સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 10 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૨.૧૦

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૦ : સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મ કામ

‘True Love’s the gift which Good has given

To man alon beneath the heaven;

It is not fantasy’s hot fire.

Whose wishes, soon as granted, fiy;

It liveth not in fierce desire,

With dead desire it does not die;

It is the secret sympathy

The silver link,the silken tue,

Which heart to heart and mind to mind,

In body and in soul can bind.’

-Scott’s Lay of the Last Minstre

સાયંકાળે ત્રણે મઠની નિરીક્ષા કરવા વિષ્ણુદાસ પોતાના મઠના સર્વ અધિકારીઓને લઈ નીકળ્યા; અને તેમના અધિષ્ઠાતા અને અધિષ્ઠાત્રીઓને-તેમના મઠની સ્થિતિ, મઠસ્થ સાધુજન અને આગંતુક જન, મઠમાં ચાલતા સદભ્યાસ અને સદુદ્યોગ, સદ્વાસનાઓ અને અલખબોધન, આદિ વિષયો વિશે વિવિધ પ્રશ્નો પૂછ્યા, વિવિધ સૂચનાઓ કરી, અને સાથે આવેલા સરસ્વતીચંદ્રને એ સર્વ વ્યવસ્થા પગે ચાલતાં ચાલતાં સમજાવી. ચંદ્રોદયકાળે યમુનાકુંડ પાસે ચોકમાં વિહારમઠની સ્ત્રીઓએ રાસલીલા નાટકરૂપે ભજવી. કેટલીક સ્ત્રીઓએ કૃષ્ણના વેશ લીધા હતા અને બાકીની સ્ત્રીઓ ગોપીઓ થઈ હતી. એક સ્ત્રી રાધા થઈ હતી અને પાંચછ સખૂઓ થઈ હતી. પ્રથમ ગોકુળના ગૃહસંસારનો પ્રવેશ અને તેમાં ગોપીઓના ગૃહવ્યવહારનું નાટક ભજવાયું અને તે કાળે માત્ર મોરલીનો અવ્યક્ત દૂરથી આવતો સ્વર સાંભળતી ગોપિકાઓ ચમકતી હતી અને ગૃહ છોડી મધુવનમાં જવા તત્પર થઈ. બીજા પ્રવેશમાં કદમ્બ ઉપર કૃષ્ણ મોરલી વગાડતા હતા ત્યાં તેમને શોધતી શોધતી ગોપિકાઓ વિહ્નલ જેવી આવી, અને કમળની આસપાસ મધુકરીઓનું ટોળું ભમે અને ગુંજારવ કરે તેમ કરવા લાગી. ત્રીજા પ્રવેશમાં એ વૃક્ષ પાસે અનેક રૂપે કૃષ્ણ અને અનેક ગોપિકાઓનો રાસ થયો તેમાં સંગીત, વાદ્ય અને નૃત્યનો ઉત્તમ સંવાદ યોજ્યો હતો. ચોથા પ્રવેશમાં રાધા અને સખીઓ એ મંડળમાંથી જુદી પડી અને રાધા કૃષ્ણ સાથે અદ્વેતવાસના સંગીતથી દર્શાવવા લાગી. પાંચમા પ્રવેશમાં રાધાકૃષ્ણનું યમુનાતીરે પરસ્પરલીન સંગીત અને નૃત્ય થયું અને રાસલીલા સમાપ્ત થઈ. પ્રવેશારંભે અને પ્રવેશાંતે ભજવાયેલા અને ભજવવાના ભાગનું રહસ્ય સ્પષ્ટ કરવાનું કામ મોહિની કરતી હતી. તે સર્વને અંતે મોહનીએ પોતાના આતિથેયનું સુપાત્ર થયેલી મધુરીનું સર્વ સાધુમંડળને અભિજ્ઞાન કરાવ્યું, અને તેની બુદ્ધિ, વિદ્યા, રસિકતા અને વિપત્તિઓનું દર્શન કરાવવા ‘માજી, મને કોઈ જોગી મળ્યો ને વાત કરીને વાહી’-એ મધુરીનું જોડેલું ગીત બિંદુમતી પાસે ગવડાવ્યું, અને અંતે ‘નંદકો નંદન એક આનંદ દેત હૈ’ એ ગર્જના કરતું કરતું સર્વ મંડળ લગભગ મધ્યરાત્રિએ છૂટું પડ્યું, અને દુષ્ટ અને શ્રુત પદાર્થોની ચર્ચા કરતું કરતું સ્વસ્થાનકોમાં ગયું અને નિદ્રાવશ થયું.

