The Play - 13 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Play - 13

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

સાધુ કબિલામાંથી નીકળી પડે છે. કોઇ જ લક્ષ્ય વિના એ, ખર્વ અને નિખર્વ ચાલતા થઇ જાય છે. એક વૃક્ષ નીંચે એ રાત પસાર કરે છે. ત્યાં એનો ભેટો શિવ સાથે થાય છે. શિવને ખબર પડે છે મેઘની સ્મૃતિઓ ચાલી ગઇ છે. શિવ એને કૈલાસ પર્વતની યાત્રાએ લઇ જાય છે. હવે આગળ.

13. શિવ

શિવે ગામના બાળકોને ભેગા કરીને ખેલ શરૂ કર્યા હતા. જોળામાંથી અજબ ગજબની વસ્તુઓ કાઢીને એ બાળકોને જાદૂ બતાવી રહ્યા હતા. એણે સાપને નચાવ્યા, એ બાવો ખુદ નાચ્યો. ક્યારેક ત્રીશુલ સાથે નાચતા તો ક્યારેક ડમરુ વગાડતા. સાધુ બેઠો બેઠો આ બધુ જોઇ રહ્યો હતો કે આ શું ચાલી રહ્યુ છે? બન્નેનો જીવવાનો કોઇ ઉદ્દેશ્ય નહોતો એ તો પાક્કુ થઇ ગયુ હતુ. પરંતુ શિવ આટલો આનંદમાં રહી શકતો હતો એનું સાધુનેં આશ્ચર્ય હતું.

‘પામેલ માણસ જ આટલો આનંદ કરી શકે.’, સાધુએ મનોમન જ વિચાર્યુ. એને શિવ તરફ માન થઇ આવ્યુ. જેવો ખેલ પૂરો થયો, પહાડી બાળકો પોતાના ઘરેથી કંઈક કંઈક લઈ આવ્યા. કોઈક ધાન, કોઈક ફળ તો કોઇક તૈયાર રોટી લઇ આવ્યુ. શિવે બધુ જ પોતાના પોટલામાં ભર્યુ અને સાધુને હાંકલો મારીને બન્ને પહાડી રસ્તા પર નીકળી પડ્યા. બપોર સુધી ચાલ્યા બાદ બન્નેએ જમવા માટેનોં વિસામો લીધો. શિવે પોતાની જોળીમાંથી જે જે મળ્યુ હતુ એ કાઢ્યુ. એક કપડા પર મુકીને બન્ને જમવા બેઠા.

‘આ બધા ખેલ શામાંટે? અન્ન માટે?’, સાધુએ પહેલો કોળીયો મોંમાં મુકતા પહેલા પૂછ્યુ. શિવે પહેલો કોળીયો નજીકમાં સળગી રહેલ લાકડાનેં અર્પણ કર્યો.

‘આનંદ માટે. અન્નતો માંગી પણ શકીએ. આનંદ અપાતો નથી. આનંદ આવે છે.’, શિવે બોલવાનું શરૂ રાખ્યુ..

‘બાળકોમાં એમ પણ માસુમીયત હોય છે, એમાં પણ આ પહાડી બાળકો અને અહિંના લોકો કુદરતથી વધારે નજીક છે. અહિં કોઇ વેપાર માટે નથી જીવતુ. બધા જીવવા માટે જીવે છે. અહિં પ્રેમ છે. જે મને આકર્ષે છે.’.

‘તો તુ આવીજ રીતે જીવે છે?’, સાધુએ પૂછ્યુ.

‘બમ બમ બોલે.’, શિવે હસીને જવાબ આપ્યો.

‘હવે આપડે ક્યાં જઇએ છીએ?’,

‘તુજે કૈલાસ દિખાતા હું.’, શિવે કહ્યુ.

‘પરંતુ એ પહેલા કપરા ચઢાણ આવશે. કપરી ઠંડ આવશે. ઠંડા પર્વતોનાં પોલાણમાં રહેવું પડશે. એટલે ઓઢવા માટે કંઇક શોધવુ પડશે. જે આપણને આગળનાં ગામડાઓમાંથી મળી રહેશે.’, શિવે જમતા જમતા કહ્યુ. શિવનું જમવુ પણ ધ્યાન સમાન હતુ.

‘મારે નૃત્ય શીખવું છે.’, સાધુ બોલ્યો. શિવનેં થોડું આશ્ચર્ય થયુ.

‘તો શીખો.’, શિવે પણ મૌજમાં કહ્યુ.

