ચૌલા આવી ! Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચૌલા આવી !

ચૌલા આવી !

થોડી વાર થઈ, ને ચૌલાની નાવડી ત્યાં અટકી લાગી. તરત દીવો ઓલવીને, ત્રણે જણા કંદરામાંથી બહાર નીકળ્યા. દામોદરને પોતે પ્રગટ થઈ જવાનો ભય લાગ્યો. તે એકદમ આઘે ખસી જઈને ખડકની બહારની ભીંત સમો થઈ ગયો. ત્રણે જણા ખડકની ટોચ ઉપર દોડ્યા ગયા હતા.

નાવડી અટકતાં જ તેમાંથી ચૌલા નીચે ઊતરી. નાવડીવાળો કોણ હતો તે કાંઈ અંધારામાં દેખાયું નહિ. ચૌલા આવી અને એણે તરત અવાજ આપ્યો :

‘પંડિતજી ! તમે જ છો કે ?’

‘હા, હા, બીજું કોણ હોય ? અમે જ છીએ !’ ધૂર્જટિે કહ્યું.

ચૌલા ઉતાવળે ઉતાવળે ખડકની ટોચ ઉપર જતી લાગી. દામોદર મહેતો પોતાના સ્થાનમાંથી ધીમેધી બહાર નીકળ્યો. તેમની વચ્ચે થતી વાતચીત સાંભળવા માટે એણે બીજું સ્થાન મેળવી લેવું જોઈએ. તે પાંચ-દસ પગલાં આગળ વધીને ઉપર ચડ્યો. અને એક આગળ વધતા ખડકના ઢાંકણ નીચે જાતને છુપાવી દીધી. પોતે ત્યાંથી કાંઈ દેખાતો ન હતો. પણ અવાજ પકડવા માટે સ્થાન ઘણું સારું હતું. ચૌલા ઉપર પહોંચી ગઈ લાગી. ચારે તરફના વિસ્તીર્ણ મહાસાગરને એ નિહાળીને જોતી હોય તેમ લાગ્યું. એ બોલી એટલે એ વાત સ્પષ્ટ થઈ. ‘પંડિતજી !’ તે બોલી રહી હતી : ‘આ જુઓ તો ! મને ઘણી વખત થાય છે, આ મહાન જલરાશિ મને પોતાની અદ્‌ભુત નૃત્યલીલામાં એક નર્તન કરતું મોજું ક્યારે બનાવી દેશે ? એમ રાત ને દિવસ અનંતકાલ સુધી, ભગવાન સોમનાથને ચરણે, નૃત્ય કરતા રહેવામાં કેટલો આનંદ પડતો હશે ? જ્યારે જ્યારે હું આ સોમનાથ સમુદ્રનું નૃત્ય જોઉં છું. ત્યારે ત્યારે મને લાગે છે કે, હું પોતે જાણે એનું એક વખત મોજું જ હઈશ. કોઈ કારણથી મને એણે આંહીં ફેંકી દીધેલ છે ! શો વિસ્તીર્ણ સાગર છે ? પૃથ્વી ઉપર નૃત્ય કરવામાં જે આનંદ મળે છે. તેના કરતાં એક હજારગણો વધારે આનંદ, જો સમુદ્રના આ વિસ્તીર્ણ પટ ઉપર નૃત્ય કરવાનું સદ્‌ભાગ્ય મળે, તો મળે ! પણ એ કોઈને મળ્યો છે તે મને મળે ? મારી એ મહેચ્છા છે, પંડિતજી ! સમુદ્ર ઉપર, જલસપાટી ઉપર, નૃત્ય કરતાં જવાની !’