સર્વ નિદ્રાવશ થયાં પણ કુમુદ અને તેના ઉપર વત્સલ થયેલું મંડળ જાગૃત રહ્યું અને બીજો એક પ્રહર વાર્તામાં ગાળ્યો. તેઓ સર્વ મઠમાં આવ્યાં હતાં, પણ ચંદ્રાવલી આવી ન હતી અને ભક્તિ અને વામની પણ છેટેછેટે તેની પાછળપાછળ ગયાં હતાં. પ્રાતઃકાળ પહેલાં એક પ્રહર બાકી રહ્યો ત્યારે એ ધીમી ધીમી વાતો કરતાં પાછાં આવ્યાં અને મોહનીને એકાંતમાં બોલાવી કંઈક વાત કરી તેઓ સમેત સર્વ નિદ્રાવશ થયાં. સૂર્યોદય પહેલાં તો રાસલીલા, ગુરુજીએ કરેલી નિરીક્ષા, મધુરીનું જોડેલું ગીત, નવીનચંદ્ર, આદિ અનેક વિષયોની વાતો સર્વ સ્ત્રીમંડળમાં ચાલી રહી, પણ આજ ભિક્ષાપર્યટનનો દિવસ હતો તેથી આ બહુ પહોંચ્યું નહીં અને કુમુદ નિદ્રામાંથી જાગી તે વેળાએ સર્વ મંડળ અલખ જગાવવા નીકળી પડ્યું હતું. અને બધો મઠ નિર્મક્ષિક થયો હતો. આખા મઠમાં માત્ર પોતે, મોહની, ચંદ્રાવલી અને બિન્દુમતી રહેલાં કુમુદની ઊઘડતી આંખને દેખાયાં. સ્નાનાધિ આટોપવામાં બિન્દુ કુમુદને કામ લાગી, ને સર્વ પ્રાતરાહ્નિકમાંથી પરવારી રહ્યાં એટલે મઠના દ્વારમાં અને તેનાં પગથિયાં ઉપર રહેલું મંડળ બેઠું અને ગોષ્ઠી કરવા લાગ્યું.

‘બિન્દુ, આજ કયા જ્ઞાનની ગોષ્ઠી કરીશું ?’ મોહનીએ પૂછ્યું.

‘હું તો શ્રીકૃષ્ણ પરમાત્માને વરી છું તેને બીજું જ્ઞાન શું જોઈએ ? પણ રાધાજી જેવી પરાભક્તિનો રસ ઘટ થાય એવી કળા હોય તો બતાવો.’ બિન્દુ બોલી.

મોહની - ‘સ્થૂળ શરીરમાં સ્થૂળ કામ અને સ્થૂળ પ્રીતિની ઉત્પત્તિ છે. સ્થૂળ વિષયમાંથી સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ કામ અને સૂક્ષ્મ પ્રીતિ એ ત્રણ અલખ ભાગને લખ કરવા, અને તેમાંથી અંતે પરાભક્તિના અલખ અદ્વૈતને લખ કરવું અને અનુભવવું એ મહાકળા રસજ્ઞ દશ સ્ત્રીના સૂક્ષ્મ દેહને સહજ છે.’

બિન્દુમતી - ‘તે કેમ થાય ?’

