથે જ પ્રાયશઃ ગોષ્ઠી કરે છે અને શય્યા પણ તેમની કુટીની પાસેની ગુફામાં રાખે છે. મધુરીને તો જે કહો તે આપણે.’

મોહની - ‘બે દોરડાં સંધાડશો તો કૂવામાં પહોંચશે.’

ચંદ્રાવલી - ‘કેવી રીતે ?’

મોહની - ‘નાયિકાના કર તમે ઝાલો અને નાયકનો વિહારપુરી ઝાલે.’

ભક્તિમૈયા - ‘પણ વિહારપુરીનો કોણ ઝાલે ?’

મોહની - ‘દયા અને સ્નેહ બે છૂટા પડેલા હાથને પરમાર્થસાધન માટે એકઠા કરે ત્યારે. ચંદ્રાબહેન, નવીનચંદ્રજી ઉપર ગુરુજીનો પક્ષપાત સાર્થક થશે તો વિહારપુરી વિહારમઠમાં આવી શકશે; અને નવીનચંદ્રજી વિહારમઠમાં આવશે તો વિહારપુરી ગુરુજીની વાલનાને તૃપ્ત કરશે. જે પરિણામ થશે તેમાં તમારી ઈષ્ટાપત્તિ છે. માટે આ બે હરિણયુગનો યોગ કરો. તમારા વિના તેમ કરવા બીજું કોઈ સમર્થ નથી.’

ભક્તિમૈયા - ‘તમે બે જણ થઈ ઉભય પક્ષનાં મર્મસ્થાન સંગ્રહી શકશો, ઉભય પ્રતિ ઉદાર છો, અને મધુરીનો તમારા ઉપર વિશેષ વિશ્વાસ છે.’

ચંદ્રાવલી - ‘માજીના ચરણમાં જઈ દૂતીકર્મ કરવું શું યોગ્ય છે ?’

ભક્તિમૈયા - ‘દીકરીની સેવા માટે જ માજીએ તમને મોકલ્યાં છે. ચંદ્રાવલી અલખનું દૂતીત્વ એ તો આપણું સહજ કાર્ય છે.’

ચંદ્રાવલી - ‘મેં મારા ઈષ્ટ જનને સંન્યાસ આપ્યો અને જાતે લીધો તે કાળથી સંકલ્પ લીધો છે કે તેનો અને મારો ચક્ષુંસંયોગ થવા દેવો નહીં.’

મોહની - ‘ચંદ્રાવલીનું વૈરાગ્ય એવું નથી કે તે તારામૈત્રકથી નષ્ટ થાય.’

ચંદ્રાવલી - ‘અનંગ ભસ્મ થયેલો પણ જીવે છે, અને ધૃતિઅગ્નિનું સાન્નિધ્ય થાય ને તેમની પ્રકૃતિ મૂળરૂપે રહે તો અનંગને સર્વવ્યાપ ન ગણવો. મોહની ! આ કામ તમે જ માથે લો અથવા ભક્તિને સોંપો.’

મોહની - ‘એક પાસ આવી સંપ્રતીતા મેઘાવિની અને બીજી પાસ આવા વિરક્ત ગંભીર નવીનચંદ્રજી-તેમની પાસે જઈ તેમાંના એક પણ હ્ય્દયમાં ચંચૂપાત કરવા ચંદ્રાવલી અને વિહારપુરી વિના બીજા કોઈનું ગજું નથી. એ બેમાંથી એક જણનું પણ ગજું નથી. એ તો તેમનું સંયુક્ત દૂતકર્મ પ્રવર્તે ત્યારે જ કાંઈ ફલની આશા સમજવી.’

ભક્તિમૈયા - ‘ચંદ્રાવલી ! કેમ શંકિત રહો છો ?’