પંડિતજી સાંભળી રહ્યો હતો. તે મોટેથી હસી પડ્યો : ‘અરે ! દેવી ! તમારી કઈ મહેચ્છા નથી ? તમારે તો માત્ર પવનની પાંખે થઈ શકે તેવું પતંગિયા-નૃત્ય ક્યાં કરવું નથી ? માણસની તમામ વૃત્તિને શમાવી દે, સારીનરસી તમામ વૃત્તિને શમાવી દે, તેવું શાંત જલસાગર-નૃત્ય તમારે ક્યાં કરવું નથી ? તમારે તો કૈંક નૃત્યો કરવાં છે. અને આ બધાં નૃત્યો દ્વારા માનવીને દેવો બનાવવા છે ! તમારું ચાલે, તો તમે નૃત્યને જ વાણીદેવતા બનાવી દો !’

‘નૃત્યનો ખરો મહિમા જ એ છે. ભગવાન શંકર પોતાની શક્તિને ગતિમાં મૂકે છે ને નૃત્ય ઊભું થાય છે. એમાંથી માનવ દેવ બને છે. નૃત્ય એ ક્યાં સામાન્ય વસ્તુ છે, પંડિતજી ? આ જલસાગર જોતાં જ અત્યારે એ સાંભરી આવ્યું ! એ દિવ્ય છે. એ દેવની વસ્તુ છે. દેવ માટે છે. ને દેવો સરજવા માટે છે. હું દેવની નર્તિકા છું એમ જ્યારે અનુભવું છું, ત્યારે મને થાય છે કે, જાણે દેવે જ મને કામ સોંપ્યું છે કે તું માનવમાંથી દેવતાઓની એક સેના સરજી દે ! એના એક સૈનિક તો તમે છો પંડિતજી !’

પંડિત ધૂર્જટિ થોડી વાર કાંઈ બોલ્યો નહિ. પછી તેણે ધીમેથી કહ્યું : ‘બીજા પણ બે છે. પણ અમારે તમને એક સમાચાર આપવાના છે.’

દામોદર ચૌલાને બોલતી સાંભળી રહ્યો. જે ચૌલા એણે વયજલ્લ* દેવના મઠમાં જોઈ હતી, તે તો ક્યાંયથી ક્યાંય ઊડી ગયેલી જણાતી હતી. આ ચૌલા તો નૃત્યનો દિવ્યકુંભ લઈને ઊભેલી, જાણે કોઈ અનુપમ જલસુંદરી જણાતી હતી ! કેવળ એના સ્વરભારમાંથી વિશ્વમોહિનીનું જે આકર્ષણ ઊભું થતું હતું, તે જોઈને જ દામોદર તો ચકિત થઈ ગયો. એનું પ્રત્યક્ષ દર્શન કેટલું

-------------------

*વાચિનીદેવી.

ત્રિભુવનડોલક હશે, એનો વિચાર કરી રહ્યો. પોતાની કામગીરી કેટલી અઘરી નીવડવાની, એનો ખ્યાલઆવતાં એ ધ્રૂજી ગયો. એટલામાં ફરીને ચૌલાનો અવાજ સંભળાયો :

‘શું સમાચાર છે, પંડિતજી ? રાજા ભીમદેવ નવું મંદિર ઊભું કરે છે કે શું ?’

‘નવું મંદિર તો હમણાં હવે શું ઊભું થાય ?’ ધૂર્જટિ બોલ્યો : ‘એ તો હવે તમે ઊભું કરાવશો ત્યારે થશે નાં ? તમે જ એને નથી કહેવરાવ્યું કે, હું દેવનર્તિકા, ભગવાન સોમનાથની અખંડ નૃત્ય ઉપાસના કરનારી, તમને કહેવરાવું છું કે, ‘હવે જ્યારે મંદિર ઊભું કરો, ત્યારે પહેલાં દેવસેના ઊભી કરજો. તે વિના તો તમે દેશભરની સમૃદ્ધિ એક નાનકડા સ્થાનમાં ભેગી કરી દો છો, ને લૂંટવાવાળા આવીને લૂંટી જાય છે ! આ દેવમંદિર કઈ જાતનું ? તમે જ આ નથી કહેવરાવ્યું ? એટલે એ તો સાંઢણીદળ તૈયાર કરવામાં પડ્યા છે. એ ને રા’ પણ આ વાત તો છે મઠાધીશ્વર મઠપતિ મહારાજની !