મોહની - ‘બે પુરુષોની અથવા બે સ્ત્રીઓની મિત્રતામાં સ્થૂળ કામ હોઈ શકતો નથી, પણ સ્ત્રીપુરુષનો સમાગમ જન્મથી કે સ્થૂળ કામથી પ્રગટ થાય છે. માતાપુત્ર, ભાઈબહેન, આદિના સમાગમ જન્મથી પ્રકટ થાય છે. એથી સ્થૂળ પ્રીતિ મનુષ્યજાતિમાં થતી નથી અને થાય તો અનર્થ અને અધર્ન્યતાનું શિખર જ ગણવું. એવા સમાગમથી માત્ર સૂક્ષ્મ કામ અને સૂક્ષ્મ પ્રીતિ જ પ્રકટ થવી જોઈએ. જે સ્ત્રીપુરુષ આમ સૌન્દર્યાદિથી સંબંદ્ધ નથી, તેમને કવચિત્‌ આરંભથી જ સૂક્ષ્મ પ્રીતિમાં પડેલાં દેખીએ છીએ. પણ ઘણુંખરું તેઓના પ્રથમ સમાગમ સ્થૂળ કામથી જ બંધાય છે અને સંસારનાં કામસૂત્ર તેને માટે જ બંધાયેલાં છે. આપણા અલખ માર્ગમાં અલખના લખસ્વરૂપનો આદર રાખી અલખનું બોધન થાય છે, માટે સ્થૂળ કામાદિને આદર આપવામાં આવે છે પણ તે એવી વાસનાથી કે આ સ્થૂળ વિષયમાંથી સૂક્ષ્મ વાસનાઓ એટલે સૂક્ષ્મ કામ ઉત્પન્ન થાય. આપણાં શરીર સ્થૂળ પાર્થિવ છે, તે સ્થૂળ અન્નાદિથી પોષણ પામે છે, સ્થૂળ કામથી પ્રવૃત્ત થાય છે, અને સ્થૂળ ભોગ ભોગવી સ્થૂળ પ્રીતિ પામે છે. આ સ્થૂળ લખ સૃષ્ટિમાંથી નિવૃત્ત થવા ઈચ્છનાર સૂક્ષ્મ સૃષ્ટિ શોધે છે. આપણા સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ દેહ અંતર્ગત થઈ રહે છે અને એ અલખ સૂક્ષ્મ દેહની અલખ શક્તિનું ઉદ્‌બોધન કર્યાથી સૂક્ષ્મ વાસનાઓ અને સૂક્ષ્મ કામ પ્રકટ થાય છે. લખ પદાર્થોના અલખ ધર્મોનું જ્ઞાન આ વાસનાઓને અને આ દેહને પોષે છે. લખનું સૂક્ષ્મ જ્ઞાન તે સૂક્ષ્મ શરીરનું અન્ન છે અને તે અર્ધુ સ્થૂળ અન્નની પેઠે બાહ્ય સંસ્કારથી અને અર્ધું પુરુષ જ્ઞાનની પેઠે અલખ ચેતનાના અંતઃસ્વભાવથી સૂક્ષ્મ શરીરને પ્રાપ્ત થાય છે. અથાતો ધર્મજિજ્ઞાસા, અથાતઃ કર્મજિજ્ઞાસા, અથાતો બ્રહ્મજિજ્ઞાસા આદિ વાક્યોમાં કહેલી સર્વ જિજ્ઞાસાઓ તે આવા સૂક્ષ્મ કામનું એકરૂપ છે અને તેના ભોગથી ગુરુશિષ્ય અને મિત્રાદિ વર્ગ સૂક્ષ્મ પ્રીતિને પામે છે.અલખ માર્ગમાં મધ્યમાધિકારીઓ અનેક શાસ્ત્રોનાં સૂક્ષ્મ જ્ઞાનાન્નથી પોષણ પામે છે. સ્થૂળ અન્નથી જેમ સ્થૂળ કામનાં દીપનાદિ થાય છે તેમ આ સૂક્ષ્મ જ્ઞાનથી સૂક્ષ્મ વાસનાઓનાં દીપનાદિ થાય છે. જે દંપતીઓ સ્થૂળ મદનના પ્રભાવથી વ્યતિષક્ત થયાં હોય અને તે પછી જેમનામાં વિદ્યા, ભક્તિ આદિથી સૂક્ષ્મ દેહ દૃઢ બંધાયો હોય છે તેમનામાં આવી સૂક્ષ્મ વાસનાઓ પ્રકટ થાય છે. આ સૂક્ષ્મ કામના ભોગને અર્થે સ્ત્રી અને પુરુષ સંગમ રચે છે ત્યારે પુરુષની બુદ્ધિ જે દાન કરે છે તે સ્ત્રીની વૃત્તિથી પોષણ પામે છે. લખસંસારની સર્વ ઉચ્ચનીય ઘટનાઓમાં જ્યાં જ્યાં આવા સમાગમ થાય છે ત્યાં ત્યાં સ્ત્રીપુરુષનાં સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ કામથી રસાવિષ્ટ થાય છે. સ્થૂળ કામભોગમાં રસાવિષ્ટ પ્રાણીઓ સલિલમાં પ્રવેશ કરતાં હોય, ક્ષીરમાં જળ અનએ જળમાં ક્ષીર થતાં હોય, એવવાં સ્થૂળ સંગત જીવનની વાસના રાખે છે. તેવી જ રીતે સૂક્ષ્મ કામ સૂક્ષ્મ શરીરનો ક્ષીરજલ જેવા