‘મારા ગૂરૂ બનશો?’, સાધુએ આદરપૂર્વક કહ્યુ. શિવે કંઇજ જવાબ ના આપ્યો. બન્નેએ કોઇજ વાત વિના જમવાનું શરૂ રાખ્યુ. જમ્યા પછી બન્ને થોડીવાર માટે આડા પડ્યા.

***

શિવે પોતાના ત્રીશુળથી ઉંઘી રહેલ સાધુને જગાડ્યો. સાધુનીં ઉંઘ ઉડી.

‘ચલ તૈયાર થઇ જા નૃત્ય માટે.’, શિવે સાધુની આંખો ખુલતા જ કહ્યુ.

‘અહિં?’, સાધુએ પ્રશ્ન કર્યો.

‘તારા બધા જ્ઞાનનેં ત્યજીને અજ્ઞાની બન. નૃત્ય જ્ઞાનિઓનું સાધન નથી.’, શિવે કહ્યુ અને શિવે પોતાના બધા વસ્ત્રો સિવાય એક ધોતી હવામાં ફંગોળીને કહ્યુ. શિવ એક પગે ઉભા રહી ગયા. સાધુને હજુ ખબર નહોતી પડી રહી કે શું કરવું?

‘નૃત્ય નિરસ લોકો માટે નથી.’, શિવે ફરી ત્રાડ પાડી.

‘શું કરૂ?’, વૃદ્ધ સાધુ બોલ્યો.

‘ઉભો થા, જ્ઞાન ત્યજ અને નૃત્ય કર.’, શિવે કહ્યુ. સાધુ પોતાની જગ્યા પર ઉભો થયો અને શિવ પાસે આવ્યો. શિવે એક પગ અને નટરાજની મુદ્રામાં ઉભા રહ્યા. શિવે માત્ર પોતાની જેમ ઉભા રહેવા માટે ઇશારો કર્યો. સાધુ પોતાની જગ્યા પર ઉભો રહ્યો, પરંતુ એના પગ જડ બની ચુક્યા હતા. સ્થિર ઉભા રહેવુ એના માટે શક્ય નહોતુ બની રહ્યુ. શિવે પોતાની મુદ્રા તોડી.

‘એક પગ પર.’, શિવે આંખો પહોળી કરીને કહ્યુ. સાધુ એક પગ પર ઉભો રહ્યો પરંતુ ફરી એનો પગ નીચે આવી ગયો. શિવે પોતાની જોળીમાંથી ચર્મબંધ (ચામડાનોં લાંબો પટ્ટો) કાઢ્યુ અને સાધુનાં પગ પર માર્યુ. સાધુને થોડો ગુસ્સો આવ્યો. તરત સાધુને ખબર પડી કે એના મનમાં ક્રોધનાં તરંગો આવ્યા છે. શિવ તરત જ આ જોઇને હસ્યા.

‘આજે બસ આટલુંજ.’, શિવે કહ્યુ અને ચર્મબંધ પોતાનીં જોળીમાં મુક્યુ.

‘આટલું જ શિવ?’, સાધુ બોલ્યો.

‘સાધુ સત્ય હજુ ખુબ દૂર છે. સત્યનેં પામવા ત્રિગુણાતીત થવુ પડે. હજુ સફર લાંબી છે અને ઠંડ વધારે છે.’, શિવે કહ્યુ. સાધુએ બન્નેની જોળી ઉઠાવી અને પહાડી ગામ તરફ સફર શરૂ કરી. શિવ ગાતા ગાતા મસ્તી કરતા કરતા ચાલતા હતા. સાધુ માત્ર આનંદપૂરક એ જોયા કરતો. સાધુ હવે શિવનોં શિષ્ય હતો.

***

પાર્વતિ અને મિનાક્ષી વટવૃક્ષ નીંચે બેઠા હતા. મિનાક્ષીને પાર્વતિએ બોલાવી હતી.. પાર્વતિ ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે એણે જોયુ કે મિનાક્ષી ગણેશ સાથે ચર્ચા કરી રહ્યા છે. બન્ને ખખડાટ હસી રહ્યા હતા.

‘બહુ વહેલા જ આવી ગઇને !’, પાર્વતિએ મિનાક્ષીને જોતા કહ્યુ.

‘મારે ગણેશનેં પણ મળવુ હતુ.’, મિનાક્ષીએ હસીને જવાબ આપ્યો.