ચંદ્રાવલી - ‘ગમે તેવું વિરક્ત હ્ય્દય પરિશીલક જનની પાસે જતાં કંપે છે. મારા હ્ય્દયનો મનેવિશ્વાસ નથી અને પુરુષોનાં હ્ય્દયનું દૃષ્ટાંત તો માદ્રીએ અનુભવેલું છે. ભક્તિમૈયા, જે કલ્યાણયોગને માટે આ હ્ય્દય વિહારપુરી જેવા મહાત્માને ગુરુજીના ચરણમાં જવા દઈ જાતે જગદંબાના ચરણમાં ગયું છે તેણે તે યોગના પ્રયોગને આટલે સુધી શું હવે પડતો મૂકવો ? ના, મારાથી એવું નહીં થાય.’

મોહની - ‘અભિમાનિની ! ચંદ્રાવલી અભિમાનિની ? શ્રી અલખનો પ્રકાશ સર્વ પાસ સર્વ હ્ય્દયમાં પ્રસરે છે તેને શુદ્ધ નિર્મળ સ્વરૂપ અપ્રતિહત વહન પામવામાં અનુકૂલ થવું એ આપણો ધર્મ તમે છોડી દીધો છે ? મધુરીના કલ્યાણને માટે દૂતી થવામાં શું ચંદ્રાવલી હલકું માને છે ?’

ચંદ્રાવલી - ‘એવો અર્થનો અનર્થ ન કરો. મધુરીને માટે ચંદ્રાવલી શું નહીં કરે ? પણ ચણાયેલી હવેલી તોડી પાડવાનો મને શો અધિકાર છે ?’

મોહની - ‘જો એમ હોય તો મધુરીને સમુદ્રમાં સૂવા દેવી હતી. એને જિવાડી તો એના જીવનમાં સાફલ્ય ને સુખ આદરવાને માટે ચંદ્રવલીથી ના નહીં કહેવાય.’

ચંદ્રાવલી બેઠી હતી ત્યાં જ આંખો મીંચી વિચારમાં પડી. એના હ્ય્દયમાં બળવાળા ધબકારા થયા અને તેનો વેગવાળો સંચાર એના વક્ષઃસ્થળ ઉપરના વસ્ત્રમાં સર્વેએ દીઠો. એના નેત્રમાં અશ્રુપાત થઈ સુકાયો. અંતે ઊંચું જોઈ બોલીઃ

‘મધુરી ! ચંદ્રાવલી તારી દૂતી થશે. તારે માટે મારા વ્રતને હું ભયમાં નાંખીશ. માજીને પૂછીને તને મોકલી છે ને હું આવી છું-તે માજી જ મારા વ્રતનું રક્ષણ કરશે અને તારું સુખ સાધશે. મોહની ! ત્યારે કહી ધો કે મારે હવે શું કરવું ?’

મોહની - ‘આજ ગુરુજી સાધુજનની નિરીક્ષા કરવા આવે ને રાત્રે યમુનાકુંડ પાસે રાસલીલા થાય તે કાળે અમે મધુરીને લઈને જઈશું, નવીનચંદ્રજીને શોધી વાર્તાવિનોદ કરીશું, અને તે આઘાપાછા હશે ત્યારે મધુરી સાથે વિનોદ કરીશું. ચંદ્રાવલી !તમારે તે સર્વનાં માત્ર મૂક સાક્ષી થવું અને મધુરી સાથે રાત્રે એકાંતમાં સૂવું અને એકાંતમાં તેનું હ્ય્દય ઉઘાડવું. થોડીવાર બિન્દુમતીને એની વાતોમાં ભળવા દેવી. એ સર્વ પ્રકરણનો સાર પ્રાતઃકાળે વિહારપુરીને તમારે એકાંતમાં કહી દેવો અને તેમનો અભિપ્રાય લેવો. તેઓને નવીનચંદ્રજીના ઈંગિતજ્ઞ થવા દેવા અને કાલથી નવીનચંદ્રજી ગુરુજીની ગુફા અન્યત્ર કોઈ ગુફામાં કે કુંજમાં એકાંતવાસ રાખે અને રાત્રિએ એકાંત રાખે એટલી વ્યવસ્થા વિહારપુરી દ્વારા કરવી. પછીની પરિપાટી તમારા ચાતુર્યનું ફળ જાણ્યા પછી થશે.’