સમાગમની વાસના રાખે છે. રામસીતાના સૂક્ષ્મ કામ અને સૂક્ષ્મ ભોગ આવા જ હતા. માધ કવિ ગૃહિળિ ગહનો જીવનવિધિઃ કહી સૂક્ષ્મ વાસનાને બળે મરણ પામતાં પામતાં ધર્મપત્નીના કરપલ્લવના આશ્રયમાં રહી નિર્વાણ પામ્યો. શ્રીકૃષ્ણે ઉધ્ધવનો ઉપદેશ સાંભળ્યો તે એમના હ્ય્દયમાં રહેલાં લક્ષ્મીજીએ હ્ય્દયમાંથી સાંભળ્યો એવું માધે વર્ણવ્યું ૧ છે તે ઉત્પ્રેક્ષા પણ આ સૂક્ષ્મ પ્રીતિના બનેલા અદ્વૈતને જ ઉદ્દેશીને છે. જયદેવ કવિજીના મુખની અષ્ટપદી પદ્માવતીના સૂક્ષ્મ દેહે જ સાંભળી હતી. સ્થૂળ વાસના તે પ્રીતિ વૃદ્ધાવસ્થામાં ક્ષીણ થાય છે, શારીરિક દુઃખથી ગ્રસ્ત થાય છે, જીર્ણ થાય છે તેમ તેમ જીર્ણ ઈષ્ટજનનો મોહ છોડી અન્ય જનને ઈષ્ટ ગણવા લલચાય છે, ભોગાંતે શ્રાંત કરે છે અને શ્રાંતિને અંતે પુનરુદ્દીપન કરી શ્રાંતિ અને દીપનની ઘટમાળ ચલાવ્યાં કરે છે, એમાં શરીરનું સત્ત્વ નષ્ટ થાય છે, અને સૂક્ષ્મ શરીર મૂઢ થાય છે, અને જેમ જેમ કાળ જાય છે તેમ તેમ માત્ર વ્યસનીના વ્યસન જેવું શુષ્ક નીરસ અને પ્રસંગે દુઃખદ થઈ પડે છે. સૂક્ષ્મ શરીરની વાસનાઓનાં લક્ષણ આ સર્વ વિષયમાં આથી વિપરીત જ ગણી લેવાં. આમરણાંત સૂક્ષ્મ પ્રીતિની જવાળા જવળી શકે છે, સુખદુઃખમા અદ્વૈત રહેં છે, સર્વાસ્થામાં અનુગુણ રહે છે, કાળ એને અસ્ત નથી કરતો પણ એનાં આવરણનો નાશ કરે છે. વધારે કાળ જાય તેમ એ પ્રીતિ પ્રીતિના સારરૂપે પરિણામ પામે છે, અને જરાવસ્થાની વુદ્ધ વાયની વિકલતાથી તેનો રસ નષ્ટ થતો નથી એવું સત્યાનુભવી ભવભૂતિનું વચન છે. સૂક્ષ્મ પ્રીતિ ધરનાર દંપતીના સૂક્ષ્મ ભોગને સ્પર્ધાનો ભય નથી ને વ્યભિચારની અશક્યતા છે. આ સૂક્ષ્મ ભોગાંતે શ્રાંતિ નહીં પણ શાંતિ પ્રકટે છે. એ કામનું દીપન ભોગથી હોલાતું નથી પણ તેની અખંડ જવાળા બળ્યા કરે છે. દીવામાં જેમ તેલ અને પ્રકાશનો સતત સહચાર રહે છે, તેમ સૂક્ષ્મ કામનો અને તેના ભોગનો સહચાર રહે છે, દીપન અને શાંતિનો સહચાર રહે છે, અને ભોગ અને પ્રીતિનો સહચાર રહે છે. શ્રી અલખના પરમ આનંદરૂપ ને આ સહચારના આનંદમાં એટલું સામ્ય છે કે સૂક્ષ્મ પ્રીતિના જીવનમાં અલખના પરાનંદનો બોધ અલખનું જ્ઞાન થતાં જાતે જ પ્રગટે છે; જેમ વાદ્યકળાના પ્રવીણ જન પાસે નવું વાદ્ય આવતાં તે વગાડવાની કળા તેનામાં તરત આવે છે, તેમ સૂક્ષ્મ પ્રીતિના અનુભવીને પરાનંદનું સ્થાન પ્રાપ્ત થતાં એ આનંદનો અનુભવ સાહજિક કળાથી પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પણ સ્થૂળ પ્રીતિને વિયોગ અને મરણ એ બે શોકનાં કારણ થઈ પડે છે ત્યારે સૂક્ષ્મ પ્રીતિ તે કાળે પણ પૂર્વવત્‌ ભોગ પામી શકે છે, કારણ એને સ્થૂળ શરીરની અપેક્ષા નથી. તેનાં દૃષ્ટાંત જોવાં હોય તો મારા સ્થૂળ શરીરને વૈધવ્ય પ્રાપ્ત થયું છે ને ચંદ્રવલીને સ્થૂળ વિયોગ છે છતાં, મધુરી, તું જો કે અમારી સૂક્ષ્મ પ્રીતિ ઈંધન વિનાના અગ્નિ પેઠે અસ્થ થઈ નથી, પણ રત્નપ્રદીપ પેઠે જેવી યોગમાં હતી તેવી જ વિયોગમાં, ઈંધનની અપેક્ષા વિના, હજી પ્રકાશમય છે.’