‘બોલાવ્યા વિના પણ તુ આવી શકે. અમારા ભવને ન દ્વારમ.’, પાર્વતિએ હસતા હસતા કહ્યુ.

‘આ ગણેશ પૃથ્વિની યાત્રાએ નીકળે છે એવા સમાચાર સાંભ્ળ્યા મેં તો.’,

‘એક નવા નાટ્યમાં અદાકારી કરે છે.’, પાર્વતિએ બેસતા કહ્યુ.

‘ગણેશ’, પાર્વતિ બોલ્યા અને ગણેશે પ્રણામ કરીને વિદાય લીધી.

‘મિનાક્ષી તને યાદ છે તારા સર્જનની વાત?’, પાર્વતિએ અચાનક પ્રશ્ન કર્યો.

‘વર્ષો થયા, તમે સંભળાવો તો ગમશે. એમ પણ મારી સ્મૃતિ એટલી બધી સારી નથી.’, મિનાક્ષીએ ખુબ જ પ્રેમપૂર્વક કહ્યુ.

‘જુઠ્ઠી.’, પાર્વતિએ હસીને કહ્યુ.

‘જે પણ હોય એ કહો, મને સાંભળવું ગમશે.’, મિનાક્ષીએ કહ્યુ. પાર્વતિ અને મિનાક્ષી બન્ને ઉભા થયા અને બાગ તરફ ચાલતા થયા.

‘તારા સર્જન પાછળ એક મહત્વનોં હેતુ હતો. એ કાળનું એક મહત્વનું અને મોટા પાયાનું નાટક શરૂ થવાનું હતુ. એના માટે અમારે એક એવી અભિનેત્રીની જરૂર હતી જે ખુબ જ કોમળ હોય, જેનામાં અભિનય જેવું કંઇ ના હોય. જેમાં પ્રાકૃતિક અભિનય હોય. અમે ખુબજ શોધ કરી પરંતુ એવો કોઇ ના મળ્યુ જે આ પાત્રમાં બંધબેસતુ હોય. એવું જ એના મુખ્ય પાત્ર સાથે પણ હતુ. એકમાત્ર અભિનેતા છે જે આ પાત્ર નીભાવી શકે એમ હતા. વિષ્નુ. પરંતુ એ આ નાટ્યને દિગદર્શીત કરવાનાં હતા.’, મિનાક્ષી ખુબ ધ્યાનથી સાંભળી રહી હતી. મિનાક્ષીને એમ કે એ બધુ જાણતી હશે. પરંતુ આ વાત એ પણ પહેલીવાર સાંભળી રહી હતી. મિનાક્ષીને એનું નાટ્યનીં તૈયારીઓ શરૂ થઇ ત્યારનું બધુ જ યાદ હતુ. એના ઉદભવ વિશે કહેવાતું કે એ પાર્વતિનું જ એક અંગ છે.

‘આ મને નથી ખબર.’, પાર્વતિ થોભ્યા એટલે મિનાક્ષી બોલી.

‘પછી હું અને શિવ એકવાર બ્રહ્માં પાસે ગયા. અમે એમને બધુ જ વિગતે કહ્યુ. બ્રહ્માનેં વાત ઓછી ગમી. પરંતુ અંતે એમણે મંજુરી આપી. તું પણ જાણે છે શિવ તંત્રનાં જાણકાર છે. એ પછી પૂનમથી અમાસ સુધી દર રાત્રીએ તંત્રની ક્રિયાઓ ચાલી. કેટલીય ક્રિડાઓ થઇ. એવી ક્રિયાઓ જે બિભત્સ રસમાં આવે. ઉર્જા સાથે ભયંકર રમતો થઇ. ઉર્જા સાથે રમતો કરવા આ બ્રહ્માંડમાં શિવ સિવાય કોઇ સક્ષમ નથી. આખરે સમય આવ્યો જ્યારે મારે મારા અંગો આપવાનાં હતા. એક પછી એક વિધીઓ પૂરી થઇ. એક સમય એવો આવ્યો જ્યારે શિવે પોતાના અંગો આપવાનાં હતા. ફરી લાંબી તાંત્રીક વિધીઓ થઇ. અમાસની અંધકાર રાત્રીએ બે જીવીત શરીરનોં જન્મ થયો. સ્ત્રી શરીરને મેં મિનાક્ષી નામ આપ્યુ. વિધીનાં અંતે પ્રચંડ નાદ ઉત્પન્ન થયો હતો એટલે શિવે પોતાના અંશને મહાનાદ નામ આપ્યુ. આ રીતે બે શરીરનો જન્મ થયો. સ્મૃતિ રોપણ કરવામાં આવ્યુ. જેથી તમારા જન્મનાં પ્રશ્નો ના ઉઠે. આ નાટ્યનો હેતુ ખુબ મોટો હતો. પૃથ્વિ પર એવી ઘટનાઓ તરફ દોરવાનો હતો જેનાંથી પૃથ્વિનું ભવિષ્ય બદલાય. પછી જેમ તને યાદ છે તમને બન્નેને આ નાટ્ય માટે તૈયાર કરવામાં આવ્યા, નાટક શરૂ થયુ. બધુ જ બરાબર ચાલી રહ્યુ હતુ અને જે થયુ એ તને ખબર જ છે.’, પાર્વતિ બોલતા બોલતા થોભ્યા.