‘કોની ? મઠપતિ મહારાજ ત્રિલોકરાશિજીની ?’

‘હા !’

‘શું ? શું વાત છે ?’

‘તમારા માટે એમણે આજ્ઞા આપી રાખી છે !’

‘શાની આજ્ઞા આપી છે ? કોને આપી છે ?’

દામોદરને ચૌલાના શબ્દોમાં રહેલ અધીરતાનો ખ્યાલ મૂંઝવી ગયો. ખુલ્લા આવાહનને ઝીલનારી ધ્રુજારી એ અધીરતામાંથી પ્રગટતી હતી. એ સચિંત સાંભળી રહ્યો.

‘મઠપતિ મહારાજની આજ્ઞા છે કે દેવનર્તિકા એ દેવનું પુષ્પ છે. એના પરિમલને સ્પર્શ કરનારો પવન પણ પાછો દેવચરણે વહે એટલી બધી શાસ્ત્રમર્યાદા અંકાયેલી છે; તો જ દેવનર્તિકા એ દેવનર્તિકા છે. નહિતર એ માનવ પણ નથી. મનોમન પણ, દેવનર્તિકા જો કોઈ માનવને રાગથી દેખે, તો થઈ રહ્યું ! એ પાપ દેવધામને નષ્ટ કરે ! એ દેવનર્તિકાને નૃત્યનો અધિકાર નહિ. દેવ પાસે એનું નૃત્ય હોય નહિ !’

‘પણ કોણ એવી નર્તિકા છે ? મનોમન રાગથી માનવને દેખે એવી ? મેં તો એવી કોઈ જાણી નથી !’

ધૂર્જટિ કાંઈ બોલ્યો નહિ.

‘કેમ બોલ્યા નહિ ? મઠાધિપતિને કઈ દેવનર્તિકામાં અવિશ્વાસ આવ્યો છે ?’

ધૂર્જટિ બોલતાં અચકાતો લાગ્યો.

‘તમતમારે બોલો, પંડિતજી ? કેમ બોલતા નથી ? પછી આપણો તો ઊપડવાનો સમય થઈ જશે.’

‘ત્યારે દેવી ! મઠાધિપતિની આજ્ઞા છે, તમારું નૃત્ય હવે ત્યાં ગુપ્તેશ્વર મંદિરમાં નહિ થઈ શકે !’

‘નૃત્ય નહિ થઈ શકે ? મારું ?’ ચૌલાના અવાજમાં ખણખણાટ કરતી સમશેર જોઈને દામોદર સચિંત થઈ ગયો. એને ઘર્ષણનો અગ્નિ પાસે આવતો લાગ્યો.

‘હા. તમારું નૃત્ય ન થઈ શકે. દેવ પાસે તમને નૃત્ય કરવાનો અધિકાર નથી.’

‘કારણ ?’

‘માનવપ્રેમ.’

‘માનવપ્રેમ ? એ શું છે ? હું તો એવા કોઈ માનવપ્રેમને જાણતી પણ નથી, પંડિતજી ?’

‘દેવી ! મહારાજ ભીમદેવ સાથે તમારે કોઈક વખત દૃષ્ટિરાગ હતો. એ પાછો સજીવન થયો છે એમ મઠપતિ પાસે વાત આવી છે.’