ચંદ્રાવલી - ‘મધુરી ! તારી પ્રીતિ પણ સૂક્ષ્મ છે.’

કુમુદ - ‘માટે જ તે અંધકારમાં અખંડિત રહી છે ને નથી નાશ પામતી ને નથી નાશ પામવા દેતી ! અને માટે જ હું માજીના ચરણમાં સ્થૂળ શરીરને રાખી સૂક્ષ્મને ભટકવું હોય ત્યાં ભટકવા દઈશ.’

ચંદ્રાવલી - ‘તું નિરાશ થઈ છે.’

કુમુદ - ‘આશા નિરાશા છે ત્યાં નિરાશા જ આશા છે.’

ચંદ્રાવલી - ‘સ્થૂળ કામને સંયમમાં રાખી સૂક્ષ્મ કામના ભોગની જ તને વાસના હોય તો તે ધર્મ્ય છે ને લભ્ય છે.’

કુમુદ - ‘સ્થૂળ કામને હું દેખતી નથી, ને સૂક્ષ્મ કામ દુઃખાગ્નિમાં સૂક્ષ્મતમ ભસ્મરૂપ થાય એવું માજી પાસે માગું છું.’

ચંદ્રાવલી - ‘દુલારી, જે મહાત્માને માટેની તારી સૂક્ષ્મ વાસનાઓ શાંત થતી નથી તેને મેં કાલ જોયા. વિષ્ણુદાસજી અને મધુરી ઉભયના પરમ પક્ષપાતનું એ ઉચિત સ્થાન છે. તે તેની આકૃતિ ઉપરથી જણાય છે. આકૃતિર્ગુળાન્‌ કવયતિ ।’

કુમુદ - ‘હોય તો યે શું ને ન હોય તો યે શું ?’

મોહની - ‘એમ કેમ કહેવાય ? તમ જેવાના સૂક્ષ્મ કામ તૃપ્ત થાય તો તમને પણ કલ્યાણ ને જગતનું પણ કલ્યાણ.’

કુમુદ - ‘એ કલ્યાણ કરવાનો અધિકાર મધુરી જેવી ક્ષુદ્ર કીડીને ક્યાંથી હોય ?’

મોહની - ‘રાસલીલા તેં જોઈ, પણ તેનું રહસ્ય તું ભૂલી ગઈ. બિન્દુમતી ! શ્રીકૃષ્ણના અધર ઉપર ચડેલી મોરલીનાં વંશપ્રશસ્તિ કાલ ગવાઈ હતી તે ગા.’

બિન્દુમતી ગાવા લાગી.

બહુત...ગુમા...ન...ભરી...રે, મોરલિયાં ! તું બહુત (ધ્રુવ )

બંસરિયા ! તું બહુત.....ગુ...મા...ન....ભરી રે ! મોર

મેં સૂતી’ તી અપને મહેલમેં, તેં મેરી નિંદ હરી રે ! મો

જાતવર્ણ તેરી સબ કોઈ જાને, તું જંગલકી લકડી રે ! મો

કૃષ્ણજીવન તું કો મુખસે લગત હેં, કરસંગત સઘરી રે મો

મોહની - ‘મધુરી ! તું નવીનચંદ્રના મુખ ઉપર આવી મોરલી થા અને અમને મોહ પમાડે એવું તેના પ્રભાવથી ગા.’

ચંદ્રાવલી - ‘કાલ બંધીસૂન ગવાઈ હતી તે પણ ગા.’

બિન્દુમતી - ‘બંસીધૂ....ન....બ....જ...ર....હી.

બંસીધૂ....ન...બ....જ...ર...હી.

શ્રીજુમના કે તી....ર !બંસી’

સુરવર મોહ્યા, મોટા મુનિવર મોહ્યા,

મોહ્યા મોહ્યા ગન્ધર્વ અખિલ ! બંસી (અનેક વાર)

બંસી રે સુનકર ગઈ બ્રજબાલા,

વી સ ર્યો આ તનકો ચીર ! બંસી (અનેક વાર)

બંસરી સુનક...ર...ગઈઆં રે બીસરી.