ચંદ્રાવલી - ‘હું ધારું છું કે એટલું તો થશે, પણ હવે એવાં કાર્યમાંથી મારી બુદ્ધિનો અભ્યાસ વિરત થયો છે અને તેમાં એ બુદ્ધિ બહુ ચાલે એમ મને વિશ્વાસ નથી.’

મોહની - ‘તેની કાંઈ ચિંતા નથી. બીજું કાર્ય એ કે મધુરીની સંપ્રત્યત્મિકા પ્રીતિનું આવરણ કેવી રીતે તોડવું એ તમે ગમે તો અમને સુઝાડો અને ગમે તો જાતે તોડો.’

ચંદ્રાવલી - ‘જેમ શ્રી અલખ પરમ જ્યોતિનું દર્શન થતાં હ્ય્દયના લખગ્રંથિ જાતે ભિન્ન થાય છે ને સંશયમાત્ર છિન્ન થાય છે, તેમ અલખ મદનનો સૂક્ષ્મ અવતાર આમનાં હ્ય્દયમાં કલાથી થશે તેની સાથે જ એની પ્રીતિના સંપ્રત્ય અને અભિમાનનાં તિમિર જાતે જ નષ્ટ થશે. માટે તેની ચિંતા આપણે કરવાની નથી. આપણો તો ધર્મ આટલા જ બોધમાં છે કે તત્પેન તત્પમયસા ઘટના યોગ્યમ્‌. ૧૨ એ ઘટનાનો પ્રયત્ન કરતાં એમ જણાય કે બાહ્ય ઉપાધિ અને અંતરુપાધિ દૂર થવા છતાં ઘટન થયું નહીં. તો એમ સમજવું કે બેમાંથી એક પાસનું લોહ શીત હતું અને ઘટન નહીં પણ વિઘટન જ શ્રી પરમ અલયખને ઈષ્ટ ગણવું. તેમ થતાં અલખની ઈચ્છામાં આપણી ઈચ્છાને સંગમ પમાડવી અને મધિરીને મારે માજી પાસે લઈ જવી.’

ભક્તિમૈયા - ‘માજીની ઈચ્છા એવી હોય કે મધુરીને નવીનચંદ્રજીને જ સોંપવી તો તે તેમ કરશે.’

મોહની - ‘વિહારમઠ તેમને ઉદાર આશ્રય આપશે.’

બિન્દુમતી - ‘હા, ને માશીમૈયાનું હ્ય્દય લપસી પડશે તો તેને પણ એ જ મઠ આશ્રય આપશે.’

ચંદ્રાવલી ચિડાઈ અને બિન્દુમતીનો હાથ ઝાલી ખસેડી નાખ્યો. સર્વ હસતાં હસતાં પાછળ ચાલ્યાં અને ચંદ્રાવલી અત્યંત ઊંડા વિચારમાં પડી આગળ ચાલી.

૧.શકુન્તલાના વનવાસમાં બન્ધુ આ વૃક્ષો છે તેમણે એના જવાને અનુમતિ આપી છે ; કારણ કોકિલાનો આ કલ કુહુકાર થયો કે કુહુકાર વડે આ વૃક્ષોએ જ આ પ્રત્યુત્તર દીધો છે. શાકુંતલ.

૨.ઢીંચણ

૩.લમણાં.

૪.એક યુવતી ઢીંચણ ઉપર હાથનો બાહુભાગ (કોણ સુધી) ટેકવી બેઠી. ને પલ્લવ જેવી નમતી હથેલી ઉપર મુખભાગને ટેકવ્યો; ઊંચા સ્વરવગરના ઝીણા અવ્યક્ત મધુર ગાનને કંઠમાં પરિવર્તન કરાવવાઆળોટાવવા-લાગી અને ઉત્કંઠા ધરવા લાગી. -માધ.

૫.‘જરી કંઈ સંદેશો કહાવની !’ એવું દૂતીએ કહ્યું ત્યારે લજ્જાને લીધે સુલોચનાએ કંઈ પણ જાણે ઉત્તર દીધો ન હોય એમ બોલી નહીં પણ કામનાં તીક્ષ્ણ બાણોએ રાત્રિદિવસ કૃશ કરી નાંખેલું પોતાનું શરીર હતું તેને જ માત્ર ધીમેથી એ જોઈ રહી. - માધ.