‘હા પરંતુ આટલા વર્ષો પછી આ વાત…’, મિનાક્ષીએ પાર્વતિ તરફ જોઇને કહ્યુ.

‘આજે ધ્યાનમાં મારો શિવ સાથે સંપર્ક થયો હતો. જ્યારે પૃથ્વિ પરની ઘટના બની અને નવ્યાનું મૃત્યુ થયુ ત્યારે એ નાટ્ય બંધ કરવામાં આવ્યુ. તું અહિંયા આવી પરંતુ તને ખબર છે ત્યાં કોણ રહ્યુ છે.’, મિનાક્ષીએ પાર્વતિ સામે જોયુ. એનાં ચહેરા પર કૂતુહલતાનાં ભાવો હતા. એને એક ક્ષણ એવું થયું કે એને અત્યારેજ બધુ જાણી લેવુ છે.

‘તુ જાણે છે, તુ ઘણીવાર મારી પાસે ફરિયાદ લઇને આવે છે. તને કોઇ જીવન સંગિ નથી મળતુ. ફરી કોઇ એવું નથી મળ્યુ જે એક ક્ષણમાં મન પર અંકિત થઇ ગયુ હોય. તુ મારો અંશ છે. તું પહેલેથીજ કોઇની સાથી છે. એ તને પણ ખબર છે. તુ શિવનાં અંશની સાથી છે. શિવની સાથી છે.’, પાર્વતિ બોલતા થોભી. મિનાક્ષીની આંખોમાં આંસુ હતા. એને એની વર્ષો પહેલાની સ્મૃતિ સ્મરણમાં આવી.

‘એ ઘટનાં પછી શીવને ઘણો આઘાત લાગ્યો હતો. જે હેતુ માટે તારો ઉદભવ થયો હતો એ પૂરો નહોતો થયો. સમય જતા બધા ભૂલી જતા હોય છે. પરંતુ તમે બન્ને અમારા અંશો છો. અમે ભૂલી નથી શક્યા. શિવ આ ઘટના પછી વર્ષો સુધી પૃથ્વી પર સમાધીમાં રહ્યા. સમાધી પૂરી થઇ પછી અમે થોડા વર્ષો સુધી પૃથ્વી પર સાથે રહ્યા. એમને પૃથ્વી ભ્રમણ કરવુ હતુ એટલે હું અહિં આવી. પરંતુ આજે શિવ સાથે વાત થઇ. મેઘ હજુ પૃથ્વિ પર ભટકે છે. એની સ્મૃતિઓ વિસરાઈ ગઇ છે. સ્મૃતિઓની શોધમાં ભટકે છે. સ્મૃતિ મળ્યા પછી એ નવ્યા માટે ભટકશે. શિવ અત્યારે એની સાથે છે. એ જ્ઞાન અજ્ઞાનની ભ્રમણા વચ્ચે અસ્થિર મગજથી પીડાય છે. મિનાક્ષી અમારા દ્વારા તમારો જન્મ નથી થયો. અમે જ તમે છો. જેટલો પ્રેમ મારા અને શિવ વચ્ચે છે એટલો જ પ્રેમ તારા અને મહાનાદ વચ્ચે છે. જેટલો મેઘ તડપે છે એટલુ જ શિવ પણ તડપે છે અને હવે જેટલી તુ તડપીશ એટલી હું પણ તડપીશ. પરંતુ એક આનંદની વાત છે કે શિવ એ બનતા બધા જ પ્રયત્ન કરે છે જેથી એની સ્મૃતિ પાછી આવી શકે. કદાચ એના માટે શિવને અમુક વખતે તારી જરૂર પડે. નવ્યાની જરૂર પડે.’, મિનાક્ષીનીં આંખોમાંથી આંસુની ધાર થઇ હતી. મિનાક્ષી પાર્વતિનાં ગળે વળગીને ડૂસકા ભરવા લાગી.