બછુવા તજ ગયો ખીર ! બંસી (અનેક વાર)

સુરદાસ હરિ બંસી મુખસેં બજાવે,

સ્થિર રહ્યો શ્રી મહારાણીજીકો નીર ! બંસી’ (અનેક વાર)

ચંદ્રાવલી - ‘મહાતામાના હાથમાં જઈ તેને મુખે ચડી એ જડ બેસરી જગતને આટલું કલ્યાણ આપે છે તો મધુરી જેવી મોઘાવિની સુંદરી નવીનચંદ્ર જેવા દક્ષિણ જનના હ્ય્દયમાં વસી કોનું કોનું શું શું કલ્યાણ નહીં કરે ?’

કુમુદ - ‘મને તે અધિકાર નથી ત્યાં પછી વધારે વાત શી ?’

ચંદ્રાવલી - ‘આ ત્રણે મઠના ગુરુજીનો અને સર્વ સાધુ સ્ત્રીપુરુષોનો પક્ષપાત જેને આજ આ ઉત્તમોત્તમાધિકારે મૂકે છે તેના ઉપર શું તને પક્ષપાત નથી ? શું તારું હ્ય્દય તેના લોભનો ત્યાગ કરી શકશે ?’

કુમુદ - ‘આ સર્વ પાપ અને વિપત્તિ એ દુષ્ટ હ્ય્દયને માથે જ છે.’

ચંદ્રાવલી - ‘તું હજી મુગ્ધ છે. પણ હું તારો ને તેનો યોગ કરી આપીશ. તારું સ્થૂળ શરીર તારે જેને વશ રાખવું હોય તેને વશ રાખજે, પણ સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ કામના સ્વામીને વશ કરવું પડશે. તે પછી તે તને સ્વતંત્ર રાખે તો માજીની પાસે આવજે ને તને અસ્વતંત્ર રાખે તો તેની ઈચ્છાને વશ થશે. આમાં તને કાંઈ બાધ નથી. મધુરી ! તારે એ મહાત્માને પત્ર લખવો હોય કે સંકેત કરવો હોય કે સંજ્ઞા કરવી હોય કે જે કંઈ ઈષ્ટ હોય તે તૈયાર કરી રાખજે. તારી સૂક્ષ્મતમ વાસના હું સમજી શકી છું, અને તું જાતે નહીં ચાલે તો અમે તને ઊંચકીને લઈ જઈશું ને પૃથિવ્યા યઃ શરળં સ તવ સમીપે વર્તતે એવું કહી સખીજને શકુંતલાને દુષ્યંતને શરણે નાંખી હતી તેમ અમે પણ તને નાંખીશું અને ત્યાં તારું અભિજ્ઞાન કે સત્કાર નહીં થાય તો માજીનું મંદિર ને ચંદ્રાવલીનું હ્ય્દય તારે માટે સર્વદા સજ્જ છે. માટે સમય આપું છું તેમાં સજ્જ થજે.’

ચંદ્રાવલી ઊઠી બહાર ગઈ.

બિંદુમતી તેને થોડે સુધી મૂકી આવીને આવતી ગાવા લાગી.

‘રતિસુખસારે ગતમભિસારે મદનમનોહરવેશમ્‌ ।

ન કુરુ નિતમ્બિનિ ગમનવિલમ્બનમનુસર તં હ્ય્દયેશમ્‌ ।।

ધીરસમીરે યમુનાતીરે વસતિ બને વનમાલી

ગોપીસૂક્ષ્મશરીરવિશોધન ચન્વલોચનશાલી ।।

‘મધુરીમૈયા ! સૂક્ષ્મ શરીરના વિશોધન માટે આવા મહાત્માનો દૃષષ્ટિપાત તારા પર થાય તો તે તારે સ્વીકારવો જોઈએ.’

‘ચંદ્રાવલીમૈયા ! સૂક્ષ્મ પ્રીતિને માટે - પણ અભિસરણ કરું એવી હું નથી -’ જાગી હોય તેમ કુમુદ બોલી ઊઠી.

મોહની - ‘ચંદ્રવલી તો ગયાં. તારું શું મનોરાજ્ય ચાલે છે કે છે તેને દેખતી નથી, ને નથી તેને બોલાવે છે ?’

કુમુદ સાવધાન થઈ બોલી : ‘ક્ષમા કરો, મોહનીમૈયા ! શું ચંદ્રવલીમૈયા મને અભિસારિકા કરવી ધારે છે ?’

મોહની - ‘ચંદ્રવલી જેવી પ્રવ્રજિતા જ્યારે દૂતીકર્મ કરશે ત્યારે અભિસરણ કરવામાં શરમાનારી તું તે કોણ વારુ ?’

કુમુદ - ‘શું ચંદ્રવલીમૈયા દૂતીકર્મ કરે છે ? એ બોલો છો શું ?’

મોહની - ‘તું સાંભળે છે તે.’

કુમુદ -‘કેવી રીતે ?’