૬.પૂછીને શું કામ છે ? તું હવે સત્વર અહીંથી એની પાસે ચાલ્યો જા ! તારી તે પ્રિયાને મેં આખો દિવસ માર્ગે કેવી રીતે રોતીરોતી દીઠી તે સાંભળ !જે જે વટેમાર્ગુ મળે તે તું જ હોઈશ એવું જાણી ચમકી ડોક ઊંચી કરી કરી તેને એ જોવા લાગતી હતી, અને જોઈ જોઈને તે તું નથી એવું સમજતાં તરત આંસુભરી પાછી વળતી હતી. પ્રકીર્ણ

૭.અધિક મુગ્ધ તરુણીજન કાંતની પાછળ પોતાની સહીઓને મોકલતી હોય તેમ પોતાની દૃષ્ટિઓને મોકલતી હતી ; તે દૃષ્ટિરૂપ સહીઓ કેવી હતી ? મુગ્ધાના ગૂઢ પ્રેમને પ્રકટ કરવાની કળામાં પ્રવીણ, મધુર અને મુગ્ધાના ઈષ્ટજનનું ચિત્ત સારી પેઠે હરી લેનાર-આ સહીઓ જેવી દૃષ્ટિઓને અથવા દૃષ્ટિરૂપ સહીઓને એ મુગ્ધાએ પ્રિયની પાછળ મોકલી હતી. -માધ

૮.તારી કથા ચાલતી હોય છે ત્યારે આંગળીનાં ટેરવાં વડે ઘડીઘડી કાનના ડાબલાને તે સારી રીતે પૂરે છે ; તેમ તે શા માટે કરે છે ? તારા ગુણની વાતોમાં પૂમડાં એ કાનમાં આટલાં ભરાયાથી એને તૃપ્તિ વળતી નથી અને તેમને તેમાં વધારે વધારે ઠાંસવા તેને વાસના થાય છે માટે એ આવું કરે છે. -માધ.

૯.સામે બારીનો ગોખ હોત તેના ભણી એ સ્ત્રી અતિ ઉત્સુકતાભરી ગઈ ! અને ત્યાં જઈ, સૂર્ય અને અસ્તગિરિ વચ્ચેના ભાગનું પ્રમાણ એણે ઘડી ઘડી પોતાની દૃષ્ટિ વડે માપ્યું.-માધ.

૧૦.મધ્યાહ્‌ન કાળ થયો છે અને તાપની વેળાએ પર્વતદવના અગ્નિથી ભડભડાટ બળે છે તેમાંથી હરિણહરિણીનું જોડું મહાપ્રયત્ને નીકળી શક્યું અને તૃષાનું માર્યું એ જોડું જળ આગળ આવ્યું પણ જળ તો એક જ જણની રક્ષા કરી શકે એટલું હતું. આ બેમાંથી આ જળ કોણે પીવું ? આણે જાણ્યું કે એ જીવે એણે જાણ્યું કે આ જીવે. એમ પ્રીતિથી પોતાના જીવનની ઉપેક્ષા કરી અને સામાનું જીવન ઈચ્છ્યું. પોતપોતાના મનમાં આણ ધારી, નર અને માદા પાણીમાં ખોટું ખોટું મોં બોળી રહ્યાં અને ‘તું પી, તું પી’ એમ એકબીજાને માત્ર કહેવા લાગ્યા. તેનું ફળ એ થયું કે બેમાંથી કોઈએ પાણી પીધું નહીં અને પ્રેમી જોડું -રંક હરિણનું જોડું-વનમાં મરી ગયું.-પ્રકીર્ણ.

૧૧.યદુભયોઃ સાધારળમુભયત્રોદારં વિશેષતો નાયિકાયાઃ સુવિસ્ત્રબ્ધં તત્ર દૂતકર્મ ।। (કામતંત્ર)

૧૨.તપેલા લોહનો તપેલો લોહ સાથે યોગ યોગ્ય છે.