‘વાત આવી છે ? પણ એ ક્યારે મર્યો હતો તે સજીવન થાય, ધૂર્જટિજી ? પણ હું કોઈ રાજા ભીમદેવને ઓળખતી નથી. હું તો દેવસેનાના નાયકસમા એક રણરંગી પુરુષને માત્ર ઓળખું છું. એ ભીમદેવને - હજારોની સેનામાં એકલા ઝઝૂમતા ભીમદેવને. એને મેં લડતાં જોયેલ, અને એ વીરપુરુષોની ઓળખાણ તાજી થઈ. દ્વારકાના સમુદ્રથી અર્બુદાચલ સુધી, ને સિંધના રણમેદાનની પેલી મેરથી સૂર્યપુત્રી *ના કિનારા સુધી, એક અવિભક્ત, અવિચળ, અખંડ, પ્રતાપી, ચક્રવર્તી દેવનાયક સમો, જો કોઈ પુરુષોત્તમ આંહીં હશે, તો તમારું સોમનાથનું મંદિર હવે ઊભું રહેશે ! નહિતર ઊભું નહિ રહે. મને એ કલ્પના આવી છે. ભીમદેવને લડતાં જોઈને એ કલ્પના આવી ગઈ. હું તો એવા એકાદ સ્વપ્નપુરુષને ઊભો કરવા માટે દેવનર્તિકા છું. એનું શું ? કોણે કહ્યું કે હું રાજા ભીમદેવને ઓળખું છું ? તમે હજી જોતા નહિ હો, આંહીં જે પરદીશીઓ આવે છે. તેને તમારાદેવની ડી નથી. તમારા મંદિરની પડી નથી. એમને તો એક વાતની પડી છે. આ ઠેકાણે લોકોએ ઘેલછામાં આવીને, સોનાં, રૂપાં, હીરા, માણેક, મોતી ઠાલવ્યાં છે. એક જ સ્થાનેથી બધું ભેગું કરી લેવા માટે આ સ્થાન ખોટું નથી. તમારે ફરીને આ સ્થળમાં હીરા, માણેક, મોતી શું એટલા માટે ભેગાં કરવાં છે ? એવું દેવમંદિર ફરીને બનાવવું છે ? ભીમદેવ એવું દેવમંદિર ફરીને ન બંધાવે, એટલા માટે તો હું એને વિજયચક્રવર્તીની મહેચ્છાનું પેલું પ્રેમપાન આપી રહી છું. કોણે કહ્યું કે માનવપ્રેમ છે ? હું કોઈ માનવપ્રેમને જાણતી નથી. હું શેને જાણું છું, એ ત્યાં મઠપતિજીને કહીશ. હું દેવનર્તિકા છું. મારો અખંડ નૃત્યનો ક્રમ કદી ભગ્ન થયો નથી, કદી ભગ્ન થવાનો નથી, કદી ભગ્ન થઈ શકે નહિ. તમને ખબર છે, ધૂર્જટિજી ! કે હું તો આંહીં દર શિવરાત્રિએ, વદ ચૌદશે હમેશ, આવતી રહી છું. એ ક્રમ કોઈથી નહિ અટકે, ચાલો, તમે સાંઢણી લાવ્યા છો ? આપણો વખત થઈ ગયો છે. ચાલો !’

‘પણ દેવી...’

‘પણ શું પંડિતજી ? હું છું ને, તમે કેમ ધ્રૂજો છો ? આ સમુદ્રના તરંગો, ભગવાન સોમનાથના પાદપ્રક્ષાલન કરતા ક્યારે અટક્યા છે, કે હું અટકીશ ? હું જ્યારથી અનુભવું છું કે, સમુદ્રનું મોજું છું, ત્યારથી મને કોઈ ભય નથી. ચાલો ક્યાં છે ધ્રુબાંગ ?’

‘હું તો આ ઊભો દેવીજી !’

‘ત્યારે ચાલો...’

દામોદર હવે પ્રગટ થવું કે ન થવું, એની મૂંઝવણમાં પડી ગયો. એણે મનમાં વિચાર કર્યો. એણે વધારે ઝડપથી પહોંચી જઈને આ ઘર્ષણ ટાળવું રહ્યું. આજે ચૌલા ત્યાં પહોંચવાની. કાલે તૈયારી કરવાની. કાલે રાત્રે એણે ઘર્ષણ સમયે ત્યાં પહોંચી જવું જોઈએ. આજની એની આ મુસાફરીએ એને એટલા બધા તો નવા કોયડાને નવા અનુભવો આપ્યા હતા કે, એ થોડી વાર શાંત ચિત્તે એ વિષે વિચાર કરવા પણ માગતો હતો.