મોહની - ‘રાત્રે વિહારપુરીને મળી આવ્યાં. નવીનચંદ્રજી ચંદ્રાવલીની વાર્તા સાંભળે એવો યોગ કરી વિહારપુરીજીએ પછી ભિક્ષાર્થે જવું અને પર્યટનકાળે એકાન્ત શોધી ગુરુજીની સંમતિ પણ માગી લેવી એટલી યોજના વિહારપુરીએ ને ચંદ્રવલીએ કરી છે. તે યોજના પ્રમાણે ચંદ્રાવલી નવીનચંદ્રને શોધવા અત્યારે ગયાં.’

કુમુદના મુખ ઉપર વેદના અને ગૂંચવાડો જણાયો. ‘આ શું કર્યું બધું ? મોહનીમૈયા ! મને ગિરિરાજ ઉપરથી નીચે ઊતરવાનો માર્ગ બતાવો. મેં નવીનચંદ્રજીના દર્શન કર્યા. હવે તેથી વધારે મારે તેમને નથી મળવું.’

મોહની - ‘ચંદ્રાવલીની આજ્ઞા તોડવાનો તને શો અધિકાર છે ?’

કુમુદ - ‘મારે પતિત નથી થવું.’

મોહની - ‘આર્ય ધર્માભિમાનિની ! તું શું એમ સમજે છે કે પોતાના

હ્ય્દયને અને સૂક્ષ્મ અભિલાષાને જોખમમાં નાખી, અંગારા ઉપર ચાલવાની છાતી ચલવી, તારા ઉપરની પ્રીતિને લીધે, ચંદ્રાવલી જેવાં વિરક્ત સાધુજન વિહારપુરી પાસે રાત્રે એકાન્તે ગયાં હશે-ઊભાં હશે-તે સર્વ તને પતિત કરવાને માટે ? તારો અને તેમનો પોતાનો ધર્મ શું તારા કરતાં ઓછો સમજે છે અને ઓછો ઈચ્છે છે ? આ બે મઠનું અધિષ્ઠાત્રીપણું આટલા દિવસ તેમણે એવી ધર્મનિપુણતાથી, કાર્યદક્ષતાથી, અને ઉદાત્ત સૂક્ષ્મ બુદ્ધિથી કર્યું છે કે પરમ પવિત્ર વિષ્ણુદાસજી બાવા પોતે એ ચંદ્રાવલીનાં હ્ય્દયમાં કંઈ વાસના થઈ જાણે તો વગર પ્રશ્ને તેને પવિત્ર જ પાની લે એમ છે. એ ચંદ્રાવલી તને અધર્મને માર્ગે રજ પણ સરવા દે એવી આશા જેવી વ્યર્થ તેમ તેવી ભીતિ અકારણ અને બાલિશ છે.’

બિંદુમતી - ‘મધુરીમૈયા ! તારાં સ્થૂળસૂક્ષ્મ ઉભય શરીરનું સંપૂર્ણપણે રક્ષણ કરી તારે અભિસાર કરવાનું થાય એવી જ યોજના થશે.’

કુમુદ - ‘જેને આવા સાધુજન આમ પૂજે છે, જેને એ સર્વ મહાત્માઓ વિરક્ત જાણી આનંદ પામે છે, જેની પવિત્ર સ્થિતિ તમે કાલે જ પ્રત્યક્ષ કરાવી, તેને એ સ્થાનમાંથી હું ચલિત નહીં કરું. ચંદ્રને જેમ દૂરથી જ જોઈ કુમુદ પ્રફુલ્લ થાય છે તેથી વધારે મધુરી નહીં કરે.’

મોહની - ‘તારા જડ સ્થૂળ શરીરને એ જડ કુમુદ જેવું રાખજે અને તારા સૂક્ષ્મ ચેતન શરીરને ચેતન સમક્ષ ચકોર જેવું કરજે. તારા ચંદ્રના હ્ય્દયમાં કોઈ ઊંડી વાદના છે એવું વિહારપુરી મૂળથી ધારે છે અને હવે તેમની કલ્પના એવી થઈ છે કે તે વેદના તારે માટે જ હોવી જોઈએ. વિહારપુરીજીએ તારા ચંદ્રના સંબંધમાં ચંદ્રાવલીને બેત્રણ વાનાં કહેલાં છે તે સાંભળ.’