‘આ વિશ્વ પ્રેમથી જ ચાલે છે મિનાક્ષી. પ્રેમ વિના આપણે બધા અધૂરા છીએ. તુ પણ તારા અંશને પામીશ.’, પાર્વતિએ કહ્યુ અને મિનાક્ષીનાં માથામાં હાથ ફેરવ્યો.

***

શિવ સાધુનેં જાત જાતની કસરત કરાવી રહ્યા હતા. એના દરેક અંગો ખેંચી રહ્યા હતા. મેઘનેં સખત પીડા થઇ રહી હતી. વર્ષો સુધી સમાધીમાં રહેવાના કારણે એની નસો જકડાઈ ગઇ હતી. સવારથી બપોર સુધી કસરત કર્યા પછી બન્ને આરામ કરતા. બપોર પછીનોં સમય કૈલાસ તરફનાં માર્ગમાં જતો અને સાંજે ગામ આવતા એ પોતાનો ડેરો નાખતા. રાત્રે સાધુની નૃત્યની શિક્ષા શરૂ થતી. શિવ ખુબ ચીવટતાથી મુદ્રાઓ શીખવતા. શિવ ખુબ કઠોર પણ બની જતા. પરંતુ એમનો સ્વભાવ મૃદૂ હતો. એમને ખબર હતી એ શું કરી રહ્યા હતા.

દિવસો વિતતા ગયા. સાધુનું શરીર ખડતલ થતુ ગયુ. પહાડ તરફનું ચઢાણ ઉંચુ થતુ ગયુ. સાધુએ પોતાની જાતને શિવ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત કરી દીધી હતી. જેમ જેમ ઉપર તરફ ચડી રહ્યા હતા એમ ઠંડી વધી રહી હતી. હવા પાતળી થઇ રહી હતી. શિવનાં શરીરમાં સહેંજ પણ થાક નહોતો જાણે એના માટે આ રોજની ક્રિયાઓ હતી. સાધુનું શરીર પડી રહ્યુ હતુ. શિવનો બધો જ સામાન સાધુ ઉપાડી રહ્યો હતો. હવેનું ચડાણ સીધુ અને તીક્ષ્ણ હતુ. આ હિમાચ્છાદીત પર્વતને પાર કરીને બીજી તરફ જવાનું હતુ. અડધા દિવસનું આ ચઢાણ શિવ અને સાધુએ સુરજ ઉગ્યા પછી શરૂ કરી દીધુ હતુ. પર્વતની બગલમાં થઇને પસાર થવાનું હતુ.

દૂરથી સુંદર અને રમણીય દેખાતો પર્વત નિર્જન અને ક્રુર ભાંસી રહ્યો હતો. પરંતુ એનું કાળ સૌદર્ય તો અદભૂત જ હતુ. શિવ પોતાની ગતીએ આગળ વધી રહ્યા હતા. બપોર સુધીમાં સાધુનું શરીર થાક્યુ. શરીર જમાવતી ઠંડીમાં બન્નેએ થોડો વિરામ લીધો. બન્નેને સૂરજ ઢળતા પહેલા આ ચઢાણ ચડીને બીજી તરફ નીચે ઉતરવાનું હતી. જો આ ગતીએ બન્ને ચાલતા રહેશે તો શિવને વિશ્વાસ હતો રાતની ઠંડી કાતીલ બનશે. થોડો આરામ કરીને બન્ને તરત જ ચાલતા થયા. પરંતુ સાધુનું શરીર થાંકવા લાગ્યુ હતુ. એને હાંફ ચડવા લાગ્યો હતો.

***

‘એય શરીરનેં ધક્કો માર.’, કહીને શિવ ચાલતા થઇ ગયા. શિવની આંખોમાં ક્રોધ હતો. આ આંખો સાધુએ પહેલીવાર જોઇ હતી. સાધુનાં શરીરમાં તાકાત આવી અને એણે શરીરને જડપ આપી. પરંતુ શરીરમાં ઉર્જા પૂરી થઇ ચુકી હતી.