એટલે અત્યારે પ્રગટ ન થવાનું એણે યોગ્ય માન્યું. એને આંહીં આ ત્રણ અદ્‌ભુત વિરલ પુરુષોનો પરિચય થઈ ગયો. એ જેવી તેવી વાત ન હતી. એમના વિષે વિચાર કરતાં તો હજી પણ એનું રૂંવેરૂંવું ખડું થઈ જતું હતું. આ એક અદ્વિતીય ઘટનાને એના મગજમાં સ્થિર ગોઠવવા જતાં એ ધ્રૂજી ઊઠતો હતો. કેવા પુરુષો અને કેવી ઘટના ? એ બધાને ચૌલામાંથી અદૃશ્ય પ્રેરણા મળતી હતી. આ વાત જેવી તેવી ન હતી. મહાન ચક્રવર્તીપદ વિના દેવમંદિર નહિ સચવાય. ચૌલાનું મહાન સ્વપ્ન સાંભળીને તો એને લાગ્યું કે કાં તો પોતાનું સ્વપ્ન એને ત્યાં ગયું છે, કે પછી, ચૌલાનું સ્વપ્ન પોતાને ત્યાં જન્મ્યું છે !

અને એ જ વખતે એના મનમાં ઊગી નીકળ્યું કે આ તેજસ્વી નારીને એના આ સ્વપ્નમાંથી કોઈ રોકી શકે તેમ નથી. મઠપતિજી પણ, એટલી વારમાં બધાંને એણે ખડક ઉપરથી નીચે ઊતરતાં જોયાં. એણે ત્યાં ઊભા ઊભા સોમનાથના સમુદ્ર ઉપર એક દૃષ્ટિ કરી એને ચૌલાના શબ્દો સાંભરી આવ્યા. ખરેખર, આવો સમુદ્રકિનારો જે દેશને મળ્યો હોય, તેણે કાં તો પોતાને ત્યાં સુંદર સમૃદ્ધ શક્તિશાળી, દેવભૂમિ જેવી દેવભૂમિ સરજવી રહી, અથવા તો પછી કેવળ એમાં વનરાજી ઉગાડવી રહી.

આવી નયનમનોહર ભૂમિમાં કલ્પના અને સ્વપ્ના વિનાનાં વેંતિયાં માણસો ઊભરાય, એ તો મા-ધરિત્રી ઉપર કેવો જુલ્મ ગણાય કે, કેવળ એ જુલ્મમાંથી એને ઉગારવા માટે જે, કોઈકે આવીને દાતરડાથી ઘાસ કાપે તેમ, માણસોને કાપવાં રહ્યાં. ગર્જનક બીજું શું કરતો હતો ? સૌના વેંતિયાપણાનો લાભ લેતો હતો.

‘કદાચ...’ દામોદર વિચાર કરતાં ધ્રૂજી ગયો : ‘કદાચ એટલા માટે જ, આવાં ભયંકર આક્રમણો આવતાં નહિ હોય ?’ પણ એને વિચારમાં પડી જવાનો વખત ન હતો. એને સાંભરી આવ્યું કે એણે ભીમદેવ મહારાજનો હજી પત્તો મેળવવાનો હતો. એ આંહીં જોવામાં ન આવ્યા. એનો અર્થ એ કે એ સોમનાથ પહોંચ્યાં હોવા જોઈએ !

આ વસ્તુની એને જાણ હશે, તો એ ત્યાં સોમનાથમાં જ ક્યાંક બેઠેલા હશે.

બધાને ઊપડી ગયેલાં જોતાં જ દામોદર પણ ત્વરાથી પોતાના ઘોડાની પાસે જવા માટે નીકળ્યો.