રજ્જિતા ન કકુમો નિષેવિતા

નાર્તિષો બત ચકોરતશ્ચુષુ ।

કષ્ટમિન્દુરુદયે નિપીયતે

દારુળેન તમસા બલીયસા ।।

વળી બીજું કહ્યું છે કે-

યસ્યોદયેનૈવ દિશાં પ્રસાદઃ

તાપાપનોદોડપિ જગત્ત્રયસ્ય ।

ચકોરતશ્વુપુટપારળે તુ

ચન્દ્રસ્ય તસ્યાસ્તિ કિયાન્‌ પ્રયાસઃ ।।

મધુરી આ આશાના સુધાબીજનું પ્રાશન કર અને વિપરીતકારિણી મોટી ઉચિતકારિણી થા અને સુંદરગિરિના પુણ્ય આશ્રમના આશ્રય વડે સંસારની ભ્રષ્ટ વંચનાઓમાંથી મુક્ત થઈ શુદ્ધ ધર્મ અને રસની વુદ્ધિને સ્વીકાર. એ સંપ્રદાય પ્રમાણે તો તારું સ્થૂળ શરીર પણ તારા પરિશીલક જને વનિત કરેલું છે, પણ ચંદ્રાવલીમૈયા તારા ઉપર એટલા વત્સલ છે અને સંસારીઓના ધર્મનાં સુજ્ઞ છે કે તેમણે તારા સ્થૂળ શરીરને તારા સંપ્રત્યયને વશ રહેવા દઈ માત્ર સૂક્ષ્મ પ્રીતિનો યોગ યોજ્યો છે. તારા શરીરનો ઈશ જેને ગણવો હોય તેને ગણજે, પણ તારા હ્ય્દયનો ઈશ એક જ છે. એ હ્ય્દયેશને અનુસરવું તેને તું અભિસરણ કહે કે અનુસરણ કહે પણ તે તારો ધર્મ સૂક્ષ્મ છે તે પળાવવાને ચંદ્રાવલીનું વિરક્ત ચિત્ત ચિંતા કરે છે.

બિન્દુમતી - ‘એ તો અસ્તે. મધુરીબહેન ! રાત્રિ આવશે અને આમનું આમ કરશો તો ગઈ વેળા પાછી નહીં આવે ને પસ્તાશો.’

કુમુદે આ વાત કાન ધરી નહી. સૌના પાસેથી તે ઊઠી અને રાત્રે જે બારી આગળ બેઠી હતી ત્યાં જઈ બેઠી. બિન્દુમતી બોલ્યાચાલ્યા વિના એની પાસે કાગળ, ખડિયો ને કલમ મૂકી આવી ને મોહનીને પૂછવા લાગી : ‘હવેનો વિધિ ?’

‘એ બારીએ તાળું છે તે રાખજે ને જોડેની બારીએ સળિયા છે તે ઉઘાડી રાખજે. એની પાસે શય્યા પાથરી રાખજે. એ આઘીપાછી જાય તે દૃષ્ટિમાં રાખજે ને બાકી એકાંતમાં જ રહેવા દેજે. એકાન્ત એ જ હવેનો વિધિ છે. હું હવે મારા આહ્યિકમાં ભળું છું.’

૧.ઈતિ વિશકલિતાર્થામૌંદ્ધર્વી વાચમેનામ્‌ અનુગતનયમાર્ગામર્ગલાં દુર્નસ્ય ષ જનિતમુદમુદસ્થાદુચ્ચકૈરુચ્છિતોરઃ સ્થલનિયતનિષળ્ળશ્રીશ્રુતાં શુશ્રુવાન્‌ સઃ ।। -માધ

૨.પ્રાચીન

૩.રતિરસ મનમાં વાંછી વનમાં વિચર્યા હરિ, અલબેલી ! વિલમ જવામાં કર મા હાવાં, વાલમને મળ વહેલી ! યમુનાતીરે વનવા ધીરે વાયે ત્યાં વનમાળી સૂક્ષ્મ પ્રીતિનો ભોગી નાગર વાટ જુએ તુજ, વહાલી ! -ગીતગોવિંદ, રા. કેશવલાલ હ. ધ્રુવકૃત ભાષાંતર

૪.અરેરે ! હજી તો ચંદ્રે દિશાઓ રંગી નથી કે ચકોરની ચાંચમાં પોતાનો પ્રકાશ સિંચ્યો નથી અને તેટલામાં જ આ દારુણ અને વધારે બળવાળો રાહુ, ચંદ્ર ઊગતામાં જ એને પી જાય છે. - પ્રકીર્ણ.

૫.જેના ઉદયથી જ દિશાઓ પ્રસન્ન થાય છે અને ત્રણે ભુવનના તાપ શાંત થાય છે તે ચંદ્રને એક અપવાસી ચકોરના ચંચૂપુટને પારણાં કરાવવામાં તે કેટલો પ્રયાસ પડવાનો હતો ? - પ્રકીર્ણ