‘શરીર અહિં જ મરશે, અહિં જ સડશે અને સત્ય અહિંજ દંટાશે.’, શિવે ફરી ત્રાડ પાડી. સાધુએ પોતાની ડોક ઉંચી કરી. પર્વતની ટોચ પરથી હિમ ઉડી રહ્યો હતો. સૂર્ય શમી રહ્યો હતો. સાધુ થથરી રહ્યો હતો. એ હાંફી ગયો. છતા એણે પોતાના શરીરને ધક્કો માર્યો. પોતાની પૂરી તાકાત લગાવીને એણે શરીરને આગળ ધપાવ્યુ. શિવ ચાલતા રહ્યા. અચાનક પાછળ કોઇ અવાજ આવ્યો. એક ચીસ સંભળાઈ. શિવની આંખમાં ભયંકર ક્રોધ હતો. પર્વતોનાં ઢાળાવ પર સાધુ ગબડી રહ્યો હતો. અચાનક એનાથી કોઇ વૃક્ષનું મૂળીયુ પકડાઈ ગયુ. એ પોતાનું બધુ જ બળ લગાવીને ઉભો થયો. એની કોણી અને ગોઠણ પર વાગ્યુ હતુ. લોહી ક્ષણમાં જ થીજી ગયુ. પરંતુ પીડા નહોતી થીજી.

‘અહિં મૃત્યુ છે. ઉભો થા.’, શિવે ભયંકર ત્રાડ મારી. ઠંડ અને ડરથી સાધુ થથરી ગયો. એણે પોતાનું બધુ જ જોર લગાવ્યુ. સુર્ય ક્ષિતીજ પર નમી રહ્યો હતો અને શિવ સાધુ બન્ને હજુ પર્વતનું ચઢાણ પૂરૂ નહોતુ કરી શક્યા. આખરે સુર્ય ઢળ્યો. સાધુનું શરીર પડ્યુ.

‘હું નહિં આવી શકું.’, સાધુએ પડીનેં કહ્યુ. શિવનીં આંખો ભયંકર રીતે પહોળી થઇ.

‘તમે જાઓ’, સાધુ ફરી બોલ્યો. શિવે સાધુના વસ્ત્રો ખેંચ્યા અને એક તરફ ફંગોળ્યો.

‘ઉભો થા.’, શિવે ત્રાડ પાડી. સાધુ ઉભો થયો. શિવે પોતાના થેલાંમાંનું એક પીણુ ઘા કર્યુ.

‘આ પી અને ચાલતો થા.’, શિવે કહ્યુ. સાધુએ એ શીશી પકડી અને ગટકાવી ગયો. થોડી ઠંડી શમી.

‘જો ત્યાં ગુફા છે ત્યાં સુધી ચાલવાનું છે.’, શિવે આંગળી ચીંધીને કહ્યુ. સાધુએ ફરી બધો જ સામાન ઉઠાવ્યો. પરંતુ એના પગ ઉપડી નહોતા રહ્યા. સૂર્ય ઢળી ચુક્યો હતો. ચાંદની રાતમાં અને કપરી ઠડીમાં ચઢાણ હતુ. ક્રોધીત શિવ આગળ આગળ ચાલી રહ્યા હતા અને એ ડરના લીધે સાધુનું શરીર પાછળ પાછળ દોરાઈ રહ્યુ હતુ. ફરી એકવાર સાધુ લથડ્યો અને ફરી એકવાર એનું શરીર ઘવાયુ. હવે એ લોહીથી ખરડાયેલ હતો. શિવે કોઇ જ મહત્વ ના આપ્યુ. ગુફા બહુ દૂર નહોતી. સાધુનું શરીર પૂરેપૂરૂ થીજી ગયુ હતુ. ગુફા પર આવતા જ એ પડી ગયો. ગુફામાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી, પરંતુ એ પૂરતી નહોતી. રાત જામી હતી. હવે ઠંડો પવન નહોતો. હિમાલયની ગીરીમાળાના એક પર્વત પર માત્ર હિમ જ હતો. સાધુ ગુફાનાં એક ખુણામાં બધા જ વસ્ત્રો ઓઢીને પડ્યો હતો. એ થથરી રહ્યો હતો. શિવ ગુફાના છેડે ઉભા હતા. ચાંદનીમાં ખાસ્સુ કંઇ નહોતુ દેખાઈ રહ્યુ. માત્ર પર્વતોની ચોંટીઓ દેખાઈ રહી હતી.

'શિવ.', પાછળથી અવાજ આવ્યો. સાધુ હવે ઠંડી સહન કરવાની ક્ષમતા ગુમાવી ચુક્યો હતો. શિવની આંખોમાં કાળ હતો. એણે સાધુ સામે જોયુ. ડરના લીધે એનું શરીર થોડું ગરમ થયુ.

‘મારી સામે મૃત્યુ છે.’, સાધુ બોલ્યો. ‘આજ મારો અંત છે. મારૂ સત્ય અહિં સુધીનું જ છે.’

‘એય… હું જ કાળ છું.’, એણે પ્રચંડ ત્રાડ પાડી અને પોતાનો પગ બરફાચ્છાદિત ગુફા પર પછાડ્યો. જાણે ગુફા ધણધડી. સાધુ ડરી ગયો અને ખુણામાં ઘુસી ગયો.

શિવ નટરાજની મુદ્રામાં આવ્યા. એનીં આંખોમાં ખરેખર કાળ હતો. શિવનાં બાંધેલા વાળ ખુલી ગયા. એણે ત્રીશૂળ તરફ હાથ લંબાવ્યો અને ત્રીશૂળ ખેંચાઈને પોતાના હાથમાં આવી ગયુ. જોળીમાંથી સાંપ બહાર આવ્યો અને ડમરૂ પણ ખેંચાઈ આવ્યુ. શિવે ફરી પ્રંચડ ત્રાડ પાડી. એની આંખો બહાર આવી ગઇ હોય એટલી પહોળી હતી. શિવે નૃત્યની મુદ્રા બદલી અને શરીર પરનું એકે એક કપડૂ સરી ગયુ અને હવાનાં વહેણમાં વહી ગયુ. શિવે પોતાના પગ પછાડવાનું શરૂ કર્યુ. સાધુ શિવનું આ રૌદ્ર રૂપ જોઇને હેબતાઈ ગયો હતો. પગની પછડાટ અને નૃત્યની મુદ્રાઓ તીવ્ર બની રહી હતી. હવે શરૂ થયુ હતુ શિવનું તાડવ. સાધુ માત્ર આંખો ફાડીનેં થથરતો થથરતો જોઇ રહ્યો હતો. ગુફામાં ઠંડી ઓછી થઇ રહી હતી. શિવનું નૃત્ય પ્રંચડ થઇ રહ્યુ હતુ. ગળા પર સાંપ, હાથમાં ડમરૂ અને ત્રીશૂળ અને ચાંદની રાત. શિવે આજે વિનાશનું નૃત્ય માંડ્યુ હતુ. સમય વિતતો ગયો. નૃત્ય તીવ્ર બનતુ ગયુ. ગુફા ગરમ થતી ગઇ. અને એ સમય આવ્યો જ્યારે શિવના શરીર પર અગ્નિ જ્વાળાઓ હતી. હવે સાધુ ઠંડીના લીધે નહિં પણ આ કાળ સ્વરૂપના લીધે મૂર્છીત થવાના આરે હતો. પરંતુ આ કાળનું અદભૂત રમણીય સ્વરૂપ એ એને મૂર્છીત થવા દે એમ નહોતુ. ગુફામાં સહેંજ પણ ઠંડી નહોતી. ગુફા પીળા પ્રકાશથી ગાજી રહી હતી. ગુફા પગની પછડાટથી ગાજી રહી હતી. શિવનાં અંગે અંગે અગન જ્વાળાઓ હતી. આજે શિવનાં આ નૃત્યનોં કોઇ અંત ના હોય એવું લાગી રહ્યુ હતુ. સાધુનાં થીજેલા ઘાવમાંથી લોહી વહેવાનું શરૂ થયુ અને હવે એની પીડા શરૂ થઇ. એને ખબર પડી કે એના પગનું હાડકું ખડેલ છે. પરંતુ એનાથી કોઇ ફરિયાદ થાય એમ નહોતી. જો કરત તો પણ એને શિવ પોતાની અગ્નિથી ભસ્મી ભૂત કરી દેત. શિવનાં એ અગનનૃત્યમાં સહેંજ પણ ખલેલ માફ નહોતી. જાણે આખુ અસ્તિત્વ નાચી રહ્યુ હોય એવું લાગી રહ્યુ હતુ. કિલોમિટરો લાંબી પર્વતમાળાનાં એક પર્વતની ગુંફામાં લાલ-પીળી પ્રચંડ અગ્નિ નાચી રહી હતી. પર્વતો જાણે ધૃજી રહ્યા હતા. સાધુ પાસે માત્ર એક જ વિકલ્પ હતો સાક્ષી બનીને બની રહેલી ઘટના જોવાનો. નૃત્ય વચ્ચે એણે પોતાના પગને ઠીક કરવા તાકાતથી ઘુસ્સો પોતાના પગ પર માર્યો. પોતાનાં મોંમાંથી એક મોટી ચીસ નીકળી. શિવનું નૃત્ય વધારે પ્રચંડ બન્યુ. જેમ જેમ રાત કપાતી ગઇ એમ શિવ અગ્નિમાં દંટાતા ગયા હતા. નૃત્યુ આખી રાત ચાલ્યુ.

સાધુનેં પ્રચંડ પીડામાં કોઇક દેખાયુ.

‘મેઘ…!’, સામે નવ્યા હતી. મેઘનીં આંખોમાંથી આંસુ સરી પડ્યા.

‘તુ મેઘ છે.’, નવ્યા બોલી. પાછળ ગુફાને ધણધણાવતુ મહાનાદ કરતું નૃત્ય શરૂ હતુ.

‘કોણ મેઘ. હું સાધુ છું.’, સાધુ બોલ્યો.

‘તુ મેઘ છે અને હું તારી નવ્યા.’, નવ્યા બોલી.

‘હું નથી ઓળખતો.’, સાધુ પ્રચંડ પીડા સહન કરતા બોલ્યો.

‘હું તારી વિસરાયેલી સ્મૃતિ અને અધૂરૂ સત્ય છું.’, નવ્યા બોલી.

‘હું મેઘ છું.’, તરત જ સાધુને શિવ પહેલીવાર મળેલા ત્યારનો ‘મેઘ’ શબ્દ યાદ આવ્યો.

‘તુ મેઘ છો. યાદ રાખજે.’, નવ્યા બોલી.

‘તુ મેઘ છો.’, બોલતી બોલતી નવ્યા પાછળ જઇ રહી હતી.

‘તુ મેઘ છો.’ શિવના શરીર પરની અગ્નિ જ્વાળાઓ ધીમેં ધીમેં ઘટી રહી હતી.

‘હું મેઘ છું.’, સાધુ બોલી રહ્યો હતો.

‘તુ મેઘ છો.’, ફરી નવ્યાએ એક પગલ પાછળ જતા ભર્યુ.

‘હું મેઘ છું.’, સાધુએ એ વાક્યની પૂનરઉક્તિ કરી.

‘તુ મેઘ છો.’, શિવનાં શરીર પરની બધી જ્વાળાઓ શાંત થઇ ચુકી હતી. ક્ષિતીજ પર લાલ રંગો રંગાયા હતા.

‘હું મેઘ છું.’, સાધુ બોલ્યો.

‘તુ મેઘ છો.’, શિવનું શરીર નૃત્યમાંથી શાંત નટ મુદ્રામાં આવી ગયુ. કોઇ જ તરંગો નહિં. નવ્યાએ વધુ એક પગલુ પાછળ ભર્યુ.

‘હું મેઘ છું.’, સાધુ નવ્યાનેં જોઇને ફરી બોલ્યો. એની બધી જ પીડા સ્મૃતિઓએ હરી લીધી હતી. એને તરત પોતાની માંનો ચહેરો દેખાયો. શિવનું શરીર શાંત, સ્થિર અને શિત થઇ ચુક્યુ હતુ. ક્ષિતીજ પરથી પહેલુ સુર્ય કિરણ ગુફામાં ફેંકાયુ.

‘તુ મેઘ છો.’, નવ્યા બોલી. આ વખતે નવ્યાનાં ચહેરામાં એને નંદિની પણ દેખાણી. બન્ને શિવમાં વિલીન થઇ ગયા.

‘હું મેઘ છું.’, મેઘ બોલ્યો. એને પોતાના પૃથ્વિ પરનાં જીવનનું ભાન થયુ.

શિવની બન્ને તેજ ભરી આંખો ખુલી અને એના હોઠ પરથી શબ્દો સર્યા. ‘હું શિવ છું.’

***

શું મેઘ એની મૂળ સ્મૃતિઓ મેળવી શકશે? શું મિનાક્ષી એના પ્રેમને મેળવી શકશે? શું મેઘ અને નવ્યા મળાશે? જાણવા માટે વાંચો ધ પ્લે પ્રકરણ – ૧૪ આવતા શુક્રવારે. Please do Share and Rate story. Don’t forget to send me your views and reviews.